કૉન્ગ્રેસ અને ભા.જ.પ. સ્ટરલાઈટની કંપની વેદાન્તા પાસેથી કરોડો રૂપિયા લઈ ચૂક્યા છે
ફક્ત શુદ્ધ હવા અને પાણી માટે લડી રહેલા તેર નાગરિકોનો તમિલનાડુના સાગરકાંઠાના તુતીકોરિનમાં પોલીસની ગોળીઓએ ભોગ લીધો. તેઓ બીજા હજારો રહીશો સાથે સ્ટરલાઈટ કૉપર નામની કંપની સામે એટલા માટે લડી રહ્યા હતા કે તે આખા વિસ્તારને પ્રદૂષિત કરીને લોકોને વ્યાધિગ્રસ્ત બનાવી રહી છે.
તાંબું બનાવનાર મોટામાં મોટી સ્ટરલાઈટ કંપની ઇન્ગ્લેન્ડના પંદર બિલિયન ડૉલરના વેદાન્તા ઉદ્યોગસમૂહનું એકમ છે. વેદાન્તા અને તેની સબસિડિયરી કંપનીઓએ બેફામ નફા ઉપરાંત દુનિયાભરમાં બદનામી, ભારતમાં રાજકીય પનાહ, જળ-જંગલ-જમીનનાં શોષણ-પ્રદૂષણ માટે કર્મશીલો દ્વારા વિરોધ અને શ્રમજીવીઓ સાથે સંઘર્ષની કમાણી કરી છે.
સદીઓ સુધી માછલી, મોતી અને મીઠા પર નભતાં બંદરગાહનાં નાનાં શહેરમાંથી ઇન્ડસ્ટ્રીઅલ હબમાં ફેરવાઈ રહેલાં તુતીકોરિનના લોકો વેદાન્તાની સ્ટરલાઈટ સામે પચીસેક વર્ષથી અવારનવાર એકંદર શાંતિપૂર્વક લડી રહ્યા હતા. તેમની પર રાજ્યે હિંસા આચરી તે ૨૨ મે સ્ટરલાઇટ વિરોધી આંદોલનના હમણાંના તબક્કાનો સોમો દિવસ હતો. વધતા જતા લોકજુવાળ સામે રાજ્ય સરકાર નિંભર બની રહી. આખરે રોષે ભરાયેલા લોકો જ્યારે પથ્થરમારા તેમ જ આગજની સાથે કંપની અને કલેક્ટર કચેરી તરફ ધસવા લાગ્યા. એ વખતે પોલીસની લગભગ તરતની પ્રતિક્રિયા એ જાન લેવા ગોળીબારની હતી. મોટા પાયે મળતાં વીડિયો ફૂટેજમાં ગોળીબાર અંગેના નિયમોના ભંગ, સાદા વેશધારી પોલીસ દ્વારા, વાહનના છત પર ચઢીને ગોળીબાર, સ્નાઇપર્સ કે શાર્પશૂટર્સના ઉપયોગ અને પોલીસના આત્યંતિક આક્રમક માનસ દેખાય છે એમ નોંધાયું છે.

ગોળીબારની નોબત સરકાર અટકાવી શકી હોત. તેણે ૨૮ તારીખે સ્ટરલાઈટને કાયમ માટે બંધ કરવાનો જે નિર્ણય લીધો, તે જનતાની જાન લીધા વગર પણ લઈ શકાયો હોત. કેમ કે સ્ટરલાઈટ સામે લોકો આ પહેલાં ટૂંકા ગાળાની સફળતાવાળી અનેક લડતો લડી ચૂક્યા છે.૧૯૯૬ માં કંપની શરૂ થયાંનાં બે-એક વર્ષમાં જ તેની ઘાતક અસરો દેખાવા લાગતા લોકોએ રજૂઆતો શરૂ કરી હતી. તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ કેટલાંક પગલાં લીધાં હતાં. ઝેરી વાયુનાં ગળતરનાં પગલે ૨૦૧૩માં જયલલિતાની સરકારે તેની પર બંધી ફરમાવી હતી. કંપનીએ નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પાસેથી લીલી ઝંડી મેળવી હતી, જેની સામે રાજ્ય સરકાર સર્વોચ્ચ અદાલતમાં ગઈ હતી. અદાલતે કંપનીને સો કરોડનો દંડ ફટકાર્યો હતો, પણ રાજ્ય સરકારે લાદેલો પ્રતિબંધ ઊઠાવી લીધો હતો. અદાલતે પણ ટ્રિબ્યુનલની જેમ એના ચૂકાદામાં નૅશનલ એનવાયર્નમેન્ટલ એન્જિનિરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ‘નીરી’ નામની અગ્રણી સંશોધન સંસ્થાના અહેવાલોનો આધાર લીધો હતો. આ સંસ્થાએ ૧૯૯૮ થી ૨૦૧૧ દરમિયાન કંપની અંગે પાંચ અહેવાલો આપ્યા હતા. પહેલી વાર કંપની દ્વારા થતાં પ્રદૂષણ અંગે ખૂબ કડક અહેવાલ આપનાર ‘નીરી’એ પછીના અહેવાલોમાં વધુ ને વધુ સૌમ્ય બનીને આખરે કંપનીને ક્લીનચીટ આપી હતી. આ વાત નોંધીને ‘ડાઉન ટુ અર્થ’ સામયિક જણાવે છે કે સામે ‘નીરી’ને કંપની તરફથી સવા કરોડ રૂપિયાનાં કામ મળ્યાં હતાં. ફેબ્રુઆરી ૨૦૧૬માં કંપનીને વિસ્તરણ માટેનું એનવાર્નમન્ટલ ક્લિઅરન્સ મળ્યું હતું. પણ તેને વડી અદાલતે તુતીકોરિન હિંસાચારના બીજા દિવસે અટકાવી દીધું છે. અલબત્ત, આ ઉપલક ઘટનાક્રમમાં અનેક ખાંચા અને રાજકીય પેચ પણ છે.
દિલ્હીની વિખ્યાત સંસ્થા સેન્ટર ફૉર સાયન્સ અૅન્ડ એનવાયર્નમેન્ટના જણાવ્યા મુજબ ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રએ સ્ટરલાઈટને જાકારો આપ્યો હતો કારણ કે તેના પ્લાન્ટના પ્રસ્તાવ પરથી જ ભયંકર પ્રદૂષણ ફેલાવાની સંભાવના જણાતી હતી. વળી સેન્ટર એમ પણ જણાવે છે કે જાહેર સુનાવણી વિના અને ખોટી માહિતી થકી સ્ટરલાઈટે એનવાર્નમેન્ટલ ક્લિઅરન્સ મેળવ્યું છે. સ્ટરલાઈટની મુખ્ય કંપની વેદાન્તાનાં ગુનાઈત કૃત્યો અંગેની ઘણી માહિતી મળે છે. વેદાન્તાની સબસિડિયરી કંપનીઓએ કુદરતી સંપત્તિને અને તેની સાથે જોડાયેલાં ગામ-કસબાના લોકોને ઘણું નુકસાન કર્યું છે. ઓડિશાના નિયમગીરીની ટેકરીઓમાં બૉક્સાઇટ, ગોવામાં બાઇકોલેમમાં લોખંડ અને રાજસ્થાનનાં રામપુરા આગુચામાં જસતના ખાણખોદાણના કામમાં તેમ જ છત્તીગઢના કોરબા પાવરપ્લાન્ટમાં પર્યાવરણને હાનિ પહોંચાડવા માટે વેદાન્તા સામે કાનૂની પગલાં લેવાયા છે. ઝાંબિયાના ચિંગોલાની તાંબાની ખાણો અંગેનો વેદાન્તા સામેનો મુકદ્દમો ઇન્ગ્લેન્ડની રૉયલ કોર્ટમાં છે. ‘ફૉઇલ વેદાન્તા’ નામની સાઈટ પર વેદાન્તાની સામે તેના દેશ ઇન્ગ્લેન્ડમાં વારંવાર ચાલી રહેલા વિરોધ અંગેની માહિતી મળે છે. વેદાન્તાને લંડનના સ્ટૉક એક્સચેન્જમાંથી ડિલિસ્ટ કરવાની માગણી ઇન્ગ્લેન્ડના વિરોધ પક્ષ લેબર પાર્ટીએ કરી છે.
આપણે ત્યાં વિરોધ પક્ષ કૉન્ગ્રેસના વડા રાહુલ ગાંધીએ તુતીકોરિન ગોળીબારને રાજ્યપ્રેરિત આતંકવાદ ગણાવ્યો છે અને શાસક ભારતીય જનતા પક્ષના નરેન્દ્રભાઈ મોદીએ ફરી એક વખત મીંઢું મૌન પાળ્યું છે. જો કે બંને પક્ષો વેદાન્તા પાસેથી ૨૦૦૪ થી લઈને અગિયાર વર્ષ સુધી કરોડો રૂપિયાનું દાન લઈ ચૂક્યા છે. તેની સામે જાહેર હિતની અરજી ભારતના પૂર્વ મુખ્ય સચીવ ઇ.એ.એસ. શર્મા અને અસોસિએશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ્સએ કરી હતી. અરજીમાં તેમણે પક્ષો પર રિપ્રેઝેન્ટેશન ઑફ પિપલ્સ અૅક્ટ અને ફૉરિન એક્સચેઇન્જ રેગ્યુલેશન અૅક્ટ(ફેરા)ના ભંગનો આરોપ મૂક્યો હતો. દિલ્હીની વડી અદાલતે માર્ચ ૨૦૧૪માં બંને પક્ષોને અપરાધી જાહેર કર્યા અને ચૂંટણી પંચને તેમની સામે છ મહિનામાં પગલાં લેવા આદેશ કર્યો હતો. પક્ષોએ ચૂકાદાને અલગ અલગ રીતે પડકાર્યો હતો. કાનૂની દાવપેચ બંને પક્ષોએ લડાવ્યા તેની વાત લાંબી છે. પણ અંતે સર્વોચ્ચ અદાલતે તેમની અપીલોનો ‘ડિસમિસ્ડ અૅઝ વિડ્રૉન’ તરીકે નિકાલ કર્યો. સંસદીય માર્ગે ભા.જ.પ. બાજી મારી ગયો. સત્તામાં આવ્યા પછી તે વિવાદાસ્પદ ફાઇનાન્સ બિલ હેઠળ ‘ફેરા’ના કાયદામાં બે વાર સુધારા લાવ્યો. તેનાથી વેદાન્તાના ડોનેશનને ગેરકાનૂની જાહેર કરતો દિલ્હીની અદાલતનો ચૂકાદો રદબાતલ થઈ ગયો અને ડોનેશન કાયદેસરનું સાબિત થયું. એન.ડી.એ. સરકારનો ભ્રષ્ટાચાર વિનાની સરકાર તરીકેનો દાવો અને તેની વેદાન્તા સાથેની દોસ્તી અકબંધ રહ્યાં. મોદીની તાજેતરની લંડન મુલાકાતમાં વેદાન્તાના વડા અનિલ અગરવાલે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સ્વચ્છ ભારત અને ઉજાલા જેવી, વડા પ્રધાનની યોજનાઓમાં પણ કંપનીનો સહયોગ છે. કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી હેઠળ વિવિધ ઉપક્રમોનાં હકારાત્મક મીડિયા કવરેજ થકી તેણે પોતાની છબિ સુધારવા પ્રયત્ન કર્યો. પણ અરુંધતી રૉય અને સિદ્ધાર્થ કાક, શ્યામ બેનેગલ અને ગુલ પનાંગ, કેટલાંક કર્મશીલો અને પત્રકારોએ તેની નીતિમત્તાનો જુદા જુદા પ્રસંગે પર્દફાશ કર્યો.
પરદેશની કંપની વેદાન્તાની નફાખોરી આ દેશનાં રાજ્યોની સરકારો કે જાહેર ઔદ્યોગિક એકમો સાથે સાંઠગાંઠથી જ શક્ય બની છે. આ અતિ શક્તિશાળી ગઠબંધનની સામે જે-તે પ્રદેશના જનસામાન્યો, નામી-અનામી જૂથો તેમ જ કર્મશીલોએ કપરા સંજોગો અને બહુ ટાંચા સાધનો સાથે પક્ષીય રાજકારણ વિના છેક સર્વોચ્ચ અદાલત સુધી મોટે ભાગે અહિંસક લડતો આપી છે. આવાં લોકઆંદોલનો દેશભરમાં ચાલતાં હોય છે. આ લડતોની વાત બહુ લોકો સુધી સુધી બહુ ઓછી પહોંચે છે. મોટા ભાગના લોકોનો રસ પણ કીચડઊછાળ ચૂંટણીલક્ષી પક્ષીય રાજકારણના કે સેલિબ્રિટીકેન્દ્રી સમાચારથી આગળ વધતો નથી. લોક લડતો સાર્થક લોકશાહી માટે અનિવાર્ય છે એ કાર્લ માર્ક્સના દ્વિશતાબ્દી વર્ષમાં થયેલ તુત્તિકોરિન જન આંદોલનમાંથી ફરીથી સમજવાનું છે.
e.mail : sanjaysbhave@yahoo.com
++++++
૩૧ મે ૨૦૧૮
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 01 જૂન 2018
![]()


૧૯૭૨ની આ ફિલ્મ. સારસ્વત મનુભાઈ પંચોળી ‘દર્શક’ની ’ઝેર તો પીધાં જાણી જાણી’ નામની અત્યંત લોકપ્રિય નવલકથા પરથી આ ફિલ્મનું સર્જન થયું હતું એટલે લોકોમાં ઘણી ઉત્સુકતા હતી. એ વખતે સારી ગુજરાતી ફિલ્મો અમને અમારી સ્કૂલમાંથી જોવા લઈ જતાં. ખાસ તો નવલકથા પર આધારિત ફિલ્મો જોવાનું મહત્ત્વ ખૂબ વધારે, જેથી વિદ્યાર્થીઓ ભણતી વખતે ફિલ્મ સાથે અનુસંધાન સાધી શકે. ૧૯૭૨ની સાલમાં તો આ ફિલ્મ નહોતી જોઈ, અમારી ઉંમર પણ નહોતી એ સમજવા માટેની. પણ ’૭૬માં ફરીથી પ્રદર્શિત થઈ ત્યારે હાઈસ્કૂલમાંથી અમને જોવા લઈ ગયા હતા. એ ય આમ તો કાચી વય જ કહેવાય, છતાં, ફિલ્મનાં અમુક દ્રશ્યો અને ગીતો યાદ રહી ગયાં હતાં. સૌથી પહેલાં તો સત્યકામ અને રોહિણી, ફિલ્મના મુખ્ય બે પાત્રો યાદગાર અને બીજું, ફિલ્મનાં બે સરસ ગીતો. લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે રૂમઝૂમ, ફૂલડાં ખિલ્યાં ફૂલડાં ઉપર ભમરા બોલે ગુનગુન, તોયે મારો સાયબો ન્યારો બેઠો સાવ સૂન મૂન. આ ગીત આજે પણ એકદમ તાજું છે મન પર. આશા ભોસલેના કંઠમાં અવિનાશ વ્યાસનું આ બહુ જ સરસ, રમતિયાળ સ્વરાંકન. ઉપેન્દ્ર ત્રિવેદી, અનુપમા અને અરવિંદ ત્રિવેદી લીડ રોલમાં. આ ફિલ્મમાં રોહિણીનું ગરવી ગોરીનું પાત્ર અને પ્રભાવશાળી દેખાતો સત્યકામ બહુ ગમી ગયેલા એ વખતે. પછી જો કે, ઉપેન્દ્ર ત્રિવેદીએ ચીલાચાલુ ફિલ્મો કરીને ગુજરાતી ફિલ્મોનો બહુ દાટ વાળ્યો હતો. બાકી, ટૂંક સમયમાં જ ગુજરાતી ફિલ્મોના એ સુપર સ્ટાર બની ગયા હતા. એમનું પોત ઊંચા માહ્યલાનું હતું. પર્સનાલિટી પણ સરસ અને અભિનય સમ્રાટ તો ખરા જ. વિદ્વાન તથા ભાષા-સાહિત્યનું જ્ઞાન પણ ખૂબ સારું. અમિતાભ બચ્ચન કે આમિર ખાનની જેમ પોતાની જ ટર્મ અને કન્ડિશન પર કામ કર્યું હોત તો ગુજરાતી ચલચિત્રોનું ચિત્ર કદાચ જુદું હોત. વેલ, આ મુદ્દો આખો જુદો છે. આપણે તો વાત કરવાની છે અહીં ફિલ્મ અને એના સંગીતની.
મનુદાદાની ફિલ્મ એટલે તો જોવી જ પડે, એમાં વળી સ્કૂલમાંથી શો યોજ્યો હતો એટલે ઉમળકાભેર આ ફિલ્મ જોઈ હતી. મનુભાઈ પંચોળી અમારા આપ્તજન. એમની ક્લાસિક નવલકથા ‘ઝેર તો પીધાં જાણી જાણી’ ઉપરથી આ ફિલ્મ બની હતી એનો ઉમંગ અમને ય હતો. મનુભાઈ સાથે મારા પિતા જયન્ત પંડ્યાનો ભાવસેતુ બંધાયો તેમાં દેશની રાજનીતિ વિશે બન્નેની નિસબત તો ખરી જ, તે ઉપરાંત સાહિત્ય, શિક્ષણ માટેનો સમાન અનુરાગ પણ હતો. પપ્પાએ તેમના પુસ્તક ‘સ્મરણો ભીનાં ભીનાં’માં મનુદાદાના વ્યક્તિચિત્રમાં બહુ સરસ વાત લખી હતી કે, "ભારતના મૂલ્યવાન ગ્રંથો વેદ-ઉપનિષદ, મહાભારત, રામાયણ તેમના અક્ષરદેહનાં વિટામિનો છે. કવિતા, ઇતિહાસ અને તત્ત્વદર્શનને અંતરથી ચાહે છે. આવા અગોચર વરદાને તેમના હૃદયને જે રીતે ખેડ્યું છે તેની ટાઢક આપનારી અનુભૂતિ તેમનાં લખાણોમાંથી થાય છે. તેથી જ તેમનું દર્શકત્વ પથદર્શક બની રહે છે. ટાગોરના સૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધનો એમના પર સઘન પ્રભાવ. પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે ગ્રામવિકાસલક્ષી જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. મનુભાઈને ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તથા ૧૯૮૭માં ઝેર તો પીધાં જાણી જાણી’ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
આ જ ભજનની મૂળ પંક્તિને લઈને અવિનાશ વ્યાસે ફિલ્મની કથા પ્રમાણે શબ્દોમાં ફેરફાર કરીને ઝેર તો પીધાં .. ગીત બનાવી મન્નાડે પાસે અદ્દભુત ગવડાવ્યું છે. સમયચક્ર ભલે ફરતું રહે પણ અમુક ગીતો ઊંડી અસર છોડી જતાં હોય છે. આ ભજન એમાંનું જ એક છે. એના શબ્દે શબ્દે જીવનનો સાર પ્રગટે છે. તો આજે વાત કરવી છે ફિલ્મના આ ટાઈટલ સોન્ગની, ફિલ્મની કથાની અને આ જ ટાઈટલ પરથી બનેલા નાટકની. સંસારમાં આપણે સૌએ ઝેર પીવા સમાન લાગણીનો સામનો ક્યારેક તો કર્યો જ છે. ઝેર પીવું કોને ગમે? છતાં, માણસ શા માટે સ્વેચ્છાએ ઝેર પીવાનું પસંદ કરે છે? અણગમતી સ્થિતિ શા માટે સ્વીકારવાનું પસંદ કરે છે, શું સંજોગોનો ભોગ બનીને વિષસમાન સ્થિતિને અપનાવે છે? આ એ એક મોટો કોયડો છે. શક્ય છે એમાં અંગત સ્વાર્થ હોય, ત્યાગ, બલિદાન, પ્રેમ કે પરોપકાર હોય, પરંતુ મનુષ્ય ઘણીવાર ઝેર અથવા ઝેર જેવી સ્થિતિને જાણવા છતાં સામે ચાલીને ભેટે છે. કાળની થપાટો ખાય છે અને પાછો ફિનિક્સ પંખીની જેમ ઊભો થાય છે. જીવનની આ જ તો ગતિ અને આ જ રીતિ છે એવું નથી લાગતું? ‘ઝેર તો પીધાં જાણી જાણી’ જીવનના પ્રલંબ આરોહ-અવરોહની નવલકથા છે જેમાં ખૂબ બધી ઘટનાઓ આકારાય છે.


