Opinion Magazine
Number of visits: 9743477
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કરસનદાસ જે કરી શક્યા તે આજે કેમ કોઈ કરી શકતું નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|25 July 2023

જે ગુજરાતી કરસનદાસ મૂળજી [25 જુલાઈ 1832 – 28 ઓગસ્ટ 1871] વિશે જાણતા ન હોય તે સાચો ગુજરાતી નથી.

આ કરસનદાસે એકલા હાથે ધર્મના ઠેકેદાર સામે મોરચો માંડ્યો હતો. તેની સામે બદનક્ષી સબબ કેસ થયો હતો, જે ‘મહારાજ લાઈબલ કેસ’ તરીકે પ્રસિદ્ધ છે. કરસનદાસ સમાજ સુધારક / શિક્ષક / પત્રકાર / સાહિત્યકાર / સાહસિક મુસાફર / ઉત્તમ વહીવટકર્તા / સાચા સંવેદનશીલ માનવી હતા.

1855માં કરસનદાસે ‘સત્યપ્રકાશ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. સમાજ અને ધર્મસંપ્રદાયોમાં ફેલાયેલાં અનિષ્ટોની આકરી આલોચના કરી. 21 ઓક્ટોબર, 1860ના રોજ ‘સત્યપ્રકાશ’માં વૈષ્ણવ આચાર્ય જદુનાથજી મહારાજના પાખંડ વિરુદ્ધ તેમણે લેખ લખ્યો : ‘હિંદુઓનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો.’ ઊહાપોહ થયો. પાખંડી ધર્માચાર્યો હચમચી ગયા. આ લેખને જાહેર બદનામી ગણાવીને જદુનાથજી મહારાજે 14 મે 1861ના રોજ કરસનદાસ પર મુંબઈની સર્વોચ્ચ અદાલતમાં 50,000/– રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો. કરસનદાસ કોર્ટમાં હારી જાય તે માટે ષડયંત્ર રચાયું, જે ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ તરીકે જાણીતો છે, તેમાં પણ જદુનાથજી મહારાજની હાર થઈ ! કરસનદાસ પર કોર્ટમાં હુમલો થયો, પરંતુ તે અડગ રહ્યા.  આખરે બન્યું ઊલટું, દાવો માંડનાર જદુનાથ મહારાજે રુપિયા 50,000/- કરસનદાસને ચૂકવવા પડ્યા ! કરસનદાસે રાજકોટ અને લીંબડીના વહીવટદાર તરીકે સેવા આપી હતી.

કરસનદાસે 23 પુસ્તકો લખ્યાં છે. તેમાંથી ‘મહારાજ લાઈબલ કેસ’ તથા 1866માં પ્રકાશિત ‘ઇન્ગ્લેન્ડમાં પ્રવાસ’ પુસ્તકો દરેક ગુજરાતીએ વાંચવા જોઈએ. 1863માં તેમણે ઇન્ગ્લેન્ડનો પ્રવાસ કરેલ તેથી કપોળ જ્ઞાતિએ તેમને નાત બહાર મૂકેલ ! કરસનદાસ જીવનપર્યંત જ્ઞાતિ બહાર રહ્યા. માત્ર 39 વર્ષની વયે તેમનું લીંબડી ખાતે અવસાન થયું. આ બન્ને પુસ્તકો એટલા માટે વાંચવા જોઈએ કે કરસનદાસ ધર્મ વિરોધી ન હતા; પરંતુ પાખંડના / રુઢિચુસ્તતાના જબરજસ્ત વિરોધી હતા અને પ્રગતિશીલતાના પ્રખર સમર્થક હતા.  

‘ઇન્ગ્લેન્ડમાં પ્રવાસ’માં કરસનદાસ ઉદ્યોગ / હોંશિયારી / એકબીજાથી ચડિયાતા થવાની હોંશ / કામની વહેંચણી / હારી જાય તો ય કામ ન છોડવું / સાહસ / દૈવત-એનર્જી / હિંમત / ટેક / સ્વતંત્રપણું / પરોપકારબુદ્ધિ બાબતે ઇન્ગ્લેન્ડ અને દેશીઓ વચ્ચે તુલના (પેજ- 224થી 237) કરી છે : “ઈંગ્લેન્ડની પ્રજાનો મોટામાં મોટો ગુણ ઉદ્યોગ છે. આપણા દેશમાં તન અને મન લગાડી એક સરખી મહેનત કરનારા થોડા પરુષો મળશે. ઈંગ્લેન્ડમાં મહેનતું લોકો ઠામેઠામ મળશે. ઇંગ્લેન્ડની પ્રજાનો બીજો મોટો ગુણ હોંશિયારી છે. આપણા દેશીઓમાં ઉદ્યોગ થોડો છે તેની સાથે હોંશિયારી પણ થોડી છે. એકબીજાથી ચડિયાતા થવાની હોંશ ઇંગ્લેન્ડની પ્રજામાં અતિશય જોવામાં આવે છે. આપણા લોકોમાં આ હોંશ નથી. એકબીજાથી ચડિયાતા થવાની હોંશ જ્યાં સુધી આપણા લોકોમાં આવશે નહીં ત્યાં સુધી દેશ પાછળનો પાછળ રહેતો જશે. કામની વહેંચણીનો ગુણ આપણાં દેશીઓ જાણતા નથી. જુદું જુદું કામ જુદાં જુદાં માણસોએ કરવું અને અનેક કામમાં એક માણસે હાથ ન નાખવો, એનું નામ કામની વહેંચણી. એક માણસ જેટલાં કામ કરી શકે તેટલાં તેમની પાસે કરાવવાં અને ‘કસર’ માટે વધારે માણસ રાખવા નહીં, આ નિયમ ઉપર દેશીઓ ચાલે છે. આપણે જેને કસર સમજીએ છીએ તે અંતે નુકસાન કરે છે ! હારીને કામ છોડવું નહીં એ ઇંગ્લેન્ડની પ્રજાનો કિંમતી ગુણ છે. તેઓ મંડ્યા રહે છે તેથી એ દેશને લાભ થયો છે. જ્યારે આપણે એવા કામમાં હાથ નાખીશું જેનું તરત ફળ મળે ! વિલાયતના લોકોમાં હોંશનો ગુણ છે. હોંશ વિના મોટાં અને ભારે કામ પાર પડી શકતા નથી. સાહસનો ગુણ ઇંગ્લેન્ડની પ્રજામાં વિશેષ જોવા મળે છે, જે દેશીઓમાં ઓછો જોવા મળે છે. દૈવત-એનર્જીનો ગુણ અંગ્રેજ પ્રજામાં મોટો છે. આપણું દૈવત ક્યાં ભરાઈ બેઠું છે? ઇંગ્લેન્ડની પ્રજામાં હિમ્મતનો ગુણ ઘણો મોટો છે. હિમ્મત વિના મોટા કામ થઈ શકતા નથી, હિમ્મત વિના મોટા રાજ મળતા નથી, મોટા રાજ ચાલતા નથી. હિમ્મતથી અંગ્રેજ લોકો શું કરી શક્યા છે તે આપણી સામે છે. માણસે ખોટી મમત મૂકી દેવી જોઈએ પણ હલકું કામ નહીં કરવાની ટેક રાખવી જોઈએ. ઇંગ્લેન્ડમાં જેવું છૂટાપણું રાજા તથા અમીર ભોગવે છે તેવું જ છૂટાપણું ગરીબ રઈયત પણ ભોગવે છે. ઇંગ્લેન્ડરાજની મોટી ખૂબી તેના ‘ઈન્સાફની ગોઠવણ’માં છે. જ્યાં અમીર તથા ફકીરને અથવા શ્રીમંત તથા ભિખારીને સરખો અને વાજબી ઈન્સાફ મળે છે. પરોપકાર કોને કહેવો એ જેવું વિલાયતના લોકો સમજે છે તેવું આપણા દેશીઓ સમજતા નથી. માણસને ઠગવો, તેનું ધન લૂંટી લેવું અને જાનવરો માટે પાંજરાપોળ બાંધવી અથવા બ્રાહ્મણોને સારી પેઠે ઘીગોળના લાડુ જમાડવા એ પરોપકાર નથી !”

કરસનદાસે 1860માં ધર્મ ક્ષેત્રના પાખંડીઓ સામે પડીને જબરજસ્ત સામાજિક ક્રાન્તિ કરી હતી. સવાલ એ છે કે કરસનદાસ તેમના સમયે જે કરી શક્યા તે આજે કેમ કોઈ કરી શકતું નથી? કેમ કોઈ પાખંડનો પર્દાફાશ કરવા તૈયાર થતું નથી? તે સમયે વૈજ્ઞાનિક અભિગમના કારણે અંગ્રેજો ધાર્મિક પાખંડની સામે હતા; આજે સત્તાપક્ષ ધાર્મિક પાખંડીઓના પક્ષે છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચંદ્રનામા: મૂનથી મંડે અને સોમથી સોમવાર સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 July 2023

રાજ ગોસ્વામી

દેશમાં અત્યારે ભારતની ચંદ્રયાત્રાની ચર્ચા છે. ઈસરોનું ચંદ્રયાન-3 ચંદ્રની સફર પર છે. ગઈ 14મી જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં, સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી, સફળતાપૂર્વક અવકાશમાં છૂટ્યું હતું. તે સંભવત: 23-24 ઓગસ્ટના રોજ ચંદ્રની ભૂમિ પર પગ મુકશે. ઈસરોનું આ ત્રીજું ચંદ્રયાન છે. 2019માં, બીજા ચંદ્રયાન વખતે, રોબોટિક સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ઉતરતી વખતે ઊથલી ગયું હતું. ચંદ્રયાન-3 એનું જ ફોલો-અપ છે.

આશરે 450 કરોડ વર્ષ પહેલાં, મંગળ ગ્રહના આકારનો ‘થેઈયા’ નામનો એક ખગોળીય પિંડ, તાજી અને તરલ પૃથ્વીમાં અથડાયો હતો અને લગભગ તેને ચકનાચૂર કરી નાખી હતી. એના કાટમાળમાંથી નવી પૃથ્વી અને ચંદ્રનો જન્મ થયો હતો.

પૃથ્વી પર જ્યારે માનવ પ્રજાતિનું આગમન થયું, ત્યારે ચંદ્ર તેની જિજ્ઞાસાનું કેન્દ્ર બની ગયો હતો. સૂર્ય તરફ તો નજર નાખવી અઘરી હતી અને તે તો સ્થિર જ હતો, પરંતુ ચંદ્ર તેનું સ્થાન બદલતો રહેતો હતો અને ઘણો શીતળ હતો, એટલે મનુષ્યોને તેને લઈને એટલું વિસ્મય થતું હતું કે તે માનવજીવન અને સંસ્કૃતિમાં વણાઈ ગયો હતો. ભારતના ચંદ્રમાથી લઈને ગ્રીક દેવી સેલેના અને ચીનની દેવી ચાંગ સુધી માનવ ઇતિહાસમાં એક દિવ્ય આત્મા તરીકે ચંદ્રની હાજરી કાયમ રહી છે. ચંદ્ર ગ્રહની માફક, એ નામોની કહાનીઓ પણ દિલચસ્પ છે.

ચંદ્રનો શબ્દશઃ અર્થ થાય છે ચમકદાર, તેજ, દીપ્તિમાન. સંસ્કૃતમાં ચંદ્ર માટે બીજાં પણ નામો છે. જેમ કે – સોમ (આસવ), ઇન્દુ (ઉજ્વળ), અત્રિસુતા (અત્રિનો પુત્ર), શશિન અથવા શચિન (સસલાથી ચિન્હિત), તારાધિપ (તારાઓનો સ્વામી), નિશાકર (રાત બનાવનાર), નક્ષત્રપતિ (નક્ષત્રનો સ્વામી) ઔષધિપતિ (જડી-બુટ્ટીઓનો સ્વામી) ઉડુરાજ અથવા ઉડુપતિ (જળ સ્વામી), કુમુદનાથ (કમળનો સ્વામી) અને ઉડુપા (નાવ).

પ્રાચીન લોકો ચંદ્રને વ્યવહારિક રીતે ઉપયોગી ગ્રહ ગણતા હતા. સૂર્ય ઊગે અને આથમે તે એક દિવસ ગણાતો હતો, પરંતુ ચંદ્રમાનું ચક્ર 29.5 દિવસ ચાલતું હતું એટલે તે સમયની ગતિ માપવાનું અગત્યનું સાધન હતો. ઘણી સંસ્કૃતિઓમાં દરેક પૂર્ણિમાને કૃષિ સાથે જોડીને અલગ-અલગ નામ આપ્યાં હતાં. આજે પણ ખેતીકામનો મોટાભાગની પ્રવૃત્તિઓ સાથે ચંદ્ર જોડાયેલો છે.

આમાં ચંદ્રનું ‘સોમ’ નામ બહુ રસપ્રદ છે. વેદોમાં સોમ દેવનો ઉલ્લેખ છે. સોમ શબ્દનો પ્રયોગ પીડાશામક નશીલા અને ઉપચારમાં કામ આવતા છોડ માટે કરવામાં આવતો હતો. તેના પરથી સોમરસ શબ્દ છે. એવું તથ્યાત્મક રીતે માનવામાં આવે છે કે ચંદ્રની અવસ્થાની માણસોના મૂડ પર અસર પડતી હતી એટલે વેદકકાળના લોકોએ તેને સોમ કહેવાનું શરૂ કર્યું હતું.

એક આડ વાત; માણસોના સંદર્ભે એવો જ એક શબ્દ “લુનાટિક” છે. જે ગાંડો હોય તે લુનાટિક કહેવાય. લેટિનમાં, ચંદ્ર માટે લુના શબ્દ છે. પાગલખાના માટે અંગ્રેજીમાં લુનાટિક અસાઈલમ શબ્દ છે. મૂનના પ્રભાવ પરથી અંગ્રેજીમાં મૂનસ્ટ્રક શબ્દ છે, અર્થ થાય છે જે પ્રેમમાં પાગલ છે તે. ઇટાલિય ભાષામાં સોમવાર માટે લુનેડિ શબ્દ છે. ફેન્ચમાં લુંડી છે. સ્પેનિશમાં લુનેસ અને જર્મનમાં મોન્ટેજ છે. પંદર વર્ષ પહેલાં, ચન્દ્રયાન-1 ચંદ્ર પર ગયું હતું અને ત્યાં ઉત્તર ધ્રુવ પર પાણી છે તેવી શોધ કરી હતી. એવી જ શોધ માટે, ચંદ્ર પર ઉતરનારું માણસે બનાવેલું પ્રથમ વાહન સોવિયત સંઘનું હતું. તેનું નામ લુના-2 મિશન હતું.

ખેર, સોમને લઈને વિદ્વાનોમાં વિવાદ પણ છે. અમુક વિદ્વાનોનો દાવો છે કે વેદોમાં જ ચંદ્રમા માટે સોમ શબ્દનો પ્રયોગ થયો છે. અમુક વિદ્વાનોના મતે વેદ પછીના સાહિત્યમાં આ શબ્દ વપરાયો છે. વૈદિક વિજ્ઞાનમાં સોમનું મહત્ત્વ ઘણું છે. સોમને અમૃત પણ કહેવાય છે કારણ કે તે નષ્ટ થતું નથી. સોમ ઉર્જા પણ છે. વૈદિક લોકો માનતા હતા કે સૂર્ય ચંદ્રમાની ઉર્જાથી પોષિત છે અને પ્રકાશના રૂપમાં આપણા સુધી આવે છે. ગાયના દૂધને પણ અમૃત કહેવાય છે કારણ કે તે પણ સોમની જેમ ચીકણું અને તરલ છે. દૂધમાંથી ઘી બને છે અને એ ઘીને હવનમાં હોમવામાં આવે તો તે સોમ કહેવાય.

સપ્તાહના પહેલા દિવસનું નામ સોમવાર સોમ પરથી આવ્યુ છે. વાર એટલે વારો. મારો વારો, તારો વારો. એવી રીતે દિવસના સાત વારાને સાત ગ્રહોનાં નામ આપવામાં આવ્યાં હતાં. આજે પણ ગ્રહોની પૂજા કરવા માટે જે તે દિવસ પસંદ કરવામાં આવે છે. એમાં પહેલો સોમ-વાર, ચંદ્રનો દિવસ. સોમવારને શિવનો વાર પણ કહેવાય છે અને શિવજીની સોમદેવ પણ કહે છે. સંસ્કૃતમાં સોમવાર માટે ચંદ્રવાર શબ્દ છે અને મરાઠીમાં આજે પણ તે વપરાય છે. આપણે ત્યાં અમુક ગોત્રોને સોમવંશી કહે છે. તે જ રીતે સૂર્યવંશી ગોત્ર પણ હોય છે.

આપણા સોમવાર અને અંગ્રેજી મંડે વચ્ચે પણ સંબંધ છે. જેમ સોમ ચંદ્રનું નામ છે, તેવી રીતે મંડેમાં પણ ચંદ્ર છે; મૂનડે. મંડે શબ્દ રોમન સામ્રાજ્ય વખતે ગ્રીક અને લેટિન ભાષામાંથી આવ્યો હતો. મૂન શબ્દ ઇન્ડો-યુરોપિયન ભાષાના ‘મેન્સિસ’ શબ્દ પરથી આવે પરથી આવે છે, જેનો અર્થ થાય છે ‘મહિનો,’ એટલે કે મંથ. સ્ત્રીઓનું મેન્સિસ પણ અહીંથી જ આવે છે. જૂના જમાનામાં સ્ત્રીઓમાં એવું માન્યતા હતી (જે ખોટી હતી) કે તેમનો માસિક ધર્મ ચંદ્રના ચક્કરથી પ્રભાવિત થાય છે.

જગતના સાહિત્યમાં પણ ચંદ્રનો બહુ પ્રભાવ છે. હકીકતમાં, માણસે વિજ્ઞાન શોધ્યું તે પહેલાં સાહિત્યમાં કલ્પનાઓના માધ્યમથી તેણે ચંદ્રનું રહસ્ય પામવા માટે પ્રયાસ કર્યો હતો. તેના પરથી જ ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’ કહેવત આવી હતી (રવિ એટલે સૂર્ય, અર્થાત, સૂર્યનો પ્રકાશ ન પહોંચે ત્યાં). સાહિત્યમાં સૂર્ય પૌરુષિક ઉર્જાનું પ્રતિક છે, જ્યારે ચંદ્ર સ્ત્રૈણ ઉર્જાનું. કળા-સાહિત્યમાં ચંદ્ર શીતળતા, શાંતિ અને સૌન્દર્યનો પ્રતિનિધિ છે.

ચંદ્ર એક જમાનામાં કલ્પનાનો વિષય હતો. હવે વિજ્ઞાનની પ્રગતિ સાથે તે ‘હાથ વેંત’માં આવી ગયો છે. વિજ્ઞાન ચંદ્ર પર પાણીની શોધ કરી રહ્યું છે, જેથી એ સાબિત થાય કે ત્યાં જીવન શક્ય છે. પરગ્રહ પર જીવન શોધીને માણસ વૈકલ્પિક ઘર બનાવાની ફિરાકમાં છે. પ્રોફેસર સ્ટિફન હોકિંગે અનુમાન કર્યું છે કે આપણે જે રીતે પૃથ્વીની વાટ લગાડી છે તે જોતાં 600 વર્ષમાં માણસે અહીંથી ઉચાળા ભરવા પડશે.

ઇઝરાયેલી ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ તેમના પુસ્તક ‘સેપિયન્સ’માં આના પર એક રમૂજ પણ કરી હતી :

ચંદ્ર મિશન પહેલાં, નિલ આર્મસ્ટ્રોંગ અને બીજા અંતરિક્ષ યાત્રીઓ પશ્ચિમ અમેરિકાના ચંદ્ર જેવા ઉજ્જડ પ્રદેશમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ત્યાં અમુક આદિવાસીઓ રહેતા હતા. એમાંથી કોઈકે પૂછ્યું કે, આ શું થઈ રહ્યું છે?

વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ મૂન મિશન છે, અમે ચન્દ્ર પર જઈશું. પેલો આદિવાસી વિચારમાં પડીને ચૂપ થઈ ગયો, પછી બોલ્યો, “એક મહેરબાની કરશો?”

“શું?”

“અમારો સમુદાય એમ માને છે કે ચંદ્ર પર પવિત્ર આત્મા વસે છે. તમે જો અમારો એક સંદેશો ત્યાં પહોંચાડો તો મહેરબાની,” અદિવાસીએ કહ્યું.

“સંદેશો શું છે?” અંતરિક્ષ યાત્રીએ પૂછ્યું.

અદિવાસીએ એની ભાષામાં સંદેશ લખાવ્યો. યાત્રીને સમજ ના પડી તો અદિવાસીએ કહ્યું કે ખાલી યાદ રાખીને ત્યાં બોલી જજો, એને સમજાઈ જશે.

યાત્રીઓ ટ્રેનિંગમાંથી પાછા આવ્યા પછી કોઈક ભાષાશાસ્ત્રીને શોધીને પેલો સંદેશો સમજવાની કોશિશ કરી. સંદેશો વાંચીને ભાષાશાસ્ત્રી જોર જોરથી હસવા લાગ્યો. એ શાંત થયો એટલે યાત્રીઓએ ફરી પૂછ્યું કે, સંદેશો શું છે?

પેલાએ વાંચ્યું, “આ જે લોકો ત્યાં આવ્યા છે, એમનો જરા ય વિશ્વાસ નહીં કરતા. એ તમારી જમીનો બથાવી પાડવા આવ્યા છે.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 23 જુલાઈ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જૂનાગઢનો અલગારી ફકીર કવિ 

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|24 July 2023

૧૯૯૨ના વૈશાખી મહિનાની કાળઝાળ એક બપોરે વડીલ કવિ મિત્ર કૈલાશ પંડિતના ઘરે હું સિકંદરી નિવાસમાં પહોંચી ગયો. કૈલાશભાઈ મુંબઈ આકાશવાણી પર ગઝલપઠનનું રેકોર્ડિંગ કરવા માટે  ગયા હતા, મને તેમણે આગલી સાંજે કહ્યું હતું કે “તું ઘરે નિરાંતે બેસજે, હું ચર્ચગેટ પર સ્ટુડિયોમાં રેકોર્ડિંગ જેવું પતશે, એટલે ઘરે આવી જઈશ અને હું ઘરે નહિ હોઉં તો પણ તને બા કે  મીનુ  ચાપાણી તો કરાવશે.”..

મીનુબહેને ચા સાથે આપેલ ગ્લુકોઝ બિસ્કિટનો નાસ્તો કરતો કૈલાશભાઈના બા સાથે મજેથી હું વાત કરતો હતો, ત્યાં જ કૈલાશભાઈ આવી ચડ્યા. મને કહે “પ્રીતમ !આજે તો બહુ જ ગરમી છે.” અને પછી મને કહે કે, “તારો આજે સાંજના શું પ્રોગ્રામ છે?” મેં કહ્યું ખાસ કંઈ નહીં, પણ આવતી કાલે વહેલી સવારે જૂનાગઢ જવાનો છું. મારે બેન્કોનું થોડું કામકાજ છે અહીંયા આવ્યો છું તો એ પતાવતો જાઉં. વળી પાછો એકાદ બે વરસે આવું અને સમય ના મળે તો કામ પાછળ ઠેલાતું જાય. કૈલાશભાઈ મને કહે કે “તું જૂનાગઢ જા છો, તો મારું એક કામ કરી આપ તો મને ખુશી થશે.” મેં કહ્યું બોલોને જૂનાગઢ જાઉં છું અને તમારે જૂનાગઢનું કામ હોય તો મને શું વાંધો? કૈલાશભાઈ મને કહે કે “મેં અને ચિનુ મોદીએ હમણાં છ સાત મહિના પહેલા ગુજરાતી ગઝલ શતાબ્દી નિમિત્તે આપણા ગુજરાતી વીસ નામી ગઝલકારોની ગઝલનું સંપાદન સુખનવર શ્રેણી નામે કર્યું છે, તેમાં અમે વીસ ગઝલકારોમાં જૂનાગઢના મનોજ ખંડેરિયા અને શ્યામ સાધુને સ્થાન આપ્યું છે”. પછી વાતને આગળ ચલાવતા કહે કે “મનોજ કોઈ કામે અમદાવાદ આવેલ અને ચિનુને મળેલ ત્યારે તે ચિનુભાઈ પાસેથી ચિનુનો પોતાનો સુખનવરનો સેટ જીદ કરીને લઈ ગયો હતો, પણ શ્યામને મોકલવો હતો એ આળસને કારણ મારાથી તેને મોકલી શકાયો નહોતો. તું જૂનાગઢ જા છો તો શ્યામને મળતો આવજે અને હાથોહાથ સુખનવરનો સેટ તેને આપતો આવજે. શ્યામ બહુ રાજી થશે.” મેં કહ્યું મને પણ શ્યામ સાધુ જેવા ગઝલકારને મળીને બહુ જ ખુશી થશે.

મુંબઈની વૈશાખની કાળઝાળ બપોરે શ્યામ સાધુ ને સુખનવર શ્રેણીનો સેટ ભેટ આપવા હું અને કૈલાસ પંડિત આર.આર. શેઠની કંપનીમાં જઈ ચઢ્યા. કંપનીમાં પૂરપાટ ફરતા પંખાની હવામાં ભગતભાઈ બેઠા હતા. અમને અચાનક ખરે બપોરે આવી ચઢેલા જોઈ ભગતભાઈએ અમને આવકાર્યા, એક છોકરાને અમને ઠંડા પાણીનો ગ્લાસ આપવાનું જણાવી કૈલાશભાઈ સાથે વાતે વળગ્યા, એટલે કૈલાશભાઈ એ મારો પરિચય કરાવતા કહ્યું કે “પ્રીતમ કાલે સવારે જૂનાગઢ જાય છે તો આપણે શ્યામ સાધુને આપવાનો સુખનવર સેટ શ્યામ સાધુને એ હાથો હાથ આપી આવશે.”

કૈલાશભાઈએ એક સેટ શ્યામ સાઘુને માટે અને બીજો સેટ મને આપતા પોતાના ખિસ્સામાંથી રૂપિયા ૨૫૦ કાઢી મારા હાથમાં મૂક્તા મને કહ્યું, “પ્રીતમ શ્યામ સાધુને  આ એક બીજા મુફલિસ માણસ તરીકે ભેટ રૂપે આપજે પણ ભૂલથી પણ શ્યામને ના કહેતો કે આ રૂપિયા કૈલાશે તમને ભેટ રૂપે મોકલ્યા છે નહિંતર આ સ્વમાની માણસ રૂપિયા નહીં રાખે પણ તેને ખાસ કહેજે કે આ રૂપિયા કૈલાશભાઈએ અને ચિનુ મોદીએ તમને સુખનવર શ્રેણીના પુરસ્કાર રૂપે મોકલેલ છે.”

જૂનાગઢ પહોંચી મેં આઝાદ ચોકમાં આવેલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં મારું કામકાજ પતાવી જૂનાગઢની માથું ફાડી નાંખે તેવી ગરમીમાં રિક્ષા કરી શ્યામ સાધુનું મને કૈલાસ પંડિતે આપેલ કડિયાવાડ  નાકાના સરનામે  કવિને સુખનવર સેટ દેવા પહોચ્યો. કડિયાવાડ નાકે એક હનુમાનજીની દેરી હતી કે મંદિર અત્યારે મને યાદ નથી, પણ હનુમાનજીના દ્વારે બહાર એક વૃક્ષ તળે એક સુક્કલકડી બાંઘાના ભાઈ ઉઘાડા શરીરે ફકત એક શ્વેત લુંગીમાં નિરાંતે બેઠા હતા. મેં તે ભાઈને બે હાથ જોડી નમસ્કાર કરતા પૂછ્યું, ભાઈ, કવિ શ્યામ સાધુનું ઘર કયાં છે? મારી સામે હોઠોમાં મલકતા તે ભાઈ બોલ્યા “ભાઈ !હું પોતે જ શ્યામ સાધુ છું. બોલો, ભાઈ, શું કામ છે?” મેં મારો પરિચય આપતા કહ્યું કે “હું મૂળ સરાડિયા ગામનો વતની છું.” અને તેમણે મને વચ્ચેથી અટકાવી કહ્યું “ભાઈ, સરાડિયા તો ક્યાં બહુ દૂર છે, અહીંથી સાદ પાડો તો તમને સામેથી પડઘો પડે કેમ ખરું ને?” મેં કહ્યું સાવ સાચું, વાતને આગળ ચલાવતા મેં કહ્યું, કે “કવિ, હાલમાં છેલ્લાં પંદર વર્ષથી અમેરિકામાં છું અને ખાસ તમને અહીંયા મળવા આવવાનું કારણ મારા વડીલ મિત્ર કવિ કૈલાસ પંડિત નિમિત્ત બન્યા છે.” આ પ્રમાણે જણાવી તેમના હાથમાં કૈલાશભાઈની અમાનત મૂકતા મેં કહ્યું, “શ્યામભાઈ, આ સેટ સાથે કૈલાશભાઈ એ આ ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે તમારા માટે પુરસ્કાર મોકલેલ છે.” પુરસ્કારની રકમ ખુશી સાથે સ્વીકારતા મને કહે કે “કૈલાશભાઈ એક કવિ છે, કવિના જીવન કવનને સારી રીતે સમજી શકે છે. બાકી ગુજરાતી સાહિત્ય જગતમાં કવિના કવનની કોણ કદર કરે છે?” પછી મને કહે કે “ગુજરાતી સાહિત્ય જગતના મોટા ગજાના ગઝલકારોની આ સુખનવર શ્રેણીમાં મારા જેવા એક ગઝલકારને ચીનુ મોદી અને કૈલાશભાઈએ સ્થાન આપ્યું છે તે મારા માટે તો ઘણું કહેવાય, બાકી શ્યામ સાધુ ને કોણ યાદ  કરે?”

અને તેમણે છોકરાને સાદ કરી પોતાનો ઝભ્ભો મંગાવી, મને કહે સાહેબ, ચાલો, આપણે ઠંડુ ગરમ તમને જે ફાવે તે સાથે બેસીને લઈએ. નાકાની એક નાની સરખી ચાની કીટલી પર મને લઈ જઈને એમણે પૂછ્યું, “બોલો, કવિ, શું લેશો?” મેં કહ્યું “ભાઈ, હું કવિતા નથી લખતો, બસ વાંચવાનો શોખીન છું”. મને કહે “ભાઈ! કૈલાશભાઈની દોસ્તી ભલભલા સુખી માણસને કવિતા લખતો કરી દે”. (તેમની આ વાત મારા માટે સાચી પડી ૧૯૯૫ પછી આદિલ મન્સૂરીના છાયામાં આવતા હું કવિતાને રવાડે ચઢી ગયો હતો.) એટલી વારમાં તો છોકરાએ આવી ચાનો કપ તેમના હાથમાં મૂક્યો, રકાબીમાં નામ પૂરતી પોતા માટે ચા લઈને મને કપમાં ચા આપતા કહે “મારા માટે ખુશીની વાત છે કે છેક અમેરિકામાં વસતા મારા વતનના માણસ તમારા રૂપમાં મારા આંગણે આવી ગરમીમાં મારું સરનામું શોધતા સુખનવર શ્રેણીનો સેટ મને હાથોહાથ દેવા આવે તે મારે માટે તો કેટલું બધું કહેવાય!”

મારે એક બે સગાંને હજી મુંબઈ જતા પહેલા મળવાનું હતું. એટલે કવિની રજા લેતા મેં કહ્યું, “કવિ, આ કાળઝાળ ગરમીમાં આપણી આ નાનીશી મુલાકાત ગુલમોરની શીતળ છાંય જેવી યાદગાર બની જાય તે માટે તમને ગમતા એક બે શેર તમારી ગઝલના સંભળાવો!” અને તેમણે મને તે બપોરે સંભળાવેલા શેર આજે હૈયે ગુંજે છે …. 

સેંકડો રસ્તા હતા સૂનકારના, 

કેમ કરશો ભાગવાની પેરવી? 

——-

સાવ બાળકના સમું છે આ નગર 

કોઈ પણ આવીને બોલાવી જુઓ!

શેરને દાદ આપતા મને કૈલાશભાઈએ ભલામણ કરી હતી કે “બીજા કોઈને તો હું ન કહી શકું કે તું કવિને લુખે ભાણેથી ના ઉઠાડજે પણ ફૂલ નહિ તો ફૂલની પાંખડી તારા તરફથી આપજે”, મેં કવિના હાથમાં બસો રૂપિયા શેર સંભળાવ્યા તે બદલ પુરસ્કાર રૂપે મૂકયા. પણ શ્યામ સાધુએ મારા હાથમાં એ પાછા મૂકતા કહ્યું, “ભાઈ! તમે મને મળવા આવ્યા અને મારા શેરને આટલી દાદ આપી તે જ મારા માટે મોટો પુરસ્કાર છે.” મેં ઘણી વિનંતી કરી પણ તે રકમ લેવા શ્યામ તૈયાર નહોતા આ જોઈને ચાની રેકડીવાળા ભાઈએ કહ્યું “શ્યામભાઈ, રાખી લ્યો, સાહેબ ખુશીથી આપે છે”.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...1,0851,0861,0871,088...1,1001,1101,120...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved