પ્રશિષ્ટ પુસ્તકોના પ્રચ્છન્ન અનુવાદક ચિત્તરંજન વોરા આજે સિત્યોતેર વર્ષ પૂર્ણ કરી ઇઠ્યોતેરમા વર્ષમાં પ્રવેશે છે.
ગૂજરાત વિદ્યાપીઠના સાદરા ખાતે આવેલા મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલયના પૂર્વ આચાર્ય અને અર્થશાસ્ત્રના અધ્યાપક ચિત્તરંજનભાઈએ પશ્ચિમના ચાર મહત્ત્વનાં પુસ્તકોના ગુજરાતીમાં સંતોષકારક અનુવાદ આપ્યા છે.
આ પુસ્તકો છે : 'અન્ ટુ ધિસ્ લાસ્ટ' (જૉન રસ્કિન), 'ધ્ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ' (લીઓ ટૉલ્સ્ટૉય), 'સૉક્રેટિક ડાયલૉગ્ઝ' (પ્લેટો) અને 'પૅરલલ લાઇવ્ઝ' (પ્લુટાર્ક).
આ ચારેય પુસ્તકોની મહત્તા એવી છે કે વૈચારિક વાચનમાં રસ ધરાવનાર વાચકને તે પોતાની ભાષામાં આવ્યાં છે એ જાણીને આનંદ અને ગૌરવ થાય. જો કે આ કૃતિઓના ગુજરાતી અનુવાદક લગભગ પ્રચ્છન્ન એટલે કે અજાણ્યા છે.
ચિત્તરંજનભાઈએ અંગ્રેજીમાંથી ઊતારેલાં આ પુસ્તકોનાં પાનાં સહેજ ધ્યાનથી ફેરવતાં અનુવાદો પાછળની તેમની દૃષ્ટિ અને તેમના પરિશ્રમની વારંવાર પ્રતીતિ થાય છે. પ્રાચીન ગ્રીસના લેખક પ્લુટાર્કના પુસ્તક સિવાયનાં પુસ્તકોમાં તેમણે એકંદરે શબ્દશ: અનુવાદ આપ્યો છે. પ્લુટાર્કમાં તેમણે ચોક્કસ સમજ સાથે સંક્ષેપનો માર્ગ લીધો છે.
રસ્કિન, ટૉલ્સ્ટૉય અને પ્લેટોનાં પુસ્તકોના અંગ્રેજી પાઠ સાથે ગુજરાતી અનુવાદની થોડીક નમૂનારૂપ સરખામણી કરતાં અનુવાદ વિશ્વસનીય અને ધોરણસરની ગુણવત્તાવાળો જણાય છે. દરેક પુસ્તકમાં અનુવાદ પહેલાંનાં પાનાંમાં ચિત્તરંજનભાઈ અનુવાદ પાછળની તેમની ભૂમિકા સમજાવે છે, તેમ જ લેખક અને કૃતિ વિશે અભ્યાસપૂર્ણ માહિતી આપે છે.
****
'અન્ ટુ ધિસ્ લાસ્ટ' (Unto This Last, 1862)) અને 'ધ્ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ' (The Kingdom of God is Within You,1893) પુસ્તકોનો ગાંધીજી પર મોટો પ્રભાવ હતો એ વાત આત્મકથા થકી જાણીતી છે.
ચિત્તરંજન ગાંધીવિચારને વરેલા પરિવારના છે. તેમના પિતા, બે ભાઈઓ અને પત્ની ગાંધીવિચાર સાથે કામ કરતી સંસ્થાઓ સાથે આજીવન સંકળાયેલાં રહ્યાં છે.
ગાંધીજીએ સમાનતાવાદી અર્થવ્યવસ્થાને લગતાં ચાર નિબંધોના સંચય 'અન ટુ ધિસ લાસ્ટ'નો સાર ખાસ તેમની એ વખતની ગુજરાતી ભાષામાં 'સર્વોદય’ નામની ચાળીસેક પાનાંની પુસ્તિકામાં 1922માં આપ્યો હતો. પછીનાં વર્ષોનાં ગાળામાં રસ્કિનના પુસ્તક વિશે આપણે ત્યાં વાત થતી રહી, પણ તે પુસ્તક ચિત્તરંજનભાઈની કલમે છેક 1995માં આવ્યું.
તેને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી એમ.એલ. દાંતવાલાની લાંબી વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના મળી જેનું મથાળું છે – ''અન્ ટુ ધિસ્ લાસ્ટ’ નો કોઈ વિકલ્પ નથી'.
મનુભાઈ પંચોળી દર્શકે 'એક રૂડું કામ' નામે મનભર આવકારલેખ આપતાં લખ્યું: 'ભાઈ ચિત્તરંજને અક્ષરશ: અનુવાદ કરીને મોટી ખોટ પૂરી છે. આ મહાન કલાવિવેચક અને સાહિત્યસ્વામીનો સફળ અનુવાદ કરવો એ ખાંડાના ખેલ છે. છતાં તેને ઉતારવાનો પ્રયત્ન ભારે પ્રશસ્ય છે.'
અંગ્રેજી સાહિત્યના વિક્ટોરિયન યુગના મેકૉલે અને કાર્લાઇલ જેવા ગદ્યકારોના લખાણોની જેમ રસ્કિનના ગદ્યના અનુવાદનો પડકાર ચિત્તરંજનભાઈએ ઠીક ઝીલ્યો છે.
પુસ્તકની બીજી સંવર્ધિત આવૃત્તિ 2013માં થઈ. તેમાં અનુવાદની ઉત્તમ ગુણવત્તા અંગેના જાણકારોના અભિપ્રાયો વાંચવા મળે છે.
અનુવાદકે રસ્કિનના જીવન અને વિચારદર્શન વિશે સંતર્પક લેખ લખ્યો છે. પુસ્તકનો શિરમોર હિસ્સો છે: ''અન્ ટુ ધિસ્ લાસ્ટ' વિશે અર્થશાસ્ત્ર અને ગાંધીવિચારના સંદર્ભમાં સમજૂતી'. અહીં ચિત્તરંજનભાઈએ ચારેય નિબંધોમાં રસ્કિને ક્રમવાર લખેલા તમામ 307 મુદ્દામાંથી લગભગ દરેકનો સરેરાશ દસથી ત્રીસ જેટલા શબ્દોમાં સાર આપ્યો છે !
બીજી આવૃત્તિમાં 'અન્ ટુ ધિસ્ લાસ્ટ'ના અનુવાદની સાથોસાથે રસ્કિનની પરીકથા 'ધ્ કિન્ગ ઓફ ધ ગોલ્ડન રિવર'નો ચિત્તરંજનભાઈએ 'સોનેરી નદીના રાજા' નામે કરેલો અનુવાદ બન્સી વર્મા 'ચકોર'ના ચિત્રો સાથે મળે છે. આ બાળવાર્તા 'અન્ ટુ ધિસ્ લાસ્ટ'ના 'સારરૂપ' હોવાનું દર્શક અનુવાદની ટૂંકી પ્રસ્તાવનામાં નોંધે છે. ગંભીર પુસ્તકોના અનુવાદક બાળકો માટેનું મજાનું ગુજરાતી પણ લખી શક્યા છે.
'અન્ ટુ ધિસ્ લાસ્ટ'ની બંને આવૃત્તિઓ કોઈ જાણીતા પ્રકાશકે નહીં પણ સંભવત: અનુવાદકના પોતે ‘વિચારધારા પ્રકાશન’ થકી પ્રસિદ્ધ કરી છે, તે નવાઈની વાત લાગે છે.
***
ટૉલ્સ્ટૉયના 'ધ્ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ' પુસ્તકની બાબતમાં નવાઈની વાત એ કે તે ગાંધીજીએ આત્મકથામાં તેનો 'વૈકુંઠ તારા હૃદયમાં છે' એવા કાવ્યાત્મક નામ સાથે ઉલ્લેખ કર્યો. એટલે પછી આત્મકથાના વિસ્તરતાં વાંચન સાથે એવી ગેરસમજ ફેલાતી ગઈ કે આ આખું પુસ્તક પણ ગુજરાતીમાં છે. પણ એ જ નામ સાથે પ્રત્યક્ષ પુસ્તક છેક 2017માં ‘નવજીવન પ્રકાશન’ થકી આવ્યું.
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમિયાન ઊભું કરેલ ટૉલસ્ટૉય ફાર્મ એ અગ્રણી રશિયન ચિંતકના ગાંધીજી પરના પ્રભાવનો પૂરાવો છે. અનુવાદક નોંધે છે : 'મહાત્મા ટૉલ્સ્ટૉયના આ ગ્રંથે ['કિન્ગડમ ઑફ ગૉડ…'] મહાત્મા ગાંધીના અહિંસક સત્યાગ્રહની શોધ વખતે તેમની વિચારણાના પાયાને મજબૂત કર્યા. આ ગ્રંથ પ્રેમ, ક્ષમા, ભાઈચારો અને વિશ્વનાં આદિકારણને સમર્પિત જીવનનિષ્ઠાનો ગ્રંથ છે. તેથી આ ગ્રંથ માત્ર ખ્રિસ્તી ધર્મ પૂરતો જ નહીં પણ જગત આખાની માનવતાનો અમૂલ્ય વારસો છે. ગાંધીજીએ તેને ધાર્મિકતાની સંકુચિત સાંપ્રદાયિકતાથી ઊપર ઊઠીને વાંચ્યો અને તેમાંથી પોતાને માટે સાર હતું તે ગ્રહણ કરી લીધું.'
અનુવાદકના નિવેદનમાં પુસ્તકની મહત્તા ઉપરાંત ટૉલસ્ટૉયનાં જીવનકાર્ય અને ગાંધી-ટૉલ્સ્ટૉય સંબંધો વિશેની રસપ્રદ માહિતી મળે છે. મૂળ પુસ્તકમાંથી 'પુનરુક્તિના અને ક્ષેપક જેવા કેટલાક અંશો જતા કર્યા છે' એમ પણ અનુવાદક નોંધે છે. પુસ્તકમાં મહેનતથી તૈયાર કરેલી પંદરેક પાદટીપો ખ્રિસ્તી ધર્મ, બાઇબલ, ઇતિહાસ જેવાં ક્ષેત્રોને લગતી છે.
***
ગ્રીક તત્ત્વચિંતક સત્યવીર સૉક્રેટિસ ઇસવી સન પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયા. તેમણે વિવિધ વ્યક્તિઓ સાથે કરેલા પાંત્રીસ સંવાદો તેમના ફિલસૂફ શિષ્ય પ્લેટોએ લખ્યા છે. તેમાંથી યૂથીફ્રો, ક્રીટો અને ફીડો સાથેના સંવાદો ચિત્તરંજન ગુજરાતીમાં લાવ્યા છે.
અલબત્ત, સહુથી પ્રેરણાદાયી તો ‘એપોલોજી’ એટલે કે 'સૉક્રેટિસનું બચાવનામું' છે. તેનો સાર ગાંધીજીએ 'એક સત્યવીરની કથા અથવા સૉક્રેટીસનો બચાવ’ નામે 'ઇન્ડિયન ઓપીનિયન' પત્રિકામાં 1908માં લખ્યો છે. એમાંથી અવતરણ સાથેની એક ખૂબ રસપ્રદ પાદટીપ અનુવાદકે મૂકી છે. પોતાના નિવેદનને અંતે તેઓ નોંધે છે : 'આ ગ્રંથ મુજબ સૉક્રેટિસની વિચારપદ્ધતિ શીખનાર પ્રજા પોતાની અંધશ્રદ્ધાઓને તપાસીને તેમાંથી મુક્ત બની શકે છે …'
****
ચિત્તરંજનભાઈના ચારેય પુસ્તકોમાં આકર્ષક પાત્રો અને કથારસ ધરાવતો અનુવાદ (બાળકથા ઉપરાંત) એટલે 'પ્લુટાર્કની વીરકથાઓ' (નવજીવન, 2021). પ્લુટાર્ક (ઇ.સ. 45-120) ગ્રીક ઇતિહાસકાર, ગદ્યલેખક અને ધર્મોપદેશક હતો. તેણે પચાસ ગ્રીક અને રોમન પ્રતિભાઓ વિશે લાંબા ચરિત્રલેખો કર્યા છે. તેમાંથી 'વીરકથાઓ' પુસ્તકમાં દસ વ્યક્તિઓ વિશે વાંચવા મળે છે. શેક્સપિયરના 'જ્યુલિયસ સીઝર' અને 'ઍન્ટની ઍન્ડ ક્લિઓપાત્રા' નાટકો માટેનો સ્રોત પ્લુટાર્ક છે. આ પાત્રો ઉપરાંત ગ્રીક સમ્રાટો પેરિક્લીઝ અને ઍલેક્ઝાંડર, રાજદ્વારી મુત્સદ્દી સિસેરો, વક્તા ડેમોસ્થેનીસનાં વ્યક્તિચિત્રો પણ ચિત્તરંજનભાઈએ પસંદ કર્યા છે.
નિવેદનમાં તેઓ સ્પષ્ટતા કરે છે કે આ ‘પદ્ધતિ મુજબનો અક્ષરશ: તરજૂમો નથી'. તેમણે 'વાચનરસ માટે પ્રસ્તુત ન હોવાથી' દૂર કરેલ બાબતો જણાવી છે તેમ જ ક્યાંક 'નવું લખાણ ઉમેરવાનો ખ્યાલ પણ રાખ્યો છે.' જેમ કે, ઍલેક્ઝાંડરના પાત્રમાં અનુવદક વિજયગાથાઓ વિશેના પ્લુટાર્કના શબ્દો પછી પોતાના વતી ઉમેરે છે : ' … તે આજના એકવીસમી સદીના સ્વતંત્ર દેશવાસીએ ખાસ સમજવાનું રહે.'
ચિત્તરંજનભાઈ આ અનુવાદને મૂળ પુસ્તકની ‘કેવળ ઝાંખી માત્ર’ ગણાવે છે. પુસ્તકનો ઉદ્દેશ 'વીતેલા જમાનાની માનવતાએ ભોગવેલ મહાત્ત્વાકાંક્ષા અને સંહાર જેવાં આત્મઘાતક પુનરાવર્તનોમાંથી ભાવિના ઉગારા માટે' 'ધર્મમય માર્ગ' ચીંધવાનો છે એ મતલબનું અનુવાદક લખે છે.
***
ગયાં દોઢસો જેવાં વર્ષ દરમિયાન ગ્રીક સાહિત્યમાંથી કેટલાક અક્ષરગ્રંથો ગુજરાતીમાં આવ્યા છે. તેમાં સૉકેટીસ-પ્લેટો અને પ્લુટાર્કના ચિત્તરંજનભાઈ પાસેથી મળેલાં અનુવાદો મહત્ત્વનું ઉમેરણ છે.
ચિત્તરંજનભાઈના મૂલ્યવાન અનુવાદોને વધુ અભ્યાસીઓ મળે અને તેમને વધુ નિરામય વર્ષો મળે તેવી શુભેચ્છા !
(તસવીર સૌજન્ય : નીતિન કાપૂરે)
19 જાન્યુઆરી 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


ખબરપત્રી તેમની મુલાકાત લેવા સારુ છેક બંદર ઉપર પહોંચી જઈને તેમને મળ્યો. તેને પહેલાં પહોંચી જઈને ગાંધીને મળી લેવાની હોંશ હતી. ‘સૌથી પ્રથમ, તેજ કદમ’નું સ્પર્ધાસૂત્ર એ જમાનાના પત્રકારત્વનું લક્ષણ હોય પણ ખરું. પેલા પત્રકારે તો મળતાંની સાથે જ ગાંધી ઉપર અંગ્રેજીમાં સવાલ છાંટ્યો. પછી શું થયું? … ગાંધીનું નહીં, પેલા પત્રકારનું?! … આ અંગે આપણા સૌના ‘કા.કા.’ને પૂછવું પડે.
ઇતિહાસના પાને કોઈ એક દેશના વતનીઓ વિદેશે વસતા હોય તેઓ સ્વદેશમાં ચાલતી ચળવળો કે લડતોને આર્થિક તેમ જ નૈતિક સહાય અને ટેકો આપતા રહેતા હોય છે તેમ નોંધાયું છે. અમેરિકા અને અન્ય દેશોમાં વસતા જુઇશ લોકોની ઈઝરાયેલને અપાતી સહાય તેમ જ આયર્લેન્ડના વતનીઓને વિદેશે વસતા આઈરીશ લોકોની કુમક સર્વ વિદિત છે. તાજેતરમાં ભારતમાં થયેલ કિસાન ચળવળને વિદેશી સહાય મળી છે. પરંતુ મૂળ દેશમાં રહેતા વતનીઓ વિદેશે વસતા પોતાના દેશબાંધવોને તેમની માનવ હક્ક માટેની લડાઈ અને તે પણ એક અવનવી ઢબની અહિંસક લડાઈમાં તન, મન, ધનથી સહાય કરવા તત્પર થયા હોય તેવા જૂજ ઉદાહરણો છે. એવું એક અદ્વિતીય ઉદાહરણ આજે અહીં પ્રસ્તુત છે.
હું કહી શકું કે વર્તમાન સમયમાં માત્ર સ્વહિત ખાતર નહીં, પરંતુ સમસ્ત દુનિયામાં વસતા ભારતીય લોકોના માન અને સુખાકારી માટેની મોટા ભાગની જવાબદારી અમારે શિરે છે. અમારે એ સમસ્યાઓથી વાકેફ થવું જોઈએ અને જે મહાન બલિદાનો અપાયાં છે અને દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય લોકોએ સ્વેચ્છએ જે યાતનાઓ સહન કરી છે, તે આપણી નિષ્ક્રિયતા અને અવગણનાને કારણે એળે ન જાય એની ખાતરી રાખવી જોઈએ. ભારતમાં રહેનાર આપણે ભૂલવું ન જોઈએ કે ટ્રાન્સવાલમાં આપણા સાથીઓએ આપણા દેશની ગરિમા જાળવવા ઘણી કઠણાઈઓ સહી અને ઘણા ત્યાગ કર્યા છે અને અલબત્ત તમારો જુસ્સો અને હિંમત અડગ રહ્યા છે, પણ તમારી પાસેના સાધનો હવે આ લાંબી લડતમાં ઘટવા લાગ્યા હશે. આથી મને લાગે છે કે તમને જો વધુ સહાય ન મળે તો આ લડતને લાંબો વખત ટકાવી નહીં શકાય. જો ભારતીય પ્રજાની મૂલવણી અને ટેકાના અભાવે આ લડત માંડી વાળવી પડે તો મને ભય છે કે આપણી શ્વેત જાતિથી ઉતરતા હોવા પણાની સ્વીકૃતિની સમકક્ષ એ પગલું ગણાશે. તેના પરિણામ સ્વરૂપ દુનિયામાં જુદી જુદી જગ્યાએ વસતા આપણા દેશબાંધવો સાથે શ્વેત પ્રજા દ્વારા કેવો વ્યવહાર કરવામાં આવશે તેનું સહેલાઈથી અનુમાન લગાવી શકાય તેવું છે.