મૂળ અરબી કાવ્યો, કવિ : માયા અલ-હયાત (ઈઝરાયેલના જેરૂસલેમમાં વસતાં પૅલૅસ્ટિનયન કવયિત્રી-નવલકથાકાર)
૧. ખોટનો રસ્તો
તમારા બધાંની જેમ
મેં છટકવાનો વિચાર કર્યો
પરંતુ મને ઉડ્ડયનની બીક છે,
ખીચોખીચ ભરેલાં પુલનો,
વાહન અક્સમાતનો,
અને નવી ભાષા શીખવાનો ડર છે.
એટલે સાદા પ્રયાણનું આયોજન છે,
એક નાનું પ્રસ્થાનઃ
સુટકેસમાં મારાં સંતાનોને પૅક કરી
કોઈ નવા સ્થળે જતાં રહેવું.
દિશાઓ મને ગૂંચવે છેઃ
આ શહેરમાં નથી જંગલ
કે નથી રણ.
ખ્યાલ છે તમને
કોઈ ખોટના રસ્તાનો
જે વસાહતમાં જઈ અટકતો ના હોય?
આનંદપ્રદ હોય એવાં પ્રાણીઓ સાથે
મિત્રતા કરવાનું મેં વિચાર્યું છે,
મારાં સંતાનોનાં ઈલૅકટ્રોનિક રમકડાંના
અવેજ તરીકે.
અને બલિ ચડાવે કોઈ કોઈનો એ પહેલા
અલોપ થઈ જવા કોઈ જગ્યા જોઈએ છે.
મારાં સંતાનો મોટાં થશે,
એમના પ્રશ્નો વધતાં જશે
અને હું જુઠ્ઠુ બોલી નથી શક્તી.
પરંતુ શિક્ષકો મારા શબ્દોને વિકૃત બનાવી દે છે.
હું દ્વેષ રાખતી નથી,
પરંતુ પાડોશીઓને હંમેશાં પંચાતમાં રસ હોય છે.
હું નિંદા કરતી નથી,
પરંતુ દુ:શ્મન કતલ કરે છે.
મારાં સંતાનો મોટાં થઈ રહ્યાં છે
અને હજુ કોઈને વિચાર આવતો નથી
અંતિમ કલાકના સમાચારનું પ્રસારણ બંધ કરવાનો,
શાળાઓની છત અને દીવાલને શીડવાનો,
રીબામણીનો અંત આણવાનો.
બોલવાની હિંમત મારામાં નથી.
જે કંઈ પણ બોલું છું, થઈને ઊભું રહે છે.
મારે બોલવું નથી.
એના કરતાં તો હું અલોપ થઈ જાઉં એ સારું.
***
૨. સામ્યતા
એક તફાવત બતાવો મને,
ભલે તમે ન્યાય, પીડા અથવા
ઇતિહાસ ધારતા હોવઃ
ધિક્કારનાર અદ્દલ ધિક્કારનાર જેવો લાગે છે
અને હત્યારો હત્યારા જેવો.
હવાઈ હુમલામાં નષ્ટ થયેલું મકાન દેખાય છે
બોંબ વિસ્ફોટથી નાશ પામેલા મકાન જેવું.
બંદૂકની ગોળીઓથી ચાળણી થયેલું બાળક
અને ચીંથડા ઊડી ગયેલું બાળક સરખાં જ દેખાય છે.
વિલાપ કરતી મા
પ્રતિક્ષા કરતી મા જેવી જ દેખાય છે.
તમારા ઉત્તરમાંથી ન્યાયને બાકાત કર્યા બાદ
મને એક તફાવત બતાવોઃ ન્યાય
આ વિશ્વમાં ખોટી જગ્યાઓમાં રહેતાં લોકોનો હક છે,
વ્યથિત જનોનો હક છે,
ઓછાં સંસાધનો ધરાવતા વંચિતોનો હક છે.
ન્યાય નથી માત્ર હત્યારાઓનું છળ,
દુષ્ટોની કાખ-ઘોડીઓ,
કે અન્યાયીઓની તલવાર.
એક તફાવત
મારાં સંતાનોને તમારા હવાલે કરી
બીજાં બધાં જેવી બની જાંઉ.
***
૩. જો…તો
ઘરેથી નીકળું એ દરેક વખત
આત્મહત્યા હોય છે
અને પાછી ફરું એ પ્રત્યેક નિષ્ફળ પ્રયાસ.
જો સળગતા ટાયરો ફાટે
અને સૈનિકો બદમાશી પર ઉતરી આવે તો?
જો કિશોરો ઉદ્દામ બની જાય
અને ચાલતી ટ્રકમાં ચાલક ઝોકે ચઢે તો?
હું જે ખોળી રહી છું એ મને જડી જાય તો?
ઘેર સાંગોપાંગ પાછું ફરવું છે.
આવવા જવામાં સરળતા માટે રસ્તા પર
બ્રૅડક્રમ્સથી નિશાની કરું છું.
પક્ષીઓ મારી બધી બ્રૅડ ખાઈ ના જાય ત્યાં સુધી.
***
૪. પાલતુ પશુ પેઠે
ઘરધણીની રહેમ પામવા
એમની આંખોમાં ઉદાસ નજરે જોવાનું,
એમના ખભા ઘસવાનું શીખી ગઈ છું.
મારી માંગણીઓ પાયાની છેઃ
માથા પર થાબડી થોડી
અને મારાં ભયાનક દૈનિક કૃત્યો પ્રત્યે રહેમનજર.
પાલતુ પશુ પેઠે
એમની શેષ રહેમદિલીની વાટ જોંઉ છું,
કંટાળીને મને એક બાજુએ ફંગોળે એ પહેલાં
ઝડપથી એમનું મને થાબડવું સંકેત છે
એમની આસપાસથી મારી જાત-નિકાલનું
અને એ ઊંઘ માણતા હોય ત્યારે
એમની સુવ્યવસ્થિત ગોઠવણ સાથે
મન ફાવે તેમ કરું છું.
એમની અલાર્મ ક્લૉકને
મારા ભસવા, ભૂખ અને બારણું ખોતરવા મુજબ ગોઠવી દઉં છું.
મૃદુતાપૂર્વક કોઈનું સાંભળતી નથી.
અને અનુમોદન, ફટકાર અને ધ્યાન મેળવવા
બટકું ભરું છું, રડું છું અને આમતેમ ગબડું છું.
***
૫. ત્યારબાદ
ખાનગી રાખેલી વાતોનું શું કરીશું
સંપૂર્ણપણે સડવાની રાહ જોતા
આપણી ભીતર ખડકેલા શબના ઢગલા સાથે
એકેય દર્પણમાં પ્રતિબિંબિત નહીં થતા
સ્મિતમાં ઉભરાતા સુખ સાથે,
પ્રેમ ખતમ થયા બાદ જ
તારો પ્રેમ આવે છે સમાધાન સાથે
કજિયો કરતાં પ્રેમીઓના મૃત્યુ બાદ
અને સ્વાર્પણ સાથે
સાધનો અનેકવિધ થઈ ગયા બાદ…
આપણા હાથ પછવાડે અલોપ થઈ ગયેલા માર્ગો બાદ,
હોઠની ખોજ બાદ અને હાલમાં જે બધું બની રહ્યું છે
ત્યારબાદ આ રસ્તાઓનું શું કરીશું?
***
૬. મારું ઘર
અત્યાર સુધી વસવાટ કરેલા અનેક ઘરો સાથે મારે કોઈ નિસબત નથી.
ત્રીજા ઘર બાદ હું રસ ખોઈ બેઠી છું,
પરંતુ હમણાંથી મારા શરીરના અંગો અને અવયવોમાં
ન સમજાવી શકાય એવી બીમારીઓની ફરિયાદ રહ્યાં કરે છે.
મારા હાથ વૃક્ષ કરતાં પણ ઊંચે પહોંચે છે.
ઍક્રૉમૅગલીની બીમારી છે અને દોડતી વખતે મારી ઝડપ પરિવર્તી હોય છે.
મારી સૌથી નજીક ચાલનારાઓને વટાવી જવા એ સૌથી મહત્ત્વની બાબત છે,
મને પાછળ છોડીને જતાં રહે એ પહેલાં એમનાથી આગળ નીકળી જવાનું.
એક ટ્યુનિસિયન ડૉકટરે મારા પિતાને કહેલું, “આ માનસિક અવસ્થા છે.”
મને એ મહિલા ડૉકટર ગમતાં અને એમના આ વાક્ય પૂર્વે મારા માટે એ ઘર હતાં.
એમના આ વાક્યથી ખૂબ ઉઝરડા પડ્યાં અને ઘર કકડભૂસ થઈ ગયું.
ઘર સમજીને મેં ઘણાં પાઠ વાંચ્યા અને રહી પણ ખરી એ બધાંમાં ઘડી બે ઘડીઃ
“લિક્વિડ મિરર્ઝ” એક એવું પાગલખાનું હતું જ્યાં મારો પ્રથમ પ્રેમ હું વીસરી ગઈ.
મૅગૅઝીનો પણ હતાંઃ ‘અલ-કરમલ’, ‘પોઍટ્સ’ અને ‘અક્વાસ’,
પછી ઍન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો,
ધરતીકંપની નિષ્ણાત બની
એવા ઘર બનાવવા જેનાં પાયા ઋતુ અને અનપેક્ષિત પરિસ્થિતિ સામે ટકી શકે.
મારાં સંતાનોએ ખાડો ખોદી મને કહ્યું, “અહીં થોડો પોરો ખાઈ લે, મા.”
પરંતુ ખાડાથી ચામડી પર નિશાન પડી જાય છે
ખેતરમાં પડે એવા અને પંખીઓ ટોળે વળ્યાં
અને સ્થિર પાણીમાં ખેતર ડૂબી ગયાં બાદ મારાં બધાં બીજ ચણી ગયાં.
પાઠમાં હું બારી અને બારણાવાળું ઘર બાંધી શકું છું
જ્યાંથી આકાશગંગાઓ અને તારાઓને ઊંચેથી નિહાળી શકાય.
ઘરને રંગી શકું છું અમજદ નાસરના લખાણોથી,
જેમણે કહેલું કે ભલે આભાસી ધોરણે બાંધેલુ હોય પણ નક્કર ઘર ખાતર
કલ્પના અને જ્ઞાન વચ્ચે ભેદ કરવો જ રહ્યો.
ઘોડાઓની પીઠ પર હું ઘર બાંધીશ
જે એને ખેતરોમાં લઈ જશે,
ત્યાં મારા પગ થંભી જશે.
e.mail : rupaleeburke@yahoo.co.in