શિક્ષણને મામલે સૌથી વધુ તુક્કાઓ, તઘલખી યોજનાઓ ગુજરાતમાં વિક્રમ સર્જક રીતે અમલમાં છે. કાગળ પર તો બધું બરાબર દેખાડાતું હોય છે, પણ ગ્રાઉન્ડ લેવલે તો અરાજકતા જ વધુ જોવા મળે છે. ટર્મ પૂરી થવા આવે ત્યાં સુધી પાઠ્યપુસ્ત્કો કે ગણવેશ કે મધ્યાહ્ન ભોજનને મામલે કૈં ને કૈં તો અધૂરું છૂટી જ જતું અનુભવાય છે. ઘણી સ્કૂલોમાં બધું બરાબર પહોંચતું પણ હશે, પણ ઘણી સ્કૂલોમાં નથી જ પહોંચતું તે પણ હકીકત છે. જો સ્કૂલોનો કોઈ વાંક ન હોય તો તેને બધું બરાબર પહોંચે છે તે સંબંધિતોએ જોવાનું રહે છે કે કેમ? સમિતિની ઑફિસોમાંથી પરિપત્રો તો બરાબર પહોંચે છે, પણ એનો અમલ કરવામાં સ્કૂલોને કોઈ મુશ્કેલી હોય કે કોઈ અખાડા કરતું હોય તો એ અંગેની કોઈ તકેદારી રખાય એ પણ જરૂરી છે. શિક્ષણ નીતિ આવતી, જતી રહે છે. એમાં કામ થાય છે એની ના નથી, પણ તેની અસરો વ્યાપકપણે બહુ વર્તાતી નથી. આપણી શિક્ષણ નીતિ કે આપણા શિક્ષણ વિષયક કાયદાઓમાં મોટે ભાગે વિદેશી ને એમાં ય ખાસ તો અંગ્રેજી અસરો જ વધુ વર્તાતી હોય છે. ઘણીવાર તો આપણી ભૌગોલિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક ક્ષમતાઓને ધ્યાનમાં લીધાં વિના જ નિયમો કે નીતિઓ લાગુ કરી દેવાતી હોય છે. ઘડીકમાં વિદેશનું અનુકરણ તો ઘડીકમાં અન્ય રાજ્યોનું અનુસરણ કરીને શિક્ષણનો એકડો ઘૂંટવામાં આવે છે ને એમાં સ્થિતિ બાવાના બે ય બગડ્યા જેવી જ થાય છે.
માત્ર એક જ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણી શિક્ષણ વ્યવસ્થામાં કેટલી ગરબડ છે એ જોવા જેવું છે. એક સમયે બાળકને 6 વર્ષ પૂરાં થાય ત્યારે સ્કૂલમાં દાખલ કરાતું ને તે ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોઈ શાળામાં ! ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તે પહેલાંથી લોકોમાં સમજ એવી હતી કે છોકરું 6 વર્ષ પૂરાં કરે કે શાળાએ મૂકવાનું. ક્યારેક તો બાળક શાળામાં મૂકવાનું જ ભુલાઈ જતું, પણ મુકાતું ત્યારે તે 6 વર્ષથી નાનું હોય એવું ભાગ્યે જ બનતું. સમય જતાં બાળક પછી બાલમંદિર, પ્લે ગ્રૂપ, આંગણવાડી, કે.જી.(તેમાં ય પાછું જુનિયર, સિનિયર), નર્સરીમાં ગધેડે ગવાતું થયું ને એમ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમનાં કારખાનાં શરૂ થયાં. પછી તો બાળકો એવાં હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ પાકવાં માંડ્યાં કે બે વર્ષની ઉંમરે જ છોકરું ભણવા લાગ્યું. હવે એવું બને કે બૌદ્ધિકતાનો (આડો) આંક વળે ને માતાઓ બાળકોને સ્કૂલમાં જ જન્મ આપે. જો એવું થાય તો બાળક ભણતું ભણતું જ અવતરે. હવે તો સ્કૂલોમાં ઍડ્મિશનના પણ પ્રશ્નો છે એટલે ભાવિ માતાપિતા પરણતાં પહેલાં ભાવિ બાળકનું એડમિશન પણ લઈ રાખે તો નવાઈ ન લાગે ! માબાપને પોતાનાં બાળકને સ્કૂલમાં મૂકી દેવાની એવી ઉતાવળ હોય છે કે નાનામાં નાની ઉંમરે એને સ્કૂલે ધકેલી દે છે. એમાં ભણાવવાની તીવ્રતા કરતાં પણ, બાળક ઘરમાં ઉત્પાત કરતું અટકે એ હેતુ વિશેષ હોય છે. અપવાદો હશે જ, પણ મોટે ભાગની માનસિકતા તો આવી જ છે.
બીજી ઘેલછા માબાપોમાં સંતાનોને સતત મોખરે રાખવાની હોય છે. એ પોતે નાપાસ રહ્યાં હોય તો પણ સંતાન તો પાસ થવું જ જોઈએ અને પહેલું પણ રહેવું જ જોઈએ એવો આગ્રહ હોય ને એને માટે જે જુલમ ગુજારવો પડે તે ગુજારવાનો ય તેમને વાંધો નથી. મહાનમાં મહાન વ્યક્તિ પણ ક્યારેક તો નિષ્ફળ ગઈ જ હોય છે, અરે ! માબાપ પોતે અનેક રીતે નિષ્ફળ હોય છે, પણ સંતાન નિષ્ફળ જાય એ એમને માટે કેવળ અસહ્ય છે. ઘણી વાર તો એવો વહેમ પડે છે કે એમને, સંતાનમાં આવડત હોય તે પણ જરૂરી નથી લાગતી, એમને તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટનું પ્રમાણપત્ર ગમે તે રીતે મળી જાય કે ભયો ભયો ! જન્મતાંની સાથે જ જો થોડા રૂપિયા ફેંકતાં પીએચ.ડી.ની ડિગ્રી મળી જતી હોય તો ભણાવ્યાં વગર પણ એ મેળવી લેવાની ઘણાં વડીલો-વિદ્યાર્થીઓ છોછ ન અનુભવે એમ બને. આવી માનસિક્તાએ જ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનો ધંધો વિકસાવ્યો છે, વકરાવ્યો છે.
વારુ, સ્કૂલોનો કારભાર જોઈશું તો એમાં પણ રાજી થવા જેવું બહુ ઓછું છે. આમ તો કોઈ પણ શૈક્ષણિક નીતિ કે કાયદામાં ધોરણ એકમાં પ્રવેશની ઉંમર 6 વર્ષ જ હતી, પણ પછી પ્લે ગ્રૂપમાં બે વર્ષની ઉંમરે જ દાખલ કરી દેવાની સ્પર્ધા ચાલી અને બાળકો ચમત્કારિક રીતે હોંશિયાર પર હોંશિયાર થવાં લાગ્યાં, તો 4 વર્ષની ઉંમરે પહેલું ભણી કાઢનારાં પણ નીકળી આવ્યાં, ત્યાં એકાએક સરકારને યાદ આવ્યું કે પહેલાં ધોરણમાં પ્રવેશ તો જ મળે જો બાળકની ઉંમર 6 વર્ષની પૂરી હોય, એટલે નવી શિક્ષણ નીતિનો હવાલો આપીને વળી ફતવાઓ બહાર પડાયા કે પહેલાં ધોરણમાં પ્રવેશ માટેની ઉંમર 6 વર્ષની જ રહેશે. આમ તો આવો પરિપત્ર 23/12/2020 ને રોજ નગર પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા 2020માં જાહેર થયો જ હતો, તે ફરી 20 ડિસેમ્બર, 2022ને રોજ યાદ અપાવાયો. જેમાં ફરી કહેવામાં આવ્યું કે 1 જૂન, 2023ને રોજ 6 વર્ષ પૂરાં ન થયાં હોય તેવાં બાળકોને ધોરણ એકમાં પ્રવેશ મળશે નહીં. બીજા શબ્દોમાં, જો બાળકની ઉંમર 6 વર્ષ પૂરાં થવામાં એક દિવસ પણ ઓછી હશે તો તેનો પ્રવેશ રોકાશે. એનો મતલબ એ પણ ખરો કે કે.જી. પાસ બાળકોએ એક વર્ષ રાહ જોવી પડશે, કારણ કે.જી. તો 5 વર્ષે જ પૂરું થઈ ગયું છે. હવે 5નાં 6 વર્ષ થવા સુધી, પાસ હોવા છતાં, નાપાસ હોય તેમ એક વર્ષ રાહ જોવી પડશે એવું ધ્યાનમાં આવતાં પરિપત્રનો અમલ ‘23-‘24થી કરાવવાનું નક્કી કરાયું. 2020માં પરિપત્ર થયો ત્યારે ગણતરી એવી હતી કે બાળક પૂર્વ પ્રાથમિકમાં પ્રવેશ એવી રીતે લેશે કે કે.જી. પૂરું થાય ત્યારે તેની ઉંમર પહેલાં ધોરણને લાયક 6 વર્ષની થઈ ગઈ હોય. પણ એનો અમલ શાળાઓમાં બરાબર થયો નહીં ને જેનાં પાંચ વર્ષ પૂરાં થયાં હોય તેવાં બાળકને ગયે વર્ષે જ પહેલાં ધોરણમાં પ્રવેશ આપી દેવાયો. એટલે એ 6 વર્ષ પૂરાં કરે ત્યારે તો તે બીજાં ધોરણમાં આવી ગયો હોય ને એમ એનાં તો બધાં ધોરણો, નપાસ ન થાય તો એક એક વર્ષ વહેલાં જ પૂરાં થવાનાં. મતલબ કે 6 વર્ષ પૂરાં હોય તે આગળ જાય અને પૂરાં ન હોય તે પાછળ રહે એવી સ્થિતિ અત્યારે છે. મુશ્કેલી એ છે કે જેનાં 6 પૂરાં નથી તે કે.જી.માં પાછો જઈ ન શકે, કારણ તે પાસ છે ને 5 વર્ષનો થઈ ચૂક્યો છે. ત્યાં તે મોટો છે ને એ આગળ પણ જઈ ન શકે, કારણ ત્યાં તે નાનો છે. આ સ્થિતિ ગામડાંની સ્કૂલોમાં પણ છે. ત્યાં તો પૂર્વ પ્રાથમિક વગર સીધો ધોરણ એકમાં પ્રવેશ મળી જાય છે. ગામડાંમાં પણ ગયે વર્ષે જેનાં 5 વર્ષ પૂરાં હોય તેવાં બાળકોને ધોરણ એકમાં પ્રવેશ અપાઈ ગયો ને જેનાં 5 વર્ષ ન થયાં હોય તેવાનાં જ પ્રવેશ બાકી રહ્યાં હશે. હવે એવાંને પણ પહેલાંમાં પ્રવેશ નહીં મળે, કારણ જેનાં ગયે વર્ષે પાંચ પૂરાં ન થયાં હોય તેનાં આ વર્ષે પણ છ પૂરાં નહીં જ થયાં હોય ને નિયમ 6 વર્ષ પૂરાંનો લાગુ કરી દેવાયો છે, એટલે એવી શક્યતાઓ વધુ છે કે 6 વર્ષની ઉંમર ન થવાને કારણે ધોરણ એકમાં વિદ્યાર્થીઓ જ પૂરતા ન થાય. જો કે, રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે પરિપત્ર તો ત્રણ વર્ષ પહેલાં થયો છે એટલે કે.જી., નર્સરીનાં એડ્મિશન્સ એ મુજબ જ થયાં છે, પણ હકીકતે એવું ઓછું થયું છે. અહીં પ્રશ્ન એ થાય છે કે પૂર્વ પ્રાથમિક પરનાં નિયંત્રણ અંગેનું કોઈ તંત્ર જ વિકસાવાયું ન હોય, એનાં પર પહેલેથી કોઈ કાબૂ જ ન રહ્યો હોય તો એડમિશન પરિપત્રને આધારે જ થયું છે એવું કઇ રીતે માનવું? બીજું, પરિપત્રનો અમલ ગયા વર્ષે કરાવાયો જ ન હોય ને 5 પૂરાંને ગયે વર્ષે જ પહેલાંમાં એડમિશન અપાઈ ચૂક્યું હોય તો 6 વર્ષનાં વિદ્યાર્થીઓ તો બીજામાં હોવાના, તો ધોરણ એકમાં એડમિશન લેવા ફાજલ કોણ હોવાનું?
આવું એટલે થાય છે કે કોઈ પણ નીતિ અને કાયદાની વાતો લાગુ કરતાં પહેલાં તેનાં દૂરગામી પરિણામો અંગે ઊંડાણથી અને ગંભીરતાથી ઝાઝું વિચારાતું નથી. જો 2020થી પરિપત્ર લાગુ કરાયો હોત તો ગયે વર્ષે 5 વર્ષનાં બાળકને પહેલાંમાં પ્રવેશ અપાયો ન હોત, પણ અપાયો. ગયે વર્ષે અમલ થયો હોત તો પ્રશ્નો ન હોત એવું નથી, કારણ એ વખતે આગલાં વર્ષનાં પ્રશ્નો તો ઊભા જ હોત. મુશ્કેલી એ છે કે પહેલાં ધોરણનાં પ્રવેશ બાબતે જ 6 વર્ષનો નિયમ નક્કી છે, પણ પૂર્વ પ્રાથમિક ધોરણો માટેની કોઈ ચોક્કસ વય આ અગાઉ નક્કી ન હતી. બીજું, એ બાબતે સરકારે મૌન સેવ્યું છે એટલે ખાનગી રાહે જેને જેમ ફાવે તેમ ધારાધોરણો નક્કી થયેલાં છે ને ક્યાંક તો મનસ્વી રીતે જ નફાખોરીને હિસાબે ધંધો ચાલે છે. સૌથી ગંભીર વાત તો એ છે કે કેટલી ઉંમરે બાળકને ભણાવવું એને વિષે કશી એકવાક્યતા જ નથી. ઘણાંનું માનવું છે કે 6 વર્ષ પૂરાં ન થાય ત્યાં સુધી બાળકને શિક્ષણમાં જોતરવું શારીરિક, માનસિક આરોગ્ય સંદર્ભે જોખમી છે, તો ઘણાંનું માનવું છે કે બાળકની શક્તિઓ નાની ઉંમરથી જ પ્રગટ થવા લાગે છે તો તેને જેટલું શિખવાય એટલું ઓછું છે. જો કે, નાની ઉંમરે એટલે કેટલી નાની ઉંમરે એ અંગે પણ કોઈ વૈજ્ઞાનિક અભિગમ કેળવાયાનું લાગતું નથી. આપણે તો અમેરિકા કે યુ.કે.ને અનુસરીએ છીએ ને અમેરિકામાં અને યુ.કે.માં પ્રાથમિક શિક્ષણની ઉંમર અનુક્રમે 6 અને 5 વર્ષ નક્કી થયેલી છે. હવે એનું જોઈને કે આપણું વિચારીને ભારતમાં 6 વર્ષની ઉંમર નક્કી થાય છે તો તેની ઓછામાં ઓછી નબળી અસરો બાળકો પર પડે તે જોવાનું રહે.
વેલ, ધોરણ એક અંગે જ જ્યાં આટલી ગૂંચ છે ત્યાં બીજી તો વાત જ શું કરવી?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ડિસેમ્બર 2022