જેમ ભારતના રાજકીય ઇતિહાસમાં ૧૮૫૭ની સાલ સીમાચિહ્ન રૂપ છે, તેમ ભારતીય સાહિત્યના ઇતિહાસમાં પણ ૧૮૫૭ની સાલ સીમાચિહ્ન રૂપ છે. કારણ, ભારતીય સાહિત્યની પહેલી નવલકથા ૧૮૫૭માં પ્રગટ થઈ હતી. આ નવલકથા તે બાબા પદમનજીની મરાઠી નવલકથા યમુનાપર્યટણ. આ નવલકથા પ્રગટ થઈ તે જ અરસામાં દેશના સામા કાંઠે, ટેકચંદ ઠાકુર ઉર્ફે પીયારીચંદ મિત્રા બંગાળી ભાષાની પહેલી નવલકથા આલા ઘરેર દુલાલ ‘માસિક પત્રિકા’ નામના પોતાના સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રગટ કરી રહ્યા હતા. પણ તે પુસ્તક રૂપે પ્રગટ થઈ ૧૮૫૮માં. ૧૮૬૬માં પ્રગટ થયેલી નંદશંકર મહેતાની ‘કરણઘેલો’ એ ભારતીય ભાષાની ત્રીજી નવલકથા. ૧૮૫૭ના વર્ષમાં આપણા દેશમાં જે ત્રણ યુનિવર્સિટી સ્થપાઈ તેમાંની બે મુંબઈ અને કલકત્તા ખાતે શરૂ થઈ હતી. પહેલી બે નવલકથા આપણને મરાઠી અને બંગાળી પાસેથી મળે છે તે સાવ અકસ્માત નથી. આ યુનિવર્સિટી શરૂ થઈ તે પહેલાં ચાળીસેક વર્ષે બોમ્બે પ્રેસિડેન્સી અને કલકત્તા પ્રેસિડેન્સીમાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી નિશાળો શરૂ થઈ ચૂકી હતી, અને તેમાં ભણતા છોકરાઓ અંગ્રેજી સાહિત્યની કૃતિઓના સંપર્કમાં આવી ચૂક્યા હતા. આ પરિચયને પ્રતાપે અંગ્રેજી ભાષામાં લખાયેલી કૃતિઓ જેવી કૃતિઓ પોતાની ભાષામાં લખવાના કોડ તેમના મનમાં જાગ્યા.
આપણા દેશની ઘણીખરી ભાષાઓ પાસે કવિતા કે પદ્યની તો ઠીક ઠીક લાંબી અને સમૃદ્ધ પરંપરા હતી, પણ વિવિધ ગદ્ય પ્રકારોનું ખેડાણ કરવા માટેની પ્રેરણા તો અંગ્રેજી સાહિત્યમાંથી મળી. પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં ગદ્યકથાનું સ્વરૂપ ખેડાયેલું જોવા મળે છે, પણ જેને આપણે મરાઠીમાં કાદમ્બરી તરીકે અને ગુજરાતીમાં નવલકથા તરીકે ઓળખીએ છીએ તે ગદ્ય પ્રકાર તો આપણે અંગ્રેજી સાહિત્યમાંથી અપનાવ્યો છે. એક ભાષાનો કોઈ સાહિત્ય પ્રકાર બીજી ભાષામાં અપનાવાય તે પહેલાં મોટે ભાગે પહેલ અનુવાદથી થતી હોય તેવું જોવા મળે છે. ઓગણીસમી સદીમાં ઘણાખરા મરાઠીભાષી અને ગુજરાતીભાષી પ્રદેશો એક જ રાજકીય-સાંસ્કૃિતક-શૈક્ષણિક એકમ બોમ્બે પ્રેસિડેન્સીના ભાગ હતા. એટલે એ જમાનાના આ બંને ભાષાના સાહિત્યની કેટલીક ભૂમિકા સમાન હતી. બન્ને વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ સક્રિય હતા. અલબત્ત, ધર્મપ્રચારના એક ભાગ રૂપે, પણ બાઈબલ અને બીજા કેટલાક ગ્રંથોના અનુવાદ તેમને હાથે મરાઠી અને ગુજરાતીમાં થયા. પહેલી અનુવાદિત નવલકથા પણ આ બન્ને ભાષાઓને ખ્રિસ્તી ધર્મપ્રચારની આડપેદાશ રૂપે મળી. બંને ભાષાઓમાં પહેલો અનુવાદ થયો તે પણ એક જ કૃતિ, જોન બનિયનની ‘અ પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’નો. હરિ કેશવજીનો મરાઠી અનુવાદ યાત્રિકક્રમણ નામે અમેરિકન મિશન તરફથી મુંબઈના ગણપત કૃશ્નાજીના છાપખાનામાં છપાઈને ૧૮૪૧માં પ્રગટ થયો. તો તેનો ગુજરાતી અનુવાદ ૧૮૪૪માં પ્રગટ થયો. યાત્રાકરી નામે એ અનુવાદ રેવરંડ વિલિયમ ફ્લાવરે કર્યો હતો અને સુરતના મિશન પ્રેસમાં તે છપાયો હતો.
પહેલી મરાઠી નવલકથા યમુના પર્યટણના લેખક બાબા પદમનજીનો જન્મ ૧૮૩૧માં, બેળગાંવના એક રૂઢીચુસ્ત કુટુંબમાં થયેલો. વ્રત-ઉપવાસ, કથાકીર્તન, પૂજા-યાત્રામાં તેમની માને દ્રઢ વિશ્વાસ. બેળગાંવની સરકારી નિશાળમાં કન્નડ ભાષા દ્વારા પ્રાથમિક શિક્ષણ લીધા પછી ૧૮૪૩માં ત્યાંની જ મિશન હાઈ સ્કૂલમાં તેઓ દાખલ થયા. ૧૮૪૯માં તેઓ મુંબઈ આવી ફ્રી ચર્ચ હાઈ સ્કૂલમાં અને પછી એજ્યુકેશન સોસાયટીની એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભણ્યા. અહીં તેમને ખ્રિસ્તી ધર્મમાં રસ પડવા માંડ્યો. તેઓ જ્ઞાતિપ્રથા અને મૂર્તિપૂજાના વિરોધી અને વિધવા વિવાહના હિમાયતી હતા. પોતાના આ વિચારોનું સમર્થન તેમને પરમહંસ સભાની વિચારણામાં દેખાયું અને તેઓ તેમાં જોડાયા. પણ પછી બીજા કેટલાક સભ્યો સાથે મતભેદ થતાં તેમણે તે છોડી અને ૧૮૫૪ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે ખ્રિસ્તી ધર્મ સ્વેચ્છાએ અંગીકાર કર્યો. બાબા પદમનજીએ લખેલાં સો જેટલાં પુસ્તકોમાં યમુના પર્યટણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
આપણે જેને સુધારક યુગ તરીકે ઓળખીએ છીએ તે સમયના, એટલે કે ઓગણીસમી સદીના ઘણા સુધારકો અને લેખકો માટે તત્કાલીન હિંદુ સમાજમાંની સ્ત્રીની દુર્દશા એ એક કૂટ સમસ્યા હતી અને સ્ત્રીઓની દશા સુધારવા માટેના જુદા જુદા રસ્તાઓએ તેમનું સવિશેષ ધ્યાન ખેંચ્યું હતું. મરાઠીની પહેલી નવલકથા યમુના પર્યટણ અને ગુજરાતીની પહેલી સામાજિક નવલકથા મહીપતરામ નીલકંઠની સાસુ વહુની લડાઈ (૧૮૬૬) એ બંને નવલકથાઓના કેન્દ્રમાં સ્ત્રીની દુર્દશા રહેલી છે. યમુના પર્યટણનું ઉપશીર્ષક છે: 'अथवा हिंदु विधवांच्या स्थितीचें निरूपण.' બાબા પદમનજીની નવલકથાનું મુખ્ય પાત્ર યમુના પોતે તો નહીં, પણ તેના સંપર્કમાં આવતાં બીજાં સ્ત્રી પાત્રો હિંદુ સમાજના એક યા બીજા કુરિવાજનો ભોગ બનેલા છે. જ્યારે મહીપતરામની નવલકથાની નાયિકા સુંદર પોતે જ સંયુક્ત કુટુંબમાં રહીને સાસુના ત્રાસનો ભોગ બને છે. બાબા પદમનજીની યમુના ચાર ચોપડી ભણેલી છે અને તેનો પતિ વિનાયકરાવ પણ સમજુ, શાણો, અને સુશિક્ષિત છે. પડોશમાં રહેતી વિધવા થયેલી ગોદુ મુંડન વિધિમાંથી બચવા માટે ઘરેથી ભાગી તો નીકળે છે, પણ પછી બીજો કોઈ રસ્તો ન દેખાતાં કૂવામાં પડી આપઘાત કરે છે તે જોઈ યમુના અને વિનાયકનું હૃદય દ્રવે છે. થોડી આશાયેશ મેળવવા બંને પર્યટને (મુસાફરીએ) નીકળી પડે છે. સાતારામાં બહુ ચુસ્તતા પૂર્વક વિધવાજીવનના નિયમો પાળતી વેણુના સંપર્કમાં આવે છે. પછી નાગપુરમાં વિનાયકના એક મિત્રને ત્યાં પહોંચે છે. એ મિત્રની યુવાન વિધવા બહેન તેને ધર્મોપદેશ આપવા માટે કુટુંબે રોકેલા ભૂદેવ સાથે જ ભાગી ગઈ છે. તો સાતારાની બીજી એક ખાધે પીધે સુખી કુટુંબની દીકરીનાં લગ્ન ગ્વાલિયરના એક યુવાન સાથે થયા પછી થોડા કલાકોમાં જ તે વિધવા બને છે. પણ આ યુવતી વિધવા કરતાં વેશ્યા તરીકે જીવવાનું વધુ પસંદ કરે છે. પંઢરપુરની એક વિધવા શરીરની ભૂખ શમાવવા રાતે વેશ બદલી ઘરની બહાર જતી રહે છે. આ બધાં જ પાત્રોની દુર્દશાના સાક્ષી બનનાર યમુના અને વિનાયકના જીવનમાં હવે અણધાર્યો વળાંક આવે છે. મુસાફરી દરમ્યાન વિનાયકને જીવલેણ અકસ્માત થાય છે. તેના મૃત્યુ પછી યમુના પંઢરપુર પાછી આવે છે. પણ વિધવા તરીકે બાકીનું જીવન વિતાવાવાને બદલે તે સ્વેચ્છાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે અને એક ખ્રિસ્તી યુવક સાથે ફરી લગ્ન કરે છે. આની સરખામણીમાં મહીપતરામની નાયિકા સુંદર કથાને અંતે મૃત્યુ પામે છે એટલું જ નહીં, એક આદર્શ હિંદુ નારીની જેમ મરતાં પહેલાં એવું નિવેદન કરે છે કે મારા મૃત્યુ માટે મારા પતિ કે સાસરિયાં જવાબદાર નથી. યમુના ફરી લગ્ન કરી શકે છે કારણ તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે. યમુના પર્યટણ લખવા પાછળ બાબાના બે મુખ્ય હેતુ હતા. પહેલો, હિંદુ સમાજમાં વિધવાની જે દુર્દશા થાય છે તે તરફ સમાજનું ધ્યાન દોરવું, અને બીજો, ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવો. આખી કૃતિમાં જુદી જુદી વિધવાઓની વિટમ્બણાઓ આલેખીને તેમણે પહેલો હેતુ પાર પાડ્યો, તો કથાને અંતે યમુનાને ખ્રિસ્તી થતી બતાવીને બીજો હેતુ પાર પાડ્યો. મરાઠી ભાષાની પહેલી જ નવલકથાના લેખક વિધવા વિવાહ કરાવવાની હિંમત બતાવી શક્યા. જ્યારે ગુજરાતી નવલકથામાં છેક ૧૮૮૦માં પહેલી વાર વિધવા વિવાહ જોવા મળે છે. કમલા કુમારી નામની કૃતિમાં ભવાનીશંકર નરસિંહરામ કવિએ બાળવિધવા રાજકુંવરી કમલા કુમારીનાં પુનર્લગ્ન જુગલકિશોર નામના વિધુર યુવક સાથે કરાવ્યાં છે, એટલું જ નહીં, અલકાપુર નામના દેશી રાજ્યના લોકો પણ તેને ટેકો આપે છે એમ બતાવ્યું છે. આ નવલકથાની ૧૯૦૯માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિમાં રમણભાઈ નીલકંઠે અંગ્રેજીમાં સોળ પાનાંની પ્રસ્તાવના લખી છે. તેમાં તેઓ લખે છે: “The author Mr. Bhavanishankar Narsinhram of Limdi has rendered a service to the cause of social reform. He has depicted faithfully the condition of Hindu society and his story makes the necessity of reform self-evident.” જો કે આ વિધવા વિવાહ કઈ રીતે શક્ય બન્યા તેનું નિરૂપણ લેખકે ઝાઝું કર્યું નથી એટલે કથાનો અંત વિશફુલ થિંકિંગ જેવો વધુ લાગે છે.
યમુના પર્યટણથી મરાઠી સામાજિક નવલકથાનો આરંભ થયો, તો ૧૮૬૧માં પ્રગટ થયેલી ‘મુક્તામાલા’થી રોમાંટિક કથાની શરૂઆત થઈ. તેના લેખક હતા લક્ષ્મણ શાસ્ત્રી હળબે. તેમનો જન્મ ૧૮૩૧માં, અવસાન ૧૯૦૪માં. સંસ્કૃત ભાષા-સાહિત્યના વિદ્વાન, પણ સુધારાવાદી પરમહંસ સભા સાથે પણ સંકળાયેલા. વિધવા પુનર્લગ્નના હિમાયતી પણ ખરા. પણ મુક્તામાલામાં તેમણે એક અદ્દભુતરંગી સૃષ્ટિ ઊભી કરી. કરણઘેલો લખવા પાછળ નંદશંકરનો આશય ‘ધર્મનો જય, પાપનો ક્ષય’ થતો બતાવવાનો હતો. મુક્તામાલા લખવા પાછળ તેના લેખકનો પણ આવો જ હેતુ હતો. તેથી કૃતિનાં પાત્રો શ્વેત-શ્યામ રંગમાં રંગાયાં છે. કથાની નાયિકા મુક્તામાલા અને તેના સાથીઓ શ્વેત રંગે રંગાયેલા છે. શ્યામરંગી શુક્લાક્ષ અને તેના સાથીઓનાં જાતભાતનાં કાવતરાંને નિષ્ફળ બનાવી છેવટે મુક્તામાલા ખાધું, પીધું ને રાજ કર્યું એવા સુખાંત સુધી કઈ રીતે પહોંચે છે તે આ કથાનું મુખ્ય વસ્તુ છે. કૃતિની ભાષા-શૈલી પર જેટલો અંગ્રેજીનો પ્રભાવ છે તેના કરતાં ઘણો વધારે પ્રભાવ સંસ્કૃત કથાસાહિત્ય અને અરબી-ફારસી કથાઓની ભાષા-શૈલીનો છે. એ જમાનામાં મુક્તામાલાને ઘણી લોકપ્રિયતા મળી હતી. તેનાથી પ્રેરાઈને લક્ષ્મણશાસ્ત્રી હળબેએ બીજી કૃતિ ૧૮૬૬માં પ્રગટ કરી, રત્નપ્રભા. પણ તે ઝાઝી લોકપ્રિયતા મેળવી ન શકી. તેમાં વિધવા નાયિકા રત્નપ્રભાને નાયક મદનવિલાસ સાથે ફરી લગ્ન કરતી બતાવીને લેખકે વિધવા વિવાહનો પુરસ્કાર કર્યો છે. જો કે રત્નપ્રભાની પાત્રસૃષ્ટિ અને કથાસૃષ્ટિ મુક્તામાલા કરતાં ય વધુ વાયવ્ય છે. મુક્તામાલા પ્રગટ થયા પછી લગભગ પચીસ વર્ષ સુધી રોમાંટિક પ્રકારની નવલકથાની બોલબાલા રહી. મંજુઘોષા (૧૮૬૬), વિચિત્રપુરી (૧૮૭૦), મિત્રચંદ્ર (૧૮૭૦), સુવર્ણમાલીની (૧૮૭૪), પ્રેમબંધન (૧૮૭૪) વગેરેનો આ સંદર્ભે ઉલ્લેખ કરી શકાય. આવી કૃતિઓએ મરાઠી નવલકથાની સંખ્યામાં જેટલો ઉમેરો કર્યો તેટલો તેની ગુણવત્તામાં કર્યો નહીં.
રોમાંટિક પ્રકારની નવલકથાઓનો ચીલો ચાતરીને નવી દિશા ચીંધવાનું કામ કર્યું રામચંદ્ર ભિકાજી ગુંજીકરે. તેમની ઐતિહાસિક નવલકથા મોચનગડ ૧૮૬૭ના જુલાઈ અંકથી વિવિધજ્ઞાનવિસ્તાર નામના સામયિકમાં હપ્તાવાર પ્રગટ થવા લાગી અને ૧૯૭૧માં પુસ્તક રૂપે પ્રગટ થઈ. એટલે કે ૧૮૬૬માં પ્રગટ થયેલી કરણઘેલો અને મોચનગડ લગભગ સમકાલીન. કરણઘેલોના લેખક નંદશંકરનો જન્મ ૧૮૩૫ના એપ્રિલની ૨૧મીએ સુરતમાં, ગુંજીકરનો જન્મ બેળગાવના જાંબોટી નામના ગામડામાં, ૧૮૪૩ના એપ્રિલની ૩૦મી તારીખે. બંને મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈ સ્કૂલમાં ભણેલા. બન્નેએ સરકારી નિશાળમાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી, નંદશંકરે સુરતમાં, અને ગુંજીકરે મુંબઈમાં. ૧૯૦૧ના જૂનની ૧૮મી તારીખે મુંબઈમાં ગુંજીકરનું અવસાન થયું. નંદશંકરનું અવસાન ૧૯૦૫ના જુલાઈની ૧૭મી તારીખે સુરતમાં થયું. બંનેએ એક એક નવલકથા જ લખી છે, અને છતાં બંનેએ પોતપોતાની ભાષાની નવલકથાની વિકાસયાત્રામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. કરણઘેલો લખવાં માટેની પ્રેરણા ‘મહેરબાન રસેલ સાહેબે’ આપી તો ૧૮૬૨માં યોજાયેલા યુનિવર્સિટી ઓફ બોમ્બેના પહેલવહેલા કોન્વોકેશનમાં ચાન્સેલર સર બાર્ટલ ફ્રેરેએ કરેલા દીક્ષાંત પ્રવચનમાંથી ગુંજીકરે પ્રેરણા મેળવી. બે વર્ષનો કારાવાસ ભોગવ્યા પછી કથાનાયક ગણપતરાવ અને એનો મિત્ર કેદમાંથી છૂટે છે એ ઘટનાથી મોચનગડનો આરંભ થાય છે. કથા દરમ્યાન ગણપતરાવ અને તેની પત્ની ગંગુબાઈને માથે અનેક આફતો અને જોખમો આવી પડે છે. કથાને અંતે જ્યારે શિવાજી મોચનગડનો કિલ્લો જીતી લે છે ને શાંતિ, સુવ્યવસ્થા, અને કાયદાનું શાસન સ્થાપે છે ત્યારે બંનેનાં દુખોનો અંત આવે છે. કથામાં શિવાજીનું પાત્ર તો ઘણું મોડું દાખલ થાય છે, અને ઘણો મોટો ભાગ તો ગણપતરામ અને ગંગુબાઈ રોકે છે. આ ઉપરાંત ખલનાયક સત્યાજીરાવ અને ખલનાયિકા કોયના અને ગણપતરાવનો મિત્ર દોલત્યા એ આ કથાનાં મુખ્ય પાત્રો છે.
નંદશંકરની કરણઘેલોથી ગુજરાતીમાં ઐતિહાસિક નવલકથાનો જે ઢાંચો બંધાયો તેમાં ઇતિહાસ મુખ્ય અને કલ્પના ગૌણ બની રહ્યાં. આથી આપણી ભાષામાં ‘ઐતિહાસિક નવલકથા’ એ સંજ્ઞા પૂર્વપદપ્રધાન બની રહી. જ્યારે ગુંજીકરે મરાઠી સાહિત્ય સામે ઐતિહાસિક નવલકથાનો સાવ સામા છેડાનો આદર્શ રજૂ કર્યો. ગુંજીકરની નવલકથાના ટાઈટલ પેજ પર તેનું નામ આ રીતે છાપ્યું છે: ‘મોચનગડ એક કલ્પિત ગોષ્ટ.’ આખી નવલકથામાં જેને ખરેખર ઐતિહાસિક કહી શકાય એવાં પાત્રો અને પ્રસંગો બહુ ઓછા છે. મહારાષ્ટ્રમાં શિવાજીએ ઘણા કિલ્લા બાંધેલા, પણ તેમાં મોચનગડ નામનો કોઈ કિલ્લો નહોતો. નરહર કુરુંદકર જેવા વિવેચક તો મોચનગડને ઐતિહાસિક નવલકથા માનવા જ તૈયાર નથી, પણ મોટા ભાગના વિવેચકો તેને ‘ઐતિહાસિક કાદમ્બરી’ તરીકે ઓળખાવે છે. કારણ તેમાં જે વાતાવરણ છે, લોકોનાં રહેણીકરણી, વિચારો, વાણી-વર્તન જોવા મળે છે તે શિવાજીના જમાનાનાં છે. આ કૃતિમાં ગુંજીકરે પોતાની કલ્પનાશીલતાથી ઐતિહાસિક વાતાવરણ એવી તો કુશળતાથી ઊભું કર્યું છે કે ઇતિહાસ અને સાહિત્યના અઠંગ અભ્યાસી અ. કા. પ્રિયોળકર તો મોચનગડને ઐતિહાસિક કાદંબરીના એક ઉત્તમ નમૂના તરીકે ઓળખાવે છે. આમ, પહેલી કૃતિથી જ મરાઠીમાં ઐતિહાસિક નવલકથા વિશેનો ખ્યાલ ઉત્તરપદપ્રધાન બની રહ્યો અને મરાઠી લેખકો માટે ઐતિહાસિક નવલકથામાં પોતાની કલ્પનાને વધુ છુટ્ટો દોર આપવાનું શક્ય અને માન્ય બન્યું. નંદશંકરનો હેતુ ભલે ગમે તે હોય, કરણઘેલો છેવટે તો ગુજરાતના પરાજયની કથા બની રહે છે. જ્યારે મોચનગડ મહારાષ્ટ્રના જયની કથા બની રહે છે. મોચનગડનો ગુજરાતી અનુવાદ આજ સુધી પ્રગટ થયો નથી. પણ કરણઘેલોનો મરાઠી અનુવાદ છેક ૧૮૯૯મા ‘કરણવાઘેલા અથવા ગુજરાતચા શેવટચા રાજા’ નામે પુસ્તકાકારે પ્રગટ થયો હતો. મોચનગઢના લેખકના નાના ભાઈ ગણપતરાવ ઉર્ફે ગણેશ ભિકાજી ગુંજીકરે કરણઘેલોના અનુવાદની શરૂઆત કરી હતી અને પહેલાં દસ પ્રકરણનો અનુવાદ વિવિધજ્ઞાનવિસ્તાર નામના સામયિકમાં પ્રગટ થયો હતો. ૧૮૯૫માં તેમના અવસાનથી અધૂરો રહેલો અનુવાદ ખંડેરાવ ભીકાજી બેલસરેએ પૂરો કર્યો અને ૧૮૯૯માં તે પુસ્તકાકારે પ્રગટ થયો. આ પુસ્તકની પ્રકાશકે લખેલી પ્રસ્તાવના વાંચતાં પડતી એક ગૂંચ ઉકલતી નથી. નંદશંકરનું અવસાન તો છેક ૧૯૦૫માં થયું, પણ ૧૮૯૯માં પ્રગટ થયેલા આ પુસ્તકમાં પ્રકાશકે નંદશંકરનો ઉલ્લેખ પ્રસ્તાવનામાં બધે જ ‘કૈલાસવાસી નંદશંકર’ તરીકે જ કર્યો છે. નંદશંકરના અહીં આપેલા ટૂંક પરિચયનું પણ છેલ્લુ વાક્ય છે: ‘તાજેતરમાં એમનું મૃત્યુ થયું છે.’ નંદશંકરની હયાતીમાં જ મરાઠી પ્રકાશકે તેમને ‘કૈલાસવાસી’ કેમ બનાવી દીધા હશે?
વિનાયક કોંડદેવ ઓકની નવલકથા શિરસ્તેદાર પુસ્તકાકારે ૧૮૮૧માં પ્રગટ થઈ પણ તે લખાઈ હતી ૧૮૭૨માં. યુરોપિયન અમલદારોના હાથ નીચે સરકારી કચેરીઓમાં કામ કરતા ‘દેશી’ શિરસ્તેદારો અને કારકૂનોના ભ્રષ્ટાચાર અને અપ્રામાણિકતાને ખુલ્લાં પાડવાનો તેનો હેતુ છે. મહેસૂલી અદાલતમાં કામ કરતા એક શિરસ્તેદારની આત્મકથા રૂપે લખાયેલી આ કૃતિમાં લેખકે માત્ર વાસ્તવિકતાનું નિરૂપણ જ કર્યું નથી, પણ તેમાં સુધારો કરવા માટેનાં સૂચનો પણ વણી લીધાં છે. તો ૧૮૭૯માં પ્રગટ થયેલી રહાલકરની નારાયણરાવ અને ગોદાવરી મરાઠીમાં પ્રગટ થયેલી પહેલી કરુણાંત નવલકથા છે.
મરાઠી નવલકથાનો પાયો ભલે ૧૮૫૭મા નખાયો, તેની ઈમારત ચણવાનું કામ પૂરી સજ્જતા અને ધગશપૂર્વક શરૂ થયું તે તો હરિ નારાયણ આપટેની પહેલી નવલકથા ‘મધલી સ્થિતિ’ ૧૮૮૫મા પુસ્તકાકારે પ્રગટ થઈ ત્યારથી. હરિભાઉ તરીકે ઓળખાતા આ લેખકનો જન્મ ૧૮૬૪ના માર્ચની આઠમી તારીખે. ૧૮૫૫મા જન્મેલા ગોવર્ધનરામ ત્રિપાઠી કરતાં હરિભાઉ ઉંમરમાં નવેક વર્ષ નાના. ૧૮૮૭માં જન્મેલા કનૈયાલાલ મુનશી કરતાં ૨૩ વર્ષ મોટા. પણ નવલકથાકાર તરીકે હરિભાઉ ગોવર્ધનરામ કરતાં વધુ તો મુનશીના સગોત્ર. હરિભાઉએ સામાજિક નવલકથાઓ લખી, ઐતિહાસિક નવલકથાઓ લખી, સામાજિક અને પૌરાણિક નાટકો લખ્યાં, ટૂંકી વાર્તાઓ લખી, સાહિત્ય, સાહિય-વિવેચન, અને સાહિત્યિક પ્રશ્નો વિષે પ્રવચનો આપ્યાં, કરમણૂક નામનું સામાયિક સફળતાથી ચલાવ્યું. હરિભાઉની પહેલી નવલકથા મધલી સ્થિતિ પણ ‘પૂણે વૈભવ’માં ૧૮૮૩થી હપ્તાવાર પ્રગટ થવા લાગી ત્યારે તેના પર પણ લેખક તરીકે હરિભાઉનું નામ છપાતું નહોતું.
હરિભાઉનું કુટુંબ મધ્યમ વર્ગનું. મોટા, સંયુક્ત કુટુંબમાં ઉછર્યા. ભણવાની શરૂઆત મુંબઈમાં ઠાકુરદ્વાર પર આવેલી એક પ્રાથમિક નિશાળમાં કરી. પછી મિશન સ્કૂલમાં દાખલ થયા. પણ સાચા અર્થમાં તેમના શિક્ષણની શરૂઆત થઈ તે તો ૧૮૭૮માં જ્યારે તેઓ પૂણેની ન્યૂ ઈંગ્લીશ સ્કૂલમાં જોડાયા ત્યારથી. અહીં તેમના શિક્ષકોમાં વિષ્ણુ શાસ્ત્રી ચિપળૂણકર, ગોપાળ ગણેશ આગરકર, અને બાળ ગંગાધર ટિળક જેવા અગ્રણીઓનો સમાવેશ થતો હતો. હરિભાઉને વાંચવાનો જબરો શોખ. શાળાના અભ્યાસકાળ દરમ્યાન જ તેમણે સંસ્કૃત સાહિત્યની બધી મુખ્ય કૃતિઓ વાંચી નાખી હતી. ૧૮૮૧થી ૧૮૮૬ સુધીનાં વર્ષોમાં કાલિદાસનું શાકુંતલ તો તેમણે અગિયાર વખત વાંચ્યું હતું! તો યુરપના લેખકોમાંથી શેક્સપિયર, મિલ્ટન, સ્કોટ, શેલી, કિટ્સ, મોલિયેર, થેકરે, ડિકન્સ, જેન ઓસ્ટિન, વગેરેને તેમણે વાંચ્યાં હતાં. મેટ્રિકની પરીક્ષા પાસ કરતાં પહેલાં ૧૮ વર્ષની ઉંમરે તેમણે ૭૨ પાનાંનો લેખ લખી શેક્સપિયરના હેમ્લેટના આગરકરે કરેલા અનુવાદની આકરી ટીકા કરતી સમીક્ષા કરી હતી! પંદર વર્ષની વયે લગ્ન થયા પછી ૧૮૮૩માં હરિભાઉએ મેટ્રિકની પરીક્ષા પસાર કરી. પણ તેમને ગણિત સાથે બારમો ચંદ્રમા હતો એટલે પાંચ પાંચ વાર પરીક્ષા આપ્યા પછી પણ તેઓ પ્રિવિયસની પરીક્ષામાં પાસ ન થઈ શક્યા અને છેવટે થાકીને ૧૮૮૮માં તેમણે અભ્યાસ છોડ્યો. એ વખતે એમની ઉંમર ૨૪ વર્ષની અને તેમની બે નવલકથા પ્રગટ થઈ ચૂકી હતી અને લેખક તરીકે તેમને પ્રતિષ્ઠા મળવાની શરૂઆત પણ થઈ ચૂકી હતી. પણ સારી નોકરી મળતી નહોતી. હરિભાઉના કાકાએ ૧૮૮૮માં પૂણે ખાતે આનંદાશ્રમ નામની સંસ્થા શરૂ કરી અને તેનો વહીવટ કરવાનું કામ હરિભાઉને સોપ્યું. પણ હરિભાઉનું વલણ હતું સુધારાવાદી, જ્યારે આ સંસ્થા હતી રૂઢીવાદી વિચારણાનો પ્રચાર-પ્રસાર કરતી. આથી હરિભાઉની સ્થિતિ કફોડી બની, પણ નિયમિત આવકનું બીજું કોઈ સાધન ન હોવાથી તેમણે આ કામ ન છૂટકે સ્વીકારવું પડ્યું. ૧૮૯૦માં તેમણે કરમણૂક નામનું સામાયિક શરૂ કર્યું. તે પછી લખાયેલી તેમની બધી નવલકથા આ સામયિકમાં જ પહેલાં હપ્તાવાર છપાઈ હતી, અને પછી પુસ્તકાકારે પ્રગટ થઈ હતી. ૧૯૧૯ના માર્ચની ત્રીજી તારીખે હરિભાઉનું અવસાન થયું.
ચોત્રીસ વર્ષના લેખનકાળમાં હરિભાઉએ કુલ ૨૪ નવલકથા લખી, જેમાંની ૧૧ સામાજિક અને ૧૧ ઐતિહાસિક નવલકથા છે. બંને પ્રકારની નવલકથામાં એક-એક અનુવાદ કે રૂપાંતર છે, બાકીની મૌલિક છે. તેમની ચાર સામાજિક અને ચાર ઐતિહાસિક નવલકથા અધૂરી રહેલી છે. સામાજિક નવલકથાઓમાં મહારાષ્ટ્રના મધ્યમ વર્ગના લોકોના જીવનનું નિરૂપણ થયું છે. આ પાત્રોમાં શિક્ષિત, અર્ધશિક્ષિત, અને અશિક્ષિત, એમ ત્રણ પ્રકારના લોકો જોવા મળે છે. લગભગ દરેક પાત્રની શૈક્ષણિક લાયકાતનો નિર્દેશ હરિભાઉ અચૂક કરે છે, કારણ શિક્ષણની સાથે સામાજિક, આર્થિક, સાંસ્કારિક દરજ્જો તો સંકળાયેલો હતો જ પણ મોટે ભાગે સુધારા પ્રત્યેનો અભિગમ પણ શિક્ષણ સાથે સંકળાયેલો હતો. આ ઉપરાંત હરિભાઉની પાત્રસૃષ્ટિમાં શાહુકારો, વકીલો, સરકારી અમલદારો વગેરે પણ જોવા મળે છે. ગૌણ પાત્રોમાં દેશી રાજ્યોના રાજાઓ કે તેમના ભાયાતો, અંગ્રેજ અમલદારો, ગરીબ બ્રાહ્મણો, વિધવાઓ, વસવાયાં, ચોર-લૂટારા, વગેરેનો સમાવેશ થાય છે. હરિભાઉની શરૂઆતની નવલકથાઓ મોટે ભાગે હિંદુ સ્ત્રીઓની સ્થિતિને લગતી છે. આ કથાઓમાં છોકરીઓનાં લગ્ન ૬-૭ વર્ષની ઉંમરે ૧૨-૧૪ વર્ષના છોકરા સાથે થઈ જતાં હોય છે. (હરિભાઉનાં પોતાનાં લગ્ન ૧૫ વર્ષની ઉંમરે થયેલાં.) એ જમાનામાં જોવા મળતું તેમ હરિભાઉનાં ઘણાં સ્ત્રીપાત્રો બાળવયમાં જ વિધવા થાય છે, અને તેઓ મૂંગે મોઢે અનેક યાતનાઓ, દુ:ખો, ત્રાસ, સહી લેતાં જોવા મળે છે. તો કેટલીક સ્ત્રીઓના નસીબમાં દારૂડિયા કે લંપટ પતિનાં અપમાન અને મારઝૂડ સહન કરવાનું લખાયું હોય છે. આવી પરિસ્થિતિ દૂર કરવાના ઉપાય તરીકે હરિભાઉ સ્ત્રીશિક્ષણની હિમાયત કરે છે.
હરિભાઉએ ૧૮૮૩માં પહેલી નવલકથા મધલી સ્થિતિ લખવાની શરૂઆત કરી ત્યારે તેમની મૂળ યોજના તો જ્યોર્જ રેનોલ્ડઝની ધ મિસ્ટરીઝ ઓફ લંડનનું રૂપાંતર કરવાની હતી. પણ પહેલું પ્રકરણ લખ્યા પછી તેમને લાગ્યું કે રૂપાંતર કરવા કરતાં સ્વતંત્ર રીતે નવલકથા લખવી વધુ યોગ્ય રહેશે. કારણ રૂપાંતર કરવા જતાં બે જુદા જુદા દેશનાં પાત્રોનાં વિચાર, વાણી, વર્તનમાં સેળભેળ થઈ જશે, અને નવલકથા શંભુમેળા જેવી લાગશે. જો કે શરૂઆતનાં ત્રણ-ચાર પ્રકરણો પર રેનોલ્ડઝની કૃતિની અસર તો જોવા મળે છે. મધલી સ્થિતિ એ જમાનાના પૂણેના માધ્યમ વર્ગનાં પાત્રો અને તેમના જીવનની ઘટનાઓનું નિરૂપણ કરે છે. કથાનો પટ બહુ મોટો નથી, છતાં તેમાં અડધો ડઝન કુટુંબોની પચાસેક વ્યક્તિઓ જોવા મળે છે. તાજેતરમાં મૃત્યુ પામેલા ધનવાન શાહુકારના એક માત્ર દીકરા વિનાયકરાવની સંપત્તિ પડાવી લેવાના આશયથી ખલનાયક ગોવિંદરાવ અને તેની બે સાગરિત કાકુબાઈ અને ઠમાબાઈ જાતજાતનાં કાવતરાં ઘડે છે. પરિણામે વિનાયકરાવ દારૂની લતે ચડે છે, પોતાની માને ઘરમાંથી કાઢી મૂકે છે, પત્ની સરસ્વતીના ચારિત્ર્ય પર શંકા લાવી તેને પણ કાઢી મૂકે છે, અને પૈસે તકે પાયમાલ થઇ જાય છે. પણ છેવટે ગોવિંદરાવ અને તેની સાગરીતો પકડાય છે, તેમને સજા થાય છે, વિનાયકને તેની સમ્પત્તિ, મા, અને પત્ની પાછાં મળે છે, અને એમ અંતે ઘીના ઠામમાં ઘી પડી રહે છે.
મધલી સ્થિતિ પુસ્તકાકારે પ્રગટ થઈ તે પહેલાં જ ૧૮૮૬માં હરિભાઉએ બીજી નવલકથા ગણપતરાવનું ધારાવાહિક પ્રકાશન શરૂ કરી દીધું હતું. પણ જે સામયિકમાં એ પ્રગટ થતી હતી તે એકાએક બંધ પડતાં આ નવલકથા અધૂરી રહી ગઈ હતી. એ પછી બીજી ઘણી નવલકથા લખી, છતાં હરિભાઉએ આ નવલકથા ક્યારે ય પૂરી ન કરી. પહેલી નવલકથા કરતાં આ કૃતિનાં પાત્રો, પ્રસંગો, વાતાવરણ, સાવ જૂદાં છે. સરકારી અફસરનો દીકરો ગણપતરાવ પૂણેની ડેક્કન કોલેજમાં બી. એ.નો અભ્યાસ કરે છે. તેની ઉંમર વીસેક વર્ષની છે, પણ તેનાં લગ્ન થઈ ગયાં છે. તેનો સહાધ્યાયી નાના અપરિણીત છે, વિધવા માતા અને દયાળુ કાકાને આશ્રયે રહે છે. નાનાની બહેન ગોદાવરીને સાસરામાં ઘણાં દુ:ખ વેઠવાં પડે છે. ગણપતરાવ સમાજ સુધારાની બાબતમાં બહુ આકળા-ઉતાવળા છે. ગણપતરાવ અને નાના એક સુસંસ્કૃત, સુખી કુટુંબના પરિચયમાં આવે છે. એ કુટુંબની દીકરી દ્વારકા સાથે વખત જતાં નાનાનાં લગ્ન થશે એવાં સૂચન કથામાં જોવા મળે છે. જો કે પૈસાના લોભને વશ થઈને નાનાના કાકા એક અભણ અને કદરૂપી છોકરી સાથે તેનાં લગ્ન નક્કી કરે છે, પણ નાના તેમની ઇચ્છાને વશ થવાની ચોખ્ખી ના પાડી દે છે એટલે નાનાને અને તેની માને કાકા ઘરમાંથી કાઢી મૂકે છે. તો બીજી બાજુ ગોદાવરી પરના સાસરિયાના ત્રાસ એટલા વધી જાય છે કે ગણપતરાવ અને નાના તેને પાછી લઈ આવવાનું ઠરાવે છે. બરાબર આ તબક્કે જ નવલકથા અટકી જાય છે. આજે આપણી પાસે જેટલી અને જેવી આ નવલકથા છે, તે જોતાં તેનો મુખ્ય હેતુ હિંદુ સ્ત્રીઓની સ્થિતિ બતાવીને તેને સુધારવાના માર્ગો ચિંધવાનો હશે એમ લાગે છે.
ગણપતરાવ લખાતી હતી તે દરમ્યાન જ હરિભાઉએ પોતાની ત્રીજી અને યશદા નવલકથા ‘પણ લક્ષ્યાંત કોણ ઘેતો?’ લખવાનું શરૂ કર્યું અને ૧૮૯૦માં પોતે શરૂ કરેલા સાપ્તાહિક ‘કરમણૂક’માં ધારાવાહિક રૂપે તેને પ્રગટ કરી. તેમની બધી સામાજિક નવલકથાઓમાં આ કૃતિ સૌથી વધુ ધ્યાનપાત્ર બની છે. મધ્યમ વર્ગના મોટા હિંદુ સંયુક્ત કુટુંબોમાંના લોકો અને તેમનું જીવન, સુધારાવાદી અને રૂઢીચુસ્ત વિચારસરણીઓ તથા નવી અને જૂની પેઢી વચ્ચેનો સંઘર્ષ, એ બધાની વચ્ચે અટવાયેલી સ્ત્રીઓની દયાજનક દશા – આ બધાનું સાચકલું ચિત્રણ આ નવલકથામાં જોવા મળે છે. આખી કૃતિ એક શિક્ષિત સ્ત્રીની આત્મકથા રૂપે લખાઈ છે. અલબત્ત, નવલકથા શરૂ થાય છે તે પહેલાં આત્મકથા લખનાર સ્ત્રી યમુનું તો મૃત્યુ થયું હોય છે. નાની વયે રઘુનાથ નામના ભણેલગણેલ, માયાળુ, સીધા સાદા છોકરા સાથે તેનાં લગ્ન થાય છે. યમુની સાસુ પણ ભલીભોળી છે, પણ સંયુક્ત કુટુંબનાં બીજા સભ્યો યમુને જે ત્રાસ આપે છે તે રઘુનાથ અને તેની મા મૂંગે મોઢે જોયા કરે છે, કારણ નબાપા રઘુનાથ અને તેની માનું ભરણપોષણ મામા કરી રહ્યા હતા. લગ્ન પછી થોડા જ વખતમાં ચોથી સુવાવડ વખતે યમુની માનું અવસાન થાય છે અને તેના પિતા બીજું લગ્ન કરે છે. પરિણામે પિયરની વાટ પણ યમુ માટે બંધ થઈ જાય છે. પણ પછી રઘુનાથ કાયદાનો અભ્યાસ કરવા મુંબઈ જાય છે ત્યારે માતા અને યમુને સાથે લેતો જાય છે. યમુ જીવનમાં પહેલી વાર મુક્તિનો શ્વાસ લે છે પણ તેનું આ સુખ ક્ષણિક નીવડે છે. અણધારી રીતે બાર કલાકની માંદગીમાં રઘુનાથનું મૃત્યુ થાય છે. યમુ અને સાસુ ન છૂટકે સંયુક્ત કુટુંબમાં પાછાં ફરે છે ત્યારે બીજા સભ્યો યમુને કેશવપન કરાવાવાની ફરજ પાડે છે. તે પછી તેણે જે માનસિક તાણ અનુભવવા માંડી તેમાંથી બહાર નીકળવાના એક ઉપાય તરીકે તે આત્મકથા લખવાનું શરૂ કરે છે. તેમ છતાં થોડા વખત પછી યમુનું મૃત્યુ થાય છે. યમુ પોતે કથામાં એક સ્થળે કહે છે તેમ એ જમાનામાં સ્ત્રીઓને પાળેલા પ્રાણીની જેમ રાખવામાં આવતી. પુરુષો પોતાની મરજી પ્રમાણે તેને પંપાળે કે મારે, ખાવાનું નીરે કે ભૂખી રાખે, નાની મોટી ભેટ આપે કે ઢોર માર મારે કે બીજી સજા કરે, સ્ત્રીએ એ બધું મૂંગે મોઢે સહી લેવાનું. સ્ત્રીઓની પસંદગી, મરજી કે લાગણીનો તો કોઈ વિચાર જ કરતું નહીં. અને એટલે જ કદાચ કૃતિનું શીર્ષક લેખકે આપ્યું છે: પણ લક્ષ્યાંત કોણ ઘેતો? પાત્રો, પ્રસંગો, વાતાવરણ, વગેરેના આલેખનની કુશળતા ઉપરાંત અહીં જૂદાં જૂદાં સ્ત્રી પાત્રોના સંવાદોમાં એ વખતની અશિક્ષિત કે અલ્પશિક્ષિત સ્ત્રીઓની બૈરક બોલીનો જે કુશળતાથી લેખકે ઉપયોગ કર્યો છે તે ખાસ ધ્યાન ખેંચે તેવો છે. કથામાં ચાલીસ જેટલાં પાત્રો છે પણ પ્રત્યેક પાત્રની રેખા તદ્દન અલગ પડી આવે એ રીતે દોરાઈ છે અને દરેક પાત્ર જીવંત અને ધબકતું લાગે છે. કથાનો વ્યાપ બહુ મોટો નથી, પણ તેની સામગ્રી સમૃદ્ધ છે અને હરિભાઉએ એ સામગ્રીને પૂરેપૂરો ન્યાય આપ્યો છે.
યશવંતરાવ ખરે અધૂરી રહેલી નવલકથા છે, પણ તે પછીની ‘મી’(૧૮૯૩-૧૮૯૫)માં ફરી આત્મકથનાત્મક શૈલી અપનાવી છે. ભાઉ ઉર્ફે સન્યાસી ભવાનંદ તેનો નાયક છે. અહીં સમાજ સુધારાની સાથે રાજકીય સુધારાની વાત પણ કથામાં ઉમેરાય છે. કાયદાનો સ્નાતક બનેલો ભાઉ આખી જિંદગી લોકસેવામાં ગાળવાનું નક્કી કરે છે, અને એ માટે છાપું ચલાવે છે, ભાષણો કરે છે, એક મઠની સ્થાપના કરે છે, અને પોતાની આસપાસ આદર્શવાદી સ્ત્રી-પુરુષોનું જૂથ ઊભું કરે છે. પણ ખૂબ પરિશ્રમ કરવાના થાકથી અંતે તેનું મૃત્યુ થાય છે. ભાઉ ઉપરાંત તેની બહેન તાઈ, ભાઉના ગુરુ શિવરામપંત, અને તેમની દીકરી સુંદરી આ કથાનાં મુખ્ય પાત્રો છે. નાની ઉંમરે તાઈનાં લગ્ન સાઠ વર્ષના ડોસા સાથે, અને તે પણ તેની ત્રીજી પત્ની તરીકે, કરી નાખવામાં આવે છે. પતિના ત્રાસથી પિયર પાછી આવીને તાઈ વધુ અભ્યાસ કરે છે, તો સાથોસાથ સમાજની નિંદા-કુથલીનો ભોગ પણ બને છે. જો કે પતિની છેલ્લી માંદગી વખતે તેને ઘરે પાછી જઈ તે પતિની સેવાચાકરી કરે છે. અભ્યાસ પૂરો કર્યાં પછી તે ભાઈએ શરૂ કરેલા મઠમાં જોડાઈ જાય છે. તો સુંદરી સંવેદનશીલ, કોમળ, પ્રેમાળ, અને પ્રેમ ઝંખતી સ્ત્રી છે. સુંદરી અને ભાઉ સાથે રહે છે અને એક બીજાંને અનુરૂપ છે એ જોઈ ખુદ શિવરામપંત સુંદરી સાથે લગ્ન કરવાની દરખાસ્ત ભાઉ આગળ રજૂ કરે છે. પણ એ પહેલાં જ ભાઉએ તો અપરિણીત રહી સમાજ સેવા કરવાનો નિર્ણય લઈ લીધો છે. લગ્ન કર્યાં વગર સમાજ સેવાનું કામ થઈ શકે તેમ નથી એમ લાગવાથી ગોવર્ધનરામ સરસ્વતીચંદ્રને કથાને અંતે કુમુદના આગ્રહથી કુસુમ સાથે લગ્ન કરતો બતાવે છે, જ્યારે હરિભાઉનો આ નાયક લગ્નને સમાજસેવામાં વિઘ્ન માનીને સુંદરી સાથેનાં લગ્નની પોતાના ગુરુએ કરેલી દરખાસ્તનો અસ્વીકાર કરે છે.
જગ હેં અસેં આહે (૧૮૯૭-૧૮૯૯), ભયંકર દિવ્ય (૧૯૦૧-૧૯૦૩), અને માયેચા બાઝાર (૧૯૧૦-૧૯૧૨), હરિભાઉની પ્રમાણમાં ઓછી સંતોષકારક કહી શકાય તેવી સામાજિક નવલકથાઓ છે. તો આજ ચ (૧૯૦૪-૧૯૦૬) અને કર્મયોગ (૧૯૧૩-૧૯૧૭) તેમની અધૂરી રહેલી સામાજિક નવલકથાઓ છે. પુરોગામી કે સમકાલીન સામાજિક નવલકથાઓ સાથે સરખાવતાં હરિભાઉની કૃતિઓ વાસ્તવિક જીવનનું વધુ સાચકલું પ્રતિબિંબ ઝીલતી હોય તેમ લાગે છે. તેમણે પોતે આ નવલકથાઓને આજકાલચ્યા ગોષ્ટી તરીકે ઓળખાવી છે. આ નવલકથાઓમાં આદર્શવાદ કે કલ્પનાવાદ જોવા મળતો નથી એવું તો નહિ, પણ તે લેખકે ઉપરથી ઠોકી બેસાડ્યા હોય તેવા નથી લાગતા, પણ જે-તે પાત્રોના વ્યક્તિત્વમાંથી ઉદ્દભવતા જણાય છે. બધી કૃતિઓની ભાષા પાંડિત્ય ભરી નથી, રોજ બ રોજની બોલાતી ભાષાનો રણકો તેમાં સાંભળવા મળે છે, અને છતાં દરેક મુખ્ય પાત્રને લેખક પોતીકી બોલી આપી શક્યા છે. તો બીજી બાજુ પાત્રોનાં વિચારો અને લાગણીઓનું ઝીણવટભર્યું નિરૂપણ અને પૃથક્કરણ લેખક સહજતાથી કરી શકે છે. સામાજિક નવલકથાને ક્ષેત્રે હરિભાઉનું સૌથી મહત્ત્વનું પ્રદાન એ છે કે તેઓ વ્યક્તિ અને કુટુંબનું નિરૂપણ એક સામાજિક ઘટક તરીકે કરે છે. એટલે તેમની નવલકથાઓ વ્યક્તિચિત્રો કે કુટુંબકથા ન બની રહેતાં સાચા અર્થમાં સામાજિક નવલકથાઓ બની રહે છે.
હરિભાઉએ એક અનુવાદિત અને દસ મૌલિક મળીને કુલ ૧૧ ઐતિહાસિક નવલકથા લખી છે. તેમાંની છ મરાઠા ઇતિહાસને લગતી છે: ઉષઃકાળ, સૂર્યોદય, સૂર્યગ્રહણ, ગઢ આલા પણ સિંહ ગેલા, કેવળ સ્વરાજ્યાસાઠી, અને મધ્યાહ્ન. તેમાંથી સૂર્યગ્રહણ અને મધ્યાહન અધૂરી રહેલી કૃતિઓ છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં, અને ખાસ કરીને ગ્રાન્ટ ડફના હિસ્ટ્રી ઓફ મરાઠાઝ પુસ્તકના પ્રકાશન પછી અને તેને વિશેના નીલકંઠ જનાર્દન કીર્તનેના ટીકાત્મક વિવેચન પછી મહારાષ્ટ્રના નેતાઓ અને લોકોમાં મરાઠા યુગના ઇતિહાસમાં અને ખાસ કરીને શિવાજીના સમયમાં રસ જાગ્યો. ૧૮૯૫ના એપ્રિલથી લોકમાન્ય ટિળકના કેસરીમાં શિવાજી વિશેના લેખો પ્રગટ થવા લાગ્યા અને તેમની જ પ્રેરણાથી ૧૮૯૬ના એપ્રિલમાં પહેલી વાર ખૂબ જ ઉત્સાહપૂર્વક રાયગઢ ખાતે શિવાજીના જન્મ દિવસની ઉજવણી થઈ. અને ૧૮૯૫થી શિવાજી વિશેની હરિભાઉની નવલકથા ઉષઃકાળ હપ્તાવાર પ્રગટ થવા લાગી. ૧૬૪૭માં માત્ર સત્તર વર્ષની ઉંમરે શિવાજી તોરણનો કિલ્લો જીત્યા તે તેમની કારકિર્દીની પહેલી જીતની કથા આ કૃતિમાં કહેવાઈ છે. જો કે અહી કિલ્લાનું નામ બદલીને સુલતાનગઢ રાખ્યું છે અને શિવાજી, તાનાજી, યેશાજી, બીજાપુરના સુલતાન, અને રણદુલ્લાખાનને બાદ કરતાં બાકીના બધાં પાત્રો કાલ્પનિક છે. કથામાં પાત્રો અને પ્રસંગોનું વર્ણન એટલી તો તાદૃશ રીતે કરવામાં આવ્યું છે કે આખો ય ભૂતકાળ વાચકની નજર સામે ખડો થઈ જાય છે. ઘણા વિવેચકોને મતે આ તેમની ઉત્તમ ઐતિહાસિક નવલકથા છે. તો શિવાજીને હાથે થયેલું અફઝલખાનનું મોત એ સૂર્યોદયનું મુખ્ય વસ્તુ છે. જો કે આ એક જ પ્રસંગને આધારે નવલકથા લખવાનું શક્ય નથી એટલે લેખકે તેમાં ચન્દ્રરાવ અને તેની દીકરી તારાબાઈની આડકથા ઉમેરી છે. તેમાં ચન્દ્રરાવનું પાત્ર ઐતિહાસિક છે, પણ તારાબાઈનું કેવળ કાલ્પનિક. સૂર્યગ્રહણમાં શિવાજીએ ૧૬૬૬માં લીધેલી આગ્રાની મુલાકાત, ત્યાંનો તેમનો કારાવાસ, અને તેમાંથી ભાગી છૂટીને મહારાષ્ટ્રમાં થતું તેમનું પુનરાગમન, એટલી ઘટનાઓનું નિરૂપણ થયું છે. ગઢ આલા પણ સિંહ ગેલા તાનાજીએ ૧૬૭૦માં મેળવેલી સિંહગઢની જીતને આલેખતી લઘુ નવલકથા છે. આ કથાનો પણ પનો ટૂંકો હોવાથી લેખકે તેમાં ઉદયભાનુ અને કમલકુમારીની પ્રેમકથા ઉમેરી છે.
રૂપનગરચી રાજકન્યા (૧૯૦૦-૧૯૦૨), ચંદ્રગુપ્ત (૧૯૦૨-૧૯૦૪), કાલકૂટ (૧૯૦૯-૧૯૧૧), અને વજ્રાઘાત (૧૯૧૩-૧૯૧૫) હરિભાઉની બીજી ઐતિહાસિક નવલકથાઓ છે. તેમાંથી કાલકૂટ અધૂરી રહી ગઈ છે.
૧૮૯૫થી ૧૯૦૩ સુધીમાં લખેલી ચાર નવલકથા દ્વારા હરિભાઉએ મહારાષ્ટ્રની અસ્મિતાની ગૌરવ ગાથા આલેખી છે. તેવી જ રીતે કનૈયાલાલ મુનશીએ પણ જય સોમનાથ, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, અને રાજાધિરાજ એ ચાર નવલકથા દ્વારા ગુજરાતની અસ્મિતાની ગૌરવ ગાથા આલેખી છે. હરિભાઉની જેમ મુનશી પણ પોતાની ઐતિહાસિક નવલકથાઓમાં કાલ્પનિક પાત્રોને અને આડકથાઓને મહત્ત્વ આપતાં અચકાતા નથી. બંનેને ઐતિહાસિક કરતાં કાલ્પનિક પાત્રોનું નિરૂપણ કરવાનું વધુ ફાવે છે, અને તેથી તેમનાં કાલ્પનિક પાત્રો વધુ આકર્ષક લાગે છે. બંનેએ ઇતિહાસ સાથે છૂટ લીધી છે, પણ તે માટે મુનશીને માથે પડી હતી તેવી પસ્તાળ હરિભાઉને માથે પડી નહિ કારણ મોચન ગઢથી જ આમ કરવું સ્વીકાર્ય બન્યું હતું. પાત્રો અને ઘટનાઓના પ્રભાવક આલેખનથી આ બંને લેખકો વાચકોને સતત જકડી રાખે છે. બંનેએ પોતપોતાની ભાષાની નવલકથાના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે.
‘ઐતિહાસિક નવલકથાનો આત્મા છે ઐતિહાસિક વાસ્તવ અને આભાસનું મિશ્રણ અથવા ઇતિહાસ અને કલ્પનાનું મિશ્રણ. આ બંનેનું મિશ્રણ કેટલા પ્રમાણમાં કરવાથી તે પરસ્પરને ઉપકારન નીવડશે અને કૃતિની કલાત્મકતામાં ઉમેરો કરશે તેનો આધાર લેખકની કુશળતા પર રહેલો છે.’ – આ શબ્દો છે હરિભાઉના, પણ મુનશીએ પણ લખ્યા હોય તેવા લાગે છે. આ બંને લેખકો નવલકથા રૂપે ઇતિહાસ નથી લખી રહ્યા, પણ નવલકથાના સર્જન માટે ઐતિહાસિક સામગ્રીનો ઉપ-યોગ કરી રહ્યા છે, અને એ રીતે ભૂતકાલીન વાતાવરણ અને મિજાજનું પુનઃસર્જન કરી રહ્યા છે. એટલે કે તેમની નવલકથાઓ પૂર્વપદપ્રધાન નહીં પણ ઉત્તરપદપ્રધાન છે, તેમાં ઐતિહાસિકતા કરતાં નવલકથાનાં તત્ત્વ પર વધુ ભાર છે. બંનેની નવલકથાઓ ઇતિહાસના દસ્તાવેજો નથી, પણ ઇતિહાસકલ્પ કથાઓ છે, અને આ હકીકતમાં જ બંનેની ઐતિહાસિક નવલકથાનું કલાત્મક મૂલ્ય સમાયેલું છે.
આમ, ૧૯મી સદીના અંત સુધીમાં મરાઠી ભાષામાં નવલકથા દ્રઢમૂલ થઇ ચૂકી હતી. સામાજિક, રોમેન્ટિક, અને ઐતિહાસિક, એમ તેની ત્રણ શાખાઓ પોતપોતાની રીતે વિકસવા લાગી હતી. સામાજિક નવલકથાઓ સમકાલીન સમાજનું વિગતવાર ચિત્રણ કરવાની સાથોસાથ, વ્યક્તિ, કુટુંબ, અને સમાજના જીવનમાં જે દૂષણો પેસી ગયાં હતાં તેના તરફ આંગળી ચિંધતી હતી એટલું જ નહિ, એ ત્રણેની સ્થિતિ સુધારવા માટેના માર્ગો પણ નિર્ભિકતાથી સૂચવતી થઈ હતી. તો ઐતિહાસિક નવલકથાઓ મુખ્યત્વે મહારાષ્ટ્રના ગૌરવભર્યા ભૂતકાળનું અને તે સમયના લોક્નાયકોનું આલેખન કરીને વિદેશી શાસનની એડી તળે કચડાતા, અકળાતા, મૂંઝાતા લોકોને તેમની અસ્મિતા અંગે સભાન કરી રહી હતી. તો રોમેન્ટિક નવલકથાઓ કપરી વાસ્તવિકતાથી, ભલે થોડી વાર માટે, પણ વાચકને દૂર લઈ જઈને કાલ્પનિક સૃષ્ટિમાં મનોરંજન માણવાની તક પૂરી પાડતી હતી. એક-એક નવલકથા જ લખનાર બાબા પદમનજી અને રામચંદ્ર ભીકાજી ગુંજીકરે જે બીજ રોપ્યાં તેનાં પહેલાં સુફળ હરિ નારાયણ આપટેની નવલકથાઓ દ્વારા જોવા મળ્યાં. તેમણે જ મરાઠી નવલકથાને વીસમી સદીની આશાઓ, આકાંક્ષાઓ, અને અપેક્ષાઓને સંતોષી શકે એવી સક્ષમ બનાવી. તેમની જ એક નવલકથાના નામની મદદ લઈને કહીએ તો ઓગણીસમી સદીને અંતે મરાઠી ભાષાના આકાશમાં નવલકથાનો સૂર્યોદય થઈ ચૂક્યો હતો.