સશસ્ત્ર ક્રાંતિનો દાવો કરનાર કોઈ આંદોલન ક્રાંતિ કર્યા વિના ,પાંચ પાંચ દાયકા સુધી ટકી શકે એ શક્ય જ નથી. ૧૮મી મે ૧૯૬૭ના રોજ પશ્ચિમ બંગાળના નક્સલબાડી નામના ગામમાં રેડિકલ સામ્યવાદી યુવકોએ શોષિત કિસાનો સાથે મળીને હિંસક વિદ્રોહ કર્યો હતો. આનું મુખ્ય કારણ એ હતું કે ભારતીય સામ્યવાદી પક્ષે સંસદીય રાજકારણ અપનાવ્યા પછી તેની ક્રાંતિની ધાર બુઠ્ઠી થઈ ગઈ હતી અને તેલંગાણાની કહેવાતી સશસ્ત્ર ક્રાંતિ તો ક્યારની ય વિસરાઈ ગઈ હતી. બીજું કારણ એ હતું કે ચીન સાથેના યુદ્ધ પછી ભારતીય સામ્યવાદી પક્ષમાં વિભાજન થયું હતું અને એ રીતે સામ્યવાદી આદોલન વધારે નબળું પડ્યું હતું. ભારતમાં સામ્યવાદી પક્ષો હતા, જેઓ સત્તાનું રાજકારણ કરતા હતા, પરંતુ સામ્યવાદી આંદોલન સમાપ્ત થઈ ગયું હતું એવો રેડિકલ સામ્યવાદી યુવકોનો આરોપ હતો. તેમણે ભારતીય સામ્યવાદી પક્ષ (માઓઇસ્ટ-લેનિનિસ્ટ) નામના પક્ષની સ્થાપના કરી હતી.
એ ઘટના પછી રેડિકલ કોમ્યુિનસ્ટ મુવમેન્ટ નક્સલ આંદોલન તરીકે ઓળખાય છે. પાંચ દાયકા થઈ ગયા એ વાતને જેમાં સશસ્ત્ર ક્રાંતિ કરવામાં નક્સલવાદીઓને કોઈ સ્થળે આજ સુધી સફળતા મળી નથી. પહેલાં બંગાળ. એ પછી બિહાર અને મુખ્યત્વે ઝારખંડ. એ પછી તેલંગાણા. ત્યાંથી આગળ વધીને છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ગડચિરોલી. થોડા પ્રમાણમાં ઓરિસ્સા પણ ખરું. દેશના આવડા મોટા ક્ષેત્રમાં નકસલવાદીઓ પ્રભાવ ધરાવે છે એમ કહેવાય છે, પરંતુ તેઓ જે રીતની ક્રાંતિ ઈચ્છે છે અને જે રીતનું વ્યવસ્થા પરિવર્તન ઈચ્છે છે એ એક પણ જગ્યાએ થયું નથી.
તો સવાલ એ છે કે સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ભારતમાં મૂળભૂત વ્યવસ્થા પરિવર્તન કરવા ઈચ્છનારાઓ અને પ્રસ્થાપિત ભારતીય રાજ્ય વ્યવસ્થાને તોડી પાડવા ઈચ્છનારાઓ પાંચ પાંચ દાયકા સુધી કોઈ પણ પ્રકારનું મોટું પરાક્રમ કર્યા વિના ટકી શકે એવું બને ખરું? નવયુવકો શું બેવકૂફ છે કે પરિણામ વિનાની વાંઝણી ક્રાંતિ માટે મૂલ્યવાન જિંદગી હોમી દે? આમ છતાં હકીકત એ છે કે ભારતમાં નકસલવાદીઓ અસ્તિત્વ ધરાવે છે અને નક્સલવાદી આંદોલન પણ અસ્તિત્વ ધરાવે છે. કોઈ મોટી ક્રાંતિ કર્યા વિના કે કોઈ મોટો મીર માર્યા વિના અસ્તિત્વ ધરાવે છે. આ એક રહસ્ય છે અને ખરું પૂછો તો રહસ્ય ઉઘાડું પણ છે, માત્ર તેનો સ્વીકાર કરવામાં આવતો નથી.
ઉઘાડું રહસ્ય એ છે કે કહેવાતું નક્સલવાદી આંદોલન એક પ્રકારના સ્થાપિત હિતમાં ફેરવાઈ ગયું છે. નકસલવાદીઓ લોકતંત્રમાં વિશ્વાસ નથી ધરાવતા, પણ નક્સલી પ્રભાવક્ષેત્રોમાં લોકસભાથી લઈને પંચાયત સુધીની દરેક ચૂંટણી નિર્વિઘ્ને યોજાય છે. આદિવાસીઓ મોટા પ્રમાણમાં મતદાન કરે છે. કોઈ ઉમેદવાર સામે જંગલ પ્રવેશબંધી મુકવામાં આવી હોય એવી એક પણ ઘટના બની નથી. નકસલવાદીઓ શોષણનો વિરોધ કરે છે, પરંતુ જંગલની પેદાશો સુખેથી જંગલની બહાર જાય છે. જંગલ કપાય છે, લાકડું બહાર જાય છે, બામ્બુ બહાર જાય છે, તેંદુ પત્તા બહાર જાય છે. નક્સલવાદી પ્રભાવ ક્ષેત્રોમાં પેપર મિલો ચાલી રહી છે, વગેરે. ઉગ્ર નકસલવાદીઓએ કોઈ ઠેકેદારની હત્યા કરી હોય કે પેપર મિલને આગ લગાડી હોય કે તેના સંચાલકની હત્યા કે અપહરણ કર્યું હોય એવી ઘટના તમે ક્યારે ય સાંભળી છે? કોઈ ખાણિયા ઠેકદારને સતાવવામાં આવ્યો હોય અને તે જીવ બચાવવા ખાણ છોડીને જતો રહ્યો હોય એવું તમે સાંભળ્યું છે? જો નકસલવાદીઓનો ભય હોત તો ખાણકૌભાંડ ન થયું હોત.
તો પછી નકસલવાદીઓ કરે છે શું? આ એક રહસ્ય છે પણ એ ઉઘાડું રહસ્ય છે. તેઓ સ્થાપિત હિતો પાસેથી પૈસા લઈને કમાય છે અને તેમની મુવમેન્ટમાં વચ્ચે આવતા પોલીસોને જરૂર પડે તો મારે છે.
રહી વાત શહેરી નકસલવાદીઓની, તો ભારતના કયા શહેરમાં શહેરી નકસલવાદીઓએ કોઈ ક્રોની કેપિટાલિસ્ટની કે ભ્રષ્ટ ઠેકેદારની હત્યા કરી છે? શું તેમને ખબર નથી કે શોષણનું સ્વરૂપ કેવું છે અને કોણ એના લાભાર્થી છે? કોણ બેન્કોને અને બીજા સરકારી સંસાધનોને લૂંટીને માલામાલ થઈ ગયા છે એની શું તેમને ખબર નથી? શહેરી નકસલવાદીઓ તરીકે જેમની ધરપકડ કરવામાં આવી છે કે ભૂતકાળમાં જેની ધરપકડ કરવામાં આવી હતી એ દેશપ્રેમી ભક્તો કરતાં ઘણા વધારે બુદ્ધિશાળી છે. જો તેઓ હિંસક ક્રાંતિ કરવા માંગતા હોત, તો તેમણે શહેરમાં ક્રોની કેપિટાલિસ્ટોની, ભ્રષ્ટ ઠેકેદારો અને રાજકારણીઓની હત્યા કરી હોત. આવું ભારતના એક પણ શહેરમાં આજ સુધી બન્યું નથી.
તો શું નકસલવાદનો હાઉ જીવતો રાખવામાં આવી રહ્યો છે? યસ. એમાં માત્ર નકસલવાદીઓનું જ સ્થાપિત હિત છે એવું નથી, શાસકોનું અને રાજકારણીઓનું પણ સ્થાપિત હિત છે. ચૂંટણી નજીક આવવાની હોય ત્યારે નકસલવાદીઓ વડા પ્રધાનની હત્યા કરવાની તૈયારી કરી રહ્યા છે, એમ કહેવા માટે તેનો ખપ છે. નકસલવાદને ડામવા માટે ખાસ ફંડ મેળવીને તેને ચાંવ કરવામાં આવે છે. લોકોને ડરાવવા માટે તેનો ખપ છે. જ્યાં વિપુલ કુદરતી સંપદા પડી છે એ જંગલોમાં નકસલવાદીઓને જેર કરવાના નામે અમર્યાદિત સત્તા મેળવવા માટે તેનો ખપ છે. એ સત્તાનો કુદરતી સંપદા લૂંટવા માટે ઉપયોગ કરવામાં આવે છે. દેશ પર ખતરો છે એમ કહીને દેશપ્રેમીઓને બેવકૂફ બનાવવા માટે તેનો ખપ છે. નકસલવાદનો હાઉ જીવતો રાખવામાં અનેક પ્રકારના લાભ છે.
કહેવાતી નકસલવાદી પ્રવૃત્તિ એ મૂળભૂત રીતે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે એટલે નકસલવાદીઓ અને પોલીસો વચ્ચે અથડામણો થતી રહે છે. નકસલવાદીઓ સહિત બધા જ સંપીને જંગલો લૂંટે છે, માત્ર પોલીસ તેની કિંમત ચુકવે છે. આને કારણે પોલીસ આક્રમક બને છે અને ગુસ્સામાં જરૂર કરતાં વધારે પ્રમાણમાં જવાબી હિંસા કરે છે. આને કાયદાના રાજમાં શાસકીય હિંસા (સ્ટેટ વાયોલન્સ) કહેવામાં આવે છે.
અહીં કહેવાતા શહેરી નકસલવાદીઓનો પ્રવેશ થાય છે. તેમાંના કેટલાક નકસલવાદને સમજવાનો પ્રયાસ કરે છે. એવું શું છે કે પાંચ પાંચ દાયકા સુધી કોઈ મોટી સફળતા મળી નહીં હોવા છતાં આંદોલન ટકી રહ્યું છે? તેઓ આનો ઉત્તર શોધવા બદલતી નક્સલવાદી વિચારધારાનો અભ્યાસ કરે છે અને તેમનો સંપર્ક કરે છે. જંગલમાં પણ જાય છે. કેટલાક પાંચ પાંચ દાયકા સુધી ટકી રહેલા નકસલવાદીઓને ખરેખર ઈમાનદાર સમજે છે અને સહાનુભૂતિ ધરાવે છે. કુતૂહલ, વિસ્મય અને સહાનુભૂતિ એ ગુનો નથી. કેટલાક રાજ્ય દ્વારા કરવામાં આવતી હિંસાનો વિરોધ કરે છે. તેમનું કહેવું એવું છે કે રાજ્ય જવાબદાર હોવું જોઈએ અને એ અમર્યાદ પ્રમાણમાં કાયદો પોતાના હાથમાં ન લઈ શકે. રાજ્યની હિંસાનો વિરોધ કરવો એટલે નક્સલી હોવું એવો એનો અર્થ ન થઈ શકે. કેટલાક સેક્યુલર ડાબેરી વિચારધારા ધરાવે છે અને મૂડીવાદી વિકાસના વિરોધી છે એટલે વર્તમાન શાસકોને આંખના કણાની માફક ખૂંચે છે. આવા લોકોને આજકાલ શહેરી નક્સલવાદી તરીકે ઓળખાવીને સતાવવામાં આવે છે.
પુણેની પોલીસે જે સાહસ કર્યું છે એ આવું છે અને યોગ્ય રીતે જ સર્વોચ્ચ અદાલતે તેની રેવડી દાણાદાર કરી નાખી છે. એજન્ડા નરેન્દ્ર મોદીને અને સરકારને તારવાનો છે, તેને શહેરી નકસલવાદ સાથે કોઈ લેવાદેવા નથી. જો શહેરી નકસલવાદીઓ અસ્તિત્વ ધરાવતા હોત તો ક્રોની કેપિટાલિસ્ટોની હત્યાઓ થતી જોવા મળતી હોત.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 03 સપ્ટેમ્બર 2018
![]()


અંજલિઓ અને સંસ્મરણોનો સહજ દોર આછરી રહ્યો છે, અને કળશયાત્રાઓના પ્રચારમાહોલ પછી કંઈક પોરો ખાવાની શક્યતા વરતાઈ રહી છે, ત્યારે અટલ ઘટનાને પૂરા આદર અને પૂરી અદબ સાથે ૨૦૧૮માં ઊભીને ૨૦૧૯ના સંદર્ભમાં તળેઉપર તપાસી શકીએ તો, બને કે, અંજલિઓનો આવકાર્ય પણ અહોધ્વનિ કંઈક લેખે લાગે.