તા. ૨૫ જૂન, ૨૦૧૮. આમ તો આજનો દિવસ ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫માં લાદેલી કટોકટીને યાદ કરવાનો દિવસ ગણાય. ૪૩ વર્ષ વીતી ગયાં છતાં આજે પણ પ્રજામાનસમાં તે ઘટના સામે તીવ્રતા
જયપ્રકાશ નારાયણે કટોકટીનો વિરોધ કર્યો હતો. આ પ્રસંગે ઇંદિરા કૉંગ્રેસ સામે લડવા બધાં એકજૂથ થયાં હતાં. જમણેરી વિચારસરણી ધરાવતા પક્ષો પણ તેમાં ભળ્યા. જેપીને ઘણાએ ચેતવ્યા, પરંતુ વળતી આશા એ હતી કે તેવા પક્ષો દેશના નવા વાતાવરણમાં નવી ચેતના સામે કામ કરશે. આગળ ચાલતા સત્તા મેળવવાની દિશામાં આવા પક્ષને હાઈવે મળી ગયો. લોકસભામાં જેમની માંડ સીટો હતી તે આજે સત્તા પર છે.
આજે આ જ પક્ષ – સ્પષ્ટ કરતાં, ભારતીય જનતા પક્ષ, તે વખતના કૉંગ્રેસ પક્ષ કરતાં વધુ ચાલાકી અને ક્રૂરતા દાખવી સત્તાનો વિકરાળ પંજો મોટો કરીને શાસન ચલાવી રહ્યો છે. આ સામે અવાજ ઉઠાવવા માટે પિ.યુ.સી.એલ. અને એમ.એસ.ડી.ના સંયુક્ત ઉપક્રમે ‘અવાજ’ સંસ્થામાં સમી સાંજે બે કલાક માટે એક સંમેલન મળી ગયું.
બે ઠરાવો :
સંમેલનમાં બે ઠરાવો પસાર કરવામાં આવ્યા. ઠરાવ નં. ૧માંની મહત્ત્વની બાબતો પર નજર નાંખીએ :
– ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ લોકશાહીવાળા ભારતદેશમાં નાગરિક – અધિકારોના હનનપૂર્વક અભિવ્યક્તિસ્વાતંત્ર્ય અટકાવવામાં આવ્યું હતું. સેન્સરશિપ દાખલ કરવામાં આવી હતી. નિર્દોષ નાગરિકોને મિસાના કાયદા તળે જેલભેગા કર્યા હતા. પરંતુ લાંબા સંઘર્ષના અંતે ૧૯૭૭માં પ્રજાને બીજી આઝાદી મળી હતી. કમભાગ્યે દેશમાં આજે – ૨૦૧૮માં – કટોકટીના પડછાયારૂપ અધોષિત કટોકટી જેવું ફરી વાતાવરણ સર્જાયું છે. દેશભક્તિ અને સાંસ્કૃિતક રાષ્ટ્રવાદના નામ હેઠળ નાગરિક-અધિકારો દબાવાઈ અને છીનવાઈ રહ્યા છે.
આજે બિનપક્ષીય રીતે સંગઠિત થઈને આનો સામનો કરવાનો છે.
– ઠરાવ નં ૨માંની મહત્ત્વની વાતો. આજે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી રહી છે. સમૂહમાધ્યમો, પત્રકારો પર જોખમો વધી ગયાં છે. પત્રકારો ધમકીના ભોગ બની રહ્યા છે. ગૌરીલંકેશ તેમ જ અંધશ્રદ્ધા સામે લડનારાઓને મારી નાંખવામાં આવ્યા છે. સત્તાધીશો દેશમાં આવી બગડતી પરિસ્થિતિને રોકવા પગલાં ભરે તેવો સભાજનો અનુરોધ કરે છે.
મુખ્ય રજૂઆત : પિ.યુ.સી.એલ.(ગુજરાત)ના અધ્યક્ષ અને સભાના પ્રમુખ પ્રકાશ ન. શાહે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, ‘અભિદૃષ્ટિ’ના તંત્રી રોહિત શુક્લ, ગૌતમ ઠાકર, દ્વારિકાનાથ રથ અને લાલુભા ચૌહાણની મુખ્ય રજૂઆત પછી ખુલ્લી ચર્ચા થઈ હતી. તે દરમિયાન થયેલી મુખ્ય રજૂઆતોના અંશો :
સંદીપ પાંડેના નેતૃત્વમાં ગાંધીઆશ્રમમાંથી નીકળી પાકિસ્તાનની સરહદે જવાવાળી શાંતિયાત્રાના ૧૦ લોકોને પકડી લેવામાં આવ્યા.
ગુજરાત લૅન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ટેબલમાંથી મોટી રકમ પકડાઈ છે. રોજના બે કરોડનો ભ્રષ્ટાચાર ઑફિસમાં થતો હતો.
– ખેડૂતોને તેમ જ પ્રજાજનોને દેખાવો કરતાં રોકવામાં આવે છે.
– ધિક્કારનું રાજકારણ ખેલાઈ રહ્યું છે.
– હિંદુત્વવાદી સંકુચિત માનસ ધરાવતાં વર્તુળો લઘુમતીદાર, દલિતો પર અત્યાચારો કરે છે.
– વર્ગભેદ, વર્ણભેદ સર્જવામાં આવે છે. નાગરિકહક્કોનું હનન થાય છે.
– ડર ફેલાવવામાં આવે છે. રાજ્ય દ્વારા લઘુમતીને કોઈ ચોક્કસ વિસ્તારમાં ખદેડવામાં આવે છે, જ્યાં પાયાની સુવિધાઓ તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે.
– સરકારના મહત્ત્વના સ્થાને બેઠેલા લોકોની કથની અને કરણીમાં જમીન આસમાનનો ફેર છે. પરદેશમાં, રેડિયો પર, મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ધરાતલ પરનું ચિત્ર જુદું છે.
– નેહરુના જમાનામાં રાજ્યભંગનાં વલણો-પ્રવાહોની જાણ થતી તેનો વિરોધ પણ કરી શકાતો હતો. આજે તો રાજ્યની ચાપલૂસી કરવાવાળો વર્ગ ઊભો થઈ ગયો છે. વિરોધ કરવાવાળાને દબાવી દેવામાં આવે છે.
– આજે સત્તાધારીઓની આરતી ઉતારવાવાળા ખુલ્લેઆમ કહે છે કે લોકશાહીમાં હવે સરકાર સામે દેખાવો કરવાની જરૂર નથી.
– પ્રોટેસ્ટને રાજદ્રોહ અને દેશદ્રોહ માનવામાં આવે છે. ‘નૅશનાલિઝમ’ની વાતો કરીને લાવાસા જેવી અમનનગરીની શોધ સત્તાધીશો કરી રહ્યા છે.
– કૉંગ્રેસયુક્ત થઈ ગયા છે.
– આપણે કૉંગ્રેસની કટોકટી સામે લડ્યા હતા. અને બીજું સ્વરાજ હાંસલ કર્યું હતું, પણ ખરેખર તો સ્વરાજ એક સતત ચાલતો સંઘર્ષ છે.
બંધારણબહારની ચાલ
અત્યારના શાસનકર્તાઓ ઇન્દિરા ગાંધી કરતાં વધારે ચાલાક છે. ઇન્દિરાએ બંધારણની કોઈ કલમના આધારે કટોકટી લાદી હતી. બંધારણને બદલવા પ્રયત્ન કરી તેને ‘યાવશ્ચંદ્ર દિવાકરો’ કાયમી ધોરણે સત્તાનાં સૂત્રો હાથમાં રાખવા પ્રયત્ન કર્યો હતો.
પરંતુ બંધારણ અને લોકશાહીના માળખાના પ્રભાવતળે કટોકટી ઉઠાવવી પડી, આજે બંધારણના માર્ગે સત્તા પર ટકવાના માર્ગ કરતાં, બંધારણીય રીતે નહીં. પરંતુ અન્ય માર્ગે સત્તા ટકાવવાના પ્રયત્નો થાય છે … જે માર્ગે જઈને ભૂતકાળમાં ઇન્દિરાએ ભૂલો કરી હતી, તેના સ્થાને એક જુદી જ રાજરમત રમાઈ રહી છે. આપણા લોકશાહીનાં બધાં માળખાંઓને અંદરથી અદૃશ્ય રીતે કોતરી ખાવાનું ચાલે છે. સાથેના અને હાથ નીચેના સૌને ધાકધમકીથી કે અન્યથા વશ કરી લેવામાં આવ્યા છે.
ઇન્દિરા-મોરારજીના જમાનામાં ઇન્ટર્નલ ડિસ્ટર્બન્સ શબ્દની આસપાસ તેનો ઉપયોગ કરવાનું અને દૂર કરવાનું ચાલ્યું, પણ આજની સરકાર દ્વારા ‘આર્મ્ડ રિબેલિયન’ની વાત કરવામાં આવે છે. આજે તો સરકાર પોતાના મનમાં આવે તેવું વાતાવરણ ઊભું કરી શકે છે. જરૂર પડે હિંસા આચારનારાઓને છૂટોદોર આપી શકે છે. આજે ગૌહત્યાના નામે, લવજેહાદના નામે, ગમે ત્યારે ગમે તેને મારી નાંખવામાં આવે છે.
આજે અર્થકારણ પ્રજા પર હાવી થઈ ગયું છે, તેનો સરકાર ભરપૂર લાભ લે છે. ભારતની પ્રજા શિથિલ થઈ રહી છે. ક્યારેક લાગે ચર્ચિલ કહેતા હતા તેમ આ પ્રજા લોકશાહીનું જતન નહીં કરી શકે, કારણ કે આપણે જોઈએ છીએ કે દારૂ અને પૈસાથી વોટ ખરીદવામાં આવે છે. (ધારાસભ્યોના પણ ૧૦૦-૧૦૦ કરોડના ભાવ બોલાય છે.)
એક જુદો મત
એક મત એવો પણ રજૂ થયો છે કે આજનો સંદર્ભ તદ્દન જુદા પ્રકારનો છે. તેને જૂની કટોકટી સાથે જોડીને ‘અઘોષિત કટોકટી’ કહેવામાં આપણે ક્યાં ય લક્ષને ચૂકી ન જઈએ. (મૂળમાં અઘોષિત કટોકટી શબ્દ કેશુભાઈ પટેલે પહેલી વાર વાપર્યો હતો.)
આજે આર્થિક ક્ષેત્ર વધારે હાવી થઈ જવાનું છે. પ્રજાને કહેવાતા વિકાસના માર્ગે આંબા-આંબલી દેખાડવામાં આવે છે. ૧૯૪૯ આસપાસ ચીનમાં પણ એક ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવ્યું હતું લેટ થાઉઝન્ડ ફ્લાવર્સ બ્લૉસમ. એક બાજુ આમ કહેવાતું રહ્યું, બીજી બાજુ લાખો લોકોને મારી નાંખવામાં આવ્યા. (રોહિતભાઈ શુક્લ આંક ૨૧ કરોડ જેટલો આંકે છે.)
સરકાર એક બાજુ લોકોને બુલેટટ્રેઇનનાં સપનાં દેખાડે છે. દિલ્હી મુંબઈ કોરિડોરનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે. બીજી બાજુ ગફલાબાજી અને ભ્રષ્ટાચારી ચાલે છે, મગફળી માટીવાળી ફોતરાવાળી ખરીદવામાં આવે છે. (ગોડાઉનનો પાછળથી સળગાવી નાંખવામાં આવે છે.)
આજે ઇન્દિરાએ આમ કર્યું, તેમ કર્યું તેમ કહેવાના સ્થાને અત્યારની ગંભીર પરિસ્થિતિ તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે. આજે શિક્ષણ-આરોગ્યના પ્રશ્નોએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે.
લોકશાહી આપણા માટે એક આદર્શ છે. તેમ કહીને અટકી જવાનું છે ? આજે જેપીનો આદર્શવાદ કેટલો કામમાં આવશે ? આમ વિચારવું પડશે.
શ્રોતાજનો કહે છે
આજના પ્રશ્નોને હળવાશથી લેવા જેવા નથી, શ્રોતામાંથી કહેવામાં આવ્યું. અઘોષિત કટોકટીના સ્થાને ‘ગેલ્વેનાઇઝ સ્થિતિ’ છે તેમ કહી શકાય. એક મિત્રે કહ્યું. આપણે લોકસંપર્ક વધારવો હોય, તો રચના અને સંઘર્ષ બંને માર્ગ અપનાવવા પડશે. સાવ નિરાશ થવાની જરૂર નથી.
કેટલાક મિત્રોએ કહ્યું, વર્તમાન સરકારને દૂર કરવા રાજકીય લડાઈ આપવી પડશે. આપણે આપણી વાત ચાર દીવાલોની બહાર લઈ જવી પડશે. મહિલાઓ-યુવાનોને જોડવાં પડશે. બિનરાજકીય મૂવમૅન્ટ ચલાવવી પડશે.
આજે તો પ્રજાને ગૂમરાહ કરવા છાપાંઓમાં પાનાં ભરીને સરકારનાં ગુણગાન ગાતી જાહેરાતો આપવામાં આવે છે. આંકડાઓ બઢાવીચઢાવીને રજૂ કરવામાં આવે છે. આ વખતની ચૂંટણીમાં બૅલેટ પેપર ફરી ચાલુ કરે, તે માટેની લડત આપવી પડશે.
આજે સમગ્ર દેશમાં ખાણ-ખનીજના માફિયાઓ વકરી ગયા છે. આર.ટી.આઈ. એક્ટિવિસ્ટને મારી નાંખવામાં આવી રહ્યો છે.
અને છેલ્લે … અધ્યક્ષીય સમાપનમાં કહેવાયું કે ‘અઘોષિત કટોકટી’એ આજે ઘોષિત કટોકટી પ્રતિકારના જે લાભાર્થીઓ સત્તારૂઢ છે, એમના વર્તમાન વ્યવહારના મૂલ્યાંકન રૂપે કરાતો એક પ્રયોગ છે. પણ પ્રશ્નની વ્યાપકતા અને ગંભીરતાની દૃષ્ટિએ એમાં સીમિત થઈ જવું વાજબી નથી. એવા રોહિતભાઈના દૃષ્ટિબિંદુને લક્ષમાં રાખીને જ આગળ ચાલવું જોઈશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2018; પૃ. 03-04
![]()


વળી પાછો હું ટ્રમ્પના રાજમાં અમેરિકા પહોંચી ગયો છું. આમ્સ્ટર્ડામ યાદ આવે છે. ત્યાં હતો ત્યારે અમદાવાદ ને અમદાવાદ હતો ત્યારે ડભોઇ-વડોદરા યાદ આવતાં'તાં. યાદોના કૂવાને તળિયું નથી હોતું. ઊંડેથી ઊંડે લઇ જાય. પણ તાજી યાદોને શબ્દોમાં ઠારી લઉં તો બને કે થોડા સમય પૂરતી સ્ટૉપ થઇ જાય.
