૧૯૨૫માં આંધ્રના ખેતમજૂર પરિવારમાં જન્મેલા અને અગિયારની વય સુધી શાળાભ્યાસથી વંચિત રહેલા વિશ્વવિખ્યાત કળાકાર કૃષ્ણ રેડ્ડીનું ૯૩ વર્ષની વયે ન્યુયૉર્કમાં, આ વરસે ૨૨ ઑગસ્ટે નિધન થયું છે. ઇંગ્લૅન્ડના ગાર્ડિયન અને અમેરિકાના ન્યુયૉર્ક ટાઇમ્સ અખબારે કૃષ્ણ રેડ્ડીને (નિરીક્ષકનાં આઠેક પાનાં ભરાય તેટલી) માહિતીસભર વિગતો સાથે સ્મરણાંજલિઓ આપી છે.
ઋષિવેલી શાળામાં અભ્યાસ માટે જોડાયા પહેલાં તે મંદિરો માટે મૂર્તિશિલ્પો બનાવતા પોતાના પિતાને મદદ કરતા અને ભીંતચિત્રો બનાવતા હતા. ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં સક્રિય હોવાથી કારાવાસ પણ અનુભવ્યો. શ્રી. જે. કૃષ્ણમૂર્તિના પ્રોત્સાહનથી પહેલાં શાંતિનિકેતનમાં આચાર્ય નંદલાલ બોઝ અને રામકિંકર પાસે કળાભ્યાસ કર્યો. રવીન્દ્રનાથના પ્રભાવે પ્રકૃતિ પ્રત્યે પ્રેમાદર વધ્યાં, જે જીવનના અંત સુધી તેમના કળાસર્જનમાં કોઈ ને કોઈ સ્વરૂપે પ્રગટતાં જ રહ્યાં. શાંતિનિકેતનમાં અભ્યાસ પછી ચારેક વર્ષ ચેન્નાઈ ‘કલાક્ષેત્ર’ની આર્ટ કૉલેજમાં શિક્ષણકાર્ય કર્યું. પછી લંડનની કળાસંસ્થા ‘સ્લેડ’માં વિશ્વવિખ્યાત શિલ્પી હેન્રી મૂર પાસે અભ્યાસ કર્યા બાદ પૅરિસ જઈને રહ્યા. ત્યાં પણ પિકાસો, બ્રાન્કુસી, મિરો, જ્યાકોમેત્તી અને ઝેડકિન જેવા કલાજગતના અનેક આદરણીય કળાકારોનું સાંનિધ્ય મળ્યું. ઝેડકિનની સાથે કામ કરતા છાપકળા પ્રત્યે આકર્ષાઈ, હેઇટરના પ્રયોગાત્મક વલણ ધરાવતા સ્ટુડિયો ‘આતેલિયેર-૧૭’માં જોડાયા. મૂર્તિકાર હોવાને નાતે છાપ બનાવવા જરૂરી બીબું (પ્લેટ) કોતરવા માટે વપરાતાં પારંપરિક ઓજારોને સ્થાને મૂર્તિકામનાં સાધનો વાપરવા શરૂ કર્યાં. ત્યાં તેમણે અને કૈકુ મોતીવાલાએ પ્રયોગો કરીને એક જ બીબાનાં ઓછા વધારે કોતરેલાં દરેક સ્તરો પર વિવિધ રંગોની શાહી લગાડી તેની એક સાથે જ છાપ લેવાની પદ્ધતિ ઉપજાવી અને વિકસાવી. તે પદ્ધતિ હવે ‘વિસ્કોસિટી’ નામે જાણીતી થઈ છે.
પૅરિસમાં બે દાયકાના નિવાસ દરમિયાન આલ્જિરિઆ મુક્તિ આંદોલન માટે પોસ્ટરો બનાવેલ, તેથી તેમને આલ્જીિરયન માની ફ્રૅંચ પોલીસે મારપીટ કરેલી તેમ જ કસ્ટડીમાં લઈ હેરાન પણ કરેલા. તેમના યુવાન મિત્ર અને જાણીતા છબીકાર રામ રહેમાને તેમને ‘તિક્ષ્ણ રાજકારણી સમજની સાથોસાથ ટાગોર અને ગાંધીવિચાર સાથે જોડાયેલ મૂળ ધરાવતો તથા ફ્રૅંચ ડાબેરીઓના સમર્થક સૌમ્ય સજ્જન’ કહ્યા હતા. એક ઉત્તમ છાપગર – પ્રિન્ટમેકર તરીકે આંતરરાષ્ટ્રીય સાંપ્રત કળા ક્ષેત્રે કરેલા તેમના પ્રદાન માટે કૃષ્ણ રેડ્ડી જેટલી અને જેવી નામના અન્ય કોઈ ભારતીય કળાકારને મળી નથી. છાપકળાકાર તરીકે પ્રખ્યાત છે, તેથી પણ વધુ તે શિક્ષક તરીકે લોકપ્રિય હતા. વિવિધ દેશોની ૨૫૦ જેટલી કળાશાળાઓ, સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓમાં વર્ગો લેવા તથા કાર્યશાળા યોજવા માટે તેમને નિમંત્રિત કરાયા હતા. ભારત સરકારે પણ ૧૯૭૨માં ‘પદ્મશ્રી’ આપીને તેમને સન્માન્યા હતા.
એમની છાપકૃતિઓ મુખ્યત્વે અમૂર્ત (Abstract) કહી શકાય તેવી હતી. તેમની છાપો જોનારને તેમાં ‘કંઈ નથી’ને સ્થાને કોઈ અણદીઠેલી અલૌકિક ભોમકાની તથા પ્રકૃતિની લાક્ષણિકતા ધરાવતાં સ્વરૂપોની પ્રતીતિ કરાવે છે. બાંગલાદેશ મુક્તિ-સંગ્રામ બાદ નિર્વાસિત બનેલી એક નાની બાળકીને તેમણે અને તેમની કળાકાર પત્ની જ્યુડીએ દત્તક લઈને, અપર્ણા નામ આપી ઉછેરી છે. ત્રણેક વર્ષની નાનકડી અપૂ તેમની છાપોમાં પણ દેખાવા લાગેલી અને તે પણ મધ્ય સ્થાને.
તેમણે બનાવેલી ઘણી કૃતિઓ ‘રાષ્ટ્રીય આધુનિક કળા સંગ્રહાલય (NGMA) સહિત વિવિધ ભારતીય કળાસંગ્રહોમાં પણ સ્થાન પામી છે.
E-mail : jotu72@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 12
![]()


ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ વિરોધોમાંથી એક વિરોધ એ પોતપોતાના રાષ્ટ્રપિતાને જોવાના દ્રષ્ટિકોણનો પણ છે. મહાત્મા ગાંધીની તો દરેક ભારતીય પોતાની અલગ રીતે વ્યાખ્યા કરી શકે છે. જેમ કે નક્સલીઓ ગાંધીજીને દબાતા પગલે આગળ વધનારા પ્રતિક્રિયાવાદી કહે છે, તો હિંદુત્વવાદીઓની નજરમાં તેઓ મુસલમાનો પ્રત્યે કંઇક વધારે જ ઉદાર હતા. આંબેડકરવાદીઓની નજરમાં જાતિવાદના મુદ્દે તેમનો વિરોધ ગંભીર નહોતો, ત્યારે નારીવાદીઓ તેઓને લૈંગિક ભેદભાવના મુદ્દે થોડા નરમ ગણાવે છે. આધુનિકવાદીઓની નજરમાં ગાંધી ભૂતકાળનું મહિમામંડન કરનાર હતા, તો પરંપરાવાદીઓની નજરમાં તેઓ શાસ્ત્રનો અનાદર કરનાર વ્યક્તિ હતા. જ્યારે પાકિસ્તાનમાં તેમના રાષ્ટ્રપિતાની કોઇ ટીકા-ટિપ્પણી થઇ શકતી નથી.
એક છેડે દ્વૈત અને અદ્વૈત વેદાંત અને બીજા છેડે જ્ઞાતિ-પ્રથા એ હિન્દુ સમાજનો વિરોધાભાસી ચહેરો છે અને એના સંપર્કમાં આવેલી કોઈ વિધર્મી પ્રજા એના પ્રભાવથી મુક્ત નથી. દ્વૈતમાં ઈશ્વર સાથેનો સંબંધ દાસનો છે અને અદ્વૈતમાં ઈશ્વર સાથેનો સંબંધ એકત્વનો છે. દાસ એટલે સો ટકા દાસ, ના-ચીજ, અહંશૂન્ય. દાસમાં કર્તાભાવ નથી હોતો, ઈશ્વર કરાવે છે અને હું નિમિત્તમાત્ર કર્તા છું. અદ્વેત વેદાંત કહે છે કે હું પોતે જ ઈશ્વર છું. અહં બ્રહ્માસ્મિ. જીવ અને શિવ એક જ છે અથવા જે પીંડે તે બ્રહ્માંડે. ભક્ત ગમે એટલો ઈશ્વરમાં એકાકાર થઈ જાય, છેવટે એ ઈશ્વર કરતાં અલગ તો છે જ, જ્યારે અહીં તો અલગ હોવાનો સવાલ જ નથી. વાંચકોને સમજાઈ ગયું હશે કે પહેલો માર્ગ ભક્તિનો છે અને બીજો જ્ઞાનનો. પહેલો માર્ગ પ્રમાણમાં સુલભ છે અને બીજો કઠીન. અનેક સાધકોએ દ્વૈત અને અદ્વૈત અથવા ભક્તિ અને જ્ઞાનનો સમન્વય કરવાનો પ્રયાસ કર્યો છે. પરમ અદ્વૈત વેદાન્તી આદિ શંકરાચાર્યે પણ નિર્ગુણ પહેલાં સગુણનો સ્વીકાર કર્યો છે અને ભજ ગોવિન્દમ્ નામનો ગ્રન્થ લખ્યો છે.