Opinion Magazine
Number of visits: 9667162
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણીનો શંખધ્વનિ ફુંકાયો વિગતો વાગ્મિતામાં ડૂબી ગઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 August 2023

પંદરમી ઓગસ્ટનું લાલ કિલ્લા સંબોધન

છવ્વીસ દેશોની યાદીમાં જી.ડી.પી.ને ધોરણે માથાદીઠ વહેંચણીમાં આપણે ચોવીસમાં ક્રમે છીએ, અને આપણી કુલ જી.ડી.પી.ના 67 ટકા, રિપીટ, 67 ટકા તો અબજોપતિઓના છે

પ્રકાશ ન. શાહ

પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લેથી રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળતાં સ્વાભાવિક જ સમજાયું કે હવે એ લોકસભાની ચૂંટણી અંગે એલાને જંગ તરેહના મિજાજમાં છે. અલબત્ત, સ્વાતંત્ર્યદિવસને અનુરૂપ ઠાવકાઈ અને જોસ્સાની મિલાવટ જરૂર હતી, પણ શ્રીઅરવિંદની સાર્ધ શતાબ્દી, અસહકાર આદિ ગાંધીલડત અને ભગતસિંહની ક્રાંતિકારી ધારાનાં અવસરસહજ આરંભવચનો પછી સરવાળે એમણે જે મારગ પકડ્યો તે હજુ થોડા જ દિવસ પર અવિશ્વાસની દરખાસ્ત વેળાએ જવાબ વાળતાં જે ચિત્ર આપ્યું હતું એના જ અનુસંધાનમાં આગળ ચાલવાનો હતો – અને એક તબક્કે બિલકુલ મે 2024ના ઉંબર અઠવાડિયે પુગી ગયા હોય એમ પોતે આગામી પંદરમી ઓગસ્ટે રિપોર્ટ કાર્ડ ને લેખાંજોખાં આપશે, એમ પણ સરળતાથી કહી નાંખ્યું.

લોકસભામાં અવિશ્વાસ પરની દરખાસ્તના જવાબમાં અને લાલકિલ્લાથી અપાયેલ ભાષણમાં કંઈક સામ્ય તેમ જ સાતત્ય ને સંધાન વરતાયાં હોય તો એનું એક કારણ વડા પ્રધાને પોતે, એક અર્થમાં વિકસાવેલ કાર્ય-અને-શાસન-શૈલીમાં રહેલું છે. આ શૈલી ગૃહમાં પ્રશ્નોત્તર અને ધોરણસરની ચર્ચાકીય આપલેવાળી એટલે કે સંસદીય લોકશાહીમાં અપેક્ષિત એટલે કે સંસદીય લોકશાહીમાં અપેક્ષિત સહજ ઉત્તરદાયિત્વની નથી. નેહરુનું દૃષ્ટાંત તો અસાધારણ છે, એને તો ખેર છોડો, પણ મનમોહનસિંહ અને તે પૂર્વે વાજપેયી જે રીતે ગૃહમાં હાજર રહેતા, ચર્ચામાં દરમિયાન થઈ ઉત્તરદાયિત્વ નિભાવતા તે એ સૌને સારું એક ગરવોનરવો રાબેતો હતો. વર્તમાન વડા પ્રધાનના કિસ્સામાં ઉત્તરદાયિત્વની આ સમજ ફોરતી નથી.

વારુ, જ્યાં સુધી પંદરમી ઓગસ્ટના ઉદ્દબોધનની વચનલહાણનો સવાલ છે, એમણે કહ્યું છે તેમ આવતી પંદરમી ઓગસ્ટે તેઓ એ અંગે જાહેર હિસાબ જરૂર આપવાના છે. પણ અત્યારે આપણે એટલું તો પૂછી શકીએ ને કે આગલાં નવ વરસમાં એમણે ગૃહમાં (ઘણું ખરું જો કે ગૃહ બહાર) આપેલાં વચનો સામે દસમે વરસે દેખાતું વાસ્તવ શું છે અને એ અંગે એમણે કહેવાનું શું છે. અથવા, હાલ જે સિદ્ધ થયાનું કે થવાનું કહેવાય છે એ વિશે નજર સામે શું છે અને શું નથી, તે પણ પૂછી તો શકીએ જ. ખાસ તો, એટલા માટે કે, એમના અગાઉના એક વક્તવ્ય અનુસાર ‘હમ મખ્ખન પર લકીર નહીં પથ્થર પર લકીર ખીંચનેવાલે હૈં.’

અલગ અલગ બે-ત્રણ બાબતોમાં હાલના સરકારી દાવાને દાખલા સત્તાવાર સુલભ આંકડા કે અન્ય વિગતો સહ તપાસીએ એટલે નિરક્ષીર થઈ રહેશે. 2018માં, જેમ કે લાલ કિલ્લેથી કહેવાયું હતું કે આઝાદીના અમૃતવર્ષ પ્રવેશે એટલે કે 2022માં ખેડૂતોની આવક ડબલ થઈ જશે. હવે નાંખી નજરે એના કોઈ ચિહ્ન નથી, અને મોડે મોડે પણ એ દિશામાં કોઈ કારવાઈ હાથ ધરાશે એવી ખબર 2023-24નું અંદાજપત્ર જોતાં પડતી નથી. શરૂ શરૂમાં સો સ્માર્ટ સિટીનો ડિંડિમિકા ઘોષ કાને પડતો હતો – હવે નથી તો એ અવાજ સંભળાતો, નથી તો એ સ્માર્ટ સિટી વરતાતાં.

અર્થવાસ્તવ વિશે થોડું વધુ, એમણે બ્રાન્ડ મોદીની જેમ ગૌરવટંકાર કીધો કે આપણે 2028માં વિશ્વની ત્રીજી મોટી અર્થસત્તા હોઈશું. ભાઈ, આ તો 2013થી (ભોગજોગે મનમોહનસિંહના કાળથી) પ્રાપ્ત સર્વે રિપોર્ટ મુજબની વિગત છે. પ્રશ્ન આ મોટી અર્થસત્તા ભારતના સામાન્ય નાગરિકને સારુ માથાદીઠ આવક કેવી ને કેટલી જોગવી શકે છે એનો છે. આપણી જે જી.ડી.પી., તે 26 દેશોની યાદીમાં માથા દીઠ વહેંચણીને ધોરણે 24મે ક્રમે છે. આપણી જે જી.ડી.પી., તેમાં 67 ટકા અબજોપતિના છે. વડા પ્રધાને કહ્યું કે ફુગાવો નિયંત્રણમાં છે. આગલે જ દિવસે, સત્તાવાર આંકડા ખાતા તરફથી પ્રાપ્ત વિગત મુજબ છૂટક વેચાણમાં હાલ ફુગાવો છેલ્લા પંદર મહિનામાં સૌથી ટોચે છે. શાકભાજીના ભાવ એક જ વરસમાં 37 ટકા વધ્યા છે.

હજુ રાજકીય ને બીજા મુદ્દા લઈ શકાય, પણ એટલું જ કહીશું કે વાગ્મિતાનો મોલ લચતો હોય ત્યારે વિગતો બચાડી શેઢે સડતી પડી હોય છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 ઑગસ્ટ 2023
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય

Loading

ગુણવત્તાયુક્ત સમાવેશી ઉચ્ચ શિક્ષણ : આદર્શ અને અમલ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 August 2023

ચંદુ મહેરિયા

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વરસ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં સરકારની વિકાસની સાત પ્રાથમિકતાઓ – સપ્તર્ષિ -ની ઘોષણા કરી હતી. આ સપ્તર્ષિ પૈકી એક સમાવેશી વિકાસ છે. સમાજના આઘામાં આઘા અને પાછામાં પાછા એવા છેવાડાના લોકો સુધી વિકાસનાં ફળ પહોંચે તેને નાણાં મંત્રીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી. સમાવેશી વિકાસની પહેલી શરત સમાવેશી શિક્ષણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં  શિક્ષણમાં સમાવેશનનું વ્યાપક માળખું પ્રદાન કરવાનું અને ઉચ્ચ શિક્ષણની પહોંચ તથા ભાગીદારી વધારવાનું જણાવવામાં આવ્યું છે.

સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયા ચાહતા હતા કે રાણી હોય કે મહેતરાણી તમામનાં બાળકોને સમાન શિક્ષણ મળવું જોઈએ. ભારતના બંધારણમાં સમાનતાપૂર્ણ, સમાવેશી અને બહુલતાવાદી સમાજના નિર્માણની કલ્પના કરવામાં આવી છે. સમાન શિક્ષણની દિશાનું એક કદમ સમાવેશી શિક્ષણ છે. પરંતુ સમાવેશી શિક્ષણ ગુણવતાપૂર્ણ હોય તો જ તે સાર્થક બને. ગુણવતાયુક્ત સમાવેશી શિક્ષણના અણસાર ૨૦૨૩ના નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્ક(એન.આઈ.આર.એફ.)માં તામિલનાડુએ હાંસલ કરેલ સ્થાનમાં જોવા મળે છે.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ૨૦૧૫થી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને રેન્ક આપવામાં આવે છે. તાજેતરમાં ૨૦૨૩ના નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્કમાં દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને શીખવવું, શિખવું, સંસાધનો, સ્નાતકનું પરિણામ, સમાવેશન, સંશોધન, ગુણવત્તા સહિતના પાંચ માપદંડોના ગુણભારના આધારે ક્રમ આપવામાં આવ્યો છે. વ્યાપક લોકપ્રિયતા અને વિશ્વસનીયતા પ્રાપ્ત આ રેન્કિંગ ફ્રેમવર્ક ભારતની હાયર એજ્યુકેશનની સંસ્થાઓના રેન્કિંગ અને તુલના માટેની સંગઠિત પ્રણાલી છે. કોલેજીસ, યુનિવર્સિટીઝ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ અને ઓવર ઓલ એવી મુખ્ય ચાર શ્રેણીઓ ઉપરાંત મેડિકલ ,એન્જિનિયરીંગ,મેનેજમેન્ટ, ફાર્મસી, ડેન્ટલ, લો, આર્કિટેકચર એન્ડ પ્લાનિંગ, એગ્રિકલ્ચર એન્ડ એલાઈડ સેકટર્સ તથા ઈનોવેશન એવી શ્રેણીઓ પણ છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્ક-૨૦૨૩ની તમામ પ્રકારની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના ઓવરઓલ રેન્કિંગમાં તમિલનાડુની સૌથી વધુ ૧૦૦માંથી ૧૭ સંસ્થાઓ છે. કોલેજોના વિભાગમાં તો તામિલનાડુની ૩૫ કોલેજો, યુનિવર્સિટીઓમાં ૧૯ અને ૫૦ સંશોધન સંસ્થાઓના રેન્કિંગમાં તામિલનાડુની ૯ સંસ્થાઓ છે. કોલેજોની શ્રેણીમાં તામિલનાડુની ૩૫ પછી દિલ્હીની ૩૨, કેરલની ૧૪ અને પશ્ચિમ બંગાળની ૮ કોલેજો છે. રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન સાવ નગણ્ય છે તો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઓડિશાની એક પણ કોલેજ સ્થાન મેળવી શકી નથી.

તામિલનાડુની કોલેજો અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ મેળવેલું આ સ્થાન ગુણવતાપૂર્ણ અને સમાવેશી ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવાની તેની મથામણોને આભારી છે. દ્રવિડ આંદોલનનું કેન્દ્ર રહેલા તામિલનાડુમાં સામાજિક ન્યાય સાથે રાજ્યનો વિકાસ સધાયેલો છે. જે ૩૫ કોલેજોએ ઊંચુ સ્થાન મેળવ્યું છે તેમાં ચેન્નઈ, કોઈમ્બતૂર અને તિરુચિરાપલ્લી એ ત્રણ શહેરોની કોલેજો તો વધુ છે જ પરંતુ મદુરાઈ, તુતિકોરિન, તિરુપત્તુર, પલયમકોટાઈ, કરાઈકુડિ, સિવાકાસી, પેરામ્બલુર, વિરુધનગર, મારયનદમ, નગરકોઈલ અને પોલ્લાચીની કોલેજો પણ છે. એટલે ઉચ્ચ શિક્ષણ મોટા શહેરોના સુખી સંપન્ન વર્ગ સુધી જ સીમિત ના રહેતા નાનાં નગરો અને ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચ્યું છે. મોખરાની ૩૫ કોલેજોમાંથી ૧/૩ કોલેજો તો વિભિન્ન સ્થાનો પર આવેલી છે. તે દર્શાવે છે કે ગ્રામીણ અને પછાત વિસ્તારોની સંસ્થાઓ પણ મોખરે છે. આ સંસ્થાઓ અગ્રક્રમે આવી શકી તેનું કારણ શિક્ષણ વંચિત સામાજિક – આર્થિક સમૂહોના વિદ્યાર્થીઓને તેણે ગુણવત્તાયુક્ત શિક્ષણનો સમાન અવસર આપ્યો છે.

વંચિત વર્ગ સુધી શિક્ષણની આ પહોંચનું કારણ તામિલનાડુમાં અનામતનું ૬૯ ટકા જેટલું ઊંચું પ્રમાણ અને તેનો પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ સાથે થતો અસરકારક અમલ છે. તમિલનાડુ સરકારના સકારાત્મક પગલાં, શિષ્યવૃતિ અને અન્ય મદદને કારણે સૌને માટે ઉચ્ચ શિક્ષણના જડબેસલાક વાસ્યાં કમાડ ખોલાયા છે. સમાજનો અગ્રવર્ગ અને શાસકવર્ગ ન માત્ર ભૌતિક સાધનો પર, બૌદ્ધિક સાધનો પર પણ નિયંત્રણ રાખે છે. તેને ભેદવા માટે શિક્ષણમાં સમાવેશન જરૂરી છે.

સમાવેશન એટલે જ્યાં સૌ એકબીજાનો સ્વીકાર કરે, એકબીજાનો સહયોગ કરે.  અનામતના પ્રતાપે સરકારી નોકરી મેળવવી કે શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવવાથી જ સમાવેશન થઈ જતું નથી. તે માટે તો ખાસ અને આમ બંને વર્ગોએ પ્રયત્ન કરવા પડે. વ્યક્તિનું રહેઠાણ, સામાજિક-આર્થિક સ્થિતિ, જ્ઞાતિ, લિંગ, વિશેષ આવશ્યકતાઓ વગેરે બાબતો સમાવેશનમાં બાધક છે. વ્યક્તિની શૈક્ષણિક ક્ષમતામાં આ બધી બાબતો બાધક  ના બને એટલા માટે સમાવેશી શિક્ષણ જરૂરી છે.

તમિલનાડુનો સાક્ષરતા દર ૮૦.૩૩ ટકા છે. આઈ.આઈ.ટી. મદ્રાસ છેલ્લાં પાંચ વરસોથી નેશનલ રેન્કિંગમાં પ્રથમ ક્રમે આવે છે. ૨૦૨૧માં ઉચ્ચ શિક્ષણમાં રાષ્ટ્રીય નામાંકન (ગ્રોસ એનરોલમેન્ટ રેસિયો – જી.ઈ.આર.) ૨૭.૧ ટકાની તુલનામાં તમિલનાડુનો જી.ઈ.આર. ૫૧.૪ ટકા (બેગણા જેટલો) ઊંચો હતો. મહિલાઓનો હાયર એજ્યુકેશનમાં જી.ઈ.આર. નેશનલ ૨૭.૩ ટકા અને તામિલનાડુનો ૫૧ ટકા હતો. દલિત વિદ્યાર્થીઓનો ૩૮.૮ અને વિદ્યાર્થિનીઓનો ૪૦.૪ ટકા હતો. રાષ્ટ્રીય સ્તરે ૨૧.૮ ટકા દલિત યુવાનોના ઉચ્ચ શિક્ષણ નામાંકનની સરખામણીએ તમિલનાડુમાં તે ૪૨ ટકા હતો. આ આંકડાકીય વિગતો તામિલનાડુમાં સમાવેશી શિક્ષણની તો નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્કમાં તેનો ક્રમ ગુણવતાયુક્ત સમાવેશી શિક્ષણની પ્રતિતી કરાવે છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્ક-૨૦૨૩ના પરિણામોથી કમ સે કમ તામિલનાડુમાં તો સમાવેશી શિક્ષણ પૂર્ણપણે થઈ ગયું છે અને આગામી વરસોમાં દેશમાં પણ શક્ય બનશે તેમ માની લેવું વધારે પડતું છે. ૨૦૧૭માં ૫૩૫ કોલેજોએ રેન્કિગમાં ભાગ લીધો હતો. ૨૦૨૩માં ૨,૭૪૬ કોલેજોએ ભાગ લીધો છે. એટલે છ વરસોમાં પાંચ ગણો વધારો થયો છે. પરંતુ દેશમાં કુલ ૪૨,૩૪૩ કોલેજો છે એટલે તેના પાંચ ટકા કોલેજોએ જ એન.આઈ.આર.એફ.-૨૦૨૩માં ભાગ લીધો છે. આટલી ઓછી સંખ્યાની કોલેજોના રેન્કિગથી બહુ હરખાઈ જવાની કે સમાવેશી અને ગુણવત્તાપૂર્ણ સમાવેશી ઉચ્ચ શિક્ષણ દેશમાં વિસ્તરી રહ્યું છે તેમ માનીને ફુલાઈ જવાની જરૂર નથી.

શિક્ષણનું ખાનગીકરણ સમાવેશી અને ગુણવતાયુક્ત સમાવેશી શિક્ષણમાં મોટો અવરોધ છે. શિક્ષણના ખાનગીકરણથી તામિલનાડુ પણ બાકાત નથી. તામિલનાડુની સરકારી કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ૪,૬૩,૫૦૮ છે પરંતુ ખાનગી કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૮,૧૧,૭૮૨ છે. એટલે શિક્ષણના ખાનગીકરણને અટકાવીને ઉચ્ચ શિક્ષણની સરકારી સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સમાવેશી શિક્ષણ આપવું તે મોટો પડકાર છે.

ગુણવત્તા અને ઈયત્તા બેઉ મામલે ઉચ્ચ શિક્ષણમાં આપણે પાછળ છીએ. ગુણવત્તાયુક્ત સમાવેશી શિક્ષણ આજની પાયાની જરૂરિયાત છે. ઉચ્ચ શિક્ષણમાં તે સૌથી વધુ જરૂરી છે. સરકારો ઉચ્ચ શિક્ષણને ખાનગી હાથોમાં સોંપીને છૂટી પડવા માંગતી હોય ત્યારે ગુણવતાપૂર્ણ સમાવેશી શિક્ષણ પોથીમાંનાં રીંગણા જેવો આદર્શ ન બની રહે તો સારુ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ન્યાય મેળવવા અવરોધોની દીવાલ તોડવી પડશે

રમેશ ઓઝા|Opinion - Opinion|17 August 2023

રમેશ ઓઝા

મંગળવારે સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને યોજેલા એક કાર્યક્રમમાં બોલતા દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે કહ્યું હતું કે દેશના અદના નાગરિકને ન્યાય મળે એ માટે ન્યાયમંદિરો ઉપલબ્ધ હોવાં જોઈએ, ખુલ્લાં હોવાં જોઈએ અને સહજપ્રાપ્ત હોવાં જોઈએ. અત્યારે દેશના ન્યાયતંત્ર સામે સૌથી મોટો પડકાર ન્યાય મેળવવામાં વચ્ચે આવતાં અવરોધ છે અને એ અવરોધોની દીવાલોને તોડવી પડશે.

ઘણીવાર નિરાશા અને ગ્લાનિની સ્થિતિમાં કોઈક સાંભળવી ગમે એવી ડાહી વાત કરે તો સારું લાગે. કાનને સુખ મળે અને સાંત્વના મળે. આ દેશમાં કાયદો, કાયદાનું રાજ અને ન્યાય સહજસાધ્ય નથી અને નાના માણસ માટે તો તે બિલકુલ નથી. દાયકાઓ સુધી ન્યાય મળતો નથી, ન્યાય નાના માણસને પરવડે નહીં એટલો મોંઘો છે અને હવે તો જજો પણ વેચાયેલા અને કરોડરજ્જુ વિનાના આવી રહ્યા છે. જેમ કે રાહુલ ગાંધીની ગુજરાતની વડી અદાલતમાં અપીલ સાંભળનારા જજને સર્વોચ્ચ અદાલતમાં પ્રમોશન મળ્યું છે. હજુ અઠવાડિયા પહેલા સ્વયં સર્વોચ્ચ અદાલતે એ જજની કારણ આપ્યા વિના રાહુલ ગાંધીને કરવામાં આવેલી બે વરસની પૂરેપૂરી સજા બહાલ રાખવા માટે ટીકા કરી હતી. જે ટીકાને પાત્ર છે અને એ બઢતીને પાત્ર પણ છે.

તો આવી નિરાશાજનક સ્થિતિમાં દેશના વિદ્વાન મુખ્ય ન્યાયમૂર્તિ ઊહાપોહ કરે તો થોડી સુવાણનો અનુભવ થાય, પણ એનાથી આગળ? અલગ અલગ ભાષામાં, અલગ અલગ ન્યાયમૂર્તિઓના મોઢે આની આ જ વાત હું દાયકાઓથી સાંભળતો આવ્યો છું. જો દેશના અદના નાગરિકને હેરાનગતી વિના સહેજે, ઝડપી અને તેનાં ખિસ્સાને પરવડે એ રીતે ન્યાય મળે એની સાચી ખેવના હોત અને તેમાં રહેલા અવોરોધોને દૂર કરવાની બાબતે ગંભીર હોત તો આ સમસ્યા દાયકાઓ પહેલાં ઉકેલાઈ ગઈ હોત અને મુખ્ય ન્યાયમૂર્તિએ સંભવતઃ તેમના મુખ્ય ન્યાયમૂર્તિ પિતાએ સુદ્ધાં ચાલીસ વરસ પહેલાં કહેલી વાત દોહરાવવી ન પડી હોત. જો પડકારને પહોંચી વળતા જેટલી તાકાત ન હોય તો કમ સે કમ મહાન વાત તો કરો. લોકોને એ સાંભળીને પણ સારું લાગશે. પહેલાં મને પણ સારું લાગતું હતું, પણ હવે ગુસ્સો આવે છે.

સભ્ય સમાજમાં અદના નાગરિકને ન્યાય હેરાનગતી વિના, સહેજે, ઝડપી અને સસ્તામાં મળવો જોઈએ એ તો શાળાઓમાં નાગરિકશાસ્ત્રમાં ભણાવાય છે. ખરું પૂછો તો આ જ સભ્ય હોવાની પ્રાથમિક જરૂરિયાત છે. આમાં નવું શું છે? પણ આપણા દેશમાં સભ્ય સમાજ માટેની પ્રાથમિક જરૂરિયાત ઉપલબ્ધ નથી અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિઓ અને બીજા કાયદાવિદો દાયકાઓથી એની જરૂરિયાત સમજાવે છે.

કોઈ પણ ચીજ જો આસાનીથી અને સોંઘી ન મળે તો સમજી લેવું કે કાં તો તેની અછત છે અથવા તે ન મળે એમાં કોઈનો સ્વાર્થ છે. ભારતમાં આ બન્ને છે. અછત હોય તો ન્યાય મોંઘો પડે, મેળવવો અઘરો પડે અને ન્યાય મોંઘો અને મેળવવો અઘરો પડે તો સામાન્ય આદમી અન્યાયને અને ગેરરીતિને પડકારી ન શકે. શાસકવર્ગનું આમાં સ્થાપિત હિત છે. માટે જેની દાયકાઓથી જરૂરિયાત બતાવવામાં આવે છે તેના પર અમલ કરવામાં આવતો નથી. ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર જ્યારે દેશના મુખ્ય ન્યામૂર્તિ હતા ત્યારે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રડતા રડતા, અક્ષરસ: ડુસકા ભરતા કહ્યું હતું કે સાહેબ દેશમાં અદાલતોની સંખ્યા વધારો, જજોની સંખ્યા વધારો, ન્યાય પ્રક્રીયા સરળ કરો અને જો એમ કરવામાં નહીં આવે તો આ દેશમાં સામાન્ય માણસનું જીવવું દુષ્કર થઈ જશે. એને અદાલત સિવાય સહારો કોનો છે? વડા પ્રધાને તેમના ભાષણમાં ન્યાયમૂર્તિ ઠાકુરની આજીજીનો ઉલ્લેખ પણ નહોતો કર્યો. જેમાં શાસકોએ જવાબ આપવો પડે એવું જવાબદાર રાજ્ય કોઇને જોઈતું નથી. વખત છે ને જેલમાં જવું પડે.

ભારતનાં ન્યાયતંત્રને ચૂસ્ત દુરસ્ત કરવા માટે શું કરવું જોઈએ એની ભલામણ કરતાં અનેક અહેવાલો છેલ્લા પાંચ દાયકા દરમ્યાન બહાર પડ્યા છે અને એમાંથી એક પણ ભલામણને સ્વીકારવામાં નથી આવી. એવો ઈરાદો જ નથી. હા, વખતોવખત કાયદાના રાજાની વાત કરતા રહેવું જોઈએ, અભ્યાસ પંચો રચતા રહેવું જોઈએ કે લોકોને એમ ન લાગે કે શાસકો અસંવેદનશીલ છે.

આ વખતે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે સર્વોચ્ચ અદાલતનું નવું મકાન બાંધવાની, અદાલતોની અને જજોની સંખ્યા વધારવાની વાત કરી છે. એવું બને તો પણ નીચલા સ્તરે ન્યાયદાનનું શું? અદનો નાગરિક સર્વોચ્ચ અદાલતમાં તો ત્યારે જશે ને જ્યારે નીચલી અદાલતમાં તેને સાચો કે ખોટો ન્યાય મળે. નીચે જ જો ન્યાય ન મળવાનો હોય તો સર્વોચ્ચ અદાલતમાં ગમે તેટલા જજો હોય તેને માટે તેનો કોઈ ખપ નથી. હા, કોર્પોરેટ કંપનીઓની તેમ જ પૈસાદારોની સ્પેશિયલ લીવ પિટિશન સાંભળવા માટે નવું મકાન, વધુ અદાલતો તેમ જ જજોને તજવીજ કરવામાં આવી રહી હોય તો જુદી વાત છે. આમ પણ સર્વોચ્ચ અદાલત આજકાલ તેનો ૯૦ ટકા સમય એસ.એલ.પી. સાંભળવા પાછલ ખર્ચી રહી છે.

લગે હાથ મુખ્ય ન્યાયમૂર્તિએ આજના શાસકોની મનમાની અને બુલડોઝર કલ્ચરની પણ ટીકા કરી છે. આનાથી તમને અહેસાસ થશે કે દેશમાં ન્યાયતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને સ્વતંત્ર છે. બાકી ઇલેક્શન બોન્ડ સામેની પિટિશન સર્વોચ્ચ અદાલત છ વરસથી હાથ ધરતી નથી. આ જોગવાઈ દ્વારા નરેન્દ્ર મોદીની સરકારે વિરોધ પક્ષોને બી.જે.પી. સામે પ્રચંડ માત્રામાં આસમાન સ્તરે મૂકી ધકેલી દીધા છે. ભારતનાં લોકતંત્રને સુરંગ ચાંપનારી આ જોગવાઈને પ્રાથમિકતા આપવી જોઈએ એ મુખ્ય ન્યાયમૂર્તિ નથી જાણતા?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 ઑગસ્ટ 2023

Loading

...102030...1,0231,0241,0251,026...1,0301,0401,050...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved