માલ્કમબાગની અગિયારીમાં કોઈ બાળકના ધર્મપ્રવેશની ક્રિયા ‘નવજોત’ની વિધિઓ હવે પૂરી થઈ ચૂકી હતી, પણ અરદેશર સોરાબજી બલસારાએ પોતાનો અગિયારીના સેવકનો ડગલો હજી પહેરી રાખ્યો હતો. એ ડગલો એ બહુ આત્મસંતોષથી પહેરતા. એમના હોદ્દાનું એ ગૌરવાન્વિત પ્રતીક હતું. ઘરે પાછા ફરતી વખતે ડગલો જ્યારે કાઢીને ખીંટી પર લટકાવી દેતા ત્યારે પોતે કંઈક અડધાપડધા ઢંકાયા હોય તેવી અસ્વસ્થ ભાવના એમને ઘેરી વળતી. ડગલાની એ ખાસ કાળજી લેતા અને જાતે ઇસ્ત્રી કરતા. છેલ્લાં સોળ વરસમાં અગિયારીના સેવક તરીકે એમને એવા પાંચેક ડગલા મળ્યા હતા. પણ જૂના વપરાઈ ગયેલા ડગલા ફેંકી દેવાનું એમનાથી બનતું નહીં. એ સર્વે એમના બેડરૂમના કબાટના નીચલા ખાનામાં વ્યવસ્થિત ગડી કરેલા મળી આવતા.
નવજોત-કક્ષમાં રોકાઈ રહેલા વડા દસ્તૂર ક્યારે બહાર નીકળે તેની પ્રતીક્ષામાં એ ઊભા હતા કે જેથી ત્યાં બધું ઠીકઠાક કરીને પોતે ઘરે જાય. થોડી જ વારમાં વડા દસ્તૂર ત્યાંથી ધીમે પગલે બહાર આવ્યા અને આતશના ઓરડા આગળથી પસાર થતાં ભક્તિભાવે નમન કરી કૉરિડૉરમાં થઈને આવતા જણાયા. વડા દસ્તૂર એમના લાંબા જામા સહિત હજીય પૂરા ધાર્મિક લેબાસમાં સજ્જ હતા.
‘હજુ એવન સાને વરે (માટે) વાર લગારેછ ?’ અગિયારીના સેવકે વિચાર્યું, ‘એવનને ખબર નથી કે મને ઘેર જવાનુંછ?’
વડા દસ્તૂર હાલમાં જ નવા નિમાયા હતા, ચાલીસની થોડા ઉપરના, ગૌરવર્ણા અને જોશીલા. એમના પુરોગામી દસ્તૂરની વિદાય અરદેશર બલસારાને હજીયે સાલતી હતી. એ શ્વેતકેશી દસ્તૂર મિલનસાર હતા, ગુંજનકારી સ્વરમાં ધર્મશ્લોકોની ધારા વહેડાવતા, તથા અમીરઉમરાવોને ત્યાં વારંવાર ભોજનનિમિત્તે જતા. એમને અગિયારીમાં બધું ઠીકઠાક, બધું જોઈએ તેમ હોય તે જરૂર ગમતું, પણ એ કશી વાતમાં ચોળીને ચીકણું કરવાવાળા માણસ નહોતા. આ નવા દસ્તૂરની જેમ નહીં, જે દરેક બાબતમાં માથું મારવાનું જરાય ચૂકતા નથી. તેમ છતાં અરદેશર બલસારા સહનશીલ હતા.
‘આટલી બધી ધાંધલ સાની ?’ અરદેશર બલસારા કહેતા. ‘પન વખત જવા દેવ, ઢીરે ઢીરે બધું સીખસે.’
કૉરિડૉરમાંથી પાસે આવી પહોંચીને વડા દસ્તૂરે કહ્યું, ‘બલસારા, જરા એક મિનિટ મીટિંગરૂમમાં આવજોની, મને તમારી સાથે એક વાત કરવાનીછ.’ અને વડા દસ્તૂર આગળ આગળ મીટિંગરૂમ તરફ ચાલવા લાગ્યા. મીટિંગરૂમમાં અગિયારીના બે પ્રૌઢ ટ્રસ્ટીઓને પણ બેઠેલા જોઈ અરદેશર બલસારા નવાઈ પામી ગયા. એ બન્ને એટલાં જ વરસોથી ટ્રસ્ટી હતા જેટલાં વરસોથી પોતે સેવક હતા.
અરદેશર બલસારાએ ત્રણે તરફ નજર કરી અને સહેજ બેચેનીમાં વિચારવા લાગ્યા કે બાબત શું છે. પરંતુ એમની કુલીન મુખાકૃતિ પર વ્યગ્રતાની કોઈ રેખા ઊપસી નહીં. એ ત્યાં ઊભા રહ્યા, વિનય સાચવીને જરૂર પણ લઘુતા સૂચવીને નહીં. ધાર્મિક હોદ્દા ઉપરની આ નિમણૂક પહેલાં પણ એ કેટલીક નોકરીઓ પર રહી ચૂક્યા હતા, પણ એ બધી સ્વમાનભેર થાય તેવી જ નોકરીઓ હતી. અને એમનું આચરણ હમેશાં દોષરહિત રહેતું. એ લાગતા જ એવા કે બાદશાહ નહીં તો બાદશાહની ભૂમિકા ભજવનાર કોઈ વિશેષ અભિનેતા હોય. એમનું વ્યક્તિત્વ આરોપથી પર હતું.
વડા દસ્તૂરે સમય બગાડ્યા વિના કહ્યું, ‘બલસારા, તમે આય જગા પર ઘનાં વરસથી કામ કીધુંછ, ને મને લાગેછ કે ટ્રસ્ટીઓ કબૂલ કરસે કે તમારી જવાબદારી તમે સહુ કોઈને ખુસી થાય તેમ બજાવીછ.’
બન્ને ટ્રસ્ટીઓએ હકારમાં માથું હલાવ્યું.
‘પન થોરા દિવસ પર એક ગજબની વાત મારા જાનવામાં આવી ને તે ટ્રસ્ટીઓને જનાવવાની મેં મારી ફરજ સમજીછ. મને એ જાનીને ઘની જ નવઈ લાગેછ કે તમે વાંચી કે લખી નથી સકતા.’
અગિયારીના સેવકના ચહેરા પર નાનમનું કોઈ પણ ચિહ્ન ફરક્યું નહીં.
‘પેલ્લેના વરા દસ્તૂર એ વાત જાનતાતા જ, દસ્તૂરસાહેબ,’ એમણે કહ્યું. ‘એવને કહેલું કે એનાથી કોઈ ફરક પરતો નથી. એવન તો હમ્મેસાં એમ કેતાતા કે દુનિયામાં ઘનું વધારે પરતું એડ્યુકેશન છે.’
‘આય તો મેં અત્યાર સુધીમાં એકદમ અમેઝિંગ ચીજ સમજી,’ એક ટ્રસ્ટીએ વિસ્મય બતાવ્યું. ‘તમે સું એમ કેવા માગોછ કે આય અગિયારીના તમે સોલ વરસથી સેવક છેવ પન કારે બી વાંચવા-લખવાનું સીખિયા નથી ?’
‘હું બાર વરસનો ઉતો તહારે નોકરી પર લાગેલો, સાહેબ. મારા ઉપરીએ એક વખત મને સીખવવાની કોસિસ કીધેલી, પન મને કંઈ બરાબર ઠસિયું નઈ. ને પછી એક ચીજ ગઈ ને બીજી આવી ને મને જાને કે વખત જ નઈ મલિયો. પન મને કારે બી એની કોઈ કમી નથી લાગી. મારા ઘેરમાં મારી બૈરી એતલું બધું જાનેછ કે કોઈ કાગલ લખવાનો હોય તો હું એની પાસે લખાવી લેઉંછ.’
‘હાજી, બલસારા,’ વડા દસ્તૂરે કહ્યું, ‘પન આપરી માલ્કમબાગની આય અગિયારીમાં આપરે એવો સેવક નઈ રાખી સકિએ કે જેને વાંચતાં-લખતાં નઈ આવરતું હોય. મને તમારી સામ્ભે કોઈ બી ફરિયાદ નથી તે તો હું સાફ કેઉંછ. તમારા કામ સારુ ને તમારી ચાલચલગત સારુ મને ઘનું જ માન છે; પન અમુને એવું જોખમ લેવાનો કોઈ જ હક નથી કે તમારી આય અભનતાને લીધે અઈયાં કોઈ એક્સિડંટ થઈ જાય. અમે તમારી સાથે જરા બી કરક થવા નથી માગતા, પન ટ્રસ્ટીઓએ ને મેં બધો નિરનય લઈ લીધોછ. તમુને તન મહિનાની મુદત આપિએછ, ને તેના પછી જો તમુને વાંચતાં-લખતાં નઈ આવરે તો તમુને જવું પરસે.’
અરદેશર બલસારાને આ નવા વડા દસ્તૂર ક્યારેયે ગમ્યા નહોતા. એ શરૂઆતમાં જ બોલેલા કે એમને અગિયારી સોંપવામાં સૌએ ભૂલ કરી હતી. અરદેશર બલસારાએ હવે વાંસો જરાક ટટ્ટાર કર્યો. પોતાની કિંમતની એમને જાણ હતી; આમ એ ખુદને હલકા પડવા દેવાના નહોતા.
‘હું ઘનો દિલગીર છેઉં, સાહેબ. મને લાગેછ કે એમ કરવાનો કોઈ ફાયદો નથી. હવે નવી સીરી પર પગથિયાં ચરવાની મારી ઉમ્મર નથી. હું તમોને ઘની ખુસીથી મારું રાજીનામું આપવા તૈયાર છેઉં, પેલ્લાં કોઈ લાયક માનસને તમે આય જગાને વરે સોધી કારો.’
પરંતુ જ્યારે રૂમની બહાર નીકળી અરદેશર બલસારાએ પોતાની સ્વાભાવિક સભ્યતાથી બારણું બંધ કર્યું ત્યારે જે અડગ ગૌરવની અદાથી એમણે આવી પડેલો હુમલો ઝીલ્યો હતો તેને તેઓ જાળવી શક્યા નહીં, અને એમના હોઠ ફફડવા લાગ્યા. એમણે ધીમે પગલે સામાન્ય રૂમમાં આવી પોતાનો સેવકનો ડગલો ત્યાં ખીંટી પર લટકાવી દીધો. એમણે ક્રિયાકાંડરૂમમાં બધું સરખું કર્યું, પોતાનો કોટ પહેર્યો, રોજની ટોપી હાથમાં લીધી, ને કૉરિડૉરમાંથી બહાર ચાલ્યા. કમ્પાઉન્ડમાંથી પસાર થઈ લોખંડનો દરવાજો આગળો સરકાવી બરાબર બંધ કર્યો. પછી જાહેર રસ્તા પર આવી લટાર મારતા આગળ વધ્યા, પરંતુ ખિન્ન ખયાલોમાં ખોવાયેલા અરદેશર આજે ઘરને રસ્તે નહોતા જઈ રહ્યા.
એ મંદ ચાલે ચાલતા રહ્યા. એમનું હૃદય ભારી હતું. હવે શું કરવું એની એમને કશી સૂઝ પડી નહીં. એમણે ઠીકઠીક રકમ બચાવી હતી પણ કશુંય કર્યા વિના જિવાય તેટલી તો નહોતી. આવી ઉપાધિ, એકાએક આવી રીતે, આવી અવસ્થામાં આવી પડશે એવું એમણે ક્યારેયે વિચાર્યું નહોતું. અગિયારીનો સેવક અગિયારીની સેવા થઈ શકે ત્યાં સુધી તો કરતો જ રહે છે.
અરદેશર બલસારા ધૂમ્રપાન નહોતા કરતા, પણ યદાકદા, થાક્યા હોય ત્યારે, કોઈ જુએ નહીં તેમ સિગરેટના દમ લગાવવાનું એમને અમાન્ય નહોતું. એમને થયું કે અત્યારે એક પીધી હોય તો સારું, અને એ પેકેટ ખરીદવા દુકાન શોધવા લાગ્યા. એ લાંબી સડક જાતજાતની દુકાનોથી મઢેલી હતી, પરંતુ તેમાં એકે એવી ન મળી જ્યાં સિગરેટ મળતી હોય.
‘કોઈ માનસ અઈયાં નાલ્લી જેવી ડુકાન ખોલે તો ઘની સરસ ચાલે તેમાં કોઈ સક નથી,’ એમણે કહ્યું. ‘સિગરેટ એન્ડ સ્વીટ્સ, એવું કંઈ.’
અને એ સાનંદાશ્ચર્ય ચમકી ઊઠ્યા.
‘આય તો એક આઇડિઆ થયો,’ એમણે કહ્યું. ‘કમાલ છે કે આપરે જરા બી ધારેલું જ નઈ હોય તહારે બી કંઈનું કંઈ સામ્ભે આવીને ઊભું રે.’
એમણે ઘર તરફ પ્રયાણ કર્યું.
ઘરમાં એમની પત્નીએ ચા પીતાં પીતાં પૂછ્યું, ‘અદી, તું આજે આટલો મૂગોમૂગો કાંય, ડિઅર ?’
‘હં… તેમી, હું જરા વિચાર કરી રયોછ,’ એમણે કહ્યું.
બીજે દિવસે અરદેશર બલસારા ફરી તે સડક પર ગયા અને સદ્ ભાગ્યે ભાડે આપવા મૂકેલી એક નાની દુકાન એમને મળી ગઈ જે એમની જરૂરિઆતને બરાબર બંધબેસતી જણાતી હતી. ચોવીસ કલાક પછી એમણે એ દુકાન લઈ લીધી હતી; અને મહિના પછી જ્યારે એ અગિયારીની નોકરીમાંથી સદાના અલગ થઈ ગયા હતા ત્યારે અરદેશર બલસારા એમના ખુદના ધંધામાં ‘ટોબેકો એન્ડ સ્વીટ્સ’ની દુકાન પર વિરાજમાન હતા. એમની પત્નીએ એમ કહ્યું કે અગિયારીની નોકરી પછી ‘આય ઘનું એબલગામનું અઢોપટન ઉતું’, પણ એમણે માત્ર એટલો જ જવાબ વાળ્યો કે માણસે ‘વખતની સાથે કડમ મિલાવવા જોઈએ.’
અરદેશર બલસારા બહુ સફળ થયા; એટલા સફળ કે એક વરસ પછી એમણે બીજી દુકાન લીધી અને મેનેજર રાખ્યો. પછી એમને થયું ‘હું જો બે ચલાવી સકું તો બાર કાંય નઈ ?’ એટલે એ મુંબઈમાં અમુક સ્થળો પર આંટા મારવા લાગ્યા અને જ્યાં જ્યાં એમને લાંબા રસ્તા પર કોઈ તમાકુ-સિગરેટની દુકાન ન દેખાઈ ત્યાં ત્યાં એમણે દુકાન ખોલી અને ન્યૂસપેપર-ચોપાનિયાંની વિક્રી પણ શરૂ કરી. દસ વરસમાં તો એ ઓછામાં ઓછી દસ દુકાનોના માલિક હતા. દર અઠવાડિયે એ ચક્કર મારીને દુકાનોમાંથી વકરો એકઠો કરતા અને બેન્કમાં જઈને જમા કરતા.
એક સવારે જ્યારે એ બેન્કમાં ગયા ત્યારે કેશિઅરે એમને કહ્યું કે મેનેજર એમને મળવા માગતા હતા. એમને એક ઑફિસમાં લઈ જવામાં આવ્યા જ્યાં મેનેજરે એમની સાથે હાથ મિલાવ્યા.
‘મિસ્ટર બલસારા, તમને ખબર છે તમે કેટલા પૈસા અહીં ડિપૉઝિટ પર મૂક્યા છે ? એક સારી એવી મિલકત જમા છે. એને ખાલી ડિપૉઝિટ પર રાખવાને બદલે ઇન્વેસ્ટ કરો તો મને લાગે છે કે એ ઘણી વધશે.’
‘હું કોઈ બી રિસ્ક લેવા નથી માગતો, મિસ્ટર ચોકસી. બેન્કમાં તો મને ખબર છે કે એ સલામત છે.’
‘તમારે કશી ચિંતા કરવા જેવું નથી. અમે તમને એકદમ સદ્ધર કંપનીઓનું એક લિસ્ટ બનાવી આપશું. તેમાંથી તમને ઘણું સારું રિટર્ન મળશે, જે આ ડિપૉઝિટમાં તો નહીં જ મળે.’
મિસ્ટર બલસારાના ચહેરા પર ગભરામણની આછી રેખાઓ ફરી વળી. ‘સેરબજારમાં તો મેં કારે બી કઈ કીધું નથી. એ બધું મને તમારા હાથમાં જ છોરવું પરસે.’
મેનેજર હસ્યા. ‘હા, અમે બધું કરીશું. તમે બીજી વાર આવો ત્યારે ખાલી ટ્રાન્સફરનાં કાગળિયાં પર તમારે સહી કરવાની એટલું જ.’
‘હા, એ હું કરી સકું,’ અરદેશરે સંદિગ્ધ ભાવે કહ્યું. ‘પન મને કેમ ખબર પરે કે હું સું સાઇન કરી રયોછ ?’
‘હું માનું છું કે તમે વાંચી શકો છો,’ મેનેજેરે જરાક રૂક્ષતામાં કહ્યું.
બલસારાના હોઠ ઉપર એક મોટું અને મોહક સ્મિત ફેલાયું. ‘એ જ તો વાત છે, મિસ્ટર ચોકસી. હું વાંચી નથી સકતો. હું જાનુંછ કે એ કેટલું વાહિયાત ને ફની જેવું લાગેછ, પન ચોખ્ખું જ કેઉંછ કે હું વાંચી કે લખી નથી સકતો. ખાલી મારું નામ, ને તે બી હું બિઝનેસમાં પરિયો તહારે જ સીખિયો.’
આશ્ચર્યના આંચકાથી મેનેજર ખુરશી ઉપરથી અડધા ઊંચા થઈ ગયા. ‘તમે શું એમ કહેવા માગો છો કે આ આવડું બિઝનેસ તમે જમાવ્યું અને આ આટલી સંપત્તિ તમે એકઠી કરી ને તમને વાંચતાં કે લખતાં જરા પણ આવડતું જ નથી ? ઓ ભગવાન, અને જો આવડતું હોત તો તો તમે અત્યારે શું હોત ?
‘એ તો, મિસ્ટર ચોકસી, હું તમુને ચોક્કસ કહી સકું,’ મિસ્ટર બલસારાએ એમના કુલીન ચહેરા પર ઝબકતા સ્મિત સાથે કહ્યું. ‘તો હું અગિયારીનો સેવક હોતે, માલ્કમબાગમાં.’
——————————————————
(અગિયારી = પારસી ધર્મમંદિર)
(સમરસેટ મોઅમની વાર્તા ‘ધ વર્જર’ ઉપરથી)
e.mail : vkapmail@yahoo.com