વહેતા નદીજળમાં એક ગ્રામકન્યા માથાબોળ સ્નાન કરવા બેઠી હતી.
તેના રૂપનાં કિરણો આખા ઘાટ પર છંટાતાં હતાં. એવામાં એક જુવાન નાવિકે પોતાની હોડી લાંગરી, એ તો કન્યા સાથે વાતે વળગ્યો : ‘આ કયા મુલકને કાંઠે હું આવ્યો છું, હેં બાઇ! તારા રૂપનું અજવાળું ઘાટ પર રેલાઇ રહ્યું છે; કહે, કોની તું કન્યકા છો?’
‘એલા નાવિકડા, તારે શી પંચાત ઇ બધી! બહાનાં જવા દે, ને રસ્તે પડ!’
‘હે નારી, મારે ઘરબાર કરવાં છે, પણ સાથી-સંગી ન મળે. રુદિયાની રાણીની ખોજમાં દેશવિદેશે ભટકું છું.'
'તે રુદિયાની રાણીને રસ્તે રેઢી ભાળી ગયો છો? ઠાલી મીઠી વાતું શેની માંડી છે?' '
અરે બાઇ, આજ વાંકાં વેણ કાં કાઢ? મનની વાત બોલ્યો તે મારો મોટો ગુનો?'
કન્યા બોલી : 'મનની વાત મનમાં રાખીએ. ઘરનો મારગ પકડ. તારા જેવો લાજ વિનાનો જણ નથી જોયો.
' દિવસો વીત્યા. છોકરીને થયું, 'એ દા'ડે તો એ જતો રહ્યો. હું તો રોજ ઘાટે આવું છું, પણ મારો વાલીડો દેખાતો નથી.' એવે ટાણે દૂરથી ગાન-લલકાર સંભળાણા. 'ઓલ્યો જ લાગે છે.' '
આવી પૂગ્યો છું, હું પાછો આવ્યો છું, છોકરી! હું જતો હતો ત્યાં હૈયે અજવાળું થયેલું કે તેં મારા રુદિયાને ઝાલી લીધું છે.'
છોકરીએ બનાવટી છણકો કર્યો : 'બોલવાની રીત રાખ. મારે જાણે તારા રુદિયાને ઝાલવા સિવાય કોઇ કામકાજ જ નહીં હોય!'
'બાઇ, તેં નહીં, તારી નજરુંએ મુંને ઝાલ્યો છે. અરે મારા હૈયાની પંખણી! શું ઠાલી મંડી છો મારા વાંક વીંખવા! હવે મારાથી આ મલક નહીં મેલાય.'
'તારાં અરમાન તો આભે આંબે છે, તારી જીભેથી મધ ઝરે છે. હું તો મૂઇ સાવ મામુલી છોકરી : તને મારી કનેથી શું મળવાનું?'
'લે બાઇ! હસતે મોંએ આવતી રે' સંગાથે. આપણે બેય ગાણાં ગાતાં મારે ગામ જાશું.'
કન્યા તો ઊછળી ઊઠી, બોલી : 'તો પછી લાવ, સાથીડા, તારી હોડી અહીં કાઠે લાવ. મનેય દરિયાની મોજુંને માથે પલાણવા દે, પ્રારબ્ધનાં પારખાં કરવા દે.'
[કેતકી કુશારી ડાયસન નામે બંગાળી લેખિકાએ સંભારેલું નાનપણમાં સાંભળેલું બંગાળી નાવિક-ગીત. અંગ્રેજી પરથી.]
સૌજન્ય : જયંતભાઈ મેઘાણીની ફેઇસબૂક વૉલ પરેથી સાભાર
![]()


અનન્ય અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ના તાજા (આઠમા) અંકમાંથી હેમન્ત દવેનો આ લેખ ઉતારતાં ‘નિરીક્ષક’ આભાર સહ આનંદની લાગણી પ્રગટ કરે છે. હજુ હમણેના મહિનાઓમાં ગૂજરાત વિદ્યાપીઠે, ખાસાં પચાસ વરસના અંતરાલ પછી, સાર્થ જોડણીકોશની નવી (છઠ્ઠી) આવૃત્તિ પ્રકાશિત કરી છે. અનાયાસ એ જ અરસામાં આપણા અઠંગ અભ્યાસી હેમન્તભાઈ મારફતે મળી રહેલ કોશ-સર્વેક્ષણ હજુ આપણે કેવું ને કેટલું અંતર કાપવાનું છે, ભૂલસુધાર ઉપરાંત કેવીક નવી ભોં ભાગવાની છે એની સુપેરે ઝાંખી કરાવે છે. વિદ્યાપીઠે આરંભિક એવું એક મોટું કામ જરૂર પાર પાડ્યું, પણ તે અનેક રીતે પુનર્વિચાર અને નવનિર્માણ માગતું હોય એ પણ સ્વાભાવિક છે. આ પુનર્વિચાર અને નવનિર્માણમાં એક સાથી ગુજરાતી તરીકે ઉપયોગી તેમ સહભાગી થવાની દૃષ્ટિએ અહીં આ લેખ ઉતારવો મુનાસિબ લેખીએ છીએ. અચ્છા પ્રૂફચી વજેસિંહ પારગીની ઓન લાઈન વંચાતી નુક્તેચીની હોય કે હેમન્ત દવેનો અભ્યાસલેખ, આવી સઘળી ટીકાટિપ્પણ સમગ્ર સબબ વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહે વિધાયક પ્રતિસાદ આપ્યો છે ત્યારે પૂરા કદના કોશ કાર્યાલય સાથે વિદ્યાપીઠ આ મહેણું જરૂર ભાંગશે એવી ઉમેદ રહે છે …
ગુજરાતી-ગુજરાતી કોશ બનાવવાનો કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ પ્રયત્ન એટલે સાર્થ ગુજરાતી જોડણીકોશ. પ્રારંભે તો એનો ઉદ્દેશ માત્ર જોડણી આપવાનો હતો, અને એ રીતે જોડણીની અરાજકતામાં થોડી વ્યવસ્થા આણવાનો હતો. સરકારે પણ એની જોડણીને માન્યતા આપી, એથી એ સરકારી રીતે પણ માન્ય બન્યો. ત્યાર બાદ એમાં અર્થ ઉમેરીને એને સાર્થ બનાવવામાં આવ્યો. એમાં એ સમયના કેટલાક સાહિત્યિક કર્મશીલોએ કામ કરેલું. પણ જોડણી અને અર્થ વિશે શાસ્ત્રીય રીતે વિચારનારા એ સમયના પંડિતોનો એમાં ગમે તે કારણે સહયોગ લઈ શકાયો નહોતો. વળી, આ કામ સ્વતંત્રતાસંગ્રામ દરમિયાન કરવામાં આવેલું અને એમાં કામ કરનારા કેટલાયે વિદ્વાનો – જેમ કે, મહાદેવ દેસાઈ, કાકા કાલેલકર, નરહરિ પરીખ, વગેરે સ્વાતંત્ર્યસેનાની પણ હોવાથી તેઓ કોશ માટે સંપૂર્ણ સમય કે ધ્યાન ફાળવી શકે તેમ નહોતા; એ કામ એમની માટે ખંડસમયનું હતું. આમ, બધી રીતે જોતાં આ કોશ નબળો બને એમાં નવાઈ નથી. શરમની વાત એ છે કે એ પછી – ભારતદેશ સ્વતંત્ર થયા બાદ, ગુજરાતમાં એક કરતાં વધારે વિશ્વવિદ્યાલયો સ્થપાયાં બાદ અને કોશવિદ્યામાં પદ્ધતિની રીતે મોટાં પરિવર્તનો આવ્યાં પછી – પણ એની જે આવૃત્તિઓ આવી, તે બધી રીતે રેઢિયાળ અને બેજવાબદાર હતી. ૪. અલબત્ત, આપણે સંસ્થાગત મર્યાદાઓ પણ ધ્યાને લેવી રહી. જેમ કે, સાર્થના પ્રકાશકના નિવેદનમાં જણાવાયું હતું કે કોશના કામને અંગે વિદ્યાપીઠમાં કોશવિભાગ ચાલે છે. તેમાં સાધનોની મર્યાદાના કારણે મોટી સંખ્યામાં કાયમી સેવકો રાખી શકાતા નથી. પણ જ્યારે-જ્યારે જરૂર પડે ત્યારે જુદા-જુદા સેવકોને મદદમાં લેવામાં આવે છે. આમ છતાં, બીજી ભાષાઓમાં શાસ્ત્રીય કોશો કેટલાયે વિદ્વાનોએ એકલપંડે તૈયાર કર્યા છે, એ જોતાં કોઈને આ પ્રકારનો બચાવ લૂલો લાગે એ સંભવિત છે.