પચીસ વરસ જૂના થિયેટરનાં પગથિયાં સો વરસ જૂનાં!
સ્થળ : નરીમાન પોઈન્ટ, મુંબઈ
સમય : બુધવાર, ૩૧ ડિસેમ્બર ૧૯૯૭
૧૯૯૭ના વરસને ‘આવજો’ કહેવા અને ૧૯૯૮ના વરસને ‘ભલે પધાર્યા’ કહેવા મુંબઈ તૈયાર થઈ ગયું છે. નવા વરસમાં શહેરને એક આગવી, અનોખી ભેટ મળવાની છે. નરીમાન પોઈન્ટ વિસ્તારમાં છેલ્લા ચાર-પાંચ વરસથી ધમધોકાર કામ ચાલી રહ્યું છે. દેશના અને પરદેશના કેટલાયે જાણકારો ભેગા મળીને એક વિશાળકાય ઈમારત બાંધી રહ્યા છે. બસ, હવે બે-ત્રણ મહિના જેટલું કામ બાકી છે. પછી …
જમશેદ ભાભા થિયેટર આગમાં ખાક
‘ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થશે કાલે.’ રાતના બાર વાગી ગયા છે. નરીમાન પોઈન્ટ વિસ્તાર સૂમસામ. ત્યાં જ એકાએક ફાયર બ્રિગેડના ઘંટની ધણધણાટી. પોલીસ વાનની સાયરનની ચીસો. મધરાતે એકાએક સૂર્યોદય થયો હોય એમ આકાશ લાલચોળ. પણ થયું છે શું? આગ લાગી. ક્યાં? એન.સી.પી.એ.માં નવું થિયેટર બંધાઈ રહ્યું છે તેમાં. આગની શરૂઆત થયા પછી થોડી જ વારમાં માત્ર એ થિયેટરના જ નહિ, આખા એન.સી.પી.એ.ના સ્વપ્નદૃષ્ટા અને ઘડવૈયા જમશેદ ભાભા, ઉંમર વરસ ૮૩, હાજર થઈ ગયા. આંખો ખુલ્લી, હોઠ બંધ. પોતાના બાળક જેવા બંધાઈ રહેવા આવેલા થિયેટરને પોતાની આંખો સામે ભસ્મીભૂત થતું જોઈ રહ્યા. સવાર પડી ત્યાં સુધીમાં તો આખેઆખું થિયેટર બળીને ખાખ. પછી ફોનની વણજાર છૂટી, એન.સી.પી.ના ટ્રસ્ટીઓ, ટોચના અધિકારીઓ. સંદેશો : ‘તાબડતોબ મીટિંગ માટે આવી જાવ. બધા આવી ગયા. આગ કેમ લાગી, ક્યારે લાગી, જવાબદાર કોણ? થોડી વાર બધાને મૂંગે મોઢે સાંભળી લીધા પછી જમશેદ ભાભા એટલું જ બોલ્યા : ‘એ બધી વાતો પછી. અત્યારે તો આવતી કાલ સવારથી આ થિયેટર ફરી બાંધવાનું કામ શરૂ.’
જમશેદ ભાભા (યુવાન વયે)
પણ આ જમશેદ ભાભા એટલે કોણ? એક ઓળખાણ એ કે મુંબઈના એન.સી.પી.એ.(નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ)ના સ્વપ્નદૃષ્ટા જ નહિ એના જનક અને ઘડવૈયા. આપણા દેશમાં અણુશક્તિ અને અણુશસ્ત્રના જનક હોમી ભાભા, જેમની કેટલીક વાતો આપણે ગયે શનિવારે કરી હતી, તેમના ભાઈ. દોરાબજી તાતાનાં ધણિયાણી મેહરબાઈ આ બંને ભાઈઓનાં ફઈ થાય. જમશેદ ભાભાનો જન્મ ૧૯૧૪ના ઓગસ્ટની ૨૧મી તારીખે. મુંબઈની કેથીડ્રલ સ્કૂલમાં ભણીને ૧૯૩૦માં ડિસ્ટીન્કશન સાથે કેમ્બ્રિજ સ્કૂલ લીવિંગ પરીક્ષામાં પાસ થયા. ૧૯૩૧માં કેમ્બ્રિજ હાઈ સ્કૂલ પરીક્ષામાં પાસ થયા ત્યારે તે વખતના આખા બ્રિટિશ સામ્રાજ્યના વિદ્યાર્થીઓમાં જમશેદ ભાભાએ ફ્રેન્ચમાં સૌથી વધુ માર્ક મેળવેલા. પછી લિન્કન્સ ઈનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. બારની છેલ્લી પરીક્ષા આપવાની બાકી હતી. એ જ વખતે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને અભ્યાસ અધૂરો મૂકીને ૧૯૩૯માં પાછા હિન્દુસ્તાન આવી જવું પડ્યું. દેશમાં આવીને તાતા સ્ટીલમાં જોડાયા અને ૧૯૪૧માં જમશેદપુરના આસિસ્ટન્ટ ચીફ ટાઉન એડમિનિસ્ટ્રેટર બન્યા. ૧૯૪૨માં બન્યા જે.આર.ડી. તાતાના પર્સનલ અસિસ્ટન્ટ. સંગીત, નાટક, અને બીજી કલાઓના જબરા જાણકાર અને માણકાર. નાટક, સાહિત્ય, સંગીત, નૃત્ય, જેવી અનેક કલાઓમાં ખૂબ જ સમૃદ્ધ એવા આ દેશમાં એ બધી કલાઓના પોષણ અને સંવર્ધન તથા રજૂઆત માટે એક સંસ્થા હોવી જોઈએ એમ દૃઢતાપૂર્વક માને. અને તે માટે એક વટવૃક્ષ જેવી સંસ્થા શરૂ કરવાનું સપનું સેવે. આવી સંસ્થા માટે પહેલાં તો જે.આર.ડી. તાતાનો અને દોરાબ તાતા ટ્રસ્ટનો ટેકો મેળવ્યો.
પણ મુંબઈમાં એ વખતે પણ સૌથી મોટો પ્રશ્ન જમીન મેળવવાનો. સરકારને અરજી કરી કે મુંબઈમાં પાંચ એકર જમીન આપો. જવાબ મળ્યો : પાંચ એકર જમીન તો આપીએ, પણ મુંબઈમાં નહિ. અજન્તાની ગુફાઓની પાસે! ફરી સરકારનાં બારણાં ખખડાવ્યાં : તારાપોરવાળા એક્વેરિયમની સામે અમારે ખર્ચે દરિયો પૂરીને પાંચ એકર જમીન અમે મેળવીએ. જવાબ મળ્યો : ભલે, પણ દરિયો પૂરીને નહિ. દરિયા ઉપર સિમેન્ટ કોન્ક્રિટનું પાંચ એકરનું પ્લેટફોર્મ બાંધો! પણ એ તો અશક્ય. જમશેદ જેનું નામ! થાકે કે હારે નહિ. નરીમાન પોઈન્ટને નાકે દરિયો પૂરીને અમારે ખર્ચે પાંચ એકર જેટલી જમીન મેળવીએ અને તેના પર ઊભું કરીએ એન.સી.પી.એ. આ વખતે નસીબ પાધરાં હશે, તે સરકાર માબાપે હકારમાં માથું ધુણાવ્યું. અને દરિયો પૂરીને જમીન મેળવવાનું કામ શરૂ થયું.
જે.આર.ડી. તાતાને હાથે તાતા થિયેટરનો શિલાન્યાસ વિધિ
પણ જમીન મેળવતાં, અને પછી તેના પર મકાનો બાંધતાં તો વરસો લાગી જાય! ત્યાં સુધી રાહ જોવાની ધીરજ નહોતી જમશેદ ભાભમાં, કે નહોતી જે.આર.ડી. તાતામાં. મુંબઈના ભુલાભાઈ દેસાઈ રોડ પર દિનશા માણેકજી પિતિતનો આલીશાન બંગલો હતો. પણ પછી તે તોડીને તેની જગ્યાએ આકાશગંગા નામની ઊંચી ઈમારત બની. એ મકાનમાં ચાલતી ભુલાભાઈ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ પણ જુદી જુદી કલાઓને માટે એ વખતે પિયેર જેવી હતી. જમશેદ ભાભાએ આકાશ ગંગાનો એક આખો માળ પાંચ વરસ માટે ભાડે રાખી લીધો. ભાડું? વરસનો રોકડો રૂપિયો એક! અને એક સો ખુરસીઓવાળા એ નાનકડા હોલમાં શરૂઆત કરી દીધી એન.સી.પી.એ.ની! એટલે એન.સી.પી.એ. એક એવી સંસ્થા બની જેનું ઉદ્ઘાટન બે વખત થયું. અને બંને વખત એક જ વ્યક્તિને હાથે. એ વ્યક્તિ તે ભારતનાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધી. ૧૯૬૯ના ડિસેમ્બરની ૨૯મી તારીખે તેમણે આકાશગંગા ઈમારતમાં એન.સી.પી.એ.નું પહેલી વાર ઉદ્ઘાટન કર્યું. નરીમાન પોઈન્ટ ખાતે તાતા થિયેટર બંધાઈ રહ્યા પછી ૧૯૮૦ના ઓક્ટોબરની ૧૧મી તારીખે બીજી વાર ઉદ્ઘાટન પણ તેમણે જ કર્યું.
વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને હાથે તાતા થિયેટરનું ઉદ્ઘાટન. ખુરસી પર બેઠેલા જમશેદ ભાભા
જમશેદ ભાભા જેવું થિયેટર બાંધવાનું સૂચન પહેલી વાર ઇન્દિરાજીએ જ કરેલું. એન.સી.પી.એ. થિયેટરમાં લાઈટ, સાઉન્ડ, વગેરેની ઘણી એકદમ આધુનિક સગવડો છે, પણ તેના સ્ટેજ આગળ પડદો નથી. પડદાવાળા થિયેટરને અંગ્રેજીમાં પ્રોસીનિયમ થિયેટર કહે છે. પડદો નથી એટલે નાટકનાં દૃશ્યો બદલવાનું અઘરું બની જાય. હા, રિવોલ્વિંગ સ્ટેજ છે, પણ એ પડદાની ગરજ તો સારે નહિ. એટલે શ્રીમતિ ગાંધીએ સૂચન કર્યું કે નાટક, ઓપેરા, વગેરે રજૂ થઈ શકે તે માટે એક બીજું પ્રોસીનિયમ થિયેટર પણ બાંધવું જોઈએ. અને એમના સૂચનને પ્રતાપે બંધાયું જમશેદ ભાભા થિયેટર. ૧૯૯૯ના નવેમ્બરની ૨૪મી તારીખે તેનું ઉદ્ઘાટન થયું. તે માટે રાષ્ટ્રપ્રમુખ કે.આર. નારાયણન્ આવવાના હતા. પણ નાદુરસ્ત તબિયતને કારણે આવી ન શક્યા એટલે તેમના વતી મહારાષ્ટ્રના ગવર્નર પી.સી. એલેકઝાન્ડરે ઉદ્ઘાટન કર્યું હતું.
જમશેદ ભાભા થિયેટર બંધાઈ રહ્યું ૧૯૯૯માં, પણ તેનાં આરસનાં પગથિયાં સો વરસ કરતાં પણ વધુ જૂનાં છે! તમે કહેશો : ‘ભેજું ગેપ થઈ ગયું છે કે શું?’ ના, જી. વાત જાણે એમ છે કે મલબાર હિલ પર એક આલીશાન બંગલો હતો, પિતિત હોલ. કોઈ રાજાએ બંધાવ્યો હોત તો ‘મહેલ’ કહેવાત, એવો. બંધાવેલો દિનશા માણેકજી પિતિત નામના ૧૯મી સદીના એક આગળ પડતા ઉદ્યોગપતિએ. પણ ‘જે જાયું તે જાય’ એ ન્યાયે વખત જતાં આ બંગલો તોડીને ત્યાં ઊંચાં ઊંચાં ચાર મકાનો બંધાયાં. એ વખતે પિતિત કુટુંબના નબીરાઓએ તાતા કુટુંબને વિનંતી કરી, કે ખાસ ઈટલીથી મગાવેલા આરસનાં પગથિયાંને ઊની આંચ ન આવે એ રીતે અમે કઢાવીએ અને તમને આપીએ. વખત આવ્યે તમે તેનો ઉપયોગ કરજો – તમને યોગ્ય લાગે ત્યાં અને એ રીતે. તાતાએ હા પાડી એટલે એક એક પગથિયું અલગ કરીને બધાં પગથિયાં તાતાના એક ગોડાઉનમાં મોકલવામાં આવ્યાં. બે-ચાર નહિ, પૂરાં ચાલીસ વરસ સુધી આ પગથિયાં સચવાઈ રહ્યાં. જમશેદ ભાભા થિયેટર બંધાતું હતું ત્યારે તેના ફોયરમાં એ પગથિયાં વાપરવાનું નક્કી થયું. ફરી એક એક પગથિયું ગોડાઉનમાંથી લાવીને ગોઠવાયું. સો કરતાં વધુ વરસ જૂનાં આ પગથિયાં જમશેદ ભાભા થિયેટરની એક આગવી ઓળખ બની રહ્યાં છે.
એક જમાનામાં આ પગથિયાં જેનો ભાગ હતાં એ પિતિત હોલ અને તે બંધાવનાર ઉદ્યોગપતિ દિનશા માણેકજી પિતિતની કેટલીક અવનવી વાતો હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 01 ફેબ્રુઆરી 2025