કરુણાની મૂર્તિ મધર ટેરેસા માટે સંઘપરિવારના સર્વોચ્ચ શિખરથી જે આક્રમક વલણ આવ્યું તે દુઃખદ છે. હું સંઘ અને હિન્દુધર્મની અનેક ધાર્મિક સંસ્થાઓને, જેઓ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કામ કરી રહી છે તે જાણું છું અને એ પ્રશંસા અને અભિનંદનને પાત્ર છે. પરંતુ અન્ય ધર્મ, વિશેષતઃ ઇસાઈ મિશનરીઓ સેવાકાર્ય કરતી હોય ત્યારે તેની ટીકા કરવાના બદલે ધર્મપરિવર્તન માટે પોતાના ‘ઘર’ને તપાસવાની જરૂર છે. ‘કારણ્યસ કારણમ્’માં જવું જોઈએ.
સ્વામી સચ્ચિદાનંદજીના શબ્દો યાદ આવે છે. આપણા સાધુસંતો કોઈ ગામમાં જાય, ત્યારે પધરામણી માટે કોઈ શેઠ-શ્રીમંતનું ઘર શોધે, જ્યારે પાદરી એ ગામમાં છેવાડામાં હરિજનને ત્યાં ઊતરતો હોય છે. એ વાસમાં જાય છે.
પાંચ હજાર વર્ષથી આપણે આદિવાસીઓ, દલિત સમાજમાં ગયા નથી, જવું નથી. આપણા મહાન વિશ્વકુટુંબ, વિશ્વગ્રામ અને વિશ્વપ્રેમમાં તેઓનો સમાવેશ કર્યો નથી. આપણે વિશ્વને પ્રેમ કરીએ છીએ, પણ ગામના છેડે આવેલાને પ્રેમ કરતા નથી અને જે ઇસાઈ મિશનરીનો ત્યાં જાય છે, ત્યાં આપણને વાંધો પડે છે. હવે સફાળા જાગ્યા છીએ ને ઘાંઘા થયા છીએ.
એક વ્યાવહારિક વાત સમજવા જેવી છે. જે જે સેવા કરે તે મેવા પામે. હિન્દુધર્મમાં જ ધર્મપરિવર્તન થકી આયાતી વ્યવસ્થા નથી. હિન્દુધર્મમાં નિકાત્યની વ્યવસ્થા છે. હિન્દુએ જાતે જ પોતાનો ભાગાકાર કર્યો છે અને પોતાની બાદબાકીનું ગૌરવ પણ કરતો રહે છે.
ઇસાઈ મિશનરીઓએ ક્યારે ય ભારતમાં આવીને હિન્દુઓનાં મંદિરો તોડ્યાં નથી કે ના ગ્રંથાલયો સળગાવ્યાં છે ના મૂર્તિઓ તોડી છે. ઇસાઈ સમાજ સભ્યતા, અનુશાસનપ્રિયતા અને વિવેકનો પર્યાય છે. પ્રેમ અને સેવાને વ્યાસપીઠ ઉપરથી ગજવવાના બદલે સમાજના તિરસ્કૃત વર્ગમાં અમલ કરી બતાવી છે. તેમાં ઇસુના દર્શન કર્યા છે. બસ, અહીં ઇસાઈ આગળ વધી જાય છે. આપણો બ્રહ્મ આપણી પાસે લટકા કરે છે પણ ત્યાં અડવાનું નામ નથી લેતો. આપણે બુદ્ધ, ગાંધી અને નરસિંહ મહેતાને પરાજિત કરવા રણે ચઢ્યા છીએ.
ઇસ્લામ અને ઇસાઈમાં ધર્મપરિવર્તન બાબતે ગુણાત્મક તફાવત છે. જેઓ મુસલમાન બન્યા. તેઓને મુલ્લા અને અલ્લાને ભરોસે છોડી દેવામાં આવ્યા છે. તેઓને ધર્મઝનૂન અને એકાંગીદર્શન, નિરીક્ષરતા અને ગરીબી સિવાય બીજું કંઈ મળ્યું નથી. અહીં ઇસાઈ ધર્મ જુદો પડે છે. તેઓ શિક્ષણ, આરોગ્યની ચિંતા કરે છે. પગભર કરવાના પ્રયત્નો થાય છે. પ્રેમ, કરુણા અને સેવા થકી એક તરફથી વર્ગ ‘માણસ’ બન્યો છે. વર્ષો પહેલાં કોઈ નર્સ બનવા તૈયાર ન હતી એ મને યાદ આવે છે. દવાખાનાંઓમાં નર્સો મોટા ભાગે ઇસાઈ રહેતી અને તેઓ ભેદભાવ વગર દર્દીની સારવાર કરીને ઇસુની ભક્તિ કરતી.
આરોગ્ય, શિક્ષણ, માવજત અને સેવાનું આખું માળખું મિશનરી પાસે હોય છે. સ્વામી વિવેકાનંદે ઇસાઈ મિશનરીમાંથી પ્રેરણા લઈને માનવ સેવા માટે ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી. હિન્દુ સમાજ પોતે કેમ મધર ટેરેસા પેદા કરતો નથી ? બૌદ્ધિકતાનું બ્રહ્મચર્ય હંમેશાં નીંદનીય છે. ઇસાઈ સમાજની સભ્યતા અને સ્વયંઅનુશાસનનું એક ઉદાહરણ જોઈએ. મુસ્લિમ દેશોમાં ઇસાઈઓની જાહેરમાં સરેઆમ નિર્દયતાપૂર્વક ગરદનો કાપવામાં આવી રહી છે, છતાં વિશ્વના ખ્રિસ્તી સમાજે ક્યારે ય કોઈ મસ્જિદો તોડી હોય, બૉંબ ફોડ્યો હોય કે વળતાં બદલો લીધો હોય, પોપ તરફથી કોઈ ફતવો બહાર પાડ્યો હોય, એવું બન્યું નથી. ધર્મનાં બિનજરૂરી તત્ત્વોને પશ્ચિમે ફગાવી દીધાં છે. તેનું સુંદર પરિણામ પણ આવ્યું છે.
મહાત્મા ગાંધીએ ધર્મપરિવર્તન બાબતે કહ્યું હતું કે કોઈ દાક્તર – પાદરીએ મારી માંદગી દૂર કરી હોય, તો શા સારુ મારે મારા ધર્મનો ત્યાગ કરવો ? ‘પરંતુ મહાત્મા ગાંધીએ અદ્દભુત વિકલ્પ આપ્યો. અનેક સેવકોને આદિવાસી વિસ્તારોમાં ધૂણી ધખાવીને બેસાડ્યા. સર્વધર્મનો ત્યાગ કર્યો નહીં. ધર્મપરિવર્તન નહીં, મનુષ્ય-પરિવર્તન માટે કામ કર્યું. પરંતુ એ માટે ગાંધીએ પોતાના ધર્મમાં સાફસૂફી કરી હતી. ગંદકીનું ગૌરવ ગાંધીએ કદી કર્યું નથી.
તમે ઇસાઈ મિશનરી કે મધર ટેરેસા જેવાં સંતો માટે ગમે તેમ બોલો તેના વૈશ્વિક પડઘા પડે છે. ભા.જ.પ.ની, તેની સરકારની અને ભારતની છબી ખરાબ થાય છે. સમાજના દલિત, પીડિત, તિરસ્કૃત લોકોમાં જાઓ, ધૂણી ધખાવો … કોણ ના પાડે છે ? મધર ટેરેસા ક્યાં આડે આવે છે ? મહાત્મા ગાંધી પાસેથી પ્રેરણા લઈએ. મહાત્મા ગાંધી ક્યારે ય રજા ઉપર જતા નથી.
૪, જયંતી ઍપાર્ટમેન્ટ, ગુરુકુળરોડ, અમદાવાદ.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2015, પૃ. 12
![]()


સનસની ખેજ (જેને ખોદી ખોદીને કાઢ્યા હોય એવા) સમાચારને અંગ્રેજીમાં ‘સ્કૂપ’ કહે છે. પત્રકારોની જે પ્રજાતિ વિલુપ્ત થઈ રહી છે તે પૈકીના વિનોદ મહેતા એમની પહેલી જ નોકરી ‘ડેબોનિયર’માં, પ્રતિમા બેદી (પૂજા બેદીની મમ્મી, કબીર બેદીની પત્ની) મુંબઈના જુહુ બીચ પર 1974માં પગથી માથા સુધી અનાવૃત્ત થઇને દોડી હતી તેની તસવીરોનું ‘સ્કૂપ’ લઈ આવેલા. એમનું છેલ્લું ‘સ્કૂપ’ એમની છેલ્લી નોકરી ‘આઉટલુક’માં હતાં જેમાં, ટેલિકોમમંત્રી એ. રાજા અને કોર્પોરેટ એજન્ટ નિરા રાડિયા વચ્ચેની ટેલિફોનિક વાતચીતમાં પત્રકારો, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની ક્રિમિનલ સાંઠગાંઠ ખુલ્લી પડી હતી.
નારાયણ દેસાઈ કાળ સામે લડત આપીને આજે [24 ડિસેમ્બર 2014] એકાણુંમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. સો કરતાં વધુ વખત ગાંધીકથા કરનાર નારાયણભાઈએ ગુજરાતની સાહિત્યિક સંપ્રજ્ઞતાને ઢંઢોળવાનો જે અ-પૂર્વ પ્રયત્ન કર્યો તેની નોંધ લેવી ઘટે. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની 2008-9ની અવધિમાં વિચાર અને કાર્ય બંને સ્તરે વિશિષ્ટ કામ કર્યું. પરિષદના મુખપત્ર ‘પરબ’માં લખેલા ચોવીસ પ્રમુખીય લેખોમાં તેમણે એકંદર ગુજરાતી સાહિત્યની વાત સીધી સામાજિક-રાજકીય નિસબતના સંદર્ભમાં કરી. એ લેખોનો સંચય રંગદ્વાર પ્રકાશને ‘ઘણું જીવો ગુજરાતી’ નામે બહાર પાડ્યો છે. નારાયણભાઈનું બીજું મહત્ત્વનું કામ તે અમદાવાદ સિવાયના ગુજરાતના કસબા અને શહેરોમાં સાહિત્યયાત્રા માટેની પહેલ અને તેની સાથે યથાશક્તિ ખુદનું રૂબરૂ જોડાણ.