પ્રમુખીય

પ્રકાશ ન. શાહ
મૂળે તો હાઈસ્કૂલનો વિદ્યાર્થી, પછી અધૂરે અભ્યાસે રાષ્ટ્રયુદ્ધમાં ઊતરેલો, જેલનું પંખીડું, જેલમાં વાંચ્યું હશે બીજાઓ કરતાં ઓછું, પણ પચાવ્યું હશે વધુ; નવા જ અગ્નિરસમાં એણે કલમ બોળેલ છે. લોકસેવાર્થી બનીને લોકજીવનમાં ઘૂમનારો, સાહિત્યનો મર્મગામી છતાં એકલી કલમનો ઉપાસી બનીને ‘ડિસ્પેપ્સિયા’ને નોતરવા ન ઇચ્છનાર, શારીરિક કરતાં ય માનસિક ‘ડિસ્પેપ્સિયા’થી વધુ સાવધાન – એ છે સાહિત્યનો પાકો પરિવ્રાજક, દેખાવે પણ સાધુ.
સંસાર-વ્યવહારમાં પુત્ર તરીકે આવી પડતી આર્થિક જવાબદારીને પહોંચી વળવું હોય ત્યારે જ એ પુસ્તક લખવા બેસે છે. આઠેક દિવસની અવિરત બેઠકે એ ૩૦૦ પાનાંની સારી એવી વાર્તા આપી શકે છે. તે પછી પાછો એ ચોરના માથાની જેમ ભટકવા ચાલે છે ને સર્જનનો મધપૂડો એના મનમાં ને મનમાં વિચાર-મધુએ પુરાતો રહે છે. આવા લાપરવાહ સાહિત્ય-બાદશાહો મને ગમે છે.
“એક વાત કહેવી હતી,” ઉઘાડા આકાશ નીચે એકાદશીના ચંદ્રોદયમાં ચત્તાપાટ પડીને એ શરૂ કરે છે – જાણે એ એક જ વાત કહી નાખવાની ઊર્મિ તેને અહીં લઈ આવી હતી. એ કહે છે પાળિયાદમાં પથરાયેલા વાઘરીઓના કૂબાની કથા : “વાઘરીઓનાં ટોળાં ધર્માદાનાં દાણા ને લૂગડાં, સાધન ને સામગ્રી લેવા આવતાં, વીંછીની પેઠે વળગતાં, કૂડિયાં ને કપટી આ વાઘરી-ટોળાંને જોઈને પાળિયાદના ભદ્ર લોકો અમને ચેતવતા હતા, કે ‘ભાઈ, આ લોકોને દેશો તો મહાપાપ લાગશે; એ તો ઢોર મારે છે, ગાયો મારે છે, ખેતરો લૂંટે છે, ચોરીઓ કરે છે, ખૂનો પણ કરે છે. જુઓ જઈ ફોજદાર સાહેબના દફતરમાંઃ જીવહિંસાના એ આચનારા વાઘરીઓ તાલેવાન છે, ઘેરે ગ્રામોફોન રાખે છે, આપશો ના એને, પાપ લાગશે’ વગેરે.
“સાંભળી સાંભળીને મેં ગઈ કાલે એ ચેતવનારને કહ્યું: ‘ચાલો, એ વાઘરી લોકોના પડાવ તો જોઈએ.’ અમે તેમના કૂબાઓમાં ગયા. ચાંદનીમાં જોયેલું એ દૃશ્ય છે: જાહોજલાલી તો ત્યાં નહોતી છતાં એ લોકોની લુચ્ચાઈ, દોંગાઈ, ઢોંગ વગેરે બધું જ પ્રત્યક્ષ હતું. જોતાં જોતાં અમે એક જુદા પડેલા કૂબા તરફ ગયા, ત્યાં દીઠેલ દૃશ્યે મારા પર ન ભૂંસાય તેવી છાપ પાડી છે.
“બે જ વર્ષની એક નાની છોકરીઃ ચાર વર્ષનો એક છોકરોઃ એક આઠ વર્ષની છોકરી ને અગિયાર વર્ષનો એક સૌથી મોટો છોકરો: ચાર બાળકોઃ એકાકીઃ મોડી રાતે ઉઘાડા આકાશમાં બેઠાં છે; તેમણે ચીંથરાં પહેરેલ છે, તે સિવાય તેમની પાસે કોઈ ઓઢણ કે ઢાંકણ નથી. ચાર વચ્ચે પાથરણું એક છેઃ એક સાદડી – જે બપોરે આ છોકરો ધર્માદાની ઑફિસેથી રગરગીને લઈ ગયેલો.
“મેં પૂછપરછ કરી તેમાંથી જાણવા મળ્યું કે મોટો 11 વર્ષનો છોકરો તો કોઈક પિત્રાઈ છે, સગો ભાઈ નથી. આ ત્રણેયને સાચવવા સાથે રહે છે. ત્રણ છોકરાંનો બાપ મરી ગયો છે. મા મૂકીને ભાગી ગઈ છે. આઠ વર્ષની છોકરી માગીભીખીને અથવા મહેનત-મજૂરી કરીને ભાંડુઓને ગુજારો પૂરે છે. સવારથી રાત સુધી એ રોટલો ૨ળવા જાય છે ત્યારે નાનામાં નાની બે વર્ષની છોકરીને એ કૂબાની અંદર એકલી બેસારી જાય છે. એને કોઈ પડોશી કૂબાવાળા એ બાજુ નીકળે તો વળી કાંઈક ખાવાનું કે પાણી આપી જાય; નહિતર એ બાળક એકાકી ને અન્નજળવિહોણું જ આઠ વર્ષની બહેન આવતાં સુધી બેઠું રહે.
‘આજે ખાવાનું મળ્યું નથી. અમે બે મોટેરાંએ એક પ્યાલો ચા લઈને બે વચ્ચે પીધેલ છે, તે ઉપર રાત કાઢશું.’ ”
આટલું દૃશ્ય જોઈને આવેલા આ સાહિત્યના પરિવ્રાજકે મારી પાસે આંસુ ન રેલાવ્યાં. એના મોંમાંથી હાહાકાર કે દયાપ્રે૨ક ઉદ્ગાર પણ નહોતો નીકળ્યો. એણે તો એની એ બાદશાહી છટાથી સૂતે સૂતે મને જે કહેવા માંડ્યું તે આ છેઃ
“એકાદ મહિનો આ લોકોના પડાવોમાં રહી શકાય તો તેમના વિશે એક એવી કથા આપી શકાય કે જેમાં આ વાઘરીઓ જેવા છે તેવા જ ચિતરાયઃ તેઓ ભલે ચોર, લૂંટારા, હિંસકો ને ખૂનીઓ આલેખાય. એ આલેખનમાં તેમનો જ ભાષાવ્યવહાર, જીવનવ્યવહાર, સામુદાયિક સંસાર-વ્યવહાર, જરીકે પોકળ કરુણતા કે દયાર્દ્રતાથી ખરડાયા વગર રજૂ થાય. એ ચોર-લૂંટારા ભલે ચિતરાય, પણ એમાંથી ન રહી જવું જોઈએ પેલી આઠ વર્ષની છોકરીવાળું તત્ત્વ : આઠ વરસની છોકરી! – વિચાર તો કરો – આઠ વરસની છોકરી એક કુટુંબની રોટી ૨ળનાર બની છે. આપણા ભદ્રલોકના સંસારની સાથે એ એક જ તત્ત્વ સરખામણીમાં મૂકો.
“મેં એ દૃશ્ય ભદ્ર લોકોની વારંવારની ચેતવણી પછી જોયું, તેમ રાતની ચાંદનીમાં જોયું; એટલે એણે મારા મનમાં ઊંડું સ્થાન લીધું છે. એ જીવનનો પૂરેપૂરો અભ્યાસ કરી એમાંથી એક કથા સર્જાવાય, જેમાં એક ‘રવિશંકર મહારાજ’ના પાત્રને ગૂંથી દેવાય. એ કામ તમે કે હું જો ન કરી શકીએ તો આંગળી ચીંધાડીને અન્યને સૂચવવા જેવું છે.”
મેં જવાબ વાળ્યો: “મને બીક એક જ છે કે આપણે એ આલેખનમાંથી કાં તો જૂઠાં આંસુ વહાવશું, કાં એક યા બીજા વાદનું પ્રતિપાદન કરવામાં એ વા૫૨શું, અથવા કલાના મરોડોમાં દોરવાઈ જઈ એને કલ્પનાના પોશાકો પહેરાવશું.”
“એ જ દુઃખ છે.” એણે કહ્યું: “નંદલાલબાબુએ એક વાર કહેલું કે નેવું ટકા જીવનનો અનુભવ જોઈએ ને દસ જ ટકા કલ્પના જોઈએ. આપણા કલાકારો ને સાહિત્યકારો નેવું ટકા કલ્પના અને દસ ટકા અનુભવનો કુમેળ કરે છે એટલે જ જીવનમાં જે બિલકુલ ન હોય એવા મરોડો એની કૃતિઓમાં આવી પડે છે.”
“આપણી પાસે આપણો ઇતિહાસ નથી, ઇતિહાસ નથી” એમ આપણે ફૂટ્યા કરીએ છીએ. એક જણ આપણને કહે છે કે આપણી પાસે ઇતિહાસ નથી. બીજા હજાર જણ એ પોપટ-વાણી ગોખે છે કે, હા ભાઈ, આપણે કેટલા બધા કંગાલ ને પ્રમાદી! આપણી પાસે ઇતિહાસ નથી!
“આ પણ એક કેવું તૂત ચાલ્યું છે તેનો ખયાલ મને હમણાં હું સ્વ. રમેશચંદ્ર દત્તનું ‘એન્શ્યન્ટ ઇંડિયા’ વાંચી રહેલ છું તેમાંથી મળ્યો. સ્વ. દત્ત એના પ્રવેશકમાં જ ‘આપણી પાસે ઇતિહાસ નથી’વાળી પોપટ-વાણીનો એક જ જવાબ આપે છે. અલ્યા ભાઈ, રાજાઓના વંશોનો, તેમનાં જન્મ, રાજ્યારોહણ અને મૃત્યુની સાલવારીનો કે એવો ઇતિહાસ કદાચ આપણી પાસે ઓછો હશે, પણ આપણાં આ રામાયણ મહાભારત વગેરે મહાકાવ્યો, આપણાં વેદો-પુરાણો ને આપણી આ ઘરઘરને ઉંબરે વહેતી લોકગાથાઓ, લોકકવિતાઓ ને લોકકથાઓ એ ઇતિહાસ નથી ત્યારે શું છે? સાચો ઇતિહાસ તો એ છે, કેમ કે એ એકાદ રાજ્યવ્યક્તિની પોકળ સાલવારીને નહિ, પણ આપણા આખા રાષ્ટ્રજીવનના વિકાસની ભૂમિકાઓની બારીકમાં બારીક ખૂબીઓ ને ખામીઓ બંનેથી ભરેલા પ્રામાણિક ને નિખાલસ ઇતિહાસને સંઘરે છે.’’
‘રઝળુ’ના આ કથનમાં રમેશચંદ્ર દત્તનો હવાલો હતો. પુરાતનથી ય પુરાતન, મધ્યયુગી અને તેથી યે વધુ નજીકના અર્વાચીન યુગના ગયા સૈકાના છેક છેલ્લા બોલાયેલા બોલ – આ સર્વમાં જે જે પડ્યું છે તેનો હું પ્રેમી, એટલે આ મુદ્દો મને બહુ જોરદાર લાગ્યો. ‘રઝળુ’ના એ થોડા જ શબ્દોએ મારી સામે ઇતિહાસ-સંશોધનનો દાવો કરતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના કેટલાક નિબંધોની સ્મૃતિ ખડી કરી. મને લાગ્યું કે ‘સંશોધન’નું તત્ત્વ ભયાનક વિડંબનાની પરિસીમા પર પહોંચી ગયું છે. ‘સેલ્ફ-એવિડન્ટ’, સ્વયંપ્રતીત વાતોને પુરવાર કરવા માટે પણ કહેવાતાં ‘સંશોધનો’નો માર્ગ લેનારાઓ પંડિતો (“સ્કૉલર્સ”) ઠરે છે. એ પંડિતોની થીસિસ’માં પ્રજાજીવનના પ્રાણનો એકેય ધબકાર પેસી ન જાય, મૃતદેહનાં જ હાડકાં-પાંસળાં બતાવીને સંસ્કૃતિના ઇતિહાસનો હિસાબ મુકાય – એ બનેલ છે આજની ‘સ્કૉલરશિપ’ની કમબખ્ત હાલત.
છેલ્લી વાત મને આટલી કહીને આ બાદશાહ પાછો ગયોઃ
“આજે આપણા જુવાનો જે તે કચરાપટ્ટી વાંચે છે. નવીનતાનો એ વ્યામોહ છૂપા ઝે૨ જેવો છે. ૨મેશચંદ્ર દત્તનાં લખાણોનો તેજસ્વી વારસો કેટલી સહેલાઈથી ભુલાયો છે! શા માટે આપણા વિદ્યાભ્યાસીઓ રમેશચંદ્ર તરફ વળતા નથી? રમેશચંદ્રના ઇતિહાસને ‘ગઈ કાલનો’ ગણી ફેંકી દેનારાં આપણાં વિદ્યાલયો વિદ્યાને જ થાપ ખવરાવશે.”
“જેમની પાસે જીવન છે તેમની પાસે જીભ નથી, ને જીભવાળાઓ પાસે જીવન નથી.” એ શબ્દો પાળિયાદથી આવેલા એક પરિવ્રાજક સાહિત્યકારે લજ્જતથી કહ્યા.
“જીભવાળાઓ એટલે આપણે ભાષાસામર્થ્ય ને કલાલેખનની શક્તિ ધરાવતા કલમબાજો, ને જીવનવાળાઓ એટલે પેલાં વાઘરી ભાઈ–બહેનોનું કુટુંબ-મંડળ. જીભવાળાઓ જીવનની વચ્ચે જતા નથી એટલે કલમો અને પીંછીઓ જૂઠી રેખાઓ ને જૂઠા મરોડો ખેંચ્યે જાય છે.”
એમ કહીને એણે સાચી રેખાઓ જેમાં ખેંચાયેલી છે એવી ધૂમકેતુની ‘શાંત તેજ’- વાળી વાત અને પેલા ઊંટ ઉપર પોતાની ધર્મબહેનની કથા કહેતા કોળી સાંઢણી-સવારની વાત અત્યંત પ્રેમપૂર્વક સંભારી. રેલગાડીના ચાલતા ડબ્બાના એક ખાનામાં ઝોલાં ખાતે ખાતે વાતો કરતું ભંગી-કુટુંબ ધૂમકેતુએ ‘શાંત તેજ’માં બતાવ્યું છે. એ કુટુંબીઓની વચ્ચે, પ્રત્યેકના ટોણાને ચૂપચાપ ઝીલતી, લાજના ઘૂમટામાં બેઠેલી વહુ ‘શાંત તેજ’ની જ્યોતિર્મય મૂર્તિ છે. સૌ કહે છે, કે ‘આ નભાઈ વઉ તો ભૂલકણી જ રહી. આ વઉ તો બોતડ જ રહી’. આખરે એ વહુ જ સર્વની જીવનદાત્રી નીકળે છે. એવી જ આબાદ તરેહનું ચિત્ર પેલી વાઘરણ છોકરીનું કોણ આપી શકે?
જીવનનો સંપર્ક સાધવા જનારા જીભવાળાઓ.
એને માટે રઝળપાટનો ‘સ્પિરિટ’ જોઈએ. ધૂમકેતુના જીવનમાં રઝળપાટનો જ્યાં સુધી મોકળો પટ હતો ત્યાં સુધી એણે ઊંટની પીઠ પરથી પણ વાર્તા ઉતારી. પણ દરેક માણસ જીવનભર તો થોડો જ રઝળપાટ કરી શકે છે? ને રઝળપાટ બંધ પડી ગયા પછી પણ જીવન ક્યાં આપણા ઉંબરમાં છોળો નાખતું મટી જાય છે? મતલબની વાત તો એ છોળો નાખતા જીવન સાથેનો સંપર્ક પકડવાની છે.
આવી આવી વાતો કરીને એ ‘રઝળુ’એ મોડી રાતે પોતાની કાળી નાની ટ્રંક, કેસરી કામળી ને થેલી ઉપાડ્યાં. સ્ટેશને જઈને એ સૂઈ રહ્યો હશે.
[ઑગસ્ટ ૧૯૩૮ની કલમ-કિતાબ નોંધોમાંથી સંકલિત સામગ્રી અહીં ‘પરિભ્રમણ (નવસંસ્કરણ) ખંડ ૧’ના પૃ. ૧૬૭-૧૬૮, ૫૪૨-૫૪૫ પરથી સાભાર ઉતારી છે. ઝવેરચંદ મેઘાણી સરખા વરિષ્ઠ લેખકે, ત્યારે હજી તો ઊગીને ઊભા થતા ચોવીસેકના તરુણ સ્વાતંત્ર્યસૈનિક અને લેખક મનુભાઈ પંચોળીની આ અક્ષરછબી ક્યાં ય એમનું નામ લીધા વિના આલેખી છે. (પાળિયાદના ધરતીકંપના રાહતકાર્યમાંથી પાછા ફરતાં એ મેઘાણી કને રોકાયેલ હશે.) હજુ ‘દીપનિર્વાણ’ નવલકથા આવી નથી અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નાં ઓસાણ સરખાંયે નથી ત્યારે આગળ ચાલતાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતને સ્વાયત્ત સાહિત્ય અકાદમી સંપડાવનાર દર્શકનું આ વિશેષ ચિત્ર એમના એકસો દસમા વર્ષપ્રવેશ(૧૫-૧૦-૨૦૨૩)ના ઉપલક્ષ્યમાં રજૂ કરવા સારુ અહીં પરંપરાગત પ્રમુખીયથી પરહેજ કરવું મુનાસીબ માન્યું છે. ચમત્કૃતિના પ્રલોભનવશ મથાળે લેખકનામ ગોપવ્યું છે તે દરગુજર કરવા વિનંતી. − પ્ર. ન. શા.]
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “પરબ”; ઑક્ટોબર 2023
![]()


ભલે ગમે તે કારણસર, પણ સરસ્વતીચંદ્રમાં ગોવર્ધનરામ વિધવાવિવાહનો પુરસ્કાર કરતા નથી. એક માન્યતા એવી પણ છે કે આપણી નવલકથામાં વિધવાવિવાહ પહેલી વાર કરાવનાર કનૈયાલાલ મુનશી હતા. પણ હકીકતમાં ગોવર્ધનરામની નવલકથા સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ ૧૮૮૭માં પ્રગટ થયો તે પહેલાં ૧૮૮૧માં પ્રગટ થયેલી એક નવલકથામાં વિધવાવિવાહનો પુરસ્કાર કરવાનું સાહસ થયું હતું. એ નવલકથા તે ‘કમળા કુમારી’ અને તેના લેખક તે ભવાનીશંકર નરસિંહરાવ કવિ. જન્મ ૧૮૪૮માં. લીમડીના દેશી રાજ્યના વતની. અભ્યાસ અંગ્રેજી બે ધોરણ સુધીનો. ૧૯મી સદીના પ્રખર સમાજ સુધારક અને અગ્રણી પત્રકાર કરસનદાસ મૂળજી ૧૮૬૭માં એડમિનિસ્ટ્રેટર તરીકે લીમડી ગયા ત્યારે ભવાનીશંકર તેમના અનુયાયી બની રહ્યા. કરસનદાસના પ્રભાવ નીચે જ તેમણે સમાજ સુધારા વિષે લખવા માંડ્યું. તેમણે ચાર સામયિક જુદે જુદે વખતે શરૂ કરીને ચલાવેલાં : ૧૮૮૨માં ‘ગુજરાત માસિક પત્ર’, ૧૮૮૩માં ‘ત્રિમાસિક ટીકાકાર’, ૧૮૮૮માં ‘કાઠિયાવાડી’, અને ૧૯૦૦માં ‘વિદ્યાવિનોદ’. આ ઉપરાંત તેઓ જુદાં જુદાં અખબારો અને સામયિકોમાં નિયમિત રીતે લખતા. તેમનું અવસાન ૧૯૨૧ના મે મહિનાની ત્રીજી તારીખે લીમડીમાં થયું હતું.

