પહેલાં હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં અને એ પછી મહારાષ્ટ્ર, ઝારખંડ તેમ જ દેશભરનાં ૧૩ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાઓની પેટા-ચૂંટણીમાંથી મુખ્યત્વે ઉત્તર પ્રદેશની દસ બેઠકોની પેટા-ચૂંટણીનાં પરિણામો ચોંકાવનારાં છે. સર્વેક્ષણ કરનારાઓએ હવે આબરૂ ગુમાવી દીધી છે એટલે તેમનાં અનુમાનોનાં સાચા-ખોટાપણા વિષે વાત પણ કરવી એ બેવકૂફી છે. વારંવાર નાક કપાતું હોવા છતાં તેઓ રંગમંચ છોડતા નથી, કારણ કે તેમને પૈસા મળે છે અને શરમ જેવું તેમની પાસે કશું છે નહીં. આમ સર્વે કરનારાઓને છોડી દઈએ પણ જેઓ પ્રતિષ્ઠા ધરાવે છે એવા અનુભવી અને ઊંડો અભ્યાસ ધરાવનારા રાજકીય સમીક્ષકોએ પણ જે અનુમાન કર્યાં હતાં એ ખોટા સાબિત થયાં છે. જે તે રાજ્યોમાં જિલ્લા અને તાલુકા સ્તરે કામ કરનારા સ્થાનિક પત્રકારોની અને લોકોની સાદી સમજ પણ ખોટી સાબિત થઈ છે. ત્યાં સુધી કે ભા.જ.પ.ના સમર્થકોએ પણ આવા વિજયની કલ્પના નહોતી કરી.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટીના નેતા અજીત પવાર તો ચૂંટણી પહેલાં જ અને ચૂંટણી દરમ્યાન પરાજીત મનોદશામાં હતા અને તે તેમના ચહેરા પર તેમ જ તેમનાં કથનોમાં જોવા મળતું હતું. તેમને ૪૧ બેઠકો મળી ગઈ. બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી ગયું. શરદ પવાર જેવો મહારાષ્ટ્રનો દિગ્ગજ અને વિચક્ષણ નેતા આટલી આસાનીથી અને આટલી ખરાબ રીતે પરાજીત થાય? મેં મારી કોલમમાં લખ્યું હતું કે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં બી.જે.પી.ને ક્યારે ય સ્પષ્ટ બહુમતી મળી અને રાજ્ય પર કબજો કરી શક્યું નથી. મહારાષ્ટ્રમાં કાઁગ્રેસનાં મૂળિયાં એટલાં ઊંડા છે કે તે નેસ્તનાબૂદ થતી નથી. મહારાષ્ટ્રમાં બી.જે.પી.નો પ્રવેશ હંમેશાં મુશ્કેલ રહ્યો છે. આ વખતે જો બી.જે.પી.એ વધારે બેઠકો પર ચૂંટણી લડી હોત અને સાથી પક્ષોને ઓછી બેઠકો આપી હોત તો તે જરૂર ૨૮૮ સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મેળવી લેત. બી.જે.પી.એ ૧૪૯ બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેના ૧૩૨ ઉમેદવાર વિજયી થયા હતા. આમ મહારાષ્ટ્રની કુલ ૨૮૮ બેઠકોમાંથી ૪૫ ટકા બેઠકો બી.જે.પી.એ મેળવી છે. બી.જે.પી.નો સ્ટ્રાઈક રેટ ૮૮.૫૯ ટકાનો છે. આની સામે શરદ પવારની રાષ્ટ્રવાદી પક્ષનો સ્ટ્રાઈક રેટ માત્ર ૧૧.૬૨ ટકાનો છે અને સામે ભત્રીજાના પક્ષનો સ્ટ્રાઈક રેટ ૬૯.૪૯ ટકા છે. અજીત પવારના પક્ષને જે ૪૧ બેઠકો મળી છે એ બી.જે.પી.ને કારણે મળી છે અને એકનાથ શિંદેની શિવસેનાને પણ બી.જે.પી.ના કારણે ફાયદો થયો છે.
આવું કેમ બન્યું? માત્ર છ મહિનામાં પ્રજાનો રાજકીય અભિપ્રાય અને મૂડ બદલાઈ ગયો? લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાં, મહારાષ્ટ્રમાં અને ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.ને જબરદસ્ત માર પડ્યો હતો. લોકસભામાં બી.જે.પી.એ બહુમતી ગુમાવી એ મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનને કારણે. ઝારખંડમાં એન.ડી.એ.ને કુલ ૧૪ બેઠકોમાંથી નવ બેઠકો મળી હતી અને ‘ઇન્ડિયા’ ગઠબંધનને ૧૪માંથી પાંચ મળી હતી. એન.ડી.એ.ને મળેલી નવ બેઠકોમાં બી.જે.પી.ની સાત બેઠકો હતી. લોકસભાની ચૂંટણીમાં ૨૪૦ બેઠકો સાથે બી.જે.પી.નું નાક જળવાઈ રહ્યું એ ઝારખંડ, બિહાર અને ઓડીશાના કારણે. આ વખતે ઝારખંડમાં બી.જે.પી.નો પરાજય થયો. તો આ પરિણામો શું સૂચવે છે.
હંમેશની માફક ઈ.વી.એમ. પર શંકા કરવામાં આવે છે, પણ આ વખતે શંકા વધારે પ્રબળ છે, કારણ કે જે પરિણામ આવ્યાં છે એ સાદી બુદ્ધિથી વિચારો તો ગળે ઉતરે એવાં નથી. એક વાત સ્વીકારવી રહી કે ઈ.વી.એમ. સાથે ચેડાં થઈ શકે છે એવા કોઈ જડબેસલાક પૂરાવા હજુ સુધી મળ્યા નથી. બીજું ચૂંટણી પ્રક્રિયામાં ઉપરથી નીચે સુધી હજારો લોકો સેવા આપતા હોય અને એટલા બધા લોકોને મેનેજ કરવા શક્ય નથી. જો કે ટેસ્લા અને એક્સ(ટવીટર)ના માલિક એલન મસ્ક કહે છે કે હવે એ.આઈ. (આર્ટીફિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા ઈ.વી.એમ. મશીન સાથે ચેડાં થઈ શકે છે. ભલે હજારો લોકો ચૂંટણીની પ્રક્રિયામાં સંડોવાયેલા હોય, પણ થોડા લોકોને છોડીને કોઈને કશી ખબર પણ ન પડે. મારું એવું માનવું છે કે ઈ.વી.એમ.માં ચેડાં થતાં હોય કે ન થતાં હોય, થઈ શકતા હોય કે ન થઈ શકતા હોય, નાગરિકોનાં મનમાં તેમ જ પ્રતિસ્પર્ધી પક્ષોના મનમાં શંકા હોય તો તેનો અંત આવવો જોઈએ અને જૂની મતપેપરવાળી પદ્ધતિ પાછી લાગુ કરવી જોઈએ. ચૂંટણી લોકતંત્રનો પ્રાણ છે અને તે શંકાતીત હોવી જોઈએ. પ્રજાનો ભરોસો સર્વોપરી છે. જગતના મોટા ભાગના લોકશાહી દેશો ઈ.વી.એમ.નો ઉપયોગ નથી કરતા એનું કારણ છે પ્રજાનો ભરોસો. ભરોસા વિનાનું લોકતંત્ર લોકતંત્ર ન ક્હેવાય. ચૂંટણી શંકાતીત હોવી જોઈએ અને દરેકને એમ લાગવું પણ જોઈએ.
પણ અહીં એક મહત્ત્વનાં પરિવર્તન બાબત મારે ધ્યાન દોરવું છે. લોકસભાની ચૂંટણી પછી તમે જોયું હશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીકીય રણભૂમિનાં કેન્દ્રમાં નથી જેટલા લોકસભાની ચૂંટણી સુધી હતા. મોદી કી ગેરંટીના હોર્ડીંગ્ઝ પણ જોવા નથી મળતા અને તેવી કોઈ ભાષા પણ જોવા નથી મળતી. નરેન્દ્ર મોદી હજુ પણ સ્ટાર પ્રચારક છે, પણ તેમને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવામાં નથી આવી રહી. સભાઓ, રેલીઓ, રોડ શોઝ, પ્રચારસાહિત્ય અને ગોદી મીડિયા એમ સર્વત્ર નરેન્દ્ર મોદી એ સ્થાન નથી ધરાવતા જે લોકસભાની ચૂંટણી સુધી ધરાવતા હતા. આ પરિવર્તન સમજવા જેવું છે.
નરેન્દ્ર મોદી પક્ષને એક ઊંચાઈ સુધી લઈ ગયા અને હવે વધારે ઊંચાઈએ લઈ શકે એમ નથી તેની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ખાતરી થઈ ગઈ છે. ૧૯૮૭-૧૯૯૪નાં વર્ષોમાં લાલકૃષ્ણ અડવાણીએ પક્ષને એક ઊંચાઈ અપાવી એ પછી સંઘને ખાતરી થઈ ગઈ હતી કે હવે તેઓ પક્ષને વધારે આગળ લઈ જઈ શકે એમ નથી અને ત્યારે તેમને કેન્દ્રમાંથી દૂર ખસેડ્યા હતા. જેમને ૧૯૮૭ પછી કેન્દ્રમાંથી દૂર કર્યા હતા એ અટલ બિહારી વાજપેયીને પાછા કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. વિચારધારા અને વિચારધારા આધારિત કાર્યર્તાઓની મોટી ફોજ ધરાવનારા સંગઠનો કે રાજકીય પક્ષો માટે વ્યક્તિ એક સાધન માત્ર હોય છે. દેશને અને દુનિયાને ભલે એમ લાગે કે મોદીયુગ અમર તપે છે, પણ સંઘપરિવાર માટે મોદીયુગ સમાપ્ત થઈ ગયો છે. હવે આગળ માટે નરેન્દ્ર મોદીથી નિરપેક્ષ સ્વાયત માર્ગ તેમણે વિકસાવી લીધો છે અને તેને અપનાવવામાં આવી રહ્યો છે. એ માર્ગ વિકસાવવામાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનો મોટો હાથ છે એમાં કોઈ શંકા નથી, પણ એ માર્ગ વ્યક્તિનિરપેક્ષ સ્વાયત્ત છે. પક્ષને ઉપર લઈ જવામાં નરેન્દ્ર મોદીની જે ભૂમિકા હતી એ હવે પૂરી થઈ.
શું છે એ માર્ગ? હવે સંઘ અને બી.જે.પી. મળીને ચૂંટણીને મેનેજ કરે છે. કઈ રીતે? એક. પ્રચંડ સંસાધનો દ્વારા અને સંસાધનોમાં પ્રતિસ્પર્ધીને ક્યાં ય પાછળ મૂકી દઈને. બે. પ્રત્યેક મતદારક્ષેત્રનાં અંગ્રેજીમાં કહીએ તો માઈકો મેનેજમેન્ટ દ્વારા. ત્રણ. પોતાની કેડરને ઉતારીને અને વોટ કટવાઓને ચોક્કસ ટાર્ગેટ આપીને. બી.જે.પી.ને જે વિજય મળ્યો છે એ આ મેનેજમેન્ટનું પરિણામ છે, તેને નરેન્દ્ર મોદીની ઘટેલી કે વધેલી લોકપ્રિયતા સાથે સંબંધ નથી. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એક, એક શું એકમાત્ર ફેક્ટર હતા. હવે નથી. લાલકૃષ્ણ અડવાણીએ જેટલી જગ્યા બનાવી આપી હતી તેને પક્ષે અને સંઘે પકડી રાખી હતી. અત્યારે નરેન્દ્ર મોદીએ જેટલી જગ્યા બનાવી આપી છે એને પકડી રાખવાની છે. સત્તાવાંછુ અન્ય પક્ષોમાં અને વિચારધારા આધારિત કેડર ધરાવતા પક્ષમાં આ ફરક છે. જેટલું એકઠું કર્યું એ જાળવી રાખો અને હજુ ઉપર ચડવા અવસરની રાહ જુઓ.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 01 ડિસેમ્બર 2024