Opinion Magazine
Number of visits: 9458069
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ગાંધીજી / નેહરુ / ઇન્દિરાજીએ ક્યારે ય નફરત ફેલાવી હતી?

રમેશ સવાણી|Opinion - Opinion|12 May 2023

આપણા વડા પ્રધાન ત્રણ નેતાઓની લાંબી લીટી ભૂંસી, પોતાની ટૂંકી લીટી લાંબી દેખાડવાની સતત કોશિશ કરે છે. નકલ કરે છે, પણ મેળ પડતો નથી !

[Illustration courtesy : The Print]

પ્રથમ છે, જવાહરલાલ નેહરુ. તેમની આંતરરાષ્ટ્રીય છબિને નાની કરવા વડા પ્રધાને અનેક દેશોની યાત્રા કરી. પરંતુ એ સમજી શક્યા નહીં કે નેહરુ વિદેશમાં જઈને ‘અબ કી બાર ટ્રમ્પ’ જેવી મૂર્ખતા કરતા ન હતા ! નેહરુ કોર્પોરેટ મિત્રોને ઠેકો મળે તે માટે વિદેશ યાત્રા કરતા ન હતા ! નેહરુ ભારત નિર્માણ માટે લાગેલા હતા. નેહરુ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા. વડા પ્રધાન તો વૈજ્ઞાનિક અભિગમને સાવ ફાલતું સમજે છે ! વડા પ્રધાને કહ્યું હતું કે ‘વાદળાં છે અને તેમાં આપણું ફાઈટર વિમાન રડારમાં દેખાશે નહીં, એટલે એટેક કરવાનો મોકો છે !’ વડા પ્રધાને 5 મે 2023ના રોજ, કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર સભામાં કહ્યું કે “કાઁગ્રેસ સતામાં આવશે તો બજરંગ બલિ હનુમાનની પૂજા કરતા બજરંગદળ પર પ્રતિબંધ મૂકશે !” આમાં કોઈ તર્ક ખરો? 1984માં બનેલા બજરંગ દળની સરખામણી, સદીઓથી પૂજાતા બજરંગ બલિ સાથે કરી શકાય? વડા પ્રધાનને ગણેશજીમાં કોસ્મેટિક સર્જરી દેખાય છે ! બંધારણનાં આર્ટિકલ- 51A (h) મુજબ “દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે તે વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ, જિજ્ઞાસા અને સુધારણાની ભાવના કેળવે.” નેહરુમાં આ ભાવના હતી, વડા પ્રધાનમાં તો બધું વિપરીત જોવા મળે છે ! નેહરુ આધુનિકતાવાદી હતા; જ્યારે વડા પ્રધાન revivalist-પુનરુત્થાનવાદી છે. નેહરુ Harmony-સંવાદિતાના માસ્ટર હતા; જ્યારે વડા પ્રધાન Polarisation-ધ્રુવીકરણના માસ્ટર છે ! એટલે નેહરુને આંબી શકવાની કોઈ શક્યતા જ નથી. નફરત ફેલાવવી સહેલી છે, સમજણ રોપવાનું કામ અઘરું છે. અઘરું કામ નેહરુએ કર્યું હતું.

બીજા છે, ઇન્દિરા ગાંધી. બાંગ્લાદેશ દેશ યુદ્ધને ભૂંસી નાખવા વડા પ્રધાને સર્જીકલ સ્ટ્રાઈક કરી ! પરંતુ ઇન્દિરાજી જેવી ઈમેજ બનાવી ન શક્યા !

ત્રીજા છે, ગાંધીજી. ગાંધીજીની સાદગી કરતાં પોતાની ફકીરી મહાન છે, તેવું દેખાડવાની કોશિશ કરી. સંન્યાસી બની હિમાલય જઈ તપસ્યા કરવાની વાત કરી ! પણ વચ્ચે 10 લાખનો સૂટ આવી ગયો ! કોર્પોરેટ મિત્રો તથા કોર્પોરેટ ધર્મ ધર્મગુરુઓ વચ્ચે આવીને ફકીરી છીનવી ગયા !

ગાંધીજી / નેહરુ / ઇન્દિરાજી પ્રેસથી ડરતા ન હતાં; પણ આપણા વડા પ્રધાન પ્રેસથી ફફડે છે, તેથી દરબારી-ગોદી મીડિયાની હજારો કોશિશ છતાં; રોજે કરોડો રુપિયા ખર્ચ કરવા છતાં; વડા પ્રધાનની છબિ મોટી બનતી નથી ! મહાન કાર્યો કરવાથી મહાન છબિ બનતી હોય છે; નફરત ફેલાવવાથી છબિ ક્યારે ય મોટી બની શકે નહીં !

શું ગાંધીજી / નેહરુ / ઇન્દિરાજીએ ક્યારે ય નફરત ફેલાવી હતી? 

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સમાજપ્રવર્તક નૃત્યના તાલબંધમાં

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|12 May 2023

પ્રકાશ ન. શાહ

હમણાં ભાવનગરમાં દર્શક એવૉર્ડ સમારોહમાં સહભાગી થવાનું બન્યું ત્યારે આપણા અનુત્તમ વિદ્યાવ્યાસંગી લાભુદાદા (લાભશંકર પુરોહિત) સાથેના અનૌપચારિક વાર્તાવિનોદમાં એક મજાનો મુદ્દો સામે આવ્યો. એમણે વર્ષો પર ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વિશે ત્રણ વ્યાખ્યાનો લોકભારતીમાં દર્શકની ઉપસ્થિતિમાં આપેલાં અને આ નવલકથા પોતાની દૃષ્ટિએ શી વાતે ક્લાસિક છે તે સ્ફુટ કરવાની કોશિશ કીધી હતી. આ વ્યાખ્યાનો એમની પાસે ટાંચણરૂપે સચવાયાં હશે, પણ લખાયાં નથી. અનુકૂળતાએ તે ગુજરાતવગાં બને તો એ સૌ સહૃદયો સારુ રૂડી લબ્ધિ લેખાશે.

લાભશંકર પુરોહિત

પણ હમણાં તો મેં એની જિકર કરી તે લાભુદાદાના એક વિશેષ અવલોકનને મિશે, કે ત્રણ ભાગના લખાવા વચ્ચે જે લાંબો સમયગાળો વીત્યો છે એનોયે સંદર્ભ સમજવો જોઈશે. આ યુગસંદર્ભ કહો, કાળસંદર્ભ કહો તે ચોક્કસ જ મહત્ત્વની બીના

છે. ‘સંસ્કૃતિ’ વિધિવત્ સંકેલવાનું બન્યું ત્યારે ઉમાશંકરે કહ્યું જ હતું ને કે આ સામયિક શરૂ કરેલું તે સમય સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવા વાસ્તે.

ગમે તેમ પણ, શિશુવિહાર પરિસરમાં હતા અને જેમ લાભુદાદાના તેમ એનાયે પોંખણાનો અવસર હતો એટલે શિશુવિહારના સ્થાપક માનદાદા(માનભાઈ ભટ્ટ)નુંયે સ્મરણ થવું સ્વાભાવિક હતું. ભાવનગર રાજ્યની વિધિવત્ સોંપણી ભારત સરકારને થઈ ત્યારે સમારોહની વ્યવસ્થા ગોદી કામદારોના આનંદ મંગળ મંડળે સંભાળી હતી. વ્યવસ્થાથી પ્રસન્ન થયેલા રાજવી કૃષ્ણકુમારસિંહજીએ ‘આનંદ મંગળ’ના મિત્રોને પૂછ્યું કે ‘છોકરાઓ, શું કરો છો?’ ગોદી કામદારોના નેતા માનભાઈએ એ મતલબનું કહ્યું કે આપ જે નથી કરતા તે. પછી ફોડ પાડ્યો કે આ બાળકો પાસે રમતગમતનાં સાધનો, ધોરણસરનું ને વિશાળ ક્રીડાંગણ, કશું નથી. એને પગલે જે હુકમ થયો તે શિશુવિહાર અને વ્યાયામપ્રવૃત્તિ સારુ જમીનની ફાળવણીનો.

આ વાત જાણવાની થઈ ત્યારે જોડાજોડ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ માંહેલો જમીનફાળવણીનો કિસ્સોયે સાંભરતો હતો. દેખીતી સાવ નકામા જેવી જમીન ગોપાળબાપાએ સયાજીરાવ ગાયકવાડ પાસે માગી લીધી. ગાયકવાડે આપી તો ખરી – પણ સ્વભાવે પ્રજાની ભાળ રાખનાર જીવ તે પૂછ્યા વિના ન રહી શક્યા કે અહીં રાની પશુ હશે, એનો ભો નથી લાગતો? બાપાએ રાજાને કહ્યું કે આ ‘તમારી પડખેના દીપડા’ ન રંજાડે તો બસ.

આપણા સમયમાં તો રાજદ્રોહના ખાનામાં પડી તેને શોભીતી કારવાઈપાત્ર ઠરાવે એવા આ ઉદ્ગારો હતા. કેમ જાણે કોઈ પિયુસિએલ ઍક્ટિવિસ્ટ ન હોય! વસ્તુતઃ માનશંકર ભટ્ટ, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોળી, એવી એકબે પેઢી ગાંધીયુગમાં આવી ગઈ જેણે માર્ક્ સને ગાંધીસાત્ અગર ગાંધીને માર્ક્ સસાત્ કરીને પોતપોતાનાં જીવન જીવી જાણ્યાં. એમનો જે મિજાજ, અક્ષરજીવન અને જાહેરજીવનની સંમિલનભૂમિએ, એ વ્યક્ત કરવા સારુ તો અજ્ઞેયની લેખિની જોઈએ :

હમ ન પિઠ્ઠૂ હૈં ન પક્ષધર હૈં
હમ હમ હૈં ઔર હમેં
સફાઈ ચાહિએ સાફ હવા ચાહિએ
ઔર આત્મ-સન્માન ચાહિએ જિસકી
લીક
હમ ડાલ રહે હૈં :
હમારી જમીન સે હટ જાઓ.

તો, સમય, એ સમયનો મિજાજ ને (ભાવ) ભૂમિ, બહુ સમર્પકપણે ગોવર્ધનરામે પરિષદના સ્થાપના અધિવેશનમાં મૂકી આપ્યાં છે. 1905નું વરસ છે; દેશમાં બંગભંગગત પ્રક્ષોભ ને જાગૃતિનો માહોલ છે; પણે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહી અરુણોદય આગમચ કશોક સ્ફૂર્તિસંચાર છે; આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદનો કંઈક પૂર્વસંચાર પણ છે; અને ગોમાત્રિ અધ્યક્ષીય ઉદ્બોધનમાં પરિષદના ઉપક્રમની ભૂમિકાએ વાત માંડે છે :

“બન્ધુજનો, આ યુગ, રાજકીય, સાંસારિક અને અન્ય વિષયના સમાજોનો છે. કોઈ સ્થાને કૉંગ્રેસો તો કોઈ સ્થાને કૉન્ફરન્સો, કોઈ સ્થાને ક્લબ નામે તો કોઈ સ્થાને ઍસોસિયેશન નામે, સમાજો આ તેમ અન્ય દેશોમાં ભરાય છે. જ્યાં સર્વ પાસ આવા સતારના રણકારા સંભળાય છે, ત્યાં આપણા એકતારાનો ધ્વનિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે. જ્યાં ચારે પાસ ગાનતાન મચી રહેતું હોય એવા પ્રદેશમાં ઊભું રહેલું પ્રાણી ગાનાદિકમાં કુશળ નહીં હોય તો બોલ્યા વિના તેના હૃદયમાં ગાન ઉતારવા માંડશે, તેના હાથપગ તેની પ્રેરણા વિના તાલ આપતા હોય તેમ નૃત્ય કરશે, અને પ્રસિદ્ધપણે વર્તતા ગાનમાં અપ્રસિદ્ધપણે આ હૃદય અને શરીર લય પામશે. આવી જાતના લયનું કારણ આ સૃષ્ટિનો જડ-ચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law – તાલબન્ધ અથવા અનુપ્રાસયોજના આપીએ તો સમજાય એવું છે. આપણી સાહિત્ય પરિષદ, આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યમાં આવા તાલબન્ધ નિયમના બળથી ઊભી છે.”

આ તો પરચક્ર તળે ‘સ્વ’ની ખોજમથામણના ઉદ્ગારો હતા. હવે તો સ્વચક્રના સમયમાં છીએ ત્યારે એક સમાજપ્રવર્તક નૃત્ય વચાળે આપણે ટટ્ટાર મેરુદંડ સોતા કેળવવો ઘટતો વિવેક શો છે એનો એક સોજ્જો સંકેત ચુંવાળીસમા પ્રમુખ નારાયણ દેસાઈના અધ્યક્ષીય અભિભાષણમાંથી મળી રહે છે :

“… શાસન આપણને આર્થિક મદદ આપતું હોય, માન-મરતબા કે પુરસ્કારો આપતું હોય તો એની ગરજે આપે. તેથી આપણે આપણી સ્વતંત્રતા ગીરવી મૂકી ન શકીએ. શાસનની દેખીતી ભૂલો કે ઇરાદાપૂર્વક શાસને ભરેલાં ખોટાં પગલાં અંગે આંખ આડા કાન કરવા, ચૂપ થઈને બેઠાં રહેવું કે એ પોતાનો વિષય નથી એમ માનીને મૌન જાળવવું એ બધું ઓશિયાળાપણામાં આવી જાય. ઓશિયાળી વ્યક્તિ પોતે તો પોતાનું સમ્માન ગુમાવે જ છે પણ જેની તે ઓશિયાળી બને છે તેને પણ નૈતિક રીતે નીચી લાવે છે …”

આ બધું કહેતી વખતે એમના મનમાં પ્રત્યક્ષ વિગત શું હશે એનું અનુમાન આપણે પક્ષે અશક્ય નથી. પણ એક લોકાયની અક્ષરસેવીને સહજ એમણે જ તે વાત ખોલી આપી અને બોલી બતાવી છે :

“… એક દાખલો લઈએ. સાહિત્ય, કળા કે સંસ્કૃતિને લગતી સંસ્થાઓમાં તે તે વિષયના કળાકારો જ ચૂંટાઈને જાય એ સર્વથા ઈષ્ટ છે. આપણે ત્યાં એને સારુ ઉમાશંકર અને દર્શક જેવાઓએ જહેમત પણ ઉઠાવી છે. જો કોઈ પણ શાસન આમ પ્રતિનિધિઓની સંસ્થાને પોતાના નીમેલા પ્રતિનિધિઓથી જ ભરવા માગે અથવા બીજી રીતે દખલગીરી કરે અને એ અંગે આ સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ચૂપ બેઠા રહે તો એને ઓશિયાળાપણું કે લાચારી કહેવાય. આવી લાચારીને ફગાવી દેતાં આપણે શીખીશું તો જ ગુજરાતી સાહિત્યકારનું ખમીર પ્રગટશે …”

દેખીતી રીતે જ, ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકરણ પરત્વે એક લોકાયની સાહિત્યકારનો આ એક ખરી દૂંટીનો ઉદ્ગાર હતો. જ્યાં સુધી સમયસંદર્ભનો સવાલ છે, ભાવનગરના જ એક ઉલ્લેખથી અટકવા ઇચ્છું છું. 1984નું વરસ હતું. જ્યોર્જ ઓરવેલની કીર્તિદા કૃતિ ‘1984’ વિશે મારે ભાવનગરના એક્સેલ સ્ટડી સર્કલમાં વાત કરવી એવું તેડું લઈ જયન્ત મેઘાણીના સૂચનથી નાનાભાઈ ભટ્ટના પુત્ર પ્રશાન્તભાઈ મને મળવા આવ્યા અને મેં પણ હા પાડી – ભાવનગર જવાનું ને વળી ઓરવેલ વિશે બોલવાનું! સર્વસત્તાવાદી બળોના વિશ્વઉપાડાની ચર્ચા ઓરવેલે ‘1984’માં કરી છે અને એમાં ‘બિગ બ્રધર’ બધું જ જુએ છે એ તરજ પર મેં વાર્તાસાર આપી ઘટતાં ટીકાટિપ્પણ સાથે મારું વક્તવ્ય સમેટ્યું. સભાના અધ્યક્ષસ્થાને મૂળશંકર મો. ભટ્ટ હતા. સરસ સમાપનવચનો ઉચ્ચાર્યાં એમણે કે પ્રકાશભાઈએ ઓરવેલનો જે સાર આપ્યો એનો અર્થ એટલો જ કે જો સમાજમાં ‘નાનાભાઈ’ઓ નહીં પાકે તો મોટાભાઈઓ ચઢી વાગશે!

આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યના તાલબંધને અનુલક્ષીને આ ક્ષણે આટલું જ.

મે 4, 2023
 e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પ્રમુખીય’, “પરબ”, મે 2023

Loading

સર્જનાત્મક ઇતિહાસલેખનનો આદર્શ 

સોનલ પરીખ|Gandhiana|12 May 2023

ગાંધીજી ઇતિહાસકાર નહોતા, પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ લખીને તેમણે સર્જનાત્મક ઇતિહાસલેખનનો એક આદર્શ પૂરો પાડ્યો. એમાં ભૂમિકા, પુરાવા, આધાર બધું ઇતિહાસનું, પ્રસંગ–પાત્રનું નિરુપણ નવલકથાકારનું અને દૃષ્ટિ સંતત્વ તરફ ગતિ કરતા મહાપુરુષની આવું સંયોજન થયું છે. 

ગાંધીજીનું ધ્યેય સાહિત્યકાર કે પત્રકાર બનવાનું નહોતું પણ તેમના નામનો એક યુગ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં બોલે છે અને તેમના પત્રકારત્વએ લોકકેળવણીનું અને લોકોને સાચી માહિતીથી અપડેટેડ રાખવાનું જે કામ કર્યું તે માટે પત્રકારત્વ ભણનારે પત્રકાર ગાંધીને ભણવા પડે છે. આ લેખન–પત્રકારત્વની શરૂઆત દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર થઈ, જેના વિશે પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં પ્રકરણો છે

‘જે સંસ્થાને લોકો મદદ કરવા તૈયાર ન હોય તેને જાહેર સંસ્થા તરીકે નભવાનો અધિકાર જ નથી. જાહેર સંસ્થાના ચાલુ ખર્ચનો આધાર લોકો પાસેથી મળતા ફાળા પર રહેવો જોઈએ. પ્રતિવર્ષ મળતો ફાળો તે તે સંસ્થાની લોકપ્રિયતા અને તેના સંચાલકોની પ્રામાણિકતાની કસોટી છે અને દરેક સંસ્થાએ તે કસોટી પર ચડવું જોઈએ તેવો મારો અભિપ્રાય છે.’ મહાત્મા ગાંધીનો આ બહુ જાણીતો અને અનેક સંસ્થાઓએ અનુસરેલો વિચાર તેમના દક્ષિણ આફ્રિકાકાળની નીપજ છે.

મહાત્મા ગાંધીની આત્મકથાના લગભગ 250 પાનાં એમના દક્ષિણ આફ્રિકાકાળની વાતમાં રોકાયાં છે. આમ છતાં એમણે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ નામે જુદું પુસ્તક લખ્યું છે. ગાંધીજીના જીવનમાં 6 એપ્રિલનું જાણે એક આગવું સ્થાન છે. કાળા કાયદા તરીકે ઓળખાતા રોલેટ એક્ટ સામે સત્યાગ્રહ 6 એપ્રિલ 1919ના દિવસે શરૂ થયો હતો. ત્યાર પછી 6 એપ્રિલ 2024ના દિવસે નવજીવન દ્વારા ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ પ્રગટ થયું હતું અને 6 એપ્રિલ 1930ના દિવસે એમણે અન્યાયી મીઠાનો કાયદો તોડી નમક સત્યાગ્રહ શરૂ કર્યો હતો.

આજે થોડી વાતો કરીએ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ની.

ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ની ભવ્ય જ્વલંત સફળતા પાછળ ઢંકાઈ ગયેલી છે. આત્મકથાનાં 200થી વધારે પાનાં દક્ષિણ આફ્રિકાની ઘટનાઓના વર્ણનમાં રોકાયેલાં છે એટલે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને માટે જુદું પુસ્તક વાંચવાનું અને તેનો અભ્યાસ કરવાનું ઓછા લોકોને મન થયું હશે. પણ ગાંધીજીએ તો આત્મકથા લખાઈ એ જ ગાળામાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ પર સ્વતંત્ર પુસ્તક લખ્યું છે અને તેને ‘નવજીવન’માં સાપ્તાહિક શ્રેણી રૂપે આત્મકથા સાથોસાથ, કદાચ એની પહેલાં 1923ના ગાળામાં પ્રગટ કર્યું છે.

એ જ્યારે પુસ્તકરૂપે પ્રગટ થયું ત્યારે તેની પ્રસ્તાવનાના પહેલા જ ફકરામાં ગાંધીજી લખે છે, ‘સત્યાગ્રહ શબ્દ દક્ષિણ આફ્રિકાની લડત અંગે શોધાયો અને યોજાયો. આ લડતનો ઇતિહાસ મારા હાથે લખાય એમ હું ઘણા વખતથી ઈચ્છતો હતો. કેટલુંક તો હું જ લખી શકું. કઈ વસ્તુ કયા હેતુથી થઈ તે તો લડાઈનો ચલાવનારો જ જાણી શકે. અને એના મોટા પાયા પર રાજ્યપ્રકરણી ક્ષેત્રમાં આ અખતરો પહેલો જ હતો એટલે સત્યાગ્રહના સિદ્ધાંતનો વિકાસ બધા લોકો જાણે એ જરૂરી હતું’ ગાંધીસાહિત્યના વાચકો અને અભ્યાસીઓએ પણ આ વાત યાદ રાખવા જેવી છે.

પુસ્તક બે ભાગ, 50 પ્રકરણ ને 620 પાનાંમાં વિસ્તાર પામ્યું છે. પહેલા 30 પ્રકરણ યરવડા જેલમાં લખાયાં છે. ગાંધીજી બોલતા અને ઈન્દુલાલ યાજ્ઞિક લખતા જતા. ત્યાર પછીનાં પ્રકરણો જૂહુથી લખાયાં.

તો સત્યાગ્રહનો પ્રથમ સફળ પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં થયો. આ અનુભવને આધારે જ ગાંધીજીએ ભારતમાં સત્યાગ્રહો કર્યા. યાદ રાખીએ કે સત્યાગ્રહનું મહત્ત્વ ગાંધીજી પૂરતું કે દક્ષિણ આફ્રિકા પૂરતું કે ભારત પૂરતું પણ નથી. જગતના ઇતિહાસમાં એ પ્રથમ દ્વેષમુક્ત, વેરવિહીન, સતનો સંગ્રામ હતો. તેની તવારીખ સમજવા માટે આ પુસ્તક મહત્ત્વનું છે.

ઇતિહાસને સામાન્ય રીતે કોઈ રાષ્ટ્ર, કોઈ રાજનીતિ કે કોઈ પ્રજા પ્રત્યે પક્ષપાત હોય છે – અહીં એવું નથી. પક્ષપાત હોય તો તે નીતિ, ન્યાય અને સત્યનો છે. આ કદાચ પહેલો જ ઇતિહાસ છે જે કોઈ ઇતિહાસકારે નહીં; પણ એક સંતે, એ ઇતિહાસના સર્જનહારે-સૈનિકે લખ્યો છે. અને જાત પર, શબ્દો પર, નિરુપણ પરનો ગાંધીજીનો સંયમ ચકિત કરી દે તેવો છે.

શરૂઆતનાં પ્રકરણોમાં ત્યારના દક્ષિણ આફ્રિકાનાં ઇતિહાસ-ભૂગોળ અને ત્યાંના મૂળ હબસી રહેવાસીઓની વાતો છે. એ પછી ત્યાં હિંદીઓનું આગમન કેવી રીતે થયું, ગિરમિટ શું, ગિરમિટિયા કોણ ને ગિરમિટમુક્ત કોણ, એમની મુસીબતો કયા કારણથી ને કેવી-કેટલી વધી તેનું વર્ણન છે. પોતાની હાલાકીઓનું ટૂંકું વર્ણન પણ છે, ‘આ બધા અનુભવો મારા હાડમાં પેસી ગયા.’

આ પશ્ચાદભૂમિકા પછી એક પછી એક રાજકીય અનુભવો – 27ની ઉંમરે લખાયેલું ‘ગ્રીન પેમ્ફલેટ, તેની ભારત અને ઇંગ્લેન્ડમાં વ્યાપકપણે લેવાયેલી નોંધ, પરિણામે આફ્રિકામાં થયેલો હુમલો, પરવાનાની હોળી, મીર આલમનો કિસ્સો – આ બધાથી નવો ઇતિહાસ રચાતો-આલેખાતો જાય છે.

લડત ન્યાય માટે હતી. સત્ય અને અહિંસાના પાયા પર હતી. આંદોલન સ્વરૂપની હતી. તેને ખૂબ સહાનુભૂતિ મળી. એના સૈનિકો એકસંપથી ને એકસમાન આદર્શોથી જીવે તે માટે ગાંધીજીએ આશ્રમો બનાવ્યા. ખ્રિસ્તી પદ્ધતિથી થયેલાં હોય તે સિવાયનાં લગ્નો અમાન્ય ગણતા કાયદા સામેની લડતથી સામાજિક પાસું ઉમેરાયું અને સ્ત્રીઓનો લડતમાં પ્રવેશ થયો. હિંસા સામે અહિંસા, દ્વેષ સામે પ્રેમ, જુલમ સામે મિત્રભાવ વગેરે શસ્ત્રો કામિયાબ નીવડતાં ગયાં. છેવટે અસત પર સતનો વિજય થયો.

આ ઇતિહાસમાં રાજકીય અને સામાજિક સાથે નૈતિક અને આધ્યામિક તત્ત્વ પણ છે કેમ કે તેમાં ગાંધીજીની અંત:પ્રેરણા પગલે પગલે મુખ્ય ભાગ ભજવે છે. 

લેખનશૈલી શુષ્ક નથી, રોચક છે. ભૂમિકા, પુરાવા, આધાર બધું ઇતિહાસનું, પ્રસંગ-પાત્રનું નિરુપણ નવલકથાકારનું અને દૃષ્ટિ સંતત્વ તરફ ગતિ કરતા મહાપુરુષની આવું સંયોજન થયું છે. વાતો સૂક્ષ્મ અને અટપટી છતાં રસમય છે. ગાંધીજીના વ્યક્તિત્વમાં રહેલી ઉત્કૃષ્ટ માનવતા સાત્ત્વિક આનંદના ઓઘ ઉછાળે છે. એક પણ વાત નકામી કે બિનજરૂરી નથી. ઔચિત્ય, કલાસંયમ, સતર્કતાનો સતત અનુભવ થાય છે.

સાહિત્ય અને જીવન પરસ્પર સંકળાયેલાં છે. કોઈ કોઈ કૃતિ એવી હોય છે જેણે પ્રબળતાથી જીવનની અસર ઝીલી હોય. કોઈ કૃતિ એવી હોય છે જે જીવનને પ્રભાવિત કરે. ગાંધીજીનાં પુસ્તકોમાં આ બન્ને રીતના પ્રભાવ જોવા મળે છે. એમણે જિવાતા જીવનને ઝીલ્યું પણ છે અને પ્રભાવિત પણ કર્યું છે. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં પણ આ બન્ને તત્ત્વ છે. જો કે સત્યના પ્રયોગો જેટલો વિરાટ પ્રભાવ આ પુસ્તકનો નથી. પણ ગાંધીસાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર જે સમગ્ર પ્રભાવ છે તેમાં આ પુસ્તકનો પણ ફાળો છે જ. 1909માં લખાયેલા ‘હિંદ સ્વરાજ’ને ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ની બાયપ્રોડક્ટ ગણી શકાય.

ગાંધીજી ઇતિહાસકાર નહોતા, પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ લખીને તેમણે સર્જનાત્મક ઇતિહાસલેખનનો એક આદર્શ પૂરો પાડ્યો. તેઓ સાહિત્યકાર નહોતા પણ તેમના નામનો એક યુગ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં બોલે છે. ગાંધીજીનું ધ્યેય પત્રકાર બનવાનું નહોતું, પણ તેમના પત્રકારત્વએ લોકકેળવણીનું અને લોકો સુધી સાચી માહિતી પહોંચાડી એમને અપડેટેડ રાખવાનું જે કામ કર્યું તે માટે પત્રકારત્વ ભણનારે પત્રકાર ગાંધીને ભણવા પડે છે. આ લેખન-પત્રકારત્વની શરૂઆત દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર થઈ, જેના વિશે પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં પ્રકરણો છે.

કેટલાક પુસ્તકોનો ઉલ્લેખ કરું – ગાંધીજીની સૌ પહેલી જીવનકથા મિ. જૉસેફ ડૉક (અનુ. પ્રાણજીવનદાસ મહેતા) અને રાવજીભાઈ પટેલ – ગાંધીજીના અંતેવાસીનું ‘ગાંધીજીની સાધના’ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ની સમાંતરે ચાલ્યાં છે. પ્રભુદાસ ગાંધીના ‘જીવનનું પરોઢ’માં આ પુસ્તકોની ખૂટતી કડીઓ છે. ગિરિરાજ કિશોરનું ‘પહેલો ગિરમિટિયો’ (અનુ. મોહન દાંડીકર), રાજેન્દ્રમોહન ભટનાગરનું ‘કુલી બેરિસ્ટર’ (અનુ. છાયા ત્રિવેદી) અને નારાયણ દેસાઈ લિખિત ‘મારું જીવન એ જ મારી વાણી’ના પહેલા ભાગના અડધાથી વધારે પાનાં ગાંધીજીવનના દક્ષિણ આફ્રિકાકાળ પર લખાયાં છે.

દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ સંભાળતાં ગાંધીજીએ જે ટકોર કરી છે તે આજના સોશ્યલ મિડિયા માટે પણ કેટલી સાચી છે – ‘વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે છે અને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો નિરંકુશતા વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 ઍપ્રિલ 2023

Loading

...102030...1,0101,0111,0121,013...1,0201,0301,040...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved