Opinion Magazine
Number of visits: 9743064
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂના કાયદા નાબૂદ કરવાની માંગઃ ફેરફારથી કોને પડશે ફેર? શું ન્યાયતંત્રનો બોજ વધશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 August 2023

આ નવા બિલ્સ ભારતમાં ખાસ કરીને અપરાધી કાયદાને મામલે ભવિષ્ય ઘડનારા સાબિત થઇ શકે છે અને માટે જ તે ટકી શકે તેવા છે કે કેમ, તેનો પ્રભાવ, તેનું અનુસરણ અને અમલીકરણ ઉપરાંત ન્યાય આપવાની તેની ક્ષમતા ચકાસવી એ ન્યાયતંત્ર સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા તમામની જવાબદારી બને છે

ચિરંતના ભટ્ટ

ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે સંસદમાં ત્રણ નવા ધારા મૂક્યા અને એ સાથે દાવો કર્યો કે દેશમાં ગુનાને લઇને જે ન્યાય અપાય છે તેમાં આ પરિવર્તનથી મોટો ફેરફાર આવશે. ઇન્ડિયન પિનલ કૉડને બદલે ભારતીય ન્યાય સંહિતા, કૉડ ઑફ ક્રિમિનલ પ્રોસિજરને બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ઇન્ડિયન એવિડન્સ ઍક્ટને બદલે ભારતીય સાક્ષ્ય બિલ પસાર કરવાના સૂચન કરાયા છે. ઇન્‍ડિયન પિનલ કૉડ, કૉડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર અને ઇન્ડિયન એવિડન્સ ઍક્ટ – આ ત્રણેય કાયદા અંગ્રેજોના સમયથી દેશમાં લાગુ છે અને ગૃહ મંત્રી અમિત શાહનો દાવો છે સરકાર બદલાયેલા સમયને ગણતરીમાં લઇને આ પરિવર્તનો કરે છે જેનો ઉદ્દેશ સજા નહીં પણ નાગરિકોના અધિકારોનું રક્ષણ છે. ગુનાને લગતા કાયદાઓમાં જાહેર કરાયેલા પરિવર્તનોને લઇને અનેક ચર્ચાઓ છેડાઈ છે. કાયદાકીય બારીકીમાં વધુ ન પડતાં જરા સમજવાનો પ્રયાસ કરીએ કે આ પરિવર્તનો જ્યારે પણ ખરેખર લાગુ પડશે ત્યારે તેનો કેવો પ્રભાવ પડી શકે છે.

વિશેષજ્ઞોના મતે આતંકવાદ, ભ્રષ્ટાચાર, મૉબ લિન્ચિંગ, લગ્નનું વચન આપીને કરાયેલા બળાત્કારથી માંડીને પાકીટ ચોરીના ગુનાથી માંડીને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ જેવા ગુનાને પણ પિનલ લૉઝ હેઠળ લાવવામાં આવ્યા છે. આ એવા ફેરફાર છે જેનાથી પોલીસ પાસે કોઈની પણ ધરપકડ કરવાની અણધારી અને બેફામ સત્તા આવશે. MCOCA – મકોકાના કાયદામાં જે ફેરફારો કરવાની વાત થઈ છે તે જોતાં જે કાયદો એક સમયે અમુક જ પ્રકારના ગુનામાં વપરાતો તેનો ઉપયોગ હવે કોઈપણ અધિકારી, કોઇપણ ગુના માટે કરી શકશે. જ્યારે આખા IPCને જ બદલવામાં આવે છે અને મકોકાના કાયદાની જોગવાઈઓ હતી તેનું ફિલ્ટર ન હોવાથી ગમે તે વ્યક્તિ ટાડા, કે પોટામાં જેલભેગી થઇ શકે છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર ડી શિવનંદને, જાણીતા પત્રકાર અને લેખક મનીષ પચૌલીના ‘ક્રાઇમએનાલિટીકલ’ બ્લૉગમાં આ અંગે એક દૃષ્ટાંત આપતા કહ્યું છે કે, “પહેલાં જો ૧૦ ગુના નોંધાતા હતા તો હવે ૨૦૦ ગુના નોંધાશે અને કોર્ટમાં તેની ટ્રાયલ થઇને પરિણામ આવતા વાર લાગશે. નાના ગુના કરનારા અને ઘણીવાર નિર્દોષ સપડાઈ જનારા લોકોને લાંબા સમય સુધી એટલે કે કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી જેલમાં રહેવું પડે એવી શક્યતાઓ વધી જશે.”

વળી સરકારનો દાવો છે કે રાજદ્રોહને લગતા કાયદાને સરકારે દૂર કર્યો છે-નો દાવો પણ કરાયો છે. પરંતુ ખરેખર તો આ કાયદો નવા ખરડામાં રાજદ્રોહના કાયદાને નવું રૂપ અપાયું છે. જેમ કે ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતાં કૃત્યો માટે સજા ફટકારાશે. આ રાજદ્રોહના ગુનાની વિસ્તૃત વ્યાખ્યા છે – રાજદ્રોહનો ગુનો રદ્દ થવો જોઈતો હતો પણ તેને જાળવવામાં આવ્યો છે અને તે પહેલાં કરતાં વધારે મજબૂત કરાયો છે. કોઈપણ વ્યક્તિ કંઇ જાણીજોઈને બોલે અથવા લખે કે સંકેતો બનાવે, કંઇક દેખાડે અથવા ઇ-મેસેજ કરીને દેશમાં અલગાવ, સશસ્ત્ર બળવો, વિધ્વંસક પ્રવૃત્તિઓને બળ આપે તો તેને સાત વર્ષની સજા થઇ શકે છે. પહેલાં આ સજા ૩ વર્ષની હતી. રાજદ્રોહ કરતાં પણ કડક એવો આ કાયદો એવી સ્થિતિ ખડી કરે છે કે તમારે છાસ નહીં પણ આઇસ્ક્રીમ પણ ફૂંકી ફૂંકીને ખાવો પડશે.

વળી આ ખરડામાં મહિલાઓ સામેની જાતીય હિંસાઓ રોકવા માટે કાયદા કડક કરાયા હોવાનો દાવો છે પણ મેરાઇટલ રેઇપ – વૈવાહિક બળાત્કારને ગુનો નથી ઠેરવાયો. સુપ્રીમ કોર્ટમાં મેરાઇટલ રેપનું ક્રિમનલાઇઝેશન – અપરાધીકરણ કરાય એ માટેની પિટિશન્સ પર કામ થઇ રહ્યું છે. વળી સ્પીચ (આપણા બંધારણમાં વાણી સ્વતંત્ર્ય એક અગત્યનું પાસું છે ત્યારે આ નવી રજૂઆત અગત્યની બને છે) એટલે કે વાણીને ગુનો ઠેરવતા ફેરફારો કરાયા છે એમાં રાજદ્રોહ અને અશ્લીલતા સમાવાયા છે. આ સંજોગોમાં કાલે ઊઠીને તમારું બોલાયેલું ક્યારે તમને ગુનેગાર ઠેરવી દેશે તેની કોઈ ગેરંટી નથી રહેતી. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, અખબારી સ્વતંત્રતા વગેરે પર તવાઈ આવે એવું પણ બને. વળી ધર્મ અને નિંદાને લગતા કાયદાઓનું વિશ્લેષણ ઝીણવટથી થાય તે જરૂરી છે કારણ કે અત્યારે જે જાહેરાત થઇ છે તેમાં ઘણી બધી ચોખવટો હજી દેખાતી નથી. સ્પષ્ટતા ન હોય ત્યારે કાયદાનો બેફામ ઉપયોગ થવાની શક્યતાઓ વધી જાય છે. જાતિ કે વંશને આધારે હત્યા થાય અને તેમાં પાંચ કે તેનાથી વધારે લોકોનું ટોળું હોય તો તે ટોળાંનો ભાગ હોય તેવા દરેકને સાત વર્ષની અથવા આજીવન કેદ અથવા મૃત્યુ દંડની જોગવાઈ છે, હવે ધારો કે પચાસ લોકોનું ટોળું હોય તો શું પચાસ જણને આ સજા ફટકારાશે? વળી ફોરેન્સિક અને ડિજિટલ પદ્ધતિઓ અપનાવવાની જે વાત છે તે સાંભળવામાં સારી લાગે છે પણ શું ભારતની ફોરેન્સિક લેબ્ઝ અધધધ કેસિઝ સંભાળી શકે એવી સ્થિતિમાં છે ખરી? નિષ્ણાતો અને સંસાધનો બન્ને સ્તરે ફોરેન્સિક્સને મામલે હજી આપણી સજ્જતા ઓછી છે. આવી ઘણી સ્પષ્ટતાઓ જરૂરી છે ખાસ કરીને એવા સમયમાં જ્યારે કોઇપણ ગુનાને રાજકીય રંગ આપતાં વાર નથી લાગતી. વળી આપણા દેશમાં સામાજિક પરિબળો પણ ગુનાના સ્વરૂપ અને તેની ગંભીરતા પર અસર કરે છે ત્યારે કાયદા ઘડાય અને અમલમાં મુકાય તે માટે તેનું વિહંગાવલોકન નહીં સૂક્ષ્મ નિરીક્ષણ જરૂરી છે.

અત્યારે તો એમ કહેવું બહુ વહેલું છે કે આ પરિવર્તનો ભારતીય ન્યાય તંત્રની સુરત અને સીરત ધરમૂળથી બદલી નાખશે કે કેમ? કેન્દ્ર સરકારનો દાવો એ છે કે તેઓ દેશમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને મજબૂત અને સરળ બનાવવા માટે આ પરિવર્તન કરવા ઇચ્છે છે. જો કે આવા કોઇપણ બદલાવનો પ્રભાવ ત્યારે જ નાણી શકાય જ્યારે તેની શરૂઆત, ઘડતર અને આગળ જતાં તેના પ્રત્યે કેવો અભિગમ રહે છે તેનું યોગ્ય વિશ્લેષણ થાય. આપણા ન્યાયંત્રના પડકારો આ ફેરફારોને પગલે ઉકેલાઇ જશે એવું અત્યારે કહેવું યોગ્ય નહીં રહે. આમ તો આ ત્રણેય બિલ્સ ત્રણ અલગ અલગ ફોજદારી કાયદા એટલે કે ક્રિમિનલ લૉઝને બદલવાના આશયથી બનાવાયા છે.

આપણો સમાજ બહુસ્તરીય છે અને આર્થિક ભેદ પણ દેખીતા છે. આવી સ્થિતિમાં શેનું અપરાધીકરણ – ક્રિમિનલાઇઝેશન થાય છે તે અંગે સાવચેતી અનિવાર્ય છે. નવા ફોજદારી કાયદાઓમાં જે સુધારાની વાત છે તેમાં સમાનતાનો સિદ્ધાંત અનુસરાય તે જરૂરી છે કારણ કે આપણે ત્યાં અત્યાર સુધી તો ફોજદારી કાયદાઓને કારણે વર્ગ વિભાજન થતું આવ્યું છે. સાધનસંપન્ન લોકો માટે ન્યાય મેળવવું સહેલું રહ્યું છે જ્યારે વંચિતો ન્યાયને મામલે હાંસિયામાં ધકેલાતા આવ્યા છે. નાગરિકો પર લાગુ કરાતા કાયદાઓ પર નાગરિકોને પણ વિશ્વાસ બેસે એ જરૂરી છે. કાયદા અચાનક જ હળવા કે કઠોર બને એટલે લોકોને ન્યાયતંત્ર પર વિશ્વાસ આવશે એવું માનવાનું કોઈ કારણ નથી. કાગળ પર લખાયેલો કાયદો અને તેના અમલીકરણની વાસ્તવિકતા વચ્ચેનું અંતર દૂર થાય એ પણ જરૂરી છે. આપણે ત્યાં તંત્રમાં ઘણીવાર એટલા ગાબડાં હોય છે કે તેનું અમલીકરણ પ્રભાવી રીતે કરવું અશક્ય બની જાય છે.

આ પરિવર્તનો અંગે સવાલો થવા માંડ્યા છે, આ જ સમય છે જ્યારે ન્યાયતંત્ર સાથે જોડાયેલા લોકો જરૂરી પ્રશ્નો કરે. ભારતીય સંદર્ભમાં યોગ્ય સમયે થયેલી દલીલો યોગ્ય સ્રોત સુધી પહોંચશે તો જ કદાચ જે ફેરફારો નવા સૂચનોમાં જરૂરી છે તે થઇ શકશે. આ નવા બિલ્સ ભારતમાં ખાસ કરીને અપરાધી કાયદાને મામલે ભવિષ્ય ઘડનારા સાબિત થઇ શકે છે અને માટે જ તે ટકી શકે તેવા છે કે કેમ, તેનો પ્રભાવ, તેનું અનુસરણ અને અમલીકરણ ઉપરાંત ન્યાય આપવાની તેની ક્ષમતા ચકાસવી એ ન્યાયતંત્ર સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા તમામની જવાબદારી બને છે.

બાય ધી વેઃ

મોટા ભાગના નિષ્ણાતોના મતે મકૉલેએ તૈયાર કરેલ 160 વર્ષ જૂની ભારતીય દંડ સંહિતાની 80 ટકા જેટલી બાબતો નવા સુધારાઓમાં સચવાયેલી છે. ક્યાંક તો માત્ર નવાં નામો છે જ્યારે જોગવાઈઓ જૂની છે. એવો પણ મત છે કે બધું ધરમૂળથી બદલવા કરવા તો જે છે એ સ્થિતિ સુધારી શકાઈ હોત. વળી ખાટલે મોટી ખોડ એ છે કે આ નવા કાયદા જો શિયાળુ સત્રમાં પસાર નહીં થાય તો ભૂલી જવાનું કારણ કે પછી માથે ચૂંટણી હશે અને આ બિલ્સ લૅપ્સ થશે. જો રાજ્યોને ગણતરીમાં લીધા વગર કાયદા પસાર કરવાની વાત આવશે તો વિવાદ થશે જ અને સરકારની દાનત પર પણ સવાલો ઉઠશે. વળી હજી તો બિલની રજૂઆત થઇ છે, તેને સંમતિ મળવી, તેનો કાયદો બનવો વળી દરેક રાજ્યનું તેને પોતાની રીતે બદલવું આ બધી જ કાર્યવાહી કરતાં મહિનાઓ નહીં પણ વર્ષો નીકળી જતાં હોય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઑગસ્ટ 2023

Loading

શરદ પવારને એન.ડી.એ.માં લેવા આટલા ધમપછાડા શા માટે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|20 August 2023

રમેશ ઓઝા

અજિત પવારને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવું છે અને બી.જે.પી. તેમને બનાવવા પણ તૈયાર છે, પણ શરત એ છે કે તેઓ તેમના કાકા શરદ પવારને શાસક મોરચામાં લઈ આવે. તેમને કેન્દ્રમાં પ્રધાન બનાવવામાં આવશે અને તેમને જો પ્રધાન ન બનવું હોય તો તેમની દીકરી સુપ્રિયા સુલેને કેબિનેટ પ્રધાનના દરજ્જા સાથે કેન્દ્રમાં પ્રધાન બનાવવામાં આવશે. જો અજિતદાદા કાકાને ન લાવી શકે તો બી.જે.પી.ને હવે તેમની ખાસ કિંમત નથી. આ એ જ શરદ પવાર છે જેના વિષે અજિત પવારે હજી ત્રણ મહિના પહેલાં કહ્યું હતું કે કાકા વૃદ્ધ થઈ ગયા છે અને વૃદ્ધોએ યુવાનો માટે જગ્યા કરી આપવી જોઈએ.

ગયા અઠવાડિયે અજિત પવાર અને શરદ પવાર વચ્ચે પૂનામાં એક ઉદ્યોગપતિના ઘરે ગુપ્ત બેઠક યોજાઈ હતી. કાકા-ભત્રીજા અને યજમાન સિવાય કોઈને આની જાણ નહોતી, એટલે સંભવતઃ ગુપ્તતા જળવાઈ રહી હોત, પણ એ વાત બહાર આવી ગઈ. હોબાળો મચ્યો અને પવારના ઈરાદા વિષે અનેક પ્રકારની અટકળો કરવામાં આવી. શરદ પવારની મથરાવટી મેલી છે. પહેલીવાર મહારાષ્ટ્રમાં કાઁગ્રેસે પવારના ઈરાદા વિષે શંકા કરી અને જાહેરમાં પૂછ્યું કે તેમણે તેમની ભૂમિકા સ્પષ્ટ કરી દેવી જોઈએ.

આ તો શરદ પવાર છે. ભમરડો જ્યાં સુધી જોરમાં ફરતો હોય ત્યાં સુધી ફરવા દે અને પછી જ્યારે ધીમો થવા લાગે ત્યારે ખુલાસો કરે. તેમણે કહ્યું કે તેઓ એન.ડી.એ.માં જોડાવાના નથી કે કેન્દ્રમાં પ્રધાન બનવાના નથી. તેઓ વિરોધ પક્ષોના મોરચામાં જ રહેશે અને ૨૦૨૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને બી.જે.પી.ને પરાસ્ત કરવા પોતાનું યોગદાન આપશે. તેમણે અજિત પવારને કહ્યું હતું કે તેમનું જૂથ શરદ પવારનો ફોટો વાપરવાનું બંધ કરી દે અને જો એમ નહીં કરે તો કાનૂની કારવાઈ કરવામાં આવશે. તેમણે ચૂંટણી પંચને પણ કહી દીધું હતું કે તે શિવસેનાની બાબતમાં બન્યું હતું એમ અજિત પવારને પક્ષ અને પક્ષનું ચૂંટણીચિહ્ન આપી દે તો પણ કોઈ ફરક નથી પડવાનો. એ સિવાય તેમણે ગુરુવારે બીડમાં રેલી યોજવાની જાહેરાત કરી હતી જે સફળતાપૂર્વક યોજાઈ હતી. દેખીતી વાત છે કે ગુપ્ત બેઠકની વાત પવાર-જૂથે લીક કરી હોવી જોઈએ. અહીં યાદ અપાવી દઉં કે પક્ષમાં બળવો કર્યા પછી, મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સ્થાન પામ્યા પછી અને પવાર હવે વૃદ્ધ થઈ ગયા છે એટલે તેમણે નિવૃત્ત થઈ જવું જોઈએ એવી સલાહ આપ્યા પછી માત્ર બે જ દિવસમાં એન.સી.પી.ના નેતાઓ સાગમટે શરદ પવારના આશીર્વાદ લેવા યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં પહોંચી ગયા હતા. તેઓ આવી રહ્યા છે તેની તેમણે પવારને જાણ પણ નહોતી કરી.

દસ અજિત પવારને લઈ જાવ, પણ એક શરદ પવાર વિના મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષનું રાવણું અધૂરું છે, એટલું જ નહીં, મહારાષ્ટ્રમાં બી.જે.પી. માટે જીતવું અઘરું છે એ પવાર સાબિત કરી આપવા માગતા હતા અને પૂનાની ગુપ્ત બેઠક દ્વારા તેમણે તે સાબિત કરી આપ્યું. દરેક પક્ષને તોડવાની તમારી પાસે તાકાત છે, મહારાષ્ટ્રમાં બે પક્ષને તમે તોડી ચુક્યા છો, અઢળક પૈસા છે, સ્પીકર, ગવર્નર, ચૂંટણીપંચ, અદાલતો અને મીડિયા તમારા કબજામાં છે અને તમારા માટે કામ કરી રહ્યા છે તો પછી શરદ પવારને એન.ડી.એ.માં લેવા માટે આટલા ધમપછાડા શા માટે કરવામાં આવે છે? શા માટે એક વરસથી મુંબઈ સહિતની પાલિકાઓની ચૂંટણીઓ જાહેર કરવામાં નથી આવતી? આ ચૂંટણીઓ ગયા વરસે સપ્ટેમ્બરમાં થવી જોઈતી હતી. ચૂંટણીપંચ નમાલું છે એટલે એ કહેવામાં આવશે ત્યારે ચૂંટણી જાહેર કરશે. અને હવે તો ચૂંટણીપંચના સભ્યોની પસંદગી માટેની ત્રણ સભ્યોની સમિતિમાંથી મુખ્ય ન્યાયમૂર્તિને પણ હટાવી દેવાના છે.

મહારાષ્ટ્રમાં રાજકીય અનુકૂળતા પેદા કરવા માટે બે ઓપરેશન કરવામાં આવ્યાં. ગયા વર્ષે શિવસેનામાં ફૂટ પાડવામાં આવી. ગવર્નર, સ્પીકર અને ચૂંટણીપંચની મદદથી ઉદ્ધવ ઠાકરે પાસેથી આખેઆખો પક્ષ છીનવી લેવામાં આવ્યો, બાળ ઠાકરે હયાત નથી એટલે તેમનું નામ અને તસ્વીર વાપરવામાં પણ કોઈ રોકટોક નથી, પણ એ છતાં ય એકનાથ શિંદે અને તેમનું જૂથ કશા કામનાં નથી. કારણ એ છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાની આખી કેડર ઉદ્ધવ ઠાકરેની સેના સાથે છે અને લોકોની સહાનુભૂતિ પણ. જ્યારે ખાતરી થઈ ગઈ કે શિવસેના ફોડવાથી ભા.જ.પ.નો સંઘ કાશીએ પહોંચી શકે એમ નથી ત્યારે બીજું ઓપરેશન રાષ્ટ્રવાદી કાઁગ્રેસમાં કરવામાં આવ્યું. એ ઓપરેશન પણ વાંઝિયું સાબિત થઈ રહ્યું છે. શરદ પવાર ન હોય તો અજિત પવારનો કોઈ વિશેષ ખપ નથી. માટે અજિત પવારને કહેવામાં આવ્યું છે કે તમારું મુખ્ય પ્રધાનપદ પાકું, પણ પહેલાં શરદ પવારને લઈ આવો.

અજિત પવારના ધમપછાડા, એકનાથ શિંદે જૂથની ન ઘરના ન ઘાટના જેવી દયનીય અવસ્થા, ચારે બાજુ ખાતર પાડ્યા પછી પણ ભા.જ.પ.ની ઝોળી ખાલીની ખાલી એવી હાસ્યાસ્પદ સ્થિતિ તરફ શરદ પવાર મહારાષ્ટ્રની પ્રજાનું અને આખા દેશનું ધ્યાન ખેંચવા માગતા હતા. માટે પૂનામાં ગુપ્ત બેઠક યોજવામાં આવી હતી જે ગુપ્ત નહોતી રહી. પાંચ દિવસ પછી ફેંકવામાં આવેલો ભમરડો ધીમો પડ્યો ત્યારે તેમણે મોઢું ખોલ્યું. ત્યાં સુધીમાં ચર્ચાનો વિષય હમણાં કહ્યા એ ત્રણ મુદ્દા હતા. મહારાષ્ટ્રમાં ભા.જ.પ.નો સંઘ શરદ પવાર વિના અથવા ઉદ્ધવ ઠાકરે વિના કાશીએ પહોંચી શકે એમ નથી. ગમે એટલી ઘરફોડી કરવામાં આવે, ઝોળી ખાલી જ રહેવાની છે.

નરેન્દ્ર મોદી અને અમિત શાહને લોકસભાની ચૂંટણીની ચિંતા છે. મહારાષ્ટ્ર કે બીજાં કોઈ પણ રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીઓની ઝાઝી ચિંતા નથી. રાજ્યોને તો પાછળથી પણ ઘરફોડી કરીને કબજે કરી શકાય એમ છે જે રીતે ગોવા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને એ પહેલાં કર્ણાટકને કબજે કરવામાં આવ્યાં હતાં. એમાં પાછું મહારાષ્ટ્ર લોકસભાની ૪૮ બેઠકો ધરાવે છે. આજની રાજકીય વાસ્તવિકતા જોતા ઘણી મોટી સંખ્યા કહેવાય. જો દિલ્હી ગુમાવો તો ઘરફોડીની તક પણ ગુમાવો. આ સિવાય શરદ પવારને જો પટાવવામાં આવે તો વિપક્ષી એકતા અને INDIAના ફુગ્ગામાં પંક્ચર પાડી શકાય.

ઉપર કહ્યું એ બધું વિવેચન સાચું હોય અને તર્કસંગત હોય તો પણ શરદ પવાર વિષે આ દુનિયામાં કોઈ ખાતરીપૂર્વક કાંઈ ન કહી શકે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઑગસ્ટ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—210

દીપક મહેતા|Opinion - Opinion|19 August 2023

હિંદુસ્તાનનું પહેલું રેલવે સ્ટેશન લાકડાનું બનેલું  હતું  

ગવર્નરના બંગલામાં આજે ચાલે છે હાફકિન ઇન્સ્ટિટ્યૂટ  

સ્થળ : મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય, દાદર, મુંબઈ 

પાત્રો : ગોવિંદ નારાયણ માંડગાંવકર, સ.ગં. માલશે, નાચીઝ દી.મ.

ગોવિંદરાવ : જુઓ, આજે સૌથી પહેલા હું તમને એક સવાલ પૂછીશ : બોરી બંદરનું સ્ટેશન જ્યાં બંધાયું છે ત્યાં જ કેમ બંધાયું? 

માલશે : આપ વિક્ટોરિયા ટર્મિનસની વાત કરો છો?

દી.મ. : આપ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની વાત કરો છો?

ગોવિંદરાવ : એ બધાં નામ તો પછી આવ્યાં. અસ્સલ નામ તો બોરી બંદર. પણ એ ત્યાં જ કેમ બાંધ્યું ગ્રેટ ઇન્ડિયા પેનેનસુલા રેલવે કંપનીએ? 

દી.મ. : એ તો કંપનીના ઈજનેરોને એ જગ્યા સારી લાગી હશે એટલે.

ગોવિંદરાવ : ના જી. તમે એક વાત નોંધ્યા નથી લાગતા : સ્ટેશન ટ્રેનનું પણ તેના નામમાં ‘બંદર’ છે. જુઓ, એ વખતે રેલવે માટેનાં એન્જિનથી માંડીને નાના સ્ક્રૂ સુધીનો બધો જ સામાન ગ્રેટ બ્રિટનથી લાવ્યા હતા, કારણ તેમાંનું કશું જ એ વખતે આપણા દેશમાં બનતું નહોતું. પણ આટલો બધો સામાન વહાણોમાં આવે તે ઉતારવો ક્યાં? 

દી.મ. : વહાણમાં કેમ? સ્ટીમરોમાં કેમ નહિ?

ગોવિંદરાવ : કારણ એ વખતે સ્ટીમરો હતી જ નહિ! જ્યાં પહેલું રેલવે સ્ટેશન બાંધવાનું હતું તે જગ્યાથી થોડે દૂર ખડકાળ દરિયા કિનારો હતો. નાના મછવા ત્યાં નાંગરતા. પણ તેમાં ચડ-ઉતર કરનારાઓને ખડકોને લીધે ભારે અગવડ પડતી. એટલે પહેલાં તો એ બધા ખડકો તોડીને દૂર કર્યા. પછી ત્યાં કામચલાઉ ‘જેટી’ બનાવી. સૌથી પહેલાં રેલના પાટા લાવ્યા અને બોરી બંદરથી રેલવે સ્ટેશનની જગ્યા સુધી કામચલાઉ પાટા નાખ્યા. પછી બીજો સામાન આવતો ગયો તેમ તેમ એ પાટાની મદદથી તેને સ્ટેશન બાંધવાની જગ્યા સુધી લઈ ગયા. પછી બોરી બંદર સ્ટેશનથી થાણે સુધી પાટા નાખ્યા. પછી ટ્રેનનાં એન્જિન અને ડબ્બા લાવ્યા, વહાણમાં જ હોં! એ વખતે આજના જેવાં કોઈ સાધન-સગવડ નહિ. એટલે બધું કામ મજૂરો જ કરતા. રેલવે લાઈન નખાઈ ગઈ, સ્ટેશન બંધાઈ ગયું, પછી પેલા દરિયા કિનારાથી સ્ટેશન સુધીના પાટા ઉખેડી નાખ્યા. અને હા, એ પહેલું બોરી બંદર સ્ટેશન કાઈ ઈંટ-ચૂનાનું બનેલું નહોતું.

દી.મ. : તો શેનું બનેલું હતું? 

ગોવિંદરાવ : લાકડાનું.

દી.મ. : કેમ લાકડાનું? રેલવે કંપની પાસે પાકું સ્ટેશન બાંધવાના પૈસા નહોતા?

માલશે : ના, એવા વાત નથી. પણ પહેલાં બોમ્બેમાં ઘણાં મકાન લાકડાનાં જ બંધાતાં. અને ગ્રેટ બ્રિટનમાં પણ એમ જ હતું. મહેતા, તમે જૂની અંગ્રેજી કાદમ્બરીઓ – સોરી, તમે તેને શું કહો? હા, નવલકથા – તો વાંચી જ હશે.

દી.મ. : હા, ૧૯મી સદીનું જે કાંઈ હોય તેમાં મને પહેલો રસ પડે.

માલશે : તો એક વાત તમારા ધ્યાનમાં આવ્યા જ હશે. તેમાંની ઘણી નવલકથામાં આગનો બનાવ આવતો હોય છે અને તેને લીધે પાત્રોના જીવનમાં અને તેથી કથામાં પણ, મોટો અણધાર્યો વળાંક આવતો હોય છે. પણ પછી જેમ જેમ ટાઈમ આગળ વધ્યો તેમ તેમ જીવનમાં અને તેથી નવલકથામાં આગના પ્રસંગ ઓછા થતા ગયા. જો કે ૧૮૦૩માં કોટ વિસ્તારમાં બહુ મોટી આગ લાગેલી અને તેમાં ઘણાં બધાં મકાન બળીને ખાખ થઈ ગયેલાં, કારણ એ લાકડાનાં બનેલાં હતાં.

દી.મ. : ઓકે, હવે સમજ્યો. પણ પેલા લાકડાના બોરી બંદર સ્ટેશનના ફોટા જોવા મળે કે નહિ?

ગોવિંદરાવ : ના. 

દી.મ. : પણ કેમ?

માલશે : કારણ એ વખતે હજી આપણા દેશમાં ફોટોગ્રાફીની માંડ શુરુઆત થયેલી, અને તેમાં ય આઉટ ડોર ફોટોગ્રાફી તો વધુ મોડી આવી. પણ લાકડાના ભાયખળા સ્ટેશનનો એક ફોટો મેં જોયો હતો એવું યાદ છે.

લાકડાનું બનેલું ભાયખળા સ્ટેશન

દી.મ. : હા, જી. એ ફોટો તો મેં બી જોયેલો છે. પણ અમારે કેવી મજા? મોબાઈલમાં જ કેમેરા, એક નહિ, બે-ચાર! હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં બસ, મન થાય ત્યારે ફોટા પાડ્યે રાખો!

માલશે : અને પાંચ-પંદર દિવસ પછી ડિલીટ કરતા જાવ!

ગોવિંદરાવ : તમને બીજી એક મજેની વાત કહું, મહેતા. ૧૮૭૮માં જ્યાં વિક્ટોરિયા ટર્મિનસનું આલિશાન મકાન બાંધવાનું શુરુ થયું એ જગ્યાએ લાકડાનું બોરી બંદર સ્ટેશન આવેલું નહીં હતું. એ આવેલું હતું આજના સી.એસ.એમ.ટી. અને મસ્જિદ બંદર સ્ટેશનની વચ્ચે.

દી.મ. : પણ સ્ટેશનની જગ્યા બદલી કેમ?

માલશે : જેથી ટ્રેન વહેવાર ખોરવાય નહિ.

ગોવિંદરાવ : એટલે સુ કર્યા કે પહેલાં વી.ટી.નું આલેશાન મકાન બાંધ્યું, પ્લાટ ફોરમ વગેરે બાંધ્યા, અને પછી લાકડાના બોરી બંદરથી નવા વી.ટી. સુધી પાટા નાખ્યા અને ટ્રેનોને નવા સ્ટેશન સુધી દોડતી કરી. થોડા વખત પછી પેલું જૂનું, લાકડાનું સ્ટેશન તોડી પાડ્યું. 

માલશે : આ મહેતાએ ભાયખળાનાં નામ લીધા તેના પરથી એક વાત યાદ આવ્યા. એક વખત હતો જ્યારે મુંબઈમાં પીવાના પાણીના ઘણા જ તકલીફ હતા. વસતી ઓછી હતી ત્યાં સુધી તો કૂવા-વાવડીના પાણીથી લોકો જેમતેમ કામ રોડવતા. પણ પછી વસતી વધતી ગઈ તેમ પાણીની હાલાકી વધવા લાગી. એટલે શહેરમાં જુદી જુદી જગ્યાએ સખી-દાની પુરુષોએ તળાવ ખોદાવ્યાં. આવા એક તળાવ ભાયખળામાં શેઠ માણેકજી ખરશેદજીએ ખોદાવેલા. એ કાંઈ મોટા શાહુકાર નહિ હતા. સ્મોલ કોઝ કોર્ટમાં તીસરા જજ હુતા.

ભાયખળા સ્ટ્રીટ ૧૯૨૩

ગોવિંદરાવ : એ જમાનામાં ધીમે ધીમે ભાયખળાના મહત્ત્વ વધતા જતા હતા. ગોરા સૈનિકોનાં છોકરા અને છોકરીને ભણાવવા માટે અહીં બે અલગ નિશાળ હતી. છેક ૧૭૧૯માં એ શુરૂ થઈ હતી. જો કે એ શુરૂ થઈ હતી કોટ વિસ્તારમાં આવેલી ગોરા સૈનિકો માટેની બરાકની પાસે. પછી ૧૮૩૮માં બે નવાં મકાન ભાયખળામાં બાંધી તેને અહીં ખસેડી. આ સ્કૂલો માટેનાં બે મકાન બાંધવાનો કુલ ખરચ ૬,૧૯૦ રૂપિયા જેટલો આવ્યો હતો. તેનાથી થોડે દૂર રણમલ લાખા નામના એક લુવાણાએ મોટું મંદિર બંધાવેલું. તેની પાછળ ૫૦-૬૦ હજાર રૂપિયા ખરચેલા એમ કહેવાય છે. 

માલશે : પછી તો ભાયખળાથી માજગાંવ સુધી મોટા, સુંદર બંગલા અંગ્રેજો, પારસીઓ, ગુજરાતી વાન્યાઓ, મુસલમાનો, અને યહૂદીઓએ બંધાવ્યા. મોટો બંગલો. એની સાથે મોટો, સુંદર બગીચો. એમાં પાણીનાં ઝરણાં, ફુવારા. ક્યાંક નાનું તળાવ બનાવી તેમાં રંગબેરંગી માસળી તરતી મૂકે. 

ગોવિંદરાવ : અને મલબાર હિલ પરનો ગવર્નરનો બંગલો તો પછી બન્યો. તેના અગાઉ પરળમાં આવેલા એક મોટા બંગલામાં ગવર્નર સાહેબ રહેતા.

ગવર્નર્સ હાઉસ, પરળ

દી.મ. : છેક પરળ કેમ?

માલશે : કારણ એ વખતે પરળ તો હવા ખાવાનું સ્થળ ગણાતું. ત્યાંનાં હવાપાણી એકદમ ચોખ્ખાં. બીજા કેટલાક શાહુકારોના બંગલા પણ ત્યાં આવેલા હતા. 

દી.મ. : આ જગ્યા વિષે મને થોડી ખબર છે. અસલ તો અહી વૈજનાથ મહાદેવનું મોટું મંદિર આવેલું હતું. પોર્ટુગીઝોએ મુંબઈનાં ઘણાં મંદિર તોડ્યાં એમ આ મંદિર પણ તોડી નાખ્યું અને એની જગ્યાએ જેસુઈટ પાદરીઓને રહેવા માટે આલીશાન મકાન બાંધ્યું. કાર્સટેન નેબુર નામના એક પ્રવાસીને તો તે એટલું ગમી ગયેલું કે તેણે લખ્યું છે કે આ ઈમારતનું નામ The Peerless, એટલે કે ‘અપ્રતિમ’ પાડવું જોઈએ. પણ એક નાટકમાં ગીત આવતું હતું ને કે :

પીપળ પાન ખરંતાં હસતી કુંપળિયાં 

મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.

તેમ અંગ્રેજોનું રાજ થયા પછી આ ઈમારત કંપની સરકારે લઈ લીધી. જેમના નામ પરથી હોર્નબી રોડ અને હોર્નબી વેલાર્ડ નામ પડેલાં એ ગવર્નર વિલિયમ હોર્નબી આ મહેલ જેવા મકાનમાં રહેવા આવનાર પહેલા ગવર્નર હતા. પછી ગવર્નરનું ઘર ફરી બદલાયું અને પહોચ્યું મલબાર હિલ. જ્યાં આજે પણ મહારાષ્ટ્રના ગવર્નર વસે છે.

માલશે : પરળની ઈમારતમાં પછીથી હાફકીન ઇન્સટિટ્યૂટ શુરૂ થઈ, જે આજે પણ ત્યાં જ છે.

દી.મ. : હા, આગલા ભાગમાં નવી ઊંચી ઈમારત બાંધી છે, પણ તેની પાછળ હજી સુધી તો અસલ ઈમારત જળવાઈ રહી છે.

શિવડીનો કિલ્લો

ગોવિંદરાવ : તમને એક બીજા વાત કહું. અસલ તો આ પરળનો અલગ ટાપુ હતો. એ વખતે હજી અંગ્રેજોની સત્તાના પાયા બહુ ઊંડા ગયેલા નહિ હતા. સીદીઓ, મરાઠાઓ, મોગલો, દરિયાઈ ચાંચિયાઓ અવારનવાર મુંબઈ પર ચડી આવતા. તેમનાથી બચવા માટે કંપની સરકારે જુદી જુદી જગ્યાએ નાના-મોટા કિલ્લા બાંધેલા. પરળના ટાપુને છેડે આ રીતે બાંધેલો કિલ્લો તે શિવડીનો કિલ્લો. એ બંધાયો ઈ.સ. ૧૬૮૦માં. પરળના ટાપુને છેડે આવેલી એક ટેકરી પર કંપની સરકારે એ બાંધેલો. એના પરથી પૂર્વમાં દરિયા ઉપર અને બીજી બાજુ લાંબે સુધી ભૂમિ ઉપર નજર રાખી શકાતી. ત્યાં લશ્કરના પચાસ સૈનિકો સતત પહેરો ભરતા. ઉપરાંત, ત્યાં આઠ તોપ પણ બેસાડવામાં આવી હતી. છતાં ૧૬૮૯માં સીદીઓ વીસ હજાર સિપાઇઓની સેના લઈને આવ્યા અને આ શિવરીનો કિલ્લો તો જીતી લીધો, પણ સાથોસાથ મઝગાંવ અને માહિમના કિલ્લા પણ સર કર્યા. અને તેમણે માહિમના ગામ પર હુમલો કરી લૂંટ ચલાવી. જો કે ૧૭૭૨માં પોર્ટુગીઝ સેના મુંબઈ પર ધસી આવી ત્યારે આ જ શિવડીના કિલ્લાએ તેને શિકસ્ત આપી પાછી તગેડી મૂકી હતી. 

માલશે : પછી જ્યારે બહારના આક્રમણની બીક ન રહી અને કંપની સરકાર સલામત બની ત્યારે શિવડીના કિલ્લાને કેદખાનું બનાવવામાં આવ્યો. પછી ત્યાં બોમ્બે પોર્ટ ટ્રસ્ટના ગોડાઉન બન્યા. 

દી.મ. : દાયકાઓ સુધી બીજા ઘણાખરા કિલ્લાની જેમ શિવડીનો કિલ્લો પણ ખંડેર બની રહ્યો. હવે છેલ્લા થોડા વરસથી સમારકામ, રંગરોગાન કરી, થોડી નવી જરૂરી સગવડ ઊભી કરી તેને એક ‘ટુરિસ્ટ સ્પોટ’ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 

માલશે : આ મુંબઈ શહેરની એક ખાસ વાત છે. એને ગઈ કાલ કરતાં આજ અને આવતી કાલમાં વધુ રસ છે. અને એટલે જ્યાં જળ ત્યાં સ્થળ, અને જ્યાં સ્થળ ત્યાં જળ એમ સતત બદલાતું રહે છે. રાજ કપૂરના પેલા જાણીતા ગીતમાં કહ્યું છે ને: ‘ચલના જીવન કી કહાની, રુકના મૌત કી નિશાની.’ અને મુંબઈ તો ફક્ત ચાલતું નથી, દોડતું રહે છે.

દી.મ. : હા જી. આપણી આ બધી વાતોમાં સમય પણ ક્યાં દોડતો ગયો તેની ખબરે ન પડી. પણ હવે વધુ વાતો કરવા મળશું આવતા શનિવારે. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 19 ઓગસ્ટ 2023)

Loading

...102030...1,0511,0521,0531,054...1,0601,0701,080...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved