પુસ્તક પરિચય
આંખમાં આકાશ’ નામના ત્રીજા લઘુકથા સંગ્રહની એકાવન વાર્તાઓમાં ગુજરાતનાં સનદી અધિકારી રેખાબા સરવૈયા કેટલાક મહત્ત્વના છતાં ભાગ્યે જ ખેડાયેલા વિષયોને સ્પર્શવા માટે ધન્યવાદને પાત્ર છે.
જેમ કે, ‘પીડાની પરકાષ્ઠા’ વાર્તા એક સમુદાયમાં અત્યારે પણ ચાલતી સ્ત્રી-સુન્નત (FGM – female genital mutilation) નામની અમાનુષ બદીની ક્રૂરતા અને ભોગ બનનાર કિશોરીની પીડા માત્ર છસોએક શબ્દોમાં વ્યક્ત વેધક રીતે વ્યક્ત કરે છે.
‘નપુંસક’ વાર્તા સ્ત્રી ઘરની બહાર જાય ત્યારે તેને મૂત્રવિસર્જન માટે વ્યવસ્થાના સાર્વત્રિક અભાવને વાચા આપે છે. આ બંને વિશે ગુજરાતીમાં જૂજ કૃતિઓ મળે છે.
‘વિસર્જન’ વાર્તામાં ધૈવત ધૃતિને અન્ય પુરુષના વીર્યથી કૃત્રિમ ગર્ભાધાનથી માતા બનવા રાજી કરે છે. આખરી વાર્તા ‘સમથિન્ગ સ્પેશ્યલ’માં ખૂબ આધુનિક વિચાર ધરાવતાં દીપ્તિ અને દિવાકરનું વ્યાવસાયિક રીતે સફળ દંપતી વારંવાર એકબીજાથી દૂર રહે છે અને સંતાનપ્રાપ્તિ લંબાવે છે. એક વખત પતિ પરદેશથી પાછો આવે છે ત્યારે પત્ની તેના સાથી કર્મચારી દેબાશિષ સાથે પરિચય કરાવીને તેના થકી ગર્ભવતી હોવાની માહિતી આપે છે.
આ બંનેથી સામે છેડે, ‘પિતૃદોષ’ કથામાં ‘તબીબી તપાસમાં ધણીની ખામી’ હોવા છતાં ‘વારસ અવતરે’ એ માટે સાસરિયાં સ્ત્રીને મધરાતે ભૂવાને ચરણે ધરવાના છે. ‘પણ કાર્યની નિષ્ફળતામાં નિમિત્ત બનવા માટે એ સજ્જ હતી. આજે પ્રથમ જ વાર રજ:સ્વલા હોવાનું એને અનહદ ગૌરવ થયું.’
‘એમના પ્રતાપે જ’ વાર્તામાં તેર વર્ષની વયે પરણાવવામાં આવેલી દીકરી ઝાઝી સમજ આવે તે પહેલાં ગર્ભવતી બને છે. ચોથો-પાંચમો મહિનો જતો હોય ત્યારે પતિ પેટ પર લાત મારીને, બાવડું ઝાલીને ઘરમાંથી કાઢી મૂકે છે. તે સ્મશાનમાં રહે છે, દીકરીને જન્મ આપે છે. ત્યાં જ છોડી દેવાયેલાં એક બાળકને પણ અપનાવે છે અને ‘અનાથ બાળકોનું આશ્રયસ્થાન બનવાનો’ નિશ્ચય કરે છે. મહારાષ્ટ્રના અસાધારણ સમાજસેવક સિંધુતાઈ સકપાળ(1948-2022)ના પૂર્વજીવનનાં આ વીતક રેખાબાએ હૃદયસ્પર્શી રીતે આવરી લીધાં છે.
સ્ત્રી અને પુરુષ વચ્ચે શારીરિક સંબંધોથી નિરપેક્ષ સ્વસ્થ સંબંધોને લગતી બે વાર્તાઓ છે. અર્પણાને તેના પિતાના ઇલાજ માટે પોસ્ટ ઑફિસનો તેનો સાથી કર્મચારી આલોક નિર્મળ ભાવે મદદ કરે છે.
‘આ સુખનું નામ શું ?’માં અકસ્માતમાંથી સાજા થઈ રહેલાં ભાસ્કરની, તેની પત્ની ભૂમિની ગેરહાજરીમાં, સાળાવેલી ભાર્ગવી સારસંભાળ લે છે, બંને વચ્ચે એકાંતની પળોમાં પણ અતિસંભવિત શારીરિક સંબંધ બંધાતો નથી, પણ સ્નેહ રહે છે તે વાર્તાના અંતના બે સુંદર ફકરામાં લેખિકાએ વર્ણવ્યું છે.
લગ્નજીવનમાં સ્ત્રીને વેઠવી પડતી શારીરિક અને માનસિક યાતનાઓની ચોટદાર વાર્તાઓ છે. સુખી સાસરામાં તેના દેહને ખૂબ ચાહતા પતિ સાથેના અભિસાર ઉપરાંત નવપરિણિતા ઉત્કટ ભાવજીવનને ઝંખે છે. આખો દિવસ ઘરસંસાર વેંઢારવા ઉપરાંત રાત્રે ‘પથારીમાં પતિને સંતુષ્ટ કરવાનો પત્નીધર્મ’ બજાવતી ગૃહિણીના આંસુથી ‘ઓશીકાં રોજ રાતે ભીંજાય’.
પતિ દ્વારા ઉપેક્ષાથી થાકીને આખરે તેની પ્રેમિકાની જિકર પત્ની કરે છે ત્યારે પતિમાં ‘પિશાચી વૃત્તિ’ પ્રવેશે છે. તે પહેલાં પત્નીને બે લાફા મારીને નીચે પાડી દે છે અને પછી તેના શરીરને કલાકો સુધી કચડે છે.
નીનીને તેના પિતા બહુ ગમતા હોય છે. પણ પરીક્ષાની તૈયારી માટે રાત્રે જાગતી નીની તેની માતાને પિતા પાસે એમ કરગરતા સાંભળે છે કે ‘એનું ભણતર પૂરું થઈ જવા દો પછી હું તમને એમની સાથે રહેવા જતા નહીં રોકું’.
‘ગ્લાસ સિલિંગ’ અને ‘પૅરેસાઈટ કોણ?’ એવાં અંગ્રેજી શીર્ષક ધરાવતી વાર્તાઓમાં ઘરસંસાર તેમ જ પતિની ખૂબ કાળજી લેતી અનુક્રમે નોકરિયાત અને ગૃહિણી પત્નીની ઉપેક્ષાનું વર્ણન છે.
દીકરી વિશેની વાર્તાઓ રસપ્રદ છે. પોતાના સ્વાર્થ ખાતર દીકરીને મોડી પરણાવતો અને ન પરણાવતો બાપ અનુક્રમે ‘આજ્ઞાંકિત’ અને ‘ધૂમાડો’ વાર્તામાં છે. પણ ‘મદદગાર’ વાર્તામાં સાવ જુદો જ પિતા છે. તે ‘કો’કની દીકરીને મનના માનેલા હારે જવામાં’ એક કાળી રાત્રે મદદ કરે છે. કારણ એ છે કે ‘પોતાની દીકરીને મનગમતા પાત્ર હારે પરણાવવાની ઘસીને ના પાડી દેનાર આ બાપ દીકરીને કૂવો પૂરતી નહોતો બચાવી શક્યો’ વાર્તાકળાની રીતે આ સંગ્રહની ખૂબ સુંદર વાર્તા છે.
બીજી બાજુ, મા-દીકરી વચ્ચેના ‘હમરાઝ’, ‘સમજણની ઉંમર’ અને ‘અંત:સ્રોતા’ મનભર સંબંધની વાર્તાઓ છે. પરિવારને અણીના ટાણે મદદ કરતી પરિણિત દીકરીઓ અહીં છે. ‘બૂટની શૂન્યતા’, ‘કૂંચી’ અને ‘ખોવાયેલ છે’ માબાપના ઘડપણ અને સંતાનોની બેવફાઈ વિશે છે.
શહેરની સફાઈ કામદાર રામુડીને કોઠાસૂઝ, ઘરકામવાળી હીરીની ચાલાકી અને ધીખતા તડકામાં રસ્તાકામ કરતી મજૂર સ્ત્રીની પ્રામાણિકતા, મીઠીકાકીની હેતભરી અહેસાનમંદગીની હૃદયસ્પર્શી કથાઓ છે. ‘મૅડમની ખુરશી’માં ઘડીભર બેસી જોવાની લાલચ ન રોકી શકતો ખૂબ ગુણિયલ સેવક કર્મચારી દિલાવર અને સિગ્નલ પર વસ્તુઓ વેચતો છોકરો રાવણા પરની વાર્તાઓ છે.
‘જીવદયા’માં ડ્રાઈવરનું વિશિષ્ટ પાત્ર છે. એ પોતાની કમાણીમાંથી અઠવાડિયામાં એક વાર મરઘીના બચ્ચાને વેચનારા પાસેથી બચ્ચાં ખરીદે છે અને શહેરથી દૂર ખુલ્લામાં છોડી આવે છે.
‘કોડિયાનું કર્તવ્ય’ અને ‘પ્રતિજ્ઞાપત્ર’ વાર્તાઓમાં વહીવટી અધિકારીના કામની છબિઓ ઝીલાઈ છે.
રેખાબાની શૈલી એકંદરે સહજ અને અસરકારક છે. લઘુકથાના સ્વરૂપની સમજ અને તેના માટેનો કસબ તેમની પાસે છે. અલબત્ત કથાતત્ત્વ ક્ષીણ હોય અથવા લાગણીની ઉર્મિલ અભિવ્યક્તિ જ હોય તેવી કૃતિઓ પણ છે. જો કે લેખિકા ‘ભીતરના ભાવલોકની સફર’ કરાવવામાં એકંદરે સફળ રહ્યા છે.
રેખાબાના મનોગતનો આ અંશ મહત્ત્વનો છે : ‘મેં જોયું અનુભવ્યું છે કે આપણા પુરુષપ્રધાન સમાજમાં બાળકનું સૃજન કરી રહેલી સ્ત્રીની જેટલી કાળજી અને સંભાળ લેવામાં આવે છે તેટલી કવિતા લખતી, ચિત્રો દોરતી કે મૂર્તિ ઘડતી સ્ત્રીને એના સર્જન માટે સમય કે સ્વતંત્રતા કે સગવડ આપવાની પ્રથા નથી. સ્ત્રીને જ્યારે પોતાનો સમય પોતાના જ સર્જન માટે વાપરવાની પ્રાથમિકતા કે અધિકાર મળશે ત્યારે અરધું આકાશ તેની કૃતિઓથી છવાઈ જશે તે નક્કી છે.’
——————
‘આંખમાં આકાશ’ (2023), રેખાબા સરવૈયા, પ્રકાશક : ગૂર્જર, પાનાં : 14 +114, રૂ. 170/-
પ્રાપ્તિસ્થાન : ગૂર્જર : 092270 55777, 98252 68759, ગ્રંથવિહાર પુસ્તક ભંડાર : 989897 62263
[750 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 જાન્યુઆરી 2024
e.mail : sanjaysbhave@yahoo.com
![]()



ગાંધીજીનો હિંદુ અખંડ માનવ હતો. ગાંધીજી કહેતા પણ હતા કે સાચો હિંદુ એ કહેવાય જેમાં માણસાઈ તસુભાર પણ ઓછી ન હોય. તેઓ આ જ વાત મુસલમાનોને અને ખ્રિસ્તીઓને પણ કહેતા. અખંડ માણસાઈ કોઈ પણ સાચા ધાર્મિક મનુષ્યની અંતિમ ઓળખ છે. પણ હિન્દુત્વવાદીઓને માણસાઈથી છલોછલ હિંદુ ખપનો નહોતો. જો માણસાઈ છલોછલ ભરી હોય તો લડવું કેવી રીતે? દ્વેષ કોનો કરવો? કોઈને કેવી રીતે દબાવીને રાખવા? બીજાને ડરેલા જોવાનું જે વિકૃત સુખ છે એ કેવી રીતે મળે? ટૂંકમાં માણસાઈથી છલોછલ હિંદુ તેમને મન ખપનો નહોતો અને ગાંધીજી તો એવા હિન્દુમાં હિંદુ ધર્મની સંપૂર્ણતા જોતા હતા.


