
![]()

![]()
નંદિગ્રામમાં ડાબેરી સરકારને તેમણે જે રીતે પડકારી હતી તે સ્વતંત્ર બૌદ્ધિક હોવું એટલે શું તેની મિસાલ છે ને મશાલ પણ
આવતી કાલે, રવિવારે, [21 અૉગસ્ટ 2016] મહાશ્વેતાદેવીનાં અસ્થિનું તેજગઢ સ્થિત આદિવાસી એકેડેમીના પરિસરમાં સ્થાપન થશે તે સાથે કેમ જાણે એક વર્તુળ પૂરું થવા કરશે.
સ્વતંત્રતા પછીના ભારતમાં દલિત અને આદિવાસી તબકાને વિશે કથિત મુખ્ય ધારાને સભાન, સંવેદનશીલ ને સ્વલ્પ પણ સમાવેશી કરનારા પૈકી મહાશ્વેતાદેવી અગ્રયાયી હતાં અને ગણેશ દેવીએ ઉપાડેલી પ્રવૃત્તિ સાથે સંકળાતાં છેલ્લાં કેટલાંક વરસ તો એમના માટે ગુજરાત બંગાળ પછીના બીજા વતનપ્રાન્ત શું બની રહ્યું હતું, અને તેજગઢ જાણે બીજું ઘર.
ગુજરાત વિદ્યાપીઠના દીક્ષાન્ત સમારંભના અભિભાષણમાં તેમ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં મુખ્ય અતિથીપદેથી એમણે એમનો જે હૃદયભાવ પ્રગટ કર્યો હતો એનું, તો 2002 ગ્રસ્ત ગુજરાતમાં સહૃદયતાના દુકાળ વચ્ચે સમસંવેદનાને ઝંકૃત કરવાની એમની કોશિશનું આ ક્ષણે કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ થાય છે. હમણાં તેજગઢના આદિવાસી કેન્દ્રનો ઉલ્લેખ કર્યો અને આવતી કાલે મહાશ્વેતાદેવી એની માટીમાં વિધિવત્ ભળી જશે એ સંદર્ભમાં તે જોગાનુજોગ ઠીક સાંભરી આવે છે કે પ્રભાવક્ષેત્રના વિસ્તરણની શોધમાં (અને લોકશાહી પ્રક્રિયામાં ઇષ્ટ હોઈ શકતી એક ચેષ્ટા તરીકે) વડાપ્રધાને નવમી ઓગસ્ટના બેંતાલીસ ક્રાન્તિ દિને મધ્ય પ્રદેશમાં ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિમાં આદિવાસી સંમેલનનું વિશેષ આયોજન કર્યું હતું.
નવમી ઓગસ્ટ આમ પણ મૂળ વતનીઓના દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય તખતે ઉજવાય છે, અને ઇરોમ શર્મિલાનાં પારણાં(બલકે નવપ્રસ્થાન)નો દિવસ પણ ઓણ એ સ્તો હતો. થોડાં વરસ પર મહાશ્વેતાદેવીએ પરાણે પ્રાશનઉપવાસી ઇરોમને મળવા ઇચ્છ્યું હતું, પણ તંત્ર અનુકૂળતા કરે તો ને. ગમે તેમ પણ, પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લેથી સંબોધન કરતાં વડાપ્રધાને જે વિશેષોલ્લેખ કરવા મુનાસિબ ધાર્યા હતા એમાં આદિવાસીઓનો વિશેષ હતો, એ વાત અન્યથા પણ નોંધપાત્ર એટલા માટે છે કે સાધારણપણે સંઘ પરિવાર જે પારિભાષિક આગ્રહ રાખે છે એનાથી ચાતરીને એમણે (વનવાસી કે વનબંધુ નહીં પણ) ‘આદિવાસી’ જેવો રૂઢ પ્રયોગ કદાચ પહેલી જ વાર કર્યો હતો.
આદિવાસીઓના હિંદુકરણની (ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્તિના જવાબી વિકલ્પરૂપે) વિશ્વ હિંદુ પરિષદ સહિત સંઘ પરિવારની એક કોશિશ રહી છે. 2002ના ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં જે કોમી ઉદ્રેક લગભગ પહેલી વાર જોવા મળ્યો એમાં આદિવાસીઓના હિંદુકરણનો હિસ્સો જરૂર કાબિલે તપાસ છે. અહીં જો કે ઇતિહાસવસ્તુ તરીકે આજને તબક્કે એ પણ નોંધ લેવી જોઇએ કે ધર્માંતર અગર વટાળ હવે દેશનાં મુખ્ય ચર્ચો અને મિશનરી વર્તુળોની પ્રવૃત્તિમાં એટલાં નથી જેટલાં થોડાંએક કોર પરનાં (ફ્રિન્જલાઇન ખ્રિસ્તીઓમાં) વર્તુળોમાં — અને તે પણ માંડ ટકો બે ટકા હશે તો હશે.
મુદ્દે, દેશના આદિવાસીઓને ન તો ધર્માંતરની જરૂર છે, ન તો શુદ્ધિની. એમને, એમની ઓળખભેર (અલબત્ત, જેમ સાતત્ય તેમ શોધનભેર) મુખ્ય પ્રવાહમાં ભળવાને સારુ મોકળાશની જરૂર છે. ઠક્કરબાપા, જુગતરામકાકા અને બીજાઓની કામગીરીને સમયાનુરૂપ શોધનવર્ધન સાથે આગળ લઈ જવાપણું છે. વનવાસીને બદલે આદિવાસી એવો પ્રયોગ કિલ્લે ચઢી કરતી વેળાએ વડાપ્રધાને આ બધું વિચાર્યું હશે? ન જાને.
સર્જક મહાશ્વેતાદેવીની એક મોટી સેવા એમણે આપણને આ આદિવાસીઓને ઓળખતા અને ચાહતા કર્યા એ લેખાશે. એકબે અંગત સાંભરણની છૂટ લઉં. બેક દાયકા પર એક વાર, આ કટારલેખકે એ મતલબનું લખવાનું બન્યું હતું કે મેઘાણી હોત તો આપણને બિરસા મુંડાની ખબર પડતાં આટલી વાર ન થઈ હોત. આ વાંચીને એક સાચ્ચા (અને સહૃદય) વિવેચકનો ફોન આવ્યો કે આ મુંડા કોણ ને શું. એમની નિખાલસતાની કદરબૂજ સાથે મેં એમને મહાશ્વેતાદેવીની નવલકથા ‘અરણ્યેર અધિકાર’ની વાત કરી હતી.
જો કે મોટા ભાગના ગુજરાતને મહાશ્વેતાદેવીના સર્જનનો પ્રથમ પરિચય ‘રુદાલી’ ફિલ્મ પછી થયો હોય અને હમણેના ગાળામાં એક આદિવાસી વિષયવસ્તુનાં લેખિકારૂપે દૃઢાયો હોય, પણ આ ઓળખ ખરી અને પૂરી નથી. કંઈ નહીં તો પણ અપૂરતી તો છે જ. મને એમનો જે પહેલો અક્ષર પરિચય સાંભરે છે તે લગભગ પાંત્રીસેક વરસ ઉપર સુરેશ જોષીએ જનસત્તા-લોકસત્તાની તેમની કોલમકારીમાં ‘હઝાર ચોરાસીર મા’ને વિશે એકથી વધુ લેખ કરેલા એ છે. (અશ્વિન અને કર્દમ જેવા એમએલ મિત્રો પાસેથી ત્યારે જ જાણવા મળેલું કે નિ:સ્પૃહા દેસાઈએ આ કૃતિ ગુજરાતીમાં ઉતારી છે.)
ફિલ્મ તો તે પછી, જયા ભાદુરીના અભિનયમાં મોડેથી આવી, પણ આરંભે નાટિકા ને પછી નવલકથા રૂપે મુકાયેલું આ વસ્તુ મહાશ્વેતાદેવીએ પૂરા કદની નવલકથારૂપે મૂક્યું તે વરસ (1974) પણ નવનિર્માણ-જેપી આંદોલનોનો જોગાનુજોગ જોતાં અનાયાસે સૂચક બની રહ્યું હતું. આ જોગાનુજોગ હું કેમ સંભારું છું? ભાઈ, આ વાર્તાનું વસ્તુ નક્સલ ચળવળની પૃષ્ઠભૂ પર, એમાં સામેલ પુત્રને પગલે નિર્ભ્રાન્ત-મુક્ત-પ્રવૃત્ત થતી માતાનું છે, માટે. નક્સલ પુત્ર માર્યો ગયો છે અને અણઓળખી લાશ નંબર એક હજાર ચોરાસીરૂપે પડ્યો છે. દકિયાનુસી બાપ એને ઓળખવા બાબતે ચહીને આઘા રહેવાનું પસંદ કરે છે. પણ સુજાતા (મા) એમ પાછી પડતી નથી. બુર્ઝવા (ભદ્રવર્ગી) ગિન્ની (ગૃહિણી) તે સાથે જાણે કે પિતૃસત્તાક, પુરુષપ્રધાન ને સામન્તી એવી સમાજ-અને-શાસનપ્રથાની ઊંચે ઉઠે છે.
સુજાતાનું પાત્ર, વાંચતે વાંચતે ઉઘડતું આવતું હતું ત્યારે મને સાથોસાથ થઈ આવતું સ્મરણ મેક્સિમ ગોર્કીની ‘અમ્મા’નું અને ઇબ્સનના ‘ડોલહાઉસ’ની નોરાનું હતું. સુજાતા આમ તો મધ્યમ વર્ગની ગૃહિણી છે, અને સત્યજીત રાયની ‘મહાનગર’માં પહેલા પગારની કડકડતી નોટોના સંસ્પર્શે રોમેરોમ ઝંકૃત થઈ ઉઠતી બાંગલા ગિન્ની(માધવી મુખર્જી)ની હરોળમાં એને ય મુક્ત થતી કલ્પી પણ શકાય. પણ નોરા ઘરની બહાર નીકળે છે તે એક મધ્યમવર્ગીય નારીની મધ્યમવર્ગબદ્ધમુક્તિ છે. મહાનગરની માધવી પણ બહુધા કુટુંબસાપેક્ષ અર્થમાં મુક્ત જ છે. ગોર્કીની અમ્મા કામદાર પુત્રને પગલે કામદાર આંદોલન અને સમાજ પરિવર્તન બાબતે સભાન અને સક્રિય બને છે, જ્યારે એક હજાર ચોર્યાસીની મા સુજાતા એક મધ્યમવર્ગીય ગૃહિણી તરીકે નોરા-માધવી-અમ્મા ત્રણેને વટી જવા કરે છે. કામદાર પરિવારની નહીં પણ ભદ્ર વર્ગની એ છે એમાં મહાશ્વેતાદેવીનો સમાજપરિવર્તનસંસ્પર્શ નોંધ્યો તમે?
એક કર્મશીલ લેખિકા તરીકે મહાશ્વેતાદેવીનું દીર્ઘકાલીન અર્પણ એમણે પહેલી બીજી સ્વરાજકથામાં નિબદ્ધ નહીં રહેતાં બાકી અને અનિરુદ્ધ સ્વરાજલડાઈમાં ઇંધણ અને ઊંજણની જે અક્ષર કામગીરી કરી એને કારણે રહેશે. ડાબેરી લેખાતાં આ લેખિકાએ નંદિગ્રામમાં પશ્ચિમ બંગાળની ડાબેરી સરકારને જે રીતે પડકારી હતી તે હર, રિપીટ, હર સત્તાપ્રતિષ્ઠાન સંદર્ભે આપણા સમયમાં એક સ્વતંત્ર બૌદ્ધિક હોવું તે શું એની મિસાલ છે, અને મશાલ પણ.
એમનાં અસ્થિ તેજગઢમાં સમાધિસ્થ થશે એવા હેવાલ છે. ખરું જોતાં ખાંભી નહીં પણ વૃક્ષ — અને એ પણ મહુડો — બનીને એ આપણી વચ્ચે હોવાં જોઇએ.
સૌજન્ય : ‘સ્વરાજલડાઈ’, “દિવ્ય ભાસ્કર”, 20 અૉગસ્ટ 2016
![]()
માનવતાવાદી દ્રષ્ટિકોણ ધરાવનાર માન્ચેસ્ટર કેથિડ્રલના ડીન Rogers Govenderના આમંત્રણથી, એક પ્રકલ્પમાં ભાગીદાર બનવાની તક મળી. ગ્રેટર માન્ચેસ્ટર પોલિસ દળે ચારેક વર્ષ પહેલાં આધુનિક ગુલામીના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને તેનો હલ શોધવા એક ખાસ એકમ ઊભું કર્યું છે. માનનીય ગવન્ડરનાં સૂચનથી વિવિધ ધર્મને અનુસરતા કેટલાક નાગરિકોને આ સમસ્યા વિશે જાણકારી આપીને તેમના સમાજનાં વલણો જાણવા અને તેનો હલ શોધવા માટે તેમનો સહકાર મેળવવા એક મિટિંગ યોજવામાં આવેલી. તે વિશે આગળ ઉપર જે પગલાં ભરવામાં આવશે તેનો અહેવાલ યથા સમયે આપીશ, પરંતુ આજે વાત કરવી છે આધુનિક ગુલામી પ્રથાની અને ખાસ કરીને ભારત આ સમસ્યામાં દુનિયામાં કયા સ્થાને છે તે જોવાની.
‘ગુલામી પ્રથા’ શબ્દ કાને પડતાં અશ્વેત સ્ત્રી-પુરુષ અને બાળકોને બજારમાં ઊભાં રાખીને તેમનું વેચાણ થતું હોય, તેમને લોઢાની સાંકળે બાંધીને ઘસડવામાં આવતાં હોય કે તેમની પાસે શેરડી તથા તમાકુની ખેતી કરાવવામાં આવતી હોય, તેવા કારમા જુલમનાં દ્રશ્યો નજર સામે તરી આવે. સામાન્ય માન્યતા એવી છે કે યુરોપિયન મૂળના શ્વેત લોકો આફ્રિકા ખંડમાં વસતી અશ્વેત પ્રજાને પોતાનાથી ઉતરતી માનવીય ગુણવત્તા ધરાવનારા, નીચા બુદ્ધિ આંક વાળા, જેમને કોઈ ધર્મ કે ભાષાનું જ્ઞાન ન હોય તેવા પશુ સમાન અર્ધ માનવ તરીકે ઓળખાવવા લાગ્યા અને શ્યામ રંગધારી હોવાને કારણે તેમનાથી ઉતરતી જાતિના ગણીને તેમનું શોષણ કરવાને પોતાની જાતને અધિકારી માનવા લાગ્યા. રંગ ભેદને આધારે આવું અમાનવીય કૃત્ય આચરવા બદલ સદીઓ સુધી ખુદ બાઇબલનો આધાર પણ લેવાતો રહ્યો. વળી ‘તમારી પાસે કોઈ ધર્મ નથી, શિક્ષણનો અભાવ છે, આરોગ્ય અને સ્વાસ્થ્યની સગવડો નથી, તેથી તમને મદદ કરવા અમને જીસસે મોકલ્યા છે, તમે તેને શરણે આવો તો આ પાપમય જિંદગીમાંથી ઉગારો થશે અને બદલામાં અમે તમને શાળા, દવાખાનાં, રોજગારીની તકો અને આવાસો આપીશું’, તેમ કહીને એમના વતનમાં પગપેસારો કર્યો અને ત્યાર બાદ કરુણા અને પ્રેમના પ્રસારના અંચળા હેઠળ ધર્મ પરિવર્તન તથા સંસ્થાનવાદનો યુગ આવ્યો તે હકીકત જગ જાહેર છે. એકદા ગુલામી પ્રથા કાયદેસર હતી તેમ કહી શકાય. જીવતા જાગતા બે પગાળા માનવીઓનું લીલામ થાય, તેમનાં શરીર સ્વાસ્થ્ય, માનસિક તાકાત, દેખાવ અને કામ કરવાની ક્ષમતાને આધારે બોલી બોલાય અને પતિ-પત્ની-બાળકો જુદાં જુદા ંઘરોમાં વેચાય એ સાવ સામાન્ય બાબત ગણાવા લાગી. ઢોરને પણ કામ કરાવ્યા બાદ કાળજીથી નીરણ અને પાણી અપાય, માંદું પડે તો સારવાર કરાય અને પ્રેમથી પીઠ થાબડવામાં આવે, જ્યારે આ ગુલામો તો એટલી માનવતાના્ ય અધિકારી નહોતા ગણાતા. માનવ ઇતિહાસમાં ગુલામી પ્રથા એ એક બહુ મોટું કાળું ધાબું છે.
છેવટ દરેક યાતનાનો અંત આવે તેમ યુનાઇટેડ કિંગ્ડમની પાર્લામેન્ટે ઈ.સ. 1833માં તેનાં સંસ્થાનોમાં ગુલામી પ્રથા નાબૂદ કરવાનો કાયદો પસાર કર્યો. એમ તો ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે માનવ વ્યાપાર અને ગુલામો પ્રત્યે અમાનવીય વર્તાવ કરવા વિરુદ્ધ કાયદાઓ ઘડેલા. પરંતુ સમગ્ર ભારત કે વિશ્વના અન્ય દેશોમાં એ જુલ્મી પ્રથા ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહી. યુ.એસ.એ.માં ભારે સંઘર્ષ અને જાનહાનિ બાદ જાન્યુઆરી 1863માં પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકને Emancipation Proclamation બિલ પસાર કર્યા બાદ, બે વર્ષે ગુલામી પ્રથાનો કાયદેસર અંત આવ્યો. નોંધ લેવાની વાત એ છે કે યુનાઇટેડ કિંગ્ડમમાં અને કદાચ બીજા દેશોમાં પણ ગુલામોના માલિકોને તેમની માલિકી હેઠળના ગુલામોને મુક્ત કરી દેવા બદલ તેમને પડેલી ખોટનું નાણાકીય વળતર આપવામાં આવેલું! પેઢીઓ સુધી એ ગુલામ પ્રજાના જાન લેવાયા, ઢોરમાર મારેલો, ભૂખે મારેલા, અપહરણ અને બળાત્કાર જેવા ગુનાઓ તેમના પર આચરેલા જેનું વળતર બીજી અનેક પેઢીઓ સુધી વળી શકાય તેમ નથી, તેનો કોઈને વિચાર સુધ્ધાં ન આવ્યો. અરે, આ શોષણ પ્રથાને ખુદ રાજ્ય અને ચર્ચનો પણ સીધો કે આડકતરો ટેકો હતો. સત્તા અને ધર્મ જ્યારે માર્ગ ભૂલે છે ત્યારે કેવો અમાનવીય અત્યાચાર કરાવી શકે છે તેનો આ ગુલામી પ્રથા જીવંત પુરાવો છે. ખેર, આખર કાયદાઓ પસાર થયા અને લાખો ગુલામોની પીડા અને યાતનાઓનો અંત આવ્યો. દુનિયાએ નિરાંતનો દમ લીધો. માનવ જાતને પોતાના પર લાગેલું કલંક ધોવાયાનો અહેસાસ થયો.
પણ એમ કંઈ માણસ શુદ્ધ નિષ્પાપ જીવન જીવીને રહેવા થોડો ટેવાયેલો છે? કાયદા વિરુદ્ધ વર્તન ન થાય પણ નીતિ વિરુદ્ધ વર્તન થાય તો તેને કોણ પકડીને સજા કરવાનું છે? બસ, આવા અનીતિમય વિચારને મૂડીવાદ, વૈશ્ચિક બજાર, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિક જીવન પદ્ધતિના રૂડા મુખવટા પાછળ ઉછેરવાનું સહેલું બન્યું છે અને ‘આધુનિક ગુલામી પ્રથા’ના રૂપમાં એ પુનર્જિવન પામી રહી છે. આજે દુનિયામાં 12થી 29 મિલિયન લોકો આધુનિક ગુલામી પ્રથાના ભોગ બનેલ છે, તેવો અંદાજ છે. તેઓ જે પ્રકારના વ્યવસાયમાં સંકળાયેલા છે તેનાથી લગભગ 35 બિલિયન ડોલર જનરેટ થાય છે તેવો અંદાજ છે. આફ્રિકા ખંડના ઘણા દેશો, નેપાળ, પાકિસ્તાન, કેરેબિયન અને ભારતમાં આવા કામ-ધંધા અને જીવન પ્રથાનું વધુ પ્રમાણ જોવા મળે છે. એનો અર્થ એ કે રંગભેદ નાબૂદ થયો એ એક ભ્રમણા છે, બાકી હજુ પણ મુખ્યત્વે અશ્વેત પ્રજા ધરાવનાર દેશોમાં આંતરિક આર્થિક અને સામાજિક પરિસ્થિતિને પરિણામે ગુલામી પ્રથા નવા વેશ પરિધાન કરીને ગલીએ ગલીએ ફરતી જોવા મળે છે. દુનિયાના કુલ ગુલામોમાંથી 76% ગુલામો માત્ર 10 દેશોમાં રહે છે જેમાં ભારતમાં તેની સહુથી મોટી સંખ્યા – કુલ વસતીના 1% એટલે કે 14 મિલિયન લોકો ગુલામી ભોગવે છે. આ હકીકત વાઇબ્રન્ટ ગુજરાત કે Make in Indiaના નારા લગાવનારને દેખાતી હશે?
સવાલ એ થાય કે આ કહેવાતી આધુનિક ગુલામી પ્રથાના પ્રકારો કયા? જ્ઞાતિ અને વર્ગ વ્યવસ્થા હજુ પણ પ્રચલિત છે જેણે ગુલામી પ્રથાને વારસાગત સ્વરૂપ આપ્યું છે જે શિક્ષણ અને રોજગારીની સુધરેલી તકો છતાં સમાજમાંથી વિદાય નથી લીધી. વધારામાં ભારત, પાકિસ્તાન અને અન્ય જ્ઞાતિ પ્રથામાં ચુસ્તપણે માનનારા દેશોમાં બન્ધુઆ મઝદૂર અને ભૂમિ વિહોણા મઝદૂરો ગુલામો જેવી જ સ્થિતિમાં સબડે છે. રાજકીય સંઘર્ષ, પર્યાવરણીય પરિવર્તન કે કુદરતી આફતોને કારણે થતા ફરજિયાત સ્થળાંતર સ્ત્રી-પુરુષોને ગુલામની દશામાં લાવી મૂકે છે. એવી જ રીતે વેશ્યા વ્યવસાયમાં ફસાયેલી બાળાઓ અને સ્ત્રીઓ, બાળ લગ્નના ભોગ બનેલ બહેનો અને બાળ મજૂરીમાં ફસાયેલ બાળકો આધુનિક ગુલામીના જ એક ભાગ રૂપ છે. તેમાં વળી વકરેલા આતંકવાદને પગલે ચાલેલા માનવ વ્યાપાર અને વિશિષ્ટ વિચારધારાઓના પ્રચારને કારણે માનવ માનવ વચ્ચે સમતા અને આદર અદ્રશ્ય થતાં માલિક અને ગુલામનો રિશ્તો વધુ પ્રબળ બનતો ચાલ્યો છે.
ભારતમાં પ્રવર્તતતી પ્રચ્છન્ન અને દેખીતી ગુલામી અવસ્થાના થોડા આંકડા જોઈએ. સૌ પ્રથમ દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં મોરિટાનિયા, હાઇટી અને પાકિસ્તાન પછી ભારત ગુલામીની પકડમાં જીવતા લોકોમાં ચોથો નંબર ધરાવે છે, એ હકીકત અત્યન્ત દુઃખદ છે.

દુનિયાના કુલ ત્રીસેક મિલિયન ગુલામોમાંથી 14 મિલિયન જેટલા ભારતમાં વસે છે.

તેઓ આવા પ્રકારની ધાતુની ખાણોમાં કામ કરતા હોય છે અથવા બંધુઆ મઝદૂરના વેશે નાના-મોટા ખેત ઉદ્યોગો કે અન્ય મઝદૂરીનાં કામ કરતા જોવા મળે છે.


પશ્ચિમના દેશોમાં કેટલાક સ્ટોર્સને સસ્તાં કપડાં પૂરા પાડનાર કંપનીઓ બાળમજૂરીનો પૂરેપૂરો ઉઠાવે છે એ આ છબીમાં સાબિત થાય છે.

કૈલાશ સત્યાર્થી જેવા અગણિત કર્મશીલો સદીઓ અને દાયકાઓથી આ ક્રૂર પ્રથાનો અંત લાવવા ઝઝૂમી રહ્યા છે.

પણ જેને રૂંવે રૂંવે ધન લોલુપતા, જ્ઞાતિ પ્રથાનું ઝેર સામંતશાહીનો નશો અને આધુનિક ‘વિકાસ’ના નામે પ્રગતિ કરવાની ઘેલછાનો રોગ પ્રસરી ગયો હોય તેવા દેશ પાસે આધુનિક ગુલામી પ્રથાનો નજીકના ભવિષ્યમાં અંત લાવવાની અપેક્ષા સેવવી કદાચ વધુ પડતી લાગે, પરંતુ જયારે યુનાઇટેડ કિંગ્ડમ અને ખાસ કરીને માન્ચેસ્ટર મહાનગરમાં વસતી તમામ કોમને આ પ્રશ્ન વિષે જાગૃતિ લાવીને પોતપોતાના સમૂહના સામાજિક ધારાધોરણો, સાંસ્કૃિતક માન્યતાઓ અને નીતિમત્તાના ખ્યાલોને બદલી ગુલામીના દૂષણને તડીપાર કરવા આહ્વાન આપવામાં આવે ત્યારે એ દિશામાં અહીંના જવાબદાર નાગરિક હોવાને નાતે જરૂર યથાશક્તિ મદદરૂપ થઈશ પણ મનમાં ભારતમાં પ્રચલિત ગુલામી પ્રથાનો અંત કેવી રીતે અને ક્યારે આવશે એ વિષે સતત વિચાર આવે. અન્ય દેશોની વાત નીકળતાં ભારત આધુનિક ગુલામી પ્રથા અસ્તિત્વ ધરાવે છે એ સ્વીકારવામાં અને તેની નાબૂદી માટે સત્વરે અસરકારક પગલાં લેવાની બાબતમાં અત્યન્ત પાછળ છે્, એ હકીકત છતી થતાં અન્ય સભ્યોની હાજરીમાં શરમથી મસ્તક ઝૂકી ગયું. દિલ કહે છે, ચાલ પહેલાં તારી જનમભોમને આ પાપકર્મથી છોડાવનાર સૈન્યમાં ભરતી થઈ જા. …
… કદાચ મારા જીવનકાળ દરમ્યાન પશ્ચિમના અન્ય દેશોની સાથે જ ભારત પણ આધુનિક ગુલામીનો અંત લાવવા સફળ થઇઈચૂક્યું હશે એવું સ્વપ્ન સેવું છું.
e.mail : 71abuch@gmail.com
![]()

