અજય પાછો કહેતો પણ નથી કે અત્યારે ઘર બંધ હશે! ક્યાં ગયો હશે એ, ને ઘર અત્યારે કેમ બંધ? સારું થયું મારી પાસે ઘરની વધારાની ચાવી છે, નહીંતર તો ..! ‘એક દિવસ પિયરથી વહેલી ઘેર આવી ગયેલી રાશિએ આમ વિચારી ઘર ખોલ્યું, ને અંદર જઇ જૂએ છે તો .. આ શું?! એના પોશ એરિયામાં આવડો વિશાળ ડ્રોઈંગ રૂમ બીજા કોઈ ઘરમાં ન્હોતો. એ જ જો આવો ઢંગધડા વગરનો હોય તો તો એની આબરૂનાં ચીંથરાં જ ..!
સૂટકેસ ઉઘાડી .. કપડાં હેંગરની બદલે ઠેકઠેકાણે વેરવિખેર .. એ પણ ચોળાયેલાં ને ગડી કર્યાં વિનાનાં. ખુદ હેંગર નીચે પડ્યા હતા! ફોન ક્રેડલ પર નહોતો. પાણીની આડી પડેલી બોટલ, જેમાંથી મોટા ભાગનું પાણી ઢોળાઈ ગયું હતું. સોફાસેટની ગાદી અડધી જમીન પર ને અડધી સોફા પર .. એક ખુરશી ધરાશાયી ને બીજી આડી. પેકેટમાંની મોટા ભાગની વેફર્સ જમીન પર વેરાયેલી. ટોમેટો કેચઅપની બોટલનું ઢાંકણું બેશરમ થઇ ક્યાં ય દૂર રખડતું હતું. કાચનો ફૂટેલો ગ્લાસ નાનીનાની કરચોમાં ફેરવાયો હતો. નસીબ ફૂટી ગયા જાણે ..!
કબાટ અધખુલ્લો. તેમાંની થોડીક ચીજવસ્તુ નીચે ફર્શ પર આરામ ફરમાવી રહી હતી. વોશબેસિનનો નેપકિન સેટી પર પડ્યો હતો ને સેટી પરની રજાઈ વોશબેસિનની નીચે પડી પડી ધીરેધીરે ભીંજાતી હતી. માણસ એટલો ચીવટવાળો કહેવાય, કેમ કે એના નળમાંથી ઝાઝું નહીં, પણ ટીપુંટીપું પાણી જ સતત ટપકતું હતું! દાંતિયા ડ્રેસિંગ ટેબલના ડ્રોઅરની બદલે જમીનસ્થ થઇ એની સામે દાંતિયા કરી રહ્યા હતા. બધું વેરણછેરણ!
આ બધું જોઈ પહેલાં તો એ માથું પકડી આડી ખુરસીમાં સીધી બેસી ગઈ. બધું સરખું કરતા તો ભવ લાગશે એમ લાગ્યું. પણ પછી એણે કમર કસી. મહામહેનતે એણે બધું સરખું કર્યું. થોડીવાર પછી અજય ઘરમાં પ્રવેશ્યો કે .. 'તમારી આદત ન સુધરી. હજી એવા ને એવા જ રહ્યા. ને આજે તો તમે હદ કરી નાખી. થોડું વેરવિખેર હોય એ તો સમજ્યા, પણ આટલું બધું …? મેં માંડમાંડ બધું … કોઈ ચોર લૂંટારુ તો ધસી નથી આવ્યા ને? ’
અજયે આખા રૂમમાં નજર ફેરવી, પગ પછાડ્યા, ને પછી પત્ની સામે જોઈને બરાડ્યો. ‘આ તે શું કર્યું? ને કોને પૂછીને કર્યું? અરે આ બધું વિચારવામાં ને કરવામાં મારા પૂરા પાંચ કલાક ગયા હતા. હમણાં બધા આવશે તો એને શું જવાબ દઈશ? મને એમ કે શાબાશી મળશે. એને બદલે તારે લીધે હવે …! તે બધું ચોપટ, અસ્તવ્યસ્ત કરી નાખ્યું. અરે, સિચ્યુએશન પ્રમાણે મેં ફિલ્મનો આ સેટ ગોઠવ્યો હતો!!! '
0 0 0 – – – 0 0 0
*સૌજન્ય:* ‘કુમાર’ સામયિક
1, જલારામનગર, નરસંગ ટેકરી, હીરો શો રૂમ/ ડો. ગઢવીસાહેબના મકાન પાછળ, પોરબંદર. ગુજરાત. 360 575
![]()


દિવાળીના તહેવારની સળંગ ત્રણ રજાઓનો આજે બીજો દિવસ હતો. ભિવંડીની લગભગ તમામ પાવરલુમ્સ ફેક્ટરીઓ આખું વર્ષ ત્રણેય શિફ્ટમાં ચાલતી, પણ વર્ષાંતે આ બોતેર કલાક સંપૂર્ણ લોકડાઉન રહેતું અને આખો ઈન્ડસ્ટ્રીઅલ એરીઆ કબ્રસ્તાનની શાંતિમાં ફેરવાઈ જતો. મારી નોકરી હંમેશ માટે રાતપાળીની જ રહેતી હતી અને ભવિષ્યે પણ એમ જ રહેવાની હતી, કેમ કે એ શરતે જ તો મને કામ મળ્યું હતું. મારી પાળી રાત્રે દસથી સવારના છ વાગ્યા સુધી રહેતી અને આમ આખું વર્ષ મારા માટે દિવસ એ રાત અને રાત એ દિવસ બની રહેતાં. કહેવાય છે કે સોબત તેવી અસર અને તે ન્યાયે હું પણ યંત્ર સાથે કામ કરતાં કરતાં યંત્ર બની ગયો છું. જોજો પાછા કોઈ ગેરસમજ ન થવી જોઈએ કે હું સંવેદનાશૂન્ય યંત્રમાનવ(રોબોટ)માં ફેરવાઈ ગયો છું; પરંતુ હા, એટલું તો ખરું જ કે હું ઘડિયાળના કાંટે ચાલતો સંવેદનશીલ માનવયંત્ર તો અચૂક બની ચૂક્યો છું.