ભાંગ વાડી ભાંગી અને એની જગ્યાએ ઊભું થયું શોપિંગ સેન્ટર
જ્યારે માલિકો નાટકકારના નામનો જ એકડો કાઢી નાખતા
એક જમાનામાં ભાંગનો નશો કરવા બંધાણીઓ ભાંગ વાડી જતા. પછી નાટકના ઘેલાણીઓ ભાંગ વાડી જતા. આજે હવે શોપિંગના હેવાયા સહેલાણીઓ ત્યાં જાય છે! ખીલે તે કરમાય છે એ તો કુદરતી રીત છે. પણ પ્રિન્સેસ થિયેટર કુદરતી રીતે કરમાયું નહોતું. ૧૯૭૯ની શરૂઆતમાં એ થિયેટર અને દેશી નાટક સમાજના માલિક અને કંપનીના પગારદાર નોકરો વચ્ચે ઝગડો થયો. વ્યવસાયી રંગભૂમિના મોટા ભાગના લેખકો, નટ-નટી, ગાયકો, સંગીતકારો, વગેરે જે-તે કંપનીના પગારદાર નોકરો રહેતા. ‘વડીલોના વાંકે’ની પાંચમી નાઈટે જ હરગોવિંદદાસ શેઠનું અવસાન થયા પછી ‘દેશી’નું સુકાન સંભાળ્યું તેમનાં પત્ની ઉત્તમલક્ષ્મીબહેને. તેમના હાથ નીચે વહીવટકારો હતા, બીજા સલાહકારો પણ હતા. ઝગડામાં કોણ સાચું હતું, કોણ નહિ એમાં નહિ પડીએ. પણ બંને બાજુ મક્કમ હતી. પગારદાર નોકરોએ હડતાલ પાડી. સમાધાનના પ્રયત્નો નિષ્ફળ ગયા. કંપનીના માલિકોએ પ્રિન્સેસ થિયેટરને તાળાં માર્યાં. ઘણો લાંબો વખત બંધ રાખ્યા પછી છેવટે થિયેટર અને તેની આસપાસની બધી જગ્યા માલિકોએ વેચી નાખી. થિયેટરનું મકાન જમીનદોસ્ત થયું. ભાંગ વાડી ભાંગી, અને એની રાખમાંથી ઊભું થયું શોપિંગ સેન્ટર.

શ્રી દેશી નાટક સમાજનાં છેલ્લાં માલિક ઉત્તમલક્ષ્મીબહેન
આપણી જૂની રંગભૂમિ વિષે વાત કરતી વખતે મોટે ભાગે તેને સોનેરી-રૂપેરી રંગે ચિતરવામાં આવે છે. પણ તેની બીજી બાજુ પણ હતી. અને આ બીજી બાજુ માત્ર ‘દેશી’ને જ હતી એવું નહોતું. ઘણી ખરી નાટક કંપનીઓને હતી. મોટા ભાગના કલાકારો કંપનીના નોકર હોવાથી, માલિકો તેમના પર જાત જાતનાં બંધન લાદતા. માલિક નચાવે તેમ નાચવું પડતું. ગેરવાજબી શરતોવાળા કરારો પર સહી કરી આપવી પડતી નોકરોએ. આખેઆખું નાટક ભાગ્યે જ છપાતું. જેથી બીજી કોઈ નાટક કંપની એ ભજવે નહિ. પરિણામે નાટકો ભજવાયાં સેંકડો, પણ આજે આપણને વાંચવા મળે છે બહુ ઓછાં. મરાઠી અને ગુજરાતી, બંને રંગભૂમિ મુંબઈમાં પાંગરી, લગભગ સાથોસાથ. મરાઠી નાટકના પહેલા પ્રયોગના દિવસે આખેઆખું છાપેલું નાટક પ્રેક્ષકો ખરીદી શકે. પણ આ વાત આપણી રંગભૂમિએ ક્યારે ય અપનાવી નહિ.
નાટકનાં પાત્રો, સંવાદો, ગીતો, કથાવસ્તુ વગેરેમાં માલિકો મન ફાવે તેવા ફેરફારો કરાવતા. એકે લખેલા નાટકનાં ગીતો લખવાની ફરજ બીજાને પાડતા અને તે માટે ઘણીવાર ગીતકારને ક્રેડિટ સુધ્ધાં અપાતી નહિ. તો બીજી કોઈ કંપનીનું નાટક ખૂબ લોકપ્રિય થાય તો એવી જ કથા કે એવું નામ ધરાવતું નાટક રાતોરાત લખાવી રજૂ કરતા. આથી જ લગભગ સરખાં નામવાળાં નાટકોની જુદી જુદી કંપનીની ઓપેરા બુક આજે આપણને જોવા મળે છે. અને જો નાટક કોઈ પૌરાણિક કે ઐતિહાસિક કથા રજૂ કરતું હોય તો તો પાત્રો-પ્રસંગો વગેરે પણ બદલવાની જરૂર નહિ. ફક્ત સંવાદો અને ગીતોની ભાષા બદલી નાખી એટલે બસ. નાટકો જોઇને પ્રેક્ષકો ખુશ. નાટકોની કમાણી જોઈ માલિકો ખુશ. પણ નાટકના પ્રાણ જેવા પગારદાર લેખકો, નટ-નટી, ગાયકો, સંગીતકારોનું શુ? મોટે ભાગે તો પેટિયું રળવા ખાતર બધું સહન કરી લે.

ભાંગતું ભાંગ વાડી
આપણી ભાષાના એકમાત્ર નાટ્યપુરુષ ચંદ્રવદન મહેતા શું કહે છે? “એક વાત દીવા જેવી સ્પષ્ટ દેખાય છે. કરોડો રૂપિયાની કમાઈ કરનારી નાટક મંડળીઓ અટવાઈ કેમ ગઈ? જાહોજલાલીની ટોચે ચડેલી રંગભૂમિ ખોરવાઈ ક્યાં ગઈ? માલિકોની એકહથ્થુ સત્તા અને હદ ઉપરાંતનો ગુજરાતની નસમાં ઘૂમતો સટ્ટો. આ સત્તા અને સટ્ટાએ રંગભૂમિનું નખ્ખોદ વાળ્યું. સાથે કવિ-લેખકોને હાથે બેડી બાંધી, પટારે બાંધ્યો, લેખકનું સ્થાન, સરસ્વતીના ઉપાસક નાટકકારનું સ્થાન ગૌણ જ રાખ્યું. અને યાવતચંદ્રદીવાકરૌ સુધી ગૌણ જ રહે એ માટે જ હંમેશાં ઉપાયો શોધતા રહ્યા.”

રઘુનાથ બ્રહ્મભટ્ટ એટલે આપણી જૂની રંગભૂમિનું એક જાજરમાન નામ. એમનું ‘બુદ્ધદેવ’ નાટક લખાયું ૧૯૧૩માં, અને પહેલી વાર ભજવાયું ૧૯૧૪ના ઓગસ્ટના બીજા અઠવાડિયામાં. એ વખતની ખૂબ જાણીતી મોરબી આર્ય સુબોધ નાટક મંડળીએ મુંબઈના કોટ વિસ્તારમાં આવેલા એમ્પાયર થિયેટરમાં ભજવ્યું. ઘણું વખણાયું. પણ ક્યાં ય નાટકના લેખકના નામનો ઉલ્લેખ સરખો નહિ! બે આનાની ઓપેરા બુક પર માત્ર નાટક મંડળીનું નામ! મંડળીના માલિક મૂળજી આશારામ ઓઝાનું નામ, રઘુનાથભાઈનું નહિ! એટલું જ નહિ, નાટક પૂરું થયા પછી માલિક બેક સ્ટેજ પર ગયા અને નાના મોટા સૌને સફળતા માટે અભિનંદન આપ્યાં, પણ રઘુનાથભાઈની તો સામે પણ ન જોયું! એમની આંખમાં આંસુ. કંપનીના મેનેજર ઓધવજીભાઈએ એ જોયું. ‘કવિ, કેમ ઉદાસ છો?’ ‘મૂળજીભાઈએ તો મારી સાથે વાત પણ ન કરી!’ મેનેજર કહે : ‘કવિરાજ. નાટક કંપનીના માલિકોને ઓળખવા મુશ્કેલ છે. તમે વધારે પૈસા માગો કે બીજું નાટક લખવાની ના પાડો એટલે તમને સીધા દોર રાખવા માટે તમારી સાથે બે-એક મહિના આવું જ વર્તન રહેશે.” અને કોઈ પૂછે તો માલિક વાત એવી રીતે કરે કે જાણે લેખકની આબરૂ બચાવવા જ તેનું નામ છાપ્યું નથી. ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી ‘બુદ્ધદેવ’ની પહેલી નાઈટે નાટક જોવા આવેલા .. તેમણે માલિક મૂળજીભાઈને ઓપેરા બૂક બતાવી લેખકના નામ અંગે પૂછ્યું. માલિક કહે : ‘લેખક નવા છે. કદાચ નિષ્ફળતા મળે ને નામ બગડે એથી મેં એમનું નામ નથી છાપ્યું!’ અને આ કાંઈ રડ્યોખડ્યો દાખલો નથી. મોટા ભાગના માલિકો નાટકમાંથી નાટકકારના નામનો જ એકડો કાઢી નાખતા. બીજું નાટક શ્રુંગીઋષિ પણ ખૂબ સફળ. પણ શાબાશી આપવાને બદલે મૂળજીભાઈએ કહ્યું : “તમને જે પ્રતિષ્ઠા મળી તે મારી કંપનીને લીધે. બીજી કંપનીમાં જઈ સફળ નાટક લખી-ભજવી બતાવો તો ખરા કહું.’ રઘુનાથભાઈએ રોકડું પરખાવ્યું : ‘છ મહિનામાં બીજી કંપનીમાં નાટક લખી, ભજવી દેખાડીશ. નહિતર રંગભૂમિને છેલ્લી સલામ.’ સૂર્યકુમારી નાટક લખ્યું, આર્ય નૈતિક નાટક સમાજે ભજવ્યું, બે અઠવાડિયાંમાં તો સૂર્યકુમારીનાં ગીતો ઘેર ઘેર ગુંજવા લાગ્યાં.

જૂનું એમ્પાયર થિયેટર
૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી ગાંધીજી થોડા દિવસ મુંબઈ રોકાયા હતા. તે વખતે જાન્યુઆરીની દસમીએ મૂળજી આશારામે ગાંધીજી માટે સત્કાર સમારંભ યોજ્યો હતો ત્યારે તેમણે એમ્પાયર થિયેટરમાં ‘બુદ્ધદેવ’ નાટકનાં થોડાં દૃશ્યો જોયાં હતાં. ૧૯૭૯માં પુસ્તકરૂપે પ્રગટ થયેલા ‘બુદ્ધદેવ’ની પ્રસ્તાવનામાં રઘુનાથભાઈ ગાંધીજીનું આ વાક્ય ટાંકે છે : “આ નાટક મારા અહિંસાના પ્રચારને વેગ આપશે.” પણ અગાઉ ૧૯૫૫માં પ્રગટ થયેલ આત્મકથા ‘સ્મરણ મંજરી’માં રઘુનાથભાઈ આ કે આવું બીજું કોઈ વાક્ય ટાંકતા નથી. બલકે નાટક કંપનીના માલિકને ઉદ્દેશીને બોલાયેલું ગાંધીજીનું વાક્ય ટાંકે છે : “મૂળજીભાઈ! મોરબીના બ્રાહ્મણ થઈ આ અધમ ધંધો આદર્યો? બીજો કોઈ ધંધો ન મળ્યો?” કિશોર વયમાં ‘હરિશ્ચન્દ્ર’ નાટક જોઈને ગાંધીજી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આત્મકથામાં ગાંધીજી લખે છે : એ નાટક જોતાં હું થાકું જ નહિ. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે? પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે. હરિશ્ચન્દ્રનાં સ્વપ્નાં આવે. ‘હરિશ્ચન્દ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ આ જ ગાંધીજી વિલાયતમાં અભ્યાસ કર્યા પછી, દક્ષિણ આફ્રિકામાં જાતજાતના અનુભવો મેળવ્યા પછી નાટકને ‘અધમ ધંધો’ કહે એ વાત માનવી અઘરી છે. લોકમાન્ય ટીળકે ૧૯૧૭માં આ નાટક સુરતમાં જોયું ત્યારે ભાષણ કરતાં કહ્યું હતું : “હું ગુજરાતી બહુ સમજતો નથી, છતાં લોકો એમાં જે રીતે રસ લઈ રહ્યા છે એ જોતાં પ્રયોગ સરસ લખાયો છે ને ગીત-સંગીત કર્ણપ્રિય છે.” લેખક તરીકે રઘુનાથભાઈના નામ સાથે ‘બુદ્ધદેવ’ નાટક પહેલી વાર પ્રગટ થયું છેક ૧૯૭૯ના જાન્યુઆરીમાં! નાટ્યાયચાર્ય ચંદ્રવદનભાઈ એ વખતે ફાર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. એટલે એ સભાએ છાપ્યું. – ગુજરાતી રંગભૂમિને સવા સો વરસ પૂરાં થયાં એ નિમિત્તે.
રઘુનાથભાઈનો જન્મ ૧૮૯૨ના ડિસેમ્બરની ૧૩મી તારીખે ગુજરાતના મહેસાણા જિલ્લાના લીંચ નામના ગામડામાં. ૧૯૮૭ના જુલાઈની ૧૧મી તારીખે ૯૨ વરસની વયે અવસાન. કારકિર્દીની શરૂઆત એક ડોકટરના દવાખાનામાં કંપાઉન્ડર તરીકે. મહિનાનો પગાર આઠ રૂપિયા. નડિયાદમાં ઉર્દૂ નાટક ‘શીરીંફરહાદ’ જોયું. એ જ દિવસે નક્કી કરી નાખ્યું : ‘હું પણ ગીતો લખીશ, નાટકો લખીશ.’ અને લખ્યું ‘બુદ્ધદેવ,’ ૪૫ ગીતો સાથે! એ વખતે રઘુનાથની ઉંમર સત્તર વરસની. એ જ નાટક તેમને લઈ આવ્યું મુંબઈ. ૧૯૧૩થી ૧૯૬૦ સુધીમાં કુલ ૧૯ નાટક લખ્યાં. તેમાંનાં કેટલાંક : શ્રુંગીઋષિ, સૂર્યકુમારી, છત્રવિજય, સ્નેહમુદ્રા, અમર કીર્તિ, જય સોમનાથ (ગીત-નાટ્ય), સરસ્વતીચંદ્ર, કાન્તા, કલ્યાણરાજ. ઉપરાંત બીજા લેખકોએ લખેલાં પચાસ કરતાં વધુ નાટકો માટે ગીત લખ્યાં. ૧૩ જેટલાં નાટકોમાં અમુક પ્રવેશો પણ લખ્યા. તેમનાં નાટકો, ગીતોની ૩૫૦ જેટલી ગ્રામોફોન રેકોર્ડ બહાર પડેલી.
આપણા અગ્રણી સર્જક સુરેશ દલાલે રઘુનાથભાઈ વિષે લખ્યું છે : “સ્વભાવે રાજવી હતા. ખાવાપીવાના શોખીન. ફૂલોનું અજબ આકર્ષણ. ઉદાર એટલી હદે કે સાયલાના રાજાએ એમને હીરાની વીંટી આપી હતી અને ગામના ગોરને ગમી ગઈ તો એ હીરાની વીંટી એમને આપી દીધી. કશાનો પરિગ્રહ જ નહિ. લખવું અને જીવવું, જીવવું અને લખવું. પોતાનાં ઘણાં ગીતોની તરજ પોતે જ બાંધતા. સંસ્કૃત સાહિત્યનું જ્ઞાન એટલું ઊંડું કે શરીરમાં સોય ભોંકો તો લોહીને બદલે સંસ્કૃત શ્લોકો નીકળે. રસકવિ રઘુનાથ માનતા કે કોઈ પ્રજાને નષ્ટ કરવી હોય તો એની ભાષાને ભૂંસી નાખો. સંસ્કૃતિ આપોઆપ વિલીન થઇ જશે. આવા માણસો અવારનવાર નથી મળતા, અને એટલે જ પ્રજાએ એમને ‘રસકવિ’ કહીને બિરદાવ્યા હતા તે યોગ્ય જ હતું.”
ચીમનલાલ ત્રિવેદીનું લખેલું નાટક ‘નસીબદાર’ ૧૯૩૯માં ભજવાયું હતું. તેનાં ગીતો રઘુનાથભાઈએ લખેલાં. અંધ ગાયક કે.સી. ડેને કંઠે ગવાતું ગીત ‘મૂરખા કાં અંધારું ઘોર?’ એ વખતે ખૂબ લોકપ્રિય થયેલું. તેમાં બે પંક્તિ હતી :
કોઈનું ઘડતર, કોઈનું ચણતર, કોઈ પાડે પરસેવા,
જાગે તેનું નસીબ જાગતું, જાગ જગ મરજીવા.
જૂની ગુજરાતી રંગભૂમિની સ્થિતિ પણ અમુક અંશે આવી જ હતી. પરસેવો કોઈ પાડે અને ચણતરનો જશ મળે બીજા કોઈને. એના ઘડતર અને ચણતર અંગેની એક-બે ગૂંચની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 23 એપ્રિલ 2022
![]()


પત્રકાર અને લેખક તરીકે જાણીતા અરુણ શૌરીને આટલી જ ઓળખથી સમેટીએ તો તેમનું પૂરું વ્યક્તિત્વ ન આલેખી શકાય. અરુણ શૌરી તદ્ઉપરાંત ‘વર્લ્ડ બેન્ક’ના અર્થશાસ્ત્રી રહ્યા છે અને દેશના આયોજન પંચના સલાહકારની ભૂમિકા પણ રહ્યા. ‘એન.ડી.એ.’ની સરકાર હતી ત્યારે તેઓ કેન્દ્રિય મંત્રી પણ રહ્યા. વાજપેયીની મિનિસ્ટ્રીમાં તેમનો ઠીકઠાક ગજ વાગતો હતો. અરુણ શૌરીની ઓળખમાં તેમને મળેલાં સન્માન ‘રોમન મેગ્સેસે એવોર્ડ’ અને ‘પદ્મભૂષણ’ પણ મૂકી શકાય. લાંબી કારકિર્દી દરમિયાન તેમનું જીવન ઘટનાપ્રચૂર રહ્યું છે અને તેઓ દેશના છેલ્લા પાંચ દાયકાના ઇતિહાસને સારી રીતે જાણે-સમજે છે. આ ઇતિહાસમાંથી કેટલાંક પાનાંને તેઓએ શબ્દબદ્ધ કર્યો છે અને હાલમાં તેમનું તે પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તકનું નામ છે : ‘ધ કમિશનર ફોર લોસ્ટ કોસિઝ’. રાજકીય જગતમાં આ પુસ્તકની સારી એવી ચર્ચા થઈ રહી છે; કારણ કે વર્તમાન સરકાર, આર.એસ.એસ. અને નરેન્દ્ર મોદી વિશે તેઓએ કેટલીક આકરી વાતો કહી છે. આ સિવાય પણ દેશની અગત્યની ઘટનાઓનું નિરૂપણ આ દળદાર પુસ્તકમાં લેખકે કર્યું છે. અરુણ શૌરીએ જે વાતો પુસ્તકમાં અને પુસ્તક સંદર્ભે હાલમાં મીડિયામાં કરી છે તેમાંથી કેટલીક ધ્યાને લેવા જેવી છે.
‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ’નો અનિલ સ્વરૂપ જાણીતો ચહેરો રહ્યા છે. તેમણે 38 વર્ષ સુધી આ સર્વિસમાં અલગ-અલગ જગ્યા પર ફરજ બજાવી અને અંતે તેઓ ભારત સરકારના સેક્રેટરીના પદ સુધી પહોંચ્યા. તેમની આ સફરમાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો અનુભવ કેવો રહ્યો છે તે વિશે તેમણે તેમના પુસ્તક ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’માં લખ્યું છે. આ લખાણ ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત થયું છે. આ લખાણમાં અનિલ સ્વરૂપ લખે છે : “વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મારી પ્રથમ અને છેલ્લી મુલાકાત દરમિયાન તેમના વિચાર સાથે મારા મતભેદ રહ્યા છે. આ બંને વખતે તેઓએ મારી વાત સાંભળી અને પછી મારી વાતથી સહમત થયા. અને તેથી જ તેમની આસપાસ રહેનારાઓની મેં ટીકા કરી છે કે તેઓ વડા પ્રધાનને તેમના વિચારો મુક્ત રીતે જણાવતા નથી. મેં એવું અનેક વેળાએ જોયું છે કે જ્યારે અધિકારીઓ પોતાનો જુદો દૃષ્ટિકોણ રજૂ ન કરીને ચૂપ બેસી રહેતાં હોય અથવા તો વાતોમાં જ વહી ગયા હોય. હા, મેં તેમને કેટલીક વાર અધિકારીઓ પર ગુસ્સે થતાં પણ જોયા છે. એક વખત તેમણે રેલવે બોર્ડના ચેરમેનને અન્ય સેક્રેટરીઓની સામે ઠપકો આપ્યો હતો. જો કે અહીં બાબત જુદો વિચાર રજૂ કરવાની નહોતી, બલકે તેમનું ખરાબ પર્ફોમન્સ હતું.”
અનિલ સ્વરૂપે નોટબંધીની જે વાત કહી છે તેમાં તેમણે સરકારનો દોષ સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે કે તેનું અમલીકરણ યોગ્ય રીતે ન થયું અને તેનાથી સામાન્ય માણસને નુકસાન થયું, ભ્રષ્ટાચારીઓને નહીં. પછી તેઓ લખે છે કે, “પછી તો જાણે વાતાવરણ બદલાઈ ગયું. સેક્રેટરીઓનું અંતિમ વડા પ્રધાન સાથે ‘ટી સેશન’ હતું ત્યારે હું આ મનોદશા સાથે ઉપસ્થિત રહ્યો હતો. થયેલા અભ્યાસ મુજબ કેબિનેટ સેક્રેટરીઓએ આરંભમાં કેટલીક વાતો કહી. ત્યાર પછી એક ઓપન સેશન થયું જેમાં સેક્રેટરીઓએ સૂચનો આપવાના હતા. અને આખરે વડા પ્રધાનનું ભાષણ હતું. આ રીતે સૂચનો અને વિચાર મૂકવાની એક વેગળી જ પદ્ધતિ હતી. જો કે તે દિવસે કેબિનેટ સેક્રેટરી બોલ્યા પછી કોઈએ ટિપ્પણી કે સૂચન ન કર્યું. ત્યાં અસમાન્ય શાંતિ હતી. માહોલ કેવી રીતે બદલાઈ ચૂક્યો છે તે સેશનમાં જોઈ શકાતું હતું. છેલ્લે ખુદ વડા પ્રધાન ઊભા થયા અને સેક્રેટરીઓને બોલવા માટે પ્રોત્સાહિત કર્યા. કેટલાંક બોલ્યાં, પણ હવે દેખાતું હતું કે સંવાદની પૂરી પ્રક્રિયા ગાયબ થઈ ચૂકી છે.”