ગુજરાતમાં ગીર ગાયની ઘટતી જતી સંખ્યાનો વિચાર કરીને રાજ્ય સરકારે તાજેતરમાં એક નવો કાર્યક્રમ જાહેર કર્યો છે. તે મુજબ, ગીર સાંઢના સિમેનના દસ હજાર ડોઝ બ્રાઝિલથી ઇમ્પોર્ટ કરવામાં આવશે. ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાં જણાવ્યું છે કે આ એ જ સાંઢના વંશજો છે, જે ગીર સાંઢને સ્વરાજ પહેલાં ભાવનગરના મહારાજાએ બ્રાઝિલને શુભેચ્છા સાથે ભેટ આપેલ હતો. બ્રાઝિલના પશુપાલન-નિષ્ણાતો આ ઓલાદનું કૌવત પારખી શક્યા હતા. આ ગુણવૈભવ આપણા પશુનિષ્ણાતો સ્વરાજ આવતાં કેમ ચૂક્યા તે એક સવાલ છે. તે સાથે જ એ જાણવું જરૂરી છે કે હવે ગીર ગાયને આ રીતે યાદ કરવાનાં કયાં કારણો છે, ભલા? કેમ કે, એકાએક તો ગાયની સંખ્યા ઘટતી નથી હોતી ને?
ગાયના નામે તાજેતરમાં જ દેશભરમાં ઉચાટભર્યું હિંસક વાતાવરણ બની ગયું હતું, તેથી આ વિષયને ઉખેડતાં ખચકાટ થાય તેવું તો છે, પણ તેથી કરીને આ વાત બંધ કરીને બેસી રહેવાય તે પણ સંભવ નથી જ. વાત માત્ર કોઈ પક્ષીય રાજકારણની નિસબતની જ છે, તેવું બિલકુલ નથી.
હજારો વર્ષથી એક સાંસ્કૃિતક એકમ તરીકે ભારત ગાયની પૂજા કરતું આવ્યું છે. આ તથ્યને આપણે કઈ રીતે સમજવાનું પસંદ કરીએ છીએ? આ સવાલનો જવાબ અગત્યનો છે. કેમ કે તેમાં આપણી સાંસ્કૃિતક સત્ત્વશીલતા સીધી જોડાયેલી છે. પૂજાને માત્ર શ્રદ્ધાનું માનસિક વલણ માનીને બૌદ્ધિક વલણથી અવગણવું વાજબી નથી. શ્રદ્ધાની પાછળ મનુષ્યની પોતાની વૈયક્તિક ઓળખનું આત્મબળ રહેલું હોય છે. અને જ્યારે આ ઓળખ એક સાંસ્કૃિતક અસ્મિતાનું પ્રતીક બને છે, ત્યારે વ્યક્તિ ગૌણ અને સંસ્કૃિતની વિરાસત અગત્યની બની જાય છે. ભારતમાં ગાય તે આ વિરાસત છે, ચોપગું પ્રાણી નથી.
આમ છતાં, તેને ચોપગા પ્રાણી તરીકે લેખવાનું પણ એક વલણ છે, તે આપણે સ્વીકારવું જોઈએ. ભારત સિવાયના દેશો તેને એક પ્રાણી માત્ર ગણે છે – ભારતમાં પણ તે સમજના આપણા દેશવાસીઓ, જેઓ અલગ સાંસ્કૃિતક સમજ ધરાવે છે અને – તે તેઓનો અધિકાર છે. આપણે જાણીએ છીએ કે આજે હવે અલગ સાંસ્કૃિતક રીતભાતનો અર્થ અલગ ધર્મ બનતો નથી. તેથી સ્પષ્ટ છે કે ગાય માત્ર ભારતીય સાંસ્કૃિતક અસ્મિતાનું પ્રતીક છે. તેના અર્થને દાર્શનિક સંદર્ભમાં સમજવાની જરૂર છે.
ભારતીય સંસ્કૃિત : એક જીવનદર્શન જે એટલું વ્યાપક બને કે તે જીવન-સંસ્કાર અને જીવનપ્રણાલી બને તે દર્શન, સમાજની અને સંસ્કૃિતની ઓળખ પામે છે. આ એક સાદી સમજની વાત છે. સૌરાષ્ટ્રના યુવાન ગોપાલકોનું એક જૂથ ગૌરક્ષા માટેની અવાજ બુલંદ બનાવવા જાહેરમાં વિષપાન કરે અને એક જણ પોતાની જાન કુરબાન કરી દે, તે તાજેતરની ઘટના પોતીકી સંસ્કૃિત પ્રત્યેનો તીવ્ર લગાવ સ્પષ્ટ કરે છે. જો કે આ ઘટનાના હેતુઓ અંગે આપણે કોઈ સ્પષ્ટતાથી વાત કરવાનો અહીં ઉદ્દેશ નથી. ગાંધીજીના શબ્દોમાં, બાળક જેમ પોતાની માતાને વળગી રહે તેમ, તેઓ પોતાની સંસ્કૃિતને વળગી રહે છે. આધુનિક જીવનપ્રણાલીમાં તેવી તીવ્રતાથી વળગી રહેવા માટેનાં કોઈ મૂલ્યો શું છે પણ ખરાં? આપણે વિચારવું પડે કે સંસ્કૃિતમૂલક સમાજ અને સંસ્કૃિતઘાતક સમાજ કેવી રીતે વિકાસ સાધે છે?
ભારતીય સંસ્કૃિતનાં પ્રમુખ તત્ત્વો જેવાં કે, સત્ય, પ્રેમ, અહિંસા તે જીવનની સાર્થકતા માટેનો પુરુષાર્થ બની રહ્યાં હતાં. ભારતીય સંસ્કૃિતમાં સત્ય અને અહિંસા એ માનવજીવનના પાયાનાં તત્ત્વો છે, જેને પોતાના જીવને ભોગે પણ પામવાની પુરુષાર્થ કરવાનો હોય. આ મૂલ્યોનું અનુશીલન તે ગૌરક્ષાની સાંસ્કૃિતક દૃષ્ટિ. એક અનન્ય માન્યતા તેને પ્રાપ્ત થઈ, ગૌમાતા. દાર્શનિક ઓશો ગાયની પવિત્રતાને સ્પષ્ટ કરતાં તેને માનવજન્મ પહેલાંની સ્થિતિ તરીકે જણાવે છે. ભારતનાં જનજીવનમાં ગાય આર્થિક, સાંસ્કૃિતક અને સામાજિક મહત્ત્વનું લોકજીવનનું અભિન્ન અંગ ગણાતી હતી.
અહીં સમજવાની જરૂર એ છે કે, ગૌરક્ષાનો અભિગમ તે ભારતીય દૃષ્ટિએ સાંસ્કૃિતક જીવનનો અહિંસક અભિગમ છે. સંસ્કૃિતના સૂક્ષ્મ દર્શનને પામવા માટે ગાયનું સ્થૂળ સ્વરૂપ છે. હિંસક બનીને પણ ગૌરક્ષા કરવી તે કેવી રીતે સાંસ્કૃિતક જીવનનો અભિગમ બની શકે? તેવી જ રીતે, ગાયની હિંસા કરીને પણ તમે કેવી રીતે સાંસ્કૃિતક અભિગમ ધરાવતા હોવાની વાત કરી શકો? જો ગૌહિંસાને પ્રોત્સાહન અપાય તો તેનો અર્થ છે કે, સાંસ્કૃિતક જીવનના અભિગમના નાશને પ્રોત્સાહન અપાય છે. વિધર્મી વિદેશી શાસકો પણ આ હદે ગયા નથી, જે સ્વાધીન ભારતના પ્રજાના કહેવાતા પ્રતિનિધિ શાસકોએ આ સાંસ્કૃિતક લક્ષ્મણરેખા ઓળંગી છે. મુગલ સામ્રાજ્યનો પાયો નાખનાર બાબરે પોતાના વસિયતનામામાં પુત્રને સૂચના લખી હતી કે, ‘ખાસ કરીને ગાયની કતલ પર પ્રતિબંધ મૂકવાનું ચાલુ જ રાખજે.’ અને આ શિરસ્તો ઔરંગઝેબ, હૈદરઅલી અને અહમદશાહ સુધી જળવાયો હતો. અંગ્રેજ શાસકોએ સાંસ્કૃિતક ધરોહરના પાયા હચમચાવનારું શિક્ષણ આપણી ઉપર થોપવા સુધી આગળ વધવાની હિંમત કરી હતી.
સંસ્કૃિતઘાતક રાજનીતિ : સ્વતંત્રતા પહેલાં ભારતમાં પશુપાલન અને ગોપાલન એક સાત્ત્વિક વ્યાવસાયિક પ્રવૃત્તિ ગણાતી. કૌટિલ્યના અર્થશાસ્ત્ર પ્રમાણે ગોધણના ઉપયોગ માટે ગામની જમીન અલગ ફાળવવાની રહેતી. ભારતભરમાં સદીઓથી ગામના ગોચરની કૉમન પ્રોપર્ટી રિસોર્સની પરંપરા ચાલે છે. સ્વરાજ આવતાં, ડેરીઉદ્યોગના વિકાસ માટે દૂધ ઉત્પાદન વધારવા શ્વેતક્રાંતિનું રાષ્ટ્રીય સ્તરે આયોજન થયું. પશુપાલન હવે દૂધઉત્પાદનની પ્રવૃત્તિ બન્યું અને પશુપાલકને હડસેલીને દૂધઉત્પાદક આ પ્રવૃત્તિના અગ્રેસર બન્યા. તેઓ ઘણેભાગે ખેતીવાળા ખેડૂતો હોય છે. કારણ કે, લીલાસૂકા ચારાની વ્યવસ્થા તે હવે ધંધાકીય સમાજનો વિષય બની જાય છે. આમ થતાં, ગાયની ઓળખ પણ પરિવર્તનની ઝપટમાં આવી ગઈ. તે કેટલું દૂધ આપે છે, તે વિચારથી તેનું મહત્ત્વ ગણાવા લાગ્યું.
દેશમાં શ્વેતક્રાંતિની નીચે ડેરીઉદ્યોગનો ઝડપી વિકાસ કરવામાં આવ્યો. તેના જ્ઞાનનો સ્રોત હતો વિકસિત દેશોનો ડેરીઉદ્યોગ. આ જ્ઞાન ભારતના ગોપાલનની અહિંસક સાંસ્કૃિતક પરંપરાથી વિરુદ્ધના વિચારનું શાસ્ત્ર છે. પશુપાલક તરીકે, સમાજની ગાય અને બળદની જરૂરિયાત પૂરી પાડવા માટે એક સમર્પિત, દુષ્કર અને તદ્દન ઓછી જીવન જરૂરિયાતવાળું કઠણ જીવન તેઓ સદીઓથી જીવતા આવ્યા છે એ આપણા ગોપાલકો માટે, આ વિચારની વ્યવસ્થા અસંભવ હોવાથી તેઓ આધુનિક વ્યવસ્થામાં રૂઢિચુસ્ત અને જડપ્રકૃતિના ગણાયા. આજે બ્રાઝિલમાં જે ગીર ગાયની ઓલાદ છે, તે ગીર ગાયનો સાચો હકદાર તો આ માલધારી સમાજ છે. તેનું સંવર્ધન અને પાલન કરનારનું ગૌરવ કરવાનું તો બાજુએ રહ્યું ડેરીના સામ્રાજ્યમાં તો તેને પશુપાલનમાંથી ખદેડીને નોધારા કરી મૂકીને રેંકડીના ફેરા કરતા મજૂર બનાવી દીધા છે.
વિદેશમાં ડેરીઉદ્યોગ બે હેતુ સાથે જોડાયેલો છે, એક દૂધ અને બીજો બીફ (ગૌમાંસ). ગુજરાત સરકારે બ્રાઝિલથી ગીરવંશના સિમેનની આયાત કરવાનું નક્કી કર્યું છે, તે દેશ દુનિયાની કુલ બીફની જરૂરિયાતના એકત્રીસ ટકા પોતે એકલું સપ્લાય કરે છે. આધુનિક ડેરીઉદ્યોગમાં તેઓ અગ્રેસર છે. તે માટેની અનેક પ્રકારની વ્યાવસાયિક સેવાઓ તે પૂરી પાડે છે. આપણી સરકાર પણ તે રીતે તેની સાથે જોડાયેલી છે. દેખીતું તારણ એ જ નીકળે કે સરકારને બીફનો વ્યવસાય વિસ્તારવાની ઉતાવળ છે.
સામ્રાજ્યવાદી વિદેશી શાસકોએ જે વિકૃત આત્મછબીની ઓળખ આપણા ચિત્તમાં ઊભી કરી છે, તેના પ્રભાવમાંથી સાંસ્કૃિતક મૂલ્યોનો ઠેકો લઈને બેઠેલાઓ પણ બાકાત નથી રહ્યા. પોતીકી ગીર ગાય વિશે વિદેશી સહાય માટે હાથ લંબાવતાં તેમને આત્મગ્લાનિનો કોઈ વિચાર પણ ન આવ્યો? પોતાના સમાજની લાક્ષણિકતાઓથી અપરિચિત શાસકો માટે સ્વદેશાભિમાનનો અર્થ શું હશે? ભારતમાતાના સાચા ચહેરાથી તો પરિચિત નથી, તો પછી જય તેઓ કોની બોલાવે છે? જો સરકારના જ એક વિભાગ એવા ગૌસેવા આયોગના મતે આપણે ખુદ ગીર ગાયની સંભાળ લેવા સક્ષમ છીએ અને બ્રાઝિલથી કોઈ આયાતની આવશ્યકતા ન હોય તો આવું આયોજન કરવા પાછળનાં કયાં પરિબળો છે, તે તેમણે જાહેર કરવું જોઈએ.
સ્વરાજનો અંત : સ્વતંત્રતા પછી આપણા દેશમાં જે રાજનીતિ ચાલી છે, તેણે આ દેશના બહુજનસમાજને સૌથી વિશેષ બે બાબતમાં વિધાતક અસર કરી છે : એક તે, સંસ્કૃિતમૂલક જીવનશૈલીમાં ઘાતક ફેરફારો અને બીજું, રાષ્ટ્રજીવનમાં સ્વરાજના દાયરામાં ઘટાડો. સરકારો બદલાતી રહે, પણ આ બાબતો વધુ ને વધુ ઘાતક બનતી રહે છે. સત્ય, પ્રેમ અને અહિંસા જો સાંસ્કૃિતક ધર્મતત્ત્વો હોય, તો સ્વરાજમાં તેનું સંવર્ધન થવાને બદલે તેનો હ્રાસ કેમ ચાલી રહ્યો છે? બ્રાઝિલની દિશા ઘણું કહી જાય છે. માર્કેટલક્ષી અર્થતંત્ર માટે પોતાના આત્મતત્ત્વનો ભોગ આપવો હંમેશ જરૂરી ન હોય. જો તેમ કરવા માટે પ્રજાના જનાદેશનો ગેરલાભ લેવામાં આવે, તો તે રાષ્ટ્રભક્તિ ગણાય કે રાષ્ટ્રદ્રોહ?
વડોદરા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 06-07
![]()


તા. ૦૧-૦૫-૨૦૧૬થી અમલમાં આવે તે રીતે ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત એવા વર્ગ માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી છે. આ અનામતનો લાભ આર્થિક પછાતવર્ગોમાં જેમની વાર્ષિક આવક રૂ. ૬-૦૦ લાખની મર્યાદામાં હોય, તેવા તમામ લોકોને ઉપલબ્ધ થશે. એવી ગુજરાત સરકારે બહાર પાડેલા વટહુકમમાં જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતની સમૃદ્ધ પાટીદાર કોમે અનામતની માંગણી સાથે આંદોલન ચલાવેલાં તેના ફળસ્વરૂપે ભાજપના રાષ્ટ્રીય નેતાઓની દોરવણી હેઠળ ઉપર્યુક્ત વટહુકમ બહાર પાડેલ છે.