વાડિયા મૂવીટોન, હન્ટરવાલીથી શ્રી કૃષ્ણલીલા
ભૂસ્તરશાસ્ત્રી અને ઉદ્યોગપતિ વાડિયાઓ

જમશેદ અને હોમી વાડિયા
વાડિયા કુટુંબ વિશેની વાત ગયે અઠવાડિયે અધૂરી રહી હતી, એ આજે આગળ વધારીએ. હન્ટરવાલી, હિન્દ કેસરી, મિસ ફ્રન્ટિયર મેલ, પંજાબ મેલ, ડાયમંડ ક્વીન, બમ્બઈવાલી, બચપન, શ્રી રામ ભક્ત હનુમાન, ધૂમકેતુ, શ્રી ગણેશ મહિમા, જંગલ કે જવાહર, ચાર દરવેશ, ખિલાડી, શ્રી કૃષ્ણ લીલા, એડવેન્ચર્સ ઓફ અલ્લાદીન. જેમને આપણી જૂની ફિલ્મોમાં રસ હશે તેમને તો તરત ખ્યાલ આવશે કે આ બધાં નામો એક જમાનામાં બહુ ગાજેલી ફિલ્મોનાં નામ છે. અને સાથોસાથ કેટલાકને કદાચ સવાલ પણ થશે કે વહાણ બાંધકામના ક્ષેત્રે આખી દુનિયામાં નામ કાઢનાર ખાનદાનની વાત કરતી વખતે આ બધી ફિલ્મોનાં નામ લેવાની શી જરૂર? પણ જે લવજી વાડિયાએ અને તેમના બેટાઓએ વહાણો બાંધીને તરાવ્યાં તે જ કુટુંબના બે નબીરાઓએ આ અને આવી બીજી ફિલ્મો બનાવીને ફરતી મૂકી હતી.
જમશેદ બોમન હોમી (જે.બી.એચ.) વાડિયાનો જન્મ ૧૯૦૧ના સપ્ટેમ્બરની ૧૩મી તારીખે, અને તેઓ બેહસ્તનશીન થયા ૧૯૮૬ના જાન્યુઆરીની ૪થી તારીખે. એમના ભાઈનું નામ હોમી વાડિયા. એમનો જન્મ ૧૯૧૧ના મે મહિનાની ૨૨મી તારીખે અને ૨૦૦૪ના ડિસેમ્બરની ૧૦મી તારીખે તેઓ ખોદાઈજીને પ્યારા થઈ ગયા. આ બંને ભાઈઓએ મળીને વાડિયા મૂવિટોન નામની કંપની શરૂ કરેલી, અને તેના નેજા નીચે તેમણે ઘણી બધી હિન્દી ફિલ્મો બનાવી. બે ભાઈઓમાંથી જમશેદ વાડિયા ફિલ્મોનું દિગ્દર્શન કરતા, પટકથા લખતા, ફિલ્મોનું નિર્માણ કરતા. આ બંને ભાઈઓ જ્યારે ફિલ્મ ઉદ્યોગમાં દાખલ થયા ત્યારે હજી આપણે ત્યાં મૂંગી ફિલ્મનો જમાનો ચાલતો હતો. જમશેદ વાડિયાએ પહેલી ફિલ્મ ‘વસંતલીલા’ ૧૯૨૮માં બનાવી અને પછી બીજી 11 મૂંગી ફિલ્મો દાદરના કોહિનૂર સ્ટુડિયોમાં બનાવીને લોકો સમક્ષ રજૂ કરી. આ ફિલ્મોને પ્રમાણમાં સારો આવકાર મળ્યો હતો.
મૂંગી ફિલ્મો પછી આપણે ત્યાં બોલપટ — ટોકીઝનો યુગ શરૂ થયો. એટલે પોતાના નાના ભાઈની સાથે જમશેદભાઈએ ૧૯૩૩માં વાડિયા મૂવિટોન નામની કંપની શરૂ કરી અને પહેલી બોલતી ફિલ્મ તેમણે બનાવી તેનું નામ લાલ-એ-યમન. તેની કથા અરેબિયન નાઇટ્સ પર આધારિત હતી. આ ફિલ્મને ધાર્યા કરતાં ઘણી વધારે સફળતા મળી. ત્યારથી હિન્દી ફિલ્મોના ક્ષેત્રે વાડિયા મૂવિટોનનું નામ ગાજતું થયું. અને જમશેદભાઈએ પોતાના આ કામમાં ભાઈ હોમીને, ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર મનચેરશાહ બિલીમોરિયાને, અને તાતા કુટુંબના બે ભાઈઓ બરજોર અને નાદિરશાહને પણ વાડિયા મૂવિટોનમાં ભાગીદાર બનાવ્યા.
વાડિયા મૂવીટોને હિન્દી ફિલ્મ ક્ષેત્રે કેટલીક નવી બાબતો દાખલ કરી. તેમણે ઇન્ડિયન ગેઝેટ નામની એક ફિલ્મ બનાવી જેમાં પહેલી વાર એક સ્ટન્ટ એક્ટ્રેસ મુખ્ય પાત્ર ભજવતી હતી. આ ઉપરાંત તેમણે હરિપુરા કોંગ્રેસ વિશે પણ એક લાંબુ દસ્તાવેજી ચિત્ર તૈયાર કર્યું હતું. એ જમાનાના કેટલાક શાસ્ત્રીય સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીતના ગાયકોને લોકો સામે રજૂ કરવા માટે તેમણે વાડિયા મૂવિટોનનો વેરાઈટી પ્રોગ્રામ તૈયાર કર્યો. તેમાં પંડિત ફિરોઝ દસ્તુર, બાલ ગાંધર્વ, મલ્લિકા પુખરાજ, અને પંડિત તીર્થંકર જેવા સંગીતકારોને તેમણે લોકો સમક્ષ રજૂ કર્યા. વાડિયા મૂવિટોને એક બીજી નવાઈની વાત કરી. તેમણે બનાવેલી ‘નવજવાન’ નામની ફિલ્મમાં એક પણ ગીત નહોતું. તે અગાઉ ફિલ્મો માટે ગીતો અનિવાર્ય મનાતાં હતાં. આ ઉપરાંત તેમણે ‘કોર્ટ ડેન્સર’ નામની ફિલ્મ અંગ્રેજીમાં બનાવી હતી પણ સાથોસાથ તેનું હિન્દી અને બંગાળી રૂપાંતર પણ રજૂ કરવામાં આવ્યું હતું. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા અને આપણો દેશ સ્વતંત્ર થયો તે પછી સિંધી ભાષામાં સૌથી પહેલી ફિલ્મ ‘એકતા’ પણ વાડિયા મૂવિટોને બનાવી એટલું જ નહીં, આપણા દેશમાં જ્યારે ટેલિવિઝન દાખલ થયું ત્યારે તેને માટે સૌથી પહેલી સિરિયલ પણ વાડિયા મૂવિટોને બનાવેલી જેનું નામ હતું હોટેલ તાજમહાલ.
૧૯૩૦ના દાયકામાં જમશેદ વાડિયા દેશની આઝાદી માટેની લડત સાથે નિકટતાથી સંકળાયેલા રહ્યા. પહેલાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના તેઓ એક અનુયાયી હતા. પછીથી તેઓ એમ.એન. રોયની અને તેમના રેડિકલ હ્યુમનીઝમની અસર નીચે આવ્યા. એમ.એન. રોય સાથેની મૈત્રીને કારણે વાડિયા દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પરિવર્તન કરવાના આગ્રહી બન્યા. નારીમુક્તિ, અંધશ્રદ્ધા નિર્મૂલન, જ્ઞાતિવાદનો વિરોધ અને દેશના એકેએક નાગરિકને માટે શિક્ષણની અનિવાર્યતા જેવી બાબતોને તેમણે પોતાની ફિલ્મોમાં વણી લેવાનું શરૂ કર્યું. તેમની આવી કેટલીક ફિલ્મો એટલે રાજનર્તકી, વિશ્વાસ, બાલમ, મદહોશ, મેલા, આંખ કી શરમ, મંથન અને અમર રાજ. પણ તેમની ફિલ્મ કારકિર્દીમાં મોટો પલટો આવ્યો તે તો ડાયમંડ ક્વીન નામની ફિલ્મથી. તેમાં મુખ્ય પાત્ર રૂપે ફિયરલેસ નાદિયાએ કામ કર્યું હતું અને એ ફિલ્મ દ્વારા દેશમાં સમૂળી ક્રાંતિ લાવવાની અને ભ્રષ્ટાચારને દૂર કરવાની હિમાયત વાડિયાએ કરી હતી. અને સાથોસાથ ફિયરલેસ નાદિયાના પ્રેક્ષકોના શ્વાસ થંભાવી દે તેવા સ્ટંટ પણ એ ફિલ્મમાં તેમણે બતાવ્યા હતા.
જમશેદ વાડિયાએ એમ.એ. અને એલ.એલ.બીની ડિગ્રી મેળવી હતી અને ફારસી, ગુજરાતી, અને ઉર્દૂ જેવી ભાષાઓ પર તેઓ સારું એવું પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત કાયદાના ક્ષેત્રે કરી, પણ થોડા વખતમાં જ તેમને સમજાયું કે તેમના રસનું ક્ષેત્ર આ નથી, પણ સિનેમા છે. કુટુંબનો આવો ભણેલો-ગણેલો છોકરો વકીલાત કરવાને બદલે ફિલ્મ લાઈનમાં પડે એ તેમનાં કુટુંબીજનોને જરા ય ગમ્યું નહોતું અને એટલે તેમણે જમશેદ અને તેમના ભાઈ હોમી બંનેનો શરૂઆતમાં વિરોધ કર્યો હતો. પણ જેમ જેમ તેમની ફિલ્મોને સફળતા મળતી ગઈ તેમ તેમ કુટુંબનો વિરોધ ઓછો થતો ગયો.

ફિયરલેસ નાદિયા
પણ થોડા જ વખતમાં જમશેદ અને હોમીનો વિરોધ કરવા માટે તેમનાં કુટુંબીજનોને એક બીજું કારણ મળી ગયું. પોતાની ફિલ્મોમાં સ્ટન્ટ એક્ટ્રેસ તરીકે કામ કરવા માટે જમશેદજીએ મેરી એન નામની અભિનેત્રીને શોધી કાઢી અને તેની પાસે પોતાની ફિલ્મોમાં દિલધડક સ્ટન્ટ કરાવ્યા. પણ તેને જોઈને નાના ભાઈ હોમીનું દિલ કોઈ જુદી જ રીતે ધડકવા લાગ્યું. તેઓ મેરી એન ઇવાન્સના પ્રેમમાં પડ્યા અને છેવટે તેને પરણ્યા. જમશેજીએ આ પ્રેમ પ્રકરણમાં સતત તેમનો સાથ આપ્યો અને ધીમે ધીમે કુટુંબીજનોને સમજાવ્યાં. પણ આ બંને ભાઈઓનાં મા ધનમાઈ છેવટ સુધી આ વાત માનવા તૈયાર થયા નહોતાં. એટલે તેમની હયાતીમાં હોમીએ લગ્ન કર્યાં નહીં. માતાના અવસાન પછી છેક ૧૯૬૧માં પ્રમાણમાં મોટી ઉંમરે હોમી અને મેરીએ લગ્ન કર્યાં. હોમી વાડિયાનાં પત્ની ફિયરલેસ નાદિયા મૂળ ઓસ્ટ્રેલિયાનાં હતાં અને તેમનું નામ હતું મેરી એન ઇવાન્સ. તેમનો જન્મ ૧૯૦૮ના જાન્યુઆરીની ૮મી તારીખે અને અવસાન ૧૯૯૬ના જાન્યુઆરીની ૯મી તારીખે. લશ્કરમાં કામ કરતા પિતા સાથે ૧૯૧૩માં પાંચ વર્ષની ઉંમરે તેઓ હિન્દુસ્તાન આવ્યાં. પણ પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૧૫માં તેમના પિતા જર્મન સૈનિકોને હાથે મરાયા. આથી કુટુંબ પેશાવર ગયું. ત્યાં તેઓ ઘોડેસવારી, શિકાર, મચ્છીમારી, અને નિશાનબાજી જેવાં જાતજાતનાં હિંમતભર્યાં કરતૂત શીખ્યાં. ૧૯૨૮માં માતાની સાથે તેઓ ફરી મુંબઈ આવ્યાં અને માદામ આસ્ત્રોવા પાસે બેલે નૃત્ય શીખવા લાગ્યાં. એમ કહેવાય છે કે એક અમેરિકન જોશીએ કહ્યું હતું કે આગળ જતાં તમારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ થવાની છે પણ એક શરતે: તમે જે ક્ષેત્રમાં કામ કરો તે ક્ષેત્રમાં તમારા પોતાના નામથી નહીં, પણ અંગ્રેજીના N અક્ષરથી શરૂ થતા નામથી કામ કરો તો જ સફળતા મળશે. આથી તેમણે પોતાનું અસલ નામ પાછળ મૂકીને નાદિયા નામ અંગીકાર કર્યું. તેમણે થોડો વખત નાટકોમાં અને સર્કસમાં પણ કામ કર્યું, પણ પછી જમશેદ વાડિયાની નજરે તેઓ ચડ્યાં અને ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી. નાદિયાએ સર્કસમાં કામ કરેલું એટલે જાતજાતના સ્ટંટ કરવામાં તેઓ ખૂબ જ કુશળ હતાં. તેથી જમશેદ વાડિયાએ તેમને કેન્દ્રમાં રાખીને એક પછી એક ફિલ્મો બનાવી જેને એ જમાનામાં ખૂબ લોકપ્રિયતા મળી. તેમની પહેલી ફિલ્મ હન્ટરવાલી ૧૯૩૫માં રિલીઝ થઈ અને ૧૯૬૮માં રિલીઝ થઈ તેમની છેલ્લી ફિલ્મ ખિલાડી. જમશેદજી પોતે હિલ્લા પટેલ નામની પારસી યુવતીને પરણ્યા હતા. તેમને બે બાળકો થયાં, દીકરો વિન્સી અને દીકરી હૈદી. તેમાંથી વિન્સી વાડિયાએ નરગીસ ખંભાતા સાથે લગ્ન કર્યાં. આ નરગીસ ખંભાતાએ ઈન્ટરપબ્લીસિટી અથવા ઇન્ટરપબ નામની એડવર્ટાઇઝિંગ એજન્સી શરૂ કરી. માત્ર ભારતમાં જ નહિ, આખા એશિયા ખંડમાં આવી એજન્સી શરૂ કરનાર તેઓ પહેલાં મહિલા હતાં.
જમશેદજીના નાનાભાઈ હોમી વાડિયા સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી કોલેજમાં દાખલ થયા, પણ ફક્ત એક દિવસ માટે જ. કારણ તેમણે નક્કી કરી લીધું કે આ ભણવા-બણવાનું કામ આપણું નહીં. આપણે તો ફિલમ બનાવવાનું કામ જ કરવાનું. અને એટલે તેઓ મોટાભાઈની સાથે તેમના કામમાં જોડાઈ ગયા. હોમીભાઈએ બનાવેલી છેલ્લી ફિલ્મ રાજનર્તકી ૧૯૪૧માં રજૂ થઈ હતી. ત્યારબાદ ૧૯૪૨માં એમનો વાડિયા મૂવિટોનનો સ્ટુડિયો વી. શાન્તારામે ખરીદી લીધો અને એ જગ્યાએ રાજકમલ કલામંદિરની સ્થાપના કરી. એ પછી હોમી વાડિયાએ પોતાની નવી કંપની શરૂ કરી, એનું નામ બસંત પિક્ચર્સ રાખ્યું. ૧૯૪૭માં તેમણે બસંત સ્ટુડિયોની સ્થાપના કરી. ૧૯૮૧ સુધી આ સ્ટુડિયો કામ કરતો હતો. હોમીભાઈએ ફિલ્મો ઉપરાંત નાટકોમાં પણ કામ કર્યું. તેમની નાદિયા સાથેની ફિલ્મો હંટરવાલી, મિસ ફ્રન્ટિયર મેલ, હાતિમ તાઈ, વગેરેને કારણે હોમીભાઈનું નામ ગાજતું થયું. થયું પણ ૧૯૮૧માં યુનિયન લીડર દત્તા સામંત સાથે તેમને ઝઘડો થયો અને તેમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો ન જણાતાં તેમણે સ્ટુડિયો વેચી દીધો અને ફિલ્મ ક્ષેત્રમાંથી સંન્યાસ લઇ લીધો.
વાડિયા કુટુંબનું એક મોટું ઔદ્યોગિક સાહસ તે બોમ્બે ડાયિંગ. તેની સ્થાપના ૧૮૭૯માં થઈ હતી. તેનું વડું મથક મુંબઇમાં આવેલું છે અને દેશના કાપડ ઉદ્યોગમાં આ ગ્રુપ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હાલમાં નસ્લી વાડિયા તેના ચેરમેન છે. વાડિયા ઉદ્યોગ સમૂહમાં બોમ્બે ડાઈંગ ઉપરાંત ગો એર, બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે.

ડી.એન. વાડિયાનાં માનમાં ૧૯૮૪માં બહાર પડેલી ટિકિટ
આ ઉપરાંત વાડિયા ખાનદાનના ઘણા નબીરાઓએ જુદાં જુદાં ક્ષેત્રોમાં આગળ પડતું કામ કર્યું છે. તેમાંથી કેટલાંકનાં નામ અને કામ જોઈએ. દારાશાહ નોશેરવાન વાડિયાનો જન્મ ૧૮૮૩ના ઓકટોબરની ૨૫મી તારીખે અને એમનું અવસાન ૧૯૬૯ના જૂનની ૧૫મી તારીખે. આપણા દેશના શરૂઆતના જિયોલોજિસ્ટ(ભૂસ્તરશાસ્ત્રી)ઓમાંના તેઓ એક હતા, અને તેમણે સર્વે ઓફ ઇન્ડિયામાં હિમાલયના અભ્યાસ અંગે મહત્ત્વની કામગીરી બજાવી હતી. ૧૯૫૮માં ભારત સરકાર તરફથી તેમને પદ્મભૂષણનું સન્માન મળ્યું હતું. આપણા ટપાલ ખાતાએ ૧૯૮૪માં તેમના માનમાં ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. નેવિલ વાડિયાએ વેપાર ઉદ્યોગના ક્ષેત્રે નામના મેળવી હતી અને ઘણાં વર્ષો સુધી તેઓ બોમ્બે ડાઇનિંગના ચેરમેન રહ્યા હતા. પણ તેમનું નામ લોકોની જીભે ચડ્યું તે તેમનાં લગ્નને કારણે. પછીથી પાકિસ્તાનના સ્થાપક બનેલા મહંમદઅલી ઝીણાની દીકરી દીના સાથે ૧૯૩૮માં તેમણે લગ્ન કર્યાં. નેવિલ હતા પારસી અને પત્ની હતાં મુસ્લિમ. એથી એ જમાનામાં સારો એવો ઊહાપોહ થયો હતો. જો કે તેમનું આ લગ્ન બહુ લાંબું ટકયું નહીં. ૧૯૪૩માં તેમણે છૂટા છેડા લીધા. તેમને બે સંતાનો, નસલી વાડિયા અને ડાયના વાડિયા. તેમાંથી પિતાના અવસાન પછી નસલી વાડિયા બોમ્બે ડાઇનિંગના ચેરમેન બન્યા.

વાડિયા મૂવીટોનનો લોગો
હવે વાડિયા ખાનદાનની વિદાય લેતાં પહેલાં એક ખાસ વાત: વાડિયા ભાઈઓએ વાડિયા મૂવીટોન નામની કંપની અને સ્ટુડિયો શરૃ કર્યાં અને તેને માટે લોગો પણ બનાવ્યો. પણ આ લોગોમાંનું ચિત્ર ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલું નહોતું, પણ એ લોગોમાં એક વહાણ મૂકવામાં આવ્યું હતું, અને એ રીતે વાડિયા ખાનદાનના આદિ પુરુષ લવજી નસરવાનજી વાડિયા પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું.

વાડિયા મૂવીટોનની ફિલ્મનું પોસ્ટર
પારસી વાડિયા ભાઈઓએ કેટલીક હિંદુ પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો પણ બનાવી હતી. તેમાંની એક શ્રી કૃષ્ણ લીલા (૧૯૭૧). આજે દહીં કાલાના તહેવારના દિવસે એ ફિલ્મના એક ગીતની થોડી પંક્તિઓ:
સત્યમ્ શિવમ્ સુન્દરમ્,
અનુપમ, અમર કૃષ્ણલીલા,
મનોહર મધુર કૃષ્ણલીલા,
કે જય જય સીરી કૃષ્ણલીલા.
xxx xxx xxx
e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 24 ઑગસ્ટ 2019
![]()


બહુરત્ના વસુંધરા ભારતભૂમિની કૂખેથી અનેક મહાન વિભૂતિઓએ જન્મ લીધો છે. ભગવાન બુદ્ધ, મહાત્મા ગાંધી, સ્વામી દયાનંદ સરસ્વતી, ગુરુ નાનક, સંત કબીર, નારાયણ ગુરુ, પેરિયાર રામા સ્વામી, ડૉ. આંબેડકર જેવા અનેક નામી અનામી મહાન સમાજ સુધારકોએ ભારતીય પ્રજામાં ક્રાંતિની જ્યોત જગાવવા પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. વિશેષ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રએ સમાજ સુધારણાની દિશામાં સમગ્ર ભારતવર્ષનું માર્ગદર્શન કર્યું છે. મહારાષ્ટ્રમાં સામાજિક અને શૈક્ષણિક આંદોલનોનો પાયો જોતીરાવ ફૂલેએ નાંખ્યો. જે સમયમાં કોઈ વિચારી પણ ન શકે તેવા સમયમાં તેમણે ક્રાંતિદૂત બનીને ભગીરથ કાર્ય કર્યું. કોઈ સામાન્ય માણસ જે કામ બે જન્મોમાં પણ ન કરી શકે, તેવું સમાજ સુધારણાનું મહાન કાર્ય મહાત્મા ફૂલેએ એક જ જન્મમાં કરી બતાવ્યું .સમાજની પરંપરિત માન્યતાઓના માળખામાં ક્રાંતિની ચિનગારી મુકનાર જોતીરાવે સમાજના નિમ્ન સ્તરના દીન દલિત, પીડિત, દબાયેલા, કચડાયેલા, હરિજન, ગિરિજન, ઉપેક્ષિત, બહિષ્કૃત વર્ગના લોકો, સ્ત્રી અને ખેડૂત વર્ગનાં લોકો માટે પોતાની જાત ઘસી નાખી.
ખેડૂતોના હમદર્દ મહાત્મા ફૂલેએ દેશના ખેડૂતોની દયનીય અને દારુણ દશા જોઈ અને એના માટે જવાબદાર કારણોની તપાસ કરી. એમના મતે ખેડૂતોની દુર્દશાનું કારણ – 'अशिक्षा ही किसान की सामाजिक, आर्थिक एवं पारिवारिक दुर्दशा का मूल कारण है ! ( पृ.९ कि.का.को) નિરક્ષરતાના પરિણામોનું યથાર્થ દર્શન કરાવતાં તેઓ લખે છે કે – 'विध्या बिन मति गई, मति बिन गई नीति, नीति बिन गई गति, गति बिन गया वित्त, वित्त बिन तूट गया शुद्र, अविद्या ने किये ऐसे अनर्थ' (पृ.९ कि.का.को) તેઓ જાણતા હતા કે ગ્રામીણ અને ખેડૂત સમાજ તેમ જ દેશની પ્રગતિ માટે શિક્ષણ પાયાનો પથ્થર છે. ક્રાંતિકારી વિચારોની ધધકતી મશાલ ગણાતા જોતીરાવે એટલા માટે જ ધર્મના પરંપરિત બંધનો તોડી શુદ્રો અને સ્ત્રીઓ માટે શિક્ષણના દ્વાર ખોલ્યા. Charity begins at home એમ સમજી તેમણે સૌ પ્રથમ પોતાના પત્ની સાવિત્રીબાઈને શિક્ષણ આપી શિક્ષિત કર્યાં. સાવિત્રીબાઈએ પણ પતિ સાથે ખભે ખભો મિલાવી સ્ત્રી શિક્ષણ અને નારી ઉદ્ધાર માટે પર્વતો, ખીણો, ગામેગામ અને ઘરે ઘરે ફરી સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા માટે લોકોને જાગૃત કરવાનું ક્રાંતિકારી કાર્ય કર્યું .
કિસાનોના હમદર્દ જોતીરાવે એમની સમસ્યાઓનું યથાર્થ દર્શન કરી એના નિવારણ માટે સચોટ ઉપાય બતાવ્યા. ઈ.સ. ૧૮૮૩માં આ માટે તેમણે મરાઠીમાં 'शेतक याचा असूड' નામના ગ્રંથની રચના કરી. જેનો હિન્દી અનુવાદ શ્રી વેદકુમાર વેદાલન્કાર 'किसान का कोड़ा' શીર્ષકથી કરે છે. કોડા શબ્દનો અર્થ થાય છે ચાબુક કે કોરડો. બળદ બરાબર કામ ન કરે ત્યારે ખેડૂત એની પીઠ પર ચાબુક ફટકારે છે. જેનાથી બળદ બરાબર કામ કરવા માંડે છે. ગરીબ ખેડૂતોના અજ્ઞાનનો લાભ લઈ લૂંટ ચલાવનાર શોષકો પર જોતીરાવ ફૂલેએ આવો જ કોરડો વીંઝ્યો છે. ભારતીય ખેડૂતની દુર્દશાનું વાસ્તવિક ચિત્રણ કરતો આ ગ્રંથ 'કૃષિ ગાથા' તરીકે ઓળખાય છે. ગ્રંથ વિશેની કેફિયતમાં તેઓ કહે છે કે – 'આ ગ્રંથ મેં અંગ્રેજી, સંસ્કૃત, તથા પ્રાકૃતના ગ્રંથો તેમજ વર્તમાન સમયની શૂદ્રોની દયનીય સ્થિતિને આધારે લખ્યો છે.' આ ગ્રંથના લેખન સમયે જોતીરાવ ફૂલેએ પૂણે, મુંબઈ, થાણે જેવા વિસ્તારના ગામડાંઓના શૂદ્ર સજ્જનોને વાંચી સંભળાવી વિગતો સત્ય હોવાની પુષ્ટિ કરાવી હતી. પ્રમાણભૂત તથ્યના હિમાયતી મહાત્મા ફૂલેએ આ ગ્રંથની એક હસ્તલિખિત પ્રત ગવર્નર સર ફ્રેડરિક હેમિલ્ટનને અને બીજી પ્રત વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડને મોકલાવી હતી.
‘ગુજરાતી વિશ્વકોશ’ના ઘડવૈયા ધીરુભાઈ ઠાકરનું ખૂબ વાચનીય જીવનચરિત્ર ‘જ્ઞાનયજ્ઞના આચાર્ય’ નામે ગયા મહિને પ્રસિદ્ધ થયું. તેનાં થકી ચરિત્રકાર મણિલાલ હ. પટેલે ગુરુઋણ તો જાણે અદા કર્યું જ છે, સાથે ધોરણસરનાં સુરેખ જીવનચરિત્રનો નમૂનો પણ પૂરો પાડ્યો છે.
અનોખા કર્મશીલ દિનકર દવે(1939-2018)ને અકૃત્રિમ અંજલિ આપતાં લખાણોનું ‘રચના-સંઘર્ષ અને સમન્વયનો સૈનિક દિનકર’ નામનું નાનું પુસ્તક બેએક મહિના પહેલાં ‘નયા માર્ગ’ના સંપાદક ઇન્દુકુમાર જાની પાસેથી મળ્યું. નિર્મળ, હસમુખા, હળવાશભર્યા, ‘વહેતાં ઝરણાં જેવાં’ અદના લોકસેવક દિનકરભાઈ પ્રમાણમાં ઓછા જાણીતા હતા. પણ સમાજકાર્યમાં પડેલા લોકો માટે તેમના વિશે જાણવા જેવું ઘણું છે. વ્યક્તિગત રીતે તેઓ અનેક કામ હાથ પર લેતાં રહ્યા અને સંસ્થાઓને પણ સેવા આપતા રહ્યા : સજીવ ખેતી સહિત કૃષિના પ્રયોગો, વૈકલ્પિક ઊર્જા, પાણી બચત, સાબરમતી નદી પ્રદૂષણ નિવારણ, ગરીબો માટે સ્થાનિક સામગ્રી અને શ્રમથી સસ્તાં ઘરોની રચના, ગુજરાતમાં વિરલ એવી ઝગડિયાની આરોગ્ય સેવા સંસ્થા ‘સેવા રૂરલ’ની સ્થાપના, ભૂકંપ પછીનાં કચ્છમાં સુરક્ષિત બાંધકામ, નર્મદા યોજનાનાં વિસ્થાપિતોના પ્રશ્નો, આ યાદી ઘણી લાંબી થાય.
આઠ-દસ મહિના પહેલાં વસાવેલાં નવાં ગુજરાતી પુસ્તકોમાં ‘ઍન ફ્રૅન્કની ડાયરી’ એ દુનિયાભરના વાચકોના એક પ્રિય પુસ્તક – ‘ડાયરી ઑફ અ યન્ગ ગર્લ’(અથવા ‘ડાયરી ઑફ ઍન ફ્રૅન્ક’, 1947)નો કાન્તિ પટેલે કરેલો ગુજરાતી ભાવાનુવાદ છે. આ ડાયરી હિટલરે ઊભી કરેલી યાતનાછાવણીમાં મોતને ભેટેલી તેર વર્ષની યહૂદી કિશોરી ઍન ફ્રૅન્કે (1929-1945) ડચ ભાષામાં લખી છે. યહૂદીઓનું નિકંદન કાઢનાર હિટલરની નાઝી પોલીસના હાથમાં પકડાતાં પહેલાં ઍન અને તેના પરિવારને ઍમસ્ટારડામના એક અવાવરુ ઘરમાં સંતાઈને રહેવું પડ્યું હતું. એમાંથી 12 જૂન 1942 થી 01 ઑગસ્ટ 1944 સુધીના ભયાનક કાળની આપવીતી ઍને રોજનીશીમાં લખી છે. અરુણોદય પ્રકાશને બહાર પાડેલાં ગુજરાતી પુસ્તકમાં અનુવાદકે એક વિસ્તૃત ઉપયોગી ભૂમિકા પણ લખી છે. સર્જનાત્મકતાના સ્પર્શવાળી આ વેદનામય વાસરીને તેમણે ‘એક કિશોરીના આંતરમનની આપવીતી’ ગણાવી છે. એ પણ યાદ રહે કે આ ડાયરી એક વ્યક્તિ અને એક કુટુંબ વંશવાદી એકાધિકારવાદી સત્તાકારણની પાશવતાનો ભોગ કેવી રીતે બને છે તેનો પ્રાતિનિધિક એવો દસ્તાવેજ ગણાય છે.
અગ્રણી બૌદ્ધિક ભોગીલાલ ગાંધીના ચિરંજીવી અમિતાભ ગાંધીએ જાન્યુઆરીમાં આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. તેના વિતરક ‘અક્ષરભારતી પ્રકાશન’ના રમેશ સંઘવીએ શરૂઆતની નોંધ ‘મહેકતી સ્મરણમંજૂષા’માં લખ્યું છે : ‘મહાત્મા ગાંધી સંદર્ભે કંઈ પણ દસ્તાવેજીય — ઐતિહાસિક વાત-વિગત મળે તે તો અમોલું ધન !’ પ્રસ્તાવનામાં રાજયશાસ્ત્રના પૂર્વ અધ્યાપક અને આપણા બહુ મોટા વાચક સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ લખે છે :
ગુજરાત વિદ્યાપીઠમાં ગ્રામઅર્થશાસ્ત્ર વિભાગનાં સહાધ્યાપક મંજુલા લક્ષ્મણનો એક મહત્ત્વનો સંશોધન ગ્રંથ ‘ગૂર્જર પ્રકાશને’ માર્ચ મહિનામાં પ્રસિદ્ધ કર્યો છે : ‘જમીન સુધારો અને દલિતોની સ્થિતિ : એક મૂલ્યાંકન (ગુજરાત ખેત જમીન ટોચમર્યાદા ધારો 1960નાં સંદર્ભમાં)’. નિસબત અને મહેનતથી થયેલા આ પ્રસ્તુત અભ્યાસનાં અનેક ચોંકાવી દેનારા નિષ્કર્ષો છે. જેમ કે, છ જિલ્લાના 423 લાભાર્થીઓમાંથી 57% જમીન અધિકાર મેળવી શક્યા છે અને જમીનપ્રમાણ સરેરાશ બે એકર છે. મોટે ભાગે દલિતોને પોતાના હક અને રાજ્યની ફરજના સહજ ક્રમમાં જમીનો મળી નથી. એના માટે તેમને વ્યક્તિગત ધોરણે, સામુદાયિક રીતે, સંગઠનોના હસ્તક્ષેપ અને અદાલતોના આદેશ થકી સંઘર્ષ કરવો પડ્યો છે. તેમાં 58 % લાભાર્થીઓને જમીન મેળવવા માટે પાંચથી વધુ વર્ષ લાગ્યાં છે. કેટલાકે તો પચીસ વર્ષની કાનૂની લડત આપવી પડી છે. બહુ આઘાતજનક નિષ્કર્ષ એ છે સરકારી દસ્તાવેજોમાં જેમને જમીન વહેંચણી કરવામાં આવી હતી તેવા લાભાર્થીઓમાંથી 43 % જમીન અધિકાર મેળવી શક્યા નથી, ઘણાં હજુ સુધી જમીન જોઈ શક્યા નથી. આ સંઘર્ષમાં કેટલાક બરબાદ થઈ ગયા છે. કેટલાંક કહે છે : ‘જો સરકાર દ્વારા અમને જમીન આપવામાં આવી ન હોત તો અમને આટલું નુકસાન ખર્ચ ન થયું હોત !’
મૂળ ભાવનગરના પણ કચ્છની એક કોલેજમાં ગુજરાતીના અધ્યાપક અનિરુદ્ધસિંહ ભીખુભા ગોહિલનાં, અમદાવાદના ‘ડિવાઇન પ્રકાશ’ને હાલમાં બહાર પાડેલાં બે તદ્દન નવાં પુસ્તકો હમણાં મળ્યાં. ‘સૂરજનો સાતમો ધોડો’ પુસ્તકનું આવરણચિત્ર તો જિજ્ઞ્રેશ બહ્મભટ્ટનું છે. અગ્રણી હિન્દી સાહિત્યકાર ધર્મવીર ભારતીની જાણીતી લઘુનવલ ‘સૂરજ કા સાતવાં ઘોડા’ના તેમણે કરેલા આ અનુવાદની શરૂઆતમાં લેખકના પોતાનાં નિવેદન અને ‘અજ્ઞેય’એ લખેલી ભૂમિકા વાંચવા મળે છે. તે ઉપરાંત ગુજરાતીના રસજ્ઞ અધ્યાપક-વિવેચક અજય રાવલે ભારતીની કૃતિ પરથી શ્યામ બેનેગલે બનાવેલી ફિલ્મ વિશેનો અભ્યાસલેખ પણ અહીં વાંચવા મળે છે. અનુવાદક લખે છે : ‘… આ પુરુષાર્થ માત્ર ભાષાના સ્તરે જ નહીં પરંતુ કૃતિસમગ્રના સ્તરે અનુભવાય એમ એને અનુવાદમાં ઊતાર્યો છે. ગુજરાતી વાચકને આ કૃતિ વાંચતાં જ ગુજરાતી લાગે એટલે ભયોભયો.’
અનિરુદ્ધસિંહનાં મૌલિક પુસ્તક ‘કાવ્ય પ્રતિ …’માં બાર ગુજરાતી પદ્યકૃતિઓનાં ‘કૃતિલક્ષી આસ્વાદાત્મક અવલોકનો’ વાંચવાં મળે છે. અનેક શિક્ષકો અને સાહિત્યકારો તરફ ઋણભાવ વ્યક્ત કરતી ‘આ સૌના ખભે ચઢીને હું ઊભો છું …’ એવી પ્રસ્તાવનામાં લેખક જણાવે છે : ‘સુરેશ જોશીની જેમ આ અસ્વાદોને ગ્રંથસ્થ કરવા પાછળનો હેતુ સામાન્ય વાચકને પણ કાવ્યાભિમુખ કરાવવાનો છે….’ અનિરુદ્ધસિંહના વિવેચન લેખોની ખાસિયત એ નિરુપણમાં રહેલી અરુઢતા છે. પહેલાં ભાગ્યે જ જોવા મળી હોય તેવી પ્રયુક્તિઓ અહીં જોવા મળે છે. અહીં કવિતાઓનું અનેક આકૃતિઓ, આલેખો, કોષ્ટકો અને ચિત્રો દ્વારા વિશ્લેષણ થયું છે. એક લેખમાં એક બહેનની ‘હૃદયાવસ્થાનો વૃત્તાંત (કાર્ડિઓગ્રામ) આવો થાય ને ?’ એમ પૂછીને લેખક કાર્ડિઓગ્રામ જેવો ‘આકૃતિઆલેખ’ મૂકે છે ! લેખકે જેમની કૃતિઓ લીધી છે તે કવિઓ છે: દા.ખુ. બોટાદકર, બાલમુકુન્દ દવે, મનસુખલાલ ઝવેરી, રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચન્દ્ર, કમલ વોરા, રમણીક અગ્રાવત, જયદેવ શુક્લ, પ્રિયકાન્ત મણિયાર, રમેશ પારેખ અને ભરત ભટ્ટ.
