
સન 1946માં ગુજરાતી સાહિત્ય પરિષદનું રાજકોટ મુકામે અધિવેશન મળેલું અને તેના પ્રમુખસ્થાને હતા આપણા વરિષ્ઠ સાહિત્યકાર આચાર્ય રામનારાયણ વિ. પાઠક. અને 1949માં તે પછીનું અધિવેશન જૂનાગઢમાં મળેલું ને ત્યારે પ્રમુખસ્થાને આપણા બીજા આગેવાન સાહિત્યકાર કનૈયાલાલ મા. મુનશી પ્રમુખસ્થાને બિરાજમાન હતા.
ગોંડલના પ્રગતિશીલ રાજવી ભગવતસિંહજીનાં પ્રેરણા-પરિશ્રમ-પૈસા અને દૃષ્ટિથી, ચંદુભાઈ બહેરચરભાઈ પટેલના સંપાદનકામ સાથે ગુજરાતી શબ્દોના અક્ષયપાત્ર જેવા ‘ભગવદ્ગોમંડળ’ની પહેલી આવૃત્તિ 1944માં બહાર પડી, તેને દિલે ભરી જોતા અને આવકારતા સાહિત્યકારોની છબિ. ચિત્રમાં (ડાબેથી) કનૈયાલાલ મુનશી, પ્રાદ્યાપક મનસુખલાલ ઝવેરી, આચાર્ય રા.વિ. પાઠક તથા જીવણલાલ દૃષ્ટિમાન છે.
![]()



બજેટ સત્ર વચ્ચેના વિરામમાં ખાસી ચાલુ ચર્ચાનો અવકાશ છે, ઉત્તર પ્રદેશ અને બીજી વિધાનસભાઓના ચૂંટણી જંગમાંથી આવેલા મુદ્દા પણ લાજિમ છે. પણ આજે એ બધાથી કંઈક હટીને (કદાચ, રેઈનકોટભેર સ્નાન કરવાની રીતે!) થોડીક વાતો દીનદયાલ ઉપાધ્યાયને વિશે અને મિશે કરવી છે. 1968માં આજની તારીખે એ ગયા હતા તે કેલેન્ડર યોગ ખપ પૂરતો સંભારી શકાય; પણ તત્કાળ ધક્કો (જેની સીધી ચર્ચામાં જવાનો ખયાલ નથી તેવા) ચાલુ ચૂંટણી જંગની એક વિગતથી લાગેલો છે. ઉત્તર પ્રદેશમાં બાગી જે ભાજપી ઉમેદવારો, સત્તાવાર ઉમેદવારોની સામે ઊભા થયા છે તે આજકાલ ભાજપના સામ્પ્રત શતાબ્દી પુરુષ શા દીનદયાલ ઉપાધ્યાયને ટાંકીને પોતાનો પ્રચાર ચલાવી રહ્યા છે.