Opinion Magazine
Number of visits: 9743259
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતનું લાંછન છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 August 2023

રવીન્દ્ર પારેખ

આમ તો આખા ગુજરાતનું શિક્ષણ ધણીધોરી વગરનું થઈ ગયું છે, ત્યાં માત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતનું રડવાનો અર્થ નથી, પણ જે ઘટના તાજેતરમાં સામે આવી છે તે શિક્ષણ સમિતિને સુરતનું લાંછન પુરવાર કરે એવી છે. એવું નથી કે શિક્ષણ સમિતિ કૈં કરતી નથી. સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ગુજરાતી ઉપરાંત હિન્દી, મરાઠી, ઉર્દૂ, ઉડિયા, તેલુગુ, અંગ્રેજી મળી કુલ સાત ભાષામાં શિક્ષણ  અપાય છે. સુરત મહાનગરપાલિકા દેશની પહેલી એવી પાલિકા છે જે સાત ભાષામાં પ્રાથમિક શિક્ષણ, વિના મૂલ્યે આપે છે ને દાયકાઓથી પૂર્ણકદનાં નાટકોની સ્પર્ધા કરે છે. ત્રણસોથી વધુ શાળાઓમાં દોઢેક લાખથી વધુ બાળકો શિક્ષણ મેળવે છે, પણ છેલ્લા થોડા સમયથી શિક્ષણ સમિતિનો કારભાર શરમજનક રીતે કથળ્યો છે. આમ તો શાળાઓનો બોજ સમિતિ પર હોય, પણ હવે એવું લાગે છે કે શાળાઓ પર સમિતિ બોજારૂપ છે. ગયા માર્ચમાં જ સમિતિએ પ્રવેશોત્સવમાં રાજકીય હોદ્દેદારોને તો ઠીક, સામાન્ય કાર્યકરોને પણ આમંત્રણ આપવાનું ફરજિયાત કરેલું, પછી હોબાળો થયો તો કાર્યકરોવાળી વાત કાઢી નાખવી પડેલી. એ પછી પણ શિક્ષણને ભોગે વત્તે ઓછે અંશે રાજકીય દખલો થતી જ રહે છે. તે એટલે પણ કે સરકારમાં શૈક્ષણિક યોગ્યતાને ભોગે રાજકીય લાયકાતો હાવી થતી આવી છે, તેથી તમામ સંસ્થાનોમાં શાસકો જ વત્તે ઓછે અંશે રાજકીય પ્રભાવ પાથરતા રહે છે ને એટલે અંશે શિક્ષણ પાછળ ધકેલાતું જાય છે.

આમ તો શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે, તેનાં ઉપાધ્યક્ષ છે, સમિતિના સભ્યો છે, છતાં કોઈ જ ન હોય એવી નઘરોળ નિષ્ક્રિયતા વર્તાય ત્યારે થાય કે સમિતિ ન હોય તો કદાચ કારભાર આટલો ખાડે ન જાય. પ્રાથમિક શિક્ષણનું ધનોતપનોત ખુદ શિક્ષણ વિભાગે કાઢી નાખ્યું છે. આખા રાજ્યમાં ભાટચારણો જ વિદ્યમાન છે ને એમને ધાર્તરાષ્ટ્રી દૃષ્ટિ એવી મળી છે કે બીજું કૈં જોવાની જરૂર જ રહી નથી. સાર્વત્રિક અરાજકતા આજનાં શિક્ષણનો મહામંત્ર છે.

નવી શિક્ષણ નીતિને લાગુ થયાંને ત્રણ વર્ષ થયાં, તેનું ઉજવણું પણ થયું. હવે તો ઊઠમણું ય ઉજવણું થઈ પડ્યું છે. બધું જ ઉજવાય છે. શિક્ષણ તો નીતિ છે, તે ઉજવવાનું કારણ બને તો આશ્ચર્ય થાય. ઉજવણાંનો ય વાંધો નથી, પણ નવી નીતિ લાગુ કરતી વખતે વાતાવરણ અનુરૂપ છે કે કેમ તે તો જોવું પડશેને ! એ જોવાની ફુરસદ ભાગ્યે જ કોઈને છે. અંધાપો જ દૃષ્ટિનો ન્યાય કરે એવી સ્થિતિ છે. શિક્ષણ નીતિ લાગુ થઈ ગઈ છે, પણ એને ભણાવનાર શિક્ષકોનો દુકાળ છે. શાળાઓ નાદુરસ્તીથી પીડાય છે. ઘણી જગ્યાએ વર્ગો ખંડેરમાં કે ખુલ્લામાં ચાલે છે. સાચું તો એ છે કે સાધન-સામગ્રી-શિક્ષકોના અભાવમાં શિક્ષણ ચાલે છે. આટલી અનિયમિતતાઓ વચ્ચે ક્યાંકને ક્યાંક પરીક્ષાઓ ચાલ્યા કરે છે. શિક્ષણ અપાય કે ન અપાય, પરીક્ષાઓ અપાયા કરે છે. આવામાં નવી શિક્ષણ નીતિ લાગુ થાય તો તેમાં કેવોક ભલીવાર હોય તે સમજી શકાય એવું છે.

એક સમય હતો જ્યારે વિદ્યાર્થીઓને નફાતોટાના દાખલા શીખવાતા. હવે નફાના દાખલા શૈક્ષણિક સંસ્થાઓ ગણતી થઈ છે. શિક્ષણમાં ધંધો ઘૂસી ગયો છે ને બધાં જ છેતરવાનું કૌશલ્ય જરા ય સંકોચ વગર વાપરે છે. આ રમત સ્કૂલોમાં જ ચાલે છે એવું નથી. બને ત્યાં સુધી અધ્યાપકો, શિક્ષકો કે અન્ય સ્ટાફ ન આપીને અને ફી પૂરી વસૂલીને, નફાનું ધોરણ જાળવી લેવાનું વલણ કૉલેજોમાં ય ઘર કરી ગયું છે. પૂરતા સ્ટાફના અભાવે ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવેકાનંદ બી.એડ્ કોલેજ અને ખેડાની બી.એડ્. કોલેજ પાંચેક વર્ષથી બંધ પડી છે ને બીજી બંધ પડે એવી સ્થતિ છે. એને લીધે વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઈનાન્સમાં પ્રવેશ લેવાની ફરજ પડે છે. સ્ટાફની અછત ત્યાં નથી. સ્ટાફ ગ્રાન્ટેડ કોલેજોમાં જ નથી, કારણ તે આપવામાં સરકાર પોતે જ અખાડા કરે છે. એ દાનત સરકારની જ છે કે ગ્રાન્ટેડ કોલેજો બંધ થાય, જેથી ગ્રાન્ટ કે સ્ટાફ આપવાની માથાકૂટ જ ન રહે. ગ્રાન્ટેડ કોલેજો બંધ પડતી હોય તો ભલે, પણ સ્ટાફ ન આપીને સરકાર તો ગ્રાન્ટેડથી મુક્તિ મેળવવાને પંથે જ છે.

એ જ કારણ છે કે સ્કૂલોમાં ત્રીસેક હજાર શિક્ષકોની ઘટ હોવા છતાં, સરકાર એ જગ્યાઓ ભરતી નથી. ટૂંકમાં, સરકારની દાનત, સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોને તાળાં મરાવી, ખાનગીને ઉત્તેજન આપવાની છે, એટલે જ એ વિદ્યાસહાયકો કે જ્ઞાન સહાયકોની કામચલાઉ ભરતીથી શિક્ષકોની ખોટ ભરપાઈ કરવા મથે છે. શિક્ષકોની અછત છે એવું નથી. ખરેખર તો શિક્ષકોની જગ્યાઓ ભરવાની સરકારની જ દાનત નથી, ભલે પછી રાજ્ય શિક્ષણ મંત્રી ગયા જુલાઈની 8મી તારીખે 25,000 નવા શિક્ષકોની ભરતીની જાહેરાત કરી ચૂક્યા હોય ! એમણે કેટલાં વર્ષે ભરતી થશે એનો ફોડ પાડ્યો નથી, એટલે સ્કૂલોએ તો રાહ જ જોવાની રહે. વારુ, જ્યાં કામચલાઉ ધોરણે ભરતી થાય છે ત્યાં ય દાખલા તો નફાના જ ગણાય છે. એમાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત પણ બાકાત નથી.

આમ સુરત મહાનગરપાલિકા લોકોનાં કામ કરવાં ન હોય તો ફંડનું રડતી હોય છે, પણ વેડફવા માટે તેની પાસે પૈસા નથી એવું નથી. ગયા ગુરુવારે મળેલી સમિતિની સામાન્ય સભામાં 85 શિક્ષકોને સરકારનાં ધારાધોરણ મુજબ 10,500નાં પગાર ધોરણમાં મંજૂરી અપાઈ ને બીજા 720 શિક્ષકોની આઉટ સોર્સિંગથી ભરતી કરવામાં આવી ને એને સમિતિ 17,545નો પગાર ચૂકવવાની છે. એક જ પ્રકારના શિક્ષક, પણ એકને 10,500 પગાર ને બીજાને 17,545. તે એટલે કે 17,545 પગારવાળા શિક્ષકોને કોન્ટ્રાકટરો લાવ્યા છે. શિક્ષકોને સપ્લાય કરતી બે એજન્સીઓ સાતેક હજાર કમિશન, શિક્ષક દીઠ ગજવે ઘાલે છે. જોકે, શિક્ષકને તો એ 10,500 જ આપે છે. શિક્ષક દીઠ સાત હજારનું આ કમિશન કઇ ખુશીમાં શિક્ષણ સમિતિ ચૂકવવાની છે તે એ જાણે, પણ આવી દલાલી કોઈ પણ સંજોગોમાં ચૂકવાવી ન જોઈએ તે સ્વયં સ્પષ્ટ છે. સવાલ તો એ છે કે આઉટ સોર્સિંગથી નિમણૂક કરવાની જરૂર કેમ પડી ને તે પણ સાતસાત હજાર દક્ષિણા આપીને, તે અકળ છે. આવી રીતે લવાયેલા શિક્ષકોમાં હીરામોતી નથી જડેલા કે શિક્ષકને નામે સાત હજારની લહાણી શિક્ષક દીઠ કરવી પડે. આ બધું પાછું સમિતિની જાણમાં થાય છે ને શાસક પક્ષના સભ્યો વળી દલાલી વસૂલતા કોન્ટ્રાક્ટરોની પ્રશંસા કરે ત્યારે કરમુક્ત મનોરંજન થતું હોય એમ લાગે.

વિપક્ષી સભ્યના વાંધાને ન ગણકારતાં સમિતિ અધ્યક્ષ અને સભ્યો એવો બચાવ કરે છે કે શિક્ષકોની ઘટ પૂરવા અને શિક્ષણ તથા વિદ્યાર્થીઓનાં હિતમાં 7,000ની વધુ ચૂકવણીનો નિર્ણય લેવાયો છે. વિપક્ષ એક તરફ શિક્ષકોની ઘટ પુરાતી નથી એવી ફરિયાદ કરે છે ને શિક્ષકોની નિમણૂક થાય છે તો વાંધો ઉઠાવે છે એનું સમિતિને આશ્ચર્ય છે. એ સાચું કે શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ 1,300ની છે. આમ તો એ ઘટ કોણ નથી પૂરતું તે સમિતિ ને બીજા પણ બરાબર જાણે છે. સાત હજાર કમિશન ચૂકવાતાં 720 શિક્ષકો એજન્સીઓ શોધી આપે છે ને એમ થોડીઘણી ઘટ પુરાય છે. મતલબ કે ઘટ કમિશન પર નિર્ભર છે. કમિશન ચૂકવો તો ઘટ ઘટે છે. કમાલ તો એ છે કે એ કમિશનમાંથી વધારાનું એક ફદિયું ય શિક્ષકને ચૂકવાતું નથી, તો સવાલ એ થાય કે આવી એજન્સીઓ વગર કામ થાય એમ જ નથી?

એ ખરું કે વચેટિયાઓ ઘૂસ્યા છે, ત્યાં દાટ જ વળ્યો છે. જો આવા વચેટિયાઓને ઠેકાણે પાડવાનો સમિતિએ ઠેકો ન લીધો હોય તો વહેલી તકે તેણે એજન્સી મુક્ત થઈ જવાની જરૂર છે. એવું થશે તો વહીવટ વધુ પારદર્શી બનશે. આખી સમિતિ હાજરાહજૂર હોય તો કોઈ પણ દલાલની જરૂર પડવી ન જોઈએ. 85 શિક્ષકો જો 10,500ના ભાવમાં મળી રહેતા હોય તો બીજા શિક્ષકો શોધવામાં શું નડે છે તે નથી સમજાતું. જો તાલીમી શિક્ષકો ગધેડે ગવાતા હોય તો શિક્ષકોની ઘટ કે તેની નિમણૂકમાં થતો વિલંબ કુદરતી નથી જ તે સમજી લેવાનું રહે. બચાવ તો એવો પણ થયો કે સમિતિ ખુદ નિમણૂક કરવા જાય તો વિલંબ થાય. કમાલ છે ને કે સમિતિ નિમણૂક કરવા જાય તો વિલંબ થાય ને એજન્સી શોધે તો કામ ઝડપથી થાય. તો સમિતિને એ પૂછવાનું થાય કે જે જાદુ એજન્સી કરે છે તે સમિતિને કરતાં શું તકલીફ છે? કે 7,000નું કમિશન નથી મળતું તેથી વિલંબ થાય છે? આ બધું એટલું ભેદી છે કે એનો પાર પામવાનું સામાન્ય માણસનું ગજું નથી.

સૌથી વાહિયાત વાત એ છે કે આ બધું શિક્ષણનાં ને વિદ્યાર્થીઓનાં હિતમાં થાય છે. ઓગસ્ટ શરૂ થઈ ગયો ત્યારે આ નિમણૂકોની વાત આવી. જો વિદ્યાર્થીઓનો વિચાર ખરેખર જ થયો હોત તો આ વેપલો સત્રની શરૂઆતમાં થયો હોત. આટલું થયા પછી પણ આમ શોધાયેલા શિક્ષકો તો હજી સ્કૂલે પહોંચ્યા જ નથી. કોણ જાણે કેમ પણ પુસ્તકો, ગણવેશ, બૂટમોજાં, શિક્ષકો … વગેરે, સ્કૂલ શરૂ થયાના મહિનાઓ પછી જ વહેંચવાનું સમિતિને ભાન પડે છે. દર વર્ષે આ જરૂર પૂરી કરવાની જ હોય છે, તો તે સત્રની શરૂઆતમાં પૂરી કરતાં શું દુ:ખે છે તે નથી સમજાતું.

નવી શિક્ષણ નીતિ ગમે એટલી ઉત્તમ હોય તો પણ, શિક્ષણ સમિતિની નીતિ એને ઉત્તમ ન રહેવા દે એમ બને. વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 ઑગસ્ટ 2023

Loading

પૂર્વનો પોકાર અને ગાંધીજી

રમેશ ઓઝા|Gandhiana, Opinion - Opinion|6 August 2023

રમેશ ઓઝા

મણિપુરની શરમજનક ઘટના વિષે સર્વોચ્ચ અદાલતમાં સરકારે બચાવ કરતા કહ્યું હતું કે આવી ઘટના તો દેશભરમાં અન્ય રાજ્યોમાં પણ બની રહી છે! પશ્ચિમ બંગાળનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. અને સરકાર વતી સર્વોચ્ચ અદાલતમાં આ દલીલ કોણે કરી હતી? એડવોકેટ બંસરી સ્વરાજે જે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બી.જે.પી.નાં નેતા સુષ્મા સ્વરાજનાં પુત્રી છે. બંસરી સ્વરાજનો સુષ્મા સ્વરાજ સાથેનો સંબંધ અહીં એટલા માટે યાદ કરવામાં આવ્યો કે ૨૦૧૨માં જ્યારે નિર્ભયાઘટના બની ત્યારે સુષ્મા સ્વરાજે લોકસભામાં નિર્ભયાની વ્યથાને વાચા આપતું એવું હ્રદયદ્રાવક ભાષણ કર્યું હતું કે ઘણાં લોકોની આંખ ભીની થઈ ગઈ હતી. હવે તેમનાં પુત્રી કહે છે કે આમાં શું? આવું તો દેશભરમાં બને છે, અન્ય રાજ્યોમાં પણ બને છે.

૧૯૪૬ના ઓકટોબરમાં જ્યારે નોઆખલીમાં હિંદુઓની કત્લેઆમ કરવામાં આવી ત્યારે ગાંધીજીએ અવિભાજિત બંગાળના મુખ્ય પ્રધાન શહીદ સુહરાવર્દીને કહ્યું હતું કે તેઓ નોઆખલી જવા માગે છે. પૂર્વ બંગાળના એક ખૂણે આવેલા નોઆખલીમાં બનેલી ઘટનાની ખબર દેશભરમાં અને વિશ્વમાં ન પહોંચે એ માટે બંગાળની મુસ્લિમ લીગની સરકારે મીડિયાને મેનેજ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એવું બન્યું નહીં. એમાં જો ગાંધીજી નોઆખલી જાય તો તો જગત આખાને એની જાણ થાય. ત્યારે મુખ્ય પ્રધાન શહીદ સુહરાવર્દીએ દલીલ કરી હતી કે મહાત્માજી, આવી ઘટનાઓ તો દેશભરમાં બની રહી છે. તમે ત્યાં તો જતા નથી અને નોઆખલી જ કેમ? ગાંધીજી હિંદુ છે અને હિંદુઓની ચિંતા કરી રહ્યા છે અને મુસલમાનોની તેમને પરવા નથી એવો પણ આડકતરો આરોપ કરવામાં આવ્યો હતો.

ગાંધીજીએ સુહરાવર્દીની અન્યત્ર પણ આવું જ થઈ રહ્યું છે એવી દલીલ સ્વીકારી નહીં અને નોઆખલી ગયા. ગાંધીજીનાં જીવનનું નોઆખલી પર્વ મહાકાવ્ય જેવું છે. એ મહાકાવ્ય એટલા માટે છે કે બહુમતી મુસલમાનોની વચ્ચે નોધારા બની ગયેલા નોઆખલીના ગરીબ હિંદુઓ માટે ગાંધીજી સિવાય કોઈનો સધિયારો નહોતો. અહીં એક પ્રસંગ ટાંકવા જેવો છે. નોઆખલીમાં ગામેગામ શાંતિ સમિતિ રચવાનો પ્રસ્તાવ આવ્યો અને હિંદુ અને મુસલમાન એમ બન્ને કોમની બેઠક બોલાવવાનું નક્કી થયું. બેઠક માટે કલકત્તાથી ગયેલા હિંદુ મહાસભાના નેતાઓએ દલીલ કરી કે મહાત્માજી અત્યારે શાંતિ સમિતિ રચવાનો કોઈ અર્થ નથી. વગદાર અને ભદ્ર હિંદુઓ તો નોઆખલી છોડીને જતા રહ્યા છે. જે પાછળ રહ્યા છે એ ગરીબ વંચિત નામશુદ્ર જેવી જાતિની પરચૂરણ પ્રજા છે. ગાંધીજીએ કહ્યું કે જે પોતાનાં ભાંડુઓને દુઃખની ગર્તામાં ભગવાન ભરોસે છોડીને ભાગી ગયા એ હોય તો પણ શા કામના? એ તો જીવતા મુઆ ગણાય. એને નેતા કહેવાય? ગાંધીજીએ કહેવાતી પરચૂરણ પ્રજાને પ્રજાકીય નેતૃત્વ આપ્યું હતું. સ્થાનિક બંગાળી મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમ અમલદારોની આંખમાં આંખ પરોવીને વાત કરતા તેમણે એ પરચૂરણ પ્રજાને શીખવ્યું હતું.

નોઆખલીમાં ગાંધીજીની પાર્ટીમાં નિર્મલ કુમાર બોઝ નામના એક નૃવંશશાસ્ત્રી હતા. ગાંધીજીએ તેમને ખાસ સાથે લીધા હતા. નોઆખલી પહોંચ્યા પછી નિર્મલ કુમારને લાગ્યું કે ગાંધીજી માટે દુભાષિયા તરીકે કામ કરી શકનારા ઘણા બધા લોકો ઉપસ્થિત છે માટે તેમની કોઈ જરૂર નથી. તેઓ ગાંધીજીને મળ્યા વિના ટીમનું નેતૃત્વ કરનારા સતીશચન્દ્ર દાસગુપ્તાને જણાવીને કલકત્તા પાછા જતા રહ્યા. તેઓ વાયા ઢાકા કલકત્તા પહોંચ્યા એ પહેલાં ગાંધીજીનો “નોઆખલી પાછા આવો”, એમ કહેતો તાર રાહ જોતો પડ્યો હતો. નિર્મલબાબુ નોઆખલી ગયા ત્યારે ગાંધીજીએ તેમને કહ્યું કે દુભાષિયાનું કામ કરનારાઓ તો ઘણા છે, પણ મારે તો એ જાણવું છે કે સીધાસાદા માણસના ચિત્તમાં હિંસા ઉદ્ભવે છે કઈ રીતે અને તે હિંસા કૃતિમાં ઉતરે છે કઈ રીતે? પ્રજાની અંદર કોમી વિભાજન પેદા કરનારાઓ તેનો કઈ રીતે ઉપયોગ કરે છે. તમારે મસ્જિદોમાં થતા મૌલવીઓનાં ભડકાઉ ભાષણો, સ્થાનિક નેતાઓનાં ભાષણો, નનામા ચોપાનિયાં, પોસ્ટરો વગેરેનાં તરજુમા મારા માટે કરવાના છે. એમ લાગે છે કે માનવચિત્તમાં હિંસા અને દ્વેષ બહુ ઊંડે સુધી ધરબાયેલાં પડ્યાં છે.

અને ચોથી અને અત્યંત મહત્ત્વની ઘટના. ગાંધીજીએ નોઆખલીના પોલીસવડાને લોકોની હાજરીમાં મોઢામોઢ કહ્યું હતું કે જો ઇસ્લામનો અર્થ શાંતિ અને ન્યાય થતો હોય તો તમે સાચા મુસલમાન નથી. શું તમારો ધર્મ તમને પક્ષપાત કરવાનું અને ફરજ પ્રત્યે આંખ આડા કાન કરવાનું શીખવે છે?

મણિપુર પ્રસંગે આજે નોઆખલીની ગાંધીયાત્રાને યાદ કરવામાં આવી રહી છે અને એ માટે વિદ્વાનો પાસે પોતપોતાની દલીલો છે. મને પણ આજે નોઆખલી પર્વ પ્રાસંગિક લાગી રહ્યું છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 06 ઑગસ્ટ 2023

Loading

કવિતાનો ચાહકઃ સુનીલ દેશમુખ

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|6 August 2023

આમ વિચારતો હતો ત્યાં એક મિત્ર ભાઉસાહેબનું ધ્યાન મારા તરફ ગયું. તેણે મને બોલાવ્યો, અરે! સંભયા, તું ઈકડે યા!” મિત્રો સંગે જોડાતાં, મારાથી તેમને પુછાઈ ગયું! “તમે બધા આ રંગીન મહેફિલમાં ક્યારના કવિઓની વાતો સંગે સુનીલ દેશમુખના નામની ચર્ચા કરી રહ્યા છો. શું જાદુ છે એવું આ નામમાં!”

શરદભાઉ બોલ્યા, “તું સાહિત્યનો જીવ છો? એટલે તને એક સવાલ પૂછવાનું મન થાય છે! કયાં ય તે સાંભળ્યું છે કે વાંચ્યું છે કે કોઈ માણસે રાજીખુશીથી પોતાની માતૃભાષાના કલ્યાણ અર્થે  રૂપિયા એક કરોડ એટલે અમેરિકન ડૉલર પ્રમાણે લગભગ ૩,00,000/- દાનમાં આપ્યા હોય?”

સવાલનો જવાબ દીવા જેવો ચોખ્ખો હોવાથી જરા પણ વિચાર કર્યા વગર, મિત્રોને જણાવ્યું, તમે એક કરોડની વાત કરો છો! મેં ચાલીસ વર્ષની જિંદગીમાં કયાં ય વાંચ્યું કે સાભળ્યું નથી કે કોઈ ભારતીયે વિદેશમાં કે વતનમાં સાહિત્ય જગતને પચ્ચીસ લાખ પણ આપ્યા હોય.

“મારા સામું ખડખડાટ હસતા ચારે મિત્રો બોલ્યા! સાંભળ! સ્ટેમ્ફર્ડ, કનેકટીકટમાં સ્થાયી થયેલ ફકત ૪૬ વર્ષના નિવૃત્ત કેમિકલ એન્જિનિયર સુનીલ દેશમુખે ગયા મહિને એક કરોડ રૂપિયાનું દાન (ડૉલર ૩,00,000) ‘મહારાષ્ટ્ર ફાઉન્ડેશન’ નામની સંસ્થાને આપીને તથા આ સંસ્થા દ્વારા એક યોજના ઘડીને મરાઠી સાહિત્યને પ્રોત્સાહન આપવાનું પ્રેરક કાર્ય કર્યુ છે.”

આપણે ગુજરાતીઓ પણ મરાઠીબંધુઓની જેમ સુનીલ દેશમુખના નામ પર ગૌરવની એક મહોર મારવા જેટલા નશીબદાર તો ખરા જ! જે નગરને કવિ આદિલ મન્સૂરીએ પોતાની ગઝલમાં ખૂબ લાડ લડાવ્યાં છે તે નદીની રેતમાં રમતા અમદાવાદ શહેરમાં સુનીલ દેશમુખનો જન્મ થયો છે. શૈશવકાળ ખાંડથી મઘમઘતા શહેર સાંગલીમાં વીત્યો છે, તો ભણતર ભારતની આર્થિક મહાનગરી મુંબઈમાં થયું છે.

મૅટ્રિકની પરીક્ષામાં સુનીલે જ્યારે આખા મહારાષ્ટ્ર બૉર્ડમાં ચોથી રેન્ક મેળવી, આગળ અભ્યાસ અર્થે મુંબઈની મહાવિધાલયમાં કદમ મૂક્યો ત્યારે એક જંગી સમસ્યા મૂંઝવી રહી હતી. સુનીલ હ્રદયથી કવિતાનો જીવ. કવિતા તેના લોહીમાં ટહુકતી હતી. જો આટર્સમાં દાખલ થાય તો ભવિષ્યમાં આર્થિક પ્રશ્ન જીવનને સખત મૂંઝવે!

જીવનના શોખનું બલિદાન આપી ભવિષ્યનાં સ્વપ્નો માટે શું એન્જિનિયરિંગ તરફ વળવું! આ પહાડ જેવા પ્રશ્ન પર ઊંડો વિચાર કરી, આખરે સુનીલે મન પર મક્કમતાની ગાંઠ વાળી. જો ભવિષ્યમાં આર્થિક રીતે સધ્ધર થઈ જઈશ તો જીવનનાં પાછલાં વર્ષોમાં કવિતા સાથે આનંદપ્રમોદથી જીવી શકીશ! આ અટલ વિશ્વાસ સાથે સખત મહેનત કરી મુંબઈ મહાવિધાલયમાંથી કેમિકલ એન્જિનિયરિંગની પદવી પ્રાપ્ત કરી ૧૯૭૦ના પ્રારંભમાં અમેરિકાની ભૂમિ પર એન્જિનિયરિંગ ઉચ્ચ અભ્યાસ અર્થે કદમ મૂક્યો.

અમેરિકામાં ભારતથી આવેલ મધ્યમ વર્ગનાં સંતાનોની જેમ શરૂઆતમાં એકાદબે નાનીમોટી નોકરી કર્યા બાદ અમેરિકન શેરબજારમાં શ્રીગણેશ કર્યા. દિવસરાતનો વિચાર કર્યા વગર સખત પરિશ્રમ કરી ઊજળો પૈસો બનાવ્યો. આ મહેનતુ માણસ પાસે જોખમ ખેડવાની સાહસવૃત્તિ પણ ગજબની હશે, ધગશ, આવડત અને મહેનતના જોરે પુરુષાર્થ પ્રારબ્ધમાં ફેરવી અઢળક ધન કમાઈ ફકત ૪૬ વર્ષની નાની વયે નિવૃત્તિ લઈ લીધી.

સુનીલ દેશમુખ એન્જિનિયર સાથોસાથ વકીલ પણ છે. અમેરિકાના કનેકટીકટ રાજ્યમાં વકીલાત કરવાનો કાયદેસરનો પરવાનો પણ ધરાવે છે. જ્યારે પણ કોઈ ગરીબ માણસને કાયદાની દૃષ્ટિએ અન્યાય થતો દેખાય ત્યારે તેના હક્ક માટે આ માણસ તનમનથી કોઈ પ્રકારની ફી લીધા વગર અદાલતનાં દ્વાર ખખડાવે છે.

સુનીલ દેશમુખ નિવૃત્તિમાં શું નથી કરતો? આ પણ એક સવાલ છે? દિવસનો થોડોઝાઝો સમય અનાથ બાળકોની સેવામાં તેમ જ પત્ની પ્રતિભા સંગે ભવિષ્યમાં ઈન્વેસ્ટમેન્ટ માટેની યોજનામાં  ફાળે છે. પરંતુ મોટા ભાગે સવારનો સમય કસરત, ઘ્યાન, પુસ્તક અને સંગીતમાં વિતાવે છે. વાચનનો રસિયો સુનીલ દેશમુખ મરાઠી કવિ નારયણ સુર્વે, વિંદા કરંદીકર અને વસંત બાપટની કવિતામાં ગળાડૂબ ડૂબી ગયો છે.

સુનીલ દેશમુખને જીવનમાં એક જ દુઃખ સતત દિનરાત સતાવે છે કે તે આ જન્મે કવિ ન થઈ શક્યો! જો ઈશ્વર તરફથી તેને આવતા જન્મની પસંદગી વિશે પૂછવામાં આવે તો તે આવતે જન્મે કવિ થઈને જન્મવાની ઈચ્છા ધરાવે છે!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...1,0641,0651,0661,067...1,0701,0801,090...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved