કપરાં કોરોનાકાળમાં વટહૂકમથી લેવાયેલાં ત્રણ કૃષિબિલ આખરે મોદી સરકારે પાછા ખેંચવા પડ્યાં! ૧૪ મહિના કડકડતી ઠંડી, કાળઝાળ ગરમી, ભારે વરસાદ ઉપરથી સરકારી ત્રાસ છતાં ય ખેડૂતો ડગ્યાં નહીં. નવસો ખેડૂતો શહીદ થયાં છે. ઉત્તરાખંડથી યુ.પી. સુધી સરકારે સેંકડો ખેડૂતો પર આંદોલન કરવા બદલ કેસો કર્યાં છે. સામ, દામ, દંડ, ભેદની તમામ સરકારી પ્રયુક્તિને કિસાન એકતાએ પાછી પાડી. મોદીનો પહેલો પરાજય સુપ્રિમ કૉર્ટ આ ત્રણ કોર્પોરેટી કાળા કાનૂન સ્થગિત કર્યા હતા ત્યારે જ થયો હતો, પરંતુ આંદોલનથી એ નિર્ણયને બળ મળ્યું. કિસાન આંદોલનની આ જીત ભારતની રાજનીતિમાં ઐતિહાસિક સીમાચિહ્ન છે.
હજુ હમણાં જ બે દાયકા પૂર્વે નંદીગ્રામમાં ત્રણ હજાર કિસાનો મરી ગયાં, સેંકડો સ્ત્રીઓ પર બળાત્કાર થયાં પણ ટાટાને જમીન આપવા બાબતમાં કિસાનો ઝુક્યાં નહીં અને એમનો વિજય થયેલો એ અત્યારે યાદ આવે. ટાટા માટે લાલ જાજમ અને માર્ક્સને ટાટા કરનાર બંગાળની પાંત્રીસ વર્ષની સરકારનું નંદીગ્રામે પતન કર્યું. ગાંધીજીનો ભારતીય રાજનીતિમાં પ્રવેશ ચંપારણના કિસાન આંદોલનથી, વલ્લભભાઈ પટેલની આગળ 'સરદાર’ વિશેષણ ઉમેરાયું બારડોલીના કિસાન આંદોલનથી. આ પરંપરામાં આ કિસાનોના સત્યાગ્રહને ય જોવો જોઈએ. આઝાદી પછી તેલંગણામાં કિસાનોએ નેહરુને ય હંફાવેલા અને જમીનદારીનો કાયદો રદ્દ કરાવેલો.
નાનપણથી આપણને ભણવામાં આવે છે કે ભારત ખેતીપ્રધાન દેશ છે. પણ ભારતમાં ખેડૂત જ અવગણાતો જાય છે – સહુથી વધારે. ભારત ગામડાંમાં જીવે છે એમ પણ કહેવાયું છે. આ છ લાખ ગામડાંમાં ભારત રોજ રોજ મરે છે. મોદી આવ્યા ત્યારે ભૂખમરાથી પીડિતોનો આંકડો ત્રીસ કરોડથી ઓછો હતો (એ પણ કંઈ આશ્વાસન પામવા જેવી વાત નહોતી જ) આજે જેમને મહિને પાંચ કિલો અનાજ અપાય છે એવાનો આંકડો એંસી કરોડ છે. એંસી કરોડને રોજનું પચાસ ગ્રામ અનાજ મળે છે! મનરેગામાં ૧૫૦ રૂપિયા દલાલી ન આપે તો કામ મળતું નથી. આમાંના મોટા ભાગનાં ખેતમજૂરો જ છે. યુ.પી.ની જેમ અન્ય સરકારોએ પણ આગામી ચાર વર્ષ સુધી મજૂર કાયદાઓ સ્થગિત કર્યાં છે! કહેવાનો અર્થ છે આ સરકાર ખેડૂત, મજૂર, ગરીબ, વિદ્યાર્થી વિરોધી સરકાર છે. તેથી મોદી સરકારનું આ દેખીતું ‘હૃદયપરિવર્તન’ આગામી દિવસોમાં આવી રહેલી પાંચ રાજ્યોની ચૂંટણીનું દબાણ છે. પોતાની સઘળી તાકાત વાપર્યા છતાં, ૭,૦૦૦ કરોડ ખર્ચા છતાં, બંગાળનો પરાભવ તાજો છે. તેથી શૂરા બોલ્યા ન ફરે, એ ફર્યાં છે! સત્તાના મદમાં મસ્ત સરકારને કિસાન એકતાએ ઠેકાણે લાવી દીધી છે. હવે જ કિસાન આંદોલનની અને રાજનીતિની કસોટી છે. ભા.જ.પ.ના આ મતદાર કિસાનો ભા.જ.પ.થી નિભ્રાંત થયાં છે અને 'વોટ પે ચોટ’ના સૂત્રોચ્ચાર કરે છે, અને કુંભકર્ણની નિંદ્રામાં ખલેલ પાડી છે.
આમ છતાં, આ બિલ પાછા ખેંચતી વખતે પણ એમણે તંગડી તો ઊંચી જ રાખી છે! કિસાનોના એક જૂથને મનાવી ન શક્યાં એટલે બિલ પાછા ખેંચું છું. અરે ભાઈ, ભારતના કયાં કિસાન સંગઠને આ બિલનું સ્વાગત કરેલું એ તો બતાવો? એક બે મીડિયામાં ચમકેલાં એ પણ બનાવટી નીકળ્યાં! આ બિલ વાપસીના ભાષણમાં એક પણ શબ્દ, જીવ ગુમાવેલાં કિસાનો માટે નહીં? આ તમારી સંવેદનશીલતા?! તમે કહો છો કે કિસાનોના ભલા માટેના કાનૂન હતા તો કેમ તમે એકવાર પણ કિસાનોને મળવા ન ગયા? તમારા રહેઠાણથી કેવળ ૨૫ કિલોમીટર જ દૂર હતા! અયોધ્યા-સોમનાથના આંટાફેરા મરાય પણ જગતના તાતને મળવાનો સમય જ નહીં, અને હવે મગરના આંસુ! કિસાનોના હિતમાં આ બિલ હતા એ સરાસર જુઠ્ઠાણું છે. સંસદને વંદન કરીને સંસદમાં તમે પ્રવેશ્યા પછી તમે સતત સંસદનું ચીરહરણ કર્યું છે. કોઈ પણ સુધારો સંસદીય સમિતિની ચર્ચા વિચારણા પછી થાય એના બદલે સીધો ‘વટ્ટ હુકમ’. સંસદીય સમિતિની રચના જ નહીં! એ જ રીતે સાંસદો, સાથીપક્ષો સાથે વિધિવત્ની બેઠક વગર જ પાછો ખેંચવાની જાહેરાત! આ સરકાર છે કે કોઈ પેઢી? કૃષિસુધારણાઓ રાજ્યસરકારના ક્ષેત્રમાં આવે છે તો તમે કેન્દ્રીય હસ્તક્ષેપ દ્વારા પુનઃ સંસદીય ગરિમાનો ભંગ કર્યો. વળી, ચૂંટાયેલા પ્રધાનો ચેનલે ચેનલે કિસાનોને નક્સલવાદી, દેશદ્રોહી, ખાલિસ્તાની ગણાવે. તમે એકવાર પણ એક પણ નેતાને એ અંગે ટકોર્યા હતા? તેથી જ કિસાનનેતાને તમે જાહેરમાં બિલ પાછું ખેંચ્યું છતાં વિશ્વાસ નથી. કૃષિબિલ તમારા ઘોષણાપત્રનો ભાગ હતું જ નહીં. ઘોષણાપત્રમાં પ્રતિવર્ષ બે કરોડ નોકરીઓ હતી. ક્યાં છે? તમે જે નથી કરવાનું એ કરો છો, કરવાનું છે એ નથી કરતાં એનું નોટબંધી પછીનું આ બીજું ઉદાહરણ છે.
ભારતમાં ૬૦ કરોડ ખેડૂતો છે. એમના સંતાનો તમે જેની સાથે દિવાળી ઊજવી એ ભારતીય સેનામાં છે. જેણે કદી ગાય દોહી નથી, ગાયની સાની (ખોરાક) તૈયાર નથી કરી એ એકાએક કૃષિબિલ લાવી નાંખે? કિસાનસંગઠનોને બિલ આવતાં પહેલાં બોલાવી શકાત. અરે, બિલ પાછું ખેંચ્યું ત્યારે પણ કિસાનનેતાઓને બોલાવી, પત્રકાર પરિષદ બોલાવી, સન્માનપૂર્વક પાછું ખેંચી શકાત. બિલવાપસી પશ્ચાત્ના તમારા ભાષણમાં અહંકારમઢી નમ્રતા દેખાઈ જતી હતી. કૃષિબિલ લાવતા કે પાછું ખેંચતા સાથી પક્ષો કે વિરોધ પક્ષોને ય કંઈ નહીં પૂછવાનું? તમે ભારતના રાજા છો કે લોકતંત્રના વડા? ઉત્તર પ્રદેશથી ઉત્તરાખંડ, રાજસ્થાન વગેરે જગ્યાએ જગ્યાએ કિસાન આંદોલન સંદર્ભે થયેલી ધરપકડો તાકીદે રદ્દ કરો, સેંકડો કેસો પાછા ખેંચો, જો તમારામાં સંવેદનશીલતા બચી હોય તો.
આ આંદોલને બતાવી દીધું કે રાજનીતિ એ શિક્ષિતોનો ઠેકો નથી. પછી ચૂંટણીમાં વેરવાના અઢળક નાણાં જ છે, ભોંયુ પ્રચારમાધ્યમો ખડા પગલે ૨૪ ગુણ્યા ૭ [24 x 7] સેવામાં લાગેલાં રહેશે. ગામેગામ કિસાન આંદોલને નાની-નાની સભાઓ કરી તીવ્રપણે કોર્પોરેટ હાઉસની ગુલામી કરી રહેલ સરકારને ચૂંટણીમાં પરચો દેખાડવાનું કામ હજુ કરવું પડશે. શેરડીના ૭,૦૦૦ કરોડ સરકારને ચૂકવવાના બાકી છે, એ લેવાના છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ મોંઘી વીજળી યુ.પી.માં છે, ઔદ્યોગિક એકમોને વીજળી-પાણીમાં અભૂતપૂર્વ લાભ અપાય છે એ ખેડૂતોએ માંગવો રહ્યો. ગુજરાતમાં નેનોને એક યુનિટ ૪૦ પૈસે વીજળી મળે છે! આંદોલનની ચાદર સમેટી લેવાને બદલે કિસાનોએ ભારતીય લોકતંત્રના તારણહાર બની, ભજન કરનારને ભગવાનના ભજન કરવા મોકલી દેવા જોઈએ. જેમને અદાણી અંબાણી પર ખૂબ જ વહાલ ઉભરાતું હોય એમને ત્યાં નોકરી કરવા મોકલી દેવા જોઈએ. પાંચ ટ્રિલિયન ઇકોનોમીની વાત કરનારાં તમે જે તબાહી સર્જી છે એને ‘રૂક જાવ’ કહેનાર કિસાન આંદોલન ધન્યવાદને પાત્ર છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 04
![]()


ઉપલેટા કપડવણજ બોડેલી અને અમદાવાદ એમ સઘળાં અધ્યાપનસ્થળો દરમ્યાનના કેટલાક બનાવો મને બહુ યાદ રહી ગયા છે :
જો કે મને મારી નાખવા લગીની ઘટનાઓ પણ ઘટી છે.