આજે સમગ્ર વિશ્વમાં ભારતના લોકો પોતાના સૌથી મહાન નેતા મહાત્મા ગાંધીનો ૭૫મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આવા પ્રસંગો પર પહેલેથી એવું ચલણ રહ્યું છે કે આપણે આપણા જે નેતાને આદરાંજલિ અર્પિત કરવા માગતા હોઈએ, તેમના જીવન-પ્રસંગના દાખલા દઈએ છીએ. અલબત્ત, ભારતના લોકો મહાત્મા ગાંધીના જીવન અને તેમનાં કાર્યોથી એટલા બધા વાકેફ છે કે આજે હું તેમની જીવનગાથા સંભળાવવા માંડીશ તો એ આ લોકોની બુદ્ધિમત્તાનું એક પ્રકારનું અપમાન જ ગણાશે.
એટલે આજે હું તેમની જીવનગાથાને બદલે ભારતના સ્વતંત્રતાના સંઘર્ષમાં મહાત્માજીના સ્થાન અંગે થોડા વિચારો રજૂ કરીશ. દેશ માટે, દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીએ જે સેવા કરી છે, તે અદ્વિતીય છે અને તેમના જેવું બીજું કોઈ ઉદાહરણ નથી. તેમનું નામ આપણા દેશના ઇતિહાસમાં કાયમ માટે સુવર્ણ અક્ષરોમાં લખેલું રહેશે.
ભારતીય ઇતિહાસમાં મહાત્મા ગાંધીના યોગ્ય સ્થાનને સમજવા માટે પહેલાં તો આપણે ભારતમાં અંગ્રેજી રાજનું એક વિહંગમ દૃશ્ય જોઈ લેવું પડશે. તમે સૌ જાણો છો કે અંગ્રેજોએ જ્યારે ભારતની ભૂમિ પર પગલાં પાડ્યાં ત્યારે આપણા દેશમાં દૂધ અને મધની નદીઓ વહેતી હતી, અને એ પણ ખરું કે ભારતની સંપન્નતાથી આકર્ષિત થઈને જ ગરીબી સામે ઝઝૂમી રહેલા અંગ્રેજો સમુદ્ર પારથી અહીં આવ્યા હતા. આજે આપણે જોઈ રહ્યા છીએ કે રાજકીય ગુલામી અને આર્થિક શોષણને પરિણામે ભારતીય લોકો તો ભૂખમરા અને કુપોષણનો ભોગ બનીને મરી રહ્યા છે અને બીજી તરફ અંગ્રેજ લોકો ભારતનાં સંસાધનોને લીધે અમીર બની ગયા છે, તાજા-તગડા બની ગયા છે.
લાંબા સમયથી અપમાન, અત્યાચાર અને જાતભાતનાં કષ્ટો, યંત્રણાઓને સહન કરીકરીને હવે ભારતના લોકો સમજી ગયા છે કે આપણી અનેક પ્રકારની તકલીફો, સમસ્યાઓનો એક જ ઉકેલ છે – ખોવાયેલી આઝાદીને પાછી મેળવવી. અંગ્રેજોએ ભારતના ભલાને કઈ રીતે હણી નાખ્યું? તેમણે ક્યારે ય પણ દેશના કોઈ પ્રદેશમાં ત્યાંના તમામ લોકો સાથે સંઘર્ષ કર્યો નથી અને તેમણે એક જ સાથે સમગ્ર રાષ્ટ્ર પર કબજો કરવાનો પ્રયાસ પણ ક્યારે ય નથી કર્યો. તેમણે તો ભ્રષ્ટ પદ્ધતિઓ અપનાવીને સમાજના એક નાનકડા વર્ગને પોતાના તરફ ખેંચ્યો, જેથી તે અંગ્રેજો સામે બાંયો ચડાવ્યા પહેલાં જ ઘૂંટણિયાં ટેકવી દે. બંગાળમાં એવું જ તો થયેલું. અંગ્રેજોએ મિરઝાફરને બંગાળનું રાજ સોંપી દેવાનો વાયદો કરીને તેને પોતાની પાંખમાં લઈ લીધો. આ રીતે આઝાદ બંગાળના અંતિમ બાદશાહ સિરાજુદ્દદૌલાને તેમના જ સેનાપતિ મીરઝાફરે ધોખો આપ્યો, પરંતુ બાદશાહના એક હિંદુ સેનાપતિ મોહનલાલે બાદશાહને અંતિમ સમય સુધી સાથ આપ્યો. એ જમાનામાં ભારત ધાર્મિક કે કોમવાદી સમસ્યાઓથી સાવ અજાણ હતું. ભારતના ઇતિહાસના આ કિસ્સા પરથી આપણને શું શીખવા મળે છે? એ જ કે વિશ્વાસઘાતને સમયસર પારખવો અને દબાવી દેવો જોઈએ. આ વિના કોઈ રાષ્ટ્ર પોતાની આઝાદીનું રક્ષણ નથી કરી શક્યું.
કમનસીબે બંગાળમાં થયેલી આ ઘટનાઓથી ભારતના લોકોની આંખો ઊઘડી શકી નથી. બંગાળમાં સિરાજુદ્દદૌલાના પરાજયથી ભારતના લોકોએ કોઈ બોધપાઠ ગ્રહણ કર્યો હોત અને અંગ્રેજો વિરુદ્ધ એક સહિયારો સંગઠિત મોરચો ખોલ્યો હોત તો ભારતની ભૂમિ પરથી આ અનિચ્છનીય વિદેશીઓને ઉખાડી ફેંકવામાં તેઓ સફળ થયા હોત. આપણી આઝાદીના રક્ષણ માટે લોકો લડ્યા નથી એવું તો કોઈ કહી શકે એમ નથી. પરંતુ તેઓ પોતાની લડાઈ સંગઠિત થઈને લડી શક્યા નહીં, સંઘર્ષને સહિયારો બનાવી શક્યા નહીં. પછી અંગ્રેજોએ જ્યારે દક્ષિણમાં ટીપુ સુલતાન પર હુમલો કર્યો. ત્યારે ટીપુ સુલતાનને બચાવવા માટે ન તો મધ્ય ભારતમાંથી મરાઠા આગળ આવ્યા, ન ઉત્તરમાંથી શીખ. બંગાળના પતન પછી પણ જો ઉત્તર ભારત અને ટીપુ સુલતાન એકજૂથ થઈ ગયા હોત, તો અંગ્રેજોને હાંકી કાઢવાનું શક્ય બન્યું હોત. કમનસીબે એવું ન થઈ શક્યું. આવા જ સંજોગોને કારણે અંગ્રેજો એક પછી એક પ્રદેશ પર હુમલો કરવામાં, તેને જીતવામાં અને એ રીતે ધીમે-ધીમે સમગ્ર દેશ પર છવાઈ જવામાં સફળતા હાંસલ કરી શક્યા. ભારતીય ઇતિહાસના આ પીડાદાયક અધ્યાય પરથી આપણને બોધપાઠ મળ્યો કે એકતા વિના, સંગઠિત થયા વિના આપણે દુશ્મનની સામે ન તો ટકી શકીએ અને ન તો આઝાદી મેળવી શકીએ. કદાચ આઝાદી મળી પણ જાય તો ય તેનું રક્ષણ એકતા સાધ્યા વિના થઈ શકે નહીં.
આપણી ભારતીયોની આંખો બહુ મોડી મોડી ખૂલી શકી છે. આખરે ઈ.સ. ૧૮૫૭માં ભારતીયો જાગ્યા. દેશના જુદા જુદા પ્રદેશોમાં તેમણે અંગ્રેજો પર હુમલા કર્યા. અંગ્રેજ ઇતિહાસકારોએ તેને સિપાહીઓનો બળવો ઠેરવ્યો. આપણે તેને આઝાદીનું પહેલું યુદ્ધ કહ્યું. આ સંઘર્ષની શરૂઆતમાં આપણે અંગ્રેજોને આસાનીથી હરાવ્યા, પરંતુ પછી બે કારણોને લીધે આપણે આખરી વિજય હાંસલ કરી શક્યા નહીં. એક તો આ સંઘર્ષમાં સમગ્ર દેશના લોકોએ હિસ્સો ન લીધો અને એના કરતાં પણ મહત્ત્વપૂર્ણ તથ્ય એ હતું કે આપણા સૈનિકો દુશ્મનના સૈનિકો કરતાં તક્નિકી રીતે નબળા હતા.
ઈ.સ. ૧૮૫૭ની હાર પછી અંગ્રેજોએ ભારતના લોકોનાં હથિયારો છીનવી લીધાં. આપણને અસહાય બનાવી દીધા. આગળનાં ૩૦ વર્ષ સુધી આપણે અત્યંત લાચાર, ઉદાસ, નિરાશ બની રહ્યા. પછી ઈ.સ. ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ઉદ્દભવને કારણે રાજકીય ચેતનાની લહેર ઊઠી. કૉંગ્રેસ પોતાના પ્રારંભિક કાળમાં થોડી ઉદારવાદી પ્રકારની હતી. પ્રારંભમાં તે અંગ્રેજો પાસેથી કાયદાકીય રીતે પૂર્ણ આઝાદીની માગણી મૂકતાં ગભરાતી હતી. પછી ૨૦ વર્ષના ટૂંકા સમયગાળામાં કૉંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકવામાં આવ્યો. આ નવા દોરમાં આપણને અરવિંદ ઘોષ જેવા નેતા મળે છે, જે ભારત માટે પૂર્ણ સ્વતંત્રતાની માગણી કરે છે. આ માગની સાથે-સાથે જ કેટલાક ઉગ્ર ઉપાયો પણ અજમાવાનું શરૂ થાય છે. બંગભંગનો પ્રતિકાર કરીને બ્રિટિશ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાનું શરૂ થાય છે. પછી પ્રતિકારની આ રીતભાતો ધીમે ધીમે દેશના અન્ય પ્રદેશોમાં પણ ફેલાવા લાગે છે. ભારતીય યુવાનો માત્ર આર્થિક બહિષ્કારથી સંતુષ્ટ ન રહ્યા. તેમણે ક્રાંતિકારી યુવાનોને તોડફોડ વગેરેની તાલીમ લેવા માટે બૉમ્બ અને પિસ્તોલ પણ મોકલ્યાં. અને અહીંના યુવાનો રશિયા તથા આયરલૅન્ડ વગેરેમાં અપનાવાયેલા ક્રાંતિકારી તરીકાઓનું અધ્યયન કરવા લાગ્યા.
ગયા વિશ્વયુદ્ધમાં કપટી અંગ્રેજ રાજનેતાઓએ ભારતીય નેતાઓને ખોટા વાયદાઓ કરીને તેમને છેતર્યા જ હતા. પરિણામે ભારતનું લોહી અને પૈસા અંગ્રેજોની સેવામાં લગાવાયાં અને તેનાથી ભારતની ગુલામીની જંજીરો વધારે મજબૂત બની ગઈ હતી. પરંતુ, અહીં એટલું તો કહેવું જ પડશે કે ભારતીય ક્રાંતિકારીઓ અંગ્રેજો થકી છેતરાયા નહીં અને તેઓ દેશમાં ક્રાંતિ માટે યથાશક્તિ જોતરાયા. દેશના કમનસીબે તેઓ નિષ્ફળ ગયા.
પછી એ યુદ્ધ પૂરું થયું. અંગ્રેજોએ આઝાદીનો વાયદો કર્યો હતો, એટલે ભારતીય નેતા તેમની પાસે આઝાદીની માગણી કરવા લાગ્યા. એ વખતે પહેલી વાર તેમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે તો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. ઈ.સ. ૧૯૧૯માં તેમની આ માગણીના જવાબમાં રૉલેટ ઍક્ટ કે કાળો કાનૂન લાદવામાં આવ્યો. જે થોડી ઘણી આઝાદી બચી હતી, તેને પણ આ કાયદાએ છીનવી લીધી હતી. લોકોએ જ્યારે આ કાળા કાયદાનો વિરોધ કર્યો, તો જલિયાંવાલા બાગ જેવા નરસંહાર થયા. વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય લોકોએ જે ત્યાગ કરેલો અને બલિદાન આપેલું, તેના બદલામાં તેમને અંગ્રેજો તરફથી બે પુરસ્કાર મળ્યાં – રૉલેટ ઍક્ટ અને જલિયાંવાલા બાગ.
આ ઘટનાઓએ ભારતીયોને સ્તબ્ધ કરી દીધા. જાણે લોકોને થોડા સમય માટે લકવો જ મારી ગયો. આઝાદી માટેના તમામ પ્રયાસોને અંગ્રેજોની સેનાઓએ ખરાબ રીતે કચડી નાખ્યા હતા. વિધાનસમ્મત આંદોલન, બ્રિટિશ વસ્તુઓનો બહિષ્કાર અને સશસ્ત્ર ક્રાંતિ- આ બધામાં આઝાદી મેળવવાની એક જેવી જ નિષ્ફળતાને લીધે ભારતીયોના મનમાં આશાનું કોઈ કિરણ બાકી બચ્યું નહોતું. તેમનાં હૃદય આક્રોશથી છલોછલ હતાં અને તેઓ અંધારામાં ભટકી રહ્યા હતા. સંઘર્ષની કોઈ નવી પદ્ધતિ કે નવા હથિયાર માટે ફાંફાં મારી રહ્યા હતા.
મનની શૂન્યતાની આવી ક્ષણોમાં મહાત્મા ગાંધીનો ઉદય થયો. તેઓ પોતાની સાથે લાવ્યા અસહયોગની, સત્યાગ્રહની એક અભિનવ, અનોખી પદ્ધતિ. એવું લાગ્યું જાણે વિધાતાએ જ આઝાદીનો માર્ગ દેખાડવા માટે તેમને મોકલ્યા હતા. ક્ષણભરમાં સમગ્ર દેશ આપોઆપ જ તેમની સાથે જોડાઈ ગયો. દરેક ભારતીય ચહેરો આત્મવિશ્વાસ અને આશાની ચમકથી દમકવા લાગ્યો. આખરી વિજયની આશા ફરી જાગી ઊઠી.
ત્યાર પછીનાં ૨૦ વર્ષો સુધી મહાત્મા ગાંધીએ ભારતની મુક્તિ માટે કાર્ય કર્યું અને તેમની સાથે સાથે ભારતીય જનતા પણ સંઘર્ષ કરતી રહી. ઈ.સ. ૧૯૨૦માં ગાંધીજી આગળ ન આવ્યા હોત તો કદાચ આજે પણ ભારત એવું જ અસહાય હોત, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. ભારતીય આઝાદી માટે તેમની સેવાઓ અનન્ય-અતુલ્ય રહી છે. કોઈ એક એકલો માણસ એ સંજોગોમાં એક જિંદગીમાં આટલું બધું ન કરી શક્યો હોત.
ઈ.સ. ૧૯૨૦થી દેશની જનતા મહાત્મા ગાંધી પાસેથી બે બાબતો શીખી. આ એવી બાબતો છે જેના વિના આઝાદી મળી શકે નહીં. પહેલી બાબત છે, મનમાં દેશ માટે સમ્માન અને સાથે-સાથે આત્મસમ્માન, અને બીજી વાત છે દેશભરમાં ફેલાયેલું એક એવું સંગઠન, જે દેશનાં અંતરિયાળ ગામડાંઓ સુધી ઉપસ્થિત છે. હવે આઝાદીનો સંદેશ દરેક ભારતીયના મનમાં સમાઈ ગયો છે. તેમની સાથે સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરનાર એક રાજકીય સંગઠન પણ છે. આ રીતે આઝાદીનો અંતિમ સંઘર્ષ કરવાનો સમય આવી ગયો છે.
મહાત્મા ગાંધીએ આઝાદીના આ પથ પર આપણા પગ મજબૂતીથી જમાવી દીધા છે. તેઓ અને અન્ય નેતાઓ આજે જેલના સળિયા પાછળ છે, એટલે જે કામ મહાત્મા ગાંધીએ શરૂ કર્યું છે, તેને આજે દેશવાસીઓએ પૂરું કરવાનું છે. જે લોકો દેશમાં રહે છે, તેમણે અને જેઓ દેશની બહાર છે, તેમણે પણ આ કામ પૂરું કરવાનું છે.
(સપ્રેસ)
અનુ. દિવ્યેશ વ્યાસ
(બીજી અૉક્ટોબર, 1943ના રોજ ગાંધીજીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે બૅંગકોક રેડિયો પરથી સુભાષાચંદ્ર બોઝે કરેલા પ્રસારણનો અંશ. મૂળ અંગ્રેજીમાંથી ‘ગાંધી માર્ગ’ના સંપાદક અને પ્રસિદ્ધ પર્યાવરણવિદ અનુપમ મિશ્રે કરેલા અનુવાદ પરથી)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 10-11
![]()


ભલાઈ સાથે જ્ઞાનનો સુયોગ સાધવો જોઈએ. કેવળ ભલાઈ ઝાઝી ઉપયોગી નથી. માણસ પાસે સૂક્ષ્મ વિવેકશક્તિ હોવી જોઈએ. એ સારાસારવિવેક આધ્યાત્મિક હિંમત અને ચારિત્ર્યનો સહોદર છે. કટોકટીને પ્રસંગે, ક્યારે બોલવું અને ક્યારે મૌન સેવવું, ક્યારે પ્રવૃત્ત થવું અને ક્યારે ન થવું એ માણસે જાણવું
જુવાનીમાં ગાંધીજીના શાંતિવાદી વિચારો માટે મને સૂગ હતી. યુવાનો સામાન્ય રીતે હિંસાને પૌરુષ અને અહિંસાને નબળાઈ માની લેતા હોય છે. અહિંસા ખરેખર જ હિંમત માગી લે છે, એ વિચાર જ મને ગળે ઊતરતો નહોતો. અમારું આંદોલન ગાંધીવાદી પરંપરાને ક્રાન્તિમાં અવરોધ માનતું હતું. રાષ્ટ્રીય આંદોલનના એમના નેતૃત્વને જબ્બરદસ્ત નિષ્ફળતા મળી હતી, એમ અમે માનતા. મેં શરૂઆતમાં જ હિંસાનો અંગત દાખલો આપ્યો છે, તે ઉપરાંત ક્રાન્તિકારી આંદોલનોની નિષ્ફળતા અને કોમી નફરતમાં થયેલા વધારાને કારણે મને સમજાયું કે ગાંધીજીનું જીવન અને જે રીતે એમની આ દુનિયામાંથી વિદાય થઈ તે આજે પણ અર્થસભર છે. મને યાદ છે કે હિન્દીના એક ડાબેરી લેખકે ગાંધીજી વિશે એક લેખ લખીને અંતે એમના હત્યારા નાથુરામ ગોડસેનાં ફાટ્યે મોંએ વખાણ કર્યાં, ત્યારે હું વ્યથિત થઈ ગયો હતો. એના પછી મારી આંખ ખૂલી કે હિંસક રાજકીય પરિવર્તનના ચાહનારાઓમાં એક જાતની ધ્રુજાવી દે એવી સમાનતા હોય છે. ભારતમાં ડાબેરીવાદના મુખ્ય પ્રવાહો હજી પણ ગાંધીનો સ્વીકાર નથી કરી શક્યા. એમની આ ત્રુટિનો જોટો માત્ર હિંસાના સિદ્ધાંતને સમજવાની એમની નિષ્ફળતામાં મળે છે. પરંતુ કોમવાદ છેલ્લાં પંદર વર્ષમાં જે રીતે ફૂલ્યોફાલ્યો છે, તેથી હવે ડાબેરીઓ ગાંધીની નિષ્ઠા અને કોમી સુમેળ માટે એમણે આપેલા બલિદાન પ્રત્યે જાગૃત થયા છે. એમના આ કેવળજ્ઞાનના પરિણામે જ જાન્યુઆરી ૧૯૯૩માં ગાંધીજીના શહીદીદિને દિલ્હીમાં એમણે એક ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કર્યું હતું.