ગાંધીજીની એક મોટી કમાલ એ હતી કે પોતાનાથી જુદા વિચાર ધરાવતા ઘણા તેજસ્વી લોકોને તે ચેલા મૂંડ્યા વિના પોતાની સાથે રાખી શક્યા. તેમાં અનેક જાણીતાં નામોથી માંડીને કેદારનાથ જેવા અધ્યાત્મ પંથના પ્રવાસીથી માંડીને દાદા ધર્માધિકારી જેવા ચિંતકનો પણ સમાવેશ થાય. ચિંતક તરીકેની ઓળખ અત્યારે એટલી લપટી પડી ગયેલી અને સમજુ લોકોમાં બદનામ ગણાય છે કે સાચા ચિંતકની ઓળખાણ કયા શબ્દોમાં આપવી, તેની મૂંઝવણ થાય. પણ ખુલ્લા મનથી, કોઈ પણ વિચારધારાની કંઠી બાંધ્યા વિના, માનવહિત અને નાગરિકહિતનો વિચાર કરનાર દાદા ધર્માધિકારીના વિચારોથી તેમની સાચી ઓળખ મળી રહેશે.

દાદાની જે પુસ્તિકાની વાત અહીં કરવાની છે તે હકીકતમાં દાદાએ આપેલા મરાઠી પ્રવચનનો ગુજરાતી અનુવાદ છે. ‘તરુણોને’ એવું મથાળું ધરાવતી આ પુસ્તિકાની પહેલી આવૃત્તિ વડોદરાના યજ્ઞ પ્રકાશને 1972માં પ્રકાશિત કરી હતી. ચિંતનની જેમ યુવાનોના નામે પણ અત્યારે જે ધંધા ચાલે છે, તે જોતાં દાદાના વિચારો ધર્મ, સમાજ અને નાગરિકચેતનાની જુદી અને સાચી દિશા ચીંધનારા લાગે છે.
તરુણોએ પરિવર્તન આણીને કેવી દુનિયા બનાવવા માટે કામ કરવાનું છે? દાદા ધર્માધિકારીએ તેના ત્રણ મુદ્દા આપ્યાઃ
1) જરૂરિયાતવાળાને વસ્તુ મળવી જોઈએ. જરૂર ન હોય છતાં ખરીદશક્તિના જોરે વસ્તુ મળી જાય ને જરૂરતમંદ નાણાંના અભાવે વંચિત રહી જાય, એ ન ચાલે. આવી વ્યવસ્થા વિશે તેમણે કહ્યું કે વિદ્યા વેચાતી મળે, મોક્ષ વેચાતો લેનારને મળે … દેવ પણ વેચાતા લેનારને મળે. માણસ વેચાય, માણસનો શ્રમ પણ વેચાય, માણસની વિદ્યા પણ વેચાય, માણસના ગુણ વેચાય. જ્યાં માણસ વેચાય ત્યાં રાજ્ય પણ વેચાય, ત્યાં મત પણ વેચાય.’
2) નાણાંની જગ્યાએ શસ્ત્રનું, તિજોરીની જગ્યાએ તલવારનું રાજ પણ ન જોઈએ. ‘ક્રાંતિ કરતા હોઈએ ત્યારે પણ એ કાળજી લેવી જોઈએ કે સમાજમાં હત્યારાની પ્રતિષ્ઠા, હત્યારાની ઇજ્જત ન વધવી જોઈએ. હત્યારાની છત્રી નીચે નાગરિકોએ બિલાડી બનીને ન રહેવું જોઈએ.’
૩) નાગરિક-નાગરિક વચ્ચે રાજ્યની દખલ ઓછામાં ઓછી હોવી જોઈએ. રાજ્યને ઓળખવાની ત્રણ નિશાની છે. ત્રણ સંસ્થા છેઃ પોલીસ, કચેરી અને જેલ … સ્મશાન એ ગામની આવશ્યકતા છે, પણ આશીર્વાદ શું અપાય? ત્યાં જવાનો વખત કોઈને ન આવે એ જ … જેલ, કચેરી, પોલીસ આ સંસ્થાઓ સમાજમાં આવશ્યક હશે, પણ … તેનો ઉપયોગ કરવાનો વારો ન આવવો જોઈએ. એટલે રાજ્યસંસ્થા ક્ષીણ થવી જોઈએ. રાજનીતિ ક્ષીણ થવી જોઈએ અને લોકનીતિ વધવી જોઈએ … રાજકારણ એટલે રાજ્યનો લોકજીવનમાં પ્રવેશ. લોકકારણ એટલે લોકમતનો રાજ્યમાં પ્રવેશ.
આગળ જણાવેલી ત્રણે સત્તાના નાશને તથા માનવતાના વિકાસને દાદાએ ‘ક્રાંતિ’ ગણાવીને કહ્યું કે ‘આ દૃષ્ટિએ તરુણોએ વિચાર કરવો જોઈએ. આવા વિચાર કરે તે તારુણ્ય.’
લોકકારણને બદલે રાજકારણની બોલબાલા થઈ, એટલે લોકશાહી નબળી પડેલી લાગે છે. પરંતુ તેના માટે રાજકારણીઓની સાથોસાથ નાગરિકોની પણ જવાબદારી ઓછી નથી. તે નાગરિક હિત સાથે રાજકારણમાં પ્રવેશવાને બદલે, રાજનેતાઓને પોતાના સ્વાર્થી એજન્ડા લઈને નાગરિકહિતની બાબતોમાં પ્રદૂષણ પેસાડવા દે છે. ઉપરથી પોતે લોકકારણના એ પ્રદૂષણમાં સહભાગી બને છે.
અત્યારનો ઘણો સંઘર્ષ વિચારધારાના નામે પણ ચાલે છે. તેમાં ખરેખરો વિચાર કેટલો હોય છે?
દાદા ધર્માધિકારીએ કહ્યું, ‘વિચાર એટલે કોઈ પણ એક વિચાર નહીં, ફક્ત વિચાર. વિચાર કરવાની માણસની ક્ષમતા … વિચાર આધ્યાત્મિક ક્ષેત્રમાં સંગઠિત થાય તેનું નામ ધર્મપંથ. તે જ પ્રમાણે વિચાર બીજા ક્ષેત્રમાં સંગઠિત થાય એટલે તે વિચારસરણીમાં પરિણત થાય છે. વિચારસરણી બને એટલે વિચાર બચતો નથી. વિચાર સંગઠિત થયો એટલે વિચાર પૂરો થયો. સંગઠિત વિચાર એટલે મૃત વિચાર. બીજું, સંગઠિત વિચાર આક્રમણશીલ થાય, એટલે તે વાદ બને છે … આજે જગતમાં વાદોની લડાઈ છે … આ સંગઠિત વિજેયચ્છુક (વિજયી બનવા ઇચ્છતો) વિચાર જ્યારે સત્તાભિમુખ બને છે ત્યારે તે પક્ષ બને છે.’
આ વાક્યોમાં શબ્દચાતુરી નહીં, વાસ્તવિક પરિસ્થિતિ સમજવાની ચાવી છે. એ વાતને આગળ વધારતાં દાદાએ કહ્યું, ‘સંગઠિત વિચાર એ સમ્યક વિચારનો વિરોધી છે, ઘાતક છે. જ્યાં સંગઠિત વિચાર આવે છે, ત્યાં વિચાર સિલક રહેતો નથી. ઇટ્સ એ કૉન્સ્પિરસી અગેન્સ્ટ ઇન્ટલેક્ટ—માણસની બુદ્ધિની વિરુદ્ધ કરેલ વ્યૂહ એટલે સંગઠિત વિચાર … કેવી ગમ્મત છે? પક્ષનો આરંભ વિચાર-સ્વાતંત્ર્યની આકાંક્ષામાંથી થાય છે. પક્ષ કેમ બન્યો? આપણે કહીએ છીએ કે અમારો વિચાર ભિન્ન છે માટે અમે જુદો પક્ષ કાઢ્યો, પણ પક્ષમાં સ્વતંત્ર વિચારને સ્થાન જ નહીં. તમે જો વિચાર-સ્વાતંત્ર્ય માગશો તો પક્ષ છોડવો પડશે અથવા તમને પક્ષમાંથી કાઢી મૂકીશું. એટલે પક્ષ માટે કહેવાયું … સામાન્ય લોકોની બુદ્ધિની વિરુદ્ધ, બૌદ્ધિક સ્વાતંત્ર્ય વિરુદ્ધ આ વ્યૂહ છે.’ (એ અરસામાં કોંગ્રેસના બે ભાગ પડ્યાની ઘટના પ્રમાણમાં તાજી હતી.)
એક સવાલ જુદી જુદી બાબતોમાં આવતો રહે છે — ચૂંટણીઓ વખતે તો ખાસ. ઘણા લોકો કહે છે, ‘બન્ને તરફ અનિષ્ટ છે, તેમાંથી અમે ઓછા અનિષ્ટની પસંદગી કરી.’ પોતાના હેતુ માટે હથિયારો ઉપાડનારામાંથી કેટલાક સિદ્ધાંતવીરો કહે છે, હિંસા ‘નેસેસરી ઇવિલ’ (અનિવાર્ય પાપ) છે. પરંતુ વાસ્તવમાં શું થાય છે? દાદાએ કહ્યું હતું, ‘ફક્ત અપરિહાર્ય (જેના વગર ન ચાલે એવું) તરફ જ લક્ષ રહે છે … ‘ઇવિલ’ પર જોર નહીં, ફક્ત ‘નેસેસરી’ પર જ જોર છે.’ આપણે પણ ઓછા અનિષ્ટને ચૂંટ્યા પછી એ યાદ રાખતા નથી કે એ છે તો અનિષ્ટ જ. માટે તેને માથે ન ચડાવાય અને તેની પાસેથી સતત હિસાબ માગતા રહેવું પડે. પરંતુ ઓછું અનિષ્ટ ક્યારે ઉદ્ધારકનું સ્થાન લઈ લે છે, તેની ઘણાને સરત રહેતી નથી.
વર્ગની વિચારસરણી પર મોટાં શાસ્ત્રો રચાયાં છે, પણ દાદાએ તેની બહુ વ્યવહારુ સમજૂતી આપી. તેમણે કહ્યું કે વર્ગ (એટલે કે ગરીબ અને અમીર, માલિક અને મજૂર) એ બાહ્ય પરિસ્થિતિ છે. ‘જેને માટે (રશિયન) ક્રાંતિ કરવામાં આવી એ ક્રાંતિકારી નહોતા. ગરીબ માણસ ક્રાંતિકારી નથી … તેઓ સમાજપરિવર્તન ઇચ્છે છે, પણ ક્રાંતિ નહીં. એનો અર્થ શું? ગરીબને અમીર થવું છે, પણ ક્રાંતિ નથી જોઈતી. એટલે ગરીબ અને અમીરની મનોભૂમિકામાં મૂળભૂત ફરક નથી. ફરક છે પરિસ્થિતિમાં, બાહ્ય ભૂમિકામાં.’ એટલે એક તરફ ગરીબ અમીરને શેતાન ગણતો હોય, શોષક ગણતો હોય, પણ તેને પોતાને (એવા જ) અમીર થવું હોય. આ વિરોધાભાસને કારણે બન્ને બાહ્ય રીતે જુદા વર્ગના થવા છતાં, સરવાળે એક જ માળાના મણકા બની રહે છે. અલબત્ત, આ દલીલથી શોષણખોરોને અવિરત શોષણનો પરવાનો મળી જતો નથી, પણ શોષણ સામે-અન્યાય સામે-અત્યાચાર સામે આંદોલન કરનારાએ વિચારવાનું રહે છે કે તેમને કેવા બનવું છે?
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ’રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 12 નવેમ્બર 2017
![]()



ભલે તમે એને વરસી કહો કે વરસગાંઠ, કાળો દિવસ કહો કે કાળાં નાણાં સામેની દે ધનાધન જેહાદ જયંતી, પણ નાગરિક છેડેથી પૂરી તપાસ તો કરવી જોઈએ. ગુજરાતમાં જે બધી પ્રતિભાઓ આ ગાળામાં ઊતરી પડી એમાં પક્ષોથી ઉપર એવા એક અભ્યાસીનો અવાજ પૂરતું ધ્યાન ખેંચી ન શક્યો હોય એવું બને. અથવા, એણે ધ્યાન ખેંચ્યું હોય તો પણ વિપક્ષી ટોળા પૈકીના જ એકમાં એમને ખતવી દેવાયા હોય એવું બને. જે.એન.યુ.ના નિવૃત્ત પ્રોફેસર અરુણકુમાર આપણે ત્યાં પ્રવર્તતી ‘બ્લેક ઈકોનોમી’ના નિસબતી પંડિત રહ્યા છે અને 1999ની એમની પેંગ્વિન કિતાબની ચોથી શોધિત-વર્ધિત આવૃત્તિ નવેમ્બર 2016ના નોટબંધી દિવસોની વાંસોવાંસના મહિનાઓમાં ચાલુ વરસે પ્રકાશિત થઈ છે. એમના અવલોકન પ્રમાણે દેશનો છેવાડાનો સમૂહ, સીમાન્ત માનવદ્રવ્ય, નોટબંધી અને જીએસટી સાથે વધુ હાંસિયામાં ધકેલાયો છે. ‘માર્જિનલાઇઝિંગ ધ માર્જિનલાઇઝ્ડ’ એવી અનર્થ પ્રક્રિયાના એક કારક તેમ જ ચિહ્ન તરીકે તે આ આખા ઘટનાક્રમને જુએ છે.
રહો, એમની વાત ઘડીક રહીને કરીએ. પણ આપણી લોકશાહી અને આપણું સમવાયતંત્ર, બેઉને જેબ આપે એવી એક બીના કેરળના ડાબેરી સરકારના નાણામંત્રી થોમસની સાખે નોંધી લઈએ. 2016ના નવેમ્બરની આઠમીએ રાતે નોટબંધીની જાહેરાત થઈ ત્યારે એમની તત્ક્ષણ પ્રતિક્રિયા ‘અ ક્રેઝી આઇડિયા’ની તરજ પર હતી. એક સનકી કે ઉન્માદી વિચારતરંગ અગર ખ્યાલ જેવી આ વાત એમને કેમ લાગી હશે? થોમસે હમણાં આ સંદર્ભમાં એક કિસ્સો કહ્યો છે. લગભગ પેરેબલ (નીતિકથા) લગોલગનો એ કિસ્સો આવે છે: તળાવ માછલાંથી અને મગરોથી ઉભરાઈ ગયું હતું. માલિકે એમાંથી મુક્ત થવા સારું શોધી કાઢેલો રામબાણ નુસખો, તળાવને ખાલી કરી નાખવાનો હતો. એને હતું, ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી! ભાઈસાહેબે તબિયતથી પાણી બહાર કઢાવ્યું ને સાતમા આસમાનમાં મહાલવા લાગ્યા. પછી ખ્યાલ આવ્યો કે માછલાં મરી ગયાં, પણ મગર તો પાણીની જેમ જમીન પર પણ રહી શકે એટલે મગરોએ તો તાબડતોબ ચલતી પકડી. માછલાં, પાણી, મગર સઘળું ગયું!