જ્યારે મુંબઈનાં એક હજાર મકાન બળીને ખાખ થઈ ગયાં
૧૮૦૩ની એ આગ પછી બોમ્બે ફાયર બ્રિગેડની સ્થાપના થઈ
‘ભાગો, ભાગો. આગ લાગી છે, આગ.’ વહેલી સવારે મુંબઈના કોટ વિસ્તારમાં આવી બૂમાબૂમ મચી ગઈ. એ દિવસ હતો ગુરુવાર, મહિનો હતો ફેબ્રુઆરી, તારીખ ૧૭. અને વરસ ? વરસ હતું ઈ.સ. ૧૮૦૩. પહેલવહેલી બૂમ સંભળાઈ તે ઘોડાના એક તબેલા બહારથી. કારણ આગ શરૂ થઈ હતી એ તબેલામાંથી. એ તબેલો તો આજે ક્યાંથી હોય? પણ એ જગ્યાએ આજે ઊભી છે ૧૮૪૯માં બંધાયેલી સર જમશેદજી જીજીભાઈ પારસી બેનવલન્ટ ઇન્સ્ટિટ્યૂશનની મોટી ઈમારત. આગ લાગી ત્યારે એ જગ્યા અરદેશર દાદીભાઈની માલિકીની હતી, પણ ઓળખાતી હતી હરજીવન લાલાની વાડી તરીકે. એ વખતે મુંબઈમાં હજી શિયાળા જેવી ઋતુ પણ હતી. એટલે બનવા જોગ છે કે વહેલી સવારે ઘોડાના સાઈસો તાપણું કરીને બેઠા હોય. હુક્કો ગગડાવતા હોય. એ દિવસે સવારથી પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો એવું તો નોંધાયું છે. એટલે બનવા જોગ છે કે એકાદો તિખારો ઊડીને પડ્યો હોય તબેલામાં સંઘરેલા સૂકા ઘાસની ગંજી પર. અને શરૂ થઈ ગઈ હોય આગ. તબેલામાં બાંધેલા ઊંચી ઓલાદના બધા જ ઘોડા એ આગમાં હોમાઈ ગયા હતા.

આગ જ્યાંથી શરૂ થયેલી એ જગ્યાએ આજે ઊભેલી ઈમારત
કમનસીબે જોરદાર પવનને કારણે આગ આજુબાજુની ઈમારતોમાં જોતજોતામાં ફેલાઈ. બપોર થઈ. સાંજ પડી. પણ અગન દેવતા ખમૈયા કરતા નહોતા. ફોર્ટ કહેતાં કોટ કહેતાં કિલ્લાની અંદરનું આખું મુંબઈ અગ્નિમાં સ્વાહા થઈ જશે કે શું એવી દહેશત ફેલાઈ હતી. એટલે લોકો બપોરથી જ પોતાનાં ઘર રેઢાં મૂકી બહારકોટના વિસ્તારમાં જતા રહ્યા હતા. કોઈ સગાંવહાલાંને ત્યાં, કોઈ ધરમશાળામાં. તો કેટલાકે રસ્તાની ધારે કામચલાઉ ‘ઘર’ બનાવી દીધું હતું. સરકારી સેક્રેટરિયેટમાંથી બધાં મહત્ત્વનાં કાગળિયાં, દસ્તાવેજ કાઢીને સલામત જગ્યાએ મૂકી દેવાયાં હતાં. બધા વેપારીઓએ પોતપોતાની દુકાનો ખાલી કરીને માલ સલામત જગ્યાએ ખસેડી દીધો હતો. યાદ રહે, એ વખતે મુંબઈમાં નહોતા પાણીના નળ કે નહોતી મોટર—ગાડી. પાણી માટે શહેરમાં આવેલાં નાનાં મોટાં તળાવો અને કૂવા પર બધો આધાર રાખવો પડતો. અને મોટાં તળાવો બધાં કોટની બહાર. એટલે જેટલાં બળદ ગાડાં મળ્યાં, જેટલી ઘોડા ગાડી મળી, તે બધાંનો ઉપયોગ સરકારે આગ ઠારવા માટે પાણી લાવવા કર્યો. પણ ના, સરકારે વેઠની મજૂરી કરાવી નહોતી. બધું થાળે પડ્યું તે પછી ગાડા-ગાડી દીઠ એક દિવસના ચાર રૂપિયા લેખે સરકારે મહેનતાણું ચૂકવી દીધું હતું.

મલબાર હિલ પરથી દેખાતી આગ
બપોર પછી પવને દિશા બદલી. કિલ્લાની અંદર કંપની સરકારના લશ્કરની આર્મરી કહેતાં શસ્ત્રાગાર. તેમાં ભરેલો દારૂગોળો. બદલાયેલા પવનને ખભે ચડીને આગ એ આર્મરી તરફ આગળ વધવા લાગી. એક તો આગની તારાજગી. એમાં જો દારૂગોળો સળગે તો તો આખા કોટ વિસ્તારનું આવી બને. અફવાઓનું બજાર ગરમ થયું. કોઈ કહે કે સરકારે બધો દારૂગોળો દરિયામાં વામી દીધો. કોઈ કહે સૈનિકોને નાનાં-મોટાં વહાણોમાં દરિયે મોકલી દેવાના છે. પણ હકીકતમાં ગવર્નર સર જોનાથન ડંકન જાતે આખો દિવસ કોટમાં ફરીને બચાવ કાર્ય પર સતત ધ્યાન રાખી રહ્યા હતા. થોડે દૂર દરિયામાં કંપની સરકારનાં વહાણો ઊભાં હતાં. નોકાસૈન્યના વડા વાઈસ એડમિરલ રેનિયરને તાબડતોબ વહાણ પરથી બોલાવીને તેમની સલાહ અને મદદ લેવામાં આવી. પાયદળના વડા જનરલ નિકોલ પણ સાથે જ હતા. બંનેએ મદદ માટે સૈનિકોને બોલાવી લીધા. પણ રાતે ત્રણેક વાગ્યે આગનું જોર ઘણું નરમ પડી ગયું. આર્મરીની ચિંતા ટળી હતી. જો કે પછીના ત્રણ દિવસ સુધી કોટ વિસ્તારમાં નાની-મોટી આગ જોવા મળતી હતી. આ આગમાં કોટની લગભગ પોણી બજાર અને એક હજાર જેટલાં મકાનો નાશ પામ્યાં એવો અંદાજ હતો. લશ્કરની પાંચ બરાકો પણ ભસ્મીભૂત થઈ હતી.

જ્યાં જુઓ ત્યાં ધૂમાડાના ગોટેગોટા
આ આગમાં આટલી તારાજી થઈ એનાં કેટલાંક કારણો હતાં. પહેલું એ કે આખો વિસ્તાર ખૂબ જ ગીચ. ઘણાં મકાન લાકડાનાં. તો ઘણાંનું છાપરું વાંસ કે ઘાંસનું. વળી અહીં માત્ર સરકારી ઓફિસો જ હતી એવું નહોતું. વેપારીઓનાં ગોદામોમાં જ નહિ, ખુલ્લામાં પણ જાત જાતનો સામાન ભર્યો હતો. આજનું હોર્નિમેન સર્કલ ત્યારે કપાસનું મોટું બજાર હતું અને બોમ્બે ગ્રીન તરીકે ઓળખાતું. કપાસની ગાંસડીઓ વહાણમાં ચડે એ પહેલાં મેદાનમાં પડી રહેતી – ચોમાસા સિવાય.

જ્યારે ઘોડા ખેંચતા આગનો બંબો
એ વખતે કોટની અંદરની મોટા ભાગની વસ્તી અંગ્રેજોની. એમનાં રહેઠાણો આગમાં તારાજ થવાથી હવે રહેવું ક્યાં એ મોટો સવાલ. નવરોજી સોરાબજી શેઠનું કુટુંબ અંગ્રેજોની વહારે ધાયું. કોટ વિસ્તારમાંની તેમની હવેલી આગથી બચી ગઈ હતી. કુટુંબ બીજે રહેવા ગયું અને આખી હવેલી સરકારને સોંપી દીધી – અંગ્રેજોને રહેવા માટે. તો બેઘર બનેલા પારસીઓને રહેવાની વ્યવસ્થા શેઠ પેસ્તનજી બમનજી વાડિયાએ પરેલમાં આવેલા પોતાના બંગલા લાલબાગમાં અને તેના કંપાઉંડમાં તંબુઓ તાણીને કરી હતી. ૧૯મી ફેબ્રુઆરી ૧૮૦૩ના અંકમાં બોમ્બે કુરિયર અખબાર લખે છે : ‘આ બનાવથી મુંબઈના લોકોમાં જે ગભરાટ, દહેશત, અને ભય ફેલાયાં છે તેનું ખરેખરું વર્ણન કરવાનું અમારું ગજું નથી. હજારો ‘દેશીઓ’નાં ટોળેટોળાં પોતાની બચેલી ઘરવખરી માથે લઈને બહારકોટના વિસ્તારોમાં અહીંથી તહીં ભટકતા જોવા મળતા હતા. એમની આંખોમાં એક બાજુ ભય હતો તો બીજી બાજુ આંસુ. જેમના માથા પર છાપરું રહ્યું નહોતું એવા સેંકડો લોકોએ કાં રસ્તાની ધારે કે પછી ખુલ્લાં ખેતરોમાં રહેવાનું ઠરાવ્યું હતું.’ (હા, એ વખતે મુંબઈમાં ખેતરો પણ હતાં! યાદ કરો ખેત વાડી વિસ્તાર.)
પણ આ આગ લાગવાનું કારણ શું? લોકોમાં એ અંગે જાતજાતની અફવા ફેલાઈ હતી. પણ આગ પછી તરત જ, ૨૨મી ફેબ્રુઆરીએ બોમ્બે ગવર્નમેન્ટે લંડનમાં બેઠેલા કંપની સરકારના ડાયરેક્ટરોને જે અહેવાલ મોકલ્યો તેમાં લખ્યું હતું કે આ એક ગંભીર અકસ્માત જ હતો. તેની પાછળ બીજું કોઈ કારણ હતું એમ માની શકાય તેમ નથી. અલબત્ત, એક વખતે એવી બીક લાગતી હતી કે આગ આપણા લશ્કરના શસ્ત્રાગાર સુધી પહોંચશે તો ત્યાં સંઘરેલ દારૂગોળાનો ભયંકર વિસ્ફોટ થશે, અને તો આખો કોટ વિસ્તાર હતો ન હતો થઈ જશે. પણ સારે નસીબે પવનની દિશા બદલાઈ અને એ ભય ટળી ગયો. આગ શાંત થયા પછી પણ બે-ત્રણ દિવસ બળતો કાટમાળ દૂર કરવામાં ગયા. આ કામમાં આપણા સૈનિકોએ ઘણી બહાદુરી અને સમજદારીથી કામ કર્યું હતું. આ આગમાં સ્થાવર-જંગમ મિલકતને, સરકારી તેમ જ ખાનગી મિલકતને પુષ્કળ નુકસાન થયું છે. તેની સરખામણીમાં જાનની ખુવારી ઘણી ઓછી થઈ છે. જો કે તેનો ચોક્કસ આંકડો મેળવવાનો સરકારને હજી સમય મળ્યો નથી કારણ તેનું બધું ધ્યાન પરિસ્થિતિને થાળે પાડવા તરફ રોકાયું છે. જો કે પછી પણ આ આંકડા સરકારે ક્યારે ય જાહેર કર્યા નહિ.
અહેવાલમાં કહેવામાં આવેલું કે આ બનાવે બીજી એક ભયાનક શક્યતા તરફ પણ ધ્યાન દોર્યું છે. આપણા લશ્કરનું શસ્ત્રાગાર કિલ્લાની અંદર, પણ દરિયા કાંઠાથી ઘણું નજીક છે. દુશ્મનનું કોઈ વહાણ દરિયામાંથી જ એ ભાગ પર તોપના બે-ચાર ગોળા ફેંકે, તો પણ બધાં શસ્ત્રો અને દારૂગોળો ભયંકર વિસ્ફોટથી નાશ તો પામે જ, પણ પારાવાર તારાજી પણ ફેલાવે. અને એ તારાજી પછી શસ્ત્રાગાર પૂરતી મર્યાદિત ન રહે, આખા ફોર્ટ વિસ્તારને પણ ઝપેટમાં લઈ લે.
અને ગવર્નમેન્ટ ઓફ બોમ્બે માત્ર આ અહેવાલ મોકલીને, તેના જવાબની રાહ જોતી બેસી ન રહી. થોડા જ વખતમાં તેણે ‘ટાઉન કમિટી’ની નિમણૂંક કરી અને ભવિષ્યમાં આવો બનાવ ટાળવા માટે શું શું કરી શકાય તે અંગે સૂચનો આપવા તેને જણાવ્યું. આ કમિટીએ એક સૂચન કર્યું કે ફોર્ટ વિસ્તારનાં મકાનોની ઊંચાઈ પર મર્યાદા મૂકવી. બીજું, બે મકાનો વચ્ચે ચોક્કસ અંતર રાખવું. ત્રીજું, રહેણાંકનાં મકાનોમાં માલ-સામાન માટેનાં ગોદામને પરવાનગી ન આપવી. એ વખતે કોટ વિસ્તારની કુલ વસ્તી ૧૦,૮૦૦ હતી, તે ઘટાડવી. આ સૂચનને પરિણામે સરકારે બહારકોટનાં ગિરગામ, માંડવી, અને ભીંડી બજાર જેવા વિસ્તારોનો ઝડપી વિકાસ કરવાનું કામ હાથ ધર્યું. પણ સૌથી મોટું અને મહત્ત્વનું કામ સરકારે કર્યું તે બોમ્બે ફાયર બ્રિગેડની એ જ વરસે સ્થાપના કરવાનું. જો કે વરસો સુધી તે પોલીસના વડાના હાથ નીચેનું એક ખાતું હતું. એ વખતે તેની પાસે માત્ર ઘોડાથી ખેંચાતા આગ-બંબા હતા. છેક ૧૮૮૭ના એપ્રિલની પહેલી તારીખે બોમ્બે ફાયર બ્રિગેડ એક અલગ એકમ બનીને બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભાગ બન્યું.
એ વખતે મુંબઈમાં રોકડા ત્રણ છાપાં, ત્રણે અંગ્રેજી. અને તેમાંથી એકે છાપાના આ અરસાના અંકો મળવા અતિ દુર્લભ. બીજું, ૧૮૫૫ સુધી હિન્દુસ્તાનમાં કેમેરા અને ફોટોગ્રાફી અજાણ્યાં. એટલે એ આગના ફોટા તો ક્યાંથી મળે? હા, ચિત્રકારોએ દોરેલાં બે-પાંચ ચિત્રો મળે છે. ૧૯મી સદીની ઘણી બ્રિટિશ નવલકથામાં આગની ઘટનાનું નિરૂપણ જોવા મળે છે, અને ઘણી વાર તે પાત્રો અને પ્રસંગોને અણધાર્યો વળાંક આપે છે. આપણી ભાષામાં સુરતની આગ વિષે ઠીક ઠીક લખાયું છે. પણ મુંબઈની આ આગ વિષે ભાગ્યે જ કોઈએ લખ્યું છે. અને આજે તો આ આખી ઘટના આપણી સામૂહિક સ્મૃતિમાંથી પણ લોપ થઈ ગઈ છે. પણ ૧૮૦૩ના ફેબ્રુઆરીની ૧૭મીએ જે બન્યું એણે મુંબઈનો નકશો તો થોડો બદલ્યો જ, પણ લોકોના જીવનને પણ કેટલેક અંશે બદલી નાખ્યું. ઓમ, અગ્નયે સ્વાહા! આ આગ ન લાગી હોત તો? કદાચ સરકારની અને લોકોની આંખ ઊઘડી ન હોત.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 25 સપ્ટેમ્બર 2021
![]()


1936માં જન્મેલા સતીશ કુમારે નવ વર્ષની ઉંમરે જૈન સાધુ તરીકે દીક્ષા લઈ બ્રહ્મચર્ય અને અપરિગ્રહવ્રત લીધું હતું. આઠ વર્ષ પછી તેમણે સાધુજીવન છોડ્યું અને વિનોબાજીના આશ્રમમાં જઈને રહ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધી સાથે કામ કર્યું. આ બધા અનુભવોથી તેમને સામાજિક પરિવર્તન, અહિંસા અને અધ્યાત્મ વચ્ચેના સંબંધનો ખ્યાલ આવ્યો.
1901થી નોબેલ કમિટી દર વર્ષે નોબેલ પીસ પ્રાઈઝ આપે છે. મહાત્મા ગાંધીને શાંતિ માટેનું નોબેલ મળ્યું નહોતું તે માટે થોડા થોડા વખતે ચર્ચા થાય છે. ગાંધીઅભ્યાસી ઉર્વીશ કોઠારીએ એમના એક લેખમાં જણાવ્યું છે કે 1915માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું. એટલે 1914થી 1916 સુધી, અને બીજા વિશ્વયુદ્ધ વખતે 1939થી 1943 સુધી, કોઈને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ અપાયું નહીં. એ સિવાય ગાંધીજીના જીવનકાળ દરમિયાન 1923, 1924, 1928, અને 1932માં પણ નોબેલ પીસ પ્રાઇઝ જાહેર ન થયું. ગાંધીજીને શાંતિનું પ્રાઇઝ ન આપવા બદલ નોબેલ સમિતિએ ખુલાસા કરવા પડ્યા છે અને સમિતિના સભ્યોએ દિલગીરી પણ વ્યક્ત કરી છે. 1948માં ગાંધીજીને નોબેલ આપવા છ જગ્યાએથી ભલામણ થઈ હતી. ચર્ચાવિચારણાઓ પછી એ વખતનું શાંતિ ઈનામ ગાંધીજીના માનમાં કોઈને ન આપવું એવો નિર્ણય થયો હતો! 1989માં દલાઈ લામાને આ પારિતોષિક અપાયું, ત્યારે સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે 'એક રીતે એ મહાત્મા ગાંધીની સ્મૃતિને અંજલિ છે.'
કાગળ પર, સૂત્રોમાં, જાહેરાતોમાં વૃદ્ધો માટે ઘણી સન્માનજનક વાતો કહેવાતી હોય છે ને કેટલાંક ખરેખર સિનિયર સિટીઝન્સને માન આપે પણ છે. આજની પેઢી એમને ખભે ઊભી છે એવું પણ પ્રશંસાત્મક સૂરે કહેવાતું રહે છે ને એવા પણ છે જે ખભો આપવાની ફિરાકમાં હોય. ડોસાઓ બધા જ વખાણવા લાયક હોય છે એવું નથી, કેટલાક માથાના ફરેલા ને તામસી પણ હોય છે, પણ ઉંમરને કારણે ઘણા દયાજનક સ્થિતિમાં જીવતા હોય છે. એમાં પણ જેઓ એકલા અને આર્થિક આધાર વગરના હોય છે એ બીજાને તો ઠીક, પોતાને પણ બોજારૂપ જ લાગે છે. એવાઓને અનેક પ્રકારના ટેકાની જરૂર હોય છે, પણ એમના તરફ ધ્યાન ઓછું જ જાય છે.