ઉમાશંકરના ‘સંસ્કૃિત’ માસિકના ચારસો પંદર જેટલા અંકોના હજારો લખાણો સૂચિકારોએ સમજપૂર્વક વાંચ્યાં છે…
ઉમાશંકર જોશીએ મહાન સાહિત્ય તો સર્જ્યું જ, પણ તેની સાથે ‘સંસ્કૃિત’ નામનાં સામયિકનું પ્રકાશન-સંપાદન પણ ૧૯૪૭થી ૧૯૮૪ સુધી કર્યું. તેના માટે ‘સમયની સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવાની તક મળે તે મુખ્ય પ્રેરણા’ હતી, એમ ઉમાશંકરે નોંધ્યું છે. સાહિત્ય ઉપરાંત અનેક જ્ઞાનશાખાઓને આવરી લેતાં ‘સંસ્કૃિત’ માસિકનો દરેક જ્ઞાનમય અંક ‘જાહેર જીવનના કવિ’ની વૈશ્વિક સંપ્રજ્ઞાનો આવિષ્કાર છે. ‘સંસ્કૃિત’ની આ મહત્તાને છાજે તેવો એક ઉપયોગી, દૃષ્ટિપૂર્ણ અને શ્રમસાધ્ય સંદર્ભગ્રંથ તાજેતરમાં બહાર પડ્યો છે. તેનું નામ છે ‘સંસ્કૃિત સૂચિ’, પેટાનામ ‘સામયિકની વર્ગીકૃત સૂચિ’. આઠસો જેટલાં પાનાંની આ સૂચિ અમદાવાદની હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટસ કૉલેજનાં સમર્પિત ગ્રંથપાલ તોરલ પટેલ અને જાણીતાં સાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદીએ તૈયાર કરી છે.
સૂચિ એટલે પદ્ધતિસરની યાદી. ગ્રંથકર્તાઓએ ‘સંસ્કૃિત’ના ચારસો પંદર જેટલા અંકોના પાંચ હજારથી વધુ લખાણો ઝીણવટથી વાંચીને તેમની વિભાગવાર યાદી તૈયાર કરી છે. તેમાં ‘સંસ્કૃિત’માં આવેલાં દરેક લખાણના લેખકનું નામ, તે જે અંકમાં છપાયું તે અંકના વર્ષ-મહિના-પૃષ્ઠની માહિતી મળે છે. તદુપરાંત લખાણના સાહિત્યિક કે સાહિત્યેતર પ્રકાર અને તેના વિષયનો નિર્દેશ મળે છે. સૂચિકર્તાઓએ ‘સંસ્કૃિત’ની સામગ્રીને ત્રીસ વિભાગમાં વહેંચી છે. તે આ સામયિકના ફલકની અને સૂચિકર્તાઓની ચીવટની ઝલક આપે છે. સૂચિની યથાર્થતા સમજવા માટે ‘સંસ્કૃિત’ના અંકો સુલભ હોવા જરૂરી છે. પણ તે આપણાં જાહેર ગ્રંથાલયો કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં બહુ ભાગ્યે જ હોય છે. ઉકેલ તરીકે, સંસ્કૃિત’ના તમામ અંકો ઉમાશંકરે સ્થાપેલાં ગંગોત્રી ટ્રસ્ટ માટે, મુદ્રણ-પ્રકાશનના કિમિયાગર અપૂર્વ આશરે તૈયાર કરેલી ઉમાશંકર જોશીની અધિકૃત વેબસાઇટ www.umashankarjoshi.in પર વાંચી શકાય છે.
‘સંસ્કૃિત’ સૂચિનો પહેલો જ વિભાગ સૂઝપૂર્ણ છે. આ વિભાગ અંકોનાં ‘આવરણ પૃષ્ઠ’ અંગેનો છે. તેમાં દરેક અંકના મુખપૃષ્ઠ પરનાં ચિત્ર/રેખાંકન/છબીની માહિતી છે. જેમ કે, ‘ગરબો (રસિકલાલ પરીખ) નવે ૫૧’. ત્રીજા કે ચોથા પૂંઠા પર પર મોટે ભાગે કવિતા કે ફકરો છે. તેની નોંધનો દાખલો – ‘ચીનનાં સુવચનો, માર્ચ ૫૦ / પૂ.પા.૪. સૂચિમાં શુદ્ધ સાહિત્યને લગતા વિભાગો આ મુજબ છે : કવિતા, વાર્તા, નવલકથા : અભ્યાસ/સમીક્ષા/સાર/પ્રસ્તાવના, નાટક, નિબંધ, આત્મકથન, ચરિત્રકથન, સાહિત્ય અભ્યાસ: સિદ્ધાન્ત/ ઇતિહાસ/સ્વરૂપ/વિવેચન, ભાષાવિજ્ઞાન, લોકસાહિત્ય, પ્રવાસ.
‘સંસ્કૃિત’ની બહુ મોટી સિદ્ધિ તો સાહિત્યેતર વિષયોને તેમાં મળેલું સ્થાન છે. એટલા માટે સૂચિમાં આ મુજબના વિભાગો પણ છે : જાહેરજીવન-રાજકારણ-ઇતિહાસ, સમાજકારણ, અર્થકારણ, શિક્ષણ, ધર્મ-તત્ત્વજ્ઞાન, કળા-સંસ્કૃિત, પત્રકારત્વ; અને પુસ્તકોને લગતો વિભાગ ‘સ્વાધ્યાય અને સમીક્ષા’. સર્જનાત્મક લખાણો સિવાયનાં લખાણોમાંથી દરેકને એક કે તેથી વધુ વિષયમાં વર્ગીકૃત કરવા એ કસોટીરૂપ બાબત છે. ઉમાશંકર એકંદર જાહેર જીવનના સંખ્યાબંધ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પાસાંને લગતી લાંબી-ટૂંકી પ્રાસંગિક નોંધો લખતા. તેનો ‘સમયરંગ’ નામનો વિભાગ સૂચિમાં બીજા ક્રમે છે. તેના પછીના ‘અર્ઘ્ય’ વિભાગમાં એવાં લખાણોની યાદી છે જે તે તંત્રીએ બીજાં પ્રકાશનોમાંથી લીધેલાંહોય. પત્રમ્-પુષ્પમ્, ‘સંસ્કૃિત’ના વિશેષાંકોના વર્ગ પછી લેખકોના નામોની યાદી છેલ્લા ત્રીસમા વિભાગ તરીકે છે.
છેલ્લેથી બીજો વિભાગ, ‘ઉલ્લેખસૂચિ’ એટલે કે ચાવીરૂપ શબ્દોની યાદી એ આ ગ્રંથની અનોખી સિદ્ધિ છે. તેમાં સર્જનાત્મક સાહિત્ય સિવાયનાં લખાણોમાં આવતાં મહત્ત્વનાં વ્યક્તિ/સંસ્થા/કૃતિ/પારિતોષિકો વગેરેનાં નામ તેમ જ નોંધપાત્ર ઘટનાઓને લગતા શબ્દો છે. વધુ પડકારરૂપ છે તે મુખ્ય વિચાર કે વિષય દર્શાવતા શબ્દો. જેમ કે ‘લોકશાહી’, ‘વિજ્ઞાન’, ‘સમાજ’ વગેરે. એટલે જે લેખોમાં ‘લોકશાહી’ને લગતું કંઈ પણ હોય તે દરેકનું ‘સંસ્કૃિત’ના અંકોમાંનું સ્થાન ‘લોકશાહી’ શબ્દની સામે નોંધવામાં આવ્યું છે. ઉલ્લેખસૂચિ ઝડપી વાચન (સ્પીડ રિડીંગ) અને આકલન પ્રક્રિયાથી તૈયાર થાય છે. દરેક લખાણનું હેતુપૂર્ણ વાચન, તેમાંના કયા શબ્દો ઉલ્લેખ સૂચિમાં આવી શકે તેની તારવણી, અને આવી તારવણી દરમિયાન ઊભો થતો, વધતો શબ્દરાશિ સતત મનમાં જાગતો રાખવાની સતેજતા અનિવાર્ય હોય છે. પાંચેક હજાર ચાવીરૂપ શબ્દોનો આ વિભાગ ‘સંસ્કૃિત’ની ઉપયોગિતા ખૂબ વધારી શકે તેવું મૌલિક પ્રદાન છે.
આવી મૌલિકતા કવિતા વિભાગમાં પણ છે. વિશ્વસાહિત્યના આરાધક ઉમાશંકરના ‘સંસ્કૃિત’માં દેશ અને દુનિયાની ભાષાઓની કવિતાઓના સંખ્યાબંધ અનુવાદ વાંચવા મળે છે. તેમાં ભારતનાં રાજ્યો ઉપરાંત અમેરિકા, આફ્રિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા અને યુરોપના દેશોની કવિતાઓના અંગેજીમાંથી થયેલા અનુવાદ પણ છે. સૂચિમાં તેમાંથી મોટા ભાગની કવિતાઓનાં મૂળ શીર્ષક મળે છે. કાવ્યાસ્વાદના વિભાગને પણ બિલકુલ આ જ બાબત લાગુ પડે છે. ‘સંસ્કૃિત’ના પાને ઘણું કરીને અનુવાદનાં અંગ્રેજી શીર્ષકો આપેલાં નથી. દુનિયાભરની આવી સો કરતાં વધુ પદ્યરચનાઓનાં અંગ્રેજી નામ, કોઈ પણ ભાષાના સાહિત્યનો ઔપચારિક અભ્યાસ ન ધરાવનાર, તોરલબહેને શોધ્યાં છે. તેમાં ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની તેમની તાલીમનો પ્રસ્તુત ઉપયોગ જોઈ શકાય છે. અભ્યાસીઓ સૂચિની મર્યાદાઓ તરફ આંગળી ચીંધી શકશે. પણ તેનાં ઉજળાં પાસાં અનેક છે : એકંદર રચનામાં ડગલે ને પગલે જોવા મળતી સૂઝ, પૃષ્ઠરચના, વિરામચિહ્નોની ઝીણવટ, યુઝર-ફ્રેન્ડલી બનવાની તમામ કોશિશ અને અન્ય. એ પણ નોંધવું જોઈએ કે આ વેબસાઈટનો આ સૂચિની મદદથી કરેલો ઉપયોગ અનેક સંકલનો, સંચયો, સંપાદનો, સંશોધનો અને ઉઠાંતરીઓનો સ્રોત બની શકે એમ છે.
ગુજરાતે ઉમાશંકરને સાહિત્યકાર પૂરતાં જ મર્યાદિત રાખ્યા છે. દુનિયા આખાના જાહેરજીવનના પ્રશ્નો જ નહીં પણ સિવિલાઈઝેશન વિશે નક્કર સંદર્ભમાં સતત વિચારનારા પ્રાજ્ઞજન તરીકે એમની મોટાઈ ચૂકી જવાઈ છે. આ માન્યતા ‘સંસ્કૃિત’ સૂચિમાંથી પસાર થતાં બે રીતે દૃઢ થાય છે. એક, સંસ્કૃિતની પોતાની સામગ્રી; અને બે, સંસ્કૃિત વિષયક લેખોનો અઠ્ઠાવીસમો વિભાગ. તેમાં નોંધવામાં આવેલા મોટા ભાગના અભ્યાસો સાહિત્યકાર ઉમાશંકર વિશે જ લખે છે, સિવિલાઇઝેશનના માનવતાવાદી ચિંતક ઉમાશંકર વિશે નહીં.
ગ્રંથના બહિર-રંગમાં ક્યાં ય નોંધાયું નથી પણ આ વર્ગીકૃત સૂચિ ‘સંસ્કૃિત’ની સૂચિનો બીજો ભાગ છે. પોણા ચારસો પાનાંનો પહેલો ભાગ કાલાનુક્રમિત સૂચિ તરીકે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ૨૦૧૧માં પ્રસિદ્ધ કર્યો હતો (તેના વિશે છ વર્ષમાં એક પણ લેખ લખાયો નથી). સ્વાભાવિક ક્રમમાં આ બીજો ભાગ વિશ્વકોશ ટ્રસ્ટ જેવી માતબર સંસ્થા તરફથી બહાર ન પડે એ વક્રતા છે. ખંતીલા સૂચિકર્તાઓએ તેના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમીને દરખાસ્ત કરી, જે અકાદમીએ અલબત્ત સ્વીકારી. રાજ્ય સરકારે જેની સ્વાયત્તતા છિનવી લીધી છે તે અકાદમી જ, સ્વાયત્તત્તા માટે લડનારા ઉમાશંકર પરનાં અત્યંત મહત્ત્વના ગ્રંથનું પ્રકાશન કરે એ વળી વધુ વિષાદજનક વક્રતા ! જો કે તેને કારણે, સૂચિના સત્ત્વ-તત્ત્વને હાનિ પહોંચતી નથી. ગુજરાતના જૂજ સૂચિકારોની જેમ તોરલબહેન અને શ્રદ્ધાબહેને તેમનાં વ્યવસાય અને વિષયને કૃતાર્થ કર્યા છે.
‘સંસ્કૃિત’ની વર્ગીકૃત સૂચિમાંથી પસાર થતાં વચ્ચે વચ્ચે અને વેબસાઈટ પર લખાણોમાંથી વાંચવા એ રોમાંચક અનુભવ છે. ઉમાશંકરની વિશ્વના આકલન માટેની ઝંખના નતમસ્તક બની જવાય છે. ક્યારેક ભૂલી જવાય છે કે એ કવિ છે. સામે આવે છે તે પોતાના લોકોના વિચારવિશ્વને દુનિયાભરની વિચાર સામગ્રીથી ન્યાલ કરી દેવા માગતો એક અસાધારણ સાક્ષર !
++++++
૨૦ જૂન ૨૦૧૭
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 23 જૂન 2017
![]()


ગુલામમોહમ્મદ શેખ એ એક એવું વ્યક્તિત્વ છે, જે બે માધ્યમમાં કાર્ય કરે છે, જે ચિત્રકલા અને સાહિત્ય. એક ચિત્રકાર તરીકે એઓ જેટલા જાણીતા છે, તેટલા જ તેઓ એક કવિ અને નિબંધકાર તરીકે પણ વાચકોમાં જાણીતા છે. એમનાં કાવ્યસંગ્રહો ‘અથવા’ અને ‘અથવા અને’ ગુજરાતીમાં એક સીમાચિહ્ન સમો સંગ્રહ છે. ગુલામમોહમ્મદ શેખ મુખ્યત્વે એક ચિત્રકાર છે. પણ એમના વડોદરા નિવાસ દરમિયાન તેઓ સુરેશ જોષીના પરિચયમાં આવ્યા અને સાહિત્યના રંગે રંગાયા. એમના સંસર્ગે ભોગીભાઈ ગાંધીનો પરિચય થયો. અને શેખના હાથમાં ફક્ત ઇશિતા જ હતી તે કલમ પણ ઉમેરાઈ. ગુજરાતી ભાષાનો આ એક અત્યંત સુભગ સંયોગ આમ સર્જાયો. એમનું આરંભિક લેખન અલબત્ત, ચિત્રકલાથી શરૂ થયું. એ સમયને યાદ કરતાં શેખસાહેબ લખે છે, “ભોગીભાઈએ એમના નવા સામયિક ‘માનવ’(જે પછી ‘વિશ્વમાનવ’ થયું)માં સુરેશભાઈને કવિતાનો આસ્વાદ લખવા નોતર્યા, ત્યારે મને ય દશ્યકળા વિશે લખવા નોતર્યા ત્યારે મને ય દૃશ્યકલા વિષે લખવા કહ્યું.” (પૃ.૨) આમ, ગુજરાતને એક ચિત્રકાર મળ્યાની સાથે એક લેખક પણ મળ્યા. પછી જે યાત્રા શરૂ થઈ, તેનું પરિણામ એ ‘નીરખે તે નજર’.
‘નીરખે તે નજર’ એ સંચય ચિત્રકાર ગુલામમોહમ્મદ શેખે એમના ચિત્રકલાના ભાવનમાં જે નીરખ્યું તેનો આલેખ આપે છે. ૧૯૫૫થી લેખનની જે શરૂઆત એમણે કરી એ દરમિયાન લખાયેલા લેખોને આ સંચયમાં સમાવવામાં આવ્યા છે. કુલ ત્રેવીસ સચિત્ર લેખોમાં અગિયાર લેખો એમણે જોયેલાં અને માણેલાં ચિત્રોનાં ભાવન અંગે છે, પાંચ લેખો એમણે અન્યો સાથે મળીને અનુવાદ કર્યા તે છે, એક લેખ એમનો જ લખેલો પણ ફ્રેન્ચ ફિલ્મ દિગ્દર્શક ગોદાર્દ વિષે છે (ફિલ્મ પણ દૃશ્યકળા તો ખરીજને), પાંચ લેખો વિવિધ કલાકારો અને લેખકો સાથે એમણે કરેલા સંવાદના રૂપમાં છે અને છેલ્લો લેખ એમના એક ચિત્રની સર્જનયાત્રા વિષે છે.
આપણે મલયાનિલ અને તેમના એકમાત્ર પુસ્તક ગોવાલણી અને બીજી વાતો વિશે વાત કરવાની છે. મલયાનિલનું મૂળ નામ કંચનલાલ વાસુદેવ મહેતા. અમદાવાદમાં તેમનો ઉછેર થયો. વિજ્ઞાનના વિષય સાથે બી.એ. થયા. વાચન, સંગીત અને ચિત્રકલાનો તેમને શોખ હતો. સાહિત્યના વિષય સાથે એમ.એ.ની પરીક્ષા આપવા મુંબઈ ગયા. પણ અચાનક બીમારી આવી અને પરીક્ષા આપી શક્યા નહીં. ઈ.સ. ૧૯૧૬માં એલએલ.બી. થયા. ઈ.સ. ૧૯૧૯માં જૂનની ૨૪મી તારીખે આંતરડાના દર્દને કારણે તેમનું અવસાન થયું.