કોઈ પણ જાતિ, ધર્મ, કોમનું અગાઉ ન હતું એટલું મહત્ત્વ હવે પ્રજામાં ઠસાવવામાં આવે છે. તમે હિન્દુ વિષે કૈં બોલો તો મુસ્લિમો સતર્ક થઈ જાય છે ને મુસ્લિમ વિષે કૈં કહો તો હિન્દુઓના કાન ઊભા થઈ જાય છે. હિન્દુઓમાં પણ બે વર્ગ પડી ગયા છે. એક વર્ગ ભા.જ.પ.ની અને ભા.જ.પી. સરકારની ભક્તિમાં માને છે ને બીજો, નીરક્ષીર ન્યાયે સરકારની ગતિવિધિ વિષે મત આપે છે. એ હિન્દુ જ છે, પણ સરકારની ભક્તિમાં રાચતો નથી, તો ભક્તોને તે નથી ગમતું ને સરકારની જાણ બહાર જ સરકારની વકીલાતનો એ વર્ગ આનંદ લે છે. એ કમનસીબી છે કે હિન્દુઓને એક કરવા જતાં, તેમાં જ ભાગ પડી ગયા જેવું થયું છે. આ વાતે સરકાર અજાણ હોય એવું લાગતું નથી. આ વર્ગો વચ્ચે જ હુંસાતુંસી એવી છે કે તે એક થઈને બીજા કોઈ ધર્મની ટક્કર લે એ સ્થિતિ બહુ બચતી નથી. આમ તો હિન્દુ-મુસ્લિમ પ્રજાઓ મોટે ભાગે સંપથી રહેતી આવી છે, પણ બંને કોમોમાં કેટલાંક તત્ત્વો એવાં છે જે આ પ્રજા નજીક આવે તે ઇચ્છતાં નથી. એમાં રાજકીય, સામાજિક, આર્થિક એવાં ઘણાં પરિબળો ભાગ ભજવે છે. કેટલાંક રાજકારણીઓ પણ નથી ઇચ્છતા કે આ બે કોમ સંપીને રહે. બાકી મહોરમ કે ગણેશોત્સવ જેવા તહેવારોમાં બંને કોમના લોકો આનંદ માણે છે તેની નવાઈ નથી.
બન્યું છે એવું કે 1992માં બાબરી ધ્વંસ પછી મુસ્લિમોનું જોર નરમ પડયું છે ને હિન્દુઓનો અવાજ બુલંદ થયો છે. કાઁગ્રેસનું શાસન રહ્યું ત્યાં સુધી લઘુમતીનો મહિમા થતો રહ્યો. એ પછી ગુજરાતમાં ભા.જ.પ. સત્તા પર આવ્યો ને કેન્દ્રમાં તો કાઁગ્રેસનું શાસન હતું જ, એટલે ગુજરાતનાં ભા.જ.પી. શાસન પર કરડી નજર પણ ફરતી રહી. ગુજરાતમાં સફળ નેતૃત્વની મથામણ તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી કરતા હતા તેમાં પણ કેન્દ્રની દખલ થતી જ રહેતી હતી. ખાસ તો લઘુમતીનો અવાજ ક્ષીણ થઈ જશે એવી ચિંતા વચ્ચે 27 ફેબ્રુઆરી, 2002ને રોજ ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના s-6 ડબ્બામાં કેટલાંક ઉપદ્રવીઓ દ્વારા આગ લગાડવામાં આવી ને અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકોના કોલસા પાડી દેવામાં આવ્યા. આગ લગાડનારા કોણ હતા તે કહેવાની જરૂર નથી. આ કોઈ ચોક્કસ ઘટનાની પ્રતિક્રિયા રૂપે જ હતું ને એમાં 59 જેટલા કાર સેવકોનો જીવતે જીવત અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવ્યો. મરનાર હિન્દુઓ હતા. દેખીતું છે કે આની પ્રતિક્રિયાઓ આવે ને આવી. અમદાવાદ અને ગોધરામાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં ને એમાં 1,044 લોકો મર્યાં. આમ પ્રતિક્રિયાઓ કોઈને કોઈ રૂપે આવતી જ રહી છે ને બંને કોમોને વેઠવાનું આવ્યું છે. વેઠવાનું વત્તે ઓછે અંશે બંને કોમોને થાય છે, પણ આ અટકે એવું બનતું નથી. પરિણામો વધુને વધુ ભયંકર હોય એ દરેક પ્રતિક્રિયામાં બનતું આવ્યું છે. આ હિંસા ઘટે એવું, નથી કોઈ કોમ ઇચ્છતી કે નથી સરકારો એ બાબતે ગંભીર જણાતી. એટલે ક્યાંક ને ક્યાંક લોહી સાથે છમકલાં થતાં રહે છે. આનો છેડો આવે એવું નજીકમાં તો જણાતું નથી. એમ લાગે છે કે આમાં શિક્ષણ કે સમજદારીની કોઈ ભૂમિકા લગભગ નથી. આ સ્થિતિ હોય ત્યાં પરિણામો કલ્પવાનું અઘરું નથી. એમાં પણ દોષ સામે પક્ષે જ દેખાય તો હિંસક ઉશ્કેરાટ જ કામ કરે એ સ્વયં સ્પષ્ટ છે. આ બધું શાંતિ માટે થાય છે ને પરિણામ અશાંતિમાં આવે છે. ગોધરાની ટ્રેનના ડબ્બાને આગ ચાંપવાની ઘટના પછી જે રમખાણ 2002માં થયાં એમાં લીમખેડાની ગર્ભવતી બિલ્કિસ બાનુ ગેંગ રેપનો ભોગ બની. તેની 3 વર્ષની દીકરીને મારી નાખવામાં આવી ને સાત લોકોની હત્યા પણ થઈ. બિલ્કિસ બાનુનો કેસ નોંધાયો ને અહીં કેસ ચલાવવાનું ઠીક ન લાગતાં રાજ્યની બહાર મહારાષ્ટ્રમાં કેસ ચાલ્યો. 11 જણાંને સામૂહિક બળાત્કાર બદલ આજીવન કેદની સજા થઈ. આરોપીઓ 2004થી જેલમાં હતા ને સુપ્રીમના આદેશ પર સી.બી.આઇ. કોર્ટે આરોપીઓને દોષી ઠરાવી 2008માં આજીવન કેદની સજા ફરમાવી. આમ તો બળાત્કારની સજામાં ફાંસી પણ થાય છે ને આજીવન કેદ પણ થાય છે ને પુરાવાને અભાવે આરોપી છૂટી પણ જાય છે. એ વખતે કોર્ટને લાગ્યું તે ખરું એટલું જ આશ્વાસન લેવાનું રહે. આ કેસમાં આરોપીઓને મુંબઈ અને નાસિકની જેલમાં 9 વર્ષ રખાયા ને તે પછી તેમને ગોધરાની જેલમાં ખસેડવામાં આવ્યા. ગુનેગારો સજા કાપી જ રહ્યા હતા, ત્યાં આઝાદીનું અમૃત પર્વ આવ્યું ને ગુજરાત સરકારે બિલ્કિસના તમામ આરોપીની સજા રેમિનેશન પોલિસી હેઠળ માફ કરી દીધી. આ વાતે કેદીઓ મુક્ત થતા એમને, તેમના સમર્થકો દ્વારા હારતોરા ને મીઠાઈથી પોંખવામાં આવ્યા, પણ જે બળાત્કારનો ભોગ બની હતી તે બિલ્કિસને તો આ સમાચારથી ફરી કોઈએ ચામડી ઉતરડી નાખી હોય તેવો દારુણ અનુભવ થયો. ગુનેગારોની સજા માફ કરી દેવામાં આવી એની નથી તો પીડિતને જાણ કરવામાં આવી કે નથી તો એના વકીલોને એ અંગે માહિતી આપવામાં આવી.
ગુનેગારોની ચાલચલગત સારી હોય તો રાષ્ટ્રીય ઉત્સવે ક્યારેક સજા માફ કરી દેવાતી હોય છે, પણ એમાં સાધારણ રીતે બળાત્કારીઓને બક્ષવામાં આવતા નથી. એમાં આ અપવાદ થયો. ભોગ બનનાર મુસ્લિમ મહિલા હતી તેથી સજા માફ થઈ એવી તો વાત નથી, પણ ગુનેગારો બ્રાહ્મણ હતા ને સંસ્કારી હતા તેથી સજા માફ થઈ એટલું ચોક્કસ છે. ચોક્કસ એટલે કે ભા.જ.પ.ના એમ.એલ.એ. સી.કે. રાઉલજીએ એવું કહ્યું છે કે રેપિસ્ટ સંસ્કારી અને બ્રાહ્મણ છે. ગોધરાના આ એમ.એલ.એ. જામીન માટે બનેલી પેનલનો ભાગ હતા ને આ પેનલે જ સર્વ સંમતિથી તમામ આરોપીઓને છોડી મૂકવાની ભલામણ પણ કરી હતી. એક આરોપીએ મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી ને સુપ્રીમે નિર્ણય રાજ્ય સરકાર પર છોડ્યો હતો.
સજા માફ થઈ ને સરકારે તે કરી એ બાબત કેટલાક પ્રશ્નો સર્જે છે. પેનલનો એમ.એલ.એ. સભ્ય એમ કહે છે કે રેપિસ્ટ બ્રાહ્મણ છે ને સંસ્કારી છે. બ્રાહ્મણ હોય ને સંસ્કારી હોય એ સમજી શકાય, પણ બધાંને તે એકસરખી રીતે લાગુ ન કરી શકાય. એક તરફ રેપિસ્ટ કહો ને તે સાથે જ બ્રાહ્મણ ને સંસ્કારી પણ કહો ત્યારે પક્ષપાત થતો હોવાનું લાગે. જો એ રેપિસ્ટ હોય તો તે સંત જ કેમ ન હોય, અપરાધી છે. એ સાથે જ દુષ્કર્મ જે સ્ત્રી સાથે થયું હોય, તે અમુક કોમ કે ધર્મની હોય, તો તેથી ઓછો આઘાત લાગે એવું નથી. જે સ્ત્રી એનો ભોગ બને છે તે તો અનેક પ્રકારની યાતનાઓ વેઠે જ છે ને તે અમુક કોમની હોય તો ઓછી પીડાય એવું અપવાદ રૂપે ય બનતું નથી. તેને માટે અનુકંપા જ હોય ને તેને ભોગ બનાવનાર કેવળ અપરાધી જ ગણાય. તેનો બચાવ ન હોય. બળાત્કારનું કારણ કોઈ પણ હોય ને તે કરનાર કોઈ પણ હોય, તે કેવળ ને કેવળ સજાને પાત્ર છે.
બિલ્કિસના અપરાધીઓને છોડી મૂકવામાં આવ્યા તે બાબતે પણ પ્રશ્નો છે. સરકાર પાસે એમને છોડી મૂકવાના કયાં કારણો છે તે બહાર આવ્યું નથી. એક વાત સ્પષ્ટ છે કે સી.બી.આઇ.ની કોર્ટે જે અન્ય આરોપીઓ હતા તેમનો દોષ ન જણાતાં તેમને ઓલરેડી છોડી જ મૂક્યા છે ને જે ગુનેગાર હતા તેમને જ સજા કરી છે. આ સજા ભોગવવાનું ચાલુ જ છે ત્યાં 75 વર્ષ સ્વતંત્રતાનાં પૂરાં થતાં સરકારને એકાએક તેમને છોડી મૂકવાનું મન થયું. આ મન 75મું ન આવ્યું હોત તો ન જ થયું હોત, કારણ અગાઉ 74મું પણ આવી ગયું હતું ને ત્યારે સરકારને આ અપરાધીઓની સજા માફ કરવાનું સૂઝ્યું નથી. સવાલ તો એ પણ છે કે સરકારનો અને પેનલનો આ નિર્ણય સ્વતંત્ર રીતે લેવાયેલો નિર્ણય છે કે કશાકથી પ્રેરિત છે? જો નહીં, તો આ સજા જ માફ કરવાનું કેમ સૂઝ્યું તેનાં કારણો સરકારે જણાવ્યાં નથી. ગુનેગાર નિર્દોષ હતા ને તેમને સજા થઈ એવું સરકારને લાગ્યું એટલે ગુનેગારોને છોડી મૂક્યા કે ગુનેગાર તો તેઓ હતા જ પણ, સરકારને એમ જ વહાલ ઉભરાયું ને તેમને છોડી મૂક્યા તે સમજાતું નથી. સવાલ એ છે કે જો તેઓ નિર્દોષ હતા તો તેમને આટલાં વર્ષ જેલમાં કેમ રખાયા ને તેમને છોડાવવા સરકારે 75મું પૂરું થાય ત્યાં સુધી રાહ કેમ જોવી પડી? ને જો તેઓ દોષિત જ હતા તો તેમને સજા ભોગવવામાંથી મુક્તિ આપવાનું કયું કારણ છે? એવું તો નથી ને કે ગુના થવા દેવા ને જો તે ચોક્કસ વર્ગના છે તો ગુનેગારોને બક્ષી દેવા? ગુના ભલે રહે, ગુનેગારો ન રાખવા, તેમને મુક્ત કરી દેવા. આ ગુનેગારોને એટલા માટે છોડવામાં આવ્યા કે તેઓ અમુક ચોક્કસ કોમના હતા? તેમણે અમુક ચોક્કસ કોમની મહિલાને ભોગ બનાવી હતી ને તેથી તેઓ છોડી મૂકવાને પાત્ર હતા, એવું? જો આમ જ ચાલશે તો અમુક ચોક્કસ કોમના અપરાધીઓને, અમુક ચોક્કસ કોમની વ્યક્તિ સાથે ગુનો થયો છે એટલે માફીને લાયક છે એવું પક્ષપાતી વલણ અન્ય સરકારો પણ અપનાવતી થશે ને એમાં સિદ્ધ એવું થશે કે કોર્ટ, કોમ, ધર્મ અને જાતિથી પર એવો ન્યાય કરે છે તો પણ, જો સરકારને યોગ્ય ન લાગે તો તે ન્યાયને ઉલટાવી દેશે. આ થવા દેવાનું છે? એટલું સ્પષ્ટ છે કે આ કિસ્સામાં ન્યાયમાં દખલ કરવા જેવું થયું છે ને તે બીજા કોઈએ નહીં, પણ સરકારે કર્યું છે. આ કેવળ શરમજનક અને અક્ષમ્ય છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ઑગસ્ટ 2022
![]()


આમ તો પુરાતત્વ વિદ્વાનોએ ગુજરાત-કચ્છમાં પાંચ હજાર વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના સ્થળેથી તેને શોધી કાઢી હતી, અને આજે પણ ભારતીય સમાજમાં ‘મોઢું મીઠું’ કરવાની પરંપરામાં તેનું ચલણ છે, પરંતુ ભારતીય રાજનીતિમાં રેવડીનો અલગ જ દબદબો છે. તાજેતરમાં વડા પ્રધાનના એક નિવેદન અને પછી સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ પછી રેવડી કલ્ચરને લઈને દેશમાં ચર્ચા છેડાઈ છે. રેવડી એટલે ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે મફત સેવા-સુવિધા આપવાની રાજકીય પક્ષોની ઘોષણાઓ. ભારતમાં રેવડીની વાત નવી નથી. નાની-મોટી, હાલની અને ભૂતકાળની તમામ પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે અલગ-અલગ રીતે રેવડીઓ વહેંચતી રહી છે, પરંતુ તાજેતરમાં “રેવડીઓ બંધ કરો”નું કોરસ ગાન શરૂ થવા પાછળ મુખ્ય બે “મહેમાન” છે; વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ.
આઝાદીનો અમૃત મહોત્સવ આવ્યો અને ગયો, એમાં ધ્વજ હજીયે ક્યાંક ક્યાંક દેખા દઇ દે છે અને 75 વર્ષ થયાં કે 76 વર્ષ થયાની ચર્ચાઓ પણ ચાલ્યા કરે છે. આ બધું સપાટી પરનું ‘નેરેટિવ’ છે. આઝાદીની લડતના કથાનકમાં પોતાનો સૂર રેલાવવાનો પ્રયાસ કરનારા રાજકીય તત્ત્વોની કોઇ ખોટ નથી. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ એટલે કે આર.એસ.એસ. વર્તમાન સમયમાં રાષ્ટ્રવાદને સૌથી સારી રીતે, બિનસાંપ્રદાયિક ઢબે સાકાર કરવાનો દાવો કરે છે. ગણતરીપૂર્વકની એવી કામગીરી ચાલી રહી છે જેમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિ તો એક જ છે એવું લોકોને ગળે ઉતારી શકાય. જો કે આર.એસ.એસ.ના આ દાવાને પડકારાનાઓની સંખ્યા પણ મોટી છે. વળી આ પડકારનારાઓ એ લોકો છે જે સ્વાતંત્ર્ય સંગ્રામને સારી પેઠે પચાવી ગયા છે, તેની વિગતોનો અભ્યાસ કરી ચૂક્યા છે. આ તરફ આર.એસ.એસ. સ્વતંત્રતા સંગ્રામને જમણેરી દૃષ્ટિકોણથી બતાડવાનો સતત પ્રયત્ન કર્યા કરે છે.
આર.એસ.એસ.ની સ્થાપના થઇ હતી 1925માં અને તેના સ્થાપક હતા કે.બી. હેડગેવાર. સ્થાપનાથી માંડીને 1947 સુધી આર.એસ.એસ.એ ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસે લૉન્ચ કરેલી એકેય ચળવળમાં ભાગ નહોતો લીધો, ન તો તેમણે અંગ્રેજો સામે પોતાની રીતે કોઇ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી. હેડગેવાર તો કાઁગ્રેસના સભ્ય પણ હતા, તે નાગપુરમાં મધ્યમ સ્તરીય નેતા હતા અને અસહકારની ચળવળમાં જેલમાં પણ ગયા હતા પણ ત્યારે તે કાઁગ્રેસના સભ્ય તરીકે ચળવળમાં ભાગીદાર બન્યા હતા. તેમણે સંઘને આખી ઘટનાથી દૂર રહેવાની સૂચના આપી હતી અને આમ આર.એસ.એસ.એ સત્યાગ્રહ કે અન્ય કોઇ ચળવળમાં ભાગ નહોતો લીધો. હેડગેવાર હિંદુ મહાસભાના નેતા બી.એસ. મૂંજેના કટ્ટર અનુયાયી હતા. મૂંજેની વિચારધારા પર ફાસીવાદનો ઊંડો પ્રભાવ હતો અને તે પોતે મુસોલિનીની મળ્યા હતા. વળી સાવરકરે 1923માં હિંદુત્વ નામનું જે પુસ્તક લખ્યું હતું તેનો પણ હેડગેવાર પર ઊંડો પ્રભાવ હતો અને એ પુસ્તક અનુસાર ભારત માત્ર હિંદુઓની ભૂમિ છે એવી વાત રજૂ કરાઇ હતી. એમ પણ ચર્ચાયું છે કે વ્યવસ્થાને મામલે હેડગેવારનું મગજ ચાલતું અને સાવરકરના વિચારોનો પ્રભાવ કામગીરી પર પડતો. સાવરકરના મોટાભાઇ એ પાંચ લોકોમાંના એક હતા જેમણે 1925માં નાગપુર ખાતે આર.એસ.એસ.ની સ્થાપનાની બેઠકમાં હાજરી આપી હતી. આમ તો એક સમયે હિંદુ મહાસભા અને આર.એસ.એસ. વચ્ચે પણ ખટરાગ હતો કારણ કે હિંદુ મહાસભાને રાજકીય સ્તરે પ્રવૃત્ત રહેવું હતું પણ સંઘને એમ નહોતું કરવું. સાવરકર રાજકીય રીતે પ્રવૃત્ત રહ્યા પણ હિંદુ મહાસભાના આ નેતાને અંદામાન અને યેરવડાના જેલમાંથી એ જ શરતે છોડાયા હતા કે તે અંગ્રેજો વિરુદ્ધ કઇ કામગીરી નહીં કરે. હિંદુ મહાસભાની લગામ હાથમાં આવતા તરત જ સાવરકરે બે રાષ્ટ્રની થિયરીનાં ગાણાં ગાવાનું શરૂ કરી દીધું હતું. મુસલમાન, ગાંધી અને કાઁગ્રેસ વિરોધી વિધાનો માટે સાવરકર જાણીતા હતા. સંઘ પર જેમના વિચારોના પ્રભાવ રહ્યો તેવા સાવરકરે બીજા વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજ વાઇસરોય સામે પ્રસ્તાવ મૂક્યો હતો કે કાઁગ્રેસને હટાવી મંત્રીમંડળ હિંદુ મહાસભાને આપી દેવા જોઇએ. આ પછી પણ ઘણું થયું પરંતુ આર.એસ.એસ.ની વાત પર પાછા વળીએ તો ભારત છોડો આંદોલનથી આર.એસ.એસ.એ અંતર રાખ્યું અને સંઘના યુવા સભ્યોને એમ પાનો ચઢાવ્યો કે તેમણે હજી મોટી લડાઈ લડવાની છે તો આમાં શક્તિ ન વેડફે.