ચલચિત્રો – ફિલ્મોની સંખ્યાની દૃષ્ટિએ – ફિલ્મનિર્માણમાં વિશ્વભરમાં ભારત અવ્વલ નંબરે છે, જ્યારે વિશ્વભરમાં સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તે અમેરિકા પછી બીજા નંબરે છે.
ભારત સૌથી વધુ ફિલ્મો સર્જતો દેશ છે ત્યારે સ્વાભાવિકપણે તેની પાસે લાખો-કરોડોની સંખ્યાના ફિલ્મરસિકો પણ છે અને સર્જાતી આ ફિલ્મો વિશે લખનારા – તેનું અવલોકન કરનારા મોટી સંખ્યાના અભ્યાસુઓ – ફિલ્મ-સમીક્ષકો પણ છે.
રાજીવ મસંદ, કોમલ નાહટા, સાયબલ ચેટર્જી, તરણ આદર્શ, ઉત્પલ દત્તા, ભાવના સોમૈયા, રત્નોત્તમા સેનગુપ્તા, શુભ્રા ગુપ્તા, અભિજીત વ્યાસ, સલીલ દલાલ, નિખત કાઝમી, ખાલીદ મોહમદ, (સ્વ.) દૈવયાની ચૌબલ જેવાં ફિલ્મ-અવલોકન ક્ષેત્રે અનેક ફિલ્મ-ક્રિટિક પ્રતાપી નામો તરીકે ઓળખાયાં છે.
આ સૌમાં ૮૦ પારની ઉંમરે પણ ફિલ્મોની વાતોને લોકજીવન અને સામાજિક સંદર્ભમાં, એક ફિલસૂફની અદાથી તેમની પ્રતિદિન પ્રસિદ્ધ થતી કૉલમ ‘પરદે કે પીછે’માં ચર્ચતા રહેલા જયપ્રકાશ ચૌકસે એક સન્માનનીય નામ છે. ચૌકસેએ ખુદ ઘણી ફિલ્મોની વાર્તાઓ અને પટકથાઓ લખી છે. આવું જ એક નામ ફિલ્મ ક્ષેત્રે આપણા અમૃત ગંગરનું પણ છે.
એક વાર એમ બનેલું કે અભિનેતા પ્રાણની ‘શહીદ’ ફિલ્મ આવી, ત્યારે એક ફિલ્મ-સમીક્ષકે એમ લખ્યું કે ‘આ ફિલ્મમાં જેલનું દૃશ્ય મને વિશ્વસનીય નથી લાગતું, કેમ કે તેનો સેટ બરાબર ગોઠવાયેલો નથી.’
પોતાની આત્મકથા ‘….. ઔર પ્રાણ’(પ્રસ્તાવનાઃ અમિતાભ બચ્ચન)માં આ ઘટનાનો ઉલ્લેખ કરીને પ્રાણ (પૃષ્ઠ : ૨૩૯) લખે છે : “સમીક્ષકની એ સમીક્ષા વાંચીને મને બહુ જ હસવું આવ્યું, કારણ કે અમે લોકોએ જેલનાં દૃશ્યો સ્ટુડિયોમાં ઊભાં કરીને નહિ, પરંતુ લુધિયાણાની વાસ્તવિક જેલમાં ફિલ્માવ્યાં હતાં, જ્યાં દૃશ્યોમાં દેખાતા કેટલાક કેદીઓ પણ સાચા કેદીઓ જ હતા! વાસ્તવમાં એ સમીક્ષકને એની ખબર જ ન હતી કે વાસ્તવિક જેલ કેવી હોય !” મતલબ, ફિલ્મો વિશે લખવું એ પણ અભ્યાસ અને સજ્જતા માંગી લેતું એક ગંભીર જવાબદારીભર્યું કાર્ય છે.
આ જ્યારે હું લખી રહ્યો છું ત્યારે ૨૬૧ પાનાંનું એક મજબૂત પુસ્તક ‘बोलीवूड के अतिरिक्त (हिन्दी सिनेमा में दलितविमर्श’) મારા હાથમાં છે, જે પહેલી ઑક્ટોબર ૧૯૪૨ના રોજ હિમાચલ પ્રદેશમાં જન્મેલા, ૨૦૦૨માં ગુજરાતના અધિક મુખ્ય સચિવ જેવા ઉચ્ચપદેથી (છ માસ વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ) નિવૃત્ત થયેલા અને હવે ગુજરાત(ગાંધીનગર)ને જ પોતાનું ઘર બનાવી વસી રહેલા, બોલીવૂડની ફિલ્મો સંદર્ભે એકથી વધુ દળદાર ગ્રંથો લખનારા, ગુજરાતના વરિષ્ઠ સનદી અધિકારી વિજય રંચને લખ્યું છે.
આ પુસ્તક મને મળ્યું ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ ખાતે ગત ૧૮ ડિસેમ્બરે, પરિષદ-પ્રમુખ પ્રકાશ ન. શાહના અધ્યક્ષપદે અને કવિ યૉસેફ મેકવાનના અતિથિવિશેષપદે યોજાયેલા આ પુસ્તકના લોકાર્પણ સ્થળેથી. અધ્યક્ષ પ્રકાશ ન. શાહે સાહસી અને ઠોસ સંદેશ દેતી દેશની ચંદ હિન્દી ફિલ્મોના ઉલ્લેખ સાથે, વિજય રંચનના આ પુસ્તકને પણ એક સાહસ ગણાવી તેમને અભિનંદન આપ્યા હતા. યૉસેફ મેકવાને પ્રસંગોચિત દલિત કાવ્યો રજૂ કર્યાં. જ્યારે રાજ્યના પૂર્વ વરિષ્ઠ સનદી અધિકારીઓ પૂનમચંદ પરમાર અને સંજયપ્રસાદે આગોતરા મળેલા આ પુસ્તકમાંથી પસાર થતાં જે અનુભૂતિ થઈ તેને વહેંચીને સરકારી નોકરીના અત્યંત વ્યસ્ત કામમાંથી નિવૃત્ત થઈને સ્વતંત્ર લેખન તરફ વળેલા વિજય રંચનને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના સૂત્રધાર હરીશ મંગલમે પણ બોલીવૂડ ફિલ્મોમાં દલિતવિમર્શ શોધતા વિજય રંચનની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. આ પુસ્તકનું વાચિકમ્ પણ યોજાયું હતું. પ્રતિભાવમાં લેખકે વંચિતો-શોષિતો-દલિતોના પ્રશ્નોથી કિનારો કરી લેતી અનેકાનેક હિન્દી ફિલ્મોનો ઉલ્લેખ કરી સૌને આવકાર્યા હતા. સંચાલન મનીષ પાઠકે કર્યું હતું. (કાર્યક્રમને ‘બોજ’ બન્યા વિના, કાર્યક્રમ પર સતત ઝળૂંબી રહ્યા વિના સંક્ષિપ્ત ને તોયે સચોટ સંચાલન કરવાનું તો કોઈ મનીષભાઈ પાસેથી શીખે!)
લેખક નિવૃત્તિ બાદ લખેલા ‘बोलीवूड का राष्टृवाद’, ‘बोलीवूड की नारीगाथा’, ‘बोलीवूड का गुमशुदा मुसलमान’, ‘हिन्दी साहित्य का सिनेमाकरण’, ‘The Story of Bollywood Song’, ‘The Genious of Master Madan’, ‘All the way Sahgal’ અને હવે ‘बोलीवूड के अतिरिक्त (हिन्दी सिनेमा में दलितविमर्श’) જેવાં ભારતીય ફિલ્મજગતના કેન્દ્ર સમા બોલીવૂડ અને તેની ફિલ્મોનાં વિવિધ પણ અનોખાં પાસાંઓના દર્શન કરાવતા વિજય રંચનનાં આ પુસ્તકો જોતાં એમ કહી શકાય કે આ લેખકે બોલીવૂડની ફિલ્મોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે અને તેને પોતાની વિચક્ષણ દૃષ્ટિએ તપાસવાનું કૌશલ્ય પણ તેમને પ્રાપ્ત છે.
૧૯૧૩માં બનેલી ‘રાજા હરિશ્ચંદ્ર’થી માંડી ૨૦૨૦માં પ્રદર્શિત થયેલી ‘પરીક્ષા’ જેવી સંખ્યાબંધ બોલીવૂડ ફિલ્મોને ઝીણવટથી જોઈને, તેનાં કથાવસ્તુ-પાત્રવરણી-પાત્રોને મુખે બોલાતા સંવાદો ફિલ્મમાં પાત્રોની દર્શાવાયેલી જાતિ, જ્યાં શૂટિંગ થયું છે તે સ્થળ/સ્થળો-તેનો માહોલ-ફિલ્મ બનાવનારે કરેલી ચાલાકી કે તેણે દાખવેલ હિંમત, પૌરાણિક કથાનકો પરથી બનેલી કે ગાંધી, આંબેડકર, નકસલવાદ કે સાધુ-સંતો-ભક્તો પર બનેલી બોલીવૂડની ફિલ્મોમાં, સમાજના શોષિત અને ઉપેક્ષિત વર્ગ એવા દલિત-વંચિત-અનુસૂચિત જાતિની સમસ્યાને કેવું અને કેટલું સ્થાન મળ્યું છે, તેની તપસીલ કરવાનું ભગીરથ સંશોધનકાર્ય હાથ ધર્યું છે.
વિજય રંચન આ પુસ્તકમાં જે ફિલ્મો વિશે વાત કરે છે, એમાંની ઘણી આપણામાંના ઘણાયે જોઈ હશે. જે તે ફિલ્મોના રિવ્યૂ વાંચ્યા-સાંભળ્યા પછી પણ જોઈ હશે. છતાં, લેખક જે રીતે આ બધી ફિલ્મોને દલિત દૃષ્ટિકોણથી તપાસે છે, જે મકસદ સાથે તપાસે છે, તે જાણે કે આપણે જોયેલી ફિલ્મોને જ ફરીથી – તેમના દૃષ્ટિકોણથી જોવાને પ્રેરે છે. લેખક ન માત્ર તેવી ફિલ્મોની કથા કહે છે, તેમાં રહેલાં ખાસ ‘દલિતબિન્દુ’ઓને પણ શોધે છે. જૂનીથી લઈ નવી લહેરની ભારતીય (બોલીવૂડ) ફિલ્મો દલિતોની પીડાને વાચા આપવામાં સજાગ છે કે ઉદાસ છે ? બોલીવુડ ફિલ્મમાં સોલો હિરો તરીકે કોઈ દલિત આવે અને સ્વીકારાય પણ, એવું વાતાવરણ શું ઊભું થયું છે ખરું? ભારતીય ફિલ્મોમાં દલિતવિમર્શનું શું સ્થાન છે? જેવા કઠિન સવાલોના ઉત્તર શોધવાનો પ્રયાસ કરે છે વિજય રંચનનું આ પુસ્તક. બે દાયકા ઉપરાંતના બોલીવૂડ ફિલ્મોના વિવિધ સ્તરના ઊંડા અભ્યાસ પછી લેખક વિજય રંચનને બોલીવૂડનો છ મુદ્દાવાળો એક set proforma પણ હાથ લાગ્યો છે! તેઓ કહે છે : (એક) હિન્દી ફિલ્મોમાં અમાન્ય / અવૈદ્ય પ્રેમ પણ પૂરી મર્યાદાથી દેખાડવામાં આવશે ! એના માટે વિવિધ પદ્ધતિઓનો આશરો લેવાશે. એમાં જે સર્વસ્વીકૃત કર્યું છે, તે ફિલ્મના નાયકનું મૂળભૂત રીતે બ્રાહ્મણ – સવર્ણ હોવું. ધાર્મિક અથવા પૌરાણિક કથા હશે, તો એની સાથે (દલિત પાત્ર માટે) શાપિત બ્રાહ્મણઋષિની કથા જોડી દેવાશે. પાછલા જન્મોના કોઈ કૃત્યને કારણે (તે બ્રાહ્મણ) કોઈ દલિત/શૂદ્રને ત્યાં જન્મ્યો હશે અને પછી કોઈ અદૃશ્ય શક્તિને કારણે પાપ ધોવાયાં હશે ! (બે) રાજા-મહારાજાની ફિલ્મો હશે, તો રાજદરબારી ષડ્યંત્રો અનુસાર અપહરણ પામેલો સવર્ણ રાજકુમાર/યુવરાજ જંગલી/આદિવાસી કુળમાં ઊછરતો અને પાછો કોઈ રાજકુમારીના પ્રેમમાં પડેલો દર્શાવાયો હશે! (ત્રણ) સામાજિક વિષયની ફિલ્મ હશે તો દલિત/અછૂત પાત્રને પૂર, ધરતીકંપ, હુલ્લડ જેવી કુદરતી/આકસ્મિક આપત્તિઓમાં યા તો કુંભમેળામાં વિખૂટો પાડી દેવાશે! (ચાર) બચપણથી જ નાયકનું કોઈ દુશ્મન દ્વારા અપહરણ કરી દેવામાં આવશે. (જે બહુ સફળ પ્રયોગ મનાયો છે !) (પાંચ) અપરાધી નાયકને વળી એક ઉચ્ચ ઘરની છોકરીથી પ્રેમ થશે અને એમાં પાછા પારાવાર વિઘ્નો આવશે! (જેને ખરેખર મસાલાથી ભરપૂર ફિલ્મ ગણવામાં આવે છે!) અને (છ) અંતમાં નાયક-નાયિકાને જ મારી નાખવામાં આવશે, જેથી એવો દુખાંત પ્રેક્ષકો પર પ્રભાવ છોડે! લેખક આ છ મુદ્દાની Set Formula યા Set Proforma-વાળી સંખ્યાબંધ બોલીવૂડ ફિલ્મોનાં નામો પણ આ પુસ્તકમાં રજૂ કરે છે !
લેખક બોલીવૂડની ફિલ્મોમાં જ્યાં દલિતવિમર્શ ઉજાગર થાય છે, ત્યાં તે–ખુલ્લમખુલ્લા યા પ્રચ્છન્ન રીતે–પ્રેક્ષકો પણ તેની અનુભૂતિ કરી શકે તે રીતે ઊપસી આવ્યો છે કે નહિ, તેની એક ઊંડા અભ્યાસુ તરીકે બારીકાઈથી તપાસ કરે છે. આ માટે તે ફિલ્મના બ્રાહ્મણ/સવર્ણ અને દલિત/અછૂત નાયક/નાયિકાઓના રંગ (મૅકઅપ), પરિધાન, તેમના પરિવાર, તેમનાં વર્તન (અભિનય), તેમના પરિવેશ (વાતાવરણ), તેમના નિવાસ (ઝૂંપડી, ઘર કે મહેલ), ફિલ્મમાં તેઓને જે સોંપાયાં છે તે કામ, તેઓના મુખેથી જે સંવાદો બોલાયા છે, તે તથા એ ફિલ્મના બનાવનાર કોણ છે, કઈ વિચારધારાને વરેલા છે, તેને આધારે કોઈ એક ફિલ્મ (કે તેને બનાવનાર) દલિત-સમસ્યાનો ઉકેલ શોધવાનો ખરો ઇરાદો રાખે છે કે નહિ, દલિતો પ્રતિ સાચી સંવેદના ધરાવે છે કે નહિ, તે સ્પષ્ટ રીતે તારવી આપે છે. સાથેસાથે દલિતવિમર્શને વિકૃત રીતે, સભાનતાપૂર્વક ખોટો સંદેશ જાય તે રીતે કે દલિતોની પીડા બરકરાર રહે તેવી ચાલાકી દાખવતી ફિલ્મોને પણ લેખક અહીં પકડી પાડે છે.
બોલીવૂડની ફિલ્મોને આ રીતે તપાસવી એક પડકાર કહેવાય અને આ પડકાર લેખકે અહીં ઉપાડી લીધેલો જણાય છે. દલિતવિમર્શ યા દલિત સમસ્યાને નિરૂપવાનો આભાસ રચતી કે તેવો દાવો કરતી અસંખ્ય બોલીવૂડ ફિલ્મો, વિજય રંચનના આકરા અવલોકનથી બચી નથી શકી. આ પુસ્તકમાં એનાં સંખ્યાબંધ ઉદાહરણો પણ મળી આવે છે.
લેખક લખે છે : ફિલ્મ ‘દિલ્હી-૬’(૨૦૦૯)ની દલિત યુવતી જલેબી (દિવ્યા દત્તા) સફાઈકામદાર છે, તે જ કારણે તેણીને સ્વચ્છંદી, કામુક અને યૌનરૂપથી સ્વતંત્ર દર્શાવાઈ છે ….. .‘અછૂત કન્યા’ (૧૯૩૬), ‘વહાઁ’, (૧૯૩૭) અને ‘અછૂત’ (૧૯૪૦) ફિલ્મો દલિતોના પક્ષમાં રજૂ થયેલી કથાઓ હોવા છતાં, તેમાંના દલિત પાત્રોને તો સવર્ણોના સૌહાર્દ પર જ જીવતાં દર્શાવાયાં છે. ફિલ્મ ‘સગીના મહતો’ (૧૯૭૦) પરથી દિલીપકુમાર અભિનિત ‘સગીના’ (૧૯૭૪) બની, એ દરમિયાન – ચાર વર્ષ દરમિયાન ‘બંગલા’ ફિલ્મનું ગાંભીર્ય અને સંવેદના તેમાંથી ઘણી હદે નષ્ટ થઈ ચૂક્યાં હતાં. ‘મહતો’ નામ પોતે જ અનુસૂચિ જાતિસૂચક છે, છતાં ફિલ્મમાં એનો ઉલ્લેખ જ નથી ! ….. હિન્દી ફિલ્મોના જનક દાદાસાહેબ ફાળકે પોતે રૂઢિવાદી હિન્દુ પરિવારમાં જન્મેલા. હિન્દી ફિલ્મોની પ્રારંભની પ્રેરણા બે હતીઃ એક, સ્વદેશી આંદોલન અને બે, સંસ્કારગત હિન્દુ બ્રાહ્મણવાદ. ‘રાજા હરિશ્ચન્દ્ર’ (૧૯૧૩) પણ આદર્શ હિન્દુની બ્રાહ્મણવાદી વિચારધારા, બ્રાહ્મણની શ્રેષ્ઠતા અને વર્ણવ્યવસ્થાને અક્ષુણ્ણ દર્શાવતી યશગાથા જ છે …. ‘રાજા હરિશ્ચન્દ્ર’માં રાજા હરિશ્ચંદ્ર જેનો સેવક બન્યો છે, તે દલિત ડોમ(અછૂત)નું સ્થાન રાજા કરતાં પ્રમાણમાં ઊંચું છે (તેથી જ તે રાજા હરિશ્ચંદ્રને પણ ખરીદી શક્યો છે). કહે છે કે બનારસના ત્રણ રાજા હતા. એક, સ્વયં ભગવાન શિવ, બે, રાજા હરિશ્ચંદ્ર અને ત્રણ, રાજા ડોમ. પરંતુ કાળક્રમે રાજા ડોમની સ્થિતિ શૂદ્રો(અનુસૂચિત જાતિ)માં ફેરવાઈ ગઈ ! ….. આ ફિલ્મના પ્રચારમાં, ત્યારે કહેવાયેલું કે તેમાં બનારસનાં દશ્યો છે, કિન્તુ આશ્ચર્યજનક છે કે આ ફિલ્મમાં બનારસનાં દશ્યો જ ન હતાં! …. વિક્કી કૌશલ અભિનીત ‘મસાન’(૨૦૧૫)માં તેને બનારસમાં મડદાં બાળવાની વિધિ કરતો ડોમ જાતિનો સદસ્ય દર્શાવ્યો છે અને તો પણ તે ભણીગણીને આગળ વધી આ વ્યવસાય છોડવા માંગે છે. તેની આ કથા
દલિતવિમર્શ પર કેન્દ્રિત થવાને બદલે કથામાં તેનું સવર્ણ છોકરી સાથેનું પ્રેમપ્રકરણ દર્શાવાયું છે. આવી કથાઓમાં ઉચ્ચ જાતિઓનું સન્માન સાચવવા સવર્ણ પાત્રનું મરવું જરૂરી હોય છે …. ને તે સવર્ણ છોકરી અકસ્માતમાં મરી જાય છે ! એક અર્થમાં આપણી હિન્દી ફિલ્મોમાં દલિતોની કથા પણ સવર્ણના માધ્યમથી (તેઓ ઉચ્ચ દેખાય તે રીતે) જ કહેવામાં આવે છે …. ફિલ્મ ‘કાશી : ગંગા કી ખોજ મેં’(૨૦૧૮)માં નાયક કાશી (શરમન જોષી) ડોમ (દલિત) જાતિનો છે ને તેની બહેન ગંગા ગુમ થઈ ગઈ છે ને તેની શોધમાં તે એકથી વધુ ખૂન કરે છે. છતાં આખી ફિલ્મમાં તે ડોમના વ્યવસાયથી જોડાયેલો હોય એવું દર્શાવાતું જ નથી! તેનો પરિવેશ પણ નથી! ….. ‘બનારસ : અ મિસ્ટિક લવસ્ટોરી’(૨૦૦૬)માં સવર્ણ યુવતી દલિત યુવકના પ્રેમમાં પડે છે, તેથી યુવતીનાં માતા-પિતા તે યુવાનની હત્યા કરાવે છે. અંતમાં ઉચ્ચ જાતિનું ગૌરવ જાળવવા તે દલિત યુવકને બ્રાહ્મણ સંસ્કારવાળો, કોઈ બ્રાહ્મણ સ્ત્રીનો ત્યક્ત પુત્ર બતાવવો જરૂરી થઈ પડ્યો! ……. ‘સુજાતા’ (૧૯૫૯) બિમલ રૉયની ફિલ્મ હતી અને તે ફિલ્મ માટે ત્યારે જવાહરલાલ નહેરુએ પણ રૉયને અભિનંદન પાઠવ્યા હતા. આ ફિલ્મમાં એક બ્રાહ્મણ પરિવાર એક દલિત કન્યાને ઉછેરે છે તોયે ફિલ્મમાં બ્રાહ્મણ-દલિત સંવાદ સ્થાપિત થતો જ નથી. તેમાં તો બ્રાહ્મણ-બ્રાહ્મણોનો જ દ્વંદ્વ છે. આ ફિલ્મ આવી ત્યારે ડૉ. આંબેડકર અને તેમના વિચારો પૂરા દેશમાં પ્રચલિત થઈ ચૂક્યા હતા. આ ફિલ્મમાં ડૉ. આંબેડકરનો ઉલ્લેખ પણ આવે છે. તો પણ ‘સામાજિક ક્રાંતિ વિના, રાજકીય ક્રાંતિનો કોઈ અર્થ નથી’ એવા ડૉ. આંબેડકરના વિચારોનો કોઈ પડઘો આ ફિલ્મમાં પડેલો જણાતો નથી …. ‘ચાર દિલ, ચાર રાહે’ (૧૯૫૯) પણ સવર્ણ નાયકની દલિત નાયિકા સાથેની પ્રેમકહાણી છે. સાંસ્કૃતિક પરંપરામાં કૃષ્ણ કાળા છે ને રાધા ગોરી છે, કિન્તુ અહીં નાયક ગોરો છે ને નાયિકા (રાધા) શ્યામ છે ! … ‘મંથન’ (૧૯૭૬) વંચિતોના સશક્તિકરણની કથા છે ને તો પણ તેમના (વંચિતોના) સશક્તિકરણના પ્રદાતા તો તેમાં સવર્ણો જ છે ! …. શ્યામ બનેગેલની ફિલ્મ ‘સમર’ દલિતોની આસપાસ ઘૂમતી કથા જણાય છે. છતાં એમાં દલિત શોધ્યો નજર નથી આવતો ! ….. ‘ચાચી-૪૨૦’નો હીરો પાસવાન (દલિત) હતો (કમલ હાસન), છતાં આ ફિલ્મ એક ઉત્તમ પ્રહસન બની રહી હોવાના કારણે દલિતપ્રશ્નનો મુદ્દો ગૌણ બનીને રહી ગયો … સત્યકામ જાબાલ નામક પૌરાણિક દલિત નાયકના નામ પરથી બની હોવા છતાં ફિલ્મ ‘સત્યકામ’(૧૯૬૯)માં નાયક સત્યકામને બ્રાહ્મણ જાતિનો દર્શાવાયો છે ! …. ભારતીય વર્ણવ્યવસ્થાની સામાજિક સંરચના અને ધાર્મિક દર્શને દલિતો પરના દમનને ઉચિત માન્યું છે. ભગવાન સર્વશક્તિમાન હોવાની ધારણા જ મનુષ્યને દુર્બળ, વિવશ, અજ્ઞાની ને શૂદ્ર બનાવે છે. ફિલ્મ ‘સંત જ્ઞાનેશ્વર’ (૧૯૪૦, ૧૯૬૪, ૧૯૮૧, ૨૦૧૨) ચાર વાર બની, છતાં તે તમામમાં ચમત્કારો જ દર્શાવાયા, જ્યારે કે સંત જ્ઞાનેશ્વરના પિતા બ્રાહ્મણ હતા, પણ સંસારને માંડવાને કારણે શૂદ્ર ગણાયેલા …. છબીકલાના જાદુગર બાબુભાઈ મિસ્ત્રીની ફિલ્મ ‘રવિદાસ કી અમર કહાની’ (૧૯૮૩), જેમણે બ્રાહ્મણોનો ધંધો ચોપટ કરેલો, જેઓ મીરાંબાઈના ગુરુ બનેલા, તેમના ચમત્કારોની ઘણી વાતો તેમાં છે, પણ દલિતવિમર્શ તો તેમાં ભુલાવી જ દેવામાં આવ્યો. વળી, સંત રવિદાસને પણ આ ફિલ્મે પૂર્વજન્મના બ્રાહ્મણ રાજકુમાર બનાવી દીધા ! …. સંત કબીર પર પણ ભારતભૂષણ જેમાં નાયક હતા તે ‘ભક્ત કબીર’ (૧૯૪૨), ગજાનન જાગીરદારની ‘મહાત્મા કબીર’ (૧૯૫૪), તેલુગુ પરથી ‘સંત કબીરદાસ’ (૨૦૧૦) જેવી એકથી વધુ ફિલ્મો બની છતાં એકેયમાં કબીરના દલિત હોવાની કે દલિતદર્શનની કોઈ જ વાત નથી ! છોગાંમાં આ ફિલ્મોમાં એમને કૃષ્ણનું રૂપ દેવાની પણ ચેષ્ટા થઈ ! ગળામાં રુદ્રાક્ષ અને માથા પર મયૂરપંખ પણ સજાવી દેવાયાં ! … કોઈ ભેદભાવમાં ન માનનારા સાંઈબાબા પર ‘શિરડી કે સાંઈબાબા’ (૧૯૭૭) કે જેમાં રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, હેમા માલિની જેવા કલાકારો હતાં, તેમાં પણ વિજ્ઞાન અને આસ્થાનો છીછરો સંઘર્ષ જ નિરૂપવામાં આવ્યો …. ‘ગુડ્ડુ રંગીલા’(૨૦૧૫)માં નાયક દલિત છે, એની આપણને એ કારણે ખબર પડે છે કે તેના ઘરમાં ડૉ. આંબેડકરનો ફોટો છે અને તેના સંબંધીઓના ઘરમાં માયાવતી-કાંશીરામના ફોટા છે! બાકી આખી ફિલ્મમાં ‘દલિત’નો નામ માત્રનો ઉલ્લેખ નથી ! … ‘બંદૂક’(૨૦૧૩)માં દલિત પાત્ર ભોલા કેવટને અનેક કાવાદાવાથી પોતાના ક્ષેત્રનો બાહુબલી ગુંડો બની જતો દર્શાવાયો છે, જે વાસ્તવમાં દલિતઅસ્મિતાનું વિઘાતક નિરૂપણ માત્ર છે …. ‘ચોરંગા’ (૨૦૧૬) શીર્ષક જ નકારાત્મક છે પછી ભલે તે દલિતવિમર્શની વાત કરતી હોય. કારણ દલિતના જીવનમાં આટલા બધા રંગો છે જ નહિ, તે રંગો તો કાળા, આછા કાળા કે ભૂખરા જ છે …
દેશની આદિવાસી સંસ્કૃતિની કશી જ સમજ વિના, આપણી ફિલ્મોમાં નિરૂપાતા રહેતા આદિવાસી સમાજ વિશે પણ લેખકને ખાસ્સો રોષ છે. તેઓ લખે છે ફિલ્મ ‘MSG-2’(૨૦૧૫)માં રજૂ થયેલા આદિવાસીઓને જોઈને વિશ્વાસ નથી બેસતો કે આ ૨૧મી સદીમાં પણ તેમનું આવું વર્ણન જોવા મળશે ….. મણિરત્નમ્ની ‘રાવણ’ને બાદ કરતાં બોલીવૂડે અસુર, દાનવ, રાક્ષસ પર કોઈ ફિલ્મ નથી બનાવી.
તેણે તો વિશુદ્ધ આર્યજાતિ, દેવ-દેવીઓની જ ફિલ્મો બનાવી છે …. રાણા પ્રતાપ પર બનેલ ફિલ્મોમાં પણ તેમને જંગલમાં સાથ દેનારા આદિવાસીઓનો ખાસ ઉલ્લેખ નથી, કિન્તુ તેમને આર્થિક મદદ કરનાર વ્યાપારી દાનવીર ભામાશાનો વિશેષ ઉલ્લેખ જરૂર છે ! …. ‘નાગીન’, ‘ધર્માત્મા’, ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’, ‘ઇજ્જત’ જેવી અનેક ફિલ્મોમાં ભટકતી જાતિનાં સ્ત્રીપાત્રોને કામુક જ દર્શાવાયાં છે, જેમાં દર્શકોને રીઝવવાનો આશય હોય છે. એ સ્ત્રી-પાત્રોને આઇટમ સાઁગમાં દર્શાવવા જાણે કે એક ચલણ બની ગયું છે … આપણી ફિલ્મો નક્સલવાદની વાત કરશે પણ આદિવાસીની સમસ્યાઓનો તો છેદ જ ઉડાડશે … આદિવાસી ક્રાંતિના જનક બિરસા મુંડા પર ‘ઉલગુલાન : એક ક્રાંતિ’ (૨૦૦૪), ‘ધરતી આબા બિરસા મુંડા’ (૨૦૦૮), ‘ગાંધી સે પહલે ગાંધી’ (૨૦૧૬) એમ ત્રણ ફિલ્મો બની છતાં એ બહુ નાના બજેટની ફિલ્મો હોઈ જનતા સુધી પહોંચી જ નહિ.
ગાંધીવિચાર પર બનેલી ‘ગાંધી’ (૧૯૮૨) ‘મેકિંગ ઑફ મહાત્મા ગાંધી’ (૧૯૯૬), ‘ગાંધી સે હિટલર’ (૨૦૧૧), ‘હે રામ’ (૨૦૦૦), ‘મૈને ગાંધી કો નહિ મારા’ (૨૦૦૫), ‘રોડ ટુ સંગમ’ (૨૦૧૦), ‘લગે રહો મુન્નાભાઈ’ (૨૦૧૬) જેવી અનેક ફિલ્મોનો ઉલ્લેખ કરીને લેખક આ પુસ્તકમાં હિંમતભેર એમ કહે છે કે ગાંધી પર બનેલી આ એકથી વધુ ફિલ્મો દલિતવિમર્શ પર સાવ જ ખામોશ છે. ગાંધીનું ધ્યેય હતું સ્વતંત્રતા અને સિદ્ધાંત હતો અહિંસા, ને તે માટે તેઓ બધા જ ભારતવાસીઓને સાથે લઈને ચાલવાના મતના હતા. ગાંધી ક્યારે ય દલિતો ધર્મથી અલગ થાય તે મતના નહોતા. તેઓ પોતે વર્ણાશ્રમમાં માનતા અને દલિતો હિન્દુધર્મની બહાર જાય તે તેમને સ્વીકાર્ય નહોતું, જ્યારે કે વાસ્તવમાં દલિતોની પીડાનું કેન્દ્ર જ ધર્માંધારિત વર્ણાશ્રમ પ્રથા છે.
ગાંધીના સંદર્ભ સાથે જ લેખક કહે છે : ‘અછૂત કન્યા’ અને ‘સુજાતા’ ફિલ્મોનાં દલિત પાત્રો એ ગાંધીના હરિજનો છે તેથી તેઓ સશક્ત નથી. આ જ કારણે તેઓ સંઘર્ષ નહિ પણ સમજાવટ કરે છે.
માર્ક્સવાદી વિચારસરણીને વરેલી કે તેને આધારિત અનેક ફિલ્મોનો પણ લેખકે અહીં ઉલ્લેખ કર્યો છે. આ ફિલ્મો પણ જ્યાં અસ્પૃશ્યતાની ઘાતકતા ઓછી છે એવા શહેરીજીવનને કેન્દ્રમાં રાખી બનેલી હોઈ તેમાં તીક્ષ્ણતાથી દલિતસમસ્યા રજૂ થઈ શકી નથી. ૧૯૪૦-૧૯૬૦ દશકની આવી ફિલ્મો વર્ણભેદની નહિ, પણ વર્ગભેદની ફિલ્મો જ બની રહી એવું પણ લેખકનું તારણ છે.
આમ ને આમ ચાલ્યું તો એટલે કે અસ્પૃશ્યતા શાંતિથી, સ્વેચ્છાથી અને સંવૈધાનિક રૂપથી જો સમાપ્ત ન થઈ તો એક હિંસક વિદ્રોહ આપણી રાહ જોઈ રહ્યો છે, એવો અંદેશો વ્યક્ત કરતા લેખકનો મત છે કે બોલીવૂડ ફિલ્મોની શરૂઆતથી જ પૌરાણિક કથાઓ છવાયેલી રહી છે, જેમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને સમાજના નીચલા વર્ગ માટે કેવળ અન્યાય છે. આ સ્થિતિમાં સિનેમા જગતમાં ‘દલિત’ને સ્થાન મળવું લગભગ અસંભવ જેવું છે. આ જ કારણે ૨૧મી સદીના પહેલાં બે દાયકામાં બે હાથની આંગળીઓ જેટલી ય દલિતવિમર્શની ફિલ્મો નથી બની કે જેમાં નાયક કે નાયિકા દલિત હોય. લેખક કહે છે બોલીવૂડની ફિલ્મોને ગરીબ-ગીચ દલિત વસતિમાં મારધાડનાં દૃશ્યો દર્શાવવાનું બહુ ગમે છે. આમ કરીને તે આ વસતિને અપરાધ અને હિંસા સાથે જોડે છે, કિન્તુ ભાગ્યે જ એ વસતિના પ્રાણપ્રશ્નો પર તે નજર દોડાવે છે. આપણી ફિલ્મો કમજોર – નિઃસહાયની વાત જરૂર કરશે, પણ સીધી રીતે દલિત પ્રશ્નને હાથ પર નહિ લે. આપણી ફિલ્મોમાં કલા ઓછી ને તમાશો વધુ છે. આમ પણ કલા મૂળભૂત રીતે કાલ્પનિક છે. એવો સાર તારવતા લેખક એવું બેબાક નિવેદન પણ કરે છે કે જાતિવાદના તાણા-વાણા આ દેશમાં એટલા મજબૂતીથી વણાયેલા છે કે સંસ્થાગત સ્વરૂપ ધારણ કરી ચૂકેલું શોષણ પણ સામાન્ય લાગે, અને આ ધારણાથી આપણી ફિલ્મો પણ બાકાત નથી.
દલિતવિમર્શ સંદર્ભે બોલીવૂડ ફિલ્મોની આટઆટલી નકારાત્મક વાતોની વચ્ચે, લેખકને એક કરતાં વધુ ફિલ્મોએ રાહત આપી હોય, તેમને આશા બંધાવી હોય તેવાં ઉદાહરણો પણ છે.
નમૂના દાખલ : યોગ્ય અવસર અને પ્રશિક્ષણ મળે, તો દલિતો પણ અન્યોથી કમ નથી એ પુરવાર કરતી અમોલ ગુપ્તેની ફિલ્મ ‘હવાહવાઈ’ (૨૦૧૪) અને દલિતવિમર્શની દિશામાં અત્યંત મહત્ત્વની મનાયેલી અનુભવ સિંહાની ફિલ્મ ‘આટિર્કલ-૧૫’(૨૦૧૯)ને લેખક આવકારે છે. ‘આર્ટિકલ-૧૫’માં દલિતસમાજનો ઉદ્ધારક તો આઈ.પી.એસ. અધિકારી અયાન રંજન બ્રાહ્મણ જ છે, તેવા અવલોકન સાથે પણ લેખક આ ફિલ્મને આવકારે છે અને કહે છે કે જેમ જેમ ફિલ્મ આગળ વધે છે તેમતેમ પ્રેક્ષકોને એ સમજાતું જાય છે કે ફિલ્મનો અસલી નાયક તો ફિલ્મનો દલિત નિષાદ છે. ધર્માચાર્યોની જેમ ઉપદેશ આપ્યા વિના સમાજને આયનો દેખાડતી આ ફિલ્મને લેખક એક સાહસી ફિલ્મ ગણાવે છે.
ખુદ પણ દલિત એવા નાગરાજ મંજુલેની ફિલ્મ ‘સૈરાટ’(૨૦૧૬)ને સિનેમાના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ફિલ્મ ગણાવતા લેખકના મતે ‘સૈરાટ’ સામાજિક યથાર્થને રજૂ કરતી બેહદ સંવેદનશીલ ફિલ્મ છે. આ ફિલ્મમાં નાયિકાને બળાત્કારથી બચાવતી સ્ત્રી એક દલિત સ્ત્રી છે. અન્ય ફિલ્મ હોત, તો હીરો જ પુરુષાતન બતાવતો ઢીસૂમ … ઢીસૂમ … કરતો આવી પહોંચ્યો હોત! ‘સૈરાટ’નું આ દૃશ્ય પણ લેખકને ગમ્યું છે. (જો કે આ જ ફિલ્મ પરથી બોની કપૂરે એમની દીકરી જ્હાનવી કપૂરને લઈને બનાવેલી ‘ધડક’(૨૦૧૮)માં ‘સૈરાટ’નો તમામ સામાજિક યથાર્થ ગાયબ છે, એમ લેખકનું માનવું છે.)
આ પુસ્તકના મુખપૃષ્ઠ પર જેનું સ્થિર ચિત્ર દૃશ્યમાન છે તે ‘શૂદ્ર : ધ રાઇઝિંગ’ (૨૦૧૨) ફિલ્મને લેખકે વર્ણવ્યવસ્થા પર ખુલ્લો પ્રહાર કરતી, દલિતોના અપમાનજનક જીવન સામે વિદ્રોહનું એલાન કરતી અને સંપૂર્ણપણે ડૉ. આંબેડકરના જીવનસંદેશને સમર્પિત એવી ફિલ્મ ગણાવી છે. હિન્દુ સંગઠનોએ આ ફિલ્મના કરેલા વ્યાપક વિરોધને પણ લેખક અહીં યાદ કરે છે.)
આવી જ એક ફિલ્મ ‘દીક્ષા’ (૧૯૯૧) કે જેમાં ખૂબ સશક્ત રીતે દલિતને બ્રાહ્મણથી સર્વોપરી ને વધુ માનવીય દર્શાવાયો છે, તે પણ તેમાંના સારગર્ભિત કટાક્ષને કારણે લેખકને પસંદ આવી છે. લેખકના મતે અત્યાર સુધીની ફિલ્મોએ વ્યક્તિના શોષણને જ વિષય રૂપે અપનાવેલો, જ્યારે આ ફિલ્મ દલિતપીડાને જ વિષય તરીકે સ્વીકારે છે.
ભારતના જડ અને ઉદાસીન સમાજના સામાજિક વિવેકને હચમચાવતી ‘રંગ દે બસંતી’ (૨૦૦૬), હિન્દી સિનેમાને નવો રાહ ચીંધતી અને સમાજના નીચલા વર્ગની વિડંબનાઓને નિરૂપતી ‘દો બીઘા જમીન’ (૧૯૫૩), ‘ફૂટપાથ’ (૧૯૫૪), ‘આવાજ’ (૧૯૫૬) પણ લેખકની પસંદીદા ફિલ્મોની યાદીમાં સામેલ છે.
દલિત લોકગાયક અને ચળવળકારની ખોટા કેસમાં થયેલી સંડોવણી ને તેના અદાલત સાથેના બૂરા અનુભવોને રજૂ કરતી ચૈતન્ય ત્હામણેની ફિલ્મ ‘કોર્ટ’ (૨૦૧૫), ભદ્રલોકના અંતરંગ જણાવતી અને આ વર્ગોનાં બેવડાં ધોરણોનો પર્દાફાશ કરતી ગોવિન્દ નિહલાનીની ‘પાર્ટી’ (૧૯૮૪), વૃંદાવનની (મોટે ભાગે દેવદાસી એવી દલિત) વિધવાઓના શોષણ પરની સચ્ચાઈને રજૂ કરતી દીપા મહેતાની ‘વૉટર’ (૨૦૦૫), બ્રાહ્મણવાદ સામે માનવવાદની જિત દર્શાવતી ‘ધર્મ’ (૨૦૦૭), દલિત કલાકારોના સાંસ્કૃતિક વિસ્થાપનની કરુણ કથા ગાતી બુદ્ધદેવ દાસગુપ્તાની ‘બાઘબહાદુર’ (૧૯૮૯), નક્સલ સમસ્યાનો ઉકેલ ‘બંદૂક’માં નહિ પણ ‘બિઝનેશ’માં શોધતી ‘બુદ્ધ ઇન ટ્રાફિક જામ’ (૨૦૧૬), નક્સલસમસ્યાનો ઉકેલ સામૂહિક ખેતીમાં શોધતી ‘રેડ એલર્ટ : ધ વૉર વિધિન’ (૨૦૧૦) ઉપરાંત પ્રકાશ ઝાની ‘દામુલ’ (૧૯૮૪) અને ‘ચક્રવ્યૂહ’ (૨૦૧૨), ગોવિન્દ નિહલાનીની ‘આક્રોશ’ (૧૯૮૦), ગૌતમ ઘોષની ‘પાર’ (૧૯૮૪), આનંદ પટવર્ધનની ‘જય ભીમ કોમરેડ’ (૨૦૧૧), ‘ગુલાલ’ (૨૦૦૯), ‘તીસરી આઝાદી’ (૨૦૦૬) ‘સુપર-૩૦’ (૨૦૧૯), ‘પરીક્ષા’ (૨૦૨૦)માં વ્યક્ત થયેલા દલિતવિમર્શને કારણે લેખકને પસંદ પડી છે.
નવી આવેલી કોઈ ફિલ્મને સૌપ્રથમ જોઈને જો કોઈ તેની કથા સંભળાવે, તો આજે ય તે આપણને રસપ્રદ અનુભવાય છે. જ્યારે અહીં એકસાથે અનેક ફિલ્મોની કથાઓ મેં સાંભળી-વાંચી લીધી હોય એમ હું રસતરબોળ થયો છું !
લેખકે સ્વાભાવિક રીતે જ, તેમણે જે જે ફિલ્મો વિશે અહીં લખ્યું છે, તે તમામને ઉભડક નહિ પણ અભ્યાસની દૃષ્ટિએ ચીવટથી-ધીરજથી જોઈ છે. આમ છતાં ઘણી ય ઉલ્લેખનીય ફિલ્મોનો ઉલ્લેખ એમાં નથી, એમ પણ કોઈને લાગે. કિન્તુ કહેવું જોઈએ કે બોલીવૂડ અને એની ફિલ્મો તો એક દરિયો છે. કેટલું ઉલેચી, શકાય ?! એમાં ય ઓ.ટી.ટી. પર આવતી ફિલ્મો-સિરિયલો તો હજુ આવા અભ્યાસની રાહ જ જુએ છે!
કહે છે ફિલ્મો પણ સામાજિક પરિવર્તનનું માધ્યમ બની શકે છે. શું આપણી ફિલ્મો એવા પરિવર્તન માટે ઇચ્છુક છે? ગંભીર છે? પ્રતિબદ્ધ છે? દલિત રાજકારણે કે દલિત સાહિત્યે ચર્ચામાં લેવા જોઈતા આ પ્રશ્નોને આ પુસ્તક હાથ પર લે છે, ત્યારે દલિતવિમર્શથી નિસબત ધરાવતા સૌ કોઈ લેખક વિજય રંચનના આભારી રહેશે.
પોતે સરકારમાં અધિક મુખ્ય સચિવ જેવા વરિષ્ઠ હોદ્દે રહેલા અત્યંત સિનિયર અધિકારી હોવા છતાં, તેમનાં પુસ્તકોમાં લેખક તરીકે તેઓ માત્ર ‘વિજય રંચન’ લખે છે ને આઈ.એ.એસ. જેવી ઉપાધિ કે છોગું લગાડતા નથી. જાણે કે ૨૦૦૨માં નિવૃત્તિ પછી સનદી સેવાને સદંતર ભૂલીને હવે સાહિત્યસેવામાં જોડાતાં, એ છોગાની એમને જરૂર નથી. આપણે ત્યાં સીધી ભરતીના નહિ પણ પ્રમોટી (સનદી) અધિકારીઓમાં, નિવૃત્તિ પછી પણ આ છોગું લગાડવાનું ચલણ વિશેષ છે ત્યારે આ એક શીખ લેવા જેવો મુદ્દો ગણાય.
પુનઃ એકવાર વિજય રંચનને આવા અનોખા પુસ્તક બદલ ધન્યવાદ અને આવકાર.
•
Email: natubhaip56@gmail.com
ગાંધીનગર
‘बोलीवूड के अतिरिक्त (हिन्दी सिनेमा में दलितविमर्श’; લેખક : વિજય રંજન; પ્રાપ્તિસ્થાન : આકૃતિ પ્રકાશન, એફ-29, સાદતપુર એક્સ્ટેન્શન, દિલ્હી – 110 090 (મો. 80766 99199 – 9868729991); પૃષ્ઠ : 261; મૂલ્ય :રૂપિયા સાતસો.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 05-08
![]()


મહારાષ્ટ્રમાં વાનરો અને કૂતરાઓની ગેંગ વોરનો અજીબ ખૂની ખેલ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વાનરોએ કૂતરાઓનાં ૨૫૦ જેટલાં ગલુડિયાં મારી નાખ્યાં, તે પછી નાગપુરના વન વિભાગના કર્મચારીઓએ હત્યામાં સામેલ બે વાનરોને પકડીને તેમને જંગલમાં વનવાસ કરવા મોકલી દેવાયા છે. ગામ લોકોના કહેવા પ્રમાણે, બે-ત્રણ મહિના પહેલાં કૂતરાંએ વાનરના એક બચ્ચાને ફેંદી નાખ્યું હતું, તે પછી વાનર સેના વેરની વસૂલાત પર ઊતરી આવી હતી. આ ટોળકીના સભ્યોને રસ્તામાં ગલુડિયું દેખાય તો તેને પકડીને ઊંચી જગ્યાએ લઇ જતા, અને પછી નીચે ફેંકી દેતાં. આવી રીતે ૨૫૦ ગલુડિયાં માર્યાં ગયાં પછી ગામ લોકોએ વન વિભાગની મદદ લીધી હતી.
લગભગ અઘોષિત હિંદુ રાષ્ટ્ર બની ગયેલા નરેન્દ્ર મોદીના હિન્દુસ્તાનમાં હિન્દુને કોઈ ગુલામ, લૂંટારુ, ચોર કે ડાકુ કહે તો એની શી વલે થાય? થોભો, આ હું નથી કહેતો. ગુજરાત અને ગુજરાતીમાં સૌથી પ્રતિષ્ઠિત જ્ઞાનકોશ કમ શબ્દકોશ ‘ભગવદ્ગોમંડળ’માં ‘હિંદુ’ શબ્દનો આ અર્થ આપેલો છે. ‘ભગવદ્ગોમંડળ’, પુનર્મુદ્રણ ૧૯૮૬, પ્રવીણ પ્રકાશન, રાજકોટ, ભાગ – ૯, પાનાનંબર : ૯૨૧૬.