Opinion Magazine
Number of visits: 9667106
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રી સશક્તિકરણ અને અશક્તિકરણ સાથે સાથે ચાલે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 August 2023

રવીન્દ્ર પારેખ

જ્યારે સ્ત્રીઓ સમૃદ્ધ થાય છે, ત્યારે વિશ્વ સમૃદ્ધ થાય છે – જેવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણ પર, G-20 મંત્રીસ્તરીય સંમેલનમાં વીડિયો સંબોધનમાં કહ્યું. વડા પ્રધાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંદર્ભે પણ યોગ્ય રીતે જ કહ્યું કે આદિવાસી પૃષ્ઠભૂ ધરાવતાં આ સન્નારી વિશ્વની સૌથી મોટી લોકશાહીનું નેતૃત્વ કરે છે. મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ G-20 એમ્પાવર સમિટમાં મહિલાઓની આગેવાનીમાં વિકાસનો અભિગમ પ્રશંસનીય ગણાવ્યો. એ સાચું કે સુનિતા વિલિયમ્સ જેવી સન્નારી અવકાશી સિદ્ધિનો વૈશ્વિક માનદંડ રોપે છે, તો દેશ-વિદેશમાં એવું કોઈ ક્ષેત્ર મહિલાઓએ સર કરવામાં બાકી નથી રાખ્યું એ પણ એટલું જ સાચું ને એની જેટલી નોંધ લેવાય એટલી ઓછી છે.

એ સાથે જ માનવીય અધોગતિની ચરમસીમા એ પણ છે કે એવો કોઈ ગુનો માણસ જાતે સ્ત્રીઓ સંદર્ભે કરવાનો બાકી નથી રાખ્યો જેની રાહ જોવી પડે. મહિલાઓ નવા શિક્ષિત સમાજમાં આગળ વધી છે એની ના નથી, પણ એ જ શિક્ષિત સમાજે સ્ત્રીઓનાં શોષણની વધુ સૂક્ષ્મ યુક્તિઓ વિકસાવી છે, એની પણ નોંધ લેવી ઘટે. શિક્ષણે વિકાસના અનેક માર્ગો ખોલ્યા એ સાથે જ શોષણની પણ અનેક રીતો વિકસાવી. એ વિકસાવવામાં સ્ત્રીઓ પણ બાકાત નથી. હકો પ્રત્યેની વિશેષ સભાનતાએ સ્ત્રીઓમાં પણ શોષણની સમજ વિકસાવી છે. સ્ત્રીઓને લગ્ન, પ્રેમની બાબતે પસંદગીની તકો વધી છે, તો બીજી તરફ એના ઉપયોગ-દુરુપયોગની તકો પણ વિકસી છે.

ગઈ કાલના જ સુરત સિટીલાઇટના સમાચાર છે, જેમાં તબીબ સ્ત્રીને તેનો પતિ છરી મારી દેતાં અચકાતો નથી, તો થોડા મહિનાઓ પર વલસાડમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધાના સમાચાર પણ છે જ ! ટૂંકમાં, શિક્ષણે વિકાસની તકો ઊભી કરી છે તે સાથે જ વિનાશની યુક્તિઓ પણ વિકસાવી છે. એ ય ખરું કે ક્યાંક પત્ની પીડિત યુનિયનો પણ રચાયાં છે. એ બધાં પછી પણ સ્ત્રીઓ તરફે થતા ગુનાઓનું પલ્લું નમેલું જ રહે છે તે સ્વયં સ્પષ્ટ છે, મહિલા વિકાસની અનેક સિદ્ધિઓ સ્વીકાર્યા પછી પણ, મહિલાઓ ગુમ થવાના જે આંકડાઓ બહાર આવ્યા છે તે ચામડી તતડાવી દેનારા છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો(NCRB)ના સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓમાં જણાવાયું છે કે આખા દેશમાં 2019થી 2021 સુધીમાં 18 વર્ષથી વધુ વયની 10,61,648 મહિલાઓ અને તેથી ઓછી વયની 2,51,430 કન્યાઓ ગુમ થઈ છે. એમાં મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 1,60,180 મહિલાઓ અને 38,234 છોકરીઓ ગુમ થઈ છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો એ આંકડાઓ અનુક્રમે 1,56,905 અને 36,606 પર બીજા નંબરે છે, તો મહારાષ્ટ્રમાં એ આંકડાઓ અનુક્રમે 1,78,400 ને 13,033 છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી મોખરે છે, ત્યાં 2019થી ‘21 દરમિયાન 61,054 મહિલાઓ અને 22,919 છોકરીઓ ગુમ થઈ છે. રહી વાત ગુજરાતની તો 2019 અને 2021 વચ્ચે 37,576 સ્ત્રીઓ અને 4,222 છોકરીઓ ગુમ થઈ છે. સંસદમાં એવું પણ જણાવાયું છે કે મહિલાઓની સલામતી માટે, ખાસ તો જાતીય ગુનાઓ સામે અવરોધ ઊભો કરવા ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) એક્ટ, 2013નો સમાવેશ થાય છે. વધુમાં ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) 2018 પણ ઘડાયો છે, જેમાં 12 વર્ષથી ઓછી વયની બાળકીના બળાત્કારના કેસમાં મોતની આકરી સજાનો સમાવેશ પણ થાય છે. આ કાયદામાં બે મહિનાની અંદર ચાર્જશીટ ફાઇલ કરવાનું અને અદાલતમાં બે મહિનામાં કેસનો નિકાલ લાવવાનું ફરજિયાત કરાયું છે. આ ઉપરાંત સરકારે આખા દેશ માટે 112 નંબર જાહેર કર્યો છે, જેના પર ગમે ત્યાંથી ફરિયાદ થઈ શકે છે.

સરકાર એની રીતે તો પ્રયત્નો કરે જ છે. કાયદા કડક થયા છે. ફાંસી જેવી સજાનો અમલ પણ થયો છે. કાલે જ 23 વર્ષના આરોપીને બે વર્ષની બાળાને પીંખીને મારી નાખવા બદલ, સૂરતની અદાલતે, રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે. એ સાથે સુરતમાં જ આ દસમી ફાંસીની સજા છે. એવા તો એટલા જઘન્ય અપરાધો સ્ત્રીઓ સંદર્ભે ગુજરાતમાં ને દેશમાં થાય છે કે ગુનેગારને ફાંસી જેવી સજાનો પણ ખોફ રહ્યો હોય એવું લાગતું નથી. ગઇકાલના જ સમાચાર છે કે ગુજરાતમાં 18 વર્ષથી નીચેની 4 છોકરીઓ રોજ ગુમ થાય છે ને 5 છોકરીઓ પર દુષ્કર્મ થાય છે. આ બધું જોતાં સ્ત્રી સશક્તિકરણની સમાંતરે સ્ત્રી અશક્તિકરણનો ઉપક્રમ પણ ચાલતો હોવાનો વહેમ પડે છે. સ્ત્રીને અપમાનિત કરીને જ પોતાનું માન જાળવી શકાય એવું માનનારો એક વર્ગ શિક્ષિતોમાં પણ છે તે દુ:ખદ છે.

થોડા મહિનાઓ પર 2016થી 2020 દરમિયાન ગુજરાતમાં 18થી ઉપરની 41,621 મહિલાઓ ગુમ થવાના સમાચાર હતા. તે અંગે ગુજરાત પોલીસે એવો ખુલાસો કરેલો કે 94.90 ટકા મહિલાઓ પરત આવી ગઈ છે  અને 2,124 મહિલાઓ જ ગુમ છે. એની સામે ગૃહ મંત્રાલય દ્વારા એવું પણ કહેવાયું છે કે 2020માં 4,984 મહિલાઓની કોઈ ભાળ મળી નથી. આમાં કોણ સાચું છે તે નક્કી થઈ શકે એમ નથી, પણ, ક્યાંક કોઈક સ્તરે સરકાર હકીકતો છુપાવી રહી હોવાનો વહેમ પડે છે. લોકસભા કહે છે તેમ 2021 સુધીનાં પાંચ વર્ષમાં ગુજરાતની 7,430 બાળાઓ ગુમ છે. સુરતની જ વાત કરીએ તો છેલ્લાં બે વર્ષમાં દુષ્કર્મની 508 ઘટનાઓ સામે આવી છે. વધુ આંકડાઓમાં પડવા જેવું એટલે પણ નથી કે લોકસભાના અને ગુજરાત વિધાનસભાના આંકડાઓ વચ્ચે તફાવત મોટો છે અને કોણ કોને છાવરે છે એ નક્કી કરવાનું મુશ્કેલ છે.

એક વાત સ્પષ્ટ છે કે કોઈ સરકાર પોતાની નબળાઈ છતી કરે એમ નથી. જે આંકડાઓ આપવામાં આવે છે એ અંતિમ સત્ય નથી જ, પણ એટલું ચોક્કસ છે કે દેશમાંથી સ્ત્રીઓ ને છોકરીઓ ગુમ થાય છે ને સારી એવી સંખ્યામાં ગુમ થાય છે. એ પણ છે કે એટલી સંખ્યામાં પુરુષો ગુમ થતા નથી. એવું પણ નથી કે એમ ગુમ થવામાં દરેક વખતે સ્ત્રીઓ જ જવાબદાર છે. સાચું તો એ છે કે સ્ત્રીઓ કે છોકરીઓનાં ગુમ થવામાં પુરુષોનો હાથ હોવાની શક્યતાઓ વિશેષ છે. એ પણ સમજી શકાય એવું છે કે સ્ત્રીઓ કે છોકરીઓ આપમેળે અલોપ થતી નથી. તેને અલોપ કરવામાં આવે છે. તેને ઉઠાવી જવામાં આવે છે ને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. તેને જાતીય પ્રવૃત્તિઓમાં જોડવામાં આવે છે ને તે કામ તેની પાસે બળજબરીએ કરાવવામાં આવે છે. બે વર્ષની છોકરીથી માંડીને ડોશી સુધીની કોઈ પણ સ્ત્રીને સમજાવીને કે બળજબરીએ, જાતીય પ્રવૃત્તિઓમાં જોતરવામાં આવે છે. એ હેતુસર તેને દેશમાં કે વિદેશમાં વેચી દેવાનું પણ ચાલે છે. આવું કરનારાં તંત્રોનું આખું નેટવર્ક ગોઠવાયેલું હોય છે ને તે પોલીસતંત્ર જેટલું જ સક્રિય હોય છે.

બીજી તરફ એકલદોકલ સ્ત્રી કે છોકરી કોઈ માણસની યુક્તિ કે બળજબરીનો ભોગ બનતી હોય છે ને જો ત્યાંથી ન છટકી શકે તો અંતહીન પીડા વેઠવા લાચાર બને છે. માણસ જો હેવાનિયત પર ઊતરી આવે તો એ સ્ત્રી કે છોકરીનો મર્યે જ છૂટકો થાય છે. હવે તો પુરુષ ભોગવીને અટકી જતો નથી, કરપીણ હત્યા પણ કરતો હોય છે, તે એટલે કે પીડિતા કોઇની સામે પોતાનું નામ ન ફોડી દે. હત્યા પછી ખૂની વધુ વિચારતો થાય છે, તે એ રીતે કે લાશ પોતાની ઓળખ છતી ન કરી દે. કોઈ પુરાવો જ ન રહે એ રીતે હત્યારો લાશનો નિકાલ કરે છે. તેનાં એટલા ટુકડા કરે છે કે જંગલમાં કે દૂર ક્યાંક નિકાલ સરળ થઈ જાય. એટલાથી પણ એ અટકતો નથી એટલે એ લાશને રાંધવા-બાફવા મૂકે છે ને બફાયેલા ટુકડા કૂતરાને ખવડાવી દે છે કે સ્ત્રીનું કૈં બાકી જ ન રહે. આટલું કર્યાં પછી પણ એ પકડાય તો છે જ ને એ બહાર આવે છે કે એક માણસ કેટલી હદે બર્બર કે નીચ થઈ શકે છે !

અહીં કહેવાનું એ જ છે કે સ્ત્રી સાથે કઇ હદે પુરુષ જઇ શકે છે. જેને એ ચાહે છે એનો જ એ સર્વનાશ પણ કરી શકે છે. આટલી હિંસક વૃત્તિ કદાચ અભણમાં ન હતી. અગાઉના સમયમાં સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર નથી થયો એવું નથી, પણ એનું ઘાતકીપણું આજના સમયમાં ભયંકર રીતે અનુભવાય છે ને તે બધી રીતે અક્ષમ્ય છે. એ જોતાં લાખોની સંખ્યામાં સ્ત્રીઓ દેશમાંથી ગુમ થાય ત્યારે એની સાથે શું થયું હશે એ વિચારતાં લાગે છે કે કહેવાતી સ્ત્રી સમાનતા કે સશક્તિકરણની વાતો પરપોટા જેવી છે. વધારે સાચું તો એ છે કે સ્ત્રીઓની સુરક્ષા હજી પણ સળગતો ને વણઉકલ્યો પ્રશ્ન જ છે – બિલકુલ મણિપુર જેવો જ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ઑગસ્ટ 2023

Loading

સત્તાની ગુરુકિલ્લી :  દલિતજન, બહુજન, સર્વજન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 August 2023

ચંદુ મહેરિયા

ડો. બાબાસાહેબ આંબેડકરે દલિતોને રાજકીય અધિકારો અપાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે તે માટે તેમને સંઘર્ષ કરતા કર્યા હતા. તેઓ દલિતોને કહેતા હતા કે જ્યાં સુધી આપણી પાસે રાજકીય અધિકાર નથી, ત્યાં સુધી સમાજમાં જરૂરી પરિવર્તન લાવી શકાશે નહીં. પોતાના જીવનકાળમાં ડો. આંબેડકરે ત્રણ રાજકીય પક્ષો સ્થાપ્યા હતા : ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી, ઓલ ઇન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા. ૧૯૩૨ની ગોળમેજી પરિષદમાં બાબાસાહેબે દલિતો માટે અલગ મતાધિકારની માંગણી કરી હતી. તે પછી થયેલા પૂના કરારમાં તેને બદલે અનામત બેઠકો મળી. ૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્ય ધારા અન્વયે ૧૯૩૭માં ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં ભાગ લઈ દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ ઊભું કરવા માટે ૧૯૩૬માં ડો. આંબેડકરે સ્વતંત્ર મજૂર પક્ષ(ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી)ની સ્થાપના કરી હતી. તેમના પ્રથમ રાજકીય પક્ષે મુંબઈ પ્રાંતની સત્તર બેઠકો પર ઉમેદવારી કરીને પંદર પર વિજય મેળવ્યો હતો. એ રીતે બાબાસાહેબના પહેલા રાજકીય પક્ષને સારી સફળતા મળી હતી અને તેણે વિરોધ પક્ષનું સ્થાન મેળવ્યું હતું. 

આજીવન જ્ઞાતિ નાબૂદી માટે સંઘર્ષરત આંબેડકરે પોતે સ્થાપેલા રાજકીય પક્ષો મારફતે આજે જેની બોલબાલા છે, તે જ્ઞાતિનું રાજકારણ જરા ય ખેલ્યું નહોતું. પરંતુ તેમણે દલિતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપીને સમાજના વિભિન્ન વર્ગોને સ્પર્શતા મુદ્દાઓની રાજનીતિ કરી હતી. પહેલી રાજકીય પાર્ટીની સ્થાપના વખતે તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાર્ટીનો મુખ્ય આધાર દલિતોની અનામત બેઠકો છે પણ પાર્ટીનું નામ અને એજન્ડા વિશાળ રાખીને અમે અન્ય વર્ગ તથા જ્ઞાતિને માટે અમારા દરવાજા ખુલ્લા રાખવા માંગીએ છીએ. દલિતેતર મતદારો અને પક્ષોનો રાજકીય સહયોગ પાર્ટીનું ફલક વ્યાપક હોય તો જ શક્ય છે તે દલિત રાજનીતિના આ પુરોધાને સમજાઈ ચૂક્યું હશે.

આજથી આઠ દાયકા પૂર્વે, ઓગણીસમી જુલાઈ ૧૯૪૨ના રોજ , તેમણે ઓલ ઇન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન નામક પોલિટિકલ પાર્ટીની રચના કરી ત્યારે પણ તેઓ જ્ઞાતિના રાજકારણથી દૂર રહ્યા હતા. આ પાર્ટીની રચનાનો તેમનો ઉદ્દેશ કાઁગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સંતુલન સાધી ત્રીજો વિકલ્પ ઊભો કરવાનો હતો. પક્ષનો મુખ્ય ઉદ્દેશ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનું રક્ષણ, તમામ ભારતીયો માટે રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક સમાનતા કાયમ કરવી, શોષણ મુક્તિ, લોકોને ભય અને અભાવથી મુક્ત રાખવા વગેરે હતો. આંબેડકરના આ પક્ષને ઝાઝી રાજકીય સફળતા મળી નહોતી, પરંતુ ભૂમિ આંદોલન મારફતે તેણે દલિતોમાં રાજકીય ચેતના જગવી હતી અને મજબૂત સંગઠન ઊભું થઈ શક્યું હતું.

૧૯૫૬ની ચૌદમી ઓકટોબરે નાગપુરમાં ડો. આંબેડકરે શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનનું વિસર્જન કરી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાની રચના કરવાની જાહેરાત કરી હતી. આ પક્ષનું બંધારણ પણ બાબાસાહેબે ઘડ્યું હતું. પરંતુ તેમની હયાતીમાં પક્ષની સ્થાપના થઈ શકી નહીં. ડો. આંબેડકરના નિર્વાણ પછી ત્રીજી ઓકટોબર ૧૯૫૭ના રોજ તે અસ્તિત્વમાં આવી હતી. આંબેડકરે રચેલા આ ત્રીજા પક્ષનો ઉદ્દેશ બંધારણમાં આપેલા વચનોના અમલનો તો હતો જ ઉપરાંત સમાજમાં પ્રવર્તતી વિષમતા દૂર કરી કાયદા સમક્ષ સમાનતા સ્થાપવાનો હતો. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા પ્રાપ્ત કરવાનું પક્ષનું મુખ્ય ધ્યેય હતું. અગાઉના પક્ષોની જેમ આ પક્ષને પણ તેઓ દલિતો પૂરતો મર્યાદિત રાખવાને બદલે વ્યાપક બનાવવા માંગતા હતા. કેટલાંક વરસો મુસલમાન, શીખ વગેરે તેમાં સામેલ પણ થયા હતા, જો કે આજે તો રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાની ઈમેજ દેશમાં અનેક ફાંટાઓમાં વહેંચાયેલી દલિત પાર્ટીની છે.

ઉત્તર આંબેડકરી દલિત રાજનીતિમાં ઉભરેલું દમદાર નામ કાંશીરામનું છે. બામસેફ (૧૯૭૮) અને ડી.એસ. ૪ (૧૯૮૧) પછી તેમણે ૧૯૮૪માં બહુજન સમાજ પાર્ટી (બી.એસ.પી.)ની સ્થાપના કરી હતી. કાંશીરામે પક્ષના નામમાં બહુજન શબ્દ પ્રયોજી તેને દેશની બહુમતી વસ્તીની રાજકીય આકાંક્ષાનું પ્રતિબિંબ પાડતી પાર્ટી બનાવવાનું સ્વપ્ન જોયું હતું. સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયાનો નારો પિછડા માંગે સો મેં સાઠનો હતો. કાંશીરામનો નારો જિસ કી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી-નો હતો. દેશની વસ્તીમાં દલિતો, આદિવાસીઓ, પછાતવર્ગો અને લઘુમતીઓને તેમના વસ્તીના પ્રમાણમાં રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેમ તેઓ માનતા હતા. તેમણે રાજનીતિને દલિતજનથી બહુજનમાં પરિવર્તિત કરી હતી.

દેશમાં દલિતોની સૌથી વધુ વસ્તી (૩૯.૯૪ ટકા) તો પંજાબમાં છે. કાંશીરામ પણ પંજાબના હતા, પરંતુ તેમને રાજકીય સફળતા ઉત્તર પ્રદેશમાં મળી ! બ.સ.પા. નેત્રી માયાવતીને તેઓ ચાર વાર દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવી શક્યા. ડો. આંબેડકર પુસ્તકો ભેગા કરે છે અને હું લોકોને. એમ કહેનારા કાંશીરામ આંબેડકરની સિદ્ધાન્તો આધારિત રાજનીતિને બદલે નિતાંત સત્તાની રાજનીતિમાં માનતા હતા. કાંશીરામ-માયાવતી દલિતોને હુકમરાન સમાજ બનાવવા માંગતાં હતાં. તે માટેની તેમની સફર દલિતજન કે બહુજન સુધી સીમિત ના રહેતાં સર્વજન સુધી વિસ્તરી હતી. વિશુદ્ધ સત્તાની આ રાજનીતિ ગઠબંધનની રાજનીતિ હતી અને તેમાં કથિત દલિતવિરોધી પક્ષનું સમર્થન મેળવવાનો પણ કોઈ બાધ નહોતો.

બાબાસહેબના સમતા સૈનિક દળની તુલના જ્યારે રામવિલાસ પાસવાનની દલિત સેના કે ચંદ્રશેખર આઝાદની ભીમ આર્મી સાથે કરીએ ત્યારે લાગે છે કે આ ત્રણેય નામમાં જ કેટલો ભેદ છે. આંબેડકરે લોકતંત્રનો આધારભૂત બંધારણીય ઢાંચો મજબૂત કર્યો હતો. પણ તે પછીના અને આજના દલિત નેતાઓએ વિચારધારાના કશા છોછ વિના રાજકીય દાવપેચ ખેલીને સત્તા કે પ્રધાનપદાં મેળવ્યાં છે. અને પાછા તેઓ દલિતોને હુકમરાન સમાજ બનાવ્યાનું કે સત્તાની ગુરુકિલ્લી તો તેમની પાસે જ હોવાનું ગૌરવ લે છે.

છેક ૧૯૬૦માં દામોદરમ સંજીવૈયા આંધ્રના મુખ્ય મંત્રી બન્યા હતા. તે દેશના પહેલા દલિત મુખ્ય મંત્રી હતા. હજુ ગયા વરસે જ સામી ચૂંટણીએ પંજાબમાં કાઁગ્રેસે દલિત નેતા ચરણજીત સિંઘ ચેનીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. વર્તમાનમાં ભારતના એક પણ રાજ્યમાં દલિત મુખ્ય મંત્રી નથી. અનામત બેઠકો પર દલિતો સાંસદો અને ધારાસભ્યો બન્યા છે. કેન્દ્ર અને રાજ્યોમાં મંત્રીઓ અને મુખ્ય મંત્રીઓ પણ બન્યા છે. પરંતુ આંબેડકરના સપનાના વર્ગવિહીન-જ્ઞાતિવિહીન સમાજની રચનાની દલિત રાજનીતિથી તે જોજનો દૂર છે.

દેશની વસ્તીમાં દલિતોનું જે પ્રમાણ છે તે મુજબ તે એકલા હાથે સત્તા મેળવી શકે તેમ નથી. તેને બહુજન કે સર્વજન સુધી વિસ્તારીને સત્તા હાંસલ કરતાં દલિત સમસ્યાના નિરાકરણનો અવકાશ રહેતો નથી. મુખ્ય ધારાના રાજકીય પક્ષનું પ્રમુખ પદ (કાઁગ્રેસમાં ખડગે કે ભા.જ.પ.માં બાંગારુ) કે રાજ્યનું મુખ્ય મંત્રી પદ મળે તેથી સ્વાયત્ત અને સ્વતંત્ર દલિત રાજનીતિ શક્ય બની નથી. ડો. આંબેડકરે વિસર્જિત કરેલા ઓલ ઇન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનના બ્યાંસીમા સ્થાપના દિવસે પણ આ એક વણઉકેલ્યો કોયડો છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ચાલો, હરારી પાસે – 10

સુમન શાહ|Opinion - Opinion|3 August 2023

હરારીએ એમના “21 Lessons for the 21st Century” પુસ્તકના “Artificial Intelligence : The Future of Humanity” તેમ જ ‘The Technological Singularity’ પ્રકરણોમાં જણાવ્યું છે કે મનુષ્યજીવન પર ‘એ.આઈ.’-નો ઘણો નિર્ણાયક પ્રભાવ પડી રહ્યો છે. કલાઓ અને સાહિત્ય પર પણ તેનો હકારાત્મક તેમ જ નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે.

હરારીએ એમની TED talks-માં અને અન્યત્ર કહ્યા કર્યું છે કે ‘એ.આઈ.’-થી માનવ્યની રક્ષા થવી જોઈશે, નાશ નહીં.

TED એટલે Technology, Entertainment, Design. ન્યૂયૉર્ક સિટીમાં સ્થપાયેલું આ એક નૉન-પ્રૉફિટ સંગઠન છે; વિજ્ઞાન, વાણીજ્ય અને સંસ્કૃતિથી માંડીને કોઈપણ ગ્લોબલ ઇસ્યુ વિશે વિચાર-વિનિમય તેમ જ વિચારોની સહભાગીતા અને પ્રસરણના હેતુથી દુનિયાભરમાંથી વિવિધ વિદ્યાશાખાના વિદ્વાનોને નૉંતરે છે અને ઇન્ટર્વ્યૂઝ, ટૉક્સ અથવા વાર્તાલાપો યોજે છે. વિશ્વ આખામાં એ વાર્તાલાપો ઝિલાય છે, કહે છે કે વ્યૂઅર્સની સંખ્યા કરોડોએ પ્હૉંચી છે.

એ TED interviews કે TED talks અથવા વાર્તાલાપનાં શીર્ષકો છે : ‘What Explains the Rise of Humans?’ (2011). ’21 Lessons for the 21st Century’ (2018). બન્ને વાર્તાલાપ ટેડ વેબ તેમ જ યૂટ્યુબ પર ઉપલબ્ધ છે.

પહેલા વાર્તાલાપમાં, મુખ્યત્વે એમણે આપણી એટલે કે મનુષ્ય-પ્રજાતિની સફળતામાં કેવાં કેવાં પરિબળોએ ભાગ ભજવ્યો તેનો વિચારવિમર્શ રજૂ કર્યો છે. હરારી એવી દલીલ કરે છે કે આપણે મનુષ્યો વર્ચસ્વી છીએ તે સહયોગ અને કથાનકોને કારણે છે; તે માટે જરૂરી એવા આપણા સર્જકતાપરક સામર્થ્યને કારણે છે.

બીજા વાર્તાલાપમાં, મુખ્યત્વે એમણે ૨૧-મી સદીમાં મનુષ્યને ઉપલબ્ધ તકો અને તે સાથે ખડા થયેલા કેટલાક પડકારો અંગે વિચારવિમર્શ રજૂ કર્યો છે. વાર્તાલાપમાં સવિશેષે ચર્ચાયેલા મુદ્દા છે – આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મનુષ્યજીવનના ક્રિયાકલાપોનું ભવિતવ્ય, મનુષ્યજીવનનો અર્થ અને તેની મૂલ્યવત્તા.

બન્ને વાર્તાલાપોથી એમનાં પુસ્તકોમાં પ્રવેશવાની ઠીક ઠીક ઠીક સગવડ મળે છે. બન્ને વાર્તાલાપોથી વિચારચિન્તનક્ષેત્રે ઘણી ઉત્તેજના જનમી છે. અનેક વિચારવન્તોએ ધ્યાનપૂર્વક તેની સમીક્ષાઓ કરી છે.

હરારીએ અન્યત્ર પણ વાર્તાલાપો આપ્યા છે, એમાં ખાસ તો એમણે ‘મનુષ્યજાતિનું ભાવિ’ અને ‘ઇતિહાસનો અર્થ’ વિશે વિસ્તારથી વાત કરી છે. એ વાર્તાલાપોનાં શીર્ષકો છે : ‘The Future of Humanity’ (2012). ‘The History of the World in 100 Words’ (2013). ‘Why We Should Care About History’ (2014). ‘The Sense of Meaning in a Technological Age’ (2015). ‘The Truth About Violence’ (2016). આ વાર્તાલાપો પણ વિચારોત્તેજક રહ્યા છે. એથી પણ એમનાં પુસ્તકોમાં પ્રવેશવાની ઠીક ઠીક સગવડ મળે છે.

માનવ્યની રક્ષાનો મુદ્દો લઈ એમણે વાત માંડી છે; કહ્યું કે ‘એ.આઈ.’ આપણા સંસ્કૃતિવિષયક વારસાનું અધ્યયન કરશે અને તેની સંભાળ રાખશે. ’એ.આઈ.’-ની સહાયથી સાહિત્ય અને કલાઓની અત્યાર સુધીમાં આપણે નથી કલ્પી શક્યા એવી વિધાઓ સરજાઇ હશે. પણ, કહ્યું કે, સાથોસાથ, એથી માનવ્યના વિનાશની નકારાત્મક દિશા પણ ખૂલી જશે. મૌલિકતા અને સર્જકતાનો છાંટો ય ન હોય એવું સામુદાયિક – માસપ્રોડ્યુસ્ડ – સાહિત્ય પણ સરજાશે; લોકોની લાગણીઓને વિષય બનાવતું અને તે સાથે મતલબી ચૅડાં કરતું પ્રચાર-સાહિત્ય પણ રચાશે.

“21 Lessons for the 21st Century” -ના ‘The Technological Singularity’ પ્રકરણમાં એમણે ‘ટૅક્નોલૉજિકલ સિન્ગ્યુલારિટી’-નો મુદ્દો છેડ્યો છે. ટૅક્નોલૉજિકલ સિન્ગ્યુલારિટી એટલે એકલી ટૅક્નોલૉજિના પક્ષે રહેવું તે, માત્ર એના સહારે થતો રહેતો વિકાસ. હરારી કહે છે, પણ એથી તો એવું વિશ્વ રચાશે જેમાં ‘એ.આઈ.’ સર્વેસર્વા હશે અને માણસની સહજ બુદ્ધિમત્તા દરેક બાબતે ગૌણ ગણાઈ જશે. કેવીક કલાઓ અને કેવાંક સાહિત્ય રચવાં અને તેનાં ભાવન કેવી કેવી રીતપદ્ધતિએ કરવાં તે ‘એ.આઈ.’ નક્કી કરશે.

આ બધાંને પરિણામે આપણા સંસ્કૃતિવિષયક વારસા વિશે અનેક પ્રશ્નો ઊભા થયા છે. 

કહે છે, એ વારસા વિશેના આપણા મનોજગતને ધરમૂળથી બદલી નાખવાનું સામર્થ્ય ’એ.આઈ.’ ધરાવે છે એ સાચું છે, પરન્તુ તે સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નો પણ છે :

જેમ કે, ‘એ.આઈ.’ ઑલ્ગોરીધમ્સ ડેટા-બેઝ્ડ હોય છે પરન્તુ જો ડેટા પૂર્વગ્રહદૂષિત કે અપર્યાપ્ત હશે તો અનર્થઘટનકારી નીવડશે. જેવી સામગ્રી તેવો માલ ! એથી દુષ્ટ હેતુસર સંસ્કૃતિવિષયક કોઈપણ બાબતને બદલી શકાશે. પરિણામે, કાં તો એ બાબત સારી ગણાવા લાગશે અથવા ન-સારી કે ખરાબ.

હું દાખલો આપું : ધારો કે, એક ‘એ.આઈ.’ ઑલ્ગોરીધમ માત્રબૌદ્ધોએ કરેલા અમુક પાઠને રજૂ કરતો ડેટાસૅટ ધરાવતું હોય અને બીજું જો એ જ પાઠ માટે માત્રસનાતનીઓએ કરેલા પાઠને, તો સંભવ છે કે બન્ને પક્ષે દ્વેષ જનમે. ડેટા-બાયસ મોટી હાનિ સરજી શકે છે. તમે ધર્મ્યને અધર્મ્ય અને અધર્મ્યને ધર્મ્ય દર્શાવી શકો. સારાને વિસ્થાપિત કરી શકો અને નરસાને સ્થાપી શકો. કહેવાય છે કે માણસ ઑલ્ગોરીધમ્સને ઇચ્છાનુસાર ભણાવી શકે ને ‘કારીગરો’ એ કામમાં એમને મદદો કરતા રહે. મારી દૃષ્ટિએ આ મોટી હાણ છે.

સાંસ્કૃતિક બાબતો માટે ‘એ.આઈ.’-પાવર્ડ ઑજારોનો વિનિયોગ વધી રહ્યો છે. પરન્તુ વિનિયોગ કરવાની ફાવટ બધા માણસો પાસે નથી હોતી. તેથી એના નિષ્ણાતો ચડિયાતા ગણાય છે. શક્ય છે કે માનવ-સંસ્કૃતિમાં એથી નવી રીતનો ઊંચ-નીચ ભાવ ઊભો થાય. ઉપરાન્ત, એવી ખાતરી કોણ આપે કે એ ઑજારો સદર્થે જ પ્રયોજાશે -? ટૂંકમાં, સદાચારપરક નૈતિક પ્રશ્નો જનમશે. હરારી હરેક પ્રસંગે ‘સદ્ અર્થ’ પર ભાર મૂકે છે.

કાયદાકીય પ્રશ્નો પણ સરજાશે, જેમ કે, ’એ.આઈ.’ ઑલ્ગોરીધમ જો કોઇ ચિત્રકૃતિની રૅપ્લિકા – હૂબહૂ નકલ – સરજે, તો નક્કી નહીં કરી શકાય કે એના કૉપિરાઇટ કોના, ભલે એ ચિત્ર રવિ વર્માનું હોય ! ચર્ચાઓ જાગશે, કૉર્ટનો આશરો લેવાશે, પણ બધું વ્યર્થ નીવડશે. મોટે ભાગે પશ્ચિમના કલાકારોનાં જગવિખ્યાત ચિત્રોની હૂબહૂ નકલ કરવાનો એક ધંધો વરસોથી ચાલે છે. એ ભૂતિયા ચિત્રકારોને ‘એ.આઈ.’ ઘણી મદદ કરી શકે. સાહિત્યક્ષેત્રે પણ ચૌર્યકલા સરળતાથી ફાલી શકે છે.

ધર્મ અધ્યાત્મ કલા કે સાહિત્ય સાથે સંકળાયેલી વ્યક્તિઓ ‘એ.આઈ.’-ઑજારો પ્રયોજીને સંસ્કૃતિનું સરસ રક્ષણ-સંવર્ધન કરી શકે. પણ એ ઑજારો જો એમને માટે અનિવાર્ય બની જાય, માણસો જો એના ગુલામ બની જાય, તો એવી અધીનતા મોટું નુક્સાન ગણાશે.

એટલું જ નહીં, ઑજારોનો જો અતિ વપરાશ થશે તો ડેટા-લૉસ પણ થશે. માણસને પરેશાન કરી મૂકે એવી ટૅક્નોલૉજિકલ અડચણો પણ ઊભી થશે. જતે દિવસે સંસ્કૃતિવિષયક વારસામાં કે એવી કોઈપણ બાબતમાં  પ્રવેશ પણ અસંભવિત થઈ જશે. 

= = =

(08/02/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0401,0411,0421,043...1,0501,0601,070...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved