ભારતના નાણા પ્રધાને કોરોના રાહત પૅકેજ જાહેર કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારો જિલ્લા ખનિજ ફંડનો ઉપયોગ પણ આ મહામારીના સમયે કરી શકે છે. ખાણ અને ખનિજ ધારા-૧૯૫૭માં ૨૦૧૫માં એક સરસ સુધારો કરવામાં આવ્યો. તે મુજબ જે કંપનીઓને ખાણકામ માટે ભાડાપટા આપવામાં આવે છે, તેમની પાસેથી સરકાર ખાણકામથી વિપરીત અસર પામતાં વિસ્તારો અને લોકોના આર્થિક-સામાજિક વિકાસ માટે નિર્ધારિત રકમ લે છે. આ નાણાં કંપનીને તા. ૧૨-૦૧-૨૦૧૫ અગાઉ ભાડાપટો અપાયો હોય તો રૉયલ્ટીના ૩૦ ટકા અને તે પછી અપાયો હોય તો રોયલ્ટીના ૧૦ ટકા જેટલાં હોય છે. ‘જિલ્લા ખનિજ ફંડ’ તરીકે ઓળખાતી આ રકમ કંપનીઓ જે રૉયલ્ટી આપે છે તે ઉપરાંતની હોય છે અને તે ‘જિલ્લા ખનિજ ફાઉન્ડેશન’માં જમા થાય છે.
1. ગુજરાતના ૩૨ જિલ્લામાં આવા જિલ્લા ખનિજ ફાઉન્ડેશનની રચના થઈ છે. તે એક મંડળી નોંધણી કાયદા-૧૮૬૦ હેઠળ સોસાયટી તરીકે નોંધાયેલાં છે. તેમની કામગીરી માટે ગુજરાત સરકારે તા. ૦૧-૦૪-૨૦૧૬ના રોજ નિયમો ઘડ્યા છે. આ નિયમોમાં તા. ૧૬-૦૯-૨૦૧૭ના રોજ ફેરફાર કરાયો અને જિલ્લા ખનિજ ફાઉન્ડેશન એક સખાવતી ટ્રસ્ટ તરીકે પણ નોંધાય એમ નક્કી થયું. આ રીતે જિલ્લા ખનિજ ફાઉન્ડેશન પણ મુખ્ય મંત્રી રાહત નિધિની જેમ જ દેખીતી રીતે એક સરકારી ફંડ હોવા છતાં લગભગ ખાનગી ફંડ થઈ ગયાં છે, ભલેને તે એક કાનૂની સંસ્થા હોય.
2. એપ્રિલ, ૨૦૧૬થી તા. ૦૮-૦૪-૨૦૨૦ સુધી ૩૨ જિલ્લા ખનિજ ફંડમાં રૂ. ૫,૯૮૪ કરોડ જમા થયા. તેમાંથી રૂ. ૨૫૪ કરોડ વાપરવામાં આવ્યા છે. રૂ. ૫,૭૩૦ કરોડ જમા પડ્યા છે. આ રકમ તેના નિયમ-૨ અનુસાર રાજ્ય સરકારના બજેટની બહાર છે.
3. આ ફંડમાંથી વિકાસ અને કલ્યાણ માટે ગુજરાતના બધા જિલ્લામાં ૧૩,૦૧૦ પ્રોજેક્ટ નક્કી થયા પણ ૫,૮૦૨ પૂરા થયા. જો કે, ભારત સરકારની વેબસાઇટ કહે છે કે ગુજરાતમાં ડિસેમ્બર-૨૦૧૯ સુધીમાં ૧૨,૯૮૯ પ્રોજેક્ટ મંજૂર થયા અને ૫,૨૭૦ પૂરા થયા.
4. આ ફંડ માટે દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષપદ હેઠળ ૧૩ સભ્યોની વહીવટી સમિતિ હોય છે અને તેણે વિવિધ વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી કાર્યો માટે રકમ ખર્ચવાની હોય છે. રાજ્યસ્તરે સંકલન સમિતિના અધ્યક્ષ મુખ્ય પ્રધાન છે.
5. અમને ડર છે કે જિલ્લા ખનિજ ફાઉન્ડેશન હવે ૨૦૧૭થી સખાવતી પબ્લિક ટ્રસ્ટ છે. એટલે રાજ્યના કલેક્ટરોને કહેવામાં આવશે કે તેઓ આ ફંડની રકમ મુખ્ય મંત્રી રાહતનિધિ કે પી.એમ. કેર્સ ફંડમાં દાન તરીકે આપે. અને કલેક્ટરો તો સરકારનો હુકમ કેવી રીતે ઉથાપી શકે? હકીકતમાં, આ ફંડની સ્થાપના ખાણકામથી જેમને વિપરીત અસર થઈ છે તેવા વિસ્તારો અને લોકોના આર્થિક અને સામાજિક વિકાસ અને કલ્યાણ માટે ખર્ચ કરવા જ થઈ છે. એટલે જો આ રીતે જિલ્લા ખનિજ ફંડની રકમ કોઈને પણ દાનમાં આપવામાં આવે તો તે ગેરકાનૂની ગણાશે.
6. જિલ્લા ખનિજ ફંડની આવકજાવકનું ઑડિટ થતું હોય અને તેના હિસાબો વિધાનસભામાં રજૂ થતા હોય તેવી કોઈ જ વિગત પ્રાપ્ત થતી નથી.
આથી અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે
I. જિલ્લા ખનિજ ફંડની રકમ કોરોના મહામારીના સંદર્ભે પણ જે તે જિલ્લામાં જ વપરાય. જિલ્લા બહાર તે રકમ ના વપરાય.
II. કોઈ પણ હિસાબે મુખ્ય મંત્રી રાહતનિધિ કે પી.એમ. કેર્સ ફંડમાં જિલ્લા ખનિજ ફંડની રકમ દાનમાં આપવામાં ના આવે કારણ કે આ બંને ખાનગી ફંડ છે, સરકારી ફંડ છે જ નહીં અને કોઈ કાયદા હેઠળ તેમની સ્થાપના થઈ જ નથી, જ્યારે જિલ્લા ખનિજ ફંડ એ કાનૂની ફંડ છે.
III. ફંડની રકમ વાપરવા માટેની કેન્દ્ર સરકારની માર્ગરેખાઓમાં ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રોમાં પીવાનું પાણી, આરોગ્યસંભાળ, સફાઈ તથા મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને વિકલાંગોના કલ્યાણ વગેરે જેવી બાબતો છે જ અને તે માટે જ કોરોના મહામારીના સંદર્ભમાં તત્કાળ ખર્ચ કરવામાં આવે.
IV. ફંડના ખર્ચની વિગતો જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો તથા નગરપાલિકાઓ સાથે મળીને નક્કી કરવામાં આવે.
V. તમામ ૩૨ જિલ્લા ખનિજ ફંડના હિસાબો તત્કાળ બહાર પાડવામાં આવે. તેમનું ‘કેગ’ દ્વારા ઑડિટ કરાવવામાં આવે તો જ પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ ઊભાં થશે.
VI. જિલ્લા ખનિજ ફંડના વિગતવાર હિસાબો અને કામગીરીના અહેવાલો વિધાનસભામાં રજૂ કરવામાં આવે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 ઍપ્રિલ 2020