નાના હતા ત્યારથી ગાતા હતા 'મામાનું ઘર કેટલે , દીવો બળે એટલે ..'
સામે જે ઘર દેખાય છે કે જ્યાં દીવો બળી રહ્યો છે તે મામાનું ઘર એવો સીધો સાદો અર્થ ત્યારે ને અત્યારે પણ સમજાય છે.
પણ ક્યારેક લાગે કે જ્યાં આપણા માટે કાયમ દીવો બળે છે, એટલે કે પ્રહ્લાદ પારેખે શીખવ્યું છે તે પ્રમાણે કોઈ આપણી રાહ જોઈ રહ્યું છે તે ઘર એટલે મામાનું ઘર. જે ઘર
આપણામાં માટે કાયમ ખુલ્લું હોય તે મામાનું ઘર .. જે ઘરના દીવડાનો પ્રકાશ આપણાં આંગણાને અજવાળવા આવી ચડે તે મામાનું ઘર ..
બાળપણથી મામાના ઘરનું ભારે આકર્ષણ. વેકેશનના પહેલા જ દિવસે અમારી પલટન મામાના ઘરે જવા ઉપડે ને છેલ્લે દિવસ ઢીલા ચહેરા સાથે પરત ફરે. આખ્ખું વેકેશન મામાના ઘરે મજા કરવાની. ઘરથી પણ વિશેષ લાડકોડ. પોતાના સંતાનોને છાસ આપે પણ મામી મને તો સાંજે વાળુમાં દૂધ જ આપે. ત્રણ મામા સાથે ને પાસે પાસે રહે. સુવાનું તો કોઈ એક મામાના ઘરે પણ ઊઠીને ચા ત્રણેય મામાના ઘરે રકાબી રકાબી પીવાની. ને એમાં પણ ખતુમામી એટલે કે નાના મામીની મીઠી ચા આપણી સ્પેશિયલ. મામી-ભાણેજ અલક-મલકની વાતો કરતાં ચાની ચુસ્કી લીધાં કરીએ.
આમ તો મોસાળનું ગામ ખેડોઈ. કચ્છભરમાં જ્યાંની વાડીઓ વખણાય તે ગામની પાદરે કચ્છ ટ્રાન્સપોર્ટમાં ગાડી ચલાવતા અંજારના સીધીક મામાના ખટારામાંથી ઉતરીએ ત્યારે નાની રાહ જોઈને જ બેઠાં હોય. આંખે ઝાંખપ આવ્યાં પછી દૂરથી અમને જોવા નાની આંખ પર હાથની છાંયડી કરે. અમને જોઈને મુખ હરખાઈ ઊઠે ને આંખ છલકાઈ ઊઠે. ચૂમીઓનો વરસાદ વરસી પડે ભલે ને ગમે તે ઋતુ હોય !
નાનાને તો આ આંખોએ ક્યારે જોયા નથી પણ નાનીનાં પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે એમની ખોટ પણ ક્યારે ય વરતાઈ નથી. હું નાનીના ગળાડૂબ પ્રેમમાં છું. એમના વિશે તો વિગતે ચરિત્રલેખ કરવાની ભાવના છે. એમના કરચલીયાળી ચામડીવાળા હાથ પર હું હાથ ફેરવતો. મને એમ કરવું બહુ ગમતું. વૃદ્ધત્વનું તેજ મેં એમની આંખોમાં ને બોલાતા પ્રત્યેક શબ્દમાં અનુભવ્યું છે. હજી ઘણીવાર પુછાઈ જાય છે કે નાની કેમ છે ?
મામા જ સઘળા લાડ કરવાની જગ્યા. નવાં કપડાં બાર મહિને એક કે બે વાર મામાના ઘરેથી જ મળે. બાકી તો વાણિયાઓએ આપેલાં કપડાં પહેરવાના. ચંપલ પણ મામા લઈ આપે. મામાના ભાઈબંધની દુકાનેથી અમે બધું લઈ આવીએ, 'હિસાબ હું મામા સાથે સમજી લઈશ' એમ કહેતા દુકાનદાર ભાઈના વાક્યો અત્યારે યાદ આવે છે ત્યારે થાય છે કે મામા આ હિસાબ કઈ રીતે સમજતા હશે. પણ ત્યારે તો કપડાંની સીવેલી થેલીમાં સામાન લઈ રાજી થતા થતા ઘરે આવતા. મામા તો માત્ર ભલે લઈ આવ્યા એટલું જ બોલતા.

નાના ઈશાકમામાની ઘોડાગાડીમાં બેસીને વાડીએ જવાની કંઈક અલગ જ મજા આવતી. વાડીઓની વચ્ચેથી નીકળતી ગાડા વાટે ચાલતી ઘોડાગાડીમાં બેસવાની તો મજા આવે જ પણ એથી પણ વધુ મજા આવતી ચીકુ, કેરી ને જામફળના લચી પડેલા બગીચાઓમાંથી મન પડે તે ખાવાની. મને બરાબર યાદ છે કે એકેય વાડીમાં તારની વાડ નહિ ને કોઈની રોક ટોક પણ નહીં. વેચાતાં ફળ લેવાની ત્રેવડ તો ક્યાંથી હોય એટલે મામાના ગામની વાડીઓમાં ધરાઈને ફળ ખાઈ લેતા, વરસ ભરના સામટા.
વાડીઓની સરહદ પૂરી થાય ને થોડાં બાવળની સીમને વટાવી અમારી સવારી મામાના ઈંટોના ભઠ્ઠા પર પહોંચતી. કુંભારની માટી સાથેની નિસબત બરાબર અનુભવાતી. ઈંટ જો પકવવા મૂકી હોય તો એની એક વિશિષ્ટ સુગંધ નાકને ઘેરી લેતી. હું કામમાં મદદ કરાવવા જાઉં તો એ પણ રમત જેવું લાગતું. વાડીમાં લાલ લાલ તરબૂચ નિંદામણની ખુરપીથી જ ચાર ટુકડા કરીને ખાઈ જતા. પછીથી મામા સપરિવાર વાડીએ રહેવા આવી ગયા ત્યારે દિવસો સુધી આ મજા માણી છે.
હમણાં વેકેશનમાં બે દિવસ મામાના ઘરે જઈ ફરી એ દિવસો પાછા જીવી આવ્યા. માનો વર્ગ એવા ઈસ્માઈલમામા, ઈશાકમામા ને ખુદાને પ્યારા બની ગયેલા દાઉદમામા તરફથી મળેલા અસીમ પ્રેમના પ્રવાહને વહેતો રાખી શકું તો ઘણું !
મારા મામાનું ઘર હવે મારી ભીતર જ બંધાઈ ગયું છે ! અંદર દીવો બળ્યા કરશે ત્યાં સુધી એ ઘર સાવ નિકટ ઝળહળ્યા કરશે !
સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


મારા મિત્ર પ્રાધ્યાપક ગિરીશ જાનીએ થોડાં વરસ પહેલાં ભારતીય વિદ્યા ભવન માટે ફિરદોસીનાં ‘શાહનામા’નું સંપાદન કર્યું હતું. તેને માટે અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવનામાં પ્રા. જાનીએ લખ્યું હતું કે મુસ્લિમ આક્રમણકારોથી બચવા જરથોસ્તી ધર્મમાં માનનારા ઈરાનીઓએ પોતાનું વતન છોડીને ભાગવું પડ્યું હતું. ભારતીય વિદ્યા ભવનના વડા હોમી દસ્તુરને પારસી હોવાને નાતે જ્યારે આ પ્રસ્તાવનાનો મુસદ્દો જોવા આપ્યો ત્યારે ઉપરનું વાક્ય વાંચીને તેમણે કહ્યું હતું કે અમારા પૂર્વજોને સતાવનારાઓ આક્રમણકારો હતા, મુસલમાન નહોતા. જે ઇસ્લામ સમજ્યો હોય એ આવું ન કરે! બીજું, ઘાવને દુઝતા રાખવાથી ફાયદા કરતાં નુકસાન વધુ છે. માટે ગિરીશભાઈ આ વાક્યને કાઢી નાખો તો સારુ.
તાજેતરમાં જ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ એક અગત્યનો ‘ઐતિહાસિક પ્રસ્તાવ’ પસાર કર્યો છે. ચીનના સત્તા પક્ષે દેશના ઇતિહાસમાં કરેલું આ છઠ્ઠું પ્લિનરી સેશન હતું. પ્લીનમ એટલે કે કોઇ પણ પક્ષની મુખ્ય સમિતિના ૩૦૦થી વધુ સભ્યોની બેઠક. આ બેઠક મોટે ભાગે ગુપ્ત હોય છે અને ત્રણથી પાંચ દિવસ ચાલતી આ બેઠકમાં ખરેખર બંધ બારણે શું ચર્ચાઓ થાય છે તેની કોઇ જાણકારી તેની બહાર રહેલાઓને નથી હોતી. ચીનના રાજકીય ઇતિહાસમાં આ બેઠકોનું આગવું મહત્ત્વ રહ્યું છે. ચીનમાં થયેલી આવી બેઠકોમાં પસાર થયેલા પ્રસ્તાવો તેની રાજકીય વિચારધારાની દિશા નક્કી કરનારા રહ્યા છે. આ વખતે થયેલી બેઠક પછી ચીનના કોમ્યુનિસ્ટ પક્ષનો ૧૦૦ વર્ષના ઇતિહાસનો સારાંશ તેની સિદ્ધિ તથા ભાવિ આર્થિક વિકાસના લક્ષ્યને આલેખ તેના પ્રસ્તાવરૂપે જાહેર કરાયો. આ જાહેરાત પછી શી જિનપિંગની અગત્યતા ચીનના રાજકીય ઇતિહાસમાં એક નવી ઊંચાઇએ મુકવામાં આવી. કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કરનારા જિનપિંગ ત્રીજા નેતા છે. સર્વોપરી નેતૃત્વનો નવો ચહેરો એટલે કે જિનપિંગ એવું આ પ્રસ્તાવ દ્વારા કહેવાઇ રહ્યું છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના એટલે કે સી.પી.સી.એ રજૂ કરેલા પ્રસ્તાવમાં, ‘મેજર અચિવમેન્ટ્સ એન્ડ હિસ્ટોરિકલ એક્સપિરિયન્સ’ની વાત કરાઇ છે જેમાં ભાવિ રાજકીય દિશાઓનો સંકેત પણ છે.