અમદાવાદમાં 10 જાન્યુઆરીના મંગળવારે એક જ દિવસે બે રસપ્રદ પુસ્તકોના પ્રકાશનમાં હાજર રહેવાનો મોકો મળ્યો.
એક પુસ્તક તે સન્નિષ્ઠ પર્યાવરણ કર્મશીલ યાત્રી બક્ષીએ સંકલિત કરેલો કાવ્યસંગ્રહ ‘કાવ્યમાં કુદરત’.
બીજું પુસ્તક રસીલાબહેન કડીઆના લેખન-સંપાદન હેઠળ તૈયાર થયેલ ગ્રંથ ‘દસ્તાવેજ સંગ્રહ ભાગ-2’.
‘કાવ્યમાં કુદરત’ સંચયમાં નરસિંહ મહેતાથી અત્યારના સમય સુધીના કવિઓએ લખેલાં એકસો પ્રકૃતિ-કાવ્યો છે. તેમાં એમ નોંધવામાં આવ્યું છે કે ‘પ્રકૃતિ પરત્વે સંવેદના અને સમજણ વધે તે આશયથી અંગત પસંદગી અને શુદ્ધ નિસબત સાથે બિનવ્યાવસાયિક ધોરણે આ પ્રકાશન કરવામાં આવ્યું છે.’
સંગ્રહની રચનાઓની પસંદગી અંગે સંકલનકાર લખે છે : ‘આ એ કાવ્યો-ગીતો છે, જે પચાસ વર્ષ સુધી મારા પરિવારમાં જીવાયાં છે.’
પ્રકાશન કરનાર સંસ્થા ‘પર્યાવરણ સંત્રી ટ્રસ્ટ’ પોતાની ઓળખ ‘પ્રકૃતિ સમર્પિત સર્વ સમન્વયી મંચ’ તરીકે આપે છે. તે વીસ વર્ષથી વૃક્ષ ઉછેર, પર્યાવરણ જાગૃતિને લગતાં શૈક્ષણિક કાર્યક્રમો, ટકાઉ વિકાસના ખ્યાલ મુજબ પુન: ઉપયોગ (રિસાયકલ) અભિયાનો અને સામયિક તેમ જ સચિત્ર સામગ્રીનાં પ્રકાશન જેવી પ્રવૃત્તિઓ પ્રસિદ્ધિથી દૂર રહીને નિયમિત રીતે કરે છે.
પુસ્તકનું પ્રકાશન અમદાવાદ મૅનેજમેન્ટ એસોસિએશન ખાતે મંચની ‘બે દાયકાની સફર’ની ઉજવણીના કાર્યક્રમમાં કરવામાં આવ્યું. તેમાં વન્યજીવ ક્ષેત્રે આવેલા બદલાવો અને પડકારો વિશે જંગલખાતના અનુભવી નિષ્ણાતોએ વક્તવ્યો પણ આપ્યા.
આગામી આર્થિક વર્ષથી મંચ દ્વારા ત્રણ કૅટેગરિઝમાં વ્યક્તિઓ / સંસ્થાઓને આપવામાં આવનાર ‘પર્યાવરણ સંત્રી પુરસ્કાર’ યોજનાની જાહેરાત પણ કરવામાં આવી.
તેની નક્કર શરૂઆત તરીકે 2022-23ના વર્ષ માટેના જંગલ ખાતાના ફ્રન્ટલાઇન સંરક્ષણકર્મીઓની કૅટેગરી માટેનું પારિતોષિક સૂરત ફૉરેસ્ટ ડિવિઝનના માંડવી સાઉથ રેન્જના ફૉરેસ્ટ ઑફિસર હરેશ વાંદાને એનાયત કરવામાં આવ્યું. પ્રતિભાવ વ્યાખ્યાનમાં તેમણે પોતાના અનુભવો અને અપેક્ષાઓની રસપ્રદ વાત કરી.
*****

આત્મકથા સાહિત્ય સ્વરૂપ પર ગુજરાતીમાં સંભવત: પહેલો વિસ્તૃત અભ્યાસ કરનાર સંશોધક-લેખક રસીલાબહેન કડીઆના ‘દસ્તાવેજ સંગ્રહ, ભાગ 2’ પુસ્તકમાં ઇ.સ. 1585થી 1947ના સમયગાળાના 51 દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ ગ્રંથ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રકાશિત કર્યો છે.
પહેલો ભાગ ગુજરાત વિદ્યાસભાએ 2016માં બહાર પાડ્યો છે. તેમાં 1586થી 1858ના સમયગાળાના 31 દસ્તાવેજોનો સમાવેશ છે. આ ગ્રંથોમાં જે મહેનત અને ઝીણવટભર્યું, સાવ નોખું અને પડકારવાળું કામ થયું છે તેનો અંદાજ પુસ્તકનાં પાનાં ધીરજપૂર્વક ફેરવવાથી જ આવી શકે.
રસીલાબહેને દરેક દસ્તાવેજના ફિઝિકલ સ્વરૂપ (મટિરિયલ, કદ, રંગ, કાળના પ્રવાહમાં તેની હાલત, લીટીની સંખ્યા જેવી પુષ્કળ વિગતો આપી છે. સહિત તમામ વિગતો આપી છે. ઉપરાંત દસ્તાવેજના વિષયવસ્તુનું વિવરણ કરીને તેની ખાસિયતો સમજાવી છે. દરેક દસ્તાવેજનો મૂળ પાઠ દેવનાગરી લિપિમાં આપ્યો છે, એટલું જ નહીં, તેમાંના લગભગ દરેક શબ્દનો અર્થ પણ ગુજરાતીમાં આપ્યો છે.
પહેલાં ભાગમાં ‘દસ્તાવેજનું મહત્ત્વ’ નામનું પ્રકરણ છે તે અલગ પુસ્તિકા રૂપે બહાર પાડી શકાય તેવું છે. સંદર્ભસૂચિ, શબ્દકોશસૂચિ, દસ્તાવેજ શબ્દકોશ અને મૂળ દસ્તાવેજોનાં ચિત્રો પરિશિષ્ટ તરીકે મળે છે.
‘દસ્તાવેજ ભાગ-2’નો પ્રકાશન સમારંભ વિશ્વકોશમાં પ્રસન્ન રીતે સંપન્ન થયો. એકંદરે વિશેષાભ્યાસ (સ્પેશ્યલાઇઝેશન) પ્રકારના માત્ર સંશોધકોના મતલબના હોય તેવાં પુસ્તકના સમારંભમાં સભાગૃહ પૂરેપૂરું ભરાયેલું હતું; એટલું જ નહીં, ઉપસ્થિતો રસપૂર્વક વ્યાખ્યાનો સાંભળી રહ્યા હતા.
ચાર વક્તાઓએ રસીલાબહેનના અભ્યાસનિષ્ઠ સંશોધનની વાત કરી. તેમાંથી બે વક્તાઓએ ગ્રંથ અંગેની કેટલીક એવી રસપ્રદ બાબતો તારવી આપી કે પળવાર તો આ ગ્રંથ લલિત સાહિત્યનો હોવાનો ભાસ ઊભો થવા લાગ્યો !
રસીલાબહેને તેમના પ્રતિભાવમાં કહ્યું કે ‘આજે મહાનુભાવોએ મારા કામનું મૂલ્ય બતાવ્યું એનો મને સખત આનંદ છે.’ રસીલાબહેનના વક્તવ્યમાં અને વ્યક્તિત્વમાં મજાની હળવાશ હતી. ઘણાં સંશોધકોમાં જોવા મળે તેવા વિદ્વત્તાના બોજનો છાંટો ય ન હતો.
રંગીન રેશમી સાડી, એક બાજુએ ફૂલ સાથેનો મોકળો કેશકલાપ અને ચિત્તનો આનંદ વ્યક્ત કરતાં પ્રસન્ન વદને શોભતાં રસીલાબહેનને જોઈને અંદાજ ન આવે કે તેમણે આટલું બધું અઘરું અને મોટા ભાગના લોકો માટે નીરસ કામ પૂરું કર્યું છે. અને એ તો કલ્પી જ ન શકાય કે રસીલબહેન 81, રિપીટ 81 વર્ષનાં છે !
સમારંભનો આખરી હિસ્સો રસીલાબહેનની હળવાશને છાજે તેવો હતો. તેમાં નાટ્યકલાકાર અર્ચન ત્રિવેદી અને જિગીશા ત્રિવેદીએ ‘દસ્તાવેજની આપવીતી’ નામનું એક નાનું પણ ખૂબ ઇનૉવેટીવ નાટક રજૂ કર્યું.
તેનું લેખન, વિશ્વકોશના કાર્યક્રમમાં ગુજરાતી વિશ્વકોશનું ગૌરવ ગીત ગાનારા અને હાસ્યલેખન કરનાર અલ્પાબહેન શાહે બહુ સૂઝથી કર્યું હતું. દસ્તાવેજ જેવા વિષયને વેશભૂષા અને સહજ સંવાદો સાથે લોકો સુધી પહોંચાડવા માટેનો રંજક નાટ્યપ્રયોગ ખૂબ અભિનંદનીય હતો.
(તસ્વીર સૌજન્ય : ડૉ. હેમન્તકુમાર શાહ, કોલાજ સૌજન્ય : પાર્થ ત્રિવેદી)
પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાન :
•‘કાવ્યમાં કુદરત’: પર્યાવરણ સંત્રી ટ્રસ્ટ, મો. 9428101048, – વૉટસએપ 9499554028. કિ. રૂ.150/-
•’દસ્તાવેજ સંગ્રહ ભાગ-2 : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ 1, મો. 09227055777
– ગૂર્જર સાહિત્ય પ્રકાશન, 102, લૅન્ડમાર્ક બિલ્ડિન્ગ, સીમા હૉલ સામે, પ્રહ્લાદનગર, અમદાવાદ 15, મો. 9825268759.
– ‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઈન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ 9, ફોન : 079-26587949, કિં.રૂ. 1300/-
14 જાન્યુઆરી 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


ઔપચારિક વાત પછી તરત વાલજીભાઈએ ત્યાં વેનકુવરમાં એમના ઘરે, એમની સાથે એક સોફા પર બેઠેલા ૧૦૨ વર્ષીય પંજાબી દલિતબંધુ-વડીલ ખુશીરામ સાથેની તસવીર મને વોટ્સએપ કરીને, ખુશીરામ અને એમના આ આત્મકથનાત્મક પુસ્તક ‘From Servitude To Freedom (Autobiographical & Philosophical Reflaction)’નો સંદર્ભ આપીને, અહીં ફુરસદના સમયમાં તેના પર લખવા મને આગ્રહ કર્યો.
આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે મુસલમાનોને લઈને જે નિવેદન આપ્યું છે તેણે વિવાદ જગાવ્યો છે ને ફરી એક વખત હિન્દુ-મુસ્લિમ સંદર્ભે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. એ ઉપરાંત હિન્દુઓ, મુસ્લિમ વિરોધી ને મુસ્લિમો, હિન્દુ વિરોધી ચર્ચાઓમાં ઘરથી લઈને સ્મશાન સુધી જોડાતાં રહે છે ને પોતે કૈં કરી શકતા હોય કે ન કરી શકતા હોય, આગમાં ઘી તો ઉમેરાતું જ રહે છે. આ પાછાં એમ પણ કહેતાં રહે છે કે અમે તો કૈં કરતા નથી, એ તો સામેવાળા જ એવું કરે છે. આ સામેવાળા હિન્દુ છે, તો મુસ્લિમો પણ છે. કોણ જાણે કેમ પણ આ દેશમાંથી કટ્ટરતા જતી નથી. એક સમયે મુસ્લિમો કટ્ટર ગણાતા હતા, હવે હિન્દુઓ એ ભૂમિકામાં છે. કરુણતા એ છે કે કોઈ પોતાનો દોષ જોવા રાજી નથી. દોષ તો સામે જ દેખાય છે. મોહન ભાગવતે જે કહ્યું તે જાણવા જેવું છે. તેમણે એમ કહ્યું કે મુસ્લિમોને આ દેશમાં કોઇ ખતરો નથી, પણ તેમણે ‘સર્વોચ્ચ અને શ્રેષ્ઠ’ હોવાનો દાવો જતો કરવો જોઈએ. અમે મહાન જાતિના છીએ કે અમે દેશ પર શાસન કર્યું છે કે અમારો માર્ગ જ સાચો છે કે અમે જુદા છીએ કે અમે સાથે ન રહી શકીએ – જેવી માન્યતાઓ છોડવી જોઈએ ને આવી માન્યતા હિન્દુની હોય કે સામ્યવાદીની હોય તો તેમણે પણ તે છોડવી જોઈએ. અમે શાસન કર્યું ને ફરી શાસન કરીશું – જેવી સર્વોપરિ હોવાની માન્યતાઓ બદલાવી જોઈએ, બાકી મુસ્લિમોએ ડરવા જેવું નથી. ભાગવતે હજાર વર્ષથી હિન્દુ સમાજ લડતો રહ્યો છે તે વાતની નોંધ લઈને તે આક્રમક નથી તેમ પણ ઉમેર્યું.