Opinion Magazine
Number of visits: 9667299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઊંચી મેડી મારા સંતની

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|23 July 2023

અસ્મિતાપર્વ – ૧૭માં હાજરી આપવા અસ્મિતાપર્વની શરૂઆત થાય તે પહેલાની સાંજે જૂનાગઢથી હું મહુવા ગુરુકૂળમાં જઈ ચઢયો. ગુરુકૂળના આંગણમાં સાંજ ઢળતા સાહિત્યકારો અને શ્રોતાઓ પોતપોતાનું ટોળું બનાવી, ભોજનાલયના દ્વાર ખૂલવાની રાહ જોતા અલકમલકની વાતો કરતાં ઊભાં હતાં. હું પ્રથમ વાર અમેરિકાથી અસ્મિતાપર્વમાં અને આ ગુજરાતી સાહિત્યના જિંદગીના પ્રથમ કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યો હતો. એટલે મારે તો મારું અસ્તિતવ જાળવી, મારે ખુદના એકલા ટોળામાં સાવ એકલું એક કોર કોઈ બોલાવે તો તેની સાથે બેસવાનું હતું. મને તો ત્યાં કોઈ ઓળખતું નહોતું. જેવી હરિ ઈચ્છા, કોઈક તો મળી જશે! આ વિચાર સાથે હું ગુરુકૂળના દ્વાર પાસેના એક પગથિયા પર એકલો બેઠો હતો. એવામાં થોડેક દૂરના એક ટોળાંમાંથી કોઈએ મને સાદ પાડ્યો, ‘મિત્ર, આવી મજાની ઝરમર વરસતી સાંજે દૂર સાવ એકલા કેમ બેઠા છો?, અહીં આવોને અમારી સાથે …. તમે પણ આ મલપતી મહેક ભીની સાંજની મજા માણી શકો છો! પ્રેમ ભર્યો મીઠો ટહુકો કાને પડતા ક્ષણવાર માટે તો મને મનમાં થયું કે મને આટલાં પ્રેમથી બરકી રહેલ આ વ્યક્તિ શું ખરેખર મને ઓળખતી હશે? હજી હું તેમની પાસે જઈ ચડું તે પહેલાં શ્વેત ઝભો અને શ્વેત લેંઘાધારી, કાળી ફ્રેમના ચશ્માંમાંથી નેહ નીતરતી આંખોવાળી, હોઠોમાં મરક મરક મલકતી વ્યક્તિ ઉષ્મા સાથે મારી પાસે આવી, મારો હાથ ઝાલીને મને મિત્રોનાં ટોળાં પાસે લઈ ગઈ.

મને પોતાનો પરિચય આપતા કહ્યું, મિત્ર, હું ભાવનગરથી આવું છું અને મારું નામ છે ગુણવંત ઉપાઘ્યાય. મેં મારો પરિચય આપતા કહ્યું, વડીલ બંઘું, હું અમેરિકાથી આવું છું. મારું નામ પ્રીતમ લખલાણી છે. મારી સાથે હસ્તઘૂનન કરતા, ગુણવંતભાઈ કહે કે મિત્ર, મેં તમારી કવિતા ‘કવિતા’માં અને બીજાં બે ચાર સામયિકોમાં વાંચી છે. પછી કહે કે મિત્ર, એક સાવ સાચી વાત કહું છું કે મેં તમારી કવિતા વાંચી ત્યારે મનમાં એમ હતું કે તમે સુરેશ દલાલની ઉંમરના હશો! પણ અત્યારે તમને જોઈને હું આભો જ બની ગયો. મને લાગે છે કે તમે તો મારા કરતાં પણ ઘણાં નાના હશો? કેટલાં વરસથી અમેરિકામાં છો?, “મને અમેરિકામાં ૩૪ વરસ થઈ ગયાં, કદાચ, ગુણવંતભાઈ, તમે મારા કરતાં નાના હશો?, મને કહે કોઈ શકયતા જ નથી, મેં કહ્યું, સાહેબ, મને ૬૨મું ચાલે છે, ગઈ કાલે સાંજે મેં હેમંત નાણાવટીને કહ્યું તો તે પણ માનવા તૈયાર નહોતા. મને કહે પ્રીતમભાઈ, તમે શરીરની કાળજી સારી રાખી છે, તમે તો બહુ ફિકરથી જિંદગીને જીવી નાંખી! મેં કહ્યું, વડીલ, સાચવવા કરતાં જીવવાનો આનંદ તો ક્યાં ય વધારે હોય છે. મિત્ર હું મારા શ્વેત વાળને કારણ છું તેના કરતાં વઘારે ઉંમરમાં દેખાવ છું. એટલે આપણે કોઈ વડીલ કે સાહેબ નહીં પણ આજથી ફકત એક મિત્ર.

ત્યાં જ ભોજનાલયનો દ્વાર ખુલ્યો અને હરિ હરનો સાદ પડે અને બાવા દોડે તેમ ટોળાંએ દોડ મૂકી. મને ગુણવંતભાઈ કહે, મિત્ર, આપણને કોઈ ઉતાવળ નથી. આપણે નિરાંતે જઈશું, બઘાંને જમી લેવા દો જમવાની બિલકુલ ચિંતા ના કરશો. બાપુનો રોટલો અને ઓટલો મોટો છે. જમી કરી અમે ગુરુકૂળની લીલી લોનમાં આવ્યાં. લોનમાં ચારેકોર મિત્રો પોત પોતાનાં ટોળાં બનાવીને બેઠાં હતાં. અમે પણ એક ખૂણામાં ચાર પાંચ મિત્રોનું એક ટોળું બનાવી બેઠા ન બેઠા, એવામાં ગોઘરાથી ગઈ રાતે ભાવનગર ઘોઘમાર વરસાદમાં કવિસસંમેલનમા કાવ્ય પાઠ કરીને, ગુણવંતભાઈના ઘરે મહેમાન બનેલા કવિમિત્ર કુમાર જૈમિની શાસ્ત્રી અને વિનોદ ગાંઘી પણ આવી ચઢ્યા. તે મિત્રો સાથે અલક મલકની વાતોમાં પરોવાઈ ગયા.

ગઈ રાતે જૂનાગઢમાં હું મિત્ર સાથે મોડી રાત લગી જાગેલો અને વહેલી સવારે નીંદર ઊડી જતાં જાગી ગયેલ હોવાને કારણ મને વહેલી સાંજથી બગાસાં આવતાં હતાં. આ જોઈને જૈમિની શાસ્ત્રીએ કહ્યું મિત્ર, તમે અમારી વાતમાં બોર તો થતાં નથી ને? મેં કહ્યું, ના સાહેબ, ગઈ રાતે કારણ વગર જાગરણ થયું. વળી આજ સવારથી એક કપ ચા મળેલ નથી. બસ અત્યારે એકાદ કપ ચા મળી જાય તો હું ફ્રેશ થઈ જાઈશ. ગુણવંતભાઈ મને, કહે કે અત્યારે ગુરુકૂળમાં તો ચા મળવાની કોઈ શક્યતા નથી, પણ જો તમારે ખરેખર ચા પીવી જ હોય તો આપણે ચા માટે ગામમાં જવું પડશે! જૈમિની શાસ્ત્રી કહે, “પ્રીતમભાઈ, તમે અમારા મહેમાન કહેવાવ, ગમે તેમ અમે તમને ચા પીવડાવશું. ચાની ચિંતા તમે મારા પર છોડી દો.” ગુણવંતભાઈ કહે, જૈમિની, ચા પીવા તો ગામમાં જવું પડશે, ગામ કૈ નજીક નથી એકાદ દોઢ કિલોમીટર જેટલું તો દૂર, ખરું? જો તમે “કારની સગવડ કરો તો આપણે જઈએ,’ જૈમિનીભાઈ કહે, કારની સગવડ તો હું કરી દઉં છું તેમાં કયાં મોટી કોઈ ઘાડ પાડવાની છે? આમ કહી તે કારની સગવડ કરવા માટે ગોઠવાણા. થોડી વારમાં જૈમિની શાસ્ત્રીજી અજયસિંહ ચૌહણને લઈને આવ્યા, અને કહે કે મણિલાલ પટેલ નિરાંતે સૂઈ ગયા છે. તેની કારની ચાવી અજયસિંહ પાસે છે. અજયસિંહ આપણને ગામમા ચા પીવા માટે લઈ જશે. કારમાં અમે ઘેટાં પુરાય તેમ છ મિત્રો પુરાણા. એવામાં એક કવિ ક્યાંકથી હડી કાઢતો અમારી કાર પાસે આવ્યો, અને અજયસિંહને કહે કે દરવાજો ખોલો, મારે પણ ચા પીવા માટે આવવું છે. કારમાં જગ્યા હતી નહિં એટલે વિનોદ ગાંઘી કહે, કવિ તમે એમ કરો જૈમિનીભાઈના ખોળામાં બેસી જાવ, આ સાંભળીને શાસ્ત્રીજી કહે, વિનોદ તું કેમ ભૂલી જાય છે કે તું મારા ખોળામાં બેઠો છો. ત્યા એક લકડી કવિએ કોઈને પૂછયા વિના કારમાં પોતાની જાતને ઝંપલાવી દીઘી. ગુણવંતભાઈએ, કવિને ખોળામાં જાણે ગણપતિને સ્થાન દેતા હોય તે રીતે અમને હસતાં હસતાં કહ્યું, મિત્રો, સાંકડ મોક્ડ બેસી જાવને, ગામ ક્યાં દૂર છે?. કવિ મારી અને ગુણવંતભાઈની વચ્ચે ગોઠવાણા. એટલે મેં પૂછ્યું કવિ તમારું નામ શું છે? મને કહે સાહેબ, હું સોલીડ મહેતા છું અને સુરેન્દ્રનગરથી આવું છું.

અમે વાજતે ગાજતે મહુવા ગામના ચોકમાં પહોચ્યા, તો બે ચાર ચાની લારીઓ સાથોસાથ દસપંદર લારીઓ પેટ્રોમેક્ષના અજવાળે ખાવાની સામગ્રી લઈને ઊભી હતી. ચાની લારીઓ પેટ્રોમેક્ષ બુઝાવીને ઘરે જવાની તૈયારીમાં હતી. ગુણવંતભાઈએ ઘડિયાળમાં જોયું તો રાતના બાર વાગવા આવ્યા હતા. અમને ત્યાં આવેલ જોઈ અસ્મિતાપર્વમાં આવેલા બીજા પંદર વીસ ચાના રસિયા જે અમારી પહેલાં ત્યાં ચા પીવા માટે પહોચેલા, તે મિત્રોએ અમને જાણ કરી કે અમે કયારના અહીંયા ચા પીવા માટે આવ્યાં છીએ પણ બઘી ચાની લારી ઘરે જવાની તૈયારીમાં છે. ચાની તલપ તો અમને સમી સાંજથી લાગી છે. કોને કહેવાય, અને કરીએ પણ શું? કોઈ લારી વાળો ચા બનાવવા તૈયાર નથી.

ગુણવંતભાઈએ કહ્યું, મિત્રો, જરા ઘીરજ રાખો હું એકાદ ચાવાળા પાસે જઈને વાત કરું છું. ગુણવંતભાઈએ થોડેક દૂર ઊભેલા એક ચાવાળા પાસે જઈને કહ્યું, કે સાહેબ, ચા નહીં પીવડાવો? અમે અસ્મિતા પર્વમાં આવ્યા છીએ. બાપુના ગામમા આવીએ અને આમ ચા પીઘા વિનાના અમે અમારે ગામ પાછા ચાલ્યા જઈએ એ તો તમને ખરાબ લાગે અને બાપુ પણ આ વાત કોઈ પાસેથી સાંભળશે, તો તેમને પણ કેવું લાગશે? ચા વાળો કહે કે ભાઈ, તમારી વાત સાચી છે પણ અત્યારે ઘણું મોડું થઈ ગયું છે. એટલે  તમને ના પાડું છું. ગુણવતંભાઈ કહે કે દોસ્ત, તમારી વાત સાચી છે, દિવસ આખો આ આકરા ઉનાળામાં ચા બનાવીને તમે થાકી ગયા હશો પણ ખાસ અત્યારે અમારે તમારી રેકડી પર ચા પીવા આવવાનું કારણ પેલા સૂટબુટમાં દેખાતા સાહેબ છે. તે અમેરિકાથી ખાસ અસ્મિતા પર્વમાં આવેલ છે. તેમણે અમેરિકામાં કોઈ મિત્ર પાસે સાંભળ્યું હશે કે મહુવા જાવ ત્યારે તમે ત્યાં જલારામ રેકડીવાળા રસિકભાઈની ચા પીવાનું ભૂલતા નહીં. સાહેબ સમી સાંજથી રસિકભાઈની રેકડીએ ચા પીવા જઈએનું રટણ લઈને બેઠા હતા. સાહેબની ઈચ્છાને કારણ અમે અત્યારે અહિંયા ચા પીવા લાંબા થયા છીએ. સાહેબ પાછા કાલે ચાલ્યા જવાના છે, દોસ્ત અમે તો મહુવા પાછા આવશું ત્યારે તમારી રેકડીએ ચા પીવા આવશું પણ સાહેબ પાછા કયારે આવશે તે તો ભલા રામને ખબર?

રસિકભાઈ કહે કે અરે! ભલા માણસ પહેલાં ફાટવું હતું ને કે વાત આમ છે. સાહેબ તો આપણા મહેમાન કહેવાય. આપણા એવા ભાગ્ય કયાંથી કે છેક દૂર દેશથી મહેમાન આપણા ઘરે સામે ચડીને ચા પીવા આવે.  આમ કહી તેણે બંધ પડેલા સ્ટવમાં બે ચાર પંપ મારી સ્ટવ ચાલુ કરી, ઘોયેલ એક મોટી તપેલીમાં વીસ પચ્ચીસ કપ ચા મૂકી દીઘી. થોડી જ વારમાં રસિક્ભાઈના દસબાર વરસના છોકરાએ અમારા હાથમાં ચા’ના ભરેલા કપ મૂકી દીઘા. બીજા મિત્રો ચાના પૈસા રસિક્ભાઈના હાથમાં મૂકે તે પહેલાં ગુણવંતભાઈએ ઝભાના ખિસ્સામાંથી પાંચસોની એક નોટ કાઢી રસિકભાઈના હાથમાં પકડાવતા કહ્યું, કે આ બઘાં મિત્રોના પૈસા આમાંથી લઈ લેજો. હું અને બીજા મિત્રો આ દરિયા દિલી માણસની ઉદારતાને નિહાળતા ચાના મીઠા ઘૂંટડા લેવા માંડયાં.

ચાના મીઠા ઘૂંટડા લેતા ગુણવંતભાઈએ કહ્યું, તમે અહીંથી ભાવનગર જવાના છો? મે કહ્યું, હા સાહેબ,   ભાવનગરમાં મારા મિત્ર માય ડીયર જયુએ (જંયતીભાઈ ગોહેલે) અને પર્થિક પરમારે મારા એક બે કાર્યક્રમ ગોઠવેલ છે. બહુ સરસ, પણ તમારો ઉતારો કયાં છે? ખરું તો મિત્રોએ જયાં ગોઠવ્યું હશે ત્યાં આપણે જવાનું હશે! પણ અત્યારે મારી પાસે તેની કોઈ માહિતી નથી. ગુણવંતભાઈ કહે કે, મિત્ર એમ કરોને, તમે ખુશીથી મારે ઘરે પઘારો, મારું ઘર દ્વારકાઘીશનો મહેલ નથી, પણ આનંદ પ્રમોદ પ્રેમથી કરી શકીએ તેવી સુદામાની કુટિર છે. તમને મજા આવશે. આમે ય ઘરે હું સાવ અત્યારે એકલો છું. ચાર પાંચ છ દિવસ માટે બઘા ફરવા ગયા છે. આપણે ખાશું પીશું અને સાહિત્યની અવનવી વાતો કરી ગમતાનો ગુલાલ કરશું.

ગુણવંત ઉપાધ્યાય

હનુમાન જંયતીના લાડવા ને ભજિયાંનું અસ્મિતાપર્વનું છેલ્લું ભોજન કરી અમે ગુરુકૂળથી ભાવનગર તરફ  જવા કારમાં કવિ કમલ વોરા, વિરેન મહેતા અને ગીતાબહેન નાયક નીકળ્યાં. આ મિત્રો મને ભાવનગર ઉતારીને અમદાવાદ એરપોર્ટ જવા રવાના થવાના હતા કારણ કે તેમની છ વાગ્યાની અમદાવાદથી મુંબઈ જવાની ફલાઈટ હતી.

ચૈત્ર મહિનાની ખરે બપોરે કવિ ગુણવંત ઉપાધ્યાય ભાવનગર એરપોર્ટ માર્ગ પર તેના અપાર્ટમેન્ટની બહાર એક પાનવાળાની દુકાને મારી રાહ જોતા ઊભા હતા. જેવી અમારી કાર તેના અપાર્ટમેન્ટ પાસે આવીને ઊભી રહી, એટલે કવિએ દરવાજો ખોલી અંદર બેસેલા ત્રણે મિત્રોને આવકારતા ઘરે ચા પાણી પીવાનું આંમત્રણ આપતા કહ્યું, મને આ લાભ આપશો તો આંનદ થશે. મિત્રોને અમદાવાદ ઍરપોર્ટ પહોંચવાની ઉતાવળ હોવાથી બીજી કોઈવાર ચા પીવા નહીં, પણ જમવા જ આવીશું એમ કહી, કવિની રજા લઈ તેઓએ કારને અમદાવાદ તરફ હાંકી મૂકી.

મારી એક મોટી બેગ ગુણવંતભાઈએ પોતાના હાથમાં લઈ લીઘી અને બગલ થેલો ખભે નાખી મને કહે કે તમે મારી પાછળ ઘીમે ઘીમે ચાલ્યા આવો. આપણે છેક ચોથે માળે જવાનું છે. દાદરા ચઢતા સહેજ ઘ્યાન રાખ જો, જો ભૂલથી પણ પગ છટકયો તો સીઘા છેક નીચે, અમે ચોથે માળે તેમના ઘરે પહોંચ્યા ત્યારે મને સમજાણું કે તેમની વાત ખરેખર સાચી હતી. ગુણવંતભાઈએ મને કહ્યું કે દોસ્ત, ગિરનાર ચઢવો સરળ છે પણ આ ચોથે માળ તમે પહોંચશો, ત્યારે ખબર પડશે કે અમે કેમ દિવસમાં દસવાર આ પગથિયા ચઢ  ઉતર કરીને જતા હશું. હું જ્યારે  ચાર માળના પગથિયાં ચઢીને તેમના દ્વારે પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ દેશમાં સામાન્ય માણસનું જીવન કેટલું કપરું છે.

મેં મારી જિંદગીમાં આજ પ્રથમવાર જોયું કે કવિ અને સામાન્ય માણસની જિંદગીમાં પારાવાર યાતના અને મુશ્કેલી ભરી હોવા છતાં આ દેશમાં માણસ કેટલી ખુશી – આનંદ સાથે જીવે છે! મારી બેગ અને બગલ થેલાને એક ખૂણામાં મૂકતા કવિએ મને કહ્યું, તમે જરા નિરાંતે હિંચકે બેસો, એમ કહી  તેમના ઘરે મારું આગમન થાય તે પહેલાં લાવી રાખેલ બિસલેરીની એક બોટલમાંથી ગ્લાસમાં મને ઠડું પાણી આપી, કહે જરા આરામથી બેસો, એમ કહી બેડ રૂમમાંથી એક તકિયો લાવી, મને આપી, કહે તમે જરા હાથ પગ ઘોઈને ફ્રેશ થાવ એટલે હું ચા મૂકું છું.

કવિનું ઘર બહુ જ સામાન્ય હોવા છતા હું ક્ષણે ક્ષણે અનુભવતો હતો કે આ જ સુખનું સાચું સરનામું છે. કવિએ સરસ મજાની ચા સાથે ભાવનગરના ખાસ પ્રખ્યાત આખા ભરેલાં બટેટાનાં ભજિયાંનો મને ગરમા ગરમ નાસ્તો કરાવી, મારી સાથે અલકલમલકની વાતે વળગ્યા.

સમી સાંજે એક ભાઈ હાથમાં ગિટાર લઈને તેમના ઘરે આવી ચઢ્યા. તેમની સાથે મારો પરિચય કરાવતા કહે, આ ભાઈ છે ડૉ. ફિરદોસ દેખૈયા. તમે તેના દાદાના નામથી પરિચિત હશો. બેન્ડ માસ્તર માનનીય ગઝલકાર,’ હું માગું તો તારી ખુદાઈ દૂર નથી’ ગઝલના રચયિતા નાજીર દેખૈયાના પૌત્ર છે. ફિરદોસભાઈએ ગિટાર પર પોતે બનાવેલ તર્જ સાથે બેચાર ગઝલ પોતાના કંઠે સંભળાવી, મેં કહ્યું મજા આવી ગઈ. એટલે ગુણવંતભાઈએ મને પૂછયું, મિત્ર ભૂખ લાગી હશે, તો પછી ચાલો, આપણે જમવા જઈએ. મેં માથું ધુણાવી હાનો સંકેત કર્યો, એટલે કવિ બે મિનિટમાં તૈયાર થઈ ગયા. તેમણે અમને પૂછયું ગુજરાતી થાળી ખાશું કે પછી પંજાબી? અમે કહ્યું તમારી ઈચ્છા મુજબ તમને ગમતી રેસ્ટોરન્ટમાં આપણે જઈએ. તેમણે ગાડીને રંગોલી રેસ્ટોરન્ટ તરફ દોડાવતા મને કહ્યું હું હજી નવો શિખાવ ડ્રાઈવર છું. આજે બીજી વાર ગાડી રસ્તા પર દિવસમાં દોડાવુ છું, પણ બિલકુલ ચિંતા ન કરતા તમને કોઈ તકલીફ વિના રંગોલી પહોંચાડી દઈશ. અમે ત્રણે મિત્રોએ રંગોલીમાં ભૂખ હતી, તેના કરતાં વઘારે ખાઘું. રંગોલીનું મોટું બીલ હું ચૂકવું તે પહેલાં ગુણવંતભાઈએ વેઈટરના હાથમાં પાંચ છ પાંચસોની નોટ પકડાવી દીઘી. સવારે હજી હું ઊઠું અને તૈયાર થાઉં તે પહેલાં તેમણે ટેબલ પર જલેબી ફાંફડા સાથે ચાની તૈયારી તો કરી રાખી હતી અને નાવા માટે બાથરૂમ સાફ કરી મારા માટે નહાવા એક મોટા તપેલામાં પાણી ગરમ કરવા સ્ટવ પર કવિએ મૂકી દીઘેલ.

આ પછી મારે ભાવનગર સાત આઠ વરસમાં પાંચ-છ વાર જવાનું બન્યું હશે. ઈશ્વરની ઈચ્છાથી કોઈને કોઈ કારણ મારે ગુણવંતભાઈના ઘરે બે ત્રણ વાર  ફરી મહેમાન થવાનું સદ્ભાગ્ય  સાંપડ્યું હતું. ગુણવંતભાઈનું ઘર તો પંખીનો માળો, આ માણસનો રોટલો અને ઓટલો એક સંતના ઘરની જેમ મોટો, ફકત કવિ જ નહિં તેમના ઘર્મપત્ની, દીકરો અને દીકરાની વહુ, ગુજરાતીનાં પ્રાઘ્યાપક ડો. જીતલ ઉપાઘ્યાયની તો વાત જ શું કરું?  ઉત્સાહનું લીલુ તોરણ! માણસ ભૂખ્યા, ઉંબરે માણસ મહેમાનનો દરવાજે ટકોરો સાંભળે અને આખું ઘર ઊમળકા ભેગું હડી કાઢતું મહેમાનને આવકારવા દોડી આવે નહીં તો ગુણવંતભાઈનું ઘર શેનું!

અમેરિકામાં હું ઘણાં મિત્રોના મહેલ જેવા મોટા મકાનોમાં મહેમાન થયો છું. પણ મેં કયારે ય કોઈ દિવસ તેમના મહેલોમાં ઘર જેવી લાગણી અનુભવી નથી. ગુણવતંભાઈના ઘરે ગયો છું ત્યારે પાછા ફરતા મનમાં થાય કે  આજ હું પંખીના માળેથી જીવતરના ટહુકાનો આંનદ લઈને પરદેશ પાછો ફરી રહ્યો છું. તેમનું ઘર ખરા અર્થમાં ઘર છે, કોઈ ઈંટ ચૂનાનું મકાન નહિં. એટલે જ તેમના ઘરેથી અમદાવાદ પાછા ફરતા મેં ઘર નામક એક કાવ્ય બસમાં લખ્યું હતું. તે કાવ્ય મેં ‘કુમાર’ની બુઘસભામાં ઘીરુભાઈ પરીખને વાંચવા આપ્યુ ત્યારે ઘીરુભાઈ, હર્ષદ ત્રિવેદી અને પ્રફુલ રાવળ કાવ્ય સાંભળીને ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. કાવ્ય અછાંદસ હોવાથી ઘીરુભાઈએ કુમારમાં નહીં પણ કવિલોકમાં પ્રગટ કર્યું હતું. કાવ્ય પ્રાગટ્યનું કારણ કવિ તમે અને તમારું ઘર નિમિત્ત બન્યા હતા. તેનો આનંદ હું શબ્દમાં કેમ પ્રગટ કરું? શું પ્રેમ લાગણી કે કવિતા શબ્દમાં પ્રગટ થઈ શકે ખરી?

કવિ, છેલ્લી વાર હું અને કવિ ડૉ. પરેશ સોંલકી તમારે ઘરે આવી ચઢેલા, ત્યારે આપણે સવારે જલેબી ફાંફડાના નાસ્તા સાથે ચા પીતા સાહિત્યની વાત કરતા બેઠા હતા, તમે મને એક બહુ જ સરસ ચિનુ મોદીનો શેર, સંભળાવ્યો હતો, “ક્રોઘ તો ઈશાદ મને પણ આવે છે, વાત મારી ના ગમે તો વાત ના કર”, અને પછી તમે મને કહ્યું હતું કે બીજીવાર તમે થોડો સમય લઈને ભાવનગર આવજો, આપણે બઘા સાથે ગોપનાથને દરિયે જશું. દિવસ આખો મોજ મજા અને સાહિત્યની વાતો કરી મોડી સાંજે પાછા ફરીશું પણ કવિ તમે મને ગોપનાથના દરિયાનું વચન આપી ચૂપચાપ કશું કીઘા વિના તમે કિરતારના ઘર તરફ ચાલી નીકળ્યા. ગુણવતંભાઈ, આ સંતાકૂક્ડી ના કહેવાય આ તો તમે અમને છેતરી ચાલ્યા ગયા …. એક અંચાઈથી બીજું શું હોઈ શકે ….. મારા પ્રિય કવિ!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

2024ના યુદ્ધમાં NDAના 38 સામે INDIAના સ્પેશ્યલ 26

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 July 2023

રાજ ગોસ્વામી

ભારતીય જનતા પાર્ટીના આસામના મુખ્ય મંત્રી હેમંત વિશ્વ શર્મા ટ્વીટર પર ઘણા સક્રિય છે. તેઓ સતત રાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમના વિચારો પ્રગટ કરતા રહે છે. 18મી તારીખે, સાંજે 7 વાગે તેમણે તેમના હેન્ડલ પરથી એક ટ્વીટ કરી હતી;

“આપણી સભ્યતાનો સંઘર્ષ ઇન્ડિયા અને ભારતની આસપાસ કેન્દ્રિત છે. અંગ્રેજોએ આપણા દેશનું નામ ઇન્ડિયા રાખ્યું હતું. આપણે ખુદને આ ઉપનિવેશક વિરાસતથી આઝાદ કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. આપણા પૂર્વજોએ ભારત માટે લડાઈ લડી હતી, અને અમે ભારત માટે પરિશ્રમ કરતા રહીશું … બી.જે.પી. ફોર ભારત.”

એ દિવસે, બેંગલુરુમાં દેશભરના 26 વિરોધ પક્ષોના 50થી વધુ નેતાઓ ભેગા થયા હતા. આ તેમની બીજી બેઠક હતી. એક મહિના પહેલાં પટણામાં તેમની બેઠક થઇ હતી. 2024ની લોકસભાની ચૂંટણીમાં, ભા.જ.પ.ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એન.ડી.એ.) સામે કેવી રીતે સામૂહિક લડત આપવી તેના માટે આ નેતાઓ છેલ્લા ઘણા સમયથી પરસ્પર છેડા જોડી રહ્યા હતા. સાંજે બેઠક પૂરી થઇ, ત્યારે અન્ય બાબતો ઉપરાંત, નેતાઓ તેમના મોરચાના નામ સાથે સંમત થયા; INDIA (Indian National Developmental Inclusive Alliance).

સોશિયલ મીડિયા પર વિપક્ષી મોરચાનું નામ જેવું ટ્રેન્ડ થવા લાગ્યું તે સાથે જ, ભા.જ.પ.ના અન્ય નેતાઓ, કાર્યકરો અને ગોદી મીડિયાની સાથે, આસામના મુખ્ય મંત્રીએ ‘ઇન્ડિયા અને ભારત’ને જોડીને તેમની પહેલી પ્રતિક્રિયા આપી.

મજાની વાત એ થઇ કે વિરોધ પક્ષોના ‘ઇન્ડિયા’ સામે શર્માએ ભા.જ.પ.ના ‘ભારત’ને તેમના ટ્વીટર હેન્ડલ પર ઊભું તો કરી દીધું, પરંતુ તેમના ટ્વીટર બાયોડેટામાં, 2021માં તેઓ મુખ્ય મંત્રી બન્યા ત્યારથી, અંગ્રેજીમાં ‘ચીફ મિનિસ્ટર ઓફ આસામ, ઇન્ડિયા’ લખેલું હતું. તેમણે વિપક્ષોના ઇન્ડિયાની ટીકા કરવા માટે ભારતનાં વખાણ કરી દીધાં પછી ખ્યાલ આવ્યો કે તેઓ જેને અંગ્રેજોની વિરાસત ગણીને વિપક્ષોની ટીકા કરે છે, પણ ખુદ પોતે ઇન્ડિયા શબ્દ વાપરે છે. એટલે તેમણે તાબડતોબ ટ્વીટર બાયોમાંથી ઇન્ડિયા હટાવીને ભારત મૂકી દીધું.

વિરોધ પક્ષોએ જે હેતુથી તેમના મોરચાનું નામ ‘ઇન્ડિયા’ રાખ્યું હતું, તે કેટલું ધાર્યું તીર છે તેનો આ પહેલો પુરાવો હતો. ચૂંટણીમાં આ મોરચો શું ઉકાળશે અને નરેદ્ર મોદીના નેતૃત્વમાં ભા.જ.પ. પણ કેવાં તીર છોડશે એ તો સમય આવે ખબર પડશે, પરંતુ નામકરણ કરીને મોરચાએ જે પહેલું બ્યુગલ ફૂંક્યું છે, તે રસ પડે તેવું તો છે.

ગોદી મીડિયાએ થોડા જ કલાકોમાં ‘ઇન્ડિયા’ નામ માટે થઈને ભ્રામક સમાચારો આપવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ સવારનાં મુખ્ય ધારાનાં અખબારોની વાત માનીએ તો, ‘ઇન્ડિયા’ નામનું સૌથી પહેલું સૂચન કાઁગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યું હતું, પરંતુ તેમણે કાઁગ્રેસના સંગઠન સચિવ કે.સી. વેણુગોપાલને કહ્યું હતું કે પહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને વિશ્વાસમાં લઇ લો. મમતાએ નામ માટે તરત હા પાડી હતી. જો કે તેમણે ‘એન’ માટે ‘નેશનલ’ને બદલે ‘ન્યૂ’ શબ્દ સૂચવ્યો હતો. એ પછી બેઠકમાં ‘ડી’ શબ્દ ‘ડેવલપમેન્ટ’ માટે રાખવો કે ‘ડેમોક્રસી’ માટે તેની ચર્ચા થઇ હતી.

કોઈને જો નામની ભાંજગડ ફાલતુ લાગતી હોય (જેમ કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને લાગી હતી. તેમનો આગ્રહ હતો કે નામમાં પડવાને બદલે બેઠકોની વહેંચણી કેવી રીતે થશે તેની ચર્ચા કરવી જોઈએ), તો મમતા બેનરજી અને રાહુલ ગાંધીના બયાન પર ધ્યાન આપવા જેવું છે.

બેઠક પછી પત્રકારો સાથે વાત કરતાં મમતાએ એક અણિયાળો સવાલ પૂછ્યો હતો, “એન.ડી.એ. અને ભા.જ.પ. … તમે ઇન્ડિયા સામે વાંધો ઉઠાવી શકશો? અમે અમારી માતૃભૂમિને પ્રેમ કરીએ છીએ. અમે આ દેશના રાષ્ટ્રપ્રેમી લોકો છીએ. અમે દેશ માટે, દુનિયા માટે, ખેડૂતો માટે, સર્વે માટે કામ કરીએ છીએ. આજે મણિપુર અને બંગાળમાં હિંદુઓ, દલિતો, લઘુમતીઓ, ખેડૂતો ભા.જ.પ.ના કારણે ખતરામાં છે. તેમનું એકમાત્ર કામ સરકારો ખરીદવા-વેચવાનું છે.”

બેઠક પૂરી થઇ ત્યારે છેલ્લું વક્તવ્ય રાહુલનું હતું. તેમાં તેમણે મોરચાનું નામ ‘ઇન્ડિયા’ કેમ હોવું જોઈએ  તેના પર ઘણું જોર આપ્યું હતું. તેમનો તર્ક છે કે ઇન્ડિયા નામથી વિરોધ પક્ષો બહુ સરળ રીતે એન.ડી.એ. વિરુદ્ધ ઇન્ડિયાનું નેરેટિવ ઊભું કરી શકશે. સ્વાભાવિક રીતે જ, ભા.જ.પ. તેમનો વિરોધ કરશે, જેથી લોકોમાં એવો સંદેશો જશે કે ભા.જ.પ. ઇન્ડિયા વિરોધી છે અને જે લોકો ભા.જ.પ. વિરોધી છે તે સૌ ‘ઇન્ડિયાવાળા’ છે. તેમણે કહ્યું હતું કે 2024ની લડાઈ વિપક્ષો અને કેન્દ્ર સરકાર વચ્ચે નથી, પરંતુ ઇન્ડિયા વિરુદ્ધ ભા.જ.પ. વચ્ચે છે.

આ તર્કની ઝાંખી પણ એ જ રાતે જોવા મળી. પ્રાઈમ ટાઈમ પર એક ન્યૂઝ ચેનલ પર ભા.જ.પ.ના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી સાથે ચર્ચા કરતાં, કાઁગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, “જેને ઇન્ડિયાથી પરેશાની હોય તે પાકિસ્તાન જતા રહે. સ્ટાર્ટ અપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયાના નારા કેમ આપ્યા હતા … શું તમે ભારતની વાત નથી કરતા? તમે જ્યારે બઢેગા ઇન્ડિયાની વાત કરો છો ત્યારે કોની વાત કરો છો? તમને સમસ્યા કઈ વાતથી છે? ઇન્ડિયાથી?”

ભારતમાં ચૂંટણી પ્રચાર દિમાગનો ખેલ છે. ભારતીય જનતા પાર્ટીની અપ્રતિમ સફળતા તેની ગવાહ છે. ભા.જ.પ.નું ચૂંટણી અને ચૂંટણી પ્રચારનું તંત્ર ઘણું દક્ષ છે. વિરોધ પક્ષોને, ખાસ કરીને કાઁગ્રેસને, તેનો સૌથી વધુ (કડવો) અનુભવ છે. એ અનુભવમાંથી જ કાઁગ્રેસ ભા.જ.પ.નું ‘દિમાગ’ કેવી રીતે કામ કરે છે તેનો અંદાજ લગાવાનું શીખી છે.

છેલ્લા 9 વર્ષથી, ભા.જ.પ.ની એક કામિયાબ વ્યૂહરચના રહી છે; કાઁગ્રેસને દેશ વિરોધી અને ભા.જ.પ.ને રાષ્ટ્રવાદી ચિતરો અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની લડાઈ ઊભી કરો. કાઁગ્રેસના શાસનની અનેક કમજોરીઓ રહી છે અને રાહુલ ગાંધીની ‘પપ્પુ ઈમેજ’ મોદી માટે એકદમ અનુકૂળ છે. દેશમાં અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઇ છે, તેમાં ભા.જ.પે. હંમેશાં કાઁગ્રેસ અને રાહુલ પર નિશાન રાખ્યું છે. કેમ? કાઁગ્રેસ તો બહુમતી રાજ્યોમાં સરકારમાં પણ નથી. જનતા તો છોડો, ખુદ રાહુલ ગાંધી પોતાને ભાવી પ્રધાન મંત્રી તરીકે જોતા નથી. છતાં, ભા.જ.પ. કેમ વારંવાર તેમનું નામ લીધા કરે છે?

ભા.જ.પ. માટે દરેક ચૂંટણી એક યુદ્ધ સમાન હોય છે. તેમાં દુ:શ્મન હોવો અનિવાર્ય છે. કાઁગ્રેસ ભલે સત્તામાં ન હોય, રાહુલ સાથે સરખામણી ભલે અસામાન હોય, પરંતુ ભા.જ.પ.ને પોતાની રાષ્ટ્રવાદી છબીનું મતદારોના મનમાં ઘર કરવા માટે જરૂરી છે કે તે સામે એવો કોઈ દુ:શ્મન ઊભો કરે, જેની સાથે મતદારો સરખામણી કરી શકે.

કાઁગ્રેસ કંઈ પણ કરે, રાહુલ કંઈ પણ બોલે, ભા.જ.પ. તરત જ તેને તેના પ્રચારતંત્ર મારફતે પોતાના ફાયદામાં વણી લે છે. એટલા માટે કાઁગ્રેસ જ્યારે પણ મૂલ્યો, સિદ્ધાંતો, લોકતાંત્રિક વ્યવસ્થાઓ, પ્રજાલક્ષી પ્રશ્નોની વાત કરે છે, ભા.જ.પ. તરત તેને દેશ વિરોધી અથવા મોદી વિરોધી પ્રચારમાં ખપાવી દે છે. ભા.જ.પ.ની આ વ્યૂહરચના સફળ રહી છે અને એમાં કોઈ શંકા નથી કે 2024ની ચૂંટણીમાં ભા.જ.પ. તરફથી પ્રચારનું મુખ્ય ફોકસ, મોદી સરકારની સફળતાઓ કે દેશનો વિકાસ પર નથી રહેવાનું, પણ કાઁગ્રેસ કેમ દેશ વિરોધી છે તેના પર રહેવાનું છે.

રાહુલ ગાંધીને બરાબર ખબર છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભા.જ.પ. તેમને મોદી સાથે ભીડવવાની કોશિશ કરશે. મોદી સરકારનાં નવ વર્ષ પૂરાં થયાં તે નિમિતે, મહારાષ્ટ્રના નાંદેડમાં જૂન મહિનામાં એક રેલીને સંબોધતાં ગૃહ મંત્રી અમિત શાહે શ્રોતાને લલકાર્યા હતા કે 2024માં દેશની જનતાએ નવા પ્રધાન મંત્રી તરીકે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેથી પસંદગી કરવાની છે. ભા.જ.પ. ઈચ્છે છે કે ચૂંટણીમાં ટક્કર મોદી અને રાહુલ વચ્ચે રહે. ભા.જ.પ. ઈચ્છે છે કે તેનો મુકાબલો ‘રાષ્ટ્ર વિરોધી’ કાઁગ્રેસ સાથે જ રહે.

બેંગલુરુમાં વિપક્ષોની બેઠકમાં આ બંને શસ્ત્રો બુઠ્ઠા કરવાનો પ્રયાસ થયો છે. એક તો તેમણે મોરચાનું નામ ઇન્ડિયા રાખ્યું છે. એટલે પ્રચારમાં જનતાના કાને ‘ઇન્ડિયા સામે એન.ડી.એ.’ના નારા ગુંજશે. બીજું, ભા.જ.પ. સામે ખાલી કાઁગ્રેસ એકલી નથી, પણ સમગ્ર વિરોધ પક્ષ છે. એટલે તેણે ‘ઇન્ડિયા’ને નિશાન બનાવવું પડશે. ભારતની બહુમતી જનતા એ વખતે ઇન્ડિયા શબ્દનું ફૂલ ફોર્મ શોધવા નથી જવાની. તેના માટે ઇન્ડિયા એટલે ભારત. ભા.જ.પ. કઈ રીતે ઇન્ડિયાનો વિરોધ કરશે તે હજુ સ્પષ્ટ નથી.

બીજું, રાહુલ ગાંધીએ વિરોધ પક્ષોની એકતા માટે એ બેઠકમાં પ્રસ્તાવ મુક્યો હતો કે કાઁગ્રેસ પાર્ટી પ્રધાન મંત્રી પદ માટે ઉત્સુક નથી. વિરોધ પક્ષોમાં એકતાને લઈને એ પણ અવરોધ હતો કે ભા.જ.પ. કાઁગ્રેસ અને રાહુલને તેની મુખ્ય હરીફ તરીકે આગળ કરીને સરસાઈ લઇ જાય છે. ભા.જ.પ.ના આ શસ્ત્રને બુઠ્ઠું કરવા માટે જરૂરી છે કે કાઁગ્રસ અને રાહુલ બે ડગલાં પાછળ રહે. કદાચ રાહુલને પણ વાત સમજાઈ છે. એટલા માટે તેમણે વિપક્ષોની એકતાના વ્યાપક હિતમાં પોતાના કે કાઁગ્રેસના હિતોને જતાં કરવાનું નક્કી કર્યું છે. એ સંદર્ભમાં એ પણ નોંધવા જેવું છે કે સોનિયા ગાંધી પણ એ બેઠકમાં હાજર હતાં, પરંતુ એક શ્રોતા તરીકે. તેમણે એક પણ શબ્દ ઉચાર્યો નહોતો.

કદાચ એ ‘ઇન્ડિયા’ની જ અસર હતી કે બીજા દિવસે, નવી દિલ્હીમાં ભા.જ.પે. એન.ડી.એ.ના 38 ઘટક દળોની બેઠક બોલાવી હતી. મોદીએ તેમાં પ્રવચન કરતાં એન.ડી.એ.ને એક એવું “સુંદર મેઘધનુષ” ગણાવ્યું હતું, જેમાં “કોઈ પાર્ટી નાની કે મોટી નથી.” બેઠકનો ઘોષિત ઉદેશ્ય તો મોદી સરકારનાં નવ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણીનો હતો, પણ સંદેશ સાફ હતો; ભા.જ.પ. તેના જૂનાં મિત્રોને સાથે રાખવા માંગે છે અને નવા બનાવવા પણ માંગે છે.

આ તો હજુ શરૂઆત છે. 

લાસ્ટ લાઈન:

“રાજકારણીઓ અને ડાઈપરને વારંવાર બદલતા રહેવું જોઈએ.”

— માર્ક ટ્વેઇન, ઇંગ્લિશ લેખક

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 23 જુલાઈ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગરીબો પાસે પેટ છે, પણ પોકેટ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|23 July 2023

રમેશ ઓઝા

અઢારમી સદીમાં થોમસ માલ્થુસ નામનો એક બ્રિટિશ અર્થશાસ્ત્રી થયો હતો, જેણે એમ કહ્યું હતું કે જેટલું અનાજ પાકતું હોય તેનાં કરતાં જો ખાનારાઓ વધારે હોય તો ભૂખમરો અને બીજી આફતો અનિવાર્ય છે. તેણે એમ પણ કહ્યું હતું કે ભૂખમરો અને બીજી આફતોને કારણે મોટી  સંખ્યામાં લોકોનાં મૃત્યુ થશે અને ફરી પાછું અનાજ અને ખાનારાઓ વચ્ચે સંતુલન સ્થાપિત થઈ જશે. ખેતી માટેની જમીન તો એટલીને એટલી જ રહેવાની એટલે જે ફેરફાર થશે એ માનવવસ્તીમાં જ થશે. માલ્થુસની વિશ્વપ્રસિદ્ધ પોપ્યુલેશન થિયરી ૧૭૯૮ની સાલની છે અને એ પછી દુનિયામાં તેણે કલ્પના પણ નહોતી કરી એટલાં પરિવર્તનો થયાં છે.

થોમસ માલ્થુસ

અઢારમી સદીમાં દુનિયાની વસ્તી એક અબજ હતી જે અત્યારે આઠ અબજ કરતાં વધુ છે. ૧૮મી સદીમાં લોકોનું સરેરાશ આયુષ યુરોપના શ્રીમંત દેશોનું ૪૦ વરસનું હતું જે અત્યારે સરેરાશ ૮૦ વરસનું છે. ભારત જેવા દેશોમાં સરેરાશ આયુષ ત્યારે ૨૫ વરસનું હતું જે અત્યારે ૭૦ વરસનું છે. આનો અર્થે થયો કે ઈસ્વીસન ૧૮૦૦ની તુલનામાં આઠ ગણા લોકો બે ગણી લાંબી જિંદગી જીવે છે અને ભોજન કરે છે. માલ્થુસે આવું પણ બનશે એની કલ્પના નહોતી કરી. જેમ આયુર્વિજ્ઞાને આયુષ વધારી આપ્યું તો બીજી બાજુ કૃષિવિજ્ઞાને અન્ન ઉત્પાદન પણ વધારી આપ્યું. ઉદાહરણ તરીકે ભારતની જ વાત કરીએ. ભારતની વસ્તી જ્યારે ૫૦ કરોડ કરતાં ઓછી હતી ત્યારે અનાજ ઓછું પડતું હતું અને વિદેશથી આયાત કરવું પડતું હતું. કેટલુંક અનાજ તો સહાય તરીકે આવતું હતું. આજે ભારતની વસ્તી ત્રણ ગણી એટલે કે લગભગ દોઢ અબજ છે અને ભારત અન્નની બાબતમાં આત્મનિર્ભર છે, બલકે નિકાસ કરે છે.

ટૂંકમાં અનાજની અછત નથી અને એ છતાં ય ભારતમાં લોકો ભૂખ્યા સૂવે છે. સંયુક્ત રાષ્ટ્રસંસ્થાના ૨૦૨૨ના હંગર રિપોર્ટ મુજબ દુનિયાના ૧૨૧ દેશોમાં ભારતનો ક્રમ ૧૦૭મો છે. પાકિસ્તાન (૯૯), બંગલાદેશ (૮૪), નેપાળ (૮૧), મ્યાનમાર (૭૧), શ્રીલંકા (૬૪) આપણાથી આગળ છે. ૨૦૧૪ની સાલમાં ભારતનો હંગર ઇન્ડેક્સ ૨૮.૨ હતો જે અત્યારે ૨૯.૧ છે. યુનોએ જે વર્ગીકરણ કર્યું છે એમાં ભારત “ગંભીર” સમસ્યા ધરાવનારા દેશોમાં સ્થાન પામે છે. અહીં નીતિ આયોગના અહેવાલને પણ જોઈ લઈએ. નીતિ આયોગે કબૂલ કર્યું છે કે ભારતમાં ૨૦ કરોડ ૮૦ લાખ લોકો અનેક રીતે (મલ્ટીડાયમેન્સનલી) ગરીબ છે. અનેક રીતે એટલે કે કેટલાક લોકોને ખાવા મળતું નથી, કેટલાકને પેટભર ખાવા મળતું નથી, પોષણના અભાવમાં થતાં બાળમૃત્યુ, ભણવાનું છોડીને કરવી પડતી બાળમજૂરી, રહેવા માટે મકાનનો અભાવ વગેરેને મલ્ટીડાયમેન્સનલ પોવર્ટી તરીકે ઓળખાવવામાં આવે છે.

યક્ષપ્રશ્ન એ છે કે અનાજનું ઉત્પાદન પર્યાપ્ત હોવા છતાં શા માટે લોકોને ભૂખ્યા સૂવું પડે છે? ખામી ક્યાં છે? અને ગયા સપ્તાહના લેખમાં મેં લખ્યું હતું એમ વ્યાપક માનવહિતના પ્રશ્ને કોઈ ચર્ચા જ નથી થતી. ભૂખ અને ગરીબી વિષે બે અહેવાલો આવ્યા છે, પણ કોઈ ચર્ચા કરતું નથી. ઊલટું હિંદુ–મુસ્લિમ અને એવા બીજા ફાલતુ વિષયો પર દેકારા કરીને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દેશની વાસ્તવિકતા નથી? આ દેશનું કલંક નથી? દેશ અન્નની બાબતે સ્વાવલંબી તો થયો, પણ અનાજનો કોળિયો એના સુધી નથી પહોંચતો જે ભૂખ્યો છે. અને જો એ નથી પહોંચતો એ જાય છે ક્યાં? અને શા માટે અનાજ ગરીબ સુધી નથી પહોંચતું? શું ખામી છે?

કોઈકે કહ્યું છે કે રેફ્રીજરેટર આધુનિક યુગમાં ભૂખનું અને બીમારીનું એમ બન્નેનું મોટું કારણ છે. રેફ્રીજરેટર એટલે માત્ર ઘરનું રેફ્રીજરેટર નહીં, કોલ્ડ સ્ટોરેજ પણ રેફ્રીજરેટર છે. અન્નનો સંગ્રહ કરી શકાય, લાંબો સમય સુધી ટકાવી રાખી શકાય, એક સ્થળેથી બીજા સ્થળે તેની નિકાસ કરી શકાય, પ્રોસેસિંગ કરી શકાય, ફૂડ પેકેજીંગ કરી શકાય, બ્રેન્ડનેમ ડેવલપ કરીને દુનિયાભરમાં ધંધો કરી શકાય, જગત આખાને એક જ ટેસ્ટનો ચટાકો લગાડી શકાય, ફ્રોઝન ફૂડ દિવસો સુધી ખાઈ શકાય અને સૌથી મોટી વાત એ કે જે ભૂખ્યો નથી એની અંદર ભૂખ પેદા કરીને ખવડાવી શકાય. રેફ્રીજરેટર નહોતાં ત્યારે અનાજ, માંસ-મટન, માછલી, ફળફળાદિ અને શાકભાજી ખરાબ થઈ જતાં એટલે ઉપર કહી એ કોઈ ચીજ શક્ય નહોતી. આજે શ્રીમંત લોકો બે જણાના ભાગનું ખાય છે અને બીજા બે જણાના ભાગનું અન્ન વેડફે છે, ફેંકી દે છે. આ બધું બીમારીઓનું પણ કારણ છે અને એનો અનુભવ આપણને થઈ રહ્યો છે. ગાંધીજીએ બે વાત કહી હતી. એક એ કે આ ધરતી પ્રત્યેક જીવની ભૂખ સંતોષી શકે એમ છે, પણ આ ધરતી ભૂખાળવા માણસની ભૂખ સંતોષી શકે એમ નથી. તેમણે બીજી વાત એ કહી હતી કે શારીરિક શ્રમ કર્યા વિના ખાવું એ ચોરી છે. તમે આરોગો અને બીજો તમારા માટે શ્રમ કરે એ અનીતિ છે.

બીજું કારણ એ છે કે ગરીબ લોકો પાસે પેટ છે, પણ પોકેટ નથી અને જેની પાસે પોકેટ ન હોય એની બજારમાં કોઈ કિંમત નથી. આનો ઈલાજ છે પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પી.ડી.એસ.). સરકાર ખેડૂતો પાસેથી અનાજ ખરીદે, તેને ગોદામોમાં એકઠું કરે અને એ પછી દેશભરમાં જે પ્રદેશને જેટલા અનાજની જરૂર હોય ત્યાં તે મોકલે. અનાજ રેશનીંગની દુકાને પહોંચે અને લોકોને કિફાયત ભાવે ઉપલબ્ધ કરી આપવામાં આવે. હવે આ પી.ડી.એસ.માં એટલો બધો ભ્રષ્ટાચાર છે અને વ્યવસ્થાકીય ખામીઓ છે કે જેની કોઈ સીમા નથી. દાયકાઓથી પી.ડી.એસ.માં સુધારા કરવાની માગણી કરવામાં આવી રહી છે પણ એમાં સુધારા કરવામાં આવતા નથી. લોકો માટેનું અનાજ ગરીબ લોકો સુધી પહોંચતું નથી અને જો પહોંચે છે તો ખાઈ ન શકાય એવું પહોંચે છે. ફૂડ પ્રોસેસિંગ અને ફૂડ પ્રોડક્ટ્સનો ધંધો કરનારાઓની સંખ્યા મુઠ્ઠીભર હોવા છતાં દિલ્હીમાં લોબિંગ કરી શકવાની તાકાત ધરાવે છે, પણ ગરીબો કરોડોની સંખ્યામાં હોવા છતાં આવી કોઈ તાકાત ધરાવતા નથી.

ભારતમાં અનાજની અછત નથી, અભાવ વહેંચણીની વ્યવસ્થાનો છે. જવાબદાર અને સંવેદનશીલ વ્યવસ્થાના અભાવમાં જગતમાં દેશનું નાક કપાય એ શરમજનક નથી? આનો ઈલાજ પણ છે, પરંતુ એ માટે સંકલ્પશક્તિ હોવી જોઈએ. કૃતનિશ્ચયી બનવું પડે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 23 જુલાઈ 2023

Loading

...102030...1,0571,0581,0591,060...1,0701,0801,090...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved