– પહેલા ત્રીસ દિવસ … થોભો અને રાહ જુઓ
– પ્રજાકીય સંકલ્પ : 'સુશાસન વાટે બંધારણીય સંસ્થાઓને મજબૂત કરીએ તો આવા 'કાળા દિવસ’ જોવા વેળ ન આવે’

સૌજન્ય : "ધ હિન્દુ" 28 જૂન 2014
૧૯૭પમાં દાખલ કરાયેલી કટોકટીનાં ૩૯ વરસ, અને નવી સરકારના ત્રીસ દિવસ : આ જોગાનુજોગના સંદર્ભમાં ત્યારના નવા સવા સંઘ પ્રચારક અને અત્યારના એવા જ નવા સવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું વિચારતા હશે એ જાણવાનું કૌતુક સ્વાભાવિક જ હતું. આ કૌતુકને તીવ્રતાનો વળ અને આમળો હમણેના દિવસોમાં એ કારણે પણ ચઢતો રહ્યો છે કે મનમોહનસિંહને હટાવ્યા પછી પણ નવી દિલ્હીમાં મૌનીબાબા બેઠા છે કે કેમ એવુંયે વિસ્મય થતું રહ્યું છે.
જો કે ૨૬મી જૂનના ઉપલક્ષ્યમાં મૌનભંગ તો નથી થયો પણ નમોના બ્લોગબોલ જરૂર સંભળાયા છે. એક વેળાના ભૂગર્ભ કાર્યકરથી માંડી ભાવિના ગર્ભમાં રહેલ વડાપ્રધાનપદ લગીની એમની યાત્રાન્તે જો કોઈ મંથનનવનીત જન સાધારણ જોગ સુલભ થયું હોય તો તે આ છે : લોકોએ દેશમાં સારા શાસન વાટે મજબૂત બંધારણીય સંસ્થાઓ સરજવાનો સંકલ્પ કરવો જોઈએ જેથી ફરીને આવા 'કાળા દિવસો’ જોવાવારો ન આવે.
કાળા દિવસો, બંધારણીય સંસ્થાઓ અને સુશાસન એ જે ત્રણ વાનાં અહીં લોક જોગ અધોરેખિત કરીને મુકાયાં છે એને જો અત્યારના દિવસોના સંદર્ભમાં મૂકીને જોઈએ તો?
નરેન્દ્ર મોદીને તહેદિલથી ફરિયાદ છે કે સામાન્ય રીતે કોઈ પણ સરકારને અપાય છે એવો 'હનીમુન’નો રાહતકાળ અમને નથી મળ્યો. અલબત્ત, એ નહીં મળવાના મૂળમાં એમણે બેબાક પ્રચારમારાથી જગવેલી અતિરેકી અપેક્ષાઓ પણ છે. પરંતુ, અત્યારે એમાં નહીં જતાં માત્ર એટલું જ નોંધીશું કે બંધારણીય સંસ્થાઓ અને સુશાસનના મુદ્દે આ ક્ષણે તો એમની બ્લોગકારી ખાલી ખાલી ખખડે છે.ઈન્દિરા ગાંધીએ ન્યાયતંત્ર પરત્વે એક આપ મુખત્યારી રવૈયો દાખવ્યો હતો એ જાણીતી વાત છે.
મોરારજી દેસાઈના નેતૃત્વમાં સત્તારૂઢ થયેલી જનતા સરકાર હસ્તક પાર પડેલું એક મોટું કામ લોકશાહી સંસ્થાઓના પુન:સંસ્થાપનનું હતું, અને મર્યાદાઓ છતાં ન્યાયતંત્રના દૃઢીકરણનું- કમ સે કમ, એનું ધોવાણ અટકાવવાનું – હતું. ન્યાયધીશોની નિમણૂકમાં સરકારી વહાલાંદવલાંવાદ યથાસંભવ ટાળી શકાય તે માટેની કોશિશ આ ગાળામાં ઓછેવત્તે અંશે રહી પણ છે. તે વિશે ફરિયાદ નથી, અને હજુ સુધારાવધારાને અવકાશ નથી એવું અલબત્ત નથી.
ગમે તેમ પણ, આ દિવસોમાં એક કાળના સોલીસીટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમને સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિયદે નહીં પહોંચવા દેવાનો સરકારી બેત જો કોઈ એક વાત સૂચવતો હોય તો તે એ છે કે સરકારને પોતાની શેહમાં ન આવી શકે એવી સ્વતંત્ર પ્રતિભાનો ખપ નથી. સુબ્રમણ્યમ બાબતે બીજા ગમે તે અને ગમે તેટલા મુદ્દા ઉછાળાય, જે એક ઘૂંટડો હાલની સરકાર કેમે કરીને ગળે ઉતારી નથી શકી તે એ છે કે ગુજરાત મોડલના બહુ ગાજેલા સોરાબુદ્દીન પ્રકરણમાં રાજ્ય સરકારની સંદિગ્ધ ભૂમિકા અને મંત્રી અમિત શાહની સંડોવણીને કાનૂની તપાસના દાયરામાં લાવવામાં એમનો નિર્ણાયક ફાળો હતો.
દેખીતી રીતે જ, જેમ તમે અને હું તેમ સુબ્રમણ્યમ પણ એક માત્ર માણસ છે. પણ એ મરી મરીને જીવનાર જણ નથી અને એણે સોરાબુદ્દીન ઉર્ફે ગુજરાત મોડલ પ્રકરણમાં પોતાની હયાતીનો પુરાવો આપ્યો છે. એમનું આ જમા પાસું એમને હાલના રાજકીય આકાઓની નજરમાં ગેરલાયક ઠરાવવા માટે પૂરતું છે. ગુજરાતમાં જસ્ટિસ આર.એ. મહેતાને લોકાયુકત પ્રકરણમાં 'ચલ ઉડ જા રે પંછી કે યહ દેસ હુઆ બેગાના’ જેવો વિષાદ અને વિરકિતનો ભાવ જગવ્યો હતો તે હજી તાજો ઇતિહાસ એટલે કે દૂઝતો જખમ છે.
હવે સી.બી.આઈ. / આઈ.બી. આદિ મારફતે પ્રેરિત પ્રચાર ચેષ્ટાઓ એવો જ એક માહોલ સરજે છે જ્યારે સ્વમાની સુબ્રમણ્યમ પોતે જ ન્યાયમૂર્તિપદ માટેની પ્રક્રિયામાંથી હટી જવું પસંદ કરે. વસ્તુત: ન્યાયતંત્ર સાથે ઇન્દિરાઈ જે રીતે પણ પેશ આવી હતી એની વિગતો તેમ જ કટોકટીરાજ લગીની આખી પ્રક્રિયા જાણવાસમજવા જોગ છે. ઇન્દિરા ગાંધીના પુનરાગમ સાથે રફેદફે કરાયેલ શાહ તપાસ પંચના હેવાલ પછીની પેઢી, અને એ પરંપરામાં આવેલાં મોટી ઉંમરનાં બાળકો, તે દિવસો વિશે સુમાહિતગાર નથી.
ગમે તેમ પણ એ 'કાળા દિવસો’ હતા અને અમે એકમાત્ર 'રૂપેરી કોર’ હતા એવો એક કેસ ઊભો થઈ રહ્યો છે. ઇતિહાસ જેમ 'કાળા દિવસો’ની નોંધ લેશે તેમ આ એકમાત્ર 'રૂપેરી કોર’ને પણ માપમાં મૂકી આપશે. જો કે, ન્યાય ખાતર કહેવું જોઈએ કે ઊગતા સૂરજને પૂજવાની ધાટીએ આપણાં માધ્યમો પશ્ચાદ્વર્તી ધોરણે મહિમામંડન કરવામાં શૂરાંપૂરાં છે. ઇતિહાસ એમનો પણ ન્યાય કરશે. દરમિયાન, આપણે આ સૌ કટોકટી વિરોધના દાવેદારોની હાલની નીતિરીતિ તે મૂલ્યોની કસોટીએ તપાસવાનો નાગરિક ધર્મ બજાવતા રહેવું જોઈશે.
આ રીતે જોઈએ તો દેશનો વડો સત્તાપક્ષ, નાગપુરની દેખીતી સહમતિ સહ, પ્રમુખપદે જે નામ લગભગ ફાઈનલ કરી ચૂક્યાના હેવાલો છે એમાંથી સોડાતાં શીલ અને શૈલી 'હેબિયસ ર્કોપસ’ની એસી કી તેસીની તરજ પર ચાલતા કટોકટીવાદથી કઈ રીતે જુદાં છે તે કાબિલે તપાસ છે. ખરું જોતાં, જો કે, ૧૯૭પના જનતા મોરચા જનાદેશ અને ૧૯૭૭ના જનતા જનાદેશથી એના લાભાર્થી એવા ભાજપ અને બીજા પક્ષો કઈ હદે ભટકી ગયા છે એવી સમગ્ર તપાસ વગર આપણી વિકલ્પખોજને વિરામ નથી. દરમિયાન, હમણાં તો, બંધારણીય સંસ્થાઓને મજબૂત કરવા વાસ્તે નાગરિક છેડેથી શાસનસંભાળ લઈએ તો પણ ઘણું … વકટલેંડનો વૈભવ તો આપણો તે આપણો જ !
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 28 જૂન 2014
![]()


એમાં તમને કારણ આપ્યા વિના પકડી શકાતા. અલબત્ત, પકડનાર ઓથોરિટીને ખુદ ચોક્કસ કારણ સબબ પતીજ પડેલી હોવી જોઈએ એવી રસમ કલમ એની સાથે જોડેલી હતી. પણ કટોકટી પછી રચાયેલ શાહ તપાસ પંચનાં તારણો વાંચીએ ત્યારે સમજાય છે કે તંત્રે તો રાજકીય સત્તાના કહ્યે ખેલ પાડ્યો હતો અને પકડવા માટે કોઈ વાજબી કારણ છે કે કેમ તેનો ખાસા બધા કિસ્સાઓમાં આ ઓથોરિટી કને કોઈ ખુલાસો જ નહોતો. બહુ બહુ તો, તમે એમ કહી શકો કે તંત્રે ઉપલા માળ વાપર્યા વગર (અગર તો ભાડે આપીને) કામ લીધું હતું.