અમારા શહેર હ્યુસ્ટનમાં, કોઇ સંસ્થાએ થોડાં વર્ષો પહેલાં, રઈસ મનીઆર નામના એક ગઝલકાર-કવિનો કાર્યક્રમ યોજેલો. હું જુવાન હતો, ત્યારે મને ય કવિ થવાની ચળ ઉપડેલી. અને મેં નિરંજન ભગતની કવિતાઓ વાંચેલી. બરકત વિરાણી (બેફામ), આસિમ રાંદેરી જેવાની રચનાઓ મને બેહદ પ્રિય.
હું કાંઇ કવિ તો હતો નહીં, પણ હું કવિતા લખી શકું છું એમ બતાવીને મારી ક્લાસની અમુક છોકરીઓને ઇમ્પ્રેસ કરવાનું મને ગમતું. એટલે આસિમ રાંદેરીની ‘લીલા’ને આધારે, મેં એમાં થોડા ઘણા સુધારા-વધારા કરીને, અમુક છોકરીને એમ લાગે કે મેં એના પર જ આ કવિતા લખી છે એ રીતે રજૂઆત કરતો અને પાછો કહેતો કે ‘ના .. ના .. આ મેં નથી લખી આ તો NB એટલે કે નિરંજન ભગતે લખેલી છે. પેલી છોકરી તો NB એટલે નવીન બેન્કર જ સમજે ને ! અને .. પછી શરમાઇ જતી અને મને અહોભાવથી જોતી.
આ બધી ફેબ્રિકેટેડ કવિતાઓની ડાયરી મેં આજે મારી ૭૮ વર્ષની ઉમ્મરે પણ સાચવી રાખી છે અને અમારી સાહિત્યની મંડળીના મારા જેવા રસિક સમવયસ્ક મિત્રો (પ્રવીણકાંત શાસ્ત્રી જેવા) સાથે શેર કરીને, ખૂબ હસીએ છીએ. મારી જૂની રોમેન્ટિક પોકેટ બુકો કે જે એ જમાનામાં ( ૧૯૬૪ થી ૧૯૬૮) બબ્બે રૂપિયાની કિંમતે ફૂટપાથ પર આકર્ષક મુખપ્રુષ્ઠમાં વેચાતી એની પણ વાતો કરીએ.
ખેર ! હું જરા આડી વાતે ઊતરી ગયો. આપણે વાત રઈસ મનીઆરના કાર્યક્રમની કરવાની છે.
હું ત્રીસેક વર્ષથી આ શહેરમાં બનતી ગતિવિધિઓ અંગે અહેવાલો લખું અને ‘નયા પડકાર’, ‘ગુજરાત ટાઇમ્સ’, ‘ગુજરાત સમાચાર’ અને બીજા લોકલ ફરફરિયાઓમાં છપાવું. ક્યારેક નાટકોનાં અવલોકનો લખું અને સિનિયર સિટીઝન્સ મંડળમાં મીમિક્રી કરીને લોકોને હસાવું એટલે લોકો મને ઓળખે. ઉંમરને કારણે પણ લોકો રિસ્પેક્ટ આપે એટલે મને સિનિયર્સ મંડળમાં ટિકિટો વેચવા આપેલી. સિનિયર્સ માટે માત્ર સાત ડોલરનો ભાવ હતો.
પહેલાં તો મેં, રઈસભાઇ કેટલા મોટા ગજાના ગઝલકાર અને કવિ છે, તેમણે કેવી મહાન વ્યક્તિઓ વિશે પુસ્તકો લખ્યાં છે, કેટલા રૂપાળા છે, કેવું મીઠું મીઠું બોલે છે એની વાતો કરીને મારું જ્ઞાન પ્રદર્શિત કર્યું હતું. અને અંતમાં કહ્યું હતું કે ત્રણ કલાકના કાર્યક્રમને અંતે સ્વાદિષ્ટ ભોજન અપાશે.
હવે શ્રોતાજનોમાંથી થયેલા પ્રશ્નો –
૭૦+ ઉમ્મરનાં એક ડોશીમા ઊભા થયાં – માફ કરજો. અમેરિકામાં ‘ડોશી’ને ડોશી નથી કહેતા. યંગ લેડી કહે છે. પણ આ લેખમાં તો મારે એ વ્યક્તિ માટે ‘ડોશી’ જ લખવું છે. કે..મ ? એ તમે જ નક્કી કરજો.
‘તે હેં, નવીનભાઈ, એ ભઈ શેની કવિતાઓ કરે છે ?’ આ મણિયાર એટલે પેલા અમદાવાદમાં બાલાહનુમાન પાસે ચૂડા વેચતા’તા એ પ્રિયકાંત મણિયારના દીકરા થાય ?'
મેં કહ્યું – ‘ના .. આ મણિયાર નથી, મનીઆર છે. સુરતના ડેન્ટિસ્ટ છે.’
‘તે … દાંત પણ તપાસશે ?’ (ઓ તારું ભલું થાય …)
‘ભોજનમાં શી શી વાનગીઓ આપવાના છો?’
મેં કહ્યું – ‘દાળભાત, પૂરી, શાક, કઠોળ, શીખંડ,પાપડ, અથાણું વગેરે …'
‘તે આ બધું માત્ર સાત જ ડોલરમાં ?’
‘હા .. અને ઉપરથી હસાવવાના ટુચકા, કવિતાઓ, ગઝલો -’
‘એ તો જોણેં હમજ્યા, પણ ખાવાનું પહેલાં દેવાનું કે કવિતાઓ હંભળાવ્યા પસે ?’
મેં કહ્યું – ‘કાર્યક્રમને અંતે.’
‘ભલે … તો અમારી તૈણ ટિકિટો આલો.'
બીજાં કેટલાંકે પણ ટિકિટો લીધી.
કાર્યક્રમ અડધો પત્યો, પછી એ ડોશીનો ફોન આવ્યો – ‘નવીનભાઈ, મારી દીકરીને સ્થળ પર આવવા માટે ડાયરેક્શન લખાવો ને ! એ વોલમાર્ટમાંથી હમણાં જ આવી, અમે તૈયાર થઈને નીકળીએ જ છીએ.’
મને કેટલો ગુસ્સો આવ્યો હશે એની તમને કલ્પના પણ નહીં આવે. આમે ય હું તામસી પ્રકૃતિનો અને અપશબ્દોનો છૂટથી ઉપયોગ કરવાની ટેવ ધરાવું છું.
મેં કહ્યું – ‘શું કહ્યું ? મોટેથી બોલો .. સંભળાતું નથી .. અહીં વાઈ-ફાઈ કનેક્શન નથી .. સંભળાતું નથી.’ અને પછી ફોન કાપી નાંખ્યો અને ભોજન પત્યું ત્યાં સુધી ફોન બંધ જ રાખ્યો.
સાચા સાહિત્યરસિકોને તો રસના ઘુંટડા ગળાવે એવો સરસ કાર્યક્રમ હતો અને ગુજ્જુઓએ માણ્યો પણ હતો. હું ‘ગુજ્જુ’ શબ્દપ્રયોગ કરું છું એ ઘણાંને ગમતું નથી. પણ જે લોકો સમયપાલન અને શિસ્તને સમજતા નથી અને વિવિધ મંદિરોમાં મફતિયું ખાવાં માટે લાઇનો લગાવે છે, એવાં લોકો માટે જ હું આ શબ્દપ્રયોગ કરું છું. તમને આસ્થા હોય એવા એકાદ મંદિરમાં પ્રસંગોપાત, ક્યારેક મહાપ્રસાદ લેવા માટે લાઇનમાં ઊભા રહો એ ક્ષમ્ય છે. અથવા પત્નીની બીકે, એના ડ્રાઇવર તરીકે જવું પડ્યું હોય એવા – મારા જેવા – લોકો માટે આ શબ્દપ્રયોગ લાગુ પડતો નથી.
******************
e.mail : navinbanker@yahoo.com
6606 DeMoss Dr. # 1003, Houston, Tx 77074 U.S.A.
Blog : navinbanker.gujaratisahityasarita.org
![]()


આઝાદી પછીનાં ભારતનાં અંગ્રેજી પત્રકારત્વના અત્યંત પ્રતિભાશાળી પત્રકારોમાંના એક એમ.જે. અકબરનું પતન જોઇને ઊંડો રંજ પણ થાય છે અને કવિન્યાય જોઇને કળ પણ વળે છે. ૧૯૮૦ના દાયકામાં વિનોદ મહેતા અને એમ.જે. અકબરે ભારતીય અંગ્રેજી પત્રકારત્વમાં ક્રાંતિ કરી હતી. વિનોદ મહેતાએ રવિવારીય ‘સન્ડે ઓબ્ઝર્વર’ કાઢ્યું હતું અને અકબરે કલકત્તાથી ‘ધ ટેલિગ્રાફ’. બન્ને જણે ભારતીય અંગ્રેજી પત્રકારત્વને ઢાંચામુક્ત કર્યું હતું. એ દિવસો યાદ છે જ્યારે અકબરનું ‘ધ ટેલિગ્રાફ’ ખરીદવા અમે ખાસ ચર્ચગેટ સ્ટેશને એ.એચ. વ્હીલરના સ્ટોલ પર જતા. વ્હીલરવાળાને કહી રાખ્યું હોય કે કોઈ કારણથી ન આવી શકું તો મારી કોપી રાખી મૂકવાની. એમાં પણ શુક્રવારનો અંક તો દરેક અંક સાચવી રાખવા જેવો હોય. પ્રસિદ્ધ કલામર્મજ્ઞ ચિદાનન્દ દાસગુપ્તા આર્ટ અને રિવ્યુનું પાનું એડિટ કરતા.
ડૉ. પ્રકાશ આમટે અને તેમનાં પત્ની ડૉ. મંદા આમટે, ગયાં ચૂંવાળીસ વર્ષથી, પૂર્વ મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં આવેલા, દુર્ગમ એવાં હેમલકસા નામનાં પંથકના, હજારો અભાવગ્રસ્ત આદિવાસીઓને વિના મૂલ્યે તબીબી સેવા પૂરી પાડવાનું કામ ‘લોક બિરાદરી’ નામની સંસ્થાના નેજા હેઠળ કરી રહ્યાં છે. સમયાંતરે સંસ્થાએ શિક્ષણ, જળસંચય, ગ્રામવિકાસ કાર્યક્રમ, આવક-નિર્માણ ઉપક્રમો અને પ્રાણીઓનાં અનાથાલય જેવાં ક્ષેત્રોને પણ આવરી લીધાં છે. ‘લોક બિરાદરી’માં નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, આમટે દંપતીનાં બે સમર્પિત પુત્રો અને પુત્રવધૂઓનો મોટો ફાળો છે.