મારી એ જ આંગળીઓનો કંપ
છતો થઈ ગયો
કે જેને ઝાલીને
ઘુંટાવ્યા’તા
મૂળાક્ષરો … અંકો …
ચમચીમાંનું ગંગાજળ ખળભળી ઊઠે
ને એ છલકાઇ ન પડે
એ પ્રયાસમાં
મારી આંખો ઝળઝળી ઊઠે.
મારાં પ્રત્યેક પગલાંને
ટેકવી દીધું હતું જે અડીખમતાએ
એને
સ્પર્શવાના મારા યત્નો
પગલાંઓની પોપડીઓ વખોડીને પહોંચી જાય છે
સંવેદનો સુધી
ગમગીન.
તમારી હયાતી
અને બિનહયાતીની વચ્ચેના અવકાશથી
કોરાયે જાય છે
અસ્તિત્વ.
અંજલિ દઉં શાથી ?
હું ઊભો એમ જ … સ્થિર
ને છતાં
છે ઝીણો કંપ ભીતર
કંઇક ગુમાવ્યાનો અહેસાસ
ભટકે છે મનમાં
ગગનથી ટપકતાં ફોરાં જેવું
હળવું હળવું તમારું અસ્તિત્વ
ને એમાંથી પ્રસરેલી ભીની ભીની સુવાસ
સંકોરે છે
એ પ્રેમાળ વદન, જાણે
તમે અહીં જ છો
અમારી સાથે જ.