‘કારણ કે તેણે ઝડપથી નાસી છૂટવું પડશે’
આસામના સિલ્ચર પ્રાંતમાં ‘એશો બોલી’ સંસ્થા દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત બંગાળી કવિશ્રી બંદોપાધ્યાય સાથે કેટલાંક સ્થાપિત હિતો ધરાવતાં, અસામાજિક તત્ત્વો દ્વારા જે દુર્વ્યવહાર થયો, તેમના હાથમાંથી માઇક ખેંચી લેવામાં આવ્યું. તોડફોડ કરવામાં આવી, ધમકી આપવામાં આવી, તે ઘટનાને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’(જાન્યુઆરી ૧૪)માં આવરી લેતી અખબારી નોંધ આપણે આપણી મહામૂલી જણસ જેવા કવિને કેટલા સાચવીએ (!) છીએ તે અંગે ઘણું કહી જાય છે. ભગતસાહેબ કહેતા હતા ‘સમાજમાં કવિનું હોવું અને કવિતાનું થવું મનુષ્યજાતિનું સદ્ભાગ્ય છે.’ આ સદ્ભાગ્યની આપણને કદાચ પડી નથી.
શ્રી બંદોપાધ્યાયનો ગુનો એટલો જ કે એમણે યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે રચેલી કવિતા ઘણાને માફક આવી નહોતી અને ત્યારે ય ખાસ્સો વિરોધ થયો હતો. બિચારા ભોળા કવિને એમ કે આટલા અંતરાલ બાદ બધું ભુલાઈ ગયું હશે. પણ આ અંગે જે તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા, ખુલાસા મંગાયા અને છેવટે વાતાવરણ તંગ બન્યું, ત્યારે તેમને આસામ સશસ્ત્ર પોલીસદળની મદદથી સલામત સ્થળે લઈ જવાયા.
ત્રિદીપ સુહૃદના પુસ્તક ‘કવિની ચોકી’માં જણાવાયું છે તેમ, કવિનું કામ ચોકી કરવાનું છે. જ્યાં ખોટું થતું જણાય, તેનો પ્રતિકાર કરવાનું છે. ટાગોર કવિ તરીકે ગાંધીજીની ક્ષતિઓ તરફ ધ્યાન દોરતા હતા. અલબત્ત બંનેનો એકમેક પ્રત્યે આદર અકબંધ રહેતો.
સિલ્ચર ઘટનાના વિરોધમાં બંગાળના સર્જકો બંદોપાધ્યાયની પડખે નિર્ભિકપણે ઊભા રહ્યા. તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો, મમતા બેનરજીએ કવિને સંપૂર્ણ સલામતી પૂરી પાડી. આ ભોગ બનેલા કવિના મતે મારા પોતાના દેશમાં હું અસલામતી અનુભવું છું. વાણીસ્વાતંત્ર્યનો અભાવ છે. અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સર્જકોએ વારંવાર દેશના અન્ય ભાગોની મુલાકાત લેવી પડતી હોય છે. જો સિલ્ચરમાં બન્યું તેમ અન્યત્ર બનવાનું હોય, તો કોણ બહાર જશે ?
એક કવિને જે સૂઝે અને શોભે એવો વિરોધ કર્યો સુબોધ સરકારે – બીજી ફેબ્રુઆરીએ યોજાનારા કવિ-સંમેલનમાં તેમણે, પોતાની કવિતાઓનું પઠન કરવાને ઘોષણા કરી. Moral Courage V/S. Physical Courage.
વિલ ડ્યુરાંએ ‘ધ સ્ટોરી ઑફ ફિલોસૉફી’માં પ્લેટો વિશેના પ્રકરણમાં, તેના શાસકો પ્રત્યેની અપેક્ષાઓની નોંધ લેતાં કહ્યું છે તેમ, તેના મતે, જો આપણે બીમાર હોઈએ, તો અનુભવી, પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત, ઉચ્ચ પદવીધારી તબીબી પાસે સારવાર માટે જઈએ છીએ – તે દેખાવડો છે કે નહીં, સારો વક્તા છે કે નહીં તે બાબત ગૌણ બની રહે છે. તો પછી આખો સમાજ બીમાર હોય, ત્યારે શ્રેષ્ઠ, સૌથી શાણા, ઈમાનદાર શાસકોનું નેતૃત્વ અને માર્ગદર્શન મેળવતાં આપણને કોણ રોકે છે?
વ્યંગમાં તે કહે છે, પગરખાં બનાવવા માટે જેને ફાવટ હોય, તેની પાસે જઈએ છીએ પણ નગર, રાજ્ય કે દેશના વહીવટની વાત આવે, ત્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે જે વોટ ખેંચી લાવે તે ઉત્તમ શાસક.
મારા એક મિત્ર કહેતા હતા, ‘સાચું બોલનારને ઘોડો આપો, કારણ કે તેણે ઝડપથી નાસી છૂટવું પડશે.’ કવિ બધું જુએ છે, નાના માણસનું શોષણ તેને કહે છે, તે બધું યાદ રાખે છે (સચ્ચિદાનંદના પુસ્તકની પ્રારંભિક પંક્તિઓ) આપણા અન્યથા દરિદ્ર દેશને – એક બોલનારો સર્જક સમયાંતરે મળતો રહે તો ય ઘણું.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 16
![]()


હિઝ ઇમ્પિરિયલ મૅજેસ્ટી ધ શાહ ઑફ ઇરાન તરફથી ભારતના નાયબ વડાપ્રધાનને ઇરાનની મુલાકાત માટે નિમંત્રણ મળે છે એ વિરલ ઘટના હતી. ૧૯૬૦ અને ૧૯૭૦ના દસકાઓમાં મધ્ય પશ્ચિમ એશિયામાં શાહનું ખાસ્સું વજન પડતું હતું. વળી, અમેરિકા સાથે તો વધુ નિકટતા કેમ કે ઇરાન ત્યારે મિડલ ઇસ્ટર્ન ડિફેન્સ ઑર્ગેનાઈઝેશનનું સભ્ય હતું. પૅટ્રોલિયમ પેદાશોની અગત્ય અમેરિકા અને શાહ સૌથી પહેલાં સમજેલા. ઇરાનના પાકિસ્તાન તરફી વલણને બદલવા ભારત પ્રયત્નશીલ હતું. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે ઇરાને પાકિસ્તાનના હવાઈ દળને વિના મૂલ્યે ઈંધણ ભરવાની સગવડ કરી આપી હતી, તે હકીકત ભુલાઈ ન હતી. રાજકીય મુત્સદ્દીગીરી દ્વારા ઇરાનને પડકારવાનું કે આર્થિક નીતિઓથી એને નુકસાન પહોંચાડવાનું કોઈ રીતે શક્ય ન હતું. જરૂર હતી ઇરાનને પાકિસ્તાન તરફે તટસ્થ કરવાની.