સન 1929ના અરસામાં લખાયેલું ઝવેરચંદ મેઘાણીનું કાવ્ય : ‘તરુણોનું મનોરાજ્ય’ સાંભરે છે :
ઘટમાં ઘોડાં થનગને, અાતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે અાંખ :
અાવા થનગનતા યુવાન એટલે અંબાલાલ ડાહ્યાભાઈ પટેલ.
“પાટીદાર” નામક સામયિકના ભાદરવો ૧૯૯૪(સપ્ટેમ્બર 1938)ના અંકમાં, કેન્યાના નકુરુ નામે નગરમાં, તેવાકમાં, સ્થાયી થયેલા જશભાઈ મોતીભાઈ પટેલનો ‘ડૉ. અંબાલાલ પી. એચ.ડી.નું ખેદજનક અવસાન’ નામે એક લેખ છે. તેમાંની સામગ્રી સિવાય, અા વિદ્યાવ્યાસંગ માણસ વિશેની માહિતીવિગતોની સગડ દુર્લભ છે. જૂજ નયનરમ્ય છબિઅો, કેટલીક અપ્રકાશિત કવિતાઅો તેમ જ ફ્રાન્સની મોન્પેિલયાય યુનિવર્સિટીમાંથી સન 1933 વેળા ‘ધ કન્ટૃીબ્યુશન અૉવ્ રિશિસ (વેદિક પિરિયડ) ટુ ધ સ્પિરિચ્યૂયલ લાઇફ’ નામે લખ્યા મહાનિબંધની પ્રત તથા દક્ષિણ અાફ્રિકાના પ્રિટોરિયા યુનિવર્સિટીમાંથી ‘દેવનાગરી − અૅ વર્લ્ડ સ્ક્રીપ્ટ’ નામક બીજા મહાનિબંધની દસ્તાવેજી પ્રત સિવાય એમને પામવાના લસરકા સુધ્ધાં હાથ અાવતા નથી.
અા મનેખ વિશે જશભાઈ પટેલ લખે છે તેમ, ‘જગતમાં કોઈ કોઈ સાચે જ મહાન વ્યક્તિઅો કીર્તિ કે યશનો પ્રકાશ જોયા વિના રહી જાય છે. વિવિધ પ્રકારની હજારો વિટંબણા અને મુશ્કેલીઅો વટાવી સ્વાશ્રયી બની હિંમતભેર પ્રગતિનું નાવ હંકાર્યે રાખનાર વ્યક્તિઅો જવલ્લે જ હોય છે. અાવી વ્યક્તિઅોની પંક્તિમાં સ્વ. અંબાલાલનું સ્થાન ગણી શકાય તેમ છે.’
ગુજરાતના અાણંદ જિલ્લાના ધર્મજ ગામ માંહેની કાકાની ખડકીના રહેવાસી જીબાબહેન અને ડાહ્યાભાઈ નાગરભાઈ પટેલના અા સંતાનનો જન્મ 1 જૂન 1908ના રોજ મોસાળ ભાદરણમાં થયેલો.
જશભાઈ પટેલની નોંધ અનુસાર, ‘વિદ્યાર્થી તરીકે એમની કારકિર્દી ઘણી ઉજ્જવળ અને પ્રભાવશાળી હતી. તેનો પુરાવો હજુ પણ ભાદરણની ગુજરાતી અને અંગ્રેજી શાળાના શિક્ષકો સદ્દગતનાં ગુણગાન ગાતાં ગાતાં અાપી શકે તેમ છે. વર્ગમાં હંમેશાં પહેલે નંબરે પાસ થતા. 13 વર્ષની નાજુક ઉમ્મરે ચરોતરમાં મહાભારત ઉપર નિર્ણીત થયેલા હરીફાઈ નિબંધમાં પહેલું પારિતોષિક મેળવ્યું હતું. તેમના શિક્ષકો તેમની અજોડ અને અગાધ માનસિક શક્તિ જોઈ વારંવાર તેમને ગણિત, સંસ્કૃત વગેરે વિષયો વર્ગના બીજા વિદ્યાર્થીઅોને શીખવવાનું કામ સોંપતા. અંગ્રેજી પાંચમું ધોરણ ઉત્તીર્ણ થઈ તેઅો મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા અને શાળામાં ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પ્રથમ અાવ્યા હતા. અા ઉમ્મર દરમિયાન ભાદરણના સાર્વજનિક પુસ્તકાલયનો તેમણે ખૂબ અભ્યાસ કર્યો હતો. સદ્દગતને કોઈ કોઈ તો તેમનામાં છુપાયેલી કવિત્વશક્તિને લીધે ‘જુગલ’ કવિ તરીકે સંબોધતા. મૂળે યાદશક્તિ અતિ તીક્ષ્ણ અને તેમાં વળી સતત અધ્યયનનું મિશ્રણ, અા હિસાબે 17 વર્ષના વયમાં તેમણે જ્ઞાન રૂપી ધનનો ઘણો સારો સંચય કર્યો હતો.’
‘સદ્દગત મને કહેતા,’ અંબાલાલભાઈના સહાધ્યાયી જશભાઈ પટેલે લખ્યું છે, ‘કે મેટૃિક પાસ કર્યા પછી કૉલેજમાં જઈ ઉચ્ચ શિક્ષણ મેળવવાની તેમની ભારે ઉત્કંઠા હતી. અોછી માનસિક શક્તિ ધરાવનારા પોતાના સહાધ્યાયી જ્યારે કૉલેજોમાં જવા તૈયાર થયા ત્યારે તેમના દુ:ખનો પાર ન રહ્યો. ગરીબાઈનો તીક્ષ્ણ ઘા અા વખતે તેમને એટલો બધો સાલ્યો કે તે ત્રણ દિવસ સુધી બોર જેવડાં અાંસુમાં જ પરિણમ્યો.
‘કૉલેજમાં જવાનું નહીં બન્યાથી તેઅો ઇટોલા કન્યાગુરુકૂળમાં અધ્યાપક તરીકે જોડાયા. શિક્ષક તરીકે તેમણે સંગીન રીતે કાર્ય કર્યું હતું, જેની છાપ કાર્યકર્તાઅો અને વિદ્યાર્થીઅો ઉપરથી ભૂંસાઈ નથી.’
પાટીદાર સમાજના રીતરિવાજો અને રૂઢિઅો પ્રત્યે એમને અનહદ ઘૃણા હતી. એમને ગમે તેમ પરણી પડવું નહોતું. પરિણામે સમાજથી સહેજ પણ ડર્યા સિવાય અાંતરજાતીય ક્રાન્તિકારી લગ્ન કર્યું. સુરત ખાતે 8 જુલાઈ 1910ના જન્મેલાં સાથી શિક્ષિકા, વીરમતીબહેનનો પરિચય કેળવે છે અને તે સંબંધ પરિણયમાં પરિણમે છે. તે વેળા અંબાલાલનું વય 20-21નું જ હશે. અા યુવાવસ્થામાં એમને સાહિત્યને વિકસાવવાની અનેક તકો સાંપડી હોય. કાવ્ય, વિવેચન, ઇ. તે એમના રસના વિષયો જ નહોતા, એ કવિતા ય લખતા. પોતાની ‘અારાધ્ય દેવીને’ એક મજેદાર કવિતા 1926ના અરસામાં એ અાપે છે. − ‘ચહાવું અને સહેવું સદા એ શિખવે મારી વીરા ! / ચાહીશ, દુ:ખ સહીશ હું એવું લખે મારી વીરા !’
લગ્ન પછી, અનિવાર્ય સંજોગોને લીધે, પતિ પત્ની બન્ને અાજીવિકા સારુ હિંદથી પૂર્વ અાફ્રિકાના યુગાન્ડા મુલકના જાણીતા શહેર જિંજાની ઇન્ડિયન સ્કૂલમાં મુખ્ય શિક્ષક અને મુખ્ય શિક્ષિકા તરીને નિમણુક લઈને 1928માં જિંજા પહોંચ્યા હતાં.
જે ઇચ્છા હિંદમાં અાર્થિક સંજોગોને લીધે પાર ન પાડી શક્યા, તે ઇચ્છા પૂર્ણ કરવા 1932માં એ વધુ અભ્યાસ અર્થે ફ્રાન્સ ગયા. દોઢેક વરસ ત્યાં રહ્યા હશે. ત્યાં પ્રબંધની પેશગીએ પી. એચડી હાંસલ કરી. પાછા અાવીને એ અાફ્રિકા ખંડને ખૂણે હિંદી મહાસાગરમાં અાવ્યા દ્વીપ માડાગાસ્કરના માઝુંગા શહેરની ઇન્ડિયન સ્કૂલમાં અાચાર્ય તરીકે જોડાયા. ત્યાં બારેક માસ ગાળી એ જિંજા પરત થયા હતા.
ભાદરણની શાળામાં, એમના પરિચિત મિત્ર જશભાઈ પટેલ, અંબાલાલ પટેલથી, બે’ક ધોરણ અાગળ હતા, પણ એ બંને વચ્ચે બહુ જ નજીકનો ઘરોબો હતો, જે મરણપર્યન્ત ઉભય પક્ષે જળવાયો હતો. અા જશભાઈ કહેતા હતા કે, અંબાલાલભાઈને ભાષાશાસ્ત્ર અત્યન્ત પ્રિય. ગુજરાતી અને અંગ્રેજી ઉપરાંત એમને હિન્દી, સંસ્કૃત, ફ્રેન્ચ, જર્મન, ગ્રીક, લેટિન, અરબી ફારસી, શી ભાષાઅોનો અભ્યાસ હતો. એમણે સ્વાહિલી ભાષામાં ય રસ લીધો હતો અને તેમાં સંશોધનકામ કરતા રહેલા. એમણે શબ્દશાસ્ત્રનો ઊંડો જાતઅભ્યાસ કરેલો. અને અા શોખને કારણે પ્રિટોરિયા યુનિવર્સિટીમાંથી દેવનાગરી અંગે પ્રબંધ પેશ કરવાનો ઇરાદો રાખેલો. જશભાઈના લખ્યા મુજબ, અંબાલાલભાઈ એમ.એ. ડિગ્રી માટે ‘ફિલોલૉજી’નો ખાસ અભ્યાસ કરી રહ્યા હતા. અા પ્રબંધ તૈયાર થયો અને પરીક્ષામાં બેસવાનું જ બાકી હતું, તે વચ્ચે એમનું નિધન થયું અને એમની અા ઇચ્છા પરિપૂર્ણ થઈ ન શકી.
તે 1938ના દિવસો હતા. અંબાલાલભાઈ પોતાના પ્રબંધની તૈયાર કરતા હતા. અને તેને સારુ એ પોતાના મિત્ર જશભાઈને ત્યાં નૈરોબી ગયેલા. જશભાઈ પટેલને સપરિવાર હિંદ જવાનું ગોઠવાયેલું તેથી જશભાઈના મામા ખોડાભાઈ પટેલને ત્યાં અંબાલાલભાઈ માટે રહેવાકરવાની એ ગોઠવણ કરતા ગયા હતા. તે દિવસોમાં અંબાલાભાઈ નાદુરસ્ત રહેતા હતા, દવાદારુ લેતા હતા. કોઈક પ્રકારના કંટાળેલા, અંબાલાલભાઈએ જિંજા ફરવાનો નિર્ણય કર્યો. એમની તબિયત પણ યારી અાપતી નહોતી. જશભાઈ નોંધે છે : ‘અભ્યાસની અાવી જલદ લગની લાગ્યાથી અને તે માટે અનહદ પરિશ્રમ કર્યાથી તેમનું શરીર એવું જર્જરિત થઈ ગયું હતું કે તે વધુ ભાર સહી લે તેમ નહોતું.’ એમને ન્યુમોનિયા થઈ અાવ્યો હતો. અને જોગાનુજોગ તો જુઅો, 1 જૂન 1938ના રોજ, ત્રીસમી વર્ષગાંઠનો એ દિવસ, એમણે જીવનલીલા સંકેલી લીધી.
જશભાઈ પટેલ અને અંબાલાલ પટેલ વચ્ચે પત્રવ્યવહાર પણ થતો. તેમાંના એક પત્રનું ટાંચણ જશભાઈએ અામ કર્યું છે :
‘અાજે પૈસાને જોતાં મને તેના ઉપર જરાયે પ્રેમ નથી થતો. લક્ષ્મી વિષ્ણુની દાસી રહે. લોકસંગ્રહના હેતુને જ્યાં સુધી તે પૂર્ણ કરે ત્યાં સુધી જ વંદનીય છે. વિષ્ણુથી છૂટાછેડા લીધેલી લક્ષ્મી અાજની દુનિયામાં ગમે ત્યાં વેશ્યાવૃત્તિ કરે છે અને અન્ય પાસે કરાવી રહી છે. વિચારની ઉચ્ચ ભૂમિકામાં વિહરનાર માટે ઉચ્ચતમ અાદર્શની પ્રાપ્તિ પાછળ જે જીવન ખર્ચી નાખવા માગે છે તેને માટે દેશ અને કાળ, સમય અને સ્થિતિનાં દ્વિવિધ બંધનો તોડી જે સમષ્ટિજીવનના કેન્દ્રને વીંધવા માગે છે તેને માટે લક્ષ્મી જરા પણ અાદરને પાત્ર રહેતી નથી.’
અંબાલાલ અને વીરમતીબહેનને નિરંજના દેસાઈ, સુધા ચોટાઈ, અનિલકુમાર પટેલ, અનંત પટેલ, કાદમ્બિની દવે તથા અશોકા ત્રિવેદી નામે છ સંતાનો. નિરંજના દેસાઈ અા દેશનાં જાણીતા શહેરી છે અને ગુજરાતી સાહિત્યકાર છે. વ્યવસાયે એ શિક્ષક પણ રહ્યાં છે. ગુજરાતી વિષય સાથે બી.એ.માં પ્રથમ અાવેલાં નિરંજનાબહેનને વધુ અભ્યાસને સારુ ‘દિવાન બહાદુર કૃષ્ણલાલ ઝવેરી’ શિષ્યવૃત્તિ પણ એનાયત થયેલી. સુધાબહેન હાલ દમણ પાસે ઉદવાડામાં વસવાટ કરે છે. અનિલભાઈ અમેરિકાના કેન્સાસ રાજ્યમાં વસે છે અને વ્યવસાયે તબીબ છે. અનંતભાઈ વ્યવસાયે ઇજનેર છે અને અમેરિકાના હિક્સવિલ ખાતે વસેલા છે. કાદમ્બિનીબહેન લંડનના પશ્ચિમ પરામાં વસે છે. જ્યારે અશોકાબહેન વ્યવસાયે શિક્ષિકા છે અને દિલ્હીમાં વસવાટ કરે છે. એમના પતિ દેવકુમાર ત્રિવેદી ઉચ્ચ સનંદી અધિકારી હતા અને ખુદ સાહિત્યકાર છે.
વીરમતીબહેન ખુદ એક અચ્છા શિક્ષિકા હતાં. એમણે ખમીર જાળવીને, ધીરજ ધરીને સંતાનોને માત્ર ઉછેરી જાણ્યાં નહોતાં, દરેકને પાળી, પોષી ઉચ્ચ શિક્ષણથી સજ્જ પણ કરેલાં. એમનો કંઠ મધૂરો હતો અને એમને કંઠે સરસ મજેદાર ગીતોનું રસપાન કર્યાનું ય સાંભરણ છે. બેત્રણ વાર એ લંડન અાવી ગયાંનું યાદ છે. છેવટે, નવ દાયકાનું જીવન વિતાવ્યા કેડે, એમણે બીજી દીકરી સુધાબહેનને ત્યાં ઉદવાડા ખાતે 5 જાન્યુઅારી 2001ના રોજ દેહ છોડ્યો.
અંબાલાલભાઈને સાહિત્યમાં અભિરુચિ હતી અને એમણે કવિતાઅો ય લખી છે. કહે છે કે ‘અાર્યસંદેશ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘નવચેતન’, ‘શારદા’, ‘પાટીદાર, ‘નવજીવન’, ‘જ્ઞાનપ્રચાર’, ‘ગુજરાત’, ‘પ્રબુદ્ધ ભારત’ તેમ જ ‘મૉર્ડન રિવ્યૂ’ સરીખાં સમસામયિકોમાં એમની અનેક લેખસામગ્રી પ્રગટ થયેલી. એમના પરે અાર્ય સમાજની ભારે મોટી અસર હતી. પોતાનું લગ્ન પણ એ જ પરંપરામાં થયું હતું. અામ અાર્યસમાજની પત્રિકાઅોમાં અને પ્રકાશનોમાં ય એમની કલમ અાવતી, તેમ જાણવા મળે છે.
અાવા સાચા વિદ્વાન, સદ્દગુણી અને ઉચ્ચ સંસ્કૃિત પામેલા ત્રીસ વર્ષના યુવકના અવસાનથી સમસ્ત સમાજને કેટલી ભારે ખોટ પડી છે, તેમ જશભાઈ એમનો લેખ અાટોપતા લખે છે. વાત તદ્દન ખરી છે. એ અનેરી મસ્તીનો માણસ હતા. એમની ખોટ સમસ્ત સમાજને જેટલી ત્યારે વર્તાઈ હતી, તેટલી અાજે ય અનુભવા મળે છે. •
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
("અોપિનિયન", 26 ફેબ્રુઅારી 2013)