આપણા લાડકા અને લોકપ્રિય નવલકથાકાર અશ્વિની ભટ્ટને મેં એક વાર પૂછ્યું હતું કે તમારી દરેક નવલકથા દળદાર હોય છે તો તમે આટલા લાંબા પ્લોટની ગૂંથણી કેવી રીતે કરો છો? અશ્વિનીભાઈ અત્યંત પ્રામાણિક માણસ હતા એટલે પ્રામાણિક માણસને શોભે એવો તેમણે જવાબ આપ્યો હતો. તેમણે પ્રાંજળ કબૂલાત કરતાં મને કહ્યું કે મારી નવલકથાઓ દળદાર હોય છે એનું કારણ એ નથી કે કથાવસ્તુની એવી માગણી હોય છે, પણ એનું કારણ મારી અંદર રહેલો કસબનો અભાવ છે. ચિત્તનાં ઊંડાણમાં જઈને તેની નિબીડતા અને સંકુલતા મધુ રાય સો પાનાંમાં ઉઘાડી આપી શકે એ કહેવામાં મને ચારસો પાનાંની જરૂર પડે છે અને એ પછી પણ હું મધુ રાયની માફક તો કહી જ શકતો નથી.
અશ્વિનીભાઈ કહી ગયા છે કે જેટલો ઓછો કસબ એટલી દીર્ઘસૂત્રતા વધારે. આપણાં નાણાં પ્રધાન નિર્મલાબહેન સીતારામને પોણા ત્રણ કલાક લાંબુ બજેટ-ભાષણ આપ્યું એનું કારણ મધુ રાય જેવાના, એટલે અર્થાંતરે ડૉ. મનમોહન સિંહ કે પી. ચિદમ્બરમ જેવાના કસબનો અભાવ હતો. વિષય જ પકડમાં ન આવતો હોય ત્યારે તેને સમજાવવા માટે અનેક પ્રકારનાં શિર્ષાસનો કરવાં પડતાં હોય છે.
દીર્ઘસૂત્રતાનું આ એક કારણ છે. બીજું કારણ પ્રામાણિકતાનો અભાવ છે. કોઈ માણસ કોઈ ચીજ છૂપાવવા માગતો હોય અથવા લોકોને ભ્રમમાં નાખવા માગતો હોય ત્યારે તે કારણ વિના કે પૂછ્યા વિના લાંબા લાંબા ખુલાસાઓ કરવા માંડે. ચારે બાજુની વાતો એટલી બધી કરે કે તમને કોઈ વાતનો તાળો જ મળે નહીં અને જોડવા માગો તો છેડા જ મળે નહીં. વકીલો પણ અદાલતોમાં લાંબી લાંબી દલીલો કરે છે એની પાછળનો ઈરાદો પણ જજને ચકરાવામાં નાખવાનો હોય છે.
નિર્મલા સીતારામન પોણા ત્રણ કલાક બોલ્યાં પછી હાંફી ગયાં તે ત્યાં સુધી કે તેમને ચોકલેટ ખવડાવ્યાં પછી પણ તેઓ બોલી શક્યાં નહોતાં અને સ્પીકરને વિનંતી કરી હતી કે તેમનું બાકીનું ભાષણ વંચાયેલું જાહેર કરે. એક્વેરિયમમાં કાચની પેટીમાં માછલી જે રીતે ભ્રમણ કરે એના જેવું ભ્રમણ હતું. ભાષણ સાંભળનારાઓ ટી.વી. સામેથી ઊભા થઈ ગયા હતા. ડૉ. મનમોહન સિંહ અને પી. ચિદમ્બરમે કહ્યું છે કે તેઓ પણ લંબાણ અને દિશાહીનતાને કારણે કંટાળી ગયા હતા. પોણા ત્રણ કલાક લાંબા બજેટ-ભાષણને અત્યારે આખો દેશ ઉકેલવા મથી રહ્યો છે અને તેમાં જે સમય ખર્ચાઈ રહ્યો છે એ વધારામાં. નિર્મલા સીતારામનના બજેટમાં અણઆવડત અને બેઈમાની એમ બન્નેનો સમાવેશ થાય છે. તેમનું ભાષણ ઇતિહાસમાં સૌથી વધુ લાંબુ બજેટ-ભાષણ હતું એનાં આ બે કારણો છે.
અહીં ડૉ. મનમોહન સિંહનું ૧૯૯૧નાં વચગાળાના બજેટની અને ૧૯૯૨નાં સંપૂર્ણ બજેટની યાદ આવે છે. મને બરાબર યાદ છે કે ૧૯૯૨માં ભારતના નાણા પ્રધાન ડૉ. મનમોહનસ સિંહે તેમના બજેટ પ્રવચનમાં કહ્યું હતું કે શ્રેષ્ઠ અર્થશાસ્ત્ર એ જ શ્રેષ્ઠ રાજનીતિ છે. પ્રજાની સુખાકારી શાસનના કેન્દ્રમાં છે. પ્રજા સુખી હોય તો અસંતોષ પેદા ન થાય અને એ જ શાસકોનું રળતર છે. આ શબ્દો ડૉ. મનમોહન સિંહે ૧૯૯૨માં ઉચ્ચાર્યા હતા. તેમણે ૧૯૯૧માં અને ૧૯૯૨માં અંદાજે પોણા પોણા કલાકના બે બજેટ-ભાષણ આપ્યા હતા અને દેશનો ચહેરો બદલી નાખ્યો હતો. જેમને ક્યાં જવું છે એની જાણ છે, કેમ જવું એની સમજ છે એ લોકોને લાંબુ બોલવું નથી પડતું. ટૂંકમાં દીર્ઘસૂત્રતા એ અણઆવડત અને અપ્રામાણિકતાનું પરિણામ છે.
પ્રતાપ ભાનુ મહેતા આપણા મોટા ગજાના પબ્લિક ઈન્ટેલેકચ્યુઅલ છે. તેમણે બજેટ વિશે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લખ્યું છે કે આર્થિક મોરચે સરકારે પરાજય સ્વીકારી લીધો છે. લાંબુ બચાવનામું, ગળે ન ઉતરે એવાં વચનો, કાચી મેળમાથા વિનાની યોજનાઓ અને કલ્યાણયોજનાઓ માટે રૂપિયા ક્યાંથી આવશે એ વિષે ચુપકીદીનું વલણ બતાવે છે કે સરકાર કોઈ નક્કર કદમ ઉઠાવી શકવાની સ્થિતિમાં નથી. પ્રતાપ ભાનુ મહેતાએ તેમના લેખનું શીર્ષક જ આપ્યું છે ‘એન એડમીશન ઓફ ડિફીટ’. હિન્દુત્વવાદીઓને જેનો ગર્વ છે એ પ્રાચીન સરસ્વતી-સિંધુ સભ્યતા ૨૧મી સદીનો આધુનિક ચહેરો ધારણ કરી શકે એમ નથી.
********
આજકાલ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ પણ બહુ બોલે છે. ક્યારેક એમ થાય કે દેશના મુખ્ય ન્યાયમૂર્તિને બંધારણના સ્વરૂપ અને ભારતીય રાજ્ય વિષેની મૂળભૂત જાણકારી પણ નથી લાગતી. આવી વ્યક્તિ આટલે ઊંચે હોદ્દે પહોંચી કેવી રીતે? તેમનાં કથનો સાંભળીને ક્યારેક એવું લાગે કે તેમની અંદર ઉપદેશકે પ્રવેશ કર્યો છે કે શું? આનું કારણ છે ધર્મનો તકાદો અને એ ખાંડાની ધાર જેવો હોય છે. ભૂંડા દેખાવું નથી અને ધર્મનિષ્ઠ (ફરજના અર્થમાં) બનવા જેટલી કરોડરજ્જુ નથી એટલે કામની વાત છોડીને આડીઅવળી વાતો કરવી પડે છે અને જ્યારે કસોટીરૂપ પ્રશ્નને હાથ ધરવો જ પડે એમ હોય ત્યારે બને ત્યાં સુધી જે તે ઉપાય યોજીને તેનાથી બચી નીકળવા માગતા હોય.
તમને સબરીમાલા મંદિર વિશેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો યાદ હશે. ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનામાં અદાલતે ચુકાદો આપ્યો હતો કે મંદિરમાં કોઈ પણ વયની સ્ત્રીને પ્રવેશતા રોકી શકાય નહીં. મંદિરની પરંપરા એવી છે કે દસથી ૫૦ વર્ષની ઉંમરની – રજસ્વલા હોઈ શકે એવી ઉંમરની – સ્ત્રી મંદિરમાં પ્રવેશી શકે નહીં. હવે પરંપરા મહાન કે બંધારણ? પરંપરાજન્ય ભેદભાવ સ્વીકારવાનો કે બંધારણજન્ય સમાનતા? સમૂહની લાગણીનું ધ્યાન રાખવાનું કે વ્યક્તિના અધિકારનું? આવા કેટલાક મૂળભૂત સવાલો આ મામલામાં જોડાયેલા હતા.
બન્યું એવું કે સર્વોચ્ચ અદાલતે સમાનતાના પક્ષે, બંધારણની સર્વોપરિતાના પક્ષે અને સમૂહની સામે વ્યક્તિના અધિકારના પક્ષે ચુકાદો તો આપ્યો પણ તેનો વિરોધ પણ એટલો જ થયો. અત્યારના કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે બી.જે.પી.ના અધ્યક્ષ તરીકે જાહેરમાં કહ્યું હતું કે અમે ચુકાદો સ્વીકારવાના નથી, થાય એ કરી લો. દેખીતી રીતે અમિત શાહ અને તેમના જેવા બીજા અદાલતના ચુકાદાની અવમાનના કરનારાઓ સામે અદાલતનો તિરસ્કાર કરવાનો ખટલો ચાલવો જોઈતો હતો, પણ એ તો બહુ વધારે પડતી અપેક્ષા છે. ઊલટું હવે એ મહાશય કેન્દ્રના ગૃહ પ્રધાન છે.
સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે પુનર્વિચાર કરવાની માગણી કરનારી રીવ્યુ પીટીશન આવવાની જ હતી અને આવી પણ ખરી. મુખ્ય ન્યાયમૂર્તિ જાણે છે કે આજના યુગમાં ધાર્મિક ઉન્માદ સામે બંધારણ અને બંધારણનાં મૂલ્યોની સર્વોપરિતા સ્થાપવી કે રખેવાળી સુદ્ધાં કરવી એ ટેઢી ખીર છે. તો શું કરવું? કેવી રીતે જાન છોડાવવો? મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેસાહેબે નવ જજોની બંધારણીય બેંચ રચી કાઢી અને તેને કહેવામાં આવ્યું કે બંધારણમાં ધાર્મિક અધિકારો વિશે જે કહેવામાં આવ્યું છે એને સાંગોપાંગ સમજવામાં આવે.
આ છટકબારી છે એ મુખ્ય ન્યાયમૂર્તિ સહિત બધા જ જાણે છે. નવ જજોની બંધારણીય બેંચ રચવાના મુખ્ય ન્યાયમૂર્તિના નિર્ણય સામે જાણીતા ધારાશાસ્ત્રી ફલી એસ. નરીમાને સવાલ કર્યો છે કે આની જરૂર જ શું છે? ધાર્મિક અધિકારો વિશે સ્પષ્ટતા કરતા સર્વોચ્ચ અદાલતના આગળના છ ચુકાદાઓ પડ્યા જ છે એ તપાસી લો. બીજું સબરીમાલા કેસમાં જ્યારે સુનાવણી ચાલતી હતી ત્યારે ધાર્મિક અધિકારો વિશે બંધારણ શું કહે છે અને તેનું શું અર્થઘટન થઈ શકે એ પણ કહેવામાં આવ્યું જ છે. સુનાવણી દરમ્યાન ઉપર કહ્યા એ છ ચુકાદાઓ ટાંકવામાં આવ્યા જ છે.
બીજા એક મોટા ગજાના ધારાશાસ્ત્રી અનિલ દીવાને કહ્યું છે કે વ્યક્તિના ધાર્મિક અધિકારો વિષે વિશાળ બેંચનો બંધારણીય રેફરન્સ લેવો જ હતો તો જ્યારે સબરીમાલા કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે લેવો જોઈતો હતો. રીવ્યુ પીટીશન વખતે વિશાળ બેંચનો રેફરન્સ લેવાનો રીવાજ નથી અને એ અનૈતિક છે. આનો અર્થ તો એ થયો કે મૂળ ખટલો સાંભળનારા જજોએ બંધારણ શું કહે છે એ તરફ ધ્યાન આપ્યું નહોતું.
આવા બે ટોચના ધારાશાસ્ત્રીઓના અભિપ્રાય પછી મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું છે કે હા, વાતમાં દમ તો છે જ. વાત એમ છે કે જે વાત ફલી નરીમાન અને અનિલ દીવાન જાણે છે એ મુખ્ય ન્યાયમૂર્તિ નહોતા જાણતા? જાણતા હતા. બધું જ જાણે છે. આ તો મુસીબતની ટોપલી ખીંટીએ લટકાવવાની કસરત છે. ધકેલો આગળ જેમ નિર્મલા સીતારામને આર્થિક સંકટને આગળ ધકેલ્યું છે. નિર્મલા સીતારામનમાં નથી આવડત, નથી પ્રામાણિકતા અને નથી હિંમત; પણ મુખ્ય ન્યાયમૂર્તિ જાણકારી તો ધરાવે છે, બાકીની બે ચીજ ધરાવતા નથી અને તેને છૂપાવવા તેઓ ખૂબ બોલે છે. એક્વેરિયમની કાચની પેટીમાં ફરતી માછલીની જેમ.
ફલી નરીમાન અને અનિલ દીવાનના વાંધાને કારણે એક ચીજ સારી થઈ છે. ઘણું કરીને, હું કહું છું ઘણું કરીને; બાકી કાંઈ કહી શકાય નહીં, સી.એ.એ.-એન.આર.પી.-એન.સી.આર.ના કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિ નાગરિકતા વિશે બંધારણ શું કહે છે એનો રેફરન્સ વિશાળ બંધારણીય બેંચ પાસેથી નહીં માગે. અત્યાર સુધી ડર હતો કે એ પ્રશ્નને પણ રેફરન્સ માગીને ખીંટીએ ચડાવી દેવાશે.
આ દેશમાં અત્યારે દરેક માણસની કસોટી થઈ રહી છે. શબ્દ ધ્યાનબહાર ન જવો જોઈએ; દરેક માણસની, આય રીપીટ માણસની. તમારી અંદર પણ જો ‘હિંદુ’ બેઠો હશે તો ‘હિંદુ’ અને ‘માણસ’ વચ્ચે દ્વન્દ્વયુદ્ધ ચાલતું હશે. કોને મારવો અને કોને જીવતો રાખવો, કોને કલોરોફોર્મ સુંઘાડીને સુવડાવી દેવો અને કોને જાગતો રાખવો. ખરું કે નહીં? દિલ પર હાથ રાખીને જવાબ શોધી કાઢો.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 ફેબ્રુઆરી 2020
![]()



સંસદ કે રાજ્યોના વિધાનગૃહોના સુચારુ અને તટસ્થ સંચાલન માટે અધ્યક્ષના પદની જોગવાઈ બંધારણના ઘડવૈયાઓએ કરી છે. સંસદીય લોકતંત્રની પરંપરાઓના સંરક્ષક અને સમગ્ર ગૃહનું પ્રતિનિધિત્વ કરતા મોભી તરીકે સ્પીકરનું પદ મહત્ત્વનું મનાય છે. જો કે સ્પીકરના પદ માટે તે સંબંધિત વિધાનગૃહના સભ્ય હોવા સિવાયની કોઈ વિશેષ લાયકાત નિર્ધારિત કરી નથી. પરંતુ સ્પીકર રાજકીય પક્ષના સભ્ય તરીકે ચૂંટણી લડ્યા હોવા છતાં, તેઓની પાસે ગૃહના સંચાલન માટે સંપૂર્ણ નિષ્પક્ષતાની અપેક્ષા રખાય છે ! રાજ્યસભાના અધ્યક્ષ ભારતના ઉપ રાષ્ટ્રપ્રમુખ હોય છે. પરંતુ લોકસભાના અધ્યક્ષ લોકસભાના ચૂંટાયેલા સભ્યોમાંથી લગભગ સર્વાનુમતે પસંદ કરવામાં આવે છે. લોકસભાના અધ્યક્ષ તરીકે માર્કસવાદી સામ્યવાદી પક્ષના ડાબેરી સોમનાથ ચેટરજી અને કટ્ટર હિંદુત્વવાદીની છાપ ધરાવતી શિવસેનાના મનોહર જોશી રહી ચૂક્યા છે. લગભગ એક દાયકા સુધી બલરામ જાખડ લોકસભાના અધ્યક્ષ હતા, જે એક રેકોર્ડ છે. ૧૯૯૬ સુધી સત્તાપક્ષ કૉન્ગ્રેસના જ લોકસભા સભ્ય અધ્યક્ષ તરીકે ચૂંટાતા હતા, પરંતુ તે પછીની ગઠબંધન સરકારોના યુગમાં સમર્થક પક્ષના સભ્ય લોકસભા અધ્યક્ષ બન્યા હતા. લોકસભાના અધ્યક્ષ તરીકે મોટે ભાગે સક્રિય રાજકારણીઓ રહ્યા હોઈ, તેમની તટસ્થતા સામે પ્રશ્નો ઉઠ્યા છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ દાદાસાહેબ માવળંકરને પણ પક્ષપાતી વર્તન બદલ સ્પીકરના પદેથી દૂર કરવાની દરખાસ્ત આવી હતી. નિલમ સંજીવ રેડ્ડી ૧૯૬૭-૬૯માં લોકસભાના અધ્યક્ષ હતા તે દરમિયાન રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી લડવા લોકસભા અધ્યક્ષ તરીકે રાજીનામુ આપ્યું હતું. પરંતુ તેઓ હારી ગયા હતા. ૧૯૭૭માં તેઓ ફરી લોકસભાના અધ્યક્ષ ચૂંટાયા હતા. પરંતુ ચાર જ મહિના બાદ રાજીનામુ આપી રાષ્ટ્ર પ્રમુખ બન્યા હતા. પાંચમી લોકસભાના અધ્યક્ષ જી.એસ. ધિલ્લોનને રાજીનામુ અપાવી કેબિનેટ મંત્રી બનાવાયા હતા. ૨૦૦૯માં મીરાં કુમારે પ્રથમ કેબિનેટ મંત્રીના શપથ લીધાં હતાં અને પછી તેઓ લોકસભા અધ્યક્ષ બન્યાં હતાં. લોકસભા અધ્યક્ષની તટસ્થતાની બાબતમાં પી.એ સંગમા અને સોમનાથ ચેટરજીનું કાર્ય નોંધપાત્ર છે. ૨૦૦૮માં કૉન્ગ્રેસી સરકારને અમેરિકા સાથેની પરમાણુ સંધિના મુદ્દે આપેલું સમર્થન ડાબેરીઓએ પાછું ખેંચ્યું ત્યારે તેમના સમર્થકોની યાદીમાં સ્પીકર સોમનાથ ચેટરજીનું પણ નામ હતું. લોકસભાના અધ્યક્ષ તરીકે પોતે પક્ષીય રાજકારણથી પર છે તેથી તેઓ પક્ષના નિર્ણયનું સમર્થન કરશે નહીં તેમ કહી સોમનાથબાબુએ પક્ષની ખફગી વહોરી પક્ષમાંથી બરતરફ થવું સ્વીકારીને પોતાની લોકસભા અધ્યક્ષ તરીકેની નિષ્પક્ષતા બરકરાર રાખી હતી.