સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ આપીને પૂછ્યું છે કે રાજદ્રોહને ગુનો ગણાવતા ભારતીય દંડ સંહિતાના સેક્શન ૧૨૪(એ)ને શા માટે રદ્દ કરવામાં ન આવે? આ કાયદાનો વ્યાપકપણે દુરુપયોગ થઈ રહ્યો છે. પહેલાં અંગ્રેજો દુરુપયોગ કરતા હતા, આઝાદી પછી ભારત સરકાર અને રાજ્ય સરકારો કરતી આવી છે અને અત્યારે હિંદુ રાષ્ટ્રવાદી સરકાર તેનો સૌથી વધુ દુરુપયોગ કરે છે. અંગ્રેજો કરતાં પણ વધુ, અભૂતપૂર્વ પ્રમાણમાં.
૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછી અત્યાર સુધીમાં છ વરસમાં રાજદ્રોહના ૫૧૯ ગુના દાખલ થયા છે. એ પહેલા ડૉ. મનમોહન સિંહના રાજમાં ૨૦૧૦-૨૦૧૪નાં ચાર વરસમાં રાજદ્રોહના ૨૭૯ ગુના નોંધાયા હતા. બન્ને સરકારોના કાર્યકાળના એક દશક દરમ્યાન કુલ ૧૦,૯૩૮ વ્યક્તિઓ સામે રાજદ્રોહ કરવાના ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૬૫ ટકા એટલે કે ૭,૦૮૫ વ્યક્તિઓ સામે રાજદ્રોહના ગુના નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી નોંધાયા છે. નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા એ પછી સરકારની ટીકા કરવી એને રાજદ્રોહ ઠરાવીને કુલ ૪૦૫ ભારતીય નાગરિકો સામે રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી ૯૬ ટકા એટલે કે ૧૪૯ અને ૧૪૪ કેસ અનુક્રમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથની ટીકા કરવાને લગતા છે. રાજદ્રોહ કહી શકાય કે ખપાવી શકાય એવા ગંભીર કોઈ આરોપ જ નથી, માત્ર ટીકા કરી એને રાજદ્રોહ ગણાવવામાં આવ્યો છે.
આ કાયદાનો ઉઘાડો દુરુપયોગ છે. આનો અર્થ એવો નથી કે આ કાયદાનો બીજા શાસકોએ દુરુપયોગ નથી કર્યો. અંગ્રેજોએ તો આ કાયદો દુરુપયોગ કરવા માટે જ ઘડ્યો હતો કે જેથી ભારતીય પ્રજા અન્યાય સામે અવાજ ઉઠાવતા અને હક તેમ જ અધિકારોની માગણી કરતા ડરે. ૧૮૩૭ની સાલમાં લૉર્ડ મૅકોલેએ આ કાયદો ઘડ્યો હતો જે ત્યારે સેક્શન ૧૧૩ હતો. પાછળથી ૧૮૭૦ની સાલમાં એ કાયદો ભારતીય દંડસંહિતાના સેક્શન ૧૨૪ બનીને કાયદાપોથીમાં આવ્યો હતો અને આજ સુધી એના એ સ્વરૂપમાં કાયમ છે. આ કાયદાનો દુરુપયોગ લોકમાન્ય તિલક સામે, મહાત્મા ગાંધી સામે, કૉન્ગ્રેસના બીજા અનેક નેતાઓની સામે અને સશસ્ત્ર ક્રાંતિકારીઓ સામે કરવામાં આવ્યો છે. એ સમયે જ રાજદ્રોહના કાયદાનો નાગરિકોની સામે થઈ રહેલા દુરુપયોગને જોઇને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ભારતને આઝાદી મળતાની સાથે જ લોકોની અભિવ્યક્તિને રુંધનારા આ કાળા કાયદાને રદ્દ કરવામાં આવશે.
ભારતને આઝાદી મળી એ પછી જવાહરલાલ નેહરુએ આ કાયદાને કાયદાપોથીમાંથી રદ્દ કરવાનો પ્રયાસ કર્યો હતો; પરંતુ ત્યારે દલીલ કરવામાં આવી હતી કે આઝાદ ભારત હજુ બાલ્યાવસ્થામાં છે, તેનો જન્મ જ કોમી વિભાજન સાથે થયો છે, તે કમજોર છે, હજુ પણ અલગતાવાદી અવાજો સંભળાઈ રહ્યા છે, માટે તેને રક્ષણની જરૂર છે અને રાજદ્રોહનો કાયદો રક્ષણ આપવાનું કામ કરશે. ત્યારે એવી પણ દલીલ કરવામાં આવી હતી કે એક સ્થળેથી મજબૂત કેન્દ્ર સરકાર દ્વારા આસેતુ હિમાલય સમગ્ર ભારત ઉપર શાસન થતું હોય એવા રાજ્યનો પ્રયોગ ભારત માટે નવો છે, એટલે એમાં સાવધાન રહેવાની જરૂર છે. મજબૂત શાસકો, મજબૂત કેન્દ્રમાંથી મજબૂતીપૂર્વક દેશ ઉપર શાસન કરી શકે એ સારુ તો કૉંગ્રેસના નેતાઓએ પાકિસ્તાનની માગણીનો સ્વીકાર કરી લીધો હતો. બાકી રાજ્યોને વ્યાપક સતા આપનારા અને કેન્દ્રની સત્તાને ક્ષીણ કરનારા સમવાય ભારતની મુસ્લિમ લીગની માંગણી સ્વીકારી લીધી હોત તો ભારતનું વિભાજન ટાળી શકાતું હતું. તો વાતનો સાર એટલો કે દેશ પગભર થાય અને કેટલીક સમસ્યાઓથી મુક્ત થાય ત્યાં સુધી આ કાયદો ટકાવી રાખવો જોઈએ એવો અભિપ્રાય ત્યારે આવ્યો હતો અને એ કાયદો ટકી ગયો હતો.
દેશ પગભર તો થયો, પણ બહુ ઝડપથી સમસ્યામુક્ત થઈ શક્યો નથી. થઈ શકે એમ જ નહોતો. સમસ્યાઓ જૂની અને જટિલ છે અને તેમાં લાગતીવળગતી પ્રજા એકબીજાના પગની આંટી મારે છે અને સમસ્યાને ઉકેલવા દેતી નથી. આનો અંત લાવવા હજુ વધારે આકરા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. નેશનલ સિક્યુરિટી એક્ટ (એન.એસ.એ.), પબ્લિક સેફટી એક્ટ (પી.એસ.એ.), અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (યુ.એ.પી.એ.), પ્રિવેન્શન એક ટેરરીઝમ એક્ટ (પી.ઓ.ટી.એ. – પોટા) અને બીજા આવા અનેક કાયદાઓ સત્તાધીશો પાસે હાથવગા છે. આ બધા કાયદાઓ રાજ્યદ્રોહના કાયદા કરતાં વધારે આકરા છે અને છતાં સમસ્યાઓનો કે અશાંતિનો અંત આવતો નથી, હા, તેનો અવાજ કરનારાઓ સામે કે અણમાનીતી પ્રજા સામે દુરુપયોગ જરૂર કરવામાં આવે છે. જેમ કે આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા એ પછી એન.એસ.એ. હેઠળ ૧૬૦ મુસલમાનોને જેલમાં ધકેલવામાં આવ્યા હતા.
ટૂંકમાં સરકાર પાસે રાજદ્રોહ કરતાં પણ વધુ વિકરાળ કાયદાઓ હાથવગા છે, પણ વર્તમાન શાસકોને રાજ્યદ્રોહનો કાયદો વધારે માફક આવે છે. કારણ? કારણ બહુ સ્પષ્ટ છે. રાષ્ટ્રીય સુરક્ષાને લગતા આકરા કાયદાઓ ગંભીર ગુનાઓ માટેના છે એટલે તે સ્વતંત્ર અવાજોને રૂંધવામાં, તેમને ડરાવવામાં અને હેરાન કરવામાં ઓછા કામમાં આવે છે. સરકાર એટલે રાજ્ય, રાજ્ય એટલે દેશ, દેશ એટલે નરેન્દ્ર મોદી અને દેશરૂપી નરેન્દ્ર મોદીની આલોચના કરી જ કેમ શકાય? દેશભક્ત તરીકેની લાયકાત સાબિત કરવા માટે નરેન્દ્ર મોદીની ટીકા કરી જ ન શકાય! તો ટીકાકારોનાં મોઢાં બંધ કરવાં છે અને તેમાં આ કાયદો વધુ માફક આવે છે. કોઈ વાચકને આ કાયદાના દુરુપયોગની સંપૂર્ણ વિગત જોઈતી હોય તો article14.com અને scconline.com પર મળી રહેશે.
માટે સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે બહુ થયું, કોઈ માત્ર સરકારની ટીકા કરે એને સીધો રાજદ્રોહનો ગુનો ગણવાનો? કેદારનાથ સિંહ વિરુદ્ધ બિહાર સરકારના કેસમાં ૧૯૬૨ની સાલમાં સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયાધીશોની બેન્ચે ઉપર કહી એ દેશ હજુ નિર્બળ છે એવી દલીલને માન્ય રાખીને રાજદ્રોહના કાયદાને બંધારણીય ઠરાવ્યો હતો, પરંતુ સરકારનો વિરોધ કરનારા નાગરિકો સામે તેનો દુરુપયોગ કરવામાં ન આવે એ સારુ કેટલાક આદેશ આપ્યા હતા. એવી જ રીતે ૧૯૯૫ની સાલમાં પણ સર્વોચ્ચ અદાલતે બલવંતસિંહ અને ભુપિન્દર સિંહ વિરુદ્ધ પંજાબ સરકારના કેસમાં પણ આ કાયદાનો ઉપયોગ કેવા સંજોગોમાં કોની સામે કરી શકાય એની સમજ આપી હતી.
સવાલ એ છે કે ડરે છે કોણ? સરકાર કે તેની સામે બોલનારાઓ? સરકાર ડરાવે છે, સતાવે છે અને છતાં વિરોધ કરનારાઓ તો વિરોધ કરે જ છે. અંગ્રેજોએ ઘડેલા કાળા કાયદા પછી પણ ભારતના નેતાઓ નિર્ભયપણે બોલ્યા હતા અને દેશને આઝાદી અપાવી હતી. જે વિચારી શકે છે, જે વ્યાપક પ્રજાહિતને જોઈ શકે છે અને જેનો અંતરાત્મા જાગી ગયો છે તે ડરતા નથી. જો ડરાવવાથી પરિવર્તનો રોકી શકાતાં હોત તો સમાજ આગળ જ ન વધ્યો હોત. જગતમાં ક્રાંતિઓ ન થઈ હોત. સંસ્થાનવાદનો અંત ન આવ્યો હોત. ભારતમાં જ્ઞાતિઓની પંચાયતોની નાગચૂડ ઢીલી ન પડી હોત. દલિતોને અને સ્ત્રીઓને મોકળાશ ન મળી હોત. ડરાવનારા દરેક યુગમાં અને દરેક સમાજમાં હોય છે. સ્થાપિત હિતોને સત્તા છોડવી નથી, પછી એ રાજસત્તા હોય, ધર્મસત્તા હોય, સમાજસત્તા હોય કે પુરુષસત્તા હોય. કોઈને સત્તા છોડવી નથી અને માટે તેઓ ડરાવે છે.
પણ પ્રશ્ન એ છે કે ડરે છે કોણ? કોણ ડરપોક છે? એ જેઓ ડરાવે છે. તેઓ ડરાવે છે, કારણ કે તેઓ ડરે છે. બીજો સવાલ એ છે કે જેમને ડરાવવામાં આવે છે એ જ્યારે ડરતા તો નથી તો પછી આ ખોટનો ધંધો શા માટે કરવામાં આવે છે? ટીકા કરનારાઓ તો ટીકા કરે જ છે અને તેને રોકવા જતા ભારતના શાસકો તાનાશાહી શાસન કરે છે એવી જગતમાં છાપ પડી છે અને બદનામી થઈ રહી છે. તો પછી શા માટે આવો ખોટનો ધંધો કરે છે?
આનો જવાબ એ છે કે આ કાયદાનો દુરુપયોગ કરીને વિરોધ કરનારા લોકોને સતાવીને જે ડરેલા છે તેને ડરાવવામાં આવે છે. જે નીડર છે તેને ડરાવી શકાતા નથી. વ્યાપક સામજિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સમાજના સભ્યો ઉપર અંકુશ મુકનારા અને સમાજવ્યવસ્થાનું નિયમન કરનારા રીવાજો, રૂઢિઓ, સામાજિક-રાજકીય કાયદાઓ અને નિંદા (આજના યુગમાં સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા ઓળખ છૂપાવીને કરવામાં આવતી સામૂહિક નિંદા-ટ્રોલીંગ) એ લોકો માટે છે જે ડરે છે. જે નીડર છે એ ડરવાના નથી એ તેમને ખબર છે. સરકારી દાવાઓ વિષે શંકા કરનારાઓને, પ્રશ્ન કરનારાઓને, પરીક્ષણ કરીને સત્ય ઉજાગર કરનારાઓને અને સરકારનાં પક્ષપાતી પગલાંઓનો વિરોધ કરનારાઓને સતાવવામાં આવી રહ્યા છે. તેમને ખબર છે કે જે નીડર છે એ ડરવાના નથી અને સતામણી પછી પણ તૂટવાના નથી પણ જે ડરેલા છે એ વધારે ડરેલા રહે અને જે કઢીચટ્ટાઓ છે એ વધારે લાભની લાલચે વફાદારી બદલે નહીં એ માટે આ કાયદાનો દુરુપયોગ કરવામાં આવે છે.
તેમને એ વાતની પણ જાણ છે કે જે ડરેલા છે એ ડરપોક છે, પણ એમાંના બધા બેવકૂફ નથી. તેઓ બધું જ જાણે છે અને જો ડર હટી જાય તો કાલે બોલે પણ ખરા અને રસ્તા ઉપર ઊતરે પણ ખરા. આવું ભૂતકાળમાં અનેકવાર બન્યું છે. ઈમરજન્સી હળવી કરતાની સાથે ઇન્દિરા ગાંધીને આનો અનુભવ થયો હતો.
તો રણનીતિ એવી છે કે બહાર જે મુક્ત અવાજો સંભળાઈ રહ્યા છે તેને ભલે રોકી ન શકાય, પણ આડકતરી રીતે રૂંધી તો શકાય. તેમને ડરાવીને ડરપોક લોકોને ડરાવી શકાય. આ સિવાય કઢીચટ્ટાઓ વિચારોને રોકવા પાળ બાંધવાનું કામ કરે છે. તેઓ સત્તાધીશના જયજયકારનો દેકારો કરશે અને એ રીતે ટીકાકારની ટીકા લોકો સુધી ન પહોંચે એ માટે કામ કરશે. તેઓ ટીકાકારની નિંદાનો દેકારો પણ કરતા જોવા મળશે. તમારા કાને મુક્ત અવાજ મુક્ત રીતે ન પહોંચે એ જોવાનું કામ આ કઢીચટ્ટાઓ કરે છે. યાદ રહે, આગળ કહ્યું તેમ તેમને પણ ડરાવવામાં આવે છે.
જોઇએ સર્વોચ્ચ અદાલત શું કરે છે!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 ઑગસ્ટ 2021
![]()


‘બ્લેક ડેથ’ તરીકે ઓળખાવાયેલી ચૌદમી સદીની બ્યૂબોનિક પ્લેગની મહામારીમાં સાડા સાતથી વીસ કરોડ લોકોનાં મોત થયાંનો અંદાજ છે. આ મહામારીમાં પણ માનવીના પૂર્વગ્રહો અછતા રહી શક્યા નહોતા. યુરોપમાં બ્યૂબોનિક પ્લેગના ફેલાવા માટે ખ્રિસ્તીઓએ યહૂદીઓને જવાબદાર માન્યા હતા. ખ્રિસ્તીઓએ ખૂબ મોટા પાયે યહૂદીઓને નિશાન બનાવી તેમના પર બર્બર હિંસા આચરી હતી. ઓગણીસમી સદીમાં અમેરિકાના પૂર્વ તટમાં કોલેરાની મહામારી ફેલાઈ ત્યારે ઇંગ્લિશ મૂળના પ્રોટેસ્ટન્ટોએ તેનો દોષ આઈરિશ મૂળના કેથલિક્સ પર ઢોળ્યો હતો. તેવું તે સમયના દસ્તાવેજોના આધારે સાબિત થયું છે.


સહજ રીતે નહીં, પણ આવી એક સમજ ધારણ કરીને, પણ આવા એક સંકલ્પથી કવિતા લખવાનું બંધ કરું છું તે લગભગ પાંચેક વર્ષ સુધી. અને પછી ૧૯૮૪માં અચાનક કૈંક થાય છે, એક પ્રકારનો વિસ્ફોટ થતો હોય એવી રીતે હું લખવાનું શરૂ કરું છું. તો એ વખતે આ ‘ધ્રિબાંગસુંદર’ લખાયું. હવે ત્યાં સુધીમાં મારી પાસે સત્સંગની એક સ્પષ્ટ સમજ તો પુષ્ટ થઈ જ ગઈ છે, મનથી કેળવેલો, સંકલ્પથી ઊભો કરેલો એક પ્રકારનો વિતરાગ મારા ચિત્તમાં હશે. અને ‘ધ્રિબાંગસુંદર’માં જે પદાવલી છે એ અત્યંત શૃંગાર પ્રધાન છે. કંઈક અંશે એમાં સંભોગ શૃંગારનાં ચિત્રો પણ છે. મારે માટે એ ‘ટગ ઓફ વોર’ હતી. મારી અંદર મારી આ જે સ્પ્લીટ પર્સનાલિટી હતી, જે અડધી ધ્રિબાંગ છે અને અડધી સુંદર છે, ધ્રિબાંગ – એ અભિવ્યક્તિ, જે પોલું છે તે બોલે છે. તો કવિતામાં આ જે બોલવાની પ્રક્રિયા છે એ છે ધ્રિબાંગ અને અંદરનું બીજું જે સુંદર અંગ છે, એ બંને અંગ વચ્ચેનો આ એક સંઘર્ષ છે, – એ બધું આ કવિતામાં પ્રગટ થાય છે. એટલે હું મારું વિડંબન કરું છું, મારી મશ્કરી કરવાની કોશિશ કરું છું, અને સાથે સાથે ચારે બાજુ જે પરિવેશ છે સાહિત્યનો, એની પણ હું વાત કરું છું અને એનું પણ વિડંબન કરવાની હું કોશિશ કરું છું. તે વખતે આપણી આટલી સુંદર લાલિત્યપૂર્ણ ભાષા વિષે પણ મારા ચિત્તમાં એક કવિ લેખે અને એક પરમાર્થી તરીકે હતું કે મારી કવિતામાં ભાષાનું આ લાલિત્ય પણ પ્રગટ કરું. એટલે મેં એક-બે પ્રકરણ ગઝલનાં લખ્યાં છે, પછી મધ્યકાલીન કુંડળિયાનો પ્રકાર છે એનું પણ એકાદ પ્રકરણ છે. પછી ગીતો છે, પણ એને મેં ગીતો નથી કહ્યાં પણ ‘તિર્યગ્ ગીતિ’ એવું કહ્યું છે, અછાંદસ પણ છે, ગદ્યકાવ્ય પણ છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે મારે મારી ભાષાનું ઐશ્વર્ય પણ એ કાવ્યોમાં પ્રગટ કરવું હતું એટલે મેં આ પ્રકારનું પ્રકરણોનું આયોજન કર્યું. એ કેટલું સફળ-નિષ્ફળ ગયું એ જુદી વાત છે. પણ એક કવિ તરીકેની મારી અભિલાષા અને એક પરમાર્થી તરીકે એ ઘટનાને સ્વીકારવાનો ભાવ એ બે વચ્ચેનો સંઘર્ષ અહીં પ્રગટ થાય છે.