મધ્યયુગી યુરોપમાં જ્યારે સામંતવાદી સમાજ વ્યવસ્થા એની સરગર્મી ઉપર હતી ત્યારે એના વિદ્રોહમાં લોકશાહીનો જન્મ થયો હતો. લોકશાહીનો પાયાનો આદર્શ બરાબરી અને એકજાતનો છે. સ્કૂલોમાં જે યુનિફોર્મનો નિયમ છે તે આ લોકતાંત્રિક વ્યવસ્થાનું પ્રતીક છે. જ્યાં દરેક વિદ્યાર્થી, સામાજિક ઊંચાઇ કે નીચાઇ છતાં, સમાન નજર આવે છે.
અંગ્રેજો ભારતની સ્કૂલોમાં વર્દીની સમાનતા તો લઇ આવ્યા પરંતુ વાઇસરોય માટેનું ભવ્યાતિભવ્ય રાષ્ટ્રપતિ ભવન, સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર માટે વિશાળ બંગલો તેમ જ બ્રિટિશ રાજકર્તાઓની આગળ-પાછળ વળાવિયા(કોન્વોય)ના પ્રતીકોમાં એ જ રાજા-મહારાજા અને ઠાકોરોના ‘વેરી ઇમ્પોર્ટેન્ટ પર્સન’(વી.આઇ.પી.)ની તહજીબ મૂકતા ગયા.
આ વી.આઇ.પી. સંસ્કૃિત આજે પણ એટલી જ સશક્ત છે એટલું જ નહીં, એ વધુ ઊંડી ગઇ છે. શિવસેનાના સાંસદ રવીન્દ્ર ગાયકવાડે એર ઇન્ડિયાના સ્ટાફ સાથે મારામારી અને ગાળાગાળી કરી, એ પેલી ઠાકોરશાહી પરંપરામાંથી આવે છે, જ્યાં ‘ખાસ’ આદમીને ‘આમ’ આદમીથી જુદા અને ઉપર હોવાનો અહેસાસ અજીબ ‘કિક’ આપે છે. ત્યારે તો પ્રધાનમંત્રીથી લઇને શિવસેના પ્રમુખ સુધીના બધા ય ચુપ હતા, એ દર્શાવે છે કે વી.આઇ.પી.ઓને પોતાના ‘વિશેષાધિકાર’ કેટલા વહાલા છે.
એટલા માટે જ મંત્રીઓ અને અફસરોનાં વાહનો ઉપરથી લાલબત્તી હટાવવાનો નિર્ણય આવકારદાયક હોવા છતાં, તે એક પ્રતીકાત્મક કદમ રહી ન જાય, અને લાલબત્તીથી આગળ જાય એ જરૂરી છે.
આવી ‘બત્તીઓ’ ઘણી છે. આ નેતાઓને 34 એર-ટિકિટ મફતમાં મળે છે. તેમના જીવનસાથીને દિલ્હી આવવા 8 ફ્રી એર-ટિકિટ મળે છે. સાંસદોને ફ્રી ફર્સ્ટ ક્લાસ ટિકિટ મળે છે. સરેરાશ 17 પોલીસમેન વી.આઇ.પી.ની સુરક્ષામાં તૈનાત હોય છે, એમને એરપોર્ટ ઉપર સિક્યુરિટી ચેક માટે રોકાવું પડતું નથી. ભારત સરકાર સાંસદોના ટ્રાવેલ ખર્ચ પાછળ વર્ષે 83 કરોડ ખર્ચે છે. આ સિવાય નાના-મોટા ‘અધિકાર’ અનેક છે.
વી.આઇ.પી. સંસ્કૃિત એ માનસિકતામાંથી આવે છે કે માણસો ‘હાઇરાર્કી’માં વહેંચાયેલા છે, અને નીચેના માણસે ઉપરના માણસની અાધીનતા અને અધિકાર સ્વીકારવાના હોય છે. જંગલના જીવનમાં ‘સબળા’ અને ‘નબળા’નો આવો ભેદ બહુ સ્પષ્ટ છે. માનવજીવનમાં આવી અસમાનતા સૌથી પહેલી ધર્મમાંથી આવી હતી. ગુજરાતીમાં ‘દેવના દીધેલ’ (જે ઝવેરચંદ મેઘાણીએ પ્રયોજ્યો હતો) પ્રયોગ છે. કેટલાક લોકો અથવા સમુદાય ભગવાનના ખાસ અથવા નજીક છે, અને એ બીજાથી ઉપર છે. બાવા- સાધુ- સંત-પુરોહિત એટલે જ વી.આઇ.પી. સન્માન મેળવે છે.
એનું બીજું ઉદાહરણ આપણાં ઘરો અને દફતરોમાં છે. જ્યાં નોકરો, પટાવાળા (જે કમરમાં પટ્ટો પહેરતા હતા) કે ઑફિસ બોય ‘સાહેબ’ની સેવામાં હોય છે. એમની રહેવાની (કે દફતરમાં બેસવાની) જગ્યા અલાયદી હોય છે. ઘરમાં તમારી કામવાળી તમારી સાથે સોફામાં બેસીને ટીવી જોઇ શકે? ન જોઇ શકે. લાલબત્તીનું વી.ઇ.આઈ.પી. કલ્ચર હવામાંથી નથી આવતું. એ આપણા દિમાગમાં છે. ઘરની ચાર દીવાલોમાં છે.
જો ચાન્સ મળે તો, જો કોઈ જોતું ન હોય તો તમારામાંથી કેટલા ટ્રાફિક નિયમ તોડીને જતા રહેવાની અભીપ્સા ઉપર કાબૂ રાખી શકે? મુંબઇના નેતા મુરલી દેવરા મરી ગયા ત્યારે શ્રદ્ધાંજલિ આપતાં અરુણ જેટલીએ કહ્યું હતું કે, દેવરાની ઓળખાણ અને પહોંચને કારણે મારા વિસ્તારના ઘણા વિદ્યાર્થીઓને ગમતી સ્કૂલમાં એડમિશન મળી જતાં હતાં. ઓળખાણથી સ્કૂલમાં એડમિશન મેળવવું અે એક પ્રકારની ‘લાલબત્તી’ જ છે, જેવી રીતે મોદીજીનો રૂા. 10 લાખનો સૂટ પણ ‘વિશેષ વ્યક્તિ’નું પ્રતીક છે.
ભારતની આઝાદી માટે લડાઇમાં જોડાયેલા નેતાઓની એક લડાઇ ગોરા સામંતો, હાકેમો અને ઘર આંગણાના જમીનદારો સામે પણ હતી. આ ‘રાજા-મહારાજાઓ’એ જ ભારતની પૂરી સંપદાને પોતાના ‘એકાધિકાર’માં રાખી હતી, એટલા માટે જ આઝાદ ભારતે પ્રારંભમાં મૂડીવાદ નહીં પણ સમાજવાદનો માર્ગ પકડ્યો હતો, જેથી દરેક વર્ગને સમાન જીવન મળે. આઝાદીના બે જ દસકમાં, સમૃદ્ધિ ઉપર સવાર ભારતે, વી.આઇ.પી.ઓનો એક નવો વર્ગ ઊભો કર્યો, જે પેલા સામંતો અને જમીનદારોની જ આગલી કડી હતી. આધુનિક શાસન વ્યવસ્થામાં વી.આઇ.પી. શબ્દ એક મહાન છોગું છે.
વી.આઇ.પી. વિસ્તાર, વી.આઇ.પી. ખુરસી, વી.આઇ.પી. પેવેલિયન, વી.આઇ.પી. સિક્યુરિટી, વી.આઇ.પી. શાદી અને વી.આઇ.પી. કતાર જેવાં તો અનેક છે. અલગ અને ઉપર હોવાની આ ‘વી.આઈ.પી. લાગણી’ ભાૈતિક સમૃદ્ધિમાંથી આવી છે, અને આત્મિક દેવાળિયાપણાની નિશાની છે. આઝાદીના નેતાઓ દિમાગથી સમૃદ્ધ હતા એટલે લંગોટી અને ટ્રેનના ત્રીજા ડબ્બામાં ફરતા હતા. આજે ગેંગસ્ટરો અને કૌભાંડીઓને પણ ‘વિશેષ’ સન્માન મળે છે. બીજાના ચરણ સ્પર્શ કરવાની આપણી માનસિકતા આના માટે જવાબદાર છે. કોઇના ય પગ (તમારા સહિત) વી.આઇ.પી. નથી હોતા.
વી.આઇ.પી. કલ્ચર દિમાગ જ નહીં, સમાજની ગરીબી માટે ય જવાબદાર છે. ભ્રષ્ટાચારની, અન્યાયની શરૂઆત જ ‘તને ખબર છે હું કોણ છું?’માંથી થાય છે. લોકશાહી માટે સૌથી મોટો ખતરો ગરીબી નથી, કારણ કે ગરીબીમાં તો એક પ્રકારની ઇજ્જત, આશા અને સંયમ હોય છે. વી.આઇ.પી. કલ્ચરમાં આ ત્રણેય ભાવોથી વિપરીત માનસિકતા છે, અને એ માનસિકતા ભારતની મહાનતાને નડે છે. ભારતમાં ગરીબી દૂર કરવાની નહીં, વી.આઇ.પી. કલ્ચર દૂર કરવાની જરૂર છે. ગરીબી આપોઆપ દૂર થઇ જશે.
એટલા માટે જ આપણે ‘લાલબત્તી’થી આગળ જવું પડશે.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 07 મે 2017
![]()


મનીષા દેસાઈ મૂળ ભારતીય ને વલસાડી. વખતોવખત ભારત આવે ને કંઈક ને કંઈક સંશોધનાત્મક પ્રકલ્પ હાથ ધરીને આંતરરાષ્ટ્રીય માપદંડથી વાસ્તવિકતાને મૂલવવાનો પ્રયત્ન કરે. એમાં પણ વિશેષ નારીવાદી દૃષ્ટિકોણ રહે. તેમનું "Subaltern Movement in India: Gendered Geographies of Struggle against Neoliberal Development" પુસ્તક તાજેતરની ત્રણ ચળવળને નજીકથી જોઈ, સમજી તેનાં વિવિધ પાસાંને નજર સમક્ષ રાખીને નારીવાદી દૃષ્ટિકોણથી તૃણમૂલ સ્તરે સમજ કેળવીને વાસ્તવિકતાને મુખર કરે છે. આ ત્રણ ચળવળ છે : (૧) નાર-પાર આદિવાસી સંગઠન (૨) મહુવા ખેતીવાડી પર્યાવરણ બચાવો સમિતિ અને (૩) માછીમાર અધિકાર સંઘર્ષસમિતિ પ્રેરિત જન આંદોલનો. આ ત્રણે ચળવળ દક્ષિણ ગુજરાત-વનાંચલ, સૌરાષ્ટ્રઃ મેદાની વિસ્તાર અને કચ્છના બંદર વિસ્તારને આવરે છે, એટલે અહીં યોગાનુયોગે પૂરું ગુજરાતનું ચિત્રણ છે. આ ચળવળો ગાંધીવિચાર પ્રેરિત, પ્રજાસમાજવાદી, સમાજવાદી, નારીવાદી અને પર્યાવરણવાદી સંગઠનો અને નેતાઓ દ્વારા સ્ત્રી-પુરુષ-આબાલવૃદ્ધ સૌને સાંકળીને સ્થાપિત હિતોને પડકારે છે અને કેટલેક અંશે સારી સફળતા પણ હાંસલ કરે છે. કાયદાકીય રસ્તો, જનવાદી સંગઠિત દેખાવો ને સંઘર્ષ સાથે તળજમીની પરિવર્તનશીલ બદલાવના કારણે બહુપાંખિયા જંગ માટેની ચુસ્ત રણનીતિને દર્શનાંકિત કરે છે. એક બાજુ સ્થાપિત હિતો ધરાવતી સરકારી નીતિની જાળ છે, નફાના હેતુથી બજારલક્ષી રસ ધરાવતી નિરમા જેવું ઉદ્યોગગૃહ છે, તો પાવરપ્લાન્ટ માટે સક્રિયતા છે, જે અનુક્રમે આદિવાસીઓ, ખેડૂતો, માછીમારોની પરંપરાગત, વાસ્તવિક જિંદગીને અસરકર્તા તો બને જ છે, સાથે એમને મૂળિયાં સમેત ઉખેડવાની સ્થિતિમાં મૂકવાની ત્રેવડ પણ ધરાવે છે.
કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ચોર્યાસી વર્ષની સફળ અને સુફળ જિંદગીમાં અનેક જુદાં જુદાં ક્ષેત્રો ખેડ્યાં એટલું જ નહીં, તેમાં અસાધારણ સફળતા પણ મેળવી. મુનશી એમના જમાનાના એક પ્રખર અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી હતા. યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં વિવિધ પદે રહી તેના કામકાજમાં મહત્ત્વનો ભાગ ભજવનાર કેળવણીકાર હતા. ૧૯૧૫ની હોમરૂલની ચળવળથી માંડીને ૧૯૪૭ સુધીની દેશની આઝાદી માટેની લડતમાં સક્રિય ભાગ લેનાર અગ્રણી સેનાની હતા. આઝાદી પહેલાં મુંબઈ રાજ્યની અને આઝાદી પછી કેન્દ્રની સરકારમાં એમણે પ્રધાન તરીકે મહત્ત્વની કામગીરી બજાવી. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે હૈદરાબાદના મુક્તિ સંગ્રામની જવાબદારી હિંમત અને કૂનેહપૂર્વક પાર પાડી. ઉત્તર પ્રદેશ જેવા દેશના સૌથી મોટા રાજ્યના ગવર્નર બન્યા. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતરમાં મુનશીનું પ્રદાન અત્યંત મહત્ત્વનું છે. ચક્રવર્તી રાજગોપાલ ચારીએ સ્થાપેલા સ્વતંત્ર પક્ષના તેઓ ઉપપ્રમુખ હતા. તેમણે ગુજરાત સાહિત્ય સંસદ અને ‘ગુજરાત’ સામયિકની સ્થાપના કરી. ૧૯૨૬થી ૧૯૫૭, લગભગ વીસ વર્ષ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદનું પાલન, પોષણ અને સંવર્ધન પોતાની રીતે કર્યું. ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને તે પછીનાં તેત્રીસ વર્ષમાં તેની પ્રવૃત્તિઓનો અસાધારણ વિસ્તાર કર્યો.
અમદાવાદ નેશનલ બુક ફેર, ૨૦૧૭ દરમ્યાન આજે આપણે મુનશીની નવલકથા ‘ગુજરાતનો નાથ’ને યાદ કરીએ છીએ તે એક રીતે જોતાં તેના જન્મ દિવસની ઉજવણી બરાબર છે. કારણ ગયે મહિને ‘ગુજરાતનો નાથ’ના જન્મને એક સો વર્ષ પૂરાં થયાં. હાજી મહંમદ અલારખિયાના ‘વીસમી સદી’ નામના સામયિકના એપ્રિલ ૧૯૧૭ના અંકમાં આ નવલકથાનો પહેલો હપ્તો પ્રગટ થયો હતો. એટલે કે ‘ગુજરાતનો નાથ’ના પ્રાગટ્યને ગયે મહિને સો વર્ષ પૂરાં થયાં. છેલ્લો હપ્તો માર્ચ ૧૯૧૯ના અંકમાં છપાયો. મુનશીની પહેલી નવલકથા ‘વેરની વસૂલાત’ ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં ૧૯૧૩ના ઓગસ્ટથી ૧૯૧૫ના જુલાઈ સુધી હપ્તાવાર પ્રગટ થઇ ત્યારે તે મુનશીના નામે નહિ, પણ ‘ઘનશ્યામ વ્યાસ’ના કૃતક નામે પ્રગટ થઇ હતી. ત્યાર બાદ એ જ સાપ્તાહિકના ભેટ પુસ્તક તરીકે પહેલી ઐતિહાસિક નવલકથા ‘પાટણની પ્રભુતા’ પણ એ જ કૃતક નામે પ્રગટ થયેલી. ગુજરાતનો નાથ’ હપ્તાવાર છપાવા લાગી ત્યારે શરૂઆતમાં તે પણ ‘રા. ઘનશ્યામ’ના કૃતક નામે છપાતી હતી. પણ એપ્રિલ ૧૯૧૮ના અંકથી ‘રા. ઘનશ્યામ’નું નામ દૂર કરી લેખક તરીકે ‘કનૈયાલાલ મા. મુનશી, એડવોકેટ’ એમ સાચું નામ મૂકવાનું શરૂ થયું.