Opinion Magazine
Number of visits: 9743241
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાલિકાઓના બેલી

સુરેશ જાની|Opinion - Opinion|15 August 2023

૧૫, ઓગસ્ટ નિમિત્તે આ પ્રેરક જીવન કથા –

શ્યામ સુંદર! તમારા પૌરુષથી ભરેલા રૂક્ષ ચહેરાની નીચે મહિલાઓ માટે અપાર પ્રેમ છલકાય છે! પણ કેવી મહિલાઓ માટે? ઉછરતી કળીઓ જેવી, આવતીકાલની મહિલાઓ માટે જ તો! તમે નાના હતા ત્યારે તમને તમારી બહેનો સાથે રમવાનું વધારે પસંદ હતું. પાંચિકાઓ ઉછાળવા અને દોરડાં કૂદવા જેવી છોકરીઓની રમતો તમને વધારે પસંદ આવતી હતી. બધાં તમારી મશ્કરી કરતાં કે ‘આ તો છોકરી થતાં થતાં છોકરો બની ગયો છે!’ તમારા બાળક મનમાં એ વખતે પણ સંશય પેદા થતો હતો કે, ‘ગામમાં છોકરીઓની સંખ્યા કેમ બહુ ઓછી રહે છે?’

યુવાનીનો દોર ફૂટવા છતાં, લાખોમાં કોઈકને જ હોય, તેવી તમારી એ લાક્ષણિક વૃત્તિ તો ચાલુ જ રહી. પણ હવે એમાં સમાજની કુરૂપતાઓની સમજ પૂરેપૂરી ઉમેરાઈ ગઈ હતી. તમને બહુ ગમતી હતી એવી, ગરીબ ઘરની મનજિત (* કાલ્પનિક પાત્ર) જ્યારે પરણીને સાસરે ગઈ; ત્યારે એનાથી વિખૂટા પડવાના દર્દ કરતાં વધારે દર્દ તમને એનાં માવતરને ચૂકવવા પડેલા દહેજના બોજને કારણે થયું હતું. કન્યાવિદાય વખતની રોક્કળની પાર્શ્વભૂમિકામાં, માંડ પેટિયું રળી ખાતા, એ કુટુમ્બે શી રીતે એ કમરતોડ જફા વ્હોરી હશે, એની વ્યથા તમારા ચિત્તને કોરતી જ રહી, કોરતી જ રહી. હવે તો તમને ખબર પણ પડી ગઈ હતી કે, ગામમાં છોકરીઓની સંખ્યા કેમ ઓછી હતી? ‘કઈ અકુદરતી રસમોનાં કારણે આમ થતું હતું?’ – એ તમે હવે સમજવા લાગ્યા હતા.

બાલિકાઓના પ્રેમી, ઓ શ્યામસુંદર! માનાં પેટમાંથી જ સમાજના કુરિવાજોની વેદી પર વધેરી દેવામાં આવતી બાલિકા ભૃણોની અને દૂધપીતી કરી દેવામાં આવતી નવજાત બાળકીઓની બહાર ન સંભળાતી ચીસ હવે તમને સંભળાવા લાગી હતી. મારવાડી સમાજના આ કુરિવાજો સામે લડત આપવા તમારું અસલી રાજસ્થાની ખમીર ઊછળવા લાગ્યું હતું. કોઈક સુભગ પળે તમારા ચિત્તમાં આ આક્રોશને વાચા આપતો સંકલ્પ પ્રગટ્યો. તમે એ જ ઘડીએ એક નિર્ધાર કર્યો.

‘આ કુરિવાજો સામે હું મારા શૂરવીર બાપદાદાઓની જેમ લડત આપીશ – ભલે એ મનની તલવાર હોય!’

છોકરીઓ અને એમનાં ગરીબ માબાપ માટેની આ કૂણી લાગણીની સાથે સાથે નષ્ટ થઈ રહેલી વનરાજિ માટેની વ્યથા પણ તમારા ચિત્તને કોરી ખાતી હતી. તમે નાના હતા ત્યારે આંબળી પિપળી રમતા હતા તે ઘટાદાર, લીલાંછમ વૃક્ષો કપાઈ ગયાં હતાં. ગામની ભાગોળે જંગલી તેમ જ ઉપયોગી ઝાડવાંઓ પણ મરણ શરણ થઈ ગયાં હતાં. લીલોતરીના પ્રેમી એવા તમારા દિલમાં એ સૂકો વગડો કુહાડીની ધારની જેમ આઘાત કર્યા કરતો હતો.

શ્યામ સુંદર પાલીવાલ! ૨૦૦૬ની સાલમાં તમને જેમાં અખૂટ શ્રદ્ધા હતી તેવી તમારી કૂળદેવીની કૃપા તમારા એ નિર્ધારના અમલીકરણ માટે વરસી. પિપલાન્ત્રી ગામના સરપંચ તરીકે તમે ચુંટાઈ આવ્યા. ગામના પંચની પહેલી સભામાં જ તમારા જિન્સમાં ધરબાઈને પડેલી વેપારી કુનેહ અને ચિત્તમાં સતત ઘુમરાઈ રહેલા આ આક્રોશના બળે તમે એક પ્રસ્તાવ પંચના સભ્યો સમક્ષ મૂક્યો, ‘દરેક બાલિકાના જ્ન્મને વધાવી લેવા આપણે ગ્રામજનોને પ્રેરીએ, મદદ કરીએ તો?’ અમુક અપવાદો સિવાય મોટા ભાગના સભ્યોએ તમારા સૂચનને ટેકો આપ્યો. એ જ દિવસે ઠરાવ કરવામાં આવ્યો કે, ‘જન્મ લેતી દરેક બાલિકાના નામે તેનાં કુટુમ્બીજનો ૧૧૧ વૃક્ષો રોપશે. પંચાયત એમને જાળવી રાખશે. બાલિકા યુવતી બને અને તેનાં વિવાહ થાય તે વખતે આ વૃક્ષો કાપીને એમાંથી થતી આવક એનાં માબાપને આપવામાં આવશે. આ ધરતી પર પગ મુકનાર એ લક્ષ્મીના આગમનને આમ સત્કારી લેવામાં આવશે.’

આમ પણ રાજસમંદ જિલ્લાનું પિપલાન્ત્રી ગામ સરકારની સારી સારી યોજનાઓના અમલીકરણમાં સક્રીય ભાગ લેવા માટે પ્રખ્યાત હતું જ. આ ઠરાવે આખા જિલ્લામાં પિપલાન્ત્રી ગામની શાખ વધારે ઊંચી કરી દીધી. શ્યામસુંદર! આટલું કરીને અટકી જાય એ પાલીવાલનો બચ્ચો નહીં ને? તમે તો આજુબાજુના ગામો પણ આવી યોજનાઓ કરે તેમ સમજાવવા અવિરત પ્રયત્નો કરતા રહ્યા.

‘ભામાશા યોજના’ પણ તમે આમ જ શરૂ કરી દીધી ને? જન્મ લેનાર છોકરીના નામે બેન્કમાં ખાતું ખોલાવવાનું અને તેમાં દાન આપનાર ભામાશાઓ તેમ જ બાલિકાનાં માબાપ જોગવાઈ થાય તેમ રકમ જમા કરાવતા રહે. જ્યાં સુધી એ કન્યા પુખ્ત વયની ના થાય, ત્યાં સુધી એમાંથી રકમ ઊપાડી ન શકાય. આમાંથી જ તેનાં લગ્ન માટે દહેજની રકમ મળી જાય. ભામાશા કાર્ડ પણ બાળકીની માતાનાં નામે જ તો. અન્ના હજારેના વિચારો મુજબ, અને તમારી સ્વ. દીકરી કિરણના નામને ચિરંજીવ કરતી ‘કિરણ નિધિ યોજના’ પણ બધાંને સાથે રાખીને કામ કરવાની તમારી કુનેહના પ્રતાપે જ શરૂ થઈ ગઈ ને? આ યોજના હેઠળ, જન્મ લેનાર બાળકીના નામે પંચાયતમાં ફિક્સ ડિપોઝિટ રાખવાની શરૂઆત પિપલાન્ત્રી ગામે કરી દીધી.

શ્યામ સુંદર પાલીવાલ! આવી જડબેસલાક યોજનાઓ તો તમારા વેપારી પણ નવજાત બાલિકા જેવા કોમળ દિમાગમાંથી જ નીકળી શકે ને?!

નોંધ –

જયપુરથી ૩૫૦ માઈલ દક્ષિણે અને ઉદયપુરથી ૬૭ માઈલ ઉત્તરે આવેલ રાજસમંદ જિલ્લો આમ તો રળિયામણો છે. પણ જયપુર, જોધપુર, કોટા વિ, શહેરોના હસ્ત કારીગીરી ગૃહોદ્યોગ અને આજુબાજુમાંથી નીકળતા આરસપહાણની ખાણોને કારણે એની વનસંપદા સતત ઘટતી રહી છે.

૨૦૦૬ની સાલમાં, પિપલાન્ત્રી ગામના તે વખતના સરપંચ, શ્યામ સુંદર પાલીવાલે શરૂ કરેલ આ બધી યોજનાનોના પ્રતાપે, એક વખત ઉજ્જડ બની ગયેલ ગામના વગડામાં હાલ લીમડો, આંબો, આમળાં અને સીસમનાં વૃક્ષો લહેરાઈ રહ્યાં છે. આ વૃક્ષોમાં ઉધાઈ અને બીજો સડો ન લાગે તે માટે, આજુબાજુ કુંવારપાઠાનાં ૨૫ લાખ છોડ પણ ઊગાડવામાં આવ્યાં છે. સૌંદર્ય પ્રસાધન કરતી બનાવટોમાં આના થતા ઉપયોગથી ગામને ઘણી મોટી આવક ઊભી થઈ ગઈ છે.

તેમને ઘણા બધા એવોર્ડ આ માટે મળ્યા છે – જેની ચરમસીમા રૂપે તેમને ૨૦૨૧ની સાલમાં ‘પદ્મશ્રી’ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

સંદર્ભ –

http://www.thebetterindia.com/73393/piplantri-rajasthan-girl-child-planting-trees/

https://en.wikipedia.org/wiki/Piplantri

https://starsunfolded.com/shyam-sunder-paliwal/

e.mail : surpad2017@gmail.com

Loading

પાટણ (યુનિવર્સિટી)ની પ્રભુતા ક્યારે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 August 2023

પ્રમુખીય

પ્રકાશ ન. શાહ

સોલંકી કાળની ભારતપ્રતિષ્ઠ રાજધાની પાટણમાં વિરાજતી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પાઠ્યક્રમમાંથી ‘પાટણની પ્રભુતા’ને જ રુખસદ ફરમાવવામાં આવે એવા સંજોગો વચ્ચે કંઈક ક્ષુબ્ધ, કંઈક સચિંત બે શબ્દો પાડવાપણું લાગે છે.

કોઈક છેડેથી વિરોધ દર્જ થાય અને પાઠ્યસામગ્રીનો કોઈક અંશ પડતો મૂકવામાં આવે એવા પ્રસંગોની જો કે નવાઈ નથી. આ લખી રહ્યો છું ત્યારે સહેજે સામે આવતાં દૃષ્ટાંત ‘નર્મદનો જમાનો’ (વિશ્વનાથ ભટ્ટ), ‘ખેમી’ (રામનારાયણ વિશ્વનાથ પાઠક) અને ‘ઢેઢનાં ઢેઢ ભંગી’ (ઉમાશંકર જોશી) જેવાં છે. અહીં પ્રસંગોપાત કોઈ ઉલ્લેખ થઈ જાય તો ભલે પણ એ બધાંની તપસીલમાં સિલસિલાબંધ જવાનો તત્કાલ ખયાલ નથી.

સીધો પ્રભુતા પ્રશ્ને જ આવું. મુદ્દે, એક સન્માન્ય જૈનાચાર્યે કુલપતિ રોહિત દેસાઈ જોગ પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે યુનિવર્સિટી જે મહાપુરુષના નામથી ગૌરવાન્વિત છે એ હેમચંદ્રાચાર્યના જ જીવનને અયોગ્ય રીતે પ્રસ્તુત કરનાર આ પુસ્તકને પાઠ્યક્રમમાં પ્રવેશ કેવી રીતે આપી શકાય. સ્વાભાવિક જ, વાસ્તવમાં આવું કાંઈ હોય તો એ અંગે અમૂઝણ અસ્થાને પણ ન ગણાય. પણ ‘પાટણની પ્રભુતા’ના રસિક ને વિદગ્ધ વાચકો વિનયભેર વળતું પૂછી શકે કે આ નવલકથામાં હેમચંદ્રાચાર્ય છે જ ક્યાં. જે રીતે મૂળ પ્રશ્ન ઉઠાવાયો છે એમાં રહેલી વાગ્મિતાની લગાર કળ વળે પછી કહેવાનું થાય કે ભાઈ, એક જૈન જતિ અહીં જરૂર છે. આનંદસૂરિ. આ યુનિવર્સિટી સાથે જેનું નામ જોડાયું છે તે મહાપુરુષ એ તો નથી.

જો કે, પાટણ પંથકના એક જૈન અગ્રણીએ વળી વાતને જુદો જ વળ અને આમળો આપ્યો છે. તમે એને ‘ગુગલી’ કહીને કદર પણ કરી શકો. એમણે કહ્યું છે કે આ જતિ સ્તો પરોક્ષ રૂપે હેમચંદ્રાચાર્ય છે. સર્જકને જે ખબર નથી તે આપણને હોય એ મુદ્દો અલબત્ત કાબિલે તપાસ ગણાય. વસ્તુતઃ સાદો હિસાબ છે કે મુનશીને અભિપ્રેત બે અલગ પાત્ર છે. આગળ ચાલતાં આપણે સૂરિ ઉપરાંત આચાર્યને પણ મળીએ છીએ તે જોતાં આ એક સ્વતઃ સ્ફુટ વિગત છે.

આ વિવાદના અનુસંધાનમાં ગુજરાતી સાહિત્યના સાર્વજનિક ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વની કહેવાય એવી સામગ્રી, એમની સાંસ્કૃતિક-સાહિત્યિક અભિરુચિથી ગુજરાતના સારસ્વત મંડળમાં પ્રિય ને આદરણીય થઈ પડેલા આચાર્ય વિજયશીલચંદ્રસૂરિના સદ્ભાવી માર્ગદર્શન હેઠળ ભાઈ અતુલ કાપડિયા તરફથી મળી છે એની સાભાર નોંધ લઈ તે સંદર્ભમાં એક બે મુદ્દા કરવાની રજા લઉં છું. ‘જૈન ગૂર્જર કવિઓ’ સરખું મહાભારત કામ જેમને નામે ઇતિહાસજમે છે તે મોહનલાલ દલીચંદ દેસાઈના લેખસંચયમાંથી હાલની ચર્ચામાં પ્રસ્તુત જણાય તેવી સામગ્રી એ છે. 

સમગ્ર સામગ્રીમાંથી પસાર થયા પછી ટૂંકસારરૂપે કહું તો આનંદસૂરિનું પાત્રચિત્રણ જે પ્રકારે થયું છે, એક ધર્મઝનૂની તરીકે, તે જૈનધર્મદ્વેષી નિરૂપણ છે એવી પ્રતિક્રિયા ‘ઘનશ્યામ’ એ ઉપનામથી ‘પાટણની પ્રભુતા’ પ્રગટ થઈ ત્યારે જાગી હતી. તે પછી, ત્રયી ભણી આગળ ચાલતાં હેમચંદ્રાચાર્યનું પાત્ર આવ્યું જેમાં આનંદસૂરિને મુકાબલે એક સમાજહિતૈષી શુચિતામંડિત સાધુતાની ગુંજાશ હતી. પણ એક નાજુક ક્ષણે હેમચંદ્રાચાર્યે મંજરી પરત્વે વિકાર અનુભવ્યો હતો એવો વાર્તાસંકેત આપી મુનશી પોતાનો દ્વેષભાવ પ્રગટ કર્યા વિના રહી શક્યા નથી એવો પ્રતિભાવ.

આમ તો, ‘પાટણની પ્રભુતા’માં હેમચંદ્રાચાર્ય છે જ ક્યાં, એવો વળતી વાગ્મિતા સાથેનો સવાલ ઉઠાવી આખી વાતને પૂરી થયેલી જાહેર કરી શકાય. પણ, તેમ છતાં, આનંદસૂરિની વાત નીકળી જ છે તો કહેવું જોઈએ કે આ કિસ્સામાં જૈન પાત્ર જરૂર છે પણ એના પાત્રાંકનમાંથી ફોરતો મુદ્દો ધર્મદ્વેષી નથી, ધર્મઝનૂની રાજનીતિ ઇષ્ટ નથી એ છે. સુદૂરથી યવનો ત્રાટકી રહ્યા છે ત્યારે પ્રતિકાર વાસ્તે રાજવટને જૈનધર્મઝનૂનનું અફીણ પાવું જોઈએ એવી સૂરિની થીયરી છે. જો ધર્મઝનૂની રાજનીતિનો ઇસ્લામી રવૈયો ખોટો છે તો વળતો રવૈયો પણ ખોટો છે, તે મુનશીનું પ્રતિપાદન છે.

હેમચંદ્રાચાર્યની પ્રતિભા વિશે તો હૈમસારસ્વત સત્ર જેવું અનેરું આયોજન કરનાર મુનશી અનભિજ્ઞ ન જ હોય. માત્ર, એ માણસ જેવા માણસ છે અને એમાંથી ઊંચે ઊઠતાં અહીં પહોંચી એક પ્રતિમાનરૂપ જીવન જીવ્યા છે તેનું, તેમના વિકાસક્રમનું, એક ઇંગિત એમણે મંજરી સંદર્ભે ક્ષણવિક્ષણ પૂરતું મૂક્યું એ આચાર્યની અવમાનના નથી. એમના વિશેષને નિઃશેષ પ્રગટાવી શકે એવી સામગ્રી એ અવશ્ય છે. આનંદસૂરિ સાથે સરખાવતાં સમજાતો સૂચિતાર્થ કહો, મથિતાર્થ કહો કે નિહિતાર્થ, અહીં અલબત્ત એ છે કે ધર્મવિવેકપૂર્વક પણ ધર્મઝનૂન વગર હેમચંદ્રાચાર્ય સરખી પ્રતિભા તત્કાલીન રાજશાસનના પ્રભાવ ને પરિશોધનમાં કેવું નિરામય બળ પ્રેરી શકે છે.

અઢાર વરસે મતાધિકારનાં આ વરસોમાં, છાત્રો પાસે પુખ્ત અભિગમ કેળવી શકતી સામગ્રી પાઠ્યક્રમમાં કેમ ન મૂકી શકાય? અધ્યાપકો પાસે પણ ચોક્કસ સજ્જતા અપેક્ષિત છે જ. ખરું જોતાં પાઠ્યક્રમમાંથી કશુંક કાઢી નાખવાની કે એવી હિલચાલ થાય ત્યારે જે તે દાબજૂથની વગ કે ધાક અગર વહીવટકારોની આઘાપાછીવશ સમજૂતી, એ સ્વસ્થ શૈક્ષણિક અભિગમ નથી. યુનિવર્સિટીના શૈક્ષણિક ને સત્તામંડળોએ તેમ સરકારે ધોરાજી ચલાવવાની ન હોય. લેખક, અધ્યાપક, સમાજહિતૈષી સહૃદય મંડળી, યુનિવર્સિટી તંત્ર, સરકાર, આ બધાં વચ્ચે વિચારવિનિમય થકી ચોક્કસ સમજ અને નિર્ણય પર આવવું જોઈએ. નિર્ણયપ્રક્રિયાનું ખાનગીકરણ કે સરકારીકરણ કશું ઇષ્ટ નથી. એન.ઇ.પી. એન.ઇ.પી. કહીને દિવસરાત કૂટ્યા કરીએ છીએ એમાં આટલી સમજનિર્માણ અને સમાજનિર્માણની સૂધબૂધ ન હોય એવું કેમ સ્વીકારી શકાય? અને સહૃદયતાની કેળવણી પણ નહીં? વિચારીએ, અને પાટણ યુનિવર્સિટીની પ્રભુતા કાયમ કરીએ.

(પ્રગટ : “પરબ”; ઑગસ્ટ 2023)
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

ચોખાની ચતુરાઈ અને ઘઉંનું ગમારપણું?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 August 2023

રાજ ગોસ્વામી

વિશ્વમાં, ચોખાના વેપાર અને તેના ઉપભોગમાં સંકટ ઊભું થવાના અણસાર છે. કેમ? દેશમાં અનાજના ભાવોમાં ફૂગાવાને નિયંત્રણમાં લેવા માટે ભારતે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચોખાના આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતની નિકાસ 40 ટકા છે. ગયા વર્ષે, ભારતે 140 દેશોમાં 2.2 કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. એમાં 60 લાખ ટન સફેદ સસ્તા ઇન્ડિકા જાતિના ચોખા હતા. ભારતે આ ઇન્ડિકાની નિકાસ બંધ કરી છે. પરિણામે, આયાતકર્તા દેશોમાં ચોખાની તંગી સર્જાવાનો ભય છે.

વૈશ્વિક સ્તરે, આહારની ચીજ-વસ્તુઓમાં ચોખા, ઘઉં અને મકાઈનો દબદબો છે. એમ કહો કે વધુ પડતી નિર્ભરતા છે, અને તે ચિંતાનું કારણ પણ છે. વિશ્વમાં, મનુષ્યજાતિનો પોણા ભાગનો આહાર માત્ર 12 વનસ્પતિ અને પાંચ પ્રાણીઓમાંથી આવે છે. તેમાં 51 ટકા કેલેરી ચોખા, ઘઉં અને મકાઇમાંથી આવે છે.

એમાં વધુ એક વિભાજન છે. પશ્ચિમમાં, વિશેષ કરીને યુરોપિન દેશોમાં, ઘઉં વધુ ખવાય છે, જયારે પૂર્વમાં ચોખાનો વપરાશ વધુ છે. વિશ્વમાં સૌથી વધુ ચોખા ચીન, ભારત અને ઇન્ડોનેશિયામાં પાકે છે. એશિયા બહાર, બ્રાઝિલ સૌથી વધુ ચોખા પકવે છે. ચોખાનો સૌથી વધુ વપરાશ એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના અમુક ભાગોમાં થાય છે. ચોખાની પહેલી ખેતી ભારત અથવા દક્ષિણપૂર્વ એશિયામાં થઇ હતી.

ભારત-ચીન ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ અને રશિયા સૌથી વધુ ઘઉં પકવે છે. ઘઉંની પહેલી ખેતી મધ્યપૂર્વમાં ઈરાક નજીક શરૂ થઇ હતી. હકીકતમાં, કૃષિ ક્રાંતિની શરૂઆત જ ઘઉંની ખેતીથી થઇ હતી.

કૃષિ અને સામાજિક વિજ્ઞાનીઓમાં તો એવો પણ મત છે કે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓમાં જે તફાવત છે, તેના મૂળમાં ચોખા અને ઘઉંની ખેતીની ભૂમિકા છે. જેમ કે ડાંગરની ખેતીમાં વધુ મહેનત કરવી પડતી હોય છે એટલે એ સમુદાયોમાં સહકારનું પ્રમાણ વધુ છે, જે અંતત: તેમની સહિયારી સામાજિક જીવનશૈલીમાં પ્રતિબિંબિત થાય છે, જ્યારે ઘઉં પકવતા લોકો સ્વતંત્ર જીવનશૈલીવાળા હોય છે કારણ કે તેમાં ડાંગર કરતાં અડધી મહેનતની જરૂર પડે છે.

આ થિયરીનું શ્રેષ્ઠ ઉદાહરણ ચીન છે. ચીનના ઘઉં પકવતા ઉત્તરીય પ્રદેશની સરખામણીમાં દક્ષિણ ચીનના ચોખા ખાતા લોકો સર્વગ્રાહી, શાંતિપ્રિય અને મિત્રાચારવાળા છે. યુનિવર્સિ‌ટી ઓફ વર્જિનિયા, અમેરિકાનો સાયકોલોજીનો પીએચ.ડી. વિદ્યાર્થી થોમસ થેલ્હેમ 2007માં ચીનમાં અંગ્રેજી ભણાવવા ગયો, ત્યારે તેના ધ્યાનમાં આવ્યું હતું કે ઉત્તર અને દક્ષિણ ચીનને જાન્સ્તી નામની નદી વિભાજિત કરે છે. એમાં જાન્સ્તીના ઉપરવાસમાં ઘઉંની ખેતી થાય છે અને નીચાણમાં ડાંગરની.

થેલ્હેમ ‘સાયન્સ’ નામના એક પ્રતિષ્ઠિત સામયિકમાં લખ્યું હતું કે ડાંગરની ખેતી કઠિન છે અને ખેડૂતોએ સિંચાઇ માટે જમીનો તૈયાર કરવાથી લઇને ડેમ બનાવવા અને એકબીજાના સહકારમાં પાણી વહેંચવા જેવા સંગઠિત પગલાં ભરવાં પડે. એની સામે ઘઉં પકવવા માટે માત્ર વરસાદનો સમય જ સાચવવાનો હોય છે. થેલ્હેમ કહે છે કે ડાંગરની ખેતી કરતી જનતા સંગઠિત અને સહકારી હોય છે, કારણ કે તેમનો આપસી સંઘર્ષ ખેતીમાં નુકસાનકારક નીવડે છે.

તમે ઉત્તરવાળા ચીનીઓને પૂછો તો એ કહેશે કે દક્ષિણના ચીનાઓ રાજકારણમાં ઓછા અને પૈસા કમાવવામાં વધુ વ્યસ્ત હોય છે. દક્ષિણવાળાને પૂછો તો એ કહેશે કે ઉત્તરની પ્રજા ખાઉધરી અને ‘અસંસ્કૃત’ છે. દક્ષિણવાળા ભાગ્યે જ રસ્તા પર થૂંકે, જ્યારે ઉત્તરવાળા તો ગાળો ય થૂંકની જેમ કાઢે. આધુનિક ચીનના રચયિતા ડેંગ ઝિયાપોંગના 80ના દાયકાના સુધારીકરણમાં, ઉત્તરની સરખામણીમાં દક્ષિણનો વિકાસ બહુ ઝડપથી થયો હતો અને એમાંથી એક ડર પ્રચલિત થયેલો કે ચીનની સંસ્કૃતિમાં ‘સરકારી ઉત્તર’ અને ‘ધંધાદારી દક્ષિણ’ વચ્ચેની ખાઈ મુસીબત સર્જશે.

લૂ સૂન નામના પ્રખ્યાત લેખકે લખ્યું હતું, “મારી દૃષ્ટિએ ઉત્તરવાળા નિષ્ઠાવાન અને ઇમાનદાર છે. દક્ષિણમાં લોકો કુશળ અને તેજ દિમાગ છે.” ૧૭મી સદીનો શેંગ સ્તુ નામનો ચાઇનીઝ રાજા કહી ગયો હતો કે, “ઉત્તરવાળા મજબૂત છે. એમણે દક્ષિણવાળાના તરંગી ખોરાકની નકલ ન કરવી જોઇએ કારણ કે એ લોકો નબળા છે, જુદી આબોહવામાં રહે છે અને તેમનાં પેટ તથા આંતરડાં જુદાં છે.”

દક્ષિણ ચીન-ઉત્તર ચીનના વિભાજનના તર્કને જરા વધુ ખેંચીએ તો વિશ્વ પણ પ‌શ્ચિ‌મ અને પૂર્વમાં વહેંચાયેલું છે. સાયકોલોજિસ્ટ કહે છે કે પ‌શ્ચિ‌મની ઘઉં પ્રેમી જનતા વ્યક્તિ કેન્દ્રિ‌ત, વિશ્લેષણાત્મક મગજવાળી છે. તેની સરખામણીમાં ચોખા ખાતા પૂર્વીય લોકો સમૂહપસંદ અને કોઠાસૂઝવાળા છે.

ભારતમાં ઉત્તર ભારતીયોને ‘ભૈયા’ અને દક્ષિણ ભારતના લોકોને ‘મદ્રાસી’ કહીને ઉતારી પાડવાની વૃતિમાં પણ ઘઉં-ચોખાની ભૂમિકા છે? દક્ષિણમાં ચોખા મુખ્ય ખોરાક છે. ત્યાંના ઉષ્ણ કટિબંધીય પ્રદેશમાં ડાંગરની ખેતી વધુ થાય છે, જ્યારે સમશીતોષ્ણ ઉત્તરની ભૂમિ ઘઉં માટે વધુ ફળદ્રુપ છે. દક્ષિણમાં પણ રોટી ખવાય છે પણ તે ચોખાની બને છે. ઉત્તરમાં જે ચોખા ખવાય છે તે લાંબા, ઓછા ચીકાસવાળા અને ખુશ્બોદાર હોય છે.

1876-78માં, ભારતમાં દુષ્કાળ પડયો, ત્યારે મદ્રાસના તત્કાલીન સેનેટરી કમિશનર ડબલ્યુ. આર. ર્કોનીશે બ્રિટિશ સરકારના સલાહકાર સર રિચાર્ડ ટેમ્પલને બ્રિટિશરોએ ભારતમાં શું ખાવું જોઇએ અને શું ન ખાવું જોઇએ તેનું વિવરણ કરતાં લખ્યું હતું કે ચોખા સુખી-સંપન્ન, વિલાસ અને ઉપલા વર્ગના, બ્રાહ્મણ લોકોનો ખોરાક છે. ભારતમાં આજે પણ ઘણા લોકો માને છે કે ચોખા ખાવાથી ઉજળા થવાય અને ઘઉં ખાવાથી કાળા.

1912માં, કલકત્તા મેડિકલ કોલેજના શરીરશાસ્ત્ર ડો. મેકેયે નોધ્યું હતું કે બંગાળ અને યુનાઇટેડ પ્રોવિન્સની જેલોના કેદીઓની સરખામણીમાં, ઉત્તરની જેલોના ખોરાકમાં ઘઉંની ઉપસ્થિતિના કારણે રોજનું 12થી 14 ગ્રામ વધુ નાઇટ્રોજન મળે છે. ચોખામાં એનું પ્રમાણ 8 થી 9 ગ્રામ છે.

1915 સુધીમાં ભારત સંબંધી બ્રિટિશ સૈનિક વિચારધારા અને વ્યૂહરચનામાં એ માન્યતા સ્વીકારાઇ ગઈ હતી કે ઉત્તર અને ઉત્તરપ‌શ્ચિ‌મના ઘઉં પ્રેમી પંજાબીઓ, પઠાણો અને બીજી જાતિઓ ઉમદા યૌદ્ધા પુરવાર થાય છે. જ્યારે ચોખા ખાતા બંગાળીઓ અને મદ્રાસીઓ દુર્બળ, ટૂંકા અને સ્ત્રૈણ છે.

બ્રિટિશરોના ચોખા-વિરોધી આ અભિગમની અસર બંગાળીના ભદ્રલોક પર પણ પડી હતી. 1929માં, આહાર સંબંધી ચર્ચામાં કલકત્તા મેડિકલ કોલેજના કેમિસ્ટ્રીના પ્રોફેસર ચુનીલાલ બોઝે કહ્યું હતું કે ચોખામાં પોષક તત્ત્વો ઓછાં હોય છે અને ભારતમાં ઊંચા મૃત્યુદર તથા નીચા જન્મદર પાછળ ચોખા જવાબદાર છે.

ટૂંકમાં, આર્યો ઘઉં ખાતી જનતા હતી અને દ્રાવિડિયનો ચોખા પ્રેમી પ્રજા હતી એવું સમીકરણ બેસે છે. સિંધુ સંસ્કૃતિમાં ડાંગરની ખેતી થતી હોવાના પુરાવા છે. ભારતના એક પત્રકારે સાયકોલોજિસ્ટ થોમસ થેલ્હેમને આ ‘રાઇસ થીયરી’ અંગે ઇ-મેલથી પૂછ્યું હતું, તો એણે કહ્યું હતું, “ભારતમાં ચોખા ખાતા લોકો વિશાળ દિલના છે,” ગુજરાતીઓ પણ માફીપસંદ છે. ગુજરાતીઓ ફાંકા-ફોજદારી કરતા નથી. ‘વાણિયાની મૂંછ નીચી’ એવી કહેવત કદાચ ગુજરાતીઓની ‘દાળ-ભાતિયા’ માનસિકતામાંથી જ આવી હશે?

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 13 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0551,0561,0571,058...1,0701,0801,090...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved