અંગ્રેજીમાં એક શબ્દપ્રયોગ છેઃ રિઇન્વેન્ટિંગ ધ વ્હીલ. એટલે કે શોધાઈ ચૂકેલું ફરી ફરી શોધવું. ઇતિહાસમાં, સમાજમાં, સાહિત્યમાં ઘણી વાર નવા જ્ઞાનના સર્જનની સાથે, અગાઉ શોધાઈ કે લખાઈ ચૂકેલું પણ વખતોવખત યાદ કરવું જરૂરી બને છે. ગુજરાતના પ્રથમ હરોળના સર્જક અને જાહેરજીવન-રાજનીતિમાં પણ એટલો ઊંડો રસ લેનારા, ‘લોકભારતી’ ખ્યાત મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં લખાણ વાંચતાં એ લાગણી મનમાં તાજી થાય. તેમની બહુ વખણાયેલી નવલકથાઓ ઉપરાંત નાગરિક સમાજ, લોકશાહી અને શાસનકર્તાઓની સરળ સમજ માટે તેમનાં લખાણ પાયારૂપ બને એમ છે. ભલે તે જુદા સમયમાં લખાયાં હોય.
ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી જોઈ ચૂકેલા ‘દર્શકે’ ‘પશ્ચિમના ચાણક્ય’ ગણાતા મેકિયાવેલીના રાજકારણ વિશેના વિચારોને યાદ કર્યા હતા. પંદરમી સદીના ઇટાલીમાં થઈ ગયેલા રાજકારણી અને લેખક મેકિયાવેલીએ પણ ચાણક્યનાં કેટલાંક લખાણની જેમ રાજાની સત્તા કેમ કરીને મજબૂત બને, તે વિશે લખ્યું હતું અને તેમાં પ્રજાકીય ખાસિયતોનું વિશ્લેષણ પણ ચોટદાર શબ્દોમાં કર્યું હતું. ‘દર્શકે’ તેને આ શબ્દોમાં ગુજરાતીમાં ઉતાર્યું, ‘જે પ્રજા માટે રાજ્ય કામ કરે છે તે પ્રજા હકીકતમાં ભોળી અને બીકણ છે, તો બીજી બાજુ લોભી અને લાલચુ છે. તેને તત્કાળ સુખની ઝંખના છે. એટલે તેને કોઈ સિદ્ધાંતો જ નથી કે નથી કોઈ આદર્શની ભાવના. અરે, તમે લાંબા ગાળે કોઈ નંદનવન ઊભું કરવાની યોજના કરો તેની પણ કંઈ પડી નથી. તો તત્કાળ ખરેખર કંઈ આપી દો તેવું પણ નથી. હા, તેમને તત્કાળ કંઈક મળી ગયું તેવો ભ્રમ થવો જોઈએ. લોકોને કશું દઈ દેવું અનિવાર્ય નથી. સત્તા માટે કંઈ પણ કરવું તે ખોટું પણ નથી. પ્રજાને વચનો-દેખાવ દ્વારા જીતી લો. લોકોને મંદિરમાં જવાનું-શ્રદ્ધા રાખવાનું ગમે છે. તો તમે પણ મંદિરમાં જાવ. તમને શ્રદ્ધા છે તેવો દેખાવ કરો.’
મેકિયાવેલીનું વિશ્લેષણ સચોટ હોવા છતાં, તેનો ઉપયોગ પ્રજાને નાગરિક તરીકે ઘડવા માટે નહીં, પ્રજાની નબળાઈનો ગેરલાભ ઉઠાવીને રાજ્ય ટકાવી રાખવા માટે થયો. ગુજરાતીમાં હિટલરની આત્મકથાની જેમ મેકિયાવેલીનાં લખાણો માટે પણ વિવેકવિહોણું મનોરુગ્ણ આકર્ષણ જોવા મળે છે. તેનાથી બચીને ‘દર્શકે’ મેકિયાવેલીનાં લખાણોથી થયેલા નુકસાન વિશે ટીકા કરી હતી. લોકશાહી સંદર્ભે તેમનું બીજું પ્રિયપાત્ર હતું સોક્રેટિસ. ગ્રીસમાં એથેન્સમાં થયેલા સીધી લોકશાહીના પ્રયોગમાં સોક્રેટિસનું વિશેષ મહત્ત્વ છે. અન્યાયી કાયદાની નજરમાં ગુનેગાર ઠર્યા પછી મૃત્યુદંડની સજા તરીકે હસતા મોઢે ઝેર પીનાર સોક્રેટિસનું શું સ્વપ્ન હતું? ‘દર્શકે’ લખ્યું, ‘સોક્રેટિસ ઇચ્છતો હતો કે લોકશાહીનું ટોળાંશાહીમાં, ઘેટાંશાહીમાં, લાંચરુશવતથી ખરડાયેલી મતશાહીમાં પરિવર્તન ન થાય અને તે માટે જીવનભર મથ્યો … બીજી રીતે વિચારીએ તો સોક્રેટિસે જિંદગી આખી લોકોને તેમના અધિકારોની સુરક્ષા કરી શકે તે માટે જ્ઞાન-ડહાપણ આપવાની કોશિશ કરી. તેણે સતત લોકોને ચેતવ્યા કર્યા, સમજાવ્યા જ કર્યા કે ભાઈ તમે ખોટે રસ્તે છો. આ રસ્તે તમે ચડો છો તેમાં તમને અને લોકશાહીને નુકસાન થશે.’
સોક્રેટિસ માનતો હતો કે સવાલો પૂછવા અને મતદારોને કેળવવા એ લોકશાહીનો મૂળભૂત અધિકાર છે. મારી ફરજ છે કે મારે લોકોને કેળવવા, લોકોને વિચાર કરતા કરવા અને લોકોનાં મૂલ્યોનું પરિવર્તન કરવું. મૂલ્ય-પરિવર્તન કર્યા વિનાની લોકશાહી એ ભયજનક છે. લોકશાહીમાં મત એટલો જરૂરી નથી, પક્ષ એટલો જરૂરી નથી, બંધારણ પણ પછીના નંબરે આવે. પહેલી જરૂર મતદારોની કેળવણીની છે. મારે એક જ સત્તા જોઈએ છેઃ મતદારોને કેળવવાની.
સોક્રેટિસના જમાનામાં ગ્રીસમાં સોફ્સ્ટિો હતા, જેમના વર્તમાન અવતારો આજુબાજુ નજર નાખતાં સહેલાઈથી મળી આવશે. તેમના વિશે ‘દર્શકે’ લખ્યું હતું, સોક્રેટિસના સમયમાં પણ બુદ્ધિશાળી અને પ્રભાવશાળી વક્તાઓ હતા. તે સોફ્સ્ટિો કહેવાતા. સોક્રેટિસે તેમની જોડે ચર્ચા કર્યા પછી નિર્ણય બાંધેલો કે આ સોફ્સ્ટિો બુદ્ધિની વારવનિતાઓ છે. બુદ્ધિની મદદથી સારાને ખરાબ અને ખરાબને સારું દેખાડી શકે તે સોફ્સ્ટિ. લોકોના મત મેળવવા માટે ચાતુરી જોઈએ, આકર્ષણ ઊભું થવું જોઈએ, દલીલો જોઈએ, છટા જોઈએ, લોકોને આંજી નાખવા માટેની કળા જોઈએ – આ બધું સોફ્સ્ટિો પૈસા લઈને ઉચ્ચ વર્ગના લોકોને શીખવતા હતા. તેમણે શીખવાડ્યું કે સામાજિક કાયદા તો માણસે પોતાની સગવડ માટે કર્યા છે. સગવડ હોય ત્યારે પાળવા ને ન હોય ત્યારે નહીં. તેમાં કશું સનાતન સત્ય જેવું ન હોય. લોકશાહીમાં સોફ્સ્ટિો તો હોવાના જ, પણ સોક્રેટિસ નથી હોતા એની ચિંતા છે.
વિશ્વના ઇતિહાસના અને સાહિત્યના અભ્યાસી દર્શક દૃઢપણે માનતા હતા કે સત્તા મળ્યા પછી સત્તાધારીને અંકુશમાં ન રાખીએ તો સત્તાધારી પ્રજા પર ચડી બેસે છે. એટલે રાજ્ય બરાબર કામ કરે છે? આપણે તેનું કામ કેમ ચકાસવું? તેના પર કેમ અંકુશ રાખીશું? રાજ્યની દાનત કેવી છે? આ બધા સવાલોના જવાબ આપણા માટે અગત્યના છે. એટલે રાજનીતિશાસ્ત્રનો આ પાયો દરેક નાગરિકે સમજવો-શીખવો રહ્યો. પણ સવાલ એ છે કે મતદારોને કેળવવા કેવી રીતે?
દર્શકે લખ્યું હતું, મતદારોને કેળવવાની હિંમત નથી, કેળવવાની કોઈની ધીરજ નથી, કેળવવાની કોઈની તૈયારી નથી અને કેળવવા માટે જોઈતું સાતત્ય નથી અને મતદારોને કેળવવા એટલે શું? પ્રોપેગેન્ડા એ કેળવણી નથી. એ તો જાગીરી પ્રચાર છે, સત્ય નહીં. આ ચાલે તો પછી મતદાર જેવી કોઈ ચીજ જ નહીં રહે. ત્યાર પછી શું થશે? તેમણે માર્મિક રીતે લખ્યું હતું કે પછી અભિપ્રાયો હશે, વિચાર નહીં હોય.
લોકશાહીને તેમણે ‘પોલિસેન્ટર્ડ સોસાયટી’ ગણાવીને લખ્યું હતું કે લોકશાહીમાં સત્તાનાં વિવિધ કેન્દ્રો હોય છે. મજૂરોનું એક કેન્દ્ર હોય છે, માલિકોનું બીજું, ખેડૂતોનું ત્રીજું. આ ભાતભાતનાં જુદાંજુદાં સત્તાનાં-બળનાં કેન્દ્રો, વિચારનાં કેન્દ્રો, અનુભવનાં કેન્દ્રો, તે બધાં જ્યારે અનુભવોની અભિવ્યક્તિ કરે છે ત્યારે તેમાંથી એક સરવાળો નીકળે છે કે આ કરો તો લગભગ સર્વને માન્ય રહેશે. જે રાજ્યપદ્ધતિની અંદર આ પોલિસેન્ટર્ડ સોસાયટીનો ખ્યાલ જ ન હોય અને એકકેન્દ્રી સમાજ મનમાં હોય તે લોકશાહીની ગમે તેટલી વાતો કરતા હોય તો પણ ખરેખર એ લોકશાહીમાં માનતા નથી. રાજ્યનો અંકુશ એક વસ્તુ અને રાજ્ય સિવાય બીજાં સત્તાકેન્દ્રો જ ન હોય એ બીજી વસ્તુ છે.
આવું થતા આગળ જતાં મતદારોનો પણ એકડો નીકળી જવાનો.
આગળ ઉલ્લેખેલી વિગતો જાણ્યા પછી વર્તમાન સ્થિતિને સમજવા માટે તેનું અજવાળું પણ પૂરતું થઈ પડે, એમ નથી લાગતું?
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 ઑક્ટોબર 2019
![]()


સંતોના પ્રદેશમાં પ્રવેશતા પહેલાં જો આમીર ખુસરોની મહાનતા તેના પૂરા સંદર્ભમાં રેખાંકિત કરવામાં ન આવે તો એ તેમને કરેલો અન્યાય કહેવાય. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેણે ભારતમાં ભક્તિઆંદોલનનો પાયો રોપ્યો. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેણે હિંદુ અને મુસલમાન એમ બંને માટે વતનપરસ્તીના સંસ્કાર દ્રઢ કરી આપ્યા. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેને આપણે ખડી હિન્દવી-હિન્દુસ્તાની બોલી/હિન્દી/ઉર્દૂના પિતામહ કહી શકાય. જી હા, આ ભાષામાં સાહિત્યસર્જન સૌ પહેલાં ખુસરોએ શરૂ કર્યું હતું.

ઘણાં બધા માટે માટી એટલે તબીયતને બગાડતી, ચોખ્ખાઈને નડતી ધૂળ. ઘણા માટે માટી એટલે ચકચકાટ કાર પર ઊડતો કાદવ, કારનાં પાર્કિંગમાં નડતો કીચડ, આપણાં બાળબચ્ચાં માટે જોખમરૂપ ગંદકી. ધૂળ-મુક્ત, ડસ્ટ ફ્રી જગત એ આધુનિક દુનિયાનો એક આદર્શ. ‘ગર્દાબાદ’ અમદાવાદમાં ડસ્ટને લગતી રોજની ચાળીસથી વધુ ફરિયાદો ગયા મહિને કૉર્પોરેશનને મળી છે. તેને કૉર્પોરેશન પાંત્રીસ ડસ્ટ સ્વીપિન્ગ મશીનથી હલ કરવાની કોશિશ કરી રહી છે. તેમાં ડામર ને પેવર આપણા સેવિયર છે, કૉન્ક્રિટ આપણી કિસ્મત. પછી સ્વાભાવિક રીતે માટીને આપણે સિમેન્ટનાં પડોનાં પડો હેઠળ ધરબી દીધી છે. ખરેખર તો કોઈ પણ જાતની માટી એટલે ધરતીમાની ગોદ. માટી એટલે હૂંફ અને ઠંડક, કઠણતા અને કોમળતાનું કંઈક અનેરું મેળવણ. માટી એટલે ધરતી, પૃથ્વી, ભૂમિ, મૃત્તિકા, ભોમકા. માટી માટેનાં અથવા તેની સાથે જોડાયેલા લગભગ બધા શબ્દો સ્ત્રીલિંગી છે. કારણ કે માટી એટલે માતા, મરાઠીમાં ‘માયમાતી’, ‘માતીમાય’, ‘કાળી આઈ’ જેવા શબ્દો વારંવાર વપરાય છે. મહારાષ્ટ્રનાં જળગાવની અભણ કિસાનકન્યા એવાં મરાઠી કવયિત્રી બહિણાબાઈએ સરસ લખ્યું છે :
આ રીતે માટીની મોટાઈ લગભગ બધી ભાષાઓના કવિઓએ ગાઈ જ હોય. તેમાંથી બાર ભારતીય ભાષાઓનાં ચાર-છ લીટીનાં ચૂંટેલાં મુક્તકો ‘લોકનાદ’ નામના સાંસ્કૃતિક મંચના 2011ના વાર્ષિક કૅલેન્ડરમાં મળે છે. કર્મશીલ યુગલ ચારુલ અને વિનય ‘લોકનાદ’ ચલાવે છે. તેના થકી સામાજિક સરોકારના અત્યંત હૃદયસ્પર્શી ગીતો લખી, સંગીતમાં ઢાળી તેના ગાયનનો ભીંજાવી દેનારો કાર્યક્રમ ‘ઇન્સાન હૈ હમ’ દેશભરમાં સેંકડો જગ્યાએ રજૂ થઈ ચૂક્યો છે. વિનય-ચારુલ ગયાં દસેક વર્ષથી દર વર્ષે જાન્યુઆરીમાં ‘સાંઝી વિરાસત’ નામનું મોટે ભાગે સંતકવિઓનાં મુક્તકો સાથેનું તારીખિયું પણ બહાર પાડે છે. તેમાં તેમણે ધર્મ, સંસ્કૃતિ, એખલાસ, પાણી, આકાશ જેવા વિષયોને લઈને કૅલેંડર બનાવ્યાં છે. માટી પરનાં કૅલેન્ડરની શરૂઆતની નોંધ એકદમ સચોટ છે :
મા અને માટી બંને સરખાં. બંનેમાં નવાંને જન્મ આપવાની, તેનાં લાલન-પાલન-ધારણની તો અપાર ક્ષમતા છે જ; સાથે પોતાનાં વંઠેલાં સંતાનોનાં ત્રાસ વેઠ્યાં જ કરવાની તેની તાકાત પણ અગાધ છે. માણસો માટી પર થૂકે છે. માટી પર થૂકવું એ માત્ર અનારોગ્યતા જ નહીં, છેલ્લી હદની અહેસાનફરામોશી છે. તો પછી મળ-મૂત્ર માટીમાં નથી જતું ? એ તો કેટલું મોટું અપમાન ? – એવો સામો સવાલ થાય. માટીમાં થૂકવું અનિવાર્ય ક્રિયા નથી. પેશાબ અને શૌચ ટાળી ન શકાય તેવી બાબતો છે. ઉત્સર્જન-નિકાલની વ્યવસ્થા અનિવાર્ય જરૂરિયાત છે. પણ તેમાં ય માટીનો કેવો પ્રચંડ આરોગ્યકારક ફાળો હોઈ શકે એ સોપાન જોશીનાં અસાધારણ હિન્દી પુસ્તક ‘जल, थल, मल’(2016)માંથી જાણવા મળે છે. આપણા વિચારોને લગભગ દરેક પાને એ ઝાટકો આપનાર આ પુસ્તકમાં પોતાનું નામ એક જ વખત, લગભગ ન દેખાય તેમ ‘આલેખ ઔર શોધ : સોપાન જોશી’ એ રીતે મૂકનાર લેખકે નોંધ્યું છે :
વિકાસને માત્ર શહેરીકરણ અને તેમાં રહેતા થોડા લાખ માણસોની સુખાકારી ગણાવતા લોકો માટે આ કદાચ વેવલાપણું લાગે. પણ ખરેખર તો માટીની અનિવાર્યતા સનાતન વાસ્તવિકતા છે. ‘માટી નહીં સાચવી શકનારો દેશ જીવી શકતો નથી’ – અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ વૉશિન્ગટનનાં આ શબ્દોથી ભારતને પર્યાવરણીય સ્થિતિની સમીક્ષાના પહેલવહેલા નાગરિક અહેવાલની શરૂઆત થાય છે. તે 1982માં પર્યાવરણ બચાવવા માટે ભારતમાં નક્કર અસરકારક કામ કરનાર સંસ્થા સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ એનવાર્નમેન્ટે બહાર પાડ્યો હતો. આ માહિતી મહારાષ્ટ્રના જાણીતા પર્યાવરણવિદ અતુલ દેઊળગાવકરનાં ‘बखर पर्यावरणाची’ (2006) નામનાં મરાઠી પુસ્તકમાં મળે છે.