કુલસુમ સયાની એ પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જે કોઈ બદલાની આશા વગર દેશને પોતાનું શ્રેષ્ઠ આપવામાં માનતી હતી. એ પેઢી, એ કુલસુમજી હવે આપણી વચ્ચે નથી. મહિલા દિન નિમિત્તે કુલસુમજીને યાદ કરીએ અને તેઓ કહેતાં એમ થોડી મિનિટો આપણાં વંચિત ભાઈઓબહેનોને આપીએ …

આજે જે સૂત્ર ખૂબ પ્રચલિત છે, ‘ઈચ વન ટીચ વન’ એ એક સ્ત્રી દ્વારા લોકપ્રિય થયું હતું એ બહુ ઓછા જાણે છે. એ સ્ત્રીનું નામ છે કુલસુમ સયાની. ભારતમાં પ્રૌઢ શિક્ષણનો પાયો કુલસુમજીએ નાખ્યો હતો. આ કુલસુમ સયાની એટલે વિખ્યાત રેડિયો ઉદ્દઘોષક અમીન સયાનીનાં મા. કુલસુમ એટલે સુંદર. કુલસુમજીના વ્યક્તિત્વમાં સામર્થ્ય અને સંનિષ્ઠાનું છલોછલ સૌંદર્ય હતું. મહિલા દિવસ નિમિત્તે જાણીએ આ પ્રતિભાના સૌંદર્યથી છલોછલ મહિલાને.
કુલસુમજીને આ કામ કરવાની પ્રેરણા આપનાર હતા ખુદ મહાત્મા ગાંધી. કુલસુમજીના પિતા ડૉ. રજબઅલી પટેલ ગાંધીજી અને મૌલાના આઝાદના અંગત ડૉક્ટર હતા. ડૉ. રજબઅલીને પાંચ સંતાનો હતાં. બધાં ખૂબ સુશિક્ષિત હતાં, સાચા દેશપ્રેમીઓ હતાં અને વૈશ્વિક માનવતાના સ્તરે વિચારનારાં અને જીવનારાં હતાં. ગાંધીજીની પ્રેરણાથી કુલસુમજીએ દેશસેવા માટે નિરક્ષરતા નિવારણનું ક્ષેત્ર પસંદ કર્યું. 18 વર્ષની ઉંમરે એમનાં લગ્ન ડૉ. જાનમહમ્મદ સાથે થયાં. ડૉ. જાનમહમ્મદનો પરિવાર મૂળ કચ્છનો પણ વર્ષોથી મુંબઈમાં વસી ગયેલો. એ સમયનું મુંબઈ દેશકાર્યો અને આંદોલનોથી ધબકતું હતું. ડૉ. જાનમહમ્મદના પિતા ઈબ્રાહીમભાઈ અને કાકા રહીમતુલ્લા પણ દેશસેવા અને સમાજસુધારણામાં ઊંડો રસ લેતા. રહીમતુલ્લા સયાની 1896માં કૉંગ્રેસના પ્રમુખ ચૂંટાયા હતા.
1921માં પ્રિન્સ ઑફ વૅલ્સનું આગમન થયું ત્યારે એના વિરોધમાં મુંબઈમાં અનેક દેખાવો થયા. અંગ્રેજ સરકાર મારપીટ અને ગોળીબારો પર ઊતરી આવી હતી. એ સમયને યાદ કરતાં કુલસુમબહેન કહેતાં, ‘ઘવાયેલાની સારવાર કરવા માટે એક ખાસ હૉસ્પિટલ ઊભી થઈ હતી. મારા પતિ જાનમહમ્મદ એમાં નીમાયેલા પ્રથમ ડૉક્ટર હતા. અમારી પાસે રેડક્રોસના બિલ્લાવાળી નાની સેક્સન મોટરકાર હતી. મારા પતિ કરફ્યુ મુકાયેલા વિસ્તારમાંથી પસાર થઈ હૉસ્પિટલમાં જાય. બન્ને તરફ સરકારી પોલિસ ઊભી હોય. જ્યાં સુધી એમનો પહોંચી ગયાનો ફોન ન આવે ત્યાં સુધી હું ફોનને ચોંટી રહું.’
મહાત્મા ગાંધી સાથે અને પરિવારમાં થતી વાતોથી કુલસુમજીને શિક્ષણનું મહત્ત્વ સમજાયું હતું. 1938માં એમણે 100 રૂપિયાની મૂડીથી બે શિક્ષકો રાખ્યા. પોતે મુસ્લિમ વિસ્તારોમાં ફરી વિદ્યાર્થિનીઓ શોધવા લાગ્યાં. એ વખતે મુસ્લિમ વિસ્તારમાં છોકરીઓને ભણાવવાનું કહેવું કેટલું અઘરું હશે એ કલ્પવું મુશ્કેલ નથી. કેટલી ય વાર તો લોકો એમના મોં પર ઘરનો દરવાજો બંધ કરી દેતા – છોકરીને ભણાવીએ? શા માટે?

આવા પ્રસંગે હતાશ થવાને બદલે, શિક્ષણ માટે કેટલું બધું કામ કરવાની જરૂર છે એની પ્રતીતિ તેમને થાય. તેઓ મુંબઈની અનેક સમિતિ સાથે જોડાયાં. કાઁગ્રેસે 1938માં સ્થપાયેલી પહેલી નેશનલ પ્લાનિંગ કમિટી સાથે તેઓ સંકળાયેલાં હતાં. તેમણે મુસ્લિમ કન્યાઓને ઘેર બેઠા શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરી. જો કે તેઓ માત્ર મુસ્લિમોના ઉત્કર્ષ માટે કામ નહોતાં કરતાં. 1944ની ઑલ ઈન્ડિયા વિમેન્સ કોન્ફરન્સનાં તેઓ સચિવ હતાં અને સ્ત્રીસશક્તિકરણનાં અનેક કામ કરતાં.
પણ તેમનું સૌથી ઉમદા કામ શિક્ષણક્ષેત્રે રહ્યું. માર્ચ 1970માં ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ની દિલ્હી આવૃત્તિએ નોંધ્યું છે કે ‘કુલસુમ સયાનીએ 1939માં ‘ધ બોમ્બે સિટી એજ્યુકેશન સોસાયટી’નો વહીવટ સંભાળ્યો. ત્રણ દાયકામાં સોસાયટીએ ઉર્દૂ, હિંદી, ગુજરાતી, મરાઠી અને તેલુગુ ભાષામાં પાંચ લાખ પ્રૌઢોને અક્ષરજ્ઞાન આપ્યું છે. કુલસુમ સયાનીના દિવસો શાળાઓ શરૂ કરવા અને વિદ્યાર્થીઓ શોધવામાં વીતે છે અને રાત પ્રૌઢશિક્ષણમાં.’ તે વખતની મોટા ભાગની શિક્ષણ પ્રવૃત્તિઓમાં કુલસુમજીની આગેવાની હતી અને ‘ઇચ વન ટીચ વન’ જેવી અનેક સ્કીમ એમણે શરૂ પણ કરેલી. શાળાઓમાં જઈ તેઓ વિદ્યાર્થીઓને મળતાં, સંબોધતાં અને કહેતાં કે રોજની માત્ર 15 મિનિટ આપો અને કોઈ એકને શીખવો. વડીલો પાસે બેસીને પૌરાણિક વાર્તાઓ સાંભળો – ગરીબ સ્ત્રીઓને કમાવા જવું પડે છે અને શ્રીમંત સ્ત્રીઓ સભાસમારંભોમાંથી ઊંચી નથી આવતી. બાળકોને આપણી સંસ્કૃતિ કોણ શીખવશે? તેઓ મોટેથી વાંચવાને મહત્ત્વ આપતાં. થોડા મિત્રો એકઠા થાય અને વારાફરતી મોટેથી વાંચે. નવશિક્ષિતોને આનાથી પ્રોત્સાહન અને આત્મવિશ્વાસ મળે છે એમ કહેતાં. અઠવાડિયે ત્રણચાર શાળાઓમાં જઈ તેઓ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતાં.
પુખ્ત વયના નવશિક્ષિતો માટે એમણે એક અખબાર ‘રાહબર’ શરૂ કર્યું હતું. આ અખબાર હિંદી, ઉર્દૂ અને ગુજરાતી ત્રણ લિપિમાં પ્રગટ થતું. તેની ભાષા હિંદી અને ઉર્દૂના સંયોજન સમી ‘હિંદુસ્તાની’ હતી. એ સમયે હિંદી અને ઉર્દૂ વચ્ચે ચડસાચડસી ચાલતી હતી. પોતપોતાની ઓળખ અને મહત્ત્વ સ્થાપિત કરવા હિંદીના સમર્થકો સંસ્કૃતપ્રચૂર હિંદીનો ઉપયોગ કરતા અને ઉર્દૂ ભાષા પર્શિયન અને અરેબિક શબ્દોથી પ્રચૂર હતી. આ બન્ને ભાષાભાષીઓ નિકટ આવે તે માટે ગાંધીજી હિંદી અને ઉર્દૂના સંયોજન હિંદુસ્તાની ભાષાનો પ્રસાર કરતા. ‘રાહબર’માં ‘હિંદુસ્તાની’ ભાષા પ્રયોજવી એવું સૂચન ગાંધીજીનું જ હતું. શહેર-ગામનાં લોકોથી માંડી જેલોમાં પુરાયેલા દેશપ્રેમીઓ સૌ ગાંધીજીની ‘હિંદુસ્તાની’માં રસ લેતા અને ‘રાહબર’ વાંચતા. 1945માં ગાંધીજીએ કુલસુમજી પર પત્ર લખેલો, ‘બેટી કુલસુમ, ‘રાહબર’નું હિંદી અને ઉર્દૂને એક કરવાનું મિશન મને ખૂબ ગમ્યું છે. એ સફળ થાઓ.’
સ્વતંત્રતા મળી ત્યારે ભાષાવિવાદ ફરી છેડાયો. 22 જુલાઈ 1947ના દિવસે ગાંધીજીએ કુલસુમજી પર પત્ર લખ્યો, ‘બંધારણસભા શું નક્કી કરશે તે ખબર પડતી નથી, મારો અને તારો આદર્શ તો બે લિપિમાં લખાયેલી હિંદુસ્તાની જ રહેશે.’
કુલસુમજીએ અનેક આંતરરાષ્ટ્રીય ફોરમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1953માં તેમણે પેરિસમાં ભરાયેલી યુનેસ્કો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ત્યાં આવેલા અનેક દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી નવા વિચારો મેળવ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને સુમેળ થાય તેવા તમામ પ્રયત્ન તેઓ કરતાં. વર્ષોનાં અનુભવો અને કામગીરીએ એમને એવી પ્રતિષ્ઠા આપી હતી કે બન્ને દેશોમાં એમના પ્રશંસકો હતા. બન્ને દેશોના નેતાઓને તેઓ મળી શકતાં.
પંડિત નહેરુ, બી.જી. ખેર, વી.કે. કૃષ્નમેનન, રફી અહમદ કિડવાઈ અને ઈન્દિરા ગાંધી જેવાં નેતાઓ ‘રાહબર’ના તંત્રી તરીકે કુલસુમજીને સન્માનથી જોતાં અને એમનાં ભારત-પાકિસ્તાન સુમેળના પ્રયાસોને પ્રોત્સાહિત કરતાં. જો કે પંડિત નહેરુ અને કિડવાઈના મૃત્યુ બાદ એમણે વધુ ધ્યાન હિંદુસ્તાની ભાષાના પ્રચાર પર આપ્યું હતું.
વીસ વર્ષ એમણે એકલે હાથે ‘રાહબર’ સંભાળ્યું. 1960માં વધતી ઉંમર અને અમલદારશાહીને કારણે ‘રાહબર’ બંધ પડ્યું, પણ તેમનું હિંદુસ્તાની પ્રચાર સભા અને અન્ય પ્રવૃત્તિઓ સાથેનું અનુસંધાન છેક સુધી કાયમ રહ્યું. નિરક્ષરતા નિવારણનું એમનું ધ્યેય કદી ન વીસર્યાં. 1960માં એમને પદ્મશ્રી અને 1969માં નહેરુ સાક્ષરતા અવૉર્ડ મળ્યાં. 1987ના મે મહિનામાં એમનું નિધન થયું.
મહાત્મા ગાંધી સાથે પિતા સંદર્ભે સંકળાયેલા હતાં, લગ્ન પછી પતિના સંબંધે પણ સંકળાયેલાં રહ્યા. બન્ને પરિવારો સુશિક્ષિત, રાષ્ટ્રીય આંદોલનોમાં સક્રિય અને સમાજસુધારણા, અંધશ્રદ્ધા નિર્મૂલન, કોમી એકતા માટે કામ કરતા. કુલસુમજીએ આ બધું શિક્ષણ દ્વારા કર્યું. સાથે રેંટિયો, જનજાગરણનાં કામો કર્યાં. મુસ્લિમ લીગના આગેવાનો એમનો વિરોધ કરતાં. એમને ડર હતો કે આમ તો વંચિત-ગરીબ મુસ્લિમો કૉંગ્રેસતરફી થઈ જશે. કુલસુમજીને રાજકારણ સ્પર્શતું નહીં. તેઓ સમાજને ઊંચો લાવવા, સ્ત્રીઓને સશક્ત બનાવવા અનેક પ્રયત્નો કરતાં. ‘ફાયરબ્રાન્ડ રિફૉર્મર’ શબ્દો વાપર્યા છે. 42ની ચળવળ વખતે અંડરગ્રાઉંડ થયેલાં અચ્યુત પટવર્ધન, અરુણા અસફઅલી કુલસુમજીના ઘરમાં આશ્રય લેતાં. પરિવાર અને દેશસેવાનું આબાદ સંતુલન જાળવ્યું. કુલસુમજીનું જીવન અનેક રીતે પ્રેરણાદાયક હતું. ત્રણ દીકરાઓના ઉછેર સાથે દેશસેવા કરવાનું સહેલું નહોતું પણ બન્ને ક્ષેત્રોને તેમણે સામર્થ્યપૂર્વક અને અથાક મહેનતથી સંભાળ્યાં. એમના બન્ને પુત્રો હમીદ અને અમીન પ્રખ્યાત રેડિયો ઉદ્દઘોષકો બન્યા અને મોટા હબીબ અમેરિકામાં સ્થિર થયા. અમીન પોતાની હિંદુસ્તાની ભાષા પરના પ્રભુત્વનું શ્રેય માતા કુલસુમ અને એમના ‘રાહબર’ને આપે છે.
કુલસુમજી એ પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જે કોઈ બદલાની આશા વગર દેશને પોતાનું શ્રેષ્ઠ આપવામાં માનતી હતી. એ પેઢી, એ કુલસુમજી હવે આપણી વચ્ચે નથી. આજની મહિલાઓ ખૂબ સશક્ત અને આત્મવિશ્વાસથી ભરેલી છે. મહિલા દિને કુલસુમજીને યાદ કરીએ અને તેઓ કહેતાં એમ થોડી મિનિટો આપણાં વંચિત ભાઈઓબહેનોને આપીએ …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 માર્ચ 2022
![]()


પંજાબમાં ભગવંત માન મુખ્ય મંત્રી થયા તે સાથે જ કામે લાગ્યા છે. 19 માર્ચે કેબિનેટની પહેલી મીટિંગ મળી એમાં જ 25,000 સરકારી નોકરીઓને સરકારે મંજૂરી આપી દીધી છે. આમાં 10,000 નોકરીઓ પંજાબ પોલીસના જુદા જુદા પદની હશે, તો 15,000 અન્ય વિભાગ, બોર્ડ અને નિગમોની હશે. એ સાથે જ 26 માર્ચે માન સરકારે બીજો મહત્ત્વનો નિર્ણય લીધો – વન વિધાયક, વન પેન્શન. મુખ્ય મંત્રી ભગવંત માને જાહેર કર્યું કે પૂર્વ ધારાસભ્યોને હવેથી એક જ કાર્યકાળ માટે પેન્શન મળશે. મતલબ કે પૂર્વ ધારાસભ્ય ગમે એટલી વખત ચૂંટણી જીત્યા હોય, તો પણ પેન્શન એક જ કાર્યકાળનું મળશે. આ બહુ સાહસિક અને આવકાર્ય નિર્ણય છે. બનતું હતું એવું કે જેટલી વખત ધારાસભ્યની ટર્મ પૂરી થાય તેટલી વખત પેન્શન આગલા પેન્શનમાં ઉમેરાતું જતું હતું. કોઈ ધારાસભ્ય પાંચ વખત જીતે ને પછી હારી જાય કે તેને ટિકિટ ન મળે તો પણ તેનું પેન્શન ચાલુ રહેતું ને જેટલી ટર્મ પૂરી કરીને નિવૃત્તિ લીધી હોય તેમાં, પહેલી ટર્મનાં પેન્શનમાં પછીની ટર્મનું પેન્શન ઉમેરાતું જતું ને એ રકમ લાખોમાં જતી. માનના જ કહેવા પ્રમાણે એ રકમ 5.25 લાખ સુધી જતી પણ જોવાઈ છે. ધારાસભ્યને એક કાર્યકાળ માટે 75,000 પેન્શન મળે છે. તે પછી આગળની દરેક ટર્મના 66 ટકા પેન્શનના મળે છે. શિરોમણી અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ 11 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એમણે જો કે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન લેવાની ના પાડી છે, એ આવકાર્ય બાબત છે. માનનું માનવું છે કે આ રીતે વધારાનાં પેન્શનનો બોજ સરકારી તિજોરી પર પડે છે ને એ ઓછો કરવા એક જ કાર્યકાળનું પેન્શન આપવાનું સરકારે નક્કી કર્યું છે. ફેમિલી પેન્શનમાં પણ કાપ મૂકવાનું સરકારે નક્કી કર્યું છે, કારણ એ રકમ પણ સરકારને વધારે લાગી છે.