ભારતમાં ત્રણ પ્રકારના કાર્ડને કોરોના સાથે વિશિષ્ટ સંબંધ છેઃ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, રેશન કાર્ડ અને વિના કાર્ડ!
કોરોના આ ત્રણ શ્રેણીમાં વહેંચાયેલા ભારતને ભિન્ન ભિન્ન રીતે અસર કરે છે. નોટબંધી દરમ્યાન ઑનલાઈન પેમેન્ટ વધ્યું. ઉપયોગી પણ રહ્યું પરંતુ રોકડનો વ્યવહાર તો ગરીબ દેશમાં ચાલુ જ રહે એ સ્વાભાવિક છે. લૉક ડાઉનમાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ધરાવતા નાણાકીય વ્યવહારની સરળતા રહી. આવા લોકો પ્રમાણમાં આર્થિક રીતે સદ્ધર પણ હોય. રોકડના ઉપયોગથી ચેપની બીકે પણ તે ડિજિટલ પેમેન્ટ પસંદ કરે.
બીજો મોટો વર્ગ રેશન કાર્ડ ધારકોનો, જે ગરીબ કે નિમ્ન મધ્યમ વર્ગનાં છે. તાજેતરમાં 80 કરોડ અર્થાત્ 62 ટકા ભારતીયોને સેન્ટ્રલ ફૂડ સિક્યોરિટી સ્કીમ દ્વારા અનાજ વિતરણ થયું તેમ કહેવાય છે. છતાં દેશમાં એવા કરોડો લોકો છે જેમની પાસે રેશન કાર્ડ નથી અથવા તે રીન્યુ થયું નથી. અત્યારના લાભાર્થીઓનું લિસ્ટ વર્ષ 2013થી 2016 દરમિયાન તૈયાર થયેલું. ત્યાર બાદ તેમાં ઉમેરા થયા નથી. આ ત્રીજું ભારત છે, જેની પાસે નથી ક્રેડિટ કાર્ડ, નથી રેશન કાર્ડ.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 જૂન 2020
![]()


(પ્લેગનિવારણનું) કામ કરતાં કરતાં લગભગ દરેક ગામે અમને બહુ જ મીઠો અનુભવ થતો. એવા એક બે પ્રસંગ તો બની જ જાય કે જેથી અમે પ્રેમસાગરમાં ડૂબકાં મારીએ અને અમને કાર્ય કરતાં ઉમળકો થાય. ઘરમાં જુવાન છોકરો પ્લેગથી ગુજરી ગયો હોય તેનાં માબાપ તે મરણના દુઃખમાં સીમમાં ઝૂરતાં હોય. જુવાનની માતા ઘેર આવે. અમે તેમને ઘર ઉઘાડવાનું કહીએ. તે ન ઉઘાડે. અમે સમજાવીએ કે ઘરને સાફ કરવું છે, દવા છાંટવી છે. તે બહેન દુઃખ સાથે કહે, ‘મારો જુવાનજોધ છોકરો પ્લેગમાં ગુજરી ગયો. ઘરની હવા બગડેલી, ઉંદર પડ્યા હતા, પણ અમે વેળાસર ઘર ન છોડ્યું અને તેને પ્લેગ લાગુ પડ્યો. મને લાગુ પડ્યો હોત તો આ વિયોગ સહન ન કરવો પડત. પણ હું તમને ઘર ઉઘાડવા નહીં દઉં. મારા છોકરા જેવા જ તમે બધા છો. તમારી માને પણ તમે મારા છોકરા જેટલા જ વહાલા હશો. તમને આવા જોખમમાં નહીં પડવા દઉં.’